બાળકાવ્યો – સંકલિત
[1] નાચે તાતા થઈયા ! – રમેશ ત્રિવેદી
કોણે આ આકાશ ચીતર્યું
ચાંદો-સૂરજ-તારા,
કોણે વન વન ઉપવન સર્જ્યાં
ફૂલના રંગ-ફુવારા ?
કોણે સર્જ્યાં ઝાકળ મોતી
કીડી-કેરી આંખો,
કોણે સર્જ્યાં ઝરણાં-હરણાં
પતંગિયાની પાંખો ?
ચીતર્યા કોણે મેઘધનુ શા
રંગબેરંગી મોર,
મધમીઠાં આ સર્જ્યા કોણે
કોકિલના કલશોર ?
છમ્મલીલી આ ધરતી
રંગરંગ વાદળીઓ,
કોણે ચીતર્યો જુઓ મોજથી
વહાલભર્યો આ દરિયો ?
કોણે સર્જી માવડી –
ઘરઘર બાળ કનૈયા,
નેહ ભરેલાં નયણાંર સામે
નાચે તાતા થઈયા !
.
[2] સૌને ગમે – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
મારા બારણાને ટોડલે ચકલી રમે,
એની ઝીણી ઝીણી આંખ,
એની નાની નાની પાંખ,
એ તો રમતી ને ઊડતી સૌને ગમે.
મારા ફળિયાને લીમડે પોપટ રમે,
એની ગોળ ગોળ આંખ,
એની લીલી લીલી પાંખમ
એ તો બોલતો ને ઊડતો સૌને ગમે.
મારા ઘરને તે આંગણે વાછરું રમે,
એના સુંવાળા વાળ,
એની થનગનતી ચાલ,
એ તો નાચતું ને કૂદતું સૌને ગમે.
મારી નાનકડી બેન મારા ઘરમાં રમે,
એની કાલી કાલી બોલી,
એની આંખ ભોળી ભોળી,
એ તો રમતી ને હસતી સૌને ગમે.
સૌને ગમે, સૌને ગમે,
ઘર મારું નાનું સૌને ગમે !
.
[3] હીંચકો – વિનોદ જાની
વડલાની ડાળે બાંધ્યો છે હીંચકો,
હીંચકો ખાવાની ભાઈ આવે મજા,
ભાઈ કેવી મજા !
બેસવાને દોડી જાઉં સૌથી હું પ્હેલો,
ઝુલાવે દોસ્તો મારીને ઠેલો,
ગબડી જવાની ભાઈ આવે મજા,
ભાઈ કેવી મજા !
પૉરો લેવાને પથિક આવે,
વિશ્રાન્તિ દૈ તું તાજા બનાવે,
ઝૂલવાનું ના એ ભૂલે કદા,
ભાઈ કેવી મજા !
આંબલી-પીપળી કદીક રમતા,
ઝૂલતાં ટેટા શિર પર પડતા,
મજાની સાથ ભાઈ એ તો સજા,
ભાઈ કેવી મજા !
.
[4] વાંદરભાઈને ઓરી નીકળ્યાં – ડૉ. આઈ. કે. વીજળીવાળા
વાંદરભાઈને ઓરી નીકળ્યાં, હળવે હળવે બોલે રે !
તાવ, ઉધરસ ને થાય છીંકાછીંક, ઘેનમાં એ તો ડોલે રે !
લોમડી ડોશી પાડોશણ તે, તબિયત જોવા આવી રે !
સૂંડલો એક લીમડાનાં ડાળખાં, સાથે લેતી આવી રે !
શિખામણ સેંથકની આપે, બહાર ના ક્યાંય જાશો રે !
ઓંછાયો તો પડશે, બાપા ! પાછળથી પસ્તાશો રે !
ખાવા-પીવાની ના પાડીને ડોશીમા તો જાતાં રે !
વાંદરભાઈ તો નબળા થઈ ગ્યા, ભૂખેથી પીડાતા રે !
ડોક્ટર હાથીભાઈને કાને, વાત આ કોઈએ નાખી રે !
હાથીભાઈને ખીજ ચડી, આ લોમડીની બદમાશી રે !
વાંદરભાઈને સૌએ જઈને, નવડાવ્યા ધોવડાવ્યા રે !
પાણી તાજું પીવડાવ્યું ને, ફળ-ફૂલો ખવડાવ્યાં રે !
ઓંછાયો તો કાંઈ પડે નહીં, સૌએ ખૂબ સમજાવ્યા રે !
લોમડી વ્હેમ ફેલાવે ખોટા, કહી એમને મનાવ્યા રે !
વાંદરભાઈ તો સારવાર લઈને, જલદીથી થાય સારા રે !
વનમાં સૌ કોઈ વાત કરે કે, લોમડીબાઈ નઠારાં રે !
Print This Article
·
Save this article As PDF
સુંદર બાળકાવ્યો. મજા પડી.
રસભર બાળકાવ્યો
બાળક સ્વભાવના મોટાને પણ ગમે તેવી રચના
બ|લ ગ્?ત બહુ ગમુચે. હર્દિક અભિનન્દન્.
સુંદર બાળ કાવ્યો. ડૉક્ટર સાહેબ બાળગીતો પણ સારા લખે છે! આભાર
બાળકોની કલ્પનાશક્તિને ખીલવતા સરસ મજાના બાળકાવ્યો.
આભાર,
નયન
વાહ, ભઈ વાહ… મજા આવી ગઈ… સુંદર બાળગીતોનું મજાનું સંકલન…
ખુબ અદભુત બાળગીતો અને એમા વિજળીવાળા સાહેબે તો ઉટવૈદા લોમડી બહેનની સરસ ખબર લઈ નાખી. બાળગીતના નામ પર એક સાચી સમજનો આ જ રીતે વિકાસ સરસ…
ખૂબ સરસ…