ભીતરનું સામર્થ્ય – અનુ. સોનલ પરીખ

[ કેટલાંક પુસ્તકો માણસને અંદરથી હચમચાવી મૂકે એવા હોય છે. તે એવી તો અમીટ છાપ છોડી જાય છે કે વ્યક્તિ પોતાના જીવન વિશે વિચારતો થઈ જાય છે. તાજેતરમાં વિચારવલોણું પરિવાર દ્વારા પ્રકાશિત થયેલું ‘ભીતરનું સામર્થ્ય’ એ એવું જ એક પુસ્તક છે. આ પુસ્તક વ્યક્તિને જીવનમાં સાચો આનંદ શોધવાની ચાવી બતાવે છે. પુસ્તકની મૂળ લેખિકા બાર્બરા હેન્સનને 14, ઓગસ્ટ 1955માં મોટર અકસ્માત થયો જેના કારણે છાતીની નીચેના શરીરના ભાગને કાયમી લકવો લાગુ પડ્યો. અઢાર વર્ષની અપંગ બાર્બરા ઈન્ડિયાના રાજ્યમાં વ્હીલચેરમાં બેસીને ભણાવવા માટેનો અધિકાર મેળવનાર પહેલી વ્યક્તિ બની. પછીથી તે Ph.D થઈ. હાલમાં બોલસ્ટેટ યુનિવર્સિટી અને સીનસીનાટી (અમેરિકા) યુનિવર્સિટીમાં પાંત્રીસ વર્ષોથી અંગ્રેજીની પ્રાધ્યાપક છે. તેમના આ પુસ્તકનો ભાવાનુવાદ સોનલબેન પરીખે કર્યો છે. ટૂંક સમયમાં આ સંપૂર્ણ પુસ્તક હંમેશની જેમ vicharvalonu.com પર આપ માણી શકશો. પરંતુ આજે માણીએ તેના બે પ્રકરણો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

bheetar[1] એકવીસમી સદીના અભિશાપોથી બચો

ઘણીવાર દિવસો સુધી અસંતોષ અને હતાશા પીછો છોડતા નથી. બધું ઊંધું જ પડતું જાય છે. હેતુવિહીન, અર્થહીન દિવસોની આ હારમાળાથી એવા તો ત્રાસી જવાય છે કે આવી જિંદગી શા માટે જીવવી જોઈએ એવું પૂછવાની યે શક્તિ બચતી નથી. પણ આવી જ અવસ્થામાં ઘણીવાર પોતાને જાણવા-સમજવાનો એક મોકો મળી જાય છે, કારણ કે એવી પળોમાં આપણે પોતાને પાયાના એવા પ્રશ્નો પૂછવા માંડીએ છીએ જેવા સાધારણ સુખી દિવસોમાં પૂછવાનું ટાળતા હોઈએ છીએ. કપરી વાસ્તવિકતાઓની આ એક ઊજળી બાજુ છે – એ આપણને વિચારતા કરે છે, આપણી દષ્ટિને યોગ્ય પરિપ્રેક્ષ્ય આપે છે, કામની અને નકામી ચીજો વચ્ચેનો ભેદ શીખવે છે.

આમ છતાં ઘણા લોકો એવા છે જે પોતાની અંદર ઊતરવાનું ટાળે છે. ડરે છે કે કોણ જાણે શું નું શું નીકળી પડશે. એકવીસમી સદી પોતાની જાતને ટાળવાનાં હજારો બહાનાં પૂરાં પાડે છે. મુસાફરીની ઝંઝટથી બચવા માણસ ઘરમાં જ પુરાયેલો રહે અને પછી અજાણ્યા પ્રદેશોની ખૂબસૂરતીથી વંચિત રહી જાય તેમ પોતાની જાતનો સામનો કરવાની ઝંઝટ રાખવાના મોહમાં આપણે આપણી જ અંદરના આનંદલોકને જોવાનું ચૂકી જઈએ છીએ. પછી પાછું આનંદહીન જિંદગીથી જકડાયેલા રહેવાનું ફાવતું નથી તેથી શોધીએ છીએ એવા સરળ ઉપાય જે જીવનની અર્થહીનતાને પણ ભૂલાવી દે અને પોતાની જાતમાં ઊંડા ઊતરવાની તકલીફમાંથી પણ બચાવી લે. એકવીસમી સદી પાસે આવા ઉપાયોનો તોટો નથી. આને જ હું ‘એકવીસમી સદીના અભિશાપ’ કહું છું. જો સાવધ ન હોઈએ તો આ અભિશાપોનો શિકાર બનતા વાર લાગતી નથી. અર્થ વગરની પ્રવૃત્તિઓનાં વમળમાં એકવાર ફસાઈએ પછી એ વમળો વિસ્તરતાં જાય છે, વધારે ઊંડા થતાં જાય છે અને શાંતિ માટેના ફાંફાં આપણને ખોટી જગ્યાએ લઈ જાય છે. ખોટી જગ્યાએ એટલે સમાજે આપણા માટે તૈયાર કરી રાખેલા એવા મનોરંજનો, જેનાથી અંદરની બધી તકલીફો ભૂંસવાની આપણી વ્યર્થ કોશિશ શરૂ થાય છે. આપણી અંદરના આ પીડાપૂર્ણ વાસ્તવનો સામનો કરવાના બદલે આપણે એ રૂંધામણમાંથી બચવા એકથી બીજા ઉપાયો પર ઝંપલાવીએ છીએ. ‘જો એક જ સાચું સાધન મળી જાય તો બધું સરખું થઈ જાય’ – ની આશા આપણને ઠરીને બેસવા દેતી નથી.

આનંદ અને પીડા એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે. એટલી સાદી વાત સ્વીકારવાને બદલે આપણે શોધીએ છીએ દરેક સમસ્યાનો ઉકેલ. ખાવું, સિગારેટ, શરાબ, નશીલી દવાઓ કે પછી ટેલિવિઝન, કોમ્પ્યુટર. પીડાના મૂળ તરફ જવાના બદલે આપણે આ બધા ઉપાયોથી પોતાને બેહોશ કરી નાખીએ છીએ, સમાજ પણ આ ઉપાયોનું સમર્થન કરે છે તેથી આપણી ભાગેડુવૃત્તિ પોષાય છે. આ બધું સમજાવ્યા પછી જ્યારે હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે તમને ભાગી છૂટવા પ્રેરે તેવી સમસ્યાઓ કઈ છે ? – તો તેમને એવી એક પણ સમસ્યા મળતી નથી. પછી હું તેમને બીજું લિસ્ટ બનાવવા આપું છું – એવી ચીજોનું લિસ્ટ, જે કડવા વાસ્તવથી છૂટકારો આપે. ઊંઘ, વાચન, કસરત જેવી નિર્દોષ ચીજથી લઈને નશીલી દવાઓ અને આત્મહત્યા સુધીના ઘણા ઉપાયોની સૂચિ તેઓ મને આપે છે. હું પૂછું છું, આ બધા જ ઉપાયો કંઈ ખરાબર નથી. તો આમાંથી સારા કયા ને ખરાબ કયા તે કેવી રીતે નક્કી કરશો ? તેઓ અટવાઈ જાય છે.

ઘણાખરા એવું માને છે કે વાસ્તવિકતા દિવસે દિવસે વધુ ને વધુ કપરી બનતી જાય છે. એટલે તેને માટેના ઉપાયો પણ નવા નવા શોધવા પડે છે. વાસ્તવિકતા વધુ કપરી બની છે તે તો હું પણ માનું છું. એ એવી હોવી જોઈએ કે નહીં તે સવાલ નથી. સવાલ એ છે કે એનો સામનો કરવો યોગ્ય છે કે પછી કોઈ સમાજમાન્ય, સર્વસ્વીકૃત પ્રલોભન વડે તેને ઢાંકી દેવી ઠીક છે ? જેમ ભૌતિક પ્રગતિ વધતી જાય છે, તેમ અંદર-ખાડાઓ, શૂન્યો સર્જાતા જાય છે. તેના ઉપાયો શોધવાનું ઝનૂન પણ વધતું જાય છે. નશીલી દવાઓ કે શરાબ નકારી શકતા આપણે ટેલિવિઝન, ઝડપી જીવનશૈલી અને અતિવ્યસ્તતાથી બચી શક્યા નથી. આપણા આંખ-કાન, ટેલિવિઝનના પડદા પરનાં ચિત્રો અને અવાજોથી ભરાઈ જાય છે. આપણા કલાકો અને દિવસો ઝડપ અને અતિવ્યસ્તતાથી ઘેરાતા જાય છે અને આંતરિક સામર્થ્ય કેળવનારી વાત ભૂલાઈ જાય છે.

માણસનો સ્વભાવ એવો છે કે તે જે જુએ અને સાંભળે તેનાથી પ્રભાવિત થાય. ટેલિવિઝનના પાત્રો, દશ્યો, અવાજો આપણા જીવનનો મોટોભાગ ક્યારે રોકી લે છે તે સમજાતું પણ નથી. વધુ ને વધુ રસપ્રદ અને ઉત્તેજક આપવાની હોડમાં તંદુરસ્ત અભિગમ, માનવતા, આનંદ, પ્રેમ જેવાં તત્વોને સ્થાને સત્તાની સાઠમારી, ધિક્કાર, દાવપેચ, ગુનાખોરી રાજ કરવા માંડે છે. જો એક પળ રોકાઈ જાતને પૂછી શકીએ કે આ બધાંમાંથી મને મારી જાતને શોધવામાં મદદરૂપ થાય તેવું શું છે ? તો બીજી જ પળે ટી.વી.ની સ્વિચ ઑફ થઈ જાય. પણ એમ એ સ્વિચ ઑફ થતી નથી. કારણ એનું વ્યસન થઈ ગયું હોય છે. જેવો છૂટકારો અને રાહત શરાબ કે નશીલી દવાઓ આપે છે તેવો જ છૂટકારો અને રાહત ટેલિવિઝન પણ આપે છે તે સ્વીકારવું મુશ્કેલ થઈ જાય છે. આને અજમાવી જોવું હોય તો ફક્ત એક દિવસ માટે ટેલિવિઝન બંધ રાખો. પોતાને શું કરવું તે જ નહીં સૂઝે. વ્યસનનાં મૂળ કેટલાં ઊંડાં છે તે દેખાશે. આવું જ બીજું તત્વ છે ઝડપ. આટલી ઝડપ શા માટે, શેને કારણે તે સમજવા પૂરતું પણ અટકાતું નથી… ગમતું કશુંક બીજા સાથે વહેંચીને માણવાનો કોઈ મોકો નથી. ઝડપ જીવનનો જ નહીં, સ્વભાવનો પણ હિસ્સો બની ગઈ છે. બદલાતી જીવનશૈલી સાથે તાલ મેળવવા ઝડપ જરૂરી છે. ઝડપનો એક આનંદ પણ છે. કોમ્પ્યુટર, ઝેરોક્સ મશીન, પ્રિન્ટર – આ બધાંએ માહિતીના આ યુગમાં ક્રાંતિ કરી છે એની ના નહીં પણ વિચાર, સંવેદના, માનવસંબંધો ઝડપની આ આંધીમાં ક્યાંક ખોવાઈ ગયાં છે. પોતાની જાત સાથેની દોસ્તી તૂટી છે. ‘સ્વ’ના ઊંડાણમાં જવાનું બનતું નથી.

આવું જ વ્યસ્તતાનું છે. ‘મારે બહુ કામ છે’, ‘બિલકુલ સમય નથી…’ કારણ બધું જ કરી લેવું છે. કોઈ પ્રવૃત્તિને ‘ના’ પાડવાની ઈચ્છા નથી. જિંદગી પર ભાર વધતો જ જાય છે. જાતજાતનાં રોકાણો, મુલાકાતો, પ્રવૃત્તિઓ વચ્ચે પોતાની જાતને મળવાનો સમય બચતો નથી. એક જ અઠવાડિયા માટે વ્યસ્તતા થોડી ઓછી રાખવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. બાળકોનો ઉછેર, તેમનું શિક્ષણ, ઘરની સફાઈ, ચીજવસ્તુઓની ખરીદી, કપડાં ધોવાં, નોકરી પર જવું, મિત્રોના જન્મદિવસ યાદ રાખવા, રાંધવું, સમારંભોમાં જવું, વ્યવહારો સાચવવા, કારકિર્દી બનાવવી – સાચે જ એ ભૂલાઈ જાય છે કે આપણે આખરે શાના માટે જીવીએ છીએ. પછી તો એ પ્રશ્ન ટાળવાની ટેવ પડી જાય છે. એ ટેવ માફક પણ આવી જાય છે. પણ ખાલીપણું ધીરે ધીરે માથું ઊચકતું જાય છે. તેના તરફ આંખ આડા કાન કરવાની કોશિશમાં આપણે ખરીદી કરીએ છીએ, ઘર શણગારીએ છીએ, હરવા-ફરવાના કાર્યક્રમો ગોઠવીએ છીએ. પ્રેમની ઊણપ વર્તાય છે તો બમણા જોરે બીજી પ્રવૃત્તિઓ ઊભી કરીએ છીએ. વ્યસ્તતાના અંચળામાં પીડાને છૂપાવવાની કોશિશમાં પોતે જ ઊભી કરેલી જાળમાં પોતે ફસાતા જઈએ છીએ. દિવસ પૂરો થાય છે પણ કાર્યક્રમો પૂરા થતા નથી. છેવટે બીજા દિવસે કરવાનાં કામોની સૂચિ બનાવી આપણે સૂઈ જઈએ છીએ. વ્યસ્તતા ક્યારે વ્યસન બની જાય છે તે સમજાતું નથી. જો ક્યારેક કોઈ નિરાંતની પળો મળી જાય અને તે પળોનું અને પોતાની જાતનું શું કરવું તે સમજાય નહીં તો સમજી લેવું કે વ્યસ્તતાનું વ્યસન વળગ્યું છે. આત્મજાગૃતિની ઉપેક્ષા કરવાની ટેવ પડી ચૂકી છે. કઈ ચીજ એવી છે જે આપણને પોતાની તરફ જતા રોકે છે તેના પ્રત્યે જાગૃત થવા માત્રથી એક શક્તિનો સંચાર થાય છે.

એકવીસમી સદીના આ બધાં પ્રલોભનો ‘બેન્ડ એઈડ’નું કામ કરે છે. જખમને ઢાંકે છે, પૂરો ઈલાજ કરતાં નથી. પૂરો ઈલાજ ત્યારે જ થાય જ્યારે પોતાની જાતમાં ઊંડા ઉતરીએ. જે પ્રલોભન આપણને એના નિયંત્રણમાં રાખતું હતું, તેને આપણા નિયંત્રણમાં રાખીએ. ભાગેડુ વૃત્તિને પોષતાં સાધનોને બદલે રોજિંદી પ્રવૃત્તિઓને ન્યાય આપીએ અને સાથે જીવનના મૂળભૂત સત્વનું સંવર્ધન કરીએ. આ પ્રલોભનોને પાર કર્યા પછીનો પ્રદેશ આંતરિક શક્તિના વિશ્વમાં પ્રવેશે છે. પ્રવેશ પર અટકવાનું નથી, નહીં તો ભ્રમણાઓનું એક બીજું વિશ્વ ઘેરી લેવા માટે તૈયાર જ ઊભું હોય છે.
.

[2] સર્વશક્તિમાન હોવાનો ભ્રમ છોડો

આધુનિક શોધખોળો અને સગવડોને પરિણામે મનુષ્ય એવું માનતો થઈ ગયો છે કે બધું જ તેના હાથમાં છે. તેથી આનંદ જ્યારે હાથમાંથી છટકી જાય છે, પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે, બીજાની તો ઠીક, પોતાની પણ જિંદગી પોતાની રીતે નથી જીવી શકાતી ત્યારે તેનાથી એ જીરવાતું નથી. હકીકત તો એ છે કે સમસ્યા વિનાની જિંદગી હોઈ શકે નહીં, તેમ બિલકુલ આનંદ વિનાની જિંદગી પણ હોઈ શકે નહિ. આ બંનેનું મિશ્રણ એટલે જ જિંદગી – આ સત્ય જેટલું જલદી સ્વીકારી લઈએ, આપણી પ્રસન્નતા તેટલી વધતી જશે. આનંદની પાછળ સમસ્યા ઊભી જ હોય છે અને સમસ્યાઓમાંથી પસાર થયા વિના કદી આનંદ મળતો નથી. ‘સંજોગોના હાથનું રમકડું’ હોવાની લાગણી આપણને ગભરાવે છે. એટલે પછી ‘ફીલ-ગુડ’ પુસ્તકોના શરણે જઈએ છીએ, કોઈ ‘ગુરુ’ની છત્રછાયા શોધીએ છીએ. મંત્રો-શ્લોકોનું રટણ કરીએ છીએ. મંદિરો-તીર્થોની મુલાકાત લઈએ છીએ અને નિયતિ આપણા નિયંત્રણમાં હોવાનો ભ્રમ સેવીએ છીએ. નિયતિ આપણા નિયંત્રણમાં જરૂર હોઈ શકે, પણ તે આ રીતે નહીં. તેને માટે જિંદગીના સત્વોને શોધવાં પડશે, આંતરિક શક્તિને દઢમૂળ બનાવવી પડશે. પછી ગમે તેવા સંજોગો સામે ઊભા રહેવાની તાકાત આપમેળે આવશે.

એક બીજો ભ્રમ સ્વતંત્રતા અંગેનો પણ છે. આપણને એ ખ્યાલ હોય છે કે આપણે સંપૂર્ણ સ્વતંત્ર નથી પણ સંપૂર્ણ સ્વતંત્ર હોવાનો દાવો આપણે ચોક્કસ કરીએ છીએ, પણ સમય શીખવે છે કે આપણા પર નિયતિનો તેમજ પોતાનાં કાર્યોનો પ્રભાવ જરૂર પડે છે. એવાં પરિબળો છે જે આપણા કાબૂ બહાર હોય છે. પોતાનાં મા-બાપ કોણ અને કેવાં છે, પોતાનું બાળપણનું પર્યાવરણ, મૃત્યુ, બીમારી, વૃદ્ધત્વ, કુદરતી આફતો અને બીજાઓનાં કાર્યો – આ બધા વિશે થોડી ચર્ચા-વિચારણા કરીએ તો સમજાય છે કે પોતાની જાત સિવાય ભાગ્યે જ કોઈ ચીજ આપણા નિયંત્રણમાં હોય છે. ‘સર્વશક્તિમાન’ હોવાના ભ્રમમાંથી બહાર આવી પોતાનો પોતે કબજો લેવાનો છે, અને એ સમજી લેવાનું છે કે પોતાનાથી શું થઈ શકે તેમ છે. પછી તે કરવામાં શક્તિ લગાવી દેવાથી પરિણામની પ્રાપ્તિ પણ થશે. જીવનમાં ઘણા અકસ્માતો બને છે. તેમાંના મોટાભાગના આપણા નિયંત્રણમાં નથી હોતા.

મારું જીવન આનું ‘શ્રેષ્ઠ’ ઉદાહરણ છે. મારી આ લકવાગ્રસ્ત હાલત કંઈ મેં પેદા કરી નથી. ખોટા રસ્તે, ખોટી કારમાં, ખોટા સમયે મારું હોવું – આ એક એવો સંયોગ હતો, જે મારા હાથની બાબત ન હતી. મેં અકસ્માત થાય તેવું નહોતું ઈચ્છયું કે પછી હું એને જ લાયક હતી તેમ પણ નહોતું – છતાં તે બન્યું, ને એક સામાન્ય 19 વર્ષની છોકરી લકવાનો ભોગ બની ગઈ. મેં પણ સપનું જોયું હતું – સુખી દામ્પત્યનું, પ્રેમાળ પરિવારનું, પણ 1955ની એ સાંજે મારી કરોડરજ્જૂના બે કટકા થઈ ગયા અને બધું બદલાઈ ગયું. એક મહિનો બેહોશ અવસ્થામાં રહ્યા પછી હું ભાનમાં આવી. સમજી કે હવે જિંદગી પહેલા જેવી કદી નહીં બને. મારાથી બરાબર હલનચલન થતું નહોતું, વસ્તુઓ લેવાતી નહોતી, જેટલીવાર કપડા બદલું, મારે ડાયપર્સ અને પ્લાસ્ટિકના આંત:વસ્ત્રો પહેરવા પડતાં, દર બે-ત્રણ દિવસે પેટ સાફ કરવા માટે જાતે એનિમા લેતા હું શીખી ગઈ હતી. પથારી ભીની ન થાય તે માટે ચાર-પાંચ ટુવાલો પથરાવી તેના પર હું સૂતી. મારા જીવનના જે બે સ્વપ્ન હતા – હોમ ઈકોનોમિક્સ શીખવવું અને સુખી પરિવાર બનાવવો – એ બેથી વંચિત રહેવાની પીડા સામે આ શારીરિક તકલીફો ઘણી નાની હતી. આમ જ છ વર્ષ વીત્યાં. જીવનનો નકશો બદલાયો હતો. મેં મારો વિષય હવે અંગ્રેજી સાહિત્યનો રાખ્યો. મને લખવું વાંચવું તો ગમતું જ હતું. એટલે મારો પ્રથમ પ્રેમ હોમ ઈકોનોમિક્સ પર હોવા છતાં અંગ્રેજી સાહિત્ય મારા મને સ્વીકાર્યું. પણ એના કરતા વધારે મોટું સ્વપ્ન એક સારી પત્ની, એક સારી મા બનીને જીવવાનું હતું. હોમ ઈકોનોમિક્સ પણ મને એટલે જ વધારે ગમતું.

ખેર, અંગ્રેજી સાહિત્ય લીધા પછી પણ મારું ધ્યેય તો શિક્ષણ આપવાનું જ હતું. પણ એ અશક્યવત હતું, કારણ કે વિકલાંગ લોકોને શિક્ષણ તરીકે લેવામાં નહોતા આવતા. ઈન્ડિયાના યુનિવર્સિટીનો એ કાયદો હતો. છતાં મારાં માતા-પિતાએ મને પ્રોત્સાહન આપ્યું. મેં પણ એ કઠિન માર્ગ જ પસંદ કર્યો અને ઘણી જહેમતના અંતે મને શિક્ષિકા થવાનું લાયસન્સ મળ્યું. ભણવાનું અને ભણાવવાનું સાથે કરતા કરતા હું પી.એચ.ડી સુધી તો પહોંચી, પણ મને વ્યવસ્થિત નોકરી આપવા કોઈ તૈયાર ન હતું. દરેક શૈક્ષણિક સંસ્થના દરવાજા મારા માટે બંધ રહ્યા. મેં ખટખટાવાનું ચાલુ રાખ્યું. અંતે વર્ષો પછી એ ખૂલ્યા અને મારી કારકિર્દીનો મનપસંદ વળાંક મળ્યો. દરમ્યાન મારા સાથીઓ લગ્ન કરી પરિવાર બનાવી ચૂક્યા હતા. મારી સાથે જિંદગીએ કરેલો અન્યાય મને ચેનથી બેસવા દેતો નહોતો. મને પતિ જોઈતો હતો, પરિવાર જોઈતો હતો પણ તે કરતાં પણ વિશેષ મને સ્વીકાર જોઈતો હતો. કોઈની જિંદગીમાં મારા માટે ઝંખના નથી જાગવાની, કોઈ પુરુષ મને પ્રેમ નથી કરવાનો, મને નથી ઈચ્છવાનો – વીસમા વર્ષે પણ હું વંચિત હતી, આજે સાઠમા વર્ષે પણ હું વંચિત છું – જીવનની સૌથી મોટી પ્રાપ્તિથી વંચિત. મારી દુનિયાનાં મૂળિયાં ઊખડી ગયાં, એમાં મારો શો વાંક હતો – એટલો જ કે હું ખોટા સમયે, ખોટી કારમાં, ખોટા રસ્તા પર હતી ?

તો આવું છે જીવન. આપણા હાથમાં કશું નથી. આપણે સાવધાન અને જાગૃત રહેવું જોઈએ, પણ સાવધાન અને જાગૃત રહેવા છતાં ઘણું બધું એવું છે જે આપણા નિયંત્રણમાં હોતું નથી. આપણે ચરબીના થરથી, વ્યસનોથી, અપૂરતી ઊંઘથી આપણા શરીરને બચાવી શકીએ છીએ. પણ તે છતાં બીમારી, વૃદ્ધત્વ અને મૃત્યુ આવે જ છે. આપણે મર્ત્ય છીએ, મર્યાદિત છીએ. કલ્પના કરો એવા માણસની જે એકલો રહેતો હોય, સભા સમારંભોમાં જતો હોય. મન થાય ત્યારે મુસાફરી કરતો હોય ને પછી તેને હાર્ટ એટેક આવે કે પછી લકવાનો હુમલો થાય, તેને ડૉક્ટરોના, હૉસ્પિટલોના નિયમોના અને પોતાના શરીરની મર્યાદાઓના કેદી બની જવું પડે – આવું રોજ બન્યા જ કરે છે – એ માણસનો દિવસ પછી એની પોતાની રીતે નથી ઊગતો, એને ખાવું હોય તે ખવાય નહીં, જવું હોય ત્યાં જવાય નહીં, પછી તેને એકલો રહેવા દેવામાં ન આવે, તેનું એકાંત વિક્ષિપ્ત થાય, તેને સૂવા-બેસવામાં કોઈનો આધાર લેવો પડે, ‘આમ કરો, ‘આમ ન કરો’ની સલાહોના ધોધ વરસે. બીમારી આપણા હાથની વાત નથી.

કુદરતી આફતો પણ આપણને પૂછીને નથી આવતી. મને બરોબર યાદ છે જ્યારે વાવાઝોડું ત્રાટક્યું હતું – આગલા દિવસે મારા માતા-પિતા રહેતા હતા તે રાજ્યમાં અને બીજે દિવસે હું અને મારી મિત્ર રહેતા હતા તે રાજ્યમાં. બહુ મુશ્કેલીથી અમે બંને એ જાણી શક્યા હતા કે અમારા માતા-પિતા સલામત છે. અલબત્ત, ઘર, શહેર, રસ્તાઓ બધુ ખતમ થઈ ગયું છતાં તેઓ જીવતા છે એ વાતથી શાંતિ મેળવી હું રોજની જેમ સવારે છનું એલાર્મ મૂકી સૂઈ ગઈ. સવારે ચાર વાગ્યે અચાનક મારી ઊંઘ ઊડી. મેં કોફી બનાવીને પીધી ત્યાં તો ભયસૂચક સાયરન વહેલી સવારના આછા અંધારાને ચીરતી ગાજી ઊઠી અને તે પછી થોડી જ ક્ષણોમાં કાન બહેરા થઈ જાય તેવી પવનની ગર્જના સંભળાઈ. આખું ઘર હલવા માંડ્યું, વસ્તુઓ પડવા અને ફૂટવા માંડી. વ્હીલચેરને બ્રેક લગાવી હું સ્તબ્ધ બેસી રહી. રસ્તામાં આવતી દરેક ચીજોને ખેદાનમેદાન કરતું વાવાઝોડું થોડી ક્ષણોમાં પસાર થઈ ગયું. મેં મોતને નજર સામે ઊભેલું જોઈ લીધું હતું. પવનની ગર્જના દૂર ચાલી ગઈ પછી જેમ તેમ હું બારી પાસે પહોંચી. બારી તૂટી ગઈ હતી અને તેમાંથી જે દશ્ય ઊગતા સૂરજના પ્રકાશમાં મને દેખાયું તેમાંથી હું આઘાત પામી ગઈ. જ્યાં સુધી નજર પહોંચતી હતી, ગંજાવર વૃક્ષો મૂળ સહિત ઊખડીને કાર પર, ઘરો પર, રસ્તા પર પડ્યાં હતાં. મુશ્કેલીથી હું ફોન સુધી પહોંચી. નસીબજોગે ફોન ચાલુ હતો. મેં મારી મિત્રને ફોન કર્યો. તેનું ઘર બચી ગયું હતું. તે તરત જ મારી પાસે આવવા નીકળી પડી. દરમ્યાન પાડોશીઓ એક પછી એક મારી ખબર પૂછી ગયા. તેમનાં ઘરો પણ બચ્યાં નહોતાં તેમ છતાં તેમણે મારી ચિંતા કરી. તેમનો પ્રેમ મને હલાવી ગયો. મારી મિત્ર જુદા જુદા રસ્તે મારા ઘર સુધી પહોંચવા મથામણ કરતી હતી. પણ બધા રસ્તા તૂટેલા થાંભલા અને ઊખડી પડેલા વૃક્ષોથી છવાયેલા હતા. અંતે તેણે તેની કાર પડતી મૂકી અને મારા ઘર સુધીનું બાકીનું અંતર દોડતાં દોડતાં કાપ્યું. બચાવ ટુકડીની પણ પહેલાં તે પહોંચી ગઈ. એકબીજાના બાહુપાશમાં બેફામ રડતાં અમે પ્રેમની શક્તિને અનુભવી રહ્યાં.

બચાવટુકડી આવી અને અમને બધાંને ઘર છોડી અમારે માટે ઊભા કરાયેલા કામચલાઉ રહેઠાણમાં જવા કહ્યું. મારી અંદરથી વિરોધ અને આક્રંદ ઊઠતા હતા – હું કેવી રીતે ઘર છોડું ? હજી તો હું ઊઠી છું, પૂરાં કપડાં પહેર્યાં નથી, મારાં ડાયપર્સ, પ્લાસ્ટિક પેન્ટ, રબરની શીટ, મારાં સાધનો જેના વડે આ ઘર ખાસ રીતે ગોઠવાયેલું હતું – આ બધાનું શું ? ના, હું ઘર નહીં છોડી શકું – પણ હું આમાનું કશું બોલી ન શકી. ચૂપચાપ તેઓ લઈ ગયા ત્યાં આવી ગઈ. મારા માટે સાચે જ મુશ્કેલ હતું કારણ મારું ઘર મારી જિંદગી હતું, મારી સ્વતંત્રતા હતું. તે ખાસ રીતે બનાવાયેલું હતું. જેથી લકવાગ્રસ્ત હોવા છતાં હું મારું જીવન ચલાવી શકતી હતી. ઘરની બહાર હું તદ્દન પંગુ હતી – આમ જ પાંચ અઠવાડિયા ગયાં અને હું મારા ઘરે પાછી આવી. બચાવટુકડીએ ઘણું બધું પૂર્વવત કરી નાખ્યું હતું. છતાં મૂળ સહિત ઉખડી જવાની લાગણીએ મહિનાઓ સુધી મારો પીછો ન છોડ્યો. વાવાઝોડાનો આ હુમલો કોઈના નિયંત્રણમાં હતો શું ?

પોતાને સર્વશક્તિમાન માનવાનું છોડવું હોય તો બીજા માણસો પર અંકુશ જમાવવાની, તેમને બદલવાની જીદ છોડી દો. બીજાના જીવન પર અંગૂઠો ન ચાંપો, મન ખુલ્લું ને જીભ બંધ રાખતાં શીખો – તમને કોઈને તમારા ઢાંચામાં ઢાળવાનો હક નથી. એવી જીદ તમારું પોતાનું સુખચેન પણ હણી લે છે. જો જીવનમાં આનંદ અને રાહત જોઈતાં હોય તો આપણી આસપાસના લોકો માટે નિયમો ઘડવાનું છોડી દો. તમારાં બીબાં ફેંકી દો. તેમની જિંદગી તેમને તેમની રીતે જીવવા દો. કોઈ જ્યારે તમારા ઈચ્છેલા ઢાંચામાં બંધ બેસતું થવા તૈયાર ન થાય ત્યારે તેની ઈચ્છાનો આદર કરી તેના જુદા મતને સ્વીકારવો અઘરો છે. દરેકને પોતાની જિંદગી જીવવાનો હક છે. કોઈ શા માટે તમારી અપેક્ષાઓ પ્રમાણે આકાર લે ? આંતરિક શક્તિ ખીલવવાનું સૌથી અઘરું પગલું આ જ છે. સામી વ્યક્તિનાં દેખાવ, પોષાક, ટેવો, વ્યક્તિત્વ તમારી અપેક્ષામાં બંધ ન બેસતાં હોય તો પણ તેને ચાહી શકવાની શક્તિ. છતાં આ પગલું સરળ પણ છે જો તમે તમારી જાતમાં મસ્ત રહો. તમને તમે છો તેવા બીજા સ્વીકારી લે તેવી તમારી જે અપેક્ષા હોય છે, તે જ બીજાની પણ હોઈ શકે – તેમને તેઓ જેવા છે તેવા સ્વીકારો. દરેકને જીવનમાં પ્રેમ જોઈતો હોય છે. ‘પ્રેમ’ એટલે શું ? પ્રેમ એટલે પૂરો સ્વીકાર. જેની સાથે કોઈ ભાર વિના આપણે જેવા છીએ તેવા રહી શકતા હોઈએ તે વ્યક્તિ અદ્દભુત હોય છે, કારણ કે પુખ્ત થતાં જઈએ તેમ, લગ્ન-પરિવાર અને અનેક જવાબદારીઓમાં જકડાતા જઈએ તેમ આ પૂર્ણ સ્વીકારની તકો ઘટતી જાય છે. આપણે પોતાને બીજાં બધાંની અપેક્ષા અને અભિપ્રાય પ્રમાણે ઢાળવાનું ક્યારે શરૂ કરી દઈએ છીએ તે આપણને પણ ખ્યાલ નથી આવતો. છતાં અંદર પૂર્ણ સ્વીકારની ઝંખના તો રહી જ છે. આપણી પસંદગી, ટેવો અને વ્યક્તિત્વ જુદાં હોય તો પણ આપણે એનો સ્વીકાર આપણા માતા-પિતા, જીવનસાથી અને સંતાનો કરે એ ઈચ્છીએ છીએ. આ સ્વીકાર તમે તેમને આપો, સમજો કે બીજાના જીવનને આપણા ઢાંચામાં ઢાળવું એ સ્વાર્થ છે. આપણને એવો અધિકાર છે જ નહીં. પ્રેમ આ કદી ન કરે.

સંતાનોની બાબતમાં આ મોકળાશ આપવી ઘણી મુશ્કેલ હોય છે. ક્યારેક ‘મારા ઘરમાં આમ નહીં ચાલે’ની ધમકી રૂપે તો ક્યારેક ‘તને આમ કરવું નથી શોભતું’ના આડકતરા દબાણ રૂપે તો ક્યારેક ‘મારા માટે તું આટલું પણ નહીં કરે ?’ની પ્રેમાળ માગણીરૂપે માતા-પિતા સંતાનોને જે સંદેશ આપે છે તે આ જ હોય છે : ‘જો તું મારા તરફથી પૂરો પ્રેમ ઈચ્છે તો તારે હું જે ઈચ્છું તે કરવું જોઈશે.’ આ નથી પ્રેમ, નથી આનંદ, નથી હળવાશ, નથી સ્વાતંત્ર્ય. મારા એક વિદ્યાર્થીની મા ઈચ્છતી હતી કે દીકરો બિઝનેસ કરે. પણ તેણે સંગીત કર્યું તે પછી દીકરાનું કોઈ પણ પગલું કદી તેની માને પસંદ ન આવ્યું. દીકરાએ તો સંગીતમાં સરસ કારકિર્દી બનાવી, પ્રતિષ્ઠા અને ધન બંને મેળવ્યા છતાં મા તરફથી તે બહિષ્કૃત જ રહ્યો. આજે તે ચાલીસ વર્ષનો થયો છે. વર્ષમાં એક વાર મા પાસે રહેવા જાય છે ત્યારે મા તેની પસંદગીથી, તેના મિત્રોની, તેના વસ્ત્રોની, તેના ઘરની, તેનાં પત્ની-સંતાનોની, તેની અભિરૂચિની, તેની શૈલીની-દરેક ચીજની કડક ટીકા કરે છે. તેને એવી વસ્તુઓ લાવીને આપે છે જે તેને કદી ગમતી ન હોય. જાણે જિંદગીમાં તેણે કોઈ ચીજ સારી કરી જ નથી, તે ખોટો છે, ખરાબ છે. માનું વલણ સ્પષ્ટ છે – ‘હું કહું તેમ કરે તો જ તું સારો, નહીં તો નહીં.’ દીકરો પોતે જેવો છે તેવો મા તેને સ્વીકારે, ચાહે તેની રાહ જુએ છે. મા તેને પોતાના બીબામાં ગોઠવવાની કોશિશ કર્યા કરે છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષો વીતતાં જાય છે, બેમાંથી કોઈના મનને આનંદ નથી, શાંતિ નથી.

બીજી એક વિદ્યાર્થીની કોમર્શીયલ આર્ટમાં કારકિર્દી બનાવવા માગતી હતી. તેનામાં એ પ્રતિભા અને રુચિ પણ હતાં, પણ તેની માએ કદી તેની એ ઈચ્છાને પ્રોત્સાહન તો ન આપ્યું, ઊલ્ટું તે ઈચ્છાની વિરુદ્ધમાં થાય તેટલું કર્યું. દીકરી માની ઈચ્છા વિરુદ્ધ જવા માગતી નહોતી, કારણ કે તે છ વર્ષની હતી ત્યારે તેની મા વિધવા થઈ હતી અને તે પછી દીકરીને માટે જ જીવી હતી. મને સમજાયું કે આ સ્ત્રી દીકરીને પોતાના નિયંત્રણમાં ને પોતાના પર આધારિત રાખવા માગે છે. ડરે છે કે સ્વતંત્ર થવા દેવાથી દીકરી પોતાને છોડી જશે. છેવટે દીકરીએ પોતાની ઈચ્છાઓ પડતી મૂકી અને માના કહેવાથી એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કલાર્કની નોકરી લીધી. માને ખુશ કરવા તેણે પોતાની સ્વતંત્રતાનું બલિદાન તો આપ્યું, પણ તેની પોતાની ખુશીનું શું ? મારા માનસશાસ્ત્રના વર્ગોમાં તે નિયમિત આવતી. હું જોતી કે માનું નિયંત્રણ કેવું જડબેસલાક હતું. દીકરીને બીજે ગામ બદલી મળી, મા કહે, ‘નથી લેવી. તું કેટલી એકલી થઈ જાય !’ દીકરીએ હપ્તા પર કાર ખરીદી. માએ કહ્યું : ‘આના હપ્તા હું ભરી દઈશ. તારે એટલું ટેન્શન ઓછું.’ દીકરીને કપડાં કે પર્સ ખરીદવાં હોય તો મા કહે, ‘તને ક્યાં સમય છે ? એ તો હું તારા માટે કંઈક સરસ લઈ આવીશ અને જ્યારે દીકરીને કોઈ યુવાન સાથે મૈત્રી થાય, મા ઢીલી થઈ જાય. ‘તું નહીં હોય તો આ ઘર મને ખાવા ધાશે.’ દીકરી ધીરે ધીરે ડિપ્રેશન તરફ જવા લાગી છે. જે નોકરી કરે છે તે તેની પોતાની પસંદગીની નથી. જે કાર ચલાવે છે તે માના નામ પર છે. જે કપડાં પહેરે છે તે માએ અપાવેલાં છે, લગ્ન કરવા માગે છે પણ એકલી જ જીવી રહી છે. તેને લાગે છે તેનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. તેણે વીસ થી વધારે વાર આપઘાતના પ્રયત્ન કર્યા છે.

જેટલીવાર આપણે કોઈની સ્વતંત્રતા છીનવી લેવાની કોશિશ કરીએ છીએ, તેટલીવાર આપણી પોતાની સ્વતંત્રતા પણ હણાય છે. તેને તેનું પોતાપણું ખીલવવામાં સક્રિય સાથ આપો. તેની આંતરિક સમૃદ્ધિ જેમ ખીલતી જશે તેમ તમારી આંતરિક શક્તિ મજબૂત બનતી જશે. અને જેમ એ શક્તિ મજબૂત બનતી જશે, આપણે એ સત્ય સમજતાં જઈશું કે દરેકને પોતાનું સ્વત્વ હોય છે અને તે ખીલવવામાં એને સાથ-સહકાર આપવો તેનાથી સુંદર અને શુભ કામ બીજું એકે નથી. બીજાના સ્વત્વ પર તરાપ મારવાની કોશિશ કરવી એ પાપ છે. પણ ‘જનરેશન ગેપ’ એક ઘણી મોટી સમસ્યા છે. મારા માનસશાસ્ત્રના વર્ગોમાં 27થી માંડીને 70સુધીની ઉંમરના જુદા જુદા વિદ્યાર્થીઓ આવે છે. તેમને જ્યારે હું તેમના પરિવારમાં ‘જનરેશન ગેપ’ની સમસ્યા વિશે લખવા આપું છું ત્યારે જોઉં છું કે જનરેશન ગેપની સમસ્યા યુવાનો કરતાં વયસ્કોને વધુ પજવે છે. સંતાનો પરણીને પરિવાર બનાવી ચૂક્યાં હોય છે અને એમનાં મૂલ્યો, ટેવો, જીવનશૈલી – આ બધું પચાવવું વયસ્કોને ખૂબ મુશ્કેલ લાગે છે. એમાંના ઘણાં સ્વતંત્રતામાં માને છે, પોતાનાથી જુદા વ્યક્તિત્વોનો આદર કરવા માગે છે, છતાં તાલમેલ જાળવવો અત્યંત મુશ્કેલ બની જાય છે. રસ્તો એક જ છે : પોતાનાં વ્યક્તિત્વ અને શૈલી પણ સાચવવા, તેમનાં વ્યક્તિત્વ અને શૈલી પણ મનથી સ્વીકારવાં. આંતરિક શક્તિ આ જ છે – જીવનનો, એની વિવિધતાઓ સહિત આદર.

એક મહત્વની વાત પોતાની લાગણીઓની જવાબદારી પોતે જ લેવાની છે. માણસ તરીકે આપણે પ્રેમ ઈચ્છતા હોઈએ તે સ્વાભાવિક છે. આપણે પ્રેમાળ હોઈએ, પ્રેમ આપી શકતાં હોઈએ, છતાં આપણને આપણે ઈચ્છીએ તે વ્યક્તિ પાસેથી, આપણે ઈચ્છીએ તેવો પ્રેમ ન પણ મળે. તેવે વખતે વાસ્તવિકતાનો બહાદુરીપૂર્વક સ્વીકાર કરવો અને પોતાને સંભાળી લેવા તે દરેકે શીખવું જોઈએ. કારણ કે કોઈ પાસે જબરદસ્તી પ્રેમ કરાવી શકાતો નથી. એક મહિલાને 29 વર્ષના દામ્પત્ય પછી તેના પતિએ એક દિવસ કહી દીધું કે હવે તેને છૂટા થવું છે. અને છૂટાં પડ્યાં. તેના ત્રણ વર્ષ પછી તે સ્ત્રીએ મારા વર્ગોમાં આવવાનું શરૂ કર્યું, પણ હજી તે સ્વીકારી શકી જ નહોતી કે તેનો પતિ તેનો નથી રહ્યો. જો પોતે કંઈક કરે, પતિને જેમ ગમે છે તેમ રહે તો ફરી બધું સરખું થઈ જાય. તે પોતાને સમજાવ્યા કરતી કે જો હું વધારે સારી, વધુ સુંદર, વધુ આકર્ષક, વધુ મહેનતુ થઈશ તો પતિ પાછો મળશે. પતિને ‘ગમે તેવી’ બનવા માટે તેણે પોતાની જીવનશૈલીમાં ઉટપટાંગ ફેરફારો કર્યા પણ કંઈ વળ્યું નહીં. પ્રેમ કરાવી શકાતો નથી. આવા ફાંફા મારવામાં તે પોતાનું પોતાપણું પણ ખોઈ બેઠી છે. તેણે પોતાના જીવનને પોતાના હાથમાં લઈ આંતરિક સમૃદ્ધિ વધારવાની કોશિશ કરવી જોઈએ. પ્રેમ અનંત સંવાદ છે. એક જણ એકલું બોલે અને બીજું વિમુખ થઈને બેસે તો સંવાદ સાધી શકાય નહીં. બંને પક્ષની સક્રિય અભિવ્યક્તિ જોઈએ. બીજા પર આપણું નિયંત્રણ ન હોય, પણ પોતાના પર હંમેશા રહેવું જોઈએ. પોતાને પણ પોતાનું સ્વત્વ મજબૂત કરવા પ્રેરિત કરવા જરૂરી હોય છે.

આપણે જોયું કે બીમારી, વૃદ્ધત્વ, મૃત્યુ, કુદરતી આફતો, સંબંધો, પ્રેમ – આ બધું આપણા નિયંત્રણમાં નથી હોતું. પણ ‘નિયંત્રણ’ એ શક્તિ કે આનંદનો કોઈ માપદંડ નથી. મોકળાશ અને સ્વીકાર જ શક્તિ અને આનંદ તરફ લઈ જાય છે. જે જે રીતે બનતું જાય તેનો હકારાત્મક સ્વીકાર, મદદરૂપ થવાની ભાવના, બીજાના વ્યક્તિત્વનો અને પસંદગીનો આદર, જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં રસ, આસપાસના વિશ્વને વધુ સુંદર – વધુ પ્રેમપૂર્ણ બનાવવાની કોશિશ – આ બધું તમારી આસપાસ પ્રભાવશાળી વ્યક્તિત્વની એક આભા સર્જે છે. આ આભા આંતરિક શક્તિમાંથી જન્મે છે. આ આભાને લીધે લોકો તમારાથી પ્રભાવિત થાય છે, એક નાજુક લાગણીથી બંધાય છે, વધુ સારું જીવન જીવવા પ્રેરિત થાય છે અને એ અભિગમથી અંતર વધુ સમૃદ્ધ, વધુ સત્વશીલ, વધુ પ્રભાવશાળી બનતું જાય છે. બધું નિયંત્રણમાં રાખવાનો, શિસ્તબદ્ધ, શ્રદ્ધાળુ અને વિશ્વસનીય બનવાનો આનંદ એ મોહથી ઘણો ચડિયાતો હોય છે. આ ગુણો એ જ આપણી શક્તિ છે જે જીવનના ખાટા મીઠા વળાંકોમાં આપણને સ્થિર અને ગૌરવપૂર્ણ રાખે છે.

[કુલ પાન : 64. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : વિચારવલોણું પરિવાર, 406, વિમૂર્તિ કોમ્પ્લેક્ષ, ગુરૂકુળ રોડ, મેમનગર, અમદાવાદ-52. ફોન : +91 9426376659.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તણખલાં – અનુ. જયંત મેઘાણી
માસૂમ હૈયાના સોગંદ ! – હરિશ્ચંદ્ર Next »   

25 પ્રતિભાવો : ભીતરનું સામર્થ્ય – અનુ. સોનલ પરીખ

 1. Ami says:

  Excellent!!

  ખુબ સુન્દર નિરુપણ!! Will have to read this book.

 2. Jignesh D, mumbai says:

  I have heard that book is suppose to be like a hammer,a hammer getting used to break the ice. After reading the book one should be able to improve the thinking process , one should become more flexible to accept the change…..

  This book seems to be one of them….

  Looking forward to read the full book….

 3. Paresh says:

  ખૂબ જ સુંદર. એકવીસમી સદીના તમામ પ્રલોભનો બેન્ડ એઈડનું કામ કરે છે. એકદમ જ સાચુ. અક્ષરધામ ગાંધીનગર ખાતે એક સરસ શિલ્પ છે કે માણસ પોતે જ પોતાનો શિલ્પી/ઘડનારો છે.
  બીજી મોટી વાત “મારો પ્રથમ પ્રેમ હોમ ઈકોનોમિક્સ પર હોવા છતાં અંગ્રેજી સાહિત્ય મારા મને સ્વીકાર્યું.” કોઈપણ વ્યક્તિને તેણે જે ચાહ્યું હોય તે ૧૦૦ ટકા નથી મળતું. મળે તો તો સારૂ જ છે પણ ન મળે તો ડીપ્રેશનમાં સરકી પડવા કરતાં, બીજા ઑપ્શન સ્વિકારવા મનને તૈયાર કરવું વધુ સારૂ.
  પૂસ્તક ખરીદીને વાંચવાની/વંચાવવાની તીવ્ર ઈચ્છા થઈ. આભાર

 4. Urmila says:

  impressive and informative article – must read the book – thanks to Mrugeshbhai and the writer for the translation -Is it possible to get the English name of the book Please

 5. સરસ લેખ. “આનંદ અને પીડા એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે.” ખરેખર વીચારતા કરી મુકે.

  હાર્દીક આભાર મૃગેશભાઈ.

 6. Girish says:

  એમ અમે થોડિ દુ ખિ થૈ જવાના

  કારણ …. અમેતો…..

  દુ ખ નુ સુ ખ માણિ જાણિએ છિએ !

  ખુબ સરસ મ્રુગેશભાઇ આભાર

 7. nayan panchal says:

  અદભૂત લેખ.

  આ આખો લેખ વાંચતી વખતે કૃષ્ણાયન પુસ્તકનુ હાર્દ યાદ આવે છે.
  “આ બધુ (સુખ,દુઃખ) કૃષ્ણનુ જ આપેલુ છે અને તેને જ સમર્પિત કરીએ છીએ.”

  નયન

 8. Lata Hirani says:

  આ પુસ્તક આવ્યું ત્યારનુ મારા ટેબલ પર મારી પ્રતિક્ષા કરતું પડ્યું છે. સરસ. આ વાંચ્યું. હવે કાલે જ હાથમાં લેવાશે. આભાર મૃગેશભાઇ….વિચારવલોણુ સરસ અનુવાદો, ભાવાનુવાદો આપે છે..

 9. સદફ મનસુરી says:

  Excellent…I read this when I was in need of this kind of thoughts. Thanks Mrugheshbhai…

  How can I get this book here in USA? Can anyone help?

 10. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 11. ઈન્દ્રેશ વદન says:

  સાચે જ એક્દમ સરસ લેખ.
  ઘણી વાતો જાણવા છતાં મનના સુષુપ્ત ભાગમાં જ પડી હોય છે.
  આ પ્રકારના લેખ જરુરથી વિચારોને જાગ્રત કરી, અમલ કરવાને પ્રેરે છે.

 12. કલ્પેશ says:

  સદફભાઇ,

  આ પુસ્તક કદાચ તમારા કાઉન્ટીની લાયબ્રેરીમા મળી શકે.
  અંગ્રેજીમા પુસ્તકનુ નામ – The Strength Within: Find Your Life Anchors and Cultivate Habits of Wholeness, Hope, and Joy

  http://www.amazon.com/Strength-Within-Anchors-Cultivate-Wholeness/dp/1587680017/ref=pd_rhf_p_t_3

  બીજી વેબસાઇટ જે વપરાયેલ પુસ્તકો વેચતી હોય ત્યા આ પુસ્તક ઘણા સસ્તામા મળી શકે.

 13. કલ્પેશ says:

  લતાબેન,

  પુસ્તકનુ નામ આ જ છે ને?

 14. ભાવના શુક્લ says:

  એકવીસમી સદીના આ બધાં પ્રલોભનો ‘બેન્ડ એઈડ’નું કામ કરે છે. જખમને ઢાંકે છે, પૂરો ઈલાજ કરતાં નથી. પૂરો ઈલાજ ત્યારે જ થાય જ્યારે પોતાની જાતમાં ઊંડા ઉતરીએ.
  ………………….
  વેલ સેઈડ..

 15. Vraj Dave says:

  સરસ અતી સરસ.બારના આનંદથી બધા ખુબજ ખુશ રહેછે પોતાની જાતમાં ઉંડા ઉતરી જે આનંદ મલેછે તેના થી વંચીત રહી જાય છે.
  બાકી તો હું, તમો અને સહુ જાણતા છતા સુષુપ્ત જ છીએ.
  વ્રજ દવે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.