- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-1) – વ્રજેશ આર. વાળંદ

[જાણીતા લેખક શ્રી વ્રજેશભાઈની અગાઉની સુંદર કૃતિઓ ‘નામ તો નહીં જ કહું’, ‘અલવિદા’ વગેરેથી આપણે પરિચિત છીએ. આજે તેઓ એક સુંદર કલ્પનાભર્યું નાટક લઈને આવ્યા છે જેમાં પાંડવોને આધુનિક કોર્ટમાં વિવિધ આરોપસર રજૂ કરવામાં આવે છે. તેમની પર કેસ ચાલે છે. કોર્ટ આખરે શા નિર્ણય પર આવે છે તે જાણવા માટે આપણે આ રસપ્રદ નાટકને બે ભાગમાં માણીશું, જેનો બીજો ભાગ આવતીકાલે પ્રકાશિત થશે. તેમનું આ નાટક તાજેતરના ‘જનકલ્યાણ’ સામાયિકના વાર્ષિક અંકમાં પણ સ્થાન પામ્યું છે. રીડગુજરાતીને આ નાટક મોકલવા માટે વ્રજેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2774898 અથવા +91 9723333423 સંપર્ક કરી શકો છો. (કૃપયા નાટકની ભજવણી કરતાં પહેલાં લેખકશ્રીને જાણ કરશો.)]

પાત્ર-સૃષ્ટિ
[1] ન્યાયાધીશ – શ્રી કર્મઠપ્રસાદ
[2] વકીલ – મિ. જોશી.
[3] યુધિષ્ઠિર
[4] અર્જુન
[5] ભીમ
[6] ત્રણ પોલીસ
[7] કલાર્ક ઓફ ધ કોર્ટ
[8] બેલિફ : આરોપીનું નામ પોકારનાર
વેષભૂષા : પાંડવોની પૌરાણિક – અન્યની આધુનિક યુગની.

ઉદ્દઘોષક :
માનનીય પ્રેક્ષકગણ, નમસ્કાર !
પ્રથમ તો આજે આપની સમક્ષ મહાભારત યુદ્ધના વિજેતા પાંડવોને આધુનિક યુગની અદાલતમાં આરોપી તરીકે દર્શાવવા બદલ ક્ષમાયાચના ! આપ રખે માનતા કે આમ કરીને એ મહાનુભાવો પર વ્યંગ કરવાનો દુરાશય છે. આપની લાગણી લગીરે ન દુભાય, આપની રસવૃત્તિને ક્ષતિ ન પહોંચે અને છતાંય આપને શુદ્ધ મનોરંજન મળે એ શુભાશય પોષવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને એ ખેવના સાકાર થાય એ સદભાવના સેવી છે. (થોભે છે.)

પાંડવો પર કરવામાં આવેલા આક્ષેપોના નિવારણમાં જ આ એકાંકીની સાર્થકતા સમાયેલી છે. (ધીમે ધીમે સંગીત સહ પડદો ખૂલે છે.) ઉદ્દઘોષક : (થોભ્યા બાદ) હવે આપની સમક્ષ પ્રસ્તુત ન્યાયાલય પર દષ્ટિ કરો. ધીર, ગંભીર મુખમુદ્રામાં ન્યાયાધીશ શ્રી કર્મઠપ્રસાદ આવી રહ્યા છે. તો હવે નિહાળો એકાંકી : ‘ન્યાય તો હજી બાકી જ છે !’

ન્યાયમૂર્તિ આસન ગ્રહણ કરે છે. ઉપસ્થિત કર્મચારીગણ અને અન્ય એમનું અભિવાદન કરે છે.
કલાર્ક ઑફ ધ કોર્ટ : (ઝૂકીને) મિ લોર્ડ ! આપણા નગરના જનાધિકાર સુરક્ષા મંડળે પાંડવો સામે રજૂ કરેલ તહોમતનામું કોર્ટ સમક્ષ સુનાવણી માટે મૂકવા કોર્ટની રજા માગું છું. આ મંડળનું માનવું છે કે ભલે તેઓ વિજયી થયા હોય, પણ ન્યાય તો હજી બાકી જ છે. (ફાઈલમાંથી તહોમતનામું ન્યાયાધીશને આપે છે.)
ન્યાયાધીશ : (તહોમતનામા પર નજર કરતાં) આરોપી નંબર એક પાંડવ શ્રી યુધિષ્ઠિર કોર્ટ સમક્ષ હાજર કરો.
બેલિફ : (બૂમ પાડીને) આરોપી નંબર એક પાંડવ યુધિષ્ઠિર હાજર હો…ઓ……ઓ !
(યુધિષ્ઠિર ધીમે ધીમે પરંતુ મક્કમ ડગલે, ગૌરવભરી ચાલે પ્રવેશ કરે છે. ન્યાયાધીશને પ્રણામ કરી નમ્રપણે બોક્ષમાં ઊભા રહે છે.)

ન્યાયાધીશ : મિ. યુધિષ્ઠિર ! આપના તરફથી કોઈ વકીલ હાજર છે ?
યુધિષ્ઠિર : (નમ્રતાપૂર્વક) જી ના મહોદય ! હું કે મારા લઘુબંધુઓને એની કોઈ આવશ્યકતા જણાતી નથી. સત્યને પ્રમાણની શી આવશ્યકતા !
ન્યાયાધીશ : (સામા પક્ષના વકીલને) મિ. જોશી ! તમે આગળની કાર્યવાહી શરૂ કરો.
મિ. જોશી : (ઝૂકીને વિનયપૂર્વક) યસ મિ લોર્ડ ! (યુધિષ્ઠિરને) મિ. યુધિષ્ઠિર ! અમારા નગરના જનાધિકાર સુરક્ષા મંડળે આપ અને આપના ભાઈઓ સામે કોર્ટ સમક્ષ તહોમતનામું રજૂ કર્યું છે. આપના પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
યુધિષ્ઠિર : (ન્યાયાધીશને નમ્રતાપૂર્વક) ન્યાયાધિષ્ઠાતા મહોદય ! અમારા પર શા આરોપો છે એ હું જાણી શકું ?
ન્યાયાધીશ : આરોપીને એમના પર કરવામાં આવેલા આરોપોની જાણ કરવામાં આવે !
મિ. જોશી : મિ. યુધિષ્ઠિર, આપ આપના ગુરુ શ્રી દ્રોણાચાર્યની હત્યામાં પરોક્ષ રીતે સંકળાયેલા છો. તમે એમની હત્યા માટે જવાબદાર છો !
યુધિષ્ઠિર : ધારાશાસ્ત્રી મહોદય ! આ આરોપ સત્યથી શત જોજન દૂર છે.
મિ. જોશી : (ન્યાયાધીશને) મિ લોર્ડ ! આરોપીને કેટલાક પ્રશ્નો પૂછવાની રજા માગું છું.
ન્યાયાધીશ : અદાલત તમને એ અંગે રજા આપે છે.
મિ. જોશી : થેંક યૂ, મિ લોર્ડ ! (યુધિષ્ઠિરને) હા, તો મિ. યુધિષ્ઠિર ! આપ ધર્મરાજા તરીકે ઓળખાતા હતા એ વાત સાચી છે ?
યુધિષ્ઠિર : ધારાશાસ્ત્રી મહોદયની વાતમાં રહેલા સત્યનો સ્વીકાર કરું છું.
મિ. જોશી : વેલ ! આપે ધર્મરાજાનું ઉપનામ શા માટે ધારણ કર્યું એ અદાલતને જણાવી શકશો ?
યુધિષ્ઠિર : સ્પષ્ટપણે તો હું શું કહી શકું ? પણ મારું નમ્રપણે માનવું છે કે પ્રજા દ્વારા મને અર્પિત થયેલો એ પ્રેમોપહાર છે. આ ઉપનામ મેં સ્વયં ધારણ નથી કર્યું.
મિ. જોશી : (મર્માળા સ્મિત સાથે) આપની પ્રજાએ આપને આ ઉપનામ શા માટે આપ્યું એ આપ જણાવી શકશો ?
યુધિષ્ઠિર : મારી નમ્ર માન્યતા મુજબ ધર્મ અને ન્યાયમાં મેં દાખવેલી નિષ્ઠાને કારણે પ્રજાએ કદાચ આ ઉપનામ આપ્યું હશે. મારા કર્તવ્યપાલનને પ્રજાએ સ્વીકૃત ગણ્યું હશે !
મિ. જોશી : (કટાક્ષમય સ્મિત સાથે) અને એમના, આઈ મીન આપની પ્રજાના આપના પ્રત્યેના આ અહોભાવથી આપનો અહમ પણ પોષાતો હશે, ખરું ને !
યુધિષ્ઠિર : (પ્રતિ પ્રશ્ન કરતાં) ધારાશાસ્ત્રી મહોદય ! કર્તવ્યપાલન અને અહમ એક સાથે સંભવી શકે ખરાં ?
મિ. જોશી : વેલ, આપ ધર્મ અને કર્તવ્યપાલનના આટલા આગ્રહી હતા….
યુધિષ્ઠિર : (વચ્ચેથી અટકાવતાં) હતો નહિ, છું જ. આપની સમક્ષ અત્રે એ જ યુધિષ્ઠિર વિદ્યમાન છે જેણે નિજ જીવનકાર્યને સદાય નિર્વિકાર અને કૃતસંકલ્પ રહી પવિત્ર યજ્ઞકાર્ય ગણ્યું છે.
મિ. જોશી : (ન્યાયાધીશને) મિ. લોર્ડ ! આરોપી હજીય પોતાને ધર્મરક્ષક ગણાવે છે પરંતુ કુરુક્ષેત્રના યુદ્ધમાં અશ્વત્થામા મરાયો એવી વાત ફેલાવાઈ ત્યારે સાચી વાત જાણવાં છતાં ‘નરો વા કુંજરો વા’ જેવું ગેરમાર્ગે દોરનારું ભ્રામક વિધાન કરતી વેળા એમનો ધર્મ ક્યાં ગયો હતો ? એમના આ વિધાને જ ગુરુ દ્રોણને વિમાસણમાં મૂકી દીધા. આ વિધાનની યથાર્થતા ચકાસવા ધ્યાનસ્થ અવસ્થામાં ડૂબેલા દ્રોણાચાર્યની દ્રુપદપુત્ર ધૃષ્ટધુમ્ને હત્યા કરી હતી. ધર્મના રક્ષક અને પાલક હોવાનો દાવો કરનાર આવું જુઠાણું ચલાવી શકે ખરા ! મિ. લોર્ડ ! આરોપી યુધિષ્ઠિરે દ્રોણાચાર્યની હત્યા માટેના ષડયંત્રમાં સક્રિય સહયોગ આપ્યાનું સ્પષ્ટ જણાય છે. (યુધિષ્ઠિર વિમાસિત થઈ મૌન રહે છે. ચહેરા પર અવનવા ભાવો પ્રગટે છે.)

ન્યાયાધીશ : મિ. યુધિષ્ઠિર ! આપને આપના બચાવમાં કાંઈ કહેવું છે ?
યુધિષ્ઠિર : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! હું માનવ છું. મારા પર સર્વશક્તિમાન શ્રીકૃષ્ણ ભગવાનનું આધિપત્ય હતું. એમની આજ્ઞાનુસાર જ મેં આ કાર્ય કર્યું હતું.
મિ. જોશી : (આવેશમાં) મિ લોર્ડ ! આરોપી આમ શ્રીકૃષ્ણના સંમોહનમાં આવી ધર્મ અને નીતિને નેવે મૂકે એ માની શકાય નહીં. આરોપી પોતાનો પાંગળો બચાવ કરે છે.
યુધિષ્ઠિર : (લાગણીસભર સ્વરે) ન્યાયાધિષ્ઠાતા મહોદય ! ધારાશાસ્ત્રીશ્રી ભૌતિક જગતના જીવ છે. ભગવાન શ્રીકૃષ્ણ અંગેનું એમનું અજ્ઞાન ક્ષમ્ય છે પરંતુ એમના દ્વારા ભગવાનની મહાનતાનું અવમૂલ્યન થાય એ મારા માટે અસહ્ય છે !
ન્યાયાધીશ : (વકીલને) મિ. જોશી ! આરોપીની લાગણી ન દુભાય એ રીતે કામ આગળ ચલાવો.
મિ. જોશી : આઈ એમ સોરી યોર ઓનર ! પણ મારો કહેવાનો હેતુ એ જ છે કે શ્રીકૃષ્ણની વાતમાં આવી જઈને આરોપી પોતાના ગુરુ સાથે આવો પ્રપંચ કરે તે યોગ્ય તો નથી જ.
ન્યાયાધીશ : મિ. યુધિષ્ઠિર ! દ્રોણપુત્ર અશ્વત્થામા મરાયો ન હતો એ તમે જાણતા હતા ?
યુધિષ્ઠિર : જી હા, મહોદય !
ન્યાયાધીશ : છતાં પણ ‘નરો વા કુંજરો વા’ જેવું ભ્રામક વિધાન કરવા પાછળ તમારો શો આશય હતો ?
યુધિષ્ઠિર : મહોદય ! ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાનું પાલન એ જ મારે મન સૌથી મોટો ધર્મ હતો, છે અને રહેશે. તદઅનુસાર જ હું વર્ત્યો છું.
ન્યાયાધીશ : (નોંધ લખીને વાંચે છે) શ્રી જોશીની દલીલો અને સ્વબચાવમાં આરોપીએ રજૂ કરેલી બાબતોને ધ્યાનમાં લેતાં અદાલત એવા નિર્ણય પર આવે છે કે આરોપી પોતાની નિર્દોષતા પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. કોર્ટ મિ. જોશીની દલીલો ગ્રાહ્ય રાખે છે. આરોપી પોતે ધર્મરાજ ગણાતા હોવા છતાં ગુરુ દ્રોણ સમક્ષ ભ્રામક વિધાન કરીને એમની હત્યામાં પરોક્ષ રીતે સહભાગી થતા હોવાનું સ્પષ્ટ જણાય છે. આથી કોર્ટ એમને ગુનેગાર ઠેરવે છે. છતાં તેઓની સજાની જાહેરાત અન્ય આરોપીઓની સુનાવણી બાદ કરવામાં આવશે. હવે આરોપી નંબર-બે પાંડવ અર્જુનને હાજર કરવામાં આવે.

બેલિફ : આરોપી નંબર બે પાંડવ અર્જુન હાજર હો…ઓ….ઓ !
(ગાંડીવધારી અર્જુન ગૌરવભેર પ્રવેશ કરે છે. ન્યાયાધીશ, યુધિષ્ઠિર અને અન્યને ક્રમશ: વંદન કરી યુધિષ્ઠિરની બાજુમાં ઊભા રહે છે.)
મિ. જોશી : (ન્યાયાધીશને) મિ. લોર્ડ ! અદાલતને મારી નમ્ર વિનંતી છે કે આરોપી પાસેથી એનું હથિયાર લઈ લેવામાં આવે ! પ્રાચીન દેખાતું આ હથિયાર આધુનિક પરમાણુ શસ્ત્રો જેટલું જ ભયંકર છે.
ન્યાયાધીશ : મિ. અર્જુન ! અધિકૃત કર્મચારીઓ સિવાય કોઈને પણ અદાલતમાં હથિયાર સાથે આવવાની મનાઈ છે.
અર્જુન : (વિનયપૂર્વક) મહોદય ! આપના કર્મચારીઓએ મને આ નિયમથી જ્ઞાત કર્યો જ છે. પરંતુ મારું ગાંડીવ હું શયનખંડ સિવાય ક્યાંય મારાથી અલગ કરતો નથી.
ન્યાયાધીશ : મિ. અર્જુન ! તમે અદાલતના નિયમનો ભંગ ન કરી શકો.
અર્જુન : મહોદય ! ગાંડીવ તો મારું અભિન્ન અંગ છે. સાક્ષાત યમરાજ પણ એને આ અર્જુનથી અલગ કરવાને અસમર્થ છે. ગાંડીવ મારા સામર્થ્યનું નહિ, મારી કર્તવ્ય પરાયણતાનું પ્રતીક છે. એ આપના યુગના વિનાશકારી શસ્ત્રો જેવું નથી કે જ્યાં ત્યાં અનાવશ્યક વિનાશ આદરતું રહે ! મારું ગાંડીવ તો ધર્મ અને ન્યાયનું રક્ષક છે. એનો લેશમાત્ર પણ અનુચિત ઉપયોગ નહિ કરવાનું ન્યાયાલયને મારું અફર વચન છે !
ન્યાયાધીશ : (ક્ષણિક વિચારી, નોંધ ટપકાવતાં) શ્રી અર્જુન ભૂતકાળમાં નરની માનદ પદવીથી વિભૂષિત થયા છે. એમણે વચનભંગ કર્યું હોય એવો એક પણ દાખલો અગાઉ રેકર્ડ થયો નથી એ જોતાં એમણે આપેલા વચનમાં અવિશ્વાસ ધરવાનું કોઈ કારણ અદાલતને હાલના સંજોગોમાં લાગતું નથી. આથી અદાલત એમને પોતાનું હથિયાર પાસે રાખવાની છૂટ આપે છે.
અર્જુન : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! હું આપનો આભારી છું. નિર્દોષ અને નિ:શસ્ત્ર સામે મારા ગાંડીવે સદા મૌન સેવ્યું છે.

મિ. જોશી : મિ. લોર્ડ ! આરોપી આ સૌથી મોટું જુઠાણું ચલાવી રહ્યા છે. મહાભારતના યુદ્ધમાં મહારથી કર્ણ જ્યારે નિ:શસ્ત્ર બની રણભૂમિમાં ખૂંપી ગયેલા રથચક્રને બહાર કાઢવા મથામણ કરી રહ્યા હતા ત્યારે આરોપીએ એમના પર બાણવર્ષા કરી એમની હત્યા કરી હતી. પોતે આચરેલા દુષ્કૃત્યને શૌર્યમાં ખપાવવાની તેઓ કુચેષ્ટા કરી રહ્યા છે.
ન્યાયાધીશ : મિ. અર્જુન ! કર્ણના હાથમાં એ વેળા હથિયાર ન હતું એ સાચી વાત છે ?
(અર્જુન ક્ષણિક અવઢવમાં પડે છે.)
મિ. જોશી : યસ મિ. લોર્ડ ! પૌરાણિક ગ્રંથ મહાભારતમાં આ વાત રેકર્ડ થયેલી છે. અદાલતને મારી નમ્ર વિનંતી છે કે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે કારણ કે કર્ણની હત્યા કરતી વેળા એમણે ધર્મયુદ્ધના નિયમો નેવે મૂક્યા હતા.
ન્યાયાધીશ : મિ. અર્જુન ! તમારે સ્વ બચાવમાં કાંઈ કહેવું છે ?
અર્જુન : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! શૌર્ય અને ક્રૂરતાનો ભેદ ન સમજી શકનાર ધારાશાસ્ત્રી મહોદયને મારે એટલું જ પૂછવાનું કે ધર્મના રક્ષણ માટે અનિષ્ટ તત્વો સામે યુદ્ધ આચરવામાં પાપ ખરું ? (આવેશમાં) જો એને પાપ ગણાતું હોય તો એ પાપ મેં આચર્યું છે. કર્ણનો વધ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા અને ઈચ્છાને આધીન રહીને જ મેં કર્યો હતો.
મિ. જોશી : (મોટેથી) મિ. લોર્ડ ! આરોપી એ જાણી જોઈને જ કર્ણની હત્યા કરી હતી. એ પણ આરોપી નંબર એકની જેમ શ્રીકૃષ્ણના નામે તરી જવા માગે છે.
અર્જુન : (ભાવવાહી સ્વરે) ધારાશાસ્ત્રી મહોદય ! શ્રીકૃષ્ણ તો સાક્ષાત ઈશ્વરરૂપ છે. એમના નામે તરવામાં ક્ષોભ હોઈ શકે ખરો ! અરે, રામનો સ્પર્શ પામીને અહલ્યા શિલામાંથી પુનર્જીવન પામ્યાં ન હતાં ? શું રામ નામે સાગરમાં નાખેલા પથ્થરો ન’હોતા તર્યા ?

ન્યાયાધીશ : (સહાનુભૂતિપૂર્વક) મિ. અર્જુન ! ન્યાય અને ભક્તિ બંને અલગ છે. શ્રીકૃષ્ણ તરફની આપની ભક્તિ અને એમની સાથેની આપની મૈત્રીથી અદાલત સારી રીતે વાકેફ છે….. પણ તમે એમને વચ્ચે લાવી તમારો બચાવ ન કરી શકો. તમારે બીજું કાંઈ કહેવું છે ?
અર્જુન : જી ના મહોદય !
ન્યાયાધીશ : (નોંધના મુદ્દા વાંચી) આરોપી નંબર બે પાંડવ અર્જુન પોતાની નિર્દોષતા પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેમની ઊલટતપાસથી અદાલત એવા નિર્ણય પર આવે છે કે કર્ણની હત્યા માટે તેઓ જ જવાબદાર છે. અદાલત એમને કસૂરવાર ઠેરવે છે. હવે આરોપી નંબર ત્રણ-પાંડવ ભીમ હાજર થાય.
બેલિફ : આરોપી નંબર-ત્રણ પાંડવ ભીમ હાજર હો…ઓ….ઓ !
(ભીમના ન આવવાથી ફરી) પાંડવ ભીમ હાજર હો….ઓ…. !
એક પોલીસ : (અદાલતમાં હાંફળો ફાંફળો પ્રવેશ કરી) નામદાર સાહેબ ! (વિનયપૂર્વક નમન કરી) પાંડવ ભીમ હમણાં નહીં આવી શકે !
ન્યાયાધીશ : અદાલતના હુકમનું પાલન અનિવાર્ય છે. એનો અનાદર એ અદાલતનો તિરસ્કાર ગણાય. આ બાબતની આરોપીને જાણ ન હોય તો જાણ કરવામાં આવે !
પોલીસ : નામદાર સાહેબ ! પાંડવ ભીમ અત્યારે ભોજન લઈ રહ્યા છે. અન્નપૂર્ણા ભોજનાલયે કોર્ટના ખાસ ફરમાનથી અદાલતના પાછળના ભાગમાં કામચલાઉ રસોડું ઊભું કર્યું છે એના તમામ કર્મચારીઓ દોડાદોડી કરીને પરસેવે નહાઈ રહ્યા છે. બિચારા હાંફી ગયા છે. પાંડવ ભીમ લગભગ સોએક માણસની રસોઈ આરોગી ગયા છે. એમણે આપને કહેવાયું છે કે ભોજન માર્ગની હજી અડધી મજલ બાકી છે. એ પૂર્ણ કર્યા બાદ જ તેઓ ન્યાયાલયમાં ઉપસ્થિત થવા અંગે વિચારશે.

મિ. જોશી : (વ્યંગમાં) મિ લોર્ડ ! મને લાગે છે કે બે-ત્રણ કલાકમાં જ સમગ્ર દેશમાં અનાજ, ઘી, તેલ, શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવશે. (ઉપસ્થિત લોકોમાં હસાહસ)
ન્યાયાધીશ : (હથોડી પછાડી) ઓર્ડર, ઓર્ડર ! આ ચલાવી લેવાશે નહીં ! પાંડવ ભીમ સમજાવટથી ન આવે તો એમને બળપૂર્વક લાવવાનું ફરમાન કરવામાં આવે છે.
યુધિષ્ઠિર : (સહેજ ભયભીત બની) મહોદય ! ભીમ સામે બળપ્રયોગ મિથ્યા છે. એમ કરતાં જીવહાનિ થવાનો સંભવ છે.
ન્યાયાધીશ : પણ આરોપી અદાલતનો હુકમ ન માને એ કેમ ચાલે !
યુધિષ્ઠિર : (નમ્રતાપૂર્વક) મહોદય ! આપના કર્મચારીને ભીમ પાસે મોકલીને કહેવડાવો કે તમારા જ્યેષ્ઠ ભ્રાતા ધર્મરાજ યુધિષ્ઠિર તમને યાદ કરે છે.
ન્યાયાધીશ : (નોંધ ટપકાવતાં) ઠીક છે ! જાનહાનિનો સંભવ જોતાં આરોપીને એમના મોટાભાઈ યુધિષ્ઠિરના નામે બોલાવવા કોર્ટ સંમત થાય છે. આરોપીને એ રીતે બોલાવો.
બેલિફ : (મોટેથી) આરોપી નંબર ત્રણ પાંડવ ભીમ તમને તમારા મોટાભાઈ કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરે છે. હાજર હો…ઓ……ઓ !

(ક્રમશ: – આવતીકાલે)