તણખલાં – અનુ. જયંત મેઘાણી

tanakhla[ ‘તણખલાં’ એ કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં મૌક્તિકો છે. અંગ્રેજી ઉપરથી તેનો અનુવાદ શ્રી જયંતભાઈ મેઘાણીએ (ભાવનગર) કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1]
આ ટેકરીઓ જાણે તારાઓને
આંબવા મથતાં બાળકોના સાદ છે.
(The hills are like shouts of children who raise their arms, trying to reach the stars.)

[2]
રાત્રિએ સૂરજને કહ્યું :
‘આ ચન્દ્ર તારો પ્રેમપત્ર છે,
તો ધરતી-પુત્ર તરણાં પર ઠરેલાં અશ્રુબિંદુઓ મારા પ્રત્યુત્તર છે.’
(‘In the moon thy sendest thy love-letter to me’, said the night to the sun. ‘I leave my answers in tears upon the grass.’)

[3]
હું રઝળપાટ કરતો હતો ત્યારે, હે પગદંડી,
મને તારો થાક લાગતો હતો.
હવે તારા સથવારે ઘૂમતાં મજલ મીઠી લાગે છે.
(When I travelled to here and to there, I was tried of thee, O Road. But now when thou leadest me everywhere I am wedded to thee in love)

[4]
કિરતારની પરમ શક્તિ હવાની શીતળ લહેરખી લાવે છે, અંધાધૂંધ આંધી નહીં.
(God’s great power is in the gentle breeze, not in the storm.)

[5]
વર્ષાજળ ધરતી પર ઊતર્યાં અને હળવેકથી બોલ્યાં :
‘માડી, ત્યાં સ્વર્ગમાં ગોઠતું નહોતું
એટલે તારે ખોળે પાછાં ફર્યાં.’
(The raindrops kissed the earth and whispered,
‘we are thy homesick children, mother,
comeback to thee from the heaven’. )

[6]
પંખીની પાંખને સોને મઢી જોજો –
પછી એ કદી આકાશમાં પાંખ ફફડાવી નહીં શકે.
(Set bird’s wings with gold and it will never soar in the sky.)

[7]
ચન્દ્ર નભ-આંગણે અજવાળાં રેલાવે છે,
પણ પોતાનાં શ્યામ કલંક તો
ખુદ-ભીતરમાં જ સમાવેલાં રાખે છે.
(The moon has her light all over the sky,
her dark spots to herself)

[8]
વિચારના અંકુર પોતાના જ શબ્દોમાંથી
પ્રાણ પામે છે અને પછી પાંગરે છે.
(Thought feeds itself with its own words and grows.)

[9]
આ જીવન તો સાગરખેપ છે;
આપણે એક નૌકામાં હમસફર છીએ.
મૃત્યુ-આરે પહોંચશું અને
સહુ પોતપોતાના મુકામની વાટ લેશું.
(This life is the crossing of a sea, where we meet in the same narrow ship. In death we reach the shore and go to our different worlds.)

[10]
હે પૃથિવી, હું તારા રળિયામણા તટ
ઉપર ઊતર્યો ત્યારે આગંતુક હતો;
તારા સદનમાં રોકાયો અતિથિ બનીને,
આજે તારું સખ્ય પામીને વિદાય લઉં છું.
(I came to your shore as a stranger,
I lived in your house as a guest,
I leave your door as a friend, my earth.)

[11]
જીવન અણખૂટ છે એ જાણવા માટે
હું વારંવાર મૃત્યુ વાંછીશ
(I shall die again and again to know that life is inexhaustible)

[12]
માનવી શાણો બને અને તેનું શૈશવ પાછું ફરે
તેની ઈશ્વર અહર્નિશ રાહ જુએ છે.
(God waits for man to regain his childhood in wisdom.)

[13]
મારા હૃદયના શીતકાળ પર, હે હરિ,
તું સૂર્યકિરણો પાથરી દેજે –
અને પછી જોજે, મારી વસંત કેવી મહોરે છે !
(The sunshine smiles upon the winter days of my heart, never doubting of its spring flowers.)

[14]
મનુષ્યના વિચારો વાણી રૂપે પ્રગટે
એ પરમાત્માનું મૌન
(God’s silence ripens man’s thought into speech.)

[15]
પતંગિયું પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
ક્ષણોમાં સમાવી દે છે –
અને છતાંય તેને સમયનો તોટો નથી !
(The butterfly does not count years but moments and therefore has enough time.)

[16]
પરમાત્માને મનુષ્યલોકની દીપમાલા
પોતાની ઝળાંહળાં તારાસૃષ્ટિ કરતાં વધુ પ્યારી છે.
(God loves man’s lamp lights better than his own great stars.)

[17]
પ્રભુ ઉપહાર લેવા માટે હાથ લંબાવે છે
ત્યારે જ માનવીને પોતાના વૈભવનું ભાન થાય છે.
(Man discovers his own wealth when God comes to ask gifts of him.)

[18]
તારી અંગુલીઓના સ્પર્શે
મારી જીવન-વીણાના તાર રણઝણો –
અને આપણી જુગલબંદી બજો
(Let the touch of thy finger thrill my life’s strings and make the music thine and mine)

[19]
હે નભ-દેવતા,
તારા-મારા મિલનનું સ્થાન મારી નાની-શી બારી છે,
તારું અનંત પટાંગણ નહીં.
(My mind has its true union with thee, O sky, at the window which is mine own, and not in the open where thou hast thy sole kingdom.)

[20]
પ્રભુ, તારું ગાન મને પ્યારું છે એ કહેવા
માટે હું ગીતો લલકારું છું.
(My songs are to sing that I have loved Thy singing.)

[કુલ પાન : 130. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : ‘પ્રસાર’ 1888 આતાભાઈ એવન્યૂ, ભાવનગર-364002. ફોન : +91 278 2568452.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2009 – તંત્રી
ભીતરનું સામર્થ્ય – અનુ. સોનલ પરીખ Next »   

21 પ્રતિભાવો : તણખલાં – અનુ. જયંત મેઘાણી

 1. Girish says:

  પ્રભુ, તારું ગાન મને પ્યારું છે એ કહેવા
  માટે હું ગીતો લલકારું છું.

  જ્યંતભાઈ મેઘાણી આભાર

 2. nayan panchal says:

  ખૂબ જ સુંદ અનુવાદ.
  ગીતાજંલિનો ગુજરાતી અનુવાદ થયો હોય તો માહિતી આપવા વિનંતી.

  પતંગિયું પોતાની આવરદા મહિનાઓમાં નહીં,
  ક્ષણોમાં સમાવી દે છે –
  અને છતાંય તેને સમયનો તોટો નથી !

  નયન્

 3. Veena Dave, USA says:

  સરસ.

 4. Namrata says:

  ખુબ સુન્દર્!

 5. ઈન્દ્રેશ વદન says:

  The original english quotes are awe-inspiring. But, sorry to say, the translation is not so great.

 6. ભાવના શુક્લ says:

  સુંદર અનુવાદ….
  મુળ કવિવર ના વિચારો આ રીતે ગુજરાતીમા ભાવાનુવાદ પામીને ખુબ માણવા યોગ્ય બન્યા.
  ……………………………………..
  વર્ષાજળ ધરતી પર ઊતર્યાં અને હળવેકથી બોલ્યાં :
  ‘માડી, ત્યાં સ્વર્ગમાં ગોઠતું નહોતું
  એટલે તારે ખોળે પાછાં ફર્યાં.’

 7. શ્રી ઝવેરચંદ મેઘાણીના પનોતા પુત્રોએ પીતાનો વારસો બખુબી સાચવી રાખ્યો છે. વળી, ભાવનગરની ધરાને ‘લોકમિલાપ’ અને ‘પ્રસાર’ જેવી બે સંસ્થાઓએ ઘણું આપ્યું છે અને ભાવેણાને હજુ ઘણી વધારે આશા છે.

  આભાર જયંતભાઈ.

 8. Dhaval B. Shah says:

  વર્ષાજળ ધરતી પર ઊતર્યાં અને હળવેકથી બોલ્યાં :
  ‘માડી, ત્યાં સ્વર્ગમાં ગોઠતું નહોતું
  એટલે તારે ખોળે પાછાં ફર્યાં.’

  ખુબ ગમ્યુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.