- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-2) – વ્રજેશ આર. વાળંદ

[ ભાગ-1 [1] પછીથી હવે આગળ…. ]

(ભીમનું ગદા સાથે છટાભરી ચાલે આગમન. ચારે બાજુ દષ્ટિ કરી ન્યાયાધીશ, યુધિષ્ઠિર, પ્રેક્ષકોને ક્રમશ: વંદન કરે છે અને યુધિષ્ઠિર-અર્જુનની સામેના બોક્ષમાં ઊભો રહે છે.)
ન્યાયાધીશ : પાંડવ ભીમને એમના પર મુકાયેલા આરોપની જાણ કરવામાં આવે !
ભીમ : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! મને મારા પર મુકાયેલા આરોપની જાણ કરવામાં આવે એ પહેલાં હું જ ન્યાયાલય પર આરોપ મૂકવા માગું છું.
ન્યાયાધીશ : (સહેજ ચોંકીને) મિ. ભીમ ! અદાલત પર આપ શો આરોપ મૂકવા માગો છો ?
ભીમ : મહોદય ! ન્યાયાલયે મારા ક્ષુધાતૃપ્તિ મહાયજ્ઞમાં વિક્ષેપ સર્જી મને શારીરિક અને માનસિક રીતે યાતના આપી છે.
ન્યાયાધીશ : મિ. ભીમ ! તમારું વિધાન સરળ શબ્દોમાં અદાલત સમક્ષ રજૂ કરો. જટિલ ભાષાનો પ્રયોગ અદાલતની કાર્યવાહીમાં અવરોધનું કારણ બની શકે છે. કોર્ટ તમને સ્પષ્ટતા કરવા કહે છે.
ભીમ : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! આપણા દેશની પ્રજાએ આંગ્લ અને યાવની ભાષના શબ્દોને પોતાની પ્રાદેશિક ભાષામાં વણી લીધા છે. કિન્દુ દેશની અસ્મિતામાં પ્રાણસંચાર કરનાર દેવ-ભાષા સંસ્કૃતથી એ વિમુખ થતી જાય છે એ ખરે જ દુર્ભાગ્યપૂર્ણ છે !
ન્યાયાધીશ : (સહેજ અકળાઈને) ઓર્ડર ઓર્ડર ! મિ. ભીમ ! મૂળ મુદ્દા માટે જરૂરી હોય એ જ બોલવાનું કોર્ટ તમને ફરમાન કરે છે !

ભીમ : ક્ષમા કરો, મહોદય ! પરંતુ આ ઓર્ડર અને કોર્ટ આપના કર્મચારીના જણાવ્યાનુસાર આંગ્લ શબ્દો છે અને ફરમાન યાવની શબ્દ છે. શું એમના સ્થાને સંસ્કૃત પારિભાષિક શબ્દપ્રયોગ ન થઈ શકે ? કેવળ ન્યાયાલયની જાણ ખાતર જણાવું છું કે સંસ્કૃતમાં માત્ર સાગર માટે જ સો કરતાં વધુ શબ્દો છે તો એ ભાષામાંથી……
યુધિષ્ઠિર : (ભીમને અટકાવતાં) ભીમ ! તું ન્યાયાલયના અમૂલ્ય સમયનો વ્યય કરે છે. (ન્યાયાધીશને) મહોદય ! આપની આજ્ઞા હોય તો ભીમના કથનને સ્પષ્ટ કરવા માગું છું.
ન્યાયાધીશ : અદાલત તમને રજા આપે છે.
યુધિષ્ઠિર : ભીમ એમ કહેવા માગે છે કે જ્યારે એ ભોજન કરી રહ્યો હતો ત્યારે આપના કર્મચારીઓએ એને ન્યાયાલયમાં પ્રસ્તુત થવાનો દુરાગ્રહ સેવ્યો તેથી એને ભોજન કરવામાં વિક્ષેપ પડ્યો છે.
ન્યાયાધીશ : (ભીમને) મિ. ભીમ ! તમારા મોટાભાઈએ કરેલી સ્પષ્ટતા તમને માન્ય છે ?
ભીમ : જી હા, મહોદય ! હું ભોજન કરતો હોઉં ત્યારે કોઈ વિક્ષેપ નાખવાનું સાહસ કરે એ મારા માટે અસહ્ય છે. આપે મારા વડીલ ભ્રાતાના નામે મને બોલાવ્યો એટલે વિવશપણે મારે આપની સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું.
ન્યાયાધીશ : મિ. ભીમ ! કોર્ટના કામમાં ભોજનને કારણે વિલંબ થાય એ જરા વધુ પડતું છે અને હા, તમારું આ હથિયાર અદાલતને સુપરત કરવાનો તમને હુકમ કરવામાં આવે છે.

ભીમ : મહોદય ! આમ તો મારી આ ગદા મારું આભૂષણ છે. ભોજન સમયે જ મારાથી એ દૂર રહે છે. પરંતુ આપશ્રીનો આદેશ શિરોધાર્ય ગણી ન્યાયાલયને અર્પણ કરું છું.
ન્યાયાધીશ : આરોપી પાસેથી એમનું હથિયાર લઈ લેવામાં આવે ! (ભીમ ગદા લંબાવે છે. ત્રણ પોલીસો એને ઊંચકવા પ્રયત્ન કરે છે. એમ કરતાં તેઓ પડી જાય છે. કણસતા કણસતા ઊભા થાય છે. અદાલતમાં હસાહસ અને ઘોંઘાટ થાય છે.)
ભીમ : (મંદ હાસ્ય સાથે) મહોદય ! મારી ગદા તો દ્વાપર યુગનું અમોઘ શસ્ત્ર છે. એને ઊંચકવા આપના અનેક કર્મચારી ઓછા પડશે. એને ઊંચકવા આપના યુગનું સ્વયં-ચાલિત વિરાટકાય યંત્ર મંગાવવું પડશે. માર્ગમાં આવતાં મેં એવું એક યંત્ર જોયું હતું. એની સાથે સંલગ્ન કર્મચારીઓને પૂછતાં એનું નામ ક્રેઈન છે એવું મને વિદિત થયું છે !
(પ્રેક્ષકોમાં હસાહસ)
ન્યાયાધીશ : ઓર્ડર ઓર્ડર ! મિ. ભીમ ! તમે જરૂર કરતાં વધુ બોલીને અદાલતનો સમય બરબાદ કરો છો !
યુધિષ્ઠિર : (નમ્રતાથી) મહોદય ! હું આપને મારા તરફથી વચન આપું છું કે આ શસ્ત્ર દ્વારા ભીમ ન્યાયાલયમાં કોઈ પણ પ્રકારની અનધિકૃત ચેષ્ટા નહિ કરે !
ન્યાયાધીશ : (નોંધ ટપકાવતાં) મિ. ભીમ હંમેશા પોતાના મોટાભાઈની આજ્ઞાનું પાલન કરતા આવ્યા છે એવા પૌરાણિક પુરાવાઓને પ્રમાણભૂત ગણી તેમ જ ક્રેઈન જેવા યંત્રને કોર્ટમાં લાવવું અશક્ય હોવાથી કોર્ટ મિ. ભીમને એમનું હથિયાર પાસે રાખવાની છૂટ આપે છે. હવે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે.

મિ. જોશી : થેંક્યું મિ લોર્ડ ! આરોપીને કેટલાક પ્રશ્નો પૂછવાની રજા માગું છું.
ન્યાયાધીશ : કોર્ટ તમને એ માટે રજા આપે છે.
મિ. જોશી : (ભીમ પાસે જઈને) મિ. ભીમ ! તમે દુર્યોધનને શરીરના કયા ભાગ પર ગદા મારી હતી એ અદાલતને જણાવશો ?
ભીમ : (ન્યાયાધીશને) મહોદય ! હું ધારાશાસ્ત્રી મહોદયને મહાભારતનું પુનર્વાચન કરવાનો અનુરોધ કરું છું.
ન્યાયાધીશ : મિ. ભીમ ! તમને પૂછવામાં આવે એ પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપો.
ભીમ : (ઠાવકાઈથી) ન્યાયાધીશ મહોદય ! સમગ્ર ભારતવર્ષના સામાન્ય ગ્રામ્યજનને પણ આ પ્રશ્નનો ઉત્તર સહજ છે તો ધારાશાસ્ત્રી મહોદય એનાથી અજ્ઞાત કેમ છે ?
યુધિષ્ઠિર : (ભીમને ટપારતા હોય એમ) ભીમ ! પ્રશ્નોના સીધા ઉત્તર આપવાની મારી તને આજ્ઞા છે.
ભીમ : (નમ્રતાથી) જેવી વડીલબંધુની આજ્ઞા !
મિ. જોશી : હા તો મિ. ભીમ તમે દુર્યોધનને ગદા ક્યાં મારી હતી.
ભીમ : (સાથળ થપથપાવી) મેં એની સાથળ પર ગદા મારી હતી.
મિ. જોશી : (આંખ ઝીણી કરી) અને એ જ કારણે એનું મૃત્યુ થયું એ વાત સાચી છે ?
ભીમ : (સહેજ ગર્વથી) તદ્દન સાચી વાત છે. મારી ગદાનો એક જ પ્રહાર મદોન્મત ગજરાજ માટે પણ મોક્ષના દ્વાર….
યુધિષ્ઠિર : (રોષપૂર્વક ભીમને અટકાવતાં) ભી…ઈ….મ !
(ભીમ ક્ષમાપ્રાર્થી મુદ્રામાં નતમસ્તક થઈ જાય છે.)

મિ. જોશી : (ભીમને) તમે ધર્મયુદ્ધ કરી રહ્યા હતા એનો ખ્યાલ તમને હતો ખરો ?
ભીમ : (સગર્વ) અવશ્ય ધારાશાસ્ત્રી મહોદય !
મિ. જોશી : ધર્મયુદ્ધમાં સાથળ પર ગદા પ્રહાર ન થાય એ નિયમ તમે જાણતા હતા ?
ભીમ : આજે એ નિયમ યાદ કરાવવાનું પ્રયોજન હું જાણી શકું ?
મિ. જોશી : એ નિયમ જાણતા હોવા છતાં તમે દુર્યોધનની સાથળ પર ગદા કેમ મારી ? (ન્યાયાધીશને) મિ લોર્ડ ! આરોપીએ જાણી જોઈને જ આ અપકૃત્ય કર્યું છે.
ભીમ : (થોથવાતાં) પ…પ…પણ..મ…મેં સ્વેચ્છાએ ગદા મારી ન હતી !
મિ. જોશી : (ભારપૂર્વક) તમે હમણાં જ કહ્યું કે તમે દુર્યોધનને સાથળ પર ગદા મારી હતી !
ભીમ : (સહેજ ક્ષોભથી) હા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે મને એમ કરવાનો ગુપ્ત સંકેત કર્યો હતો.
મિ. જોશી : (ગરજીને) મિ લોર્ડ આરોપી નંબર ત્રણ પણ આગળના બંને આરોપીની જેમ શ્રીકૃષ્ણને વચ્ચે લાવી છટકી જવાની ચાલ રમે છે.
ભીમ : (આવેશમાં આવી) ધારાશાસ્ત્રી મહોદય ! કોઈ પણ પાંડવ એવો કાયર નથી કે એણે અન્યનું અવલંબન લેવું પડે ! સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે જરાસંઘને મારવા મારું અવલંબન લીધું હતું. (ક્રોધથી કાંપે છે.)
મિ. જોશી : (ગભરાઈને) મિ લોર્ડ ! આરોપી ખૂબ જ ઉશ્કેરાઈ ગયો છે. મને પૂરી દહેશત છે કે મારા પર એ ખૂની હુમલો કરી બેસશે. કોર્ટ તરફથી મારા રક્ષણની વ્યવસ્થા થાય એવી હું આપને વિનંતી કરું છું. (ભયથી ધ્રુજે છે.)
ભીમ : (કટાક્ષમાં) શાંતમ પાપમ ! ધારાશાસ્ત્રી મહોદય આપ નચિંત રહો ! ભીમ મરેલાને કદી મારતો નથી. (હસે છે.)
(કોર્ટમાં હસાહસ)
યુધિષ્ઠિર : ભીમ ! કોઈને આતંકિત કરી આનંદ મેળવવાની તારી આ પ્રવૃત્તિ અનિચ્છનીય છે.
ભીમ : (ખોટી ઠાવકાઈથી) વડીલબંધુ ! એમાં મારો લેશમાત્ર દોષ નથી. પૃથ્વીનું વાતાવરણ જ એવું થઈ ગયું છે ! અહીં નિર્દોષ અને નિર્બળની સદંતર ઉપેક્ષા થઈ રહી છે. ગણતંત્રના નામને એમના માનવીય અધિકારો પર તરાપ મરાઈ રહી છે. આવું કલુષિત વાતાવરણ મને પ્રભાવિત કરે એ સ્વાભાવિક છે.
ન્યાયાધીશ : (રોષપૂર્વક) મિ. ભીમ અસંગત વિધાનો બંધ કરો !
યુધિષ્ઠિર : (નમ્રતાપૂર્વક) મહોદય ! હું આપને એક વિનંતી કરવા માગું છું.
ન્યાયાધીશ : કોર્ટ તમને રજા આપે છે.
યુધિષ્ઠિર : અમે ત્રણેય આપને કહી ચૂક્યા છીએ કે અમે જે કાંઈ કર્યું એ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાનું કેવળ પાલન માત્ર હતું. તેઓ જ આનું નિરાકરણ કરવાને સમર્થ છે.
ન્યાયાધીશ : મિ. યુધિષ્ઠિર ! આરોપો શ્રીકૃષ્ણ પર નહિ, પરંતુ તમારા ત્રણ પર છે અને એ સાબિત થઈ ચૂક્યા છે.
યુધિષ્ઠિર : (નમ્રતાથી) આપની વાત સાચી છે, મહોદય ! છતાં જો ભગવાન શ્રીકૃષ્ણને ન્યાયાલયમાં ઉપસ્થિત કરવામાં આવે તો ન્યાય કાર્ય માટે આવશ્યક એવી ઘણી અર્થપૂર્ણ માહિતી પર પ્રકાશ પડશે.

ન્યાયાધીશ : (નોંઘ ટપકાવતાં) ત્રણે આરોપીઓ પરના આરોપો સાબિત થઈ ચૂક્યા છે છતાંય એમને અન્યાય ન થાય એ માટે કોર્ટ એમને બચાવની વધુ એક તક આપે છે. વળી કોર્ટ શ્રીકૃષ્ણના સર્વવ્યાપીપણાના સત્યથી વાકેફ છે તેથી એમના પર સમન્સ બજાવ્યા વિના માત્ર બે જ મિનિટમાં એમને કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરે છે. જો તેઓ હાજર રહેવામાં નિષ્ફળ જશે તો આરોપીઓ પર અંતિમ કાર્યવાહી કરવામાં આવશે. (એકદમ શાંતિ છવાઈ જાય છે. કેવળ ઘડિયાળનો ટકટક અવાજ સંભળાય છે.) પાંડવો ચારે બાજુ આશાભરી મીટ માંડે છે.)
ન્યાયાધીશ : ભગવાન શ્રીકૃષ્ણ ! એક મિનિટ પૂરી થઈ. હવે માત્ર એક જ મિનિટ બાકી છે. (પુન: શાંતિ છવાઈ જાય છે.) અચાનક ભયંકર કડાકો થાય છે. સૌ ભયભીત થઈ જાય છે. રંગમંચ પર અંઘકાર પ્રસરે છે. પછી ધીમે ધીમે પ્રકાશ રેખાઓ સ્ફૂટ થાય છે. ગહનતામાંથી આવતો હોય એવો ઘોર-ગંભીર અવાજ સંભળાય છે.
શ્રીકૃષ્ણ : (અદશ્ય રૂપે) હું ઉપસ્થિત છું, ન્યાયાધિષ્ઠાતા મહોદય !
ન્યાયાધીશ : (ચારે બાજુ નજર કરતાં) ભગવાન શ્રીકૃષ્ણ ! અદાલત આપનો અવાજ સાંભળી શકે છે પરંતુ આપની શારીરિક હાજરીની નોંઘ નથી લઈ શકતી !
શ્રીકૃષ્ણ : મહોદય ! હું સદેહે ઉપસ્થિત નથી થઈ શકતો કારણ કે મેં અવતારી દેહ ધારણ નથી કર્યો. વળી મારા સર્વવ્યાપીપણાનો આપે સ્વીકાર કર્યો જ છે.
ન્યાયાધીશ : પાંડવોના બચાવ અંગે આપને કાંઈ કહેવું છે ?
શ્રીકૃષ્ણ : હા મહોદય ! પાંડવોએ જે કાંઈ કર્યું એ મારી પ્રેરણાનું જ પરિણામ હતું અને એમણે જે કાંઈ કર્યું એમાં ધર્મ કે ન્યાયની મર્યાદા લેશમાત્ર લોપાઈ નથી !
ન્યાયાધીશ : આપનું કથન પુરાવા સાથે સ્પષ્ટ કરી શકશો ?
શ્રીકૃષ્ણ : અવશ્ય !

ન્યાયાધીશ : મિ. યુધિષ્ઠિર પરના આરોપ અંગે આપને શું કહેવું છે ?
શ્રીકૃષ્ણ : ધર્મરાજ શ્રી યુધિષ્ઠિરને આપે ગુરુ દ્રોણના પરોક્ષ હત્યારા ગણ્યા પરંતુ શ્રી દ્રોણે અર્જુનની અનુપસ્થિતિમાં કોઠા યુદ્ધનું આયોજન કરેલું. એ યુદ્ધમાં અર્જુનપુત્ર અભિમન્યુનું મૃત્યુ થયું. આમ તેઓ અભિમન્યુની હત્યામાં પરોક્ષ રીતે સહભાગી બન્યા. વળી હસ્તિનાપુર જેવા મહાન સામ્રાજ્યના રાજકુમારોના ગુરુ તરીકેના પ્રતિષ્ઠિત સ્થાને બિરાજ્યા હોવા છતાં કેવળ અહમ અને પ્રતિશોધ પોષવા પોતાના બળનું પ્રદર્શન કરી એક વેળાના એમના પરમ મિત્ર દ્રુપદ રાજાને એમણે અપમાનિત કર્યા. એમના માટે આ અશોભનીય હતું. પિતાના અપમાનના પ્રતિશોધરૂપે દ્રુપદપુત્ર ધૃષ્ટધુમ્ને એમની હત્યા કરી !
ન્યાયાદીશ : મિ. અર્જુનના બચાવ અંગે આપ શું કહેવા માગો છો ?
શ્રીકૃષ્ણ : કર્ણ મારો પરમ ભક્ત હતો. મહાદાનેશ્વરી હતો પરંતુ દુર્યોધનના સંસર્ગમાં એણે નીરક્ષીર દષ્ટિ ગુમાવી હતી. દુર્મતી દુર્યોધનના પ્રત્યેક દુષ્કર્મમાં એ સંમિલિત હતો. દ્રૌપદીના ચીર ખેંચાયા ત્યારે એ મૌન રહ્યો. વળી નિ:શસ્ત્ર અને રથવિહોણા કુમાર અભિમન્યુ પર બીજા મહારથીઓ સાથે એણે પણ સહ આક્રમણ કર્યંમ હતું. મહોદય ! હવે આપ જ કહો. આને ધર્મ કહી શકાય ખરો ? અર્જુને જે કર્યું એ ઈષ્ટ જ હતું.
ભીમ : (કરગરતાં) પ્રભુ ! હવે મારા બચાવમાં તો કાંઈ કહો !
ન્યાયાધીશ : ઓર્ડર, ઓર્ડર ! ભીમના બચાવમાં આપ શું કહો છો ?
શ્રીકૃષ્ણ : ભીમે જે કર્યું એ મારી પ્રેરણાનું જ પરિણામ હતું. ભરી રાજસભામાં દુર્યોધને દુ:શાસનને દ્રૌપદીના ચીર ખેંચવાની દુરાજ્ઞા કરી. પોતાના લઘુભ્રાતાઓની પત્ની હોવા છતાં એને પોતાની જંઘા પર બેસવા આહવાન કર્યું. આર્યનારીનું આવું ઘોર અપમાન કરનાર શું દંડને પાત્ર ન હતો ?

ન્યાયાધીશ : (વકીલને) મિ. જોશી શ્રીકૃષ્ણના સ્ટેટમેન્ટ અંગે આપને કાંઈ કહેવું છે ?
મિ.જોશી : નો યોર ઓનર ! ભગવાન શ્રીકૃષ્ણની સ્પષ્ટતામાં રહેલા ભારોભાર સત્યનો સ્વીકાર કરું છું. પણ અદાલત રજા આપે તો જનસાધારણના હિતમાં એમને કેટલાક પ્રશ્નો પૂછવા છે !
ન્યાયાધીશ : આ શુભ કાર્ય માટે અદાલત તમને સહર્ષ રજા આપે છે.
મિ.જોશી : (શ્રીકૃષ્ણના અવાજની દિશામાં જોઈ) પ્રભુ ! વકીલ તરીકે મારાથી કોઈ અવિવેક થયો હોય તો માફ કરશો. હવે એક સામાન્ય માનવી તરીકે આપને પ્રશ્ન કરું છું કે આપનો પુનર્જન્મ ક્યારે થશે ? (નેપથ્યમાં યદા યદા હી….નું ગાન.)
શ્રીકૃષ્ણ : (શ્લોક પૂરો થયા બાદ) મેં ગીતામાં કહ્યું જ છે કે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય છે, પાપીઓના પાપોની મર્યાદા લોપાઈ જાય છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. પરંતુ જગત મને ઓળખવામાં વિલંબ કરે છે. હું ઈસુ બનીને આવ્યો તો તમે મને કાંટાળો તાજ પહેરાવી વધસ્તંભ પર લટકાવી દીધો ! ગાંધી બનીને આવ્યો તો ગોળીઓથી વીંધી નાખ્યો ! શું એ દિવ્યાત્માઓમાં મારો અંશ ન હતો ?
મિ. જોશી : પ્રભુ ! હવે છેલ્લો સવાલ. પૃથ્વી પર વ્યાપેલા આ વિષમય વાતાવરણનો અંત કયારે આવશે ?
શ્રીકૃષ્ણ : કોઈ પણ પ્રકારનું વાતાવરણ માનવસર્જિત જ હોય છે. પણ એક વાત સ્પષ્ટ છે. દુષ્કર્મનું ફળ ગમે તેવા માંધાતાને પણ ભોગવવું જ પડે છે. પછી એ ત્રેતાયુગનો રાવણ હોય, દ્વાપરના કંસ કે દુર્યોધન હોય કે પછી સાંપ્રતકાળનો કોઈ સત્તાધારી નેતા ! દીન-દલિતોની અને અભાવગ્રસ્તોની અવહેલના એ મારી જ અવહેલના છે. હું જ એમને એમના અધિકારોની પુનર્પ્રાપ્તિ માટે પ્રેરિત કરું છું, કટિબદ્ધ કરું છું. એમની મૃત ચેતનાઓને પુનર્જાગૃત કરું છું. પરિણામે સર્જાય છે નવી ક્રાંતિ ! રચાય છે નવો ઈતિહાસ ! બસ, આજ રીતે હું પુનર્જન્મ પામું છું !
મિ. જોશી : (ન્યાયાધીશને) થેંક યુ મિ લોર્ડ ! ભગવાન શ્રીકૃષ્ણને મારે હવે કાંઈ પૂછવું નથી. મારી તમામ શંકાઓનું સમાધાન થઈ ગયું છે.

ન્યાયાધીશ : (નોંધ ટપકાવતાં) અદાલત ભગવાન શ્રીકૃષ્ણની તર્કસંગત દલીલોને ગ્રાહ્ય રાખે છે અને ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરે છે. તેમ જ માનપૂર્વક જવા દેવાનો હુકમ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ સમ્માનપૂર્વક જવા નમ્ર અનુરોધ કરે છે. અદાલતની આજની કાર્યવાહી પૂર્ણ થાય છે.
(ન્યાયાધીશ સ્વસ્થાને ઊભા થાય છે. પાંડવો કૃતજ્ઞભાવે એમને પ્રણામ કરે છે. સર્વે મંચ પરથી નેપથ્ય તરફ ગતિ કરે છે. સિતારના સ્વરો સાથે ધીમે ધીમે પડદો પડે છે.)

[સમાપ્ત]