- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માસૂમ હૈયાના સોગંદ ! – હરિશ્ચંદ્ર

હજી પ્હો નહોતો ફાટ્યો, ત્યાં જેનીફર ઊઠી ગઈ.
‘આજે બહુ કામ છે.’ થોડી વારે ડોલીને માથે હાથ ફેરવી તેને ઉઠાડી, ‘ડોલી બેટા, ઊઠી જા !’
‘મમ્મી સૂવા દે ને ! મને તો હમણાં વેકેશન છે.’
‘મારી લાડલી ! આજે તારે મારી સાથે આવવાનું છે. જેક આજે દિવસે બેબી-સીટિંગ માટે નથી આવવાનો. જો, હું નાહી લઉં ત્યાં સુધીમાં તુંયે તૈયાર થઈ જા.’
પણ જેની નાહીને બહાર આવી તોયે ડોલી હજી પથારીમાં જ હતી. ડોલી પર ગુસ્સો ન કરવાનું જેનીએ નક્કી કરેલું, છતાં કડક અવાજે કહ્યું, ‘હવે તારે અબઘડીએ ઊઠીને તૈયાર થવું જ પડશે, સમજી ?’

ડોલી કટાણે મોંએ ઊઠીને તૈયાર થવા લાગી. વાળ ઓળાવા બેઠી ત્યારે જેની કાંઈક વિચારોમાં હતી, ‘મમ્મી, વાળ ખેંચાય છે.’ ઝટ ઝટ નાસ્તો કરી બંને બહાર નીકળ્યાં. જેનીએ કહેલું કે રંગ ભરવાની ચોપડી અને એક-બે વાંચવાની ચોપડી સાથે લઈ લેજે. પણ મોટરમાં આવી બેઠા કે ડોલી બોલી, ‘મમ્મી, બે મિનિટ થોભશે ? રમત લેવાનું હું ભૂલી ગઈ.’
‘નહીં. હવે સમય નથી.’ કૉલેજમાં પહોંચ્યા ત્યારે ડોલી કારમાં ઊંઘી ગઈ હતી. એને જગાડતાં જેનીનો જીવ કપાઈ ગયો. પણ છૂટકો નહોતો.

ડોલીને પોતાના રૂમમાં બેસાડી જેની વર્ગમાં ગઈ હતી. વચ્ચે વચ્ચે બે-ત્રણ વાર આવીને દીકરીને બચી ભરી ગઈ, ‘મારી ડાહી દીકરી !’ ડોલી ચોપડીમાં રંગો પૂરી-પૂરીને અને વાર્તાઓ વાંચી-વાંચીને એવી તો કંટાળી ગઈ ! કેન્ટિનમાં જમવા ગયાં તો ત્યાંય બીજાઓ સાથે વાતો કરતી રહી. સાંજ પડ્યે જેની આવી કે એને વળગીને રડી જ પડી : ‘મમ્મી, તું તો મને એકલી મૂકીને જતી રહે છે.’
જેની એના વાંસે હાથ ફેરવતી રહી, ‘જો બેટા ! કાલે આપણે સાઈકલ પર દૂર દૂર ફરવા જઈશું.’
‘કાલે પપ્પા પણ આવશે ?’
‘નહીં પણ બે દિવસ પછી તને પપ્પા પાસે મોકલીશ.’

સાંજે ઘેર જઈ જેનીએ ઝટ ઝટ રસોઈ કરી. રાતે એને ફરી બહાર જવાનું હતું. જેક બેબી-સીટિંગ માટે આવ્યો. બંને જમ્યાં. થોડો વખત ટી.વી. જોયું. ડોલીએ જેક પાસે વાર્તાઓ કહેવડાવી. ઊંઘરેટી થઈ એટલે પથારીમાં પડી, ‘જેક, મને થાબડને, જેમ સૂતી વખતે ડેડી થાબડતા હતા !’ અને એ ડૂસકાં ભરવા લાગી.
‘ડોલી તને કાંઈ થાય છે ?’
‘કાંઈ ખબર નથી પડતી. પણ રડવાનું મન થાય છે.’
જેની આવી ત્યારે ડોલી ઊંઘી ગઈ હતી. એનું ઓશીકું ભીનું હતું.

ડોલીના ડેડીને ધંધાર્થે ન્યૂયોર્ક રહેવું પડતું. ડોલી અઠવાડિયું એમની પાસે રહેશે, એવું ગોઠવ્યું હતું. જેની ડોલીને વિમાન પર મૂકવા ગઈ. ડોલી રડમસ સાદે બોલી, ‘મમ્મી, તું પણ સાથે આવત તો કેવું સારું થાત !’
‘ફરી ક્યારેક એવું ગોઠવીશું હોં !’ કહેતાં જેનીનું હૈયું ભરાઈ આવ્યું, ‘જો, કલાકમાં તો પહોંચી જઈશ. ડેડી તને તેડવા આવશે.’
ન્યૂયોર્કથી ફોન આવ્યો ત્યારે ડોલી કહી રહી હતી, ‘મમ્મી, તું મને બહુ યાદ આવે છે !’
‘મારી ડાહી દીકરી ! ડેડી સાથે બહુ બહુ મજા કરજે હોં કે !’

જેનીને ઘર સૂનું સૂનું લાગતું હતું. સાથે જ ડોલીની જવાબદારી જતાં થોડીક હળવાશ પણ. અઠવાડિયામાં ઘણાં બધાં કામો આટોપી લેવાની ગણતરી હતી તેવામાં બીજે જ દિવસે પતિનો ફોન આવ્યો : ‘ડોલીને સખત તાવ ચઢ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરી. ચિંતા જેવું કાંઈ નથી. ડોલીએ મને સોગંદ આપ્યા હતા કે તને જણાવવું નહીં અને એમ કહેતી હતી કે મમ્મી હમણાં બહુ કામમાં હોય છે. એને નાહક ફિકર થાય.’ જેનીની આંખો ઊભરાઈ આવી. ગળે ડૂમો બાઝી ગયો. સૌથી પહેલું વિમાન પકડી ન્યૂર્યોક જઈ રહી હતી, ત્યારે આંખો સામે ડોલી તરવરતી હતી… એ માસૂમ હૈયાને ઘર જોઈએ છે… માતાપિતાની હૂંફ જોઈએ છે…. છતાં છેલ્લા એક વરસમાં કેટલી સમજુ થઈ ગઈ છે !

જેનીના કાનમાં દૂર દૂરથી એક માસૂમ અવાજ ગુંજી રહ્યો : ‘ડેડી, તમને સોગંદ છે !…..’ જેની ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

(શ્રી વિજય ચૌહાણની હિંદી વાર્તાને આધારે.)