લિપિકા – અનુ. વિનોદ કોઠારી

[ ‘લિપિકા’ એ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી બોધપ્રદ વાર્તાઓનો ગુજરાતી સંચય છે. આ વાર્તાઓનો અનુવાદ શ્રી વિનોદભાઈ કોઠારીએ કર્યો છે. 1958માં પ્રકાશિત થયેલું આ પુસ્તક હાલ અપ્રાપ્ય છે. તેમની વાર્તાઓમાં જીવનનો સુંદર સંદેશ છે. પ્રસ્તુત લેખમાં વાર્તાની નીચે મેં ટૂંકી નોંધ મૂકીને વાર્તાને આજના સમયને અનુરૂપ સમજવાનો પ્રયાસ કર્યો છે જે સરલીકરણ માટે કદાચ ઉપયોગી થઈ રહેશે. – તંત્રી.]

[1] રથયાત્રા

રથયાત્રાનો દિવસ આવ્યો, એટલે રાણીએ રાજાને કહ્યું : ‘ચાલો રથ જોવા જઈએ.’
રાજા બોલ્યા : ‘ભલે.’
ઘોડારમાંથી ઘોડા નીકળ્યા. હાથીખાનામાંથી હાથી નીકળ્યા; હારબંધ મયૂરપંખી પાલખીઓ નીકળી ને ભાલાવાળા સિપાઈ-સંત્રીઓની કતાર ચાલી; દાસદાસીઓનાં ટોળાં પાછળ ચાલ્યાં. રહી ગયો માત્ર એક જણ. મહેલની સાવરણી માટે સળીઓ વીણવાનું તેનું કામ હતું. સરદારે આવીને દયા ખાઈને કહ્યું : ‘તારેય આવવું હોય તો ચાલ.’ તે હાથ જોડી બોલ્યો : ‘મારે જવાનું નથી.’

રાજાને કાને વાત ગઈ. બધાય જાય છે, પણ માત્ર પેલો દુખિયો જતો નથી. રાજાના મનમાં દયા આવી. મંત્રીને કહ્યું : ‘એનેય બોલાવી લો.’ રસ્તાની બાજુએ તેનું ઘર હતું. હાથી જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મંત્રીએ તેને બોલાવીને કહ્યું, ‘અરે દુખિયા, દેવદર્શને ચાલ.’
તે હાથ જોડી બોલ્યો, ‘મારાથી તે કેટલુંક ચલાય ? પ્રભુના દ્વાર સુધી પહોંચવાનું મારાથી કાંઈ બની શકે ?’
મંત્રીએ કહ્યું : ‘શું બીએ છે ? રાજાની સાથે ચાલને.’
તેણે કહ્યું : ‘અરે રામ, રાજાનો રસ્તો એ કાંઈ મારો રસ્તો થોડો છે ?’
મંત્રીએ કહ્યું, ‘ત્યારે શું થાય ? તારા ભાગ્યમાં ત્યારે રથયાત્રા જોવાની નહિ હોય.’
તે કહે : ‘એ તો જોવાનો. દેવ તો રથે ચડી મારે બારણે આવે છે.’
મંત્રી હસી પડ્યા. કહ્યું, ‘તારે બારણે રથનાં ચિહ્ન ક્યાં ?’
તે કહે, ‘તેના રથનાં ચિહ્ન જ પડે નહિ.’
મંત્રીએ કહ્યું : ‘કેમ ? કહે તો.’
તે કહે, ‘તે તો આવે છે પુષ્પક રથમાં.’
મંત્રીએ કહ્યું : ‘ક્યાં છે અલ્યા તે રથ ?’
દુખિયાએ બતાવી આપ્યો : તેના બારણાની બે ય બાજુએ બે સૂર્યમુખી ખીલેલાં.
.

[2] ખોટું સ્વર્ગ

એ માણસ તદ્દન બેકાર હતો. તેને કૈં પણ કામ નહોતું; માત્ર જાતજાતના શોખ હતા. લાકડાના નાના ચોકઠા પર માટી ઢાળી તેના પર છીપલાંઓની એ સજાવટ કરતો. દૂરથી જોઈએ તો લાગે કે જાણે એક ગાંડીઘેલી છબિ છે, તેની અંદર પંખીનું ટોળું છે; અથવા જાણે ખાડાટેકરાવાળું ખેતર છે, ત્યાં ગાયો ચરે છે; અથવા ઊંચોનીચો પહાડ છે, તેના પર થઈને પેલું ઝરણું વહેતું હશે, અથવા પગરસ્તો યે હોય.

ઘરના લોકો આગળ તેની શરમનો કૈં પાર નહોતો. કોઈકોઈ વાર તે પ્રતિજ્ઞા લેતો કે ગાંડપણ છોડી દઈશ. પણ ગાંડપણ તેને છોડતું નહિ ! કોઈ કોઈ છોકરાઓ એવા હોય છે જે આખું યે વર્ષ રખડે અને છતાં ય પરીક્ષામાં અમસ્તા જ પાસ થઈ જાય. આની પણ એવી જ દશા થઈ. આખું યે જીવન કામકાજ વિના ગયું અને છતાં ય મૃત્યુ બાદ ખબર મળ્યા કે તેનું સ્વર્ગે જવાનું મંજૂર થઈ ગયું છે. પરંતુ વિધિ સ્વર્ગને રસ્તે ય મનુષ્યનો સાથ છોડતી નથી. દૂતો ભૂલથી તેને કામગરા લોકોના સ્વર્ગમાં મૂકી આવ્યા !

કામગરા એટલે સતત કામ કરનારા લોકોનું સ્વર્ગ. આ સ્વર્ગમાં બધું જ છે, કેવળ ફૂરસદ નથી. અહીંયા પુરુષો કહે છે : ‘શ્વાસ લેવાનો ય વખત ક્યાં છે ?’ સ્ત્રીઓ કહે છે : ‘બાઈ, કેટલું ય કામ હજુ પડ્યું છે.’ બધા ય કહે છે, ‘સમયનું મૂલ્ય છે.’ પણ કોઈ એમ નથી કહેતું કે, ‘સમય અમૂલ્ય છે.’ …. ‘હવે તો નથી થતું’ એમ કહી બધા ફરિયાદ કરે છે, અને ભારે ખુશી થાય છે. ‘કામ કરી કરીને હેરાન થઈ ગયા.’ એવી ફરિયાદ એ જ ત્યાંનું સંગીત છે. આ નવા આવેલા બિચારાને ક્યાંય જગ્યા મળતી નથી; ક્યાંય એનો મેળ ખાતો નથી. રસ્તામાં અન્યમનસ્ક થઈને ચાલે છે તેથી કામગરા લોકોનો રસ્તો રોકાય છે. ચાદર પાથરીને જ્યાંત્યાં આરામથી બેસવા જાય છે, ત્યાં ત્યાં કોઈ સંભળાવે છે કે એ જ જગ્યાએ ધાન્યનું ખેતર છે અને બી વવાઈ ગયાં છે. તેને વારે-વારે ઊઠી જવું પડે છે, ચાલ્યા જવું પડે છે.

એક ભારે ઘાંઘી સ્ત્રી સ્વર્ગના ઝરણામાંથી રોજ પાણી ભરવા આવે છે. રસ્તા પર થઈને તે ચાલી જાય છે – જાણે સિતારની દ્રુત તાલની ગત ન હોય ! ઉતાવળમાં તેણે છૂટી ગયેલો અંબોડો બાંધી લીધો છે; તો યે બેચાર છૂટી લટો કપાળ ઉપર ઝૂકીને તેની આંખોની કાળી કીકી જોવા માટે ડોકાય છે. સ્વર્ગનો એ બેકાર માણસ એક બાજુએ ઊભો હતો – ચંચલ ઝરણાને કાંઠે તમાલ વૃક્ષની જેમ સ્થિર થઈને. બારીમાંથી ભિખારીને જોઈને રાજકન્યાને જેમ દયા આવે છે, તેમ જ એને જોઈને પેલી સ્ત્રીને દયા આવી :
‘અરે રે, તારે કશું કામ નથી કે શું ?’
નિસાસો નાખીને બેકારે કહ્યું : ‘કામ કરવાનો વખત નથી.’
પેલી સ્ત્રી એની વાત જરાય સમજી શકી નહિ અને કહ્યું : ‘મારી પાસેથી કાંઈ કામ જોઈએ છે ?’
બેકારે કહ્યું : ‘તમારી પાસેથી કામ લેવા માટે તો ઊભો છું.’
‘શું કામ દઉં ?’
‘તું જે ઘડો કાંખે રાખીને પાણી ભરી લઈ જાય છે, તેમાંનો એક જો મને આપે ને….’
‘ઘડો લઈને શું કરવું છે ? પાણી ભરવું છે ?’
‘ના, હું તેના પર ચિતરામણ કરીશ.’
સ્ત્રી ખિજાઈને બોલી, ‘મને વખત નથી. હું તો આ ચાલી.’ પણ બેકાર લોકોને કામગરા લોકો કેમ પહોંચી શકે ? રોજ એમનો ઝરણાને કાંઠે ભેટો થાય, ને રોજ એક જ વાત : તારી કાંખે છે તે ઘડો દે, તેના પર ચીતરવું છે.’ અંતે એક દિવસ પેલીએ હાર માની. ઘડો આપ્યો.

પેલો બેકાર તેની ફરતે ચીતરવા લાગ્યો. કેટલાય રંગના પાક ને કેટલીય રેખાઓવાળાં ઘર અને ઘણું બધું. ચીતરવાનું પૂરું થયું એટલે પેલી સ્ત્રીએ ઘડો લઈને ફેરવી ફેરવીને જોયું. ભવાં ચડાવીને પૂછ્યું :
‘આનો અર્થ ?’
બેકાર માણસે કહ્યું : ‘એનો કાંઈ જ અર્થ નથી.’ ઘડો લઈને સ્ત્રી ઘેર ગઈ. બધાયની નજરથી દૂર બેસી તેને તે જુદાજુદા તેજમાં અનેક રીતે આડોઅવળો ફેરવીને જોવા લાગી. રાત્રે રહીરહીને પથારી છોડીને, દીવો કરીને, ચૂપકીદીથી બેસીને તે ચિત્ર જોવા લાગી. તેની ઉંમરમાં આજ તેણે પ્રથમ એવું કૈંક જોયું જેનો કૈં અર્થ જ ન હોય !

બીજે દિવસે જ્યારે તે ઝરણાકાંઠે આવી ત્યારે તેના બે પગની એકાગ્રતામાં જાણે કૈંક ભંગ પડી ગયો છે. બંને પગો જાણે ચાલતાચાલતા અન્યમના થઈને વિચારે છે. જે વિચારે છે તેનો કાંઈ અર્થ નથી. તે દિવસે પણ બેકાર માણસ એક બાજુએ ઊભો હતો.
પેલી સ્ત્રી બોલી : ‘શું જોઈએ છે ?’
‘તારી પાસેથી હજુ કામ જોઈએ છે.’
‘કયું કામ દઉં ?’
‘જો રાજી હો તો રંગીન સૂતરને વણીવણીને તારી વેણી બાંધવાની દોરી તૈયાર કરી દઉં.’
‘એથી શો લાભ ?’
‘કંઈ જ નહિ.’
જુદા જુદા રંગની, ભાતભાતની કારીગરીવાળી દોરી તૈયાર થઈ. હવેથી અરીસો હાથમાં રાખીને વેણી બાંધતાં એ સ્ત્રીને ખૂબ વખત લાગે છે. કામ પડી રહે છે, વખત વહ્યો જાય છે.

અહીં જોતજોતામાં કામગરા સ્વર્ગના કામમાં મોટું અંતર પડવા લાગ્યું. રુદનથી અને ગીતથી એ અંતર ભરાઈ ગયું. સ્વર્ગના પીઢ લોકો ખૂબ ચિંતામાં પડી ગયા. સભા બોલાવી. તેઓએ કહ્યું, ‘અહીંના ઈતિહાસમાં કોઈ વાર આવું બન્યું નથી.’ સ્વર્ગના દૂતે આવી અપરાધનો સ્વીકાર કર્યો. તેણે કહ્યું, ‘હું ખોટા માણસને ખોટા સ્વર્ગમાં લાવ્યો છું.’ તે ખોટા માણસને તરત સભામાં બોલાવવામાં આવ્યો. તેનો રંગીન સાફો અને કમરબંધની શોભા જોઈને બધા સમજી ગયા કે ગજબનાક ભૂલ થઈ છે !
સભાપતિએ તેને કહ્યું : ‘તારે પૃથ્વીમાં પાછા જવું પડશે.’
તે તેની રંગીન થેલી અને પીછીને કમ્મરે ખોસી છુટકારાનો દમ મેલીને બોલ્યો, ‘તે આ ચાલ્યો.’
પેલી સ્ત્રી આવીને બોલી, ‘હું યે જઈશ.’
બુઢ્ઢા સભાપતિ કોણ જાણે કેમ અન્યમનસ્ક થઈ ગયા. આ તેમણે પહેલી જ વાર એવી એક વાત જોઈ જેનો કશો અર્થ નહોતો !

(નોંધ : કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ કૃતિ જીવનનો ખૂબ ઊંડો સંદેશ આપે છે. આપણે ફકત એવા જ કામ કરીએ છીએ જેનો કંઈક અર્થ હોય છે અને તેના પરિણામે જીવનનો અર્થ ગુમાવી દઈએ છીએ ! બાળક હંમેશા પ્રસન્ન રહી શકે છે કારણ કે એને કશું કરવા પાછળ કોઈ અર્થ હોતો નથી. કુદરત આ બોધપાઠ સૌને શીખવવા માટે ઉપરોક્ત કથા જેવા કેટલાક ઓલિયા માણસોને આ ધરતી પર મોકલી આપે છે પરંતુ આપણે તો એવા કામગરા છીએ કે કંઈક લાભ થાય એવો ન હોય તો એવી પ્રવૃત્તિ તરફ નજર સુદ્ધાં કરવાની ફુરસદ હોતી નથી. કાશ આપણને ગાવાની ફુરસદ મળે, કાશ કોઈકના ખોળે માથું મૂકી રડી શકીએ, કાશ આપણી પાસે એટલો સમય રહે કે જેથી આપણે કશાજ અર્થ વગર કશુંક કરીએ. જો આપણે એમ નહીં કરી શકીએ તો આપણી પાસે સ્વર્ગ સમાન સુખ-સગવડનાં સાધનો તો હશે, પણ અંતે એ છે તો ખોટું સ્વર્ગ !)
.

[3] પંખીનું ભણતર

એક હતું પંખી. એ હતું મૂરખ. તે ગીત ગાય, પણ શાસ્ત્ર ભણે નહિ. કૂદે, ઊડે પણ જાણે નહિ કે કાયદાકાનૂન કોને કહેવાય. રાજા બોલ્યા, ‘આમ તે પંખી કંઈ કામે લાગતું નથી; ઊલટું વનનાં ફળો ખાઈને રાજ્યની ફળ-બજારને નુકશાન પહોંચાડે છે.’ મંત્રીને બોલાવીને કહ્યું : ‘પંખીને શિક્ષણ આપો.’ રાજાના ભાણેજ પર ભાર આવી પડ્યો, પંખીને શિક્ષણ દેવાનો. પંડિતો બેસીને કેટલોય વિચાર કરવા લાગ્યા. પ્રશ્ન એ હતો કે, ‘આ જીવની અવિદ્યાનું કારણ શું ?’ અંતે વિચાર્યું કે સામાન્ય તણખલાથી પંખીઓ જે માળા બાંધે છે તે માળામાં જ ઝાઝી વિદ્યા સમાય નહિ. એટલે સૌ પ્રથમ તો જરૂર છે એક મજાનું પાંજરૂં બનાવવાની. પંડિતો દક્ષિણા પામીને ખુશ થતા ઘેર ગયા.

સોની બેઠો સોનાનું પાંજરું ઘડવા. પાંજરું એવું તો અદ્દભુત થયું કે જોવાને દેશપરદેશના લોકો ઊમટી પડ્યા. કોઈ કહે : ‘શિક્ષણ અજબ બન્યું છે !’ કોઈ કહે, ‘શિક્ષણ ભલે ન થાય, પણ પાંજરું તો થયું ! શું પંખીનું નસીબ છે !’ સોનીને થેલી ભરીને બક્ષિસ મળી. ખુશ થઈને તેણે તરત જ ઘર બાજુ ચાલવા માંડ્યું. પંડિત બેઠા પંખીને ભણાવવા. છીંકણી લઈને બોલ્યા : ‘આ કૈં અલ્પ પોથીનું કર્મ નથી.’ એટલે કે આટલી ઓછી ચોપડીઓથી નહીં ચાલે. ભાણેજે તરત જ લખનારાઓને બોલાવ્યા. તેઓએ ચોપડીઓની નકલો કરી કરીને, ભાત ભાતની નવી પોથીઓ બનાવીને ડુંગર જેટલો મોટો ઢગલો કર્યો. એને જોઈને બધા લોકો કહેતા : ‘શાબાશ, હવે વિદ્યા તો માતી નથી એટલી બધી થઈ ગઈ છે !’ ચોપડીઓ લખનારાઓએ લેવાય એટલું બળદ ભરી ભરીને પારિતોષિક લીધું અને તરત ઘર તરફ દોટ મૂકી. તેઓને સંસારમાં હવે કોઈ ખોટ રહી નહીં. ખૂબ મૂલ્યવાન પાંજરાને સાચવવાની ભાણેજ પર જવાબદારી આવી પડી. મરામત તો ચાલ્યા જ કરે. ઝાડઝૂડ, સાફસૂફ, પાલીશકામ ને એ બધી ઝાકઝમાળ જોઈને સૌ કોઈ કહેતું : ‘વાહ ! શી ઉન્નતિ થાય છે.’ ખૂબ લોકો જોવા આવવા લાગ્યા અને તેમના પર નજર રાખવાને માટે એનાથી વધારે લોકોને ભીડ કાબૂ કરવા રાખવા પડ્યા. તેઓને મોટા પગાર આપવા પડ્યા. સૌ કોઈ મનમાંગી રકમ આ કામ માટે મેળવવા લાગ્યા. તેઓના મામા, કાકા, કાકી, માસા, માસી, ભાઈઓ બધા જ એ રીતે પોતાનું ઘર ભરવા લાગ્યા.

જગતમાં બીજી અનેક પ્રકારની ખોટ હશે પણ નિંદકો તો જોઈએ એટલા મળે છે. નિંદા કરનારાઓ બોલ્યા : ‘પાંજરું તો ગજબનું બન્યું છે પણ પંખીની ખબર કોઈ રાખતું નથી.’
વાત રાજાને કાને ગઈ. તેમણે ભાણાને બોલાવી પૂછ્યું : ‘ભાણા આ શી વાત સાંભળું છું ?’
ભાણો બોલ્યો : ‘મહારાજ ! જો સાચી વાત સાંભળવી હોય તો બોલાવો સોનીને, પંડિતોને, ચોપડીઓ લખનારને, મરામતદ-દેખરેખ રાખનારને. નિંદકોને તો કૈં ખાવાનું મળે નહિ એટલે એ તો ખરાબ બોલે.’ જવાબ સાંભળીને રાજાને સાચી વાત સમજાઈ. તરત જ ભાણાના ગળામાં સોનાનો હાર આવી પડ્યો.

એકવાર શિક્ષણ કેવું પૂરજોશમાં ચાલી રહ્યું છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. એટલે તેઓ તેમના મિત્ર, અમાત્ય એમ બધા રસાલા સાથે ખુદ પોતે શિક્ષણશાળાએ જઈ ઊભા. દરવાજા પાસે તરત જ શંખ, ઘંટ, ઢોલ-નગારાં, ઝાલર, કરતાલ અને મૃદંગ બાજી ઊઠ્યાં. ગળાં ખુલ્લાં મૂકી ચોટલી હલાવી હલાવીને પંડિતો મંત્રો ભણવા લાગી ગયા હતા. મિસ્ત્રી, મજૂર, સોની, દેખરેખ રાખનાર અને મામા, કાકા, ફોઈના, માસીના એ બધાએ જયધ્વનિ કર્યો.
ભાણો બોલ્યો : ‘મહારાજ, કામકાજ જોયું ને ?’
મહારાજ બોલ્યા : ‘અદ્દભુત ! કહેવા માટે શબ્દ નથી !’
ભાણાએ કહ્યું : ‘માત્ર શબ્દ નહિ, પાછળ અર્થે ય કમ નથી !’
રાજા ખુશ થઈને ડેલામાંથી નીકળીને જેવા હાથી પર ચડવા જાય છે ત્યાં ઝાડ પાછળ નિંદક છુપાયો હતો તે બોલી ઊઠ્યો : ‘મહારાજ, પંખીને જોઈ આવ્યા કે ?’
રાજા ચમકી ગયા. બોલ્યા, ‘અલ્યા, એ તો યાદ જ રહ્યું નહિ ! પંખીને તો ન જોયું !’
પાછા આવીને પંડિતને કહ્યું : ‘પંખીને તમે કેવી રીતે શીખવો છો તે રીત દેખાડો.’
થોડીક રીત દેખાડાઈ. દેખીને રાજા ભારે ખુશ થયા. એ રીત જ પંખી કરતાં એટલી બધી જબરી હતી કે પંખી તો દેખાતું જ ન હતું અને એમ લાગતું કે એ ન દેખાય તો ય ચાલશે ! રાજાને લાગ્યું કે આ યોજનામાં હવે કોઈ ખામી નથી. પીંજરામાં દાણા નથી, પાણી નથી; કેવળ ઢગલાબંધ પોથીઓમાંથી ઢગલે-ઢગલા પાનાં ફાડીને કલમ ખોસીને પંખીના મુખમાં ઠસાવવામાં આવે છે. ગીત તો બંધ જ – ચિત્કાર કરવા જેટલીયે ક્યાં જગ્યા હતી ? જોઈને શરીરે રોમાંચ થાય. આ વખતે રાજાએ હાથી પર ચડતી વેળા સરદારને બોલાવી કહી દીધું કે નિંદકની સાન બરાબર ઠેકાણે લાવી દેજો.

પંખી દિવસે દિવસે અધમૂઉં થતું ગયું. એટલે રક્ષકોને વધારે આશા બેઠી; છતાં ય સ્વભાવ-દોષથી એ જ્યારે પ્રભાતનો પ્રકાશ જોતું ત્યારે બેઅદબીથી પાંખો ફફડાવતું. પણ આ શું ? એક દિવસ જોયું તો તે પંખી પોતાની નબળી ચાંચ વડે પાંજરાના સળિયા કાપવાની ચેષ્ટા કરતું હતું ! કોટવાળ બોલી ઊઠ્યો : ‘આ તે કેવી બેઅદબી !’ તરત એ શિક્ષણ-મહેલમાં ધમણ અને હથોડા લઈ લુહાર હાજર થયો. કેવો મોટો હથોડો હતો એ ! લોઢાની સાંકળ તૈયાર થઈ. પંખીની પાંખોય કાપવામાં આવી. રાજાના સંબંધીઓ માથું હલાવી બોલ્યા : ‘આ રાજ્યમાં પંખીઓને કેવળ અક્કલ નથી એ તો ઠીક, પણ કૃતજ્ઞતા યે નથી.’ ત્યારે પંડિતોએ એક હાથમાં કલમ પકડી એક હાથમાં ભાલું રાખી એક એવી ક્રિયા આદરી કે જેને શિક્ષા કહેવાય છે. લુહારની બઢતી થઈ. એને સોનાનો દાગીનો આપવામાં આવ્યો. કોટવાળની હોંશયારી જોઈએને રાજાએ એને શિરપાવ આપ્યો.

એક દિવસ પંખી મરી ગયું. ક્યારે, એ તો કોઈ ચોક્કસ ઠરાવી શક્યું નહિ. બેકાર નિંદક પ્રચાર કરવા લાગ્યો, ‘પંખી મરી ગયું.’
ભાણાને બોલાવી રાજાએ કહ્યું : ‘ભાણા, આ શી વાત સાંભળું છું ?’
ભાણો બોલ્યો : ‘મહારાજ પંખીની શિક્ષા પૂરી થઈ છે.’
રાજાએ પૂછ્યું : ‘એ શું હવે કૂદે છે ?’
ભાણો કહે : ‘જરાય નહિ.’
‘હવે શું ઊડે છે ?’
‘ના.’
‘હવે શું ગીત ગાય છે ?’
‘ના.’
‘દાણા નહિ મળવાથી હવે ચીસો પાડે છે ?’
રાજા બોલ્યા : ‘એક વાર પંખીને લાવ તો, જોઉં.’ પંખી આવ્યું. સાથે કોટવાળ આવ્યો, સંત્રી આવ્યો, ઘોડેસવાર આવ્યો. રાજાએ પંખીને દાબી જોયું. તેણે ‘હાં’ કે ‘હૂં’ ન કર્યું. કેવળ તેના પેટમાંનાં પોથીનાં પાનાંઓ ખડખડ કરીને ગરબડ કરવા લાગ્યાં.

બહાર નવવસંતનાં કુમળાં પાંદડાંઓએ દક્ષિણના પવનથી ફૂલોના વનનું આકાશ દીર્ઘ નિ:શ્વાસથી વ્યાકુલ કરી મૂક્યું.

(નોંધ : પંખીની જગ્યાએ બાળક, પાંજરાની જગ્યાએ ‘ઈન્ટરનેશલ પબ્લિક સ્કૂલ’, રાજાની જગ્યાએ સરકાર, ભાણેજની જગ્યાએ કમીશન એજન્ટ – વગેરે મૂકીને સમજીએ એટલે ઉપરોક્ત વાર્તાનું હાર્દ આપોઆપ સમજાઈ જાય ! શિક્ષણ પર આટલો તીવ્ર કટાક્ષ કદાચ ભાગ્યેજ ક્યાંક જોવા મળે ! તે પણ આજના સમયને કેટલો બધો અનુરૂપ ! પંખીને ભણવવાને બહાને મોંઘા પ્રોજેક્ટને નામે બધા જ કમાય ! અને ભણવાનું તો એવું કે એમાં પંખીનું જે થવું હોય તે થાય ! પંખી તરફ જોવાની જરૂર જ નહિ !! બસ, ઝાકઝમાળવાળી, એ.સી.રૂમની શાળાઓ જોવા ટોળા ઉમટે. એમ માનવામાં આવે કે અહીં તો કેવું ઉચ્ચ શિક્ષણ અપાતું હશે ! હકીકતે પંખીની પાંખો કાપવામાં આવે. બાળકે બહુ હસવાનું નહી, બોલવાનું નહિ, ગાવાનું પણ નહિ… કેમ ? Discipline નો ભંગ થાય ને !! આખો દિવસ Discipline માં જ રહેવાનું. સ્પર્ધા… સ્પર્ધા.. સ્પર્ધા.. કોઈ જાગૃત સાચી વાત કરનારો નીકળે તો એ તો નિંદક ગણાય ! છેવટે પંખી મરી ગયું – બાળપણ મરી ગયું. માણસને મશીન બનાવ્યો. એ હવે ગાશે નહિ, બોલશે નહિ, હસી પણ નહીં શકે. માણસની આ દશા જોઈને બહાર પ્રકૃતિમાતાએ એક દીર્ઘનિ:શ્વાસ મૂક્યો.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-2) – વ્રજેશ આર. વાળંદ
અને તમે…. – ચંદ્રિકા સંઘવી Next »   

26 પ્રતિભાવો : લિપિકા – અનુ. વિનોદ કોઠારી

 1. ખુબ સરસ બોધપ્રેરક વારતાઓ

 2. Jignesh D, Mumbai says:

  Awsome , extra ordinary piece of writing…
  especially “પંખીનું ભણતર “….. totally agree with the scene…recently visited few schools for my Son’s admission and found lots of “સોનાના પાંજરા ” instead of schools..

  regards,
  Jignesh

 3. Margesh Raval says:

  ખુબજ સરસ વાર્તા. Excellent examples.

 4. VIMAL THAKKAR says:

  ખુબ સરસ, સાથે સાથે આવી school નિ વધતિ જતી ફી બાબત નુ પણ ધ્યાન રાખી comment ઉમેરવા જેવી હતી,

 5. કુણાલ says:

  અદભૂત … !!

 6. Sarika Patel says:

  Excellent story.

 7. રવીન્દ્રનાથ ટાગોર એ આપણા સાહિત્યજગતનું શિખર છે. એમની આ સરસ બોધકથાઓ ખુબ જ ગહન છતાં સરળ છે.

 8. Veena Dave, USA says:

  ખુબ સરસ. વાચી, વિચારીએ તો શીખ મળે એવો સરસ લેખ્.

 9. nayan panchal says:

  ખૂબ જ સરસ વાતો.

  શિક્ષણ અને જીવનની કેળવણીનુ મહત્વ સમજાવતો ઉત્તમ લેખ.

  નયન

 10. pragna says:

  સાચે જ આજ નિ શિક્શ્ણ પ્રથા પર આવો સચોટ કટાક્શ ભાગ્યે જ જોવા મળૅ.

 11. Premal says:

  So True,

 12. Vraj Dave says:

  ખુબ સરસ.

 13. Vraj Dave says:

  આજના શિક્ષણની ફજેતી છતી કરતી ખુબજ સરસ બોધકથા છે.
  વ્રજ દવે

 14. Girish says:

  ખુબ સરસ વાતો

  આભાર્

 15. ભાવના શુક્લ says:

  સરસ વાર્તાઓ.

 16. Mital Parmar says:

  સરસ…

 17. Malhar says:

  આજ ની શિક્ષણન પ્રથા નો સંપૂર્ણ ચિતાર આપતી વાત!
  આશા રાખીએ કે ભવિશ્ય માં આપણે બાળકો ને મુક્ત રીતે વિહરવા દઇએ અને એને સ્વતંત્ર હવામાં શ્વાસ લેવા દઇએ!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.