અને તમે…. – ચંદ્રિકા સંઘવી

[‘અખંડ આનંદ’ માર્ચ-2009માંથી સાભાર.]

ગુલાબફોઈએ પાણીમાં બે ચમચી ખાંડ નાંખી, ત્યાં યાદ આવ્યું કે ડૉક્ટરે લીંબુ શરબતમાં, ચપટી મીઠું નાંખવાની પણ ખાસ ભલામણ કરેલી છે…. રસોડા ભણી ગયાં તો ખરાં, પરંતુ…. પાછાં ફરતાં આંખે અંધારા આવ્યાં ને… જમીન પર ઢળી પડ્યાં ! અંધારા જતાં રહ્યાં, ગુલુ ડોસી મીઠાની ડબ્બી હાથમાં લઈ, સેટી પર આવીને બેઠાં, સાંઈબાબાને મનોમન કહેવા લાગ્યાં – ‘બાબા ! સાચવજો બાપુ ! પડી-આખડી જાઉં તો આવી રીતે જ બેઠી કરી દેજો બાપલા !… તમ વિણ મારું છે ય કુણ ?!… બાબા ! તમે કેવી કિરપા કરી કે, કાયા પડી, પણ રહોડાની બારે આવીને પડી !! કાંક ચૂલો હળગતો હોય… માથે દૂધની તપેલી મેલી હોય ને.. આ કાયાનું કોથળું ગબડી પડે તો શી દશા થાય ?!… પણ તું એવું થવા જ નો દે… કેવો દયાળુ છે મારો વાલો ! બાબા ! તમે હાચું કે’જો એવું કંઈ થાય ?!’….. ગુલુડોસીને ફોટામાં સાંઈબાબા હસતા દેખાયા !!…

‘બસ – આમ જ મારી હામું હસતા રહેજો બાબા ! હંધુય દુ:ખ વીસારે પડી જશે !!….’ ફરી પ્યાલો હાથમાં લઈને, પાણીમાં ગોળ-ગોળ ચમચી ફેરવવા લાગ્યાં…. એવામાં મધુર સ્મિત સાથે ભાવનાબહેન તથા અંજલિએ રૂમમાં પ્રવેશ કર્યો – ‘બા ! હવે કેમ છો ?’
‘આજે તો કાંક હારુ લાગે છે.’ કહેતાં પ્યાલામાં ચમચી ફેરવવા લાગ્યાં… ઝીણી નજરે જોયું તો હજુયે પાણીમાં ખાંડ બરાબર ઓગળી નો’તી !… ‘આ કળિયુગની ખાંડેય કેવી કાંકરા જેવી આવે છે !! ક્યારુની હલાવ હલાવ કરું છું…. તોયે ભળતી જ નથી !’
‘પણ…. ગ્લુકોઝ નાખોને, જલદી પીગળી જાય, ને વળી શક્તિ વધારે આવે !’
‘હા… હો… દાકતરે એની યે ભલામણ તો કરી છે કાલ – પરમદી બા’ર જાઈસ તો લેતી આવીશ.’
‘તે…. તમે જાઓ તો જ આવે ? ઘરડાં-માંદાની સેવા તો અજાણ્યા માણસો પણ કરે ! તેમાં તમારા જેવાં ભગવાનનાં માણસને તો ‘ના’ પાડતાં કોઈનોય જીવ ના ચાલે !’

‘ભાવનાબહેન ! તમે ફોઈબા સાથે વાતો કરો, ત્યાં હું હમણાં જ… થોડી ચીજવસ્તુઓ લઈને આવી જાઉં છું… જતાં નહીં… આપણે સાથે જ સાડાપાંચની બસમાં જઈશું !’ અંજુએ આયોજન કર્યું.
‘ફોઈબા ! બીજું કંઈ લાવવાનું છે ?.. દવા… બિસ્કિટ.. દૂધ… દહીં… ?’
‘ના બેટા ! બધુંયે છે, પણ તું ઘડીક બેહવા આવી, ને… આંટો શું કરવા….’ વાક્ય પૂરું થાય ત્યાર પહેલાં તો અંજુ દોડીને ક્યાંય પહોંચી ગઈ !
‘ભાવનાબહેન ! તમને કોણે કહ્યું ?’
‘ગમનકાકાનો ફોન આવ્યો’ તો કે… ગુલુફોઈ બહુ બીમાર છે, ઝાડા-ઊલટી વધી ગયાં છે, ડૉક્ટરે હૉસ્પિટલમાં દાખલ થઈ જવા કહ્યું છે ને… બાટલા ચડાવવાની વાત કરી, પણ… ફોઈબા ના માન્યાં !’ જૂની લાકડાની મોટી ટિપાય પર બે-ત્રણ જાતનાં શક્તિવર્ધક પૅકેટ, મોસંબી, સફરજન.. કેળાં વગેરે ગોઠવતાં ગોઠવતાં ભાવનાબહેન બોલ્યે જતાં’તાં…..
‘તું આટલે આઘેથી આવી છો તે… નિરાંતે બેસને !… આ બધું શું ગોઠવવા મંડી પડી છે ?!… આટલું બધું લવાતું હશે ?!… તને કોણે કહ્યું’તું આવું બધું લાવવાનું ?’
‘તમારા સાંઈબાબાનો ફોન હતો મારા પર આવું આવું લઈને જજે.’ કહેતાં ભાવનાબહેન સફરજન ધોવાને રસોડામાં ગયાં.
ગુલુમાજી આંખ મીંચીને બેઠાં…. સ્નેહભીની વાણીમાં બોલ્યા : ‘બાબા ! જુઓ ને આ છોકરીયું કેવી મસકરી કરે છે, મારા ભેળી તમારીયે !’
‘છો ને કરે.. ગાળો નથી ભાંડતી ને ! રાજી રહે છે… તનેય રાજી રાખે છે ને ?!…’ જાણે મનના બીજા ઓરડેથી પ્રત્યુત્તર આવ્યો…
‘લો ફોઈબા ! આટલું સફરજન ફરજિયાત ખાવાનું છે હોં… એ વિના તાકાત નો આવે, નાના-નાના ટુકડા છે… આરામથી આરોગો !… અરે ! હજુ આટલું અમથું શરબતે નથી પીધું ?’ ભાવનાબહેને સફરજન સુધારેલી ‘પ્લેટ’ ટિપાય પર મૂકતાં, ગ્લાસ ધોવા હાથમાં લીધો, ને જોયું તો.. અર્ધો ભરેલો પડ્યો’તો !

‘ફોઈબા ! ચાલો… જલદી તૈયાર થઈ જાઓ.. અમે તમને લેવા આવ્યાં છીએ !’ કહેતાં પિન્કી એકદમ માજી પાસે ધબ દઈને બેઠી.
‘પણ… આમ અચાનક !.. બીજું કોણ આવ્યું છે તારી સાથે ?!’
‘કેસરકાકી.. મૂળી માસી… અને અજય પણ છે, કાકી-માસી શાંતાબા જોડે વાત કરવા અટક્યાં, અજય બહાર બૂટ કાઢે છે… આવ્યો જ સમજો !’… એટલામાં અંજુ પણ આવી ગઈ – ગુલાબફોઈને વીંટળાઈ બેઠેલાં મહેમાનોને જોઈને બોલી – ‘વાહ ! ફોઈબા ! તમારો તો વટ્ટ પડે છે. કેટલાં બધાં તમને જોવા આવે છે ! અમારાં જેવાં તો હૉસ્પિટલમાં ખાટલે એકલાં એકલાં પડ્યાં હોઈએ. કોઈ ભોજીયો ભાવે ના પૂછે ! આવી.. VIP ટ્રીટમેન્ટ મળતી હોય તો તો.. માંદા પડવાનીયે મજા આવી જાય !’
‘એવું ના બોલીએ બેટા ! પરભુ કરે, કોઈને ખાટલે ન પડવું પડે !’
‘ઓ મહિલા મંડળ ! હવે જલદી સમાપ્તિ કરો તો સારું, તમને સૌને ઘેર પહોંચાડીને મારે સાત વાગે કલાસમાં જવાનું છે !’ અજયે ઉતાવળ દર્શાવી…
‘મારે ક્યાંય નથી જવું… કોઈનેય તકલીફ નથી આપવી, તમે મને મળવા આવ્યાં તે ભલે, બાકી લઈ જવાની વાત રહેવા દો !’
‘ગુલુફોઈબા, અજય ચાલ્યો જશે તો ગાડી ચલાવશે કોણ ? અમને કોઈને તો ડ્રાઈવિંગ આવડતું નથી, માટે તમે છે ને… તે બહુ રકઝક રહેવા દો, અમે તમને લઈને જ જવાનાં છીએ, એટલું નક્કી !’
‘હા, ફોઈબા ! તમે એકલાં હો, ને કાંઈ ન થવાનું થઈ જાય તો ?… તમારા ‘બાબા’ અમને ડંડો જ મારે ને ?’
‘ના… હો, મારો નાથ તો બહુ દયાળુ છે !’

દવા.. સારવાર…. બીમારી… સાવધાની… પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા… વગેરે વાતોનો પ્રવાહ વહેવા લાગ્યો. એ દરમિયાન થેલો ભરીને નજીક આવતાં પિન્કી બોલી :
‘લો, બા ! આ થેલો તૈયાર ! ચાલો જલદી, તમારે કપડાં બદલવાં હોય તો બદલી લો, નહીં તો એય ચાલશે, આ ઘેરથી પેલે ઘેર જ જવાનું છે ને ?… કોણ જોવા આવવાનું તમારો પહેરવેશ કે વીંખાયેલી અંબોડી !’
‘ફોઈની દવાઓ બધી સાથે લીધી ? બીજું ડૉક્ટરની કંઈ ચિઠ્ઠી.. લખાણ.. હોય તો એ પણ સાથે લઈ લો !’
‘છે તો ખરાં એક બે, લે… તું જ સંભાળ, જરૂર પડ્યે મને યાદ રે… નો રે’. ગુલાબબા હવે પ્રેમથી પરવશ થઈ ગયાં ! બે ઘૂંટડા પાણી પી ને, માનવતાની મૂર્તિઓ સાથે મમતાથી છલકાતે હૈયે કારમાં ગોઠવાઈ ગયાં ! રસ્તાની બેઉ બાજુએ વૃક્ષોની હારમાળા, ખાસ વાહનો નહીં એવી નાની પાતળી પાતળી સડક પરથી ગાડી મધ્યમ ગતિએ પસાર થઈ રહી… શીતળ પવનની લહેરખીઓ…. ગુલાબબા તો જાણે કેટલાંય વર્ષો બાદ બહાર નીકળ્યાં હોય તેમ મનોમન રાજી થયાં !…. જીવને બહુ સારું લાગ્યું ! કળિયુગના કડવા-મીઠા સંબંધોનાં નાટક નીરખી નીરખીને થાકેલી ગુલાબબાની આંખ પંખુડીઓ હળવે હળવે બીડાવા લાગી… ઘડીકમાં જાણે ‘ધર્મનાથ સોસાયટી’ આવી ગઈ !

પિન્કીએ પોતાના અભ્યાસ ખંડમાંથી પુસ્તકો વગેરે ફટાફટ સ્થળાંતર કર્યાં, ફોઈબા માટે સ્વચ્છ નરમ બિછાનું તૈયાર કરી, ધોયેલી ચાદર પાથરી, બીજી ત્યાં ગોઠવી. ઓશિકા પાસે નેપ્કિન રાખ્યો, નાના ટેબલ પર પાણીની બૉટલ મૂકી, પરંતુ મંછામામીના સૂચનથી બૉટલ પાછી લઈ લીધી, ને…. નાનકડી માટલી ગોઠવી; અલ્પાહાર કરી ફોઈબા નિરાંતે સૂઈ ગયાં. મોડી રાત્રે જોર જોરથી એક-બે વ્હીસલનો અવાજ સાંભળીને ગુલાબબા એકદમ બેઠાં થઈ ગયાં ! બારીનો પડદો હઠાવ્યો.. કોઈ ન દેખાયું… પિન્કીએ ઓરડાના ઝાંખા પ્રકાશમાં જોયું !.. તેણે ટ્યૂબ લાઈટ કરી.
‘બા ! ઊંઘ નથી આવતી ?… કંઈ જોઈએ ?’
‘કશું નથી જોઈતું… મને થયું આ સીટી કેમ વાગી હશે ? ક્યાંક ચોર…બોર…’
‘ફોઈબા.. એ તો વોચમેન રાત્રે આંટા મારતાં મારતાં સીટી વગાડે.. તેઓની એવી રીત છે ચોકી કરવાની.’
‘ભલું થાય ચોકીદાર્નું !’ ફોઈનો ફફડાટ ઓછો થયો, પિન્કીએ પાણી આપ્યું… એક-બે ઘૂંટડા પીને, ‘સૂઈ જા બેટા ! નાહક તારી ઊંઘ બગાડી… હે ભગવાન ! સૌનું કલ્યાણ થજો, તમે રક્ષા કરજો.’ કહી તે ઊંઘી ગયાં !

અહીંના વાતાવરણમાં ગુલાબબાનાં માંદલા મનને-તનને ઘણું સારું લાગ્યું ! જાણે જલદી સાજાં થઈ ગયાં ! નીંદર પણ ખૂબ સારી આવી. દૂ…ર.. થી પાંચ ડંકા સંભળાયા… ચારેક વાગે ઊઠી જવાની આદત, પરંતુ આજે ભગવાનને કહેવા લાગ્યા : ‘મારા નાથ ! આજ તો પથારીમાં જ પડી પડી ભજન કરીશ તો ચાલશે ને ?… બસ વિશ્રામ… શાંતિપૂર્ણ વાતાવરણ… મન ધીમી ધીમી ગતિએ મજેથી ચાલતા ચગડોળે ચઢ્યું – ‘હે પ્રભુ ! આ તારી કેવી અકળ લીલા !! કેવળ આવતાં-જતાં ‘જય શ્રી કૃષ્ણ’, ‘જય જલારામ’, ‘જય માતાજી’ કે ‘જય જિનેન્દ્ર’ની ભાવનાની આપ-લે કરવા જેટલો જ રૂદિયાનો ભાવ-સંબંધ !… આ ગામના ફોઈ, તે સૌ કોઈનાં ફોઈબા સહેજે બની બેઠાં ! મંદિરિયે જતાં-આવતાંનાં ઋણાનુબંધ !…. કોઈની સાથે લોહીનાં સગપણ-સગાઈ નહીં, તોયે તો લોકો કેવા પ્રાણ પૂરીને સેવા-ચાકરી કરે છે ! મારા નાથ ! આ સૌના ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવીશ ?

બીજી કોર પેલો નથ્થુડો ?… પચ્ચી હજારની મૂડી જાણે ભૂરકી છાંટીને પડાવી લીધી ! હુંયે કેવી મૂરખ કે… ખોરડું સમું કરવા ટાણે ફક્ત બે દિ તેને ઘેર રહી, તેમાં એની મીઠી મીઠી વાતોમાં તણાઈ ગઈ.. ને પચ્ચી હજારની મૂડી તેના નામે કરી નાખી !… આ તો ભલું થજો એ સેવારામ વકીલનું કે.. તેણે ડોસી જીવતાં લગી એક નવા પૈસાનોય હક્ક નહીં, એવું લખાણ કરાવીને ફરીથી બેઉની સહીયું લીધી, નહીંતર… ? કે’વાય સગા જેઠનો દીકરો !… કોઈ’ દી ખબર પૂછવાયે આ બાજુ ડોકાય છે ખરો ?! શા સારું….’
‘ફોઈબા ! ઊઠો… લો ચા પીઓ !… આજે તો કાંઈ બહુ ઊંઘ્યાં ?!’ નાની વહુએ હસતાં હસતાં પવાલા જેવડો મોટો ચાનો કપ સામે ધર્યો !
‘બેટા ! હજુ તો મોઢું-બોઢું ધોયું નથી ને….’
‘ધોવાશે પછી… આરામથી.. પહેલાં આ ‘બેડ-ટી’ સ્પેશિયલ ચા પીઓ… પછી બીજી ડબ્બલ સ્પેશિયલ ગરમ-નાસ્તા સાથે આવશે !’
‘અલી.. તે આ પહેલાં ચા ને શું કહ્યું ? માજીએ મૂંઝવણ વ્યકત કરી.
‘એ… તો.. ‘બેડ-ટી’ અમને અંગ્રેજી ફાડવાની જરા વધુ પડતી ટેવ ખરી ને ?’ પછી તેણે કંઈક સમજાવ્યું એ વખતે પિન્કીએ ધી…રેથી ફોઈબાને કાનમાં કંઈક કહ્યું કે તુરંત ગુલાબ બા બોલી ઊઠ્યાં – ‘અરે ! આ તો ગુડ-ટી છે, વે…રી ગુડ ! બહુ મજાની છે હોં ! ‘બેડ’ – ખરાબ નથી !’ મસ્તી મજાકનાં તાજાં-તાજાં પુષ્પોનાં પમરાટથી વાતાવરણ મહેકી ઊઠ્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લિપિકા – અનુ. વિનોદ કોઠારી
ઝૂમણાની ચોરી – ઝવેરચંદ મેઘાણી Next »   

19 પ્રતિભાવો : અને તમે…. – ચંદ્રિકા સંઘવી

 1. જય પટેલ says:

  સરસ વાતાઁ
  આભાર.

 2. jagdish patel says:

  I like it and eager to read another part of saurastra ni rashdhar.

 3. Ravi , japan says:

  very good and interesting ..
  nice- simple way ..

 4. Vaishali Maheshwari says:

  Very interesting to read.

  Full of immense feelings and fun having a little light on reality. Blood relations are not always true relations! There are many others who take care of us when we need them, even though we do not have any blood relations with them.

  Moral of the story: Always do good to others and be thankful to God for what we have. God will always take care of us as he took care of Gulufoiba by sending so many friends to take care of her.

  Thank you Author…:)

 5. nayan panchal says:

  સરસ ફીલગુડ વાર્તા.

  આપણે સૌની સાથે હંમેશા સારી રીતે વાત કરીએ અને ખબર- અંતર પૂછતા રહીએ તે પણ ઘણુ છે.

  આભાર,
  નયન

 6. કલ્પેશ says:

  વાંચવામા થોડો સમય લાગે પણ તળપદી ભાષા સરળ છે.

  આ કાયાનું કોથળું ગબડી પડે
  હંધુય દુ:ખ વીસારે પડી જશે !!
  આઘેથી આવી છો
  પરભુ કરે, કોઈને ખાટલે ન પડવું પડે !
  ‘અલી.. તે આ પહેલાં
  આ બાજુ ડોકાય છે ખરો ?! શા સારું….

  થોડા ઘણા શબ્દો માત્ર આમ જ વાંચવા મળે છે. રોજની જિંદગીમા એનો પ્રયોગ ઓછો જોવા મળે છે. તે છતા જ્યારે વાંચીએ ત્યારે એક સરળતા અનુભવાય છે.

 7. vaishnav priti says:

  very nice and touchy.totally indian style.not possibel outside india

 8. Pravin V. Patel [Norristown PA USA] says:

  નથ્થુડાને બાદ કરતાં બાકીના જેવાં પાત્રો જીવન સફરમાં મળે તો જીવન કેવું મહેંકી ઉઠે!
  આનંદ આનંદ થયો.
  આનંદદાઈ પિરસતા રહો.
  ખૂબ ખૂબ આભાર.

 9. panna says:

  it is true,when we love some one and care for others,definately others will care for us and love selflessly.nice touchy story.thanks to auther.

 10. માનવી ભાળી અમથુ અમથુ આપણું ફોરે વ્હાલ
  નોટ ને સીક્કા નાખ નદીમાં ધૂળીયે મારગ હાલ

  હળવી શૈલિમાં લખાયેલી હળવા કરી દે તેવી વાર્તા.

 11. Mital Parmar says:

  સરસ …

 12. param sneh says:

  Feels like I am around there..very nice description..

 13. ami says:

  GOOD ONE

 14. sakhi says:

  Very nice

 15. ભાવના શુક્લ says:

  નવતર પેઢીના વિચારો અને કાળજી ….. ખુબ અલગ પ્રકારનીઈ એક સરસ વાર્તા..

 16. Ruchir prajapati says:

  ખુબ જ મજાનેી વાત..

 17. Dhruvin says:

  Excellent and heart touching. Everyone has to learn this in this feelingless, selfish and immoral time! Good 1.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.