- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કૂવો કાશીરામનો, પાણી દેવીલાલનું !

દિલ્લી નજીકના એક ગામડામાં બે સગા ભાઈ રહેતા હતા. એકનું નામ દેવીલાલ અને બીજાનું નામ કાશીરામ. દેવીલાલ મોટો. કાશીરામ નાનો. બંને ભાઈઓ અલગ રહેતા હતા ને ખેતી કરતા હતા. કાશીરામ મહેનતુ હતો. તે જાતે પોતાની ખેતી સંભાળતો હતો. જ્યારે દેવીલાલ આળસુ હતો. એને કામ કરવું ગમતું નહિ તેથી પોતે ખાઈ-પી ઘરમાં આરામ કરતો અને ખેતીનું કામ નોકરો પર છોડી દેતો.

પરિણામ એ આવ્યું કે દેવીલાલની આવક ઓછી થતી ગઈ અને છેવટે એટલી ઓછી થઈ ગઈ કે એણે પોતાનું ખેતર વેચવા કાઢયું. પરંતુ કાશીરામને મોટાભાઈ પ્રત્યે લાગણી હતી. એણે વિચાર કર્યો કે મોટાભાઈનું ખેતર હું જ રાખી લઉં જેથી એમને હું આ ભીડ વખતે થોડું વધારે આપી મદદ કરી શકું.

એણે એ ખેતર બજારભાવ કરતાં વધુ પૈસા દઈ રાખી લીધું. ખેતરમાં એક પાકો બાંધેલો કૂવો પણ હતો. તે પણ એણે રાખી લીધો. પૈસાની લેવડદેવડ થઈ ગઈ. પંચો રૂબરૂ લખાણ થયું કે ‘દેવીલાલનું ખેતર કાશીરામનું, પાકો કૂવો પણ કાશીરામનો !’

બીજે દિવસે કાશીરામ હળ-બળદ લઈને પોતાના નવા ખેતરમાં ગયો, અને કૂવામાંથી પાણી ખેંચવા તેણે કોશ જોડ્યો. હજી કોશ પાણીને અડ્યો નથી ત્યાં દેવીલાલ દૂરથી બૂમો પાડતો આવ્યો : ‘એ….ઈ.. સબૂર !’
કાશીરામે મોટાભાઈને જોઈ આદરથી કહ્યું : ‘કેમ, કંઈ ગરબડ છે ?’
દેવીલાલે આંખો કાઢી કહ્યું : ‘તું આ શું કરે છે ?’
કાશીરામે કહ્યું : ‘કેમ વળી, કૂવામાંથી પાણી કાઢું છું. ખેતરમાં સીંચાઈ કરવી છે.’
દેવીલાલે કહ્યું : ‘સીંચાઈ કરવી હોય તો કર, પણ પાણીના પૈસા ભર ! પાણી કંઈ મફતમાં નથી આવતું.’
કાશીરામે કહ્યું : ‘પણ મોટા ભાઈ, કૂવો હવે મારો છે. મેં એ તમારી પાસેથી વેચાતો લીધો છે.’
દેવીલાલે નફટાઈથી કહ્યું : ‘કૂવો વેચાતો લીધો છે એ કબૂલ, પણ પાણી મેં વેચ્યું નથી અને તેં એ વેચાતું લીધું નથી. પાણી લેવું હોય તો તારે મને રોજના પાંચ રૂપિયા આપવા પડશે. પહેલા પૈસા પછી વાત ! પહેલો વ્યવહાર, પછી સગપણ !
કાશીરામે કહ્યું : ‘મોટાભાઈ તમે અવળી વાત કરો છો – મેં કૂવો લીધો એની સાથે પાણી આવી ગયું.’
દેવીલાલે દુષ્ટ હાસ્ય કરી કહ્યું : ‘છોકરાં પટાવવા નીકળ્યો છે શું ? ચાલ, કાજી પાસે આનો ન્યાય કરાવીએ.’

બંને ભાઈ કાજી પાસે ન્યાય માગવા ગયા. મોટાભાઈએ પોતાના બચાવમાં પંચોને રજૂ કર્યા. પંચોએ લખત રજૂ કર્યું, લખતમાં લખ્યું હતું કે ‘આજથી દેવીલાલનું ખેતર કાશીરામનું, પાકો કૂવો પણ કાશીરામનો’.
પંચોએ કહ્યું : ‘કૂવો વેચવાની વાત થઈ છે, પાણી વેચવાની વાત થઈ નથી. ખતમાં લખ્યું હતું તે સહી !’
કાજીએ પણ કહ્યું : ‘ખતમાં લખ્યું તે સહી ! દેવીલાલે કાશીરામને પાકો કૂવો વેચ્યો છે, પાણી વેચ્યું નથી. માટે કાશીરામે પાણી લેવું હોય તો દેવીલાલને રોજના પાંચ રૂપિયા આપવા !’

કાશીરામની મુસીબતનો પાર ન રહ્યો.
એણે મોટાભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જેને સમજાવું જ નથી તેને કોણ સમજાવી શકે ? મોટા ભાઈએ સામેથી કહ્યું : ‘એ તો તું મારો નાનો ભાઈ છે એટલે હું માત્ર પાંચ રૂપિયામાં તને આપું છું – બાકી ધારું તો, દશ પણ માગી શકું ને પંદર પણ માગી શકું છું. અરે, પાણી આપવાની સદંતર ના પણ કહી શકું છું !

આ સાંભળીને નાનોભાઈ કાશીરામ તો હેબતાઈ જ ગયો.
વિચાર કરતાં તેને છેવટે ભાંગ્યાનો ભેરુ બીરબલ યાદ આવ્યો. એવા મોટા માણસની પાસે જતાં એ બીતો હતો. પણ છેવટે એ પહોંચી ગયો. તેણે બીરબલને બનેલી બધી વાત કરી, છેલ્લે કહ્યું : ‘મારો સગો મોટો ભાઈ મને આમ વિતાડે ?’ એ સાંભળી બીરબલે કહ્યું : ‘ભાઈઓમાં સંપ રહે ત્યાં લગી ઠીક છે, પણ સંપ ગયો, લોભ પ્રવેશ્યો તો પછી ભાઈ જેવો ભૂંડો કોઈ નથી. પછી ત્યાં વિનય, વિવેક કે સાદી સમજ કશું રહેતું નથી. તું હવે એક કામ કર. બાદશાહના દરબારમાં ધા નાખ !’

બીજે જ દિવસે કાશીરામ બાદશાહના દરબારમાં જઈ ઊભો.
બાદશાહ અકબર ઊંચે ઝરૂખા જેવા કમરામાં સિંહાસન પર બિરાજ્યા હતા અને વજીર તેની સામે નીચે આરસની પાટ પર ઊભો હતો. બાદશાહની આજ્ઞા થતાં એણે બૂમ પાડી : ‘કોઈ છે અરજદાર ? હોય તો આગળ આવી અરજ પેશ કરે !’

કાશીરામે બીતાં બીતાં આગળ આવી લળી લળીને સલામ કરી પોતાની ફરિયાદ રજૂ કરી. બાદશાહે કહ્યું : ‘વજીર, કરો ઈન્સાફ !’
વજીરે લખાણનું ખત જોઈ કહ્યું : ‘જહાંપનાહ, ખતમાં પાણીની વાત લખી જ નથી – કાજીએ કહ્યું તે સાચું છે.’
પણ બાદશાહના મનમાં ગડ બેસતી નહોતી. તેણે બીરબલની સામે જોયું.
બીરબલે કહ્યું : ‘મહારાજ ! દેવીલાલને એક-બે પ્રશ્નો પૂછવાની રજા આપો !’
બાદશાહે કહ્યું : ‘રજા છે !’
બીરબલે દેવીલાલને પૂછયું : ‘આ ખત કર્યું ત્યારે તું બિનકેફ (નશા વગર) હતો ?’
દેવીલાલે કહ્યું : ‘જી હા !’
‘પંચો બિનકેફ હતા ?’ પંચો ત્યાં હાજર હતા. તેમણે કહ્યું : ‘હા જી, અમે બિનકેફ હતા.’
બીરબલે કહ્યું : ‘તો લખત સાચું છે. દેવીલાલે કૂવો વેચ્યો છે. પાણી નથી વેચ્યું એ સ્પષ્ટ છે.
’ આ સાંભળી દેવીલાલ ખુશ થયો. તે બોલી ઊઠ્યો : ‘વાહ, બીરબલજી, વાહ !’

થોડીવાર રહી બીરબલે દેવીલાલને કહ્યું : ‘કૂવો કાશીરામનો છે અને એમાં પાણી તમારું એ સાબિત થયું. હવે મને એક સવાલનો જવાબ દો – કાશીરામના કૂવામાં તમે તમારું પાણી રાખો છો તો એ બદલ તમે એને શું ભાડું આપો છો ?
દેવીલાલે કહ્યું : ‘ભાડું વળી કેવું ?’
બીરબલે કહ્યું : ‘ભાડું ન આપવું હોય તો કૂવામાંથી તમારું પાણી લઈને હાલતા થાઓ ! જો કાશીરામના કૂવામાં તમારે તમારું પાણી રાખવું હશે તો પાણી જ્યાં સુધી એ કૂવામાં રહેશે ત્યાં લગી તમારે કાશીરામને રોજના દશ રૂપિયા ચૂકવવા પડશે.’

ચુકાદો સાંભળી આખી કચેરી ચોંકી ઊઠી.
બાદશાહ ખુશ થઈ બોલી ઊઠ્યો : ‘બિલકુલ બરાબર ! દિલ્લીની હકૂમત આ ચુકાદાનો બરાબર અમલ કરશે.’

દેવીલાલને બચવાનો કોઈ માર્ગ રહ્યો નહિ. એ ઢગલો થી બીરબલના પગમાં પડ્યો અને કરગર્યો : ‘મને માફ કરો ! મારી ભૂલ થઈ ગઈ !’

બાદશાહે કહ્યું : ‘માફ નહિ થાય, સજા થશે ! વજીર, દેવીલાલ અને આ પંચોને બજાર વચ્ચે ઊભા રાખી દશ દશ કોરડા ફટકારો અને એમની તમામ માલમિલકત જપ્ત કરી લો. – ભલે ગારાનાં તગારાં ઊંચકી પેટ ભરે !’

પછી બાદશાહે વડા વજીરને કહ્યું : ‘અને કાજીને કહે કે હવે તમારે કાજીપણું કરવાની જરૂર નથી. હુકાની નળી મોમાં ઘાલી ઘેર બેઠા રહો.’

તરત હુકમનો અમલ થઈ ગયો.