ક્યાં છે બાળક ? – જયવતી કાજી

[‘આજની ઘડી રળિયામણી’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Make a memory with your children
Spend sometime to show you care
Toys and trinklets cannot replace those
Precious moments you share. – Elain Hardi

તમારાં બાળકો સાથે મધુર સ્મૃતિ નિર્માણ કરો
એમની સાથે સમય વિતાવો
કે જેથી એમને લાગે કે તમે એમની દરકાર કરો છો,
રમકડાં અને બીજી તકલાદી ચીજો
તમારી સાથે વિતાવેલી ક્ષણોનું સ્થાન ન લઈ શકે.

બે વર્ષ પહેલાં હું અમેરિકા ગઈ હતી. ઉનાળાના દિવસો હતા. ન્યુયોર્કથી થોડે દૂર વેસ્ટહેમ્પ્ટન બીચ પર કેટલાયે કુટુંબો રજા માણવા આવ્યાં હતાં. અમે પણ ત્યાં રજા ગાળવા ગયાં હતાં. દરિયાકિનારે અમે રોજ સવારસાંજ ફરવા જઈએ. લાંબો સમય ત્યાં રહીએ એટલે ઓળખાણ થવાની. મને એ દરિયાકાંઠે જ એમિલીનો પરિચય થયેલો. એણે મને કહ્યું હતું : ‘હવે શાળા શરૂ થશે. આજકાલ બાળકોનું ‘શેડ્યુલ’ – સમયપત્રકનું પ્લાનિંગ કરવું સહેલું નથી. એમ જ કહોને કે ટેક્સ રીટર્ન ભરવા જેટલું મુશ્કેલ થઈ ગયું છે ! બાળકોની શાળા, હોમવર્ક અને અન્ય વર્ગો – એ બધું નક્કી કરવું – ગોઠવવું, એને માટે સમય નક્કી કરવો એક ચેલેન્જ છે. એમાં પણ કેટલા વિકલ્પો ! એણે મને સહજ રીતે વાતમાં જણાવ્યું હતું પણ એના અવાજમાં ચિંતા હતી.

ન્યુર્યોકમાં રહેતી મારી પુત્રી અસ્મિતા કહે છે કે અમારી ટપાલબોક્સ બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓની જાહેરાતથી, અવનવાં રમકડાંઓથી અને વિડિયો ગૅમ્સની જાહેરાતના પેમ્ફલૅટથી ભરાઈ જાય છે ! આ પેમ્ફલૅટ્સમાં બાળકો માટેના કુકિંગ કલાસ, કરાટે કલાસ, પીએનો લેસન્સ, વક્તૃત્વ લેસન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ કલાસિસથી માંડી ‘મેથ્સ’ માટેના કલાસિસની જાહેરખબર હોય છે ! સાવ નાનાં ભૂલકાંઓ માટે ‘જીમબોરી’ની જાહેરખબર હોય છે ! મેં જિજ્ઞાસા ખાતર એક પેમ્ફલૅટમાંની જાહેરખબર જોઈ. એ એક કમ્પ્યુટર કંપનીની હતી. એમાં લખ્યું હતું, ‘Give Your Child An Edge’ ! પણ આ કંઈ અમેરિકા કે બીજા પશ્ચિમના દેશોની જ વાત નથી. આપણાં દેશનાં મોટાં શહેરોમાં મધ્યમ અને ઉપલા વર્ગનાં બાળકો અને માતાપિતાની સ્થિતિ અને અભિગમ જાણવા જેવાં છે.

આજે યુવાન માતાપિતા માટે બાળકોને ઉછેરવાં એ એક જબરજસ્ત સમસ્યા બની ગઈ છે. માબાપ માટે બાળઉછેર અંગે ઘણાં પુસ્તકો પ્રગટ થતાં રહે છે જે બાળકોને કેમ હોંશિયાર, તેજસ્વી, અત્યન્ત બુદ્ધિશાળી અને સફળ બનાવવાં તેની માહિતી આપતાં હોય છે. ‘Effective Parenting’ – અસરકારક બાળઉછેર માટે વર્ગો ચાલે છે. માબાપ માટે કેટલેક સ્થળે વર્કશોપ ચાલે છે. બાળઉછેર સંબંધી પુષ્કળ માહિતી આજે ઉપલબ્ધ છે. કાઉન્સેલિંગની સગવડ પણ છે. માબાપ સમક્ષ આ રીતે ઘણી પસંદગી પડેલી છે. દિલ્હીમાં એક સંસ્થા છે, Planet IQ, જે કોમ્પ્યુટર અને સર્જનાત્મક શિક્ષણ પર ધ્યાન આપે છે. દેશભરમાં એનાં ચૌદ કેન્દ્રો છે. તે માને છે કે બાળકનાં જીવનમાં પહેલાં છ વર્ષ અત્યન્ત મહત્વના હોય છે. એમાં બાળકને શિખવાય તેટલું શીખવો. બાળકના જીવનના આ તબક્કામાં સૌથી વધુ વિકાસ થતો હોય છે. અમદાવાદમાં ‘Little Scientists And Human Computer’ સંસ્થાનો દસથી વીસ અઠવાડિયાંનો કોર્સ ચાલે છે. એમાં પ્રવેશ મેળવવા માટે માતાપિતાની લાંબી લાઈન લાગે છે. ઠેકઠેકાણે એક વર્ષથી માંડીને ત્રણ વર્ષ સુધીનાં બાળકો માટે પ્લેગ્રુપ ચાલે છે અને નર્સરીમાં પ્રવેશ મેળવવા માટે બાળકો માટે કોચિંગ કલાસ પણ હોય છે ! આજે બાળકોના વિકાસ માટે કેટલું બધું થઈ રહ્યું છે ! 1970નો દાયકો ‘સુપર વુમન’ – ‘મહા નારી’નો દાયકો હતો. હવે ‘સુપર કીડ’નો યુગ છે – ‘Child Centric’ – બાળકનો યુગ છે.

આજના શહેરી મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગનાં બાળક પાસે સાહ્યબી છે. વિકાસ અને આનંદ માટેનાં ઘણાં ઉપકરણો છે. માબાપ એમને માટે ઘણા પૈસા ખર્ચવા તૈયાર હોય છે. આજનું બાળક સ્માર્ટ છે. એનામાં આત્મવિશ્વાસ છે. એ ઘણું બધું જાણે છે. એનું સામાન્ય જ્ઞાન આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે. આઠદસ વર્ષનું બાળક કેટલી બધી માહિતી ધરાવતું હોય છે. છતાં કોણ જાણે કેમ, મનને થાય છે – આ બધામાં બાળક ક્યાં છે ? એને આપણે ક્યાંક ખોઈ તો નથી નાંખ્યું ને ? મધ્યમવર્ગનાં માતાપિતાની મહેચ્છા પોતાનાં બાળકને શ્રીમંતવર્ગનાં બાળક જેવી અને જેટલી જ કેળવણી આપવાની હોય છે પણ એ માટેનાં આર્થિક સાધનો એમની પાસે પૂરતાં ન હોવાથી માતાપિતા અને બાળક બંનેનાં મનમાં તણાવ ઉત્પન્ન થાય છે. આજે માતાપિતા પોતાનાં સંતાનોનાં શિક્ષણ માટે, એમની ભવિષ્યની સફળતા માટે વધારે સજાગ છે. શહેરી ભારતમાં લગભગ સાડા ત્રણ કરોડ બાળકો છ વર્ષની અંદરનાં છે. આટલાં બાળકોનાં માબાપ ‘સંપૂર્ણ માતપિતા’ – ‘Perfect Parents’ – થવાની ચિંતામાં છે. આ માતાપિતાને પોતાનાં સંતાનોને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવું છે.

દિલ્હીનાં બાળકોના નિષ્ણાત ડૉ. અનુપમ સીબલ કહે છે : ‘એક માતાપિતાનો વર્ગ એવો છે, જેઓ ઘણે ઊંચે સ્થાને છે અને એમની મોટી આવક છે. તેઓ પોતાનાં સંતાનો પોતાનાથી પણ જીવનમાં આગળ આવે તેવું ઈચ્છે છે. બીજો વર્ગ માતાપિતાનો એવો છે, જેમને પોતાને જે જોઈતું હતું તે બાળપણમાં ન મળતું અને જે જોઈએ છે તે આજે પણ નથી. તેઓ ઈચ્છે છે કે તેઓ એ બધું જ પોતાનાં સંતાનોને આપે. પરિણામે આ બન્ને વર્ગનાં માબાપ પોતાનાં સંતાનો પાસે ઘણી મોટી આશા રાખે છે. એમની અપેક્ષાઓ ઘણી હોય છે. માતાપિતાની આ ઘણી મોટી અપેક્ષા પોતે કેવી રીતે પૂરી કરે તેની ચિંતા બાળકને થયા કરે છે. એનાથી ઘણી વખત એ ચિંતિત, વ્યથિત અને ભયભીત રહે છે. બાળકના વિકાસ માટે અને તે જીવનમાં અગ્રસર રહે તે માટે યુવાન શહેરી માતાપિતા પુષ્કળ પૈસા ખર્ચવા તૈયાર હોય છે. ઘણી સ્ત્રીઓ પોતાનાં બાળકને સારું શિક્ષણ આપી શકે તે માટે જ નોકરી કરતી હોય છે. શહેરી યુવાપેઢીમાં પતિ-પત્ની બન્ને કમાતાં હોય છે. તેમની આવક ઘણી હોય છે એટલે તેઓ બાળકો પાછળ પૈસા ખર્ચી શકે છે. ચારપાંચ મહિનાના બાળક માટે મા ચિત્રોની મોંઘી ચોપડી ખરીદે છે !

જીવનમૂલ્યો બદલાઈ ગયાં છે. સંયુક્ત કુટુંબ લગભગ તૂટી ગયું છે અને યુવાપેઢીને એક કે બેથી વધુ બાળકો જોઈતાં નથી, કારણ કે, એમને પોષાય એમ નથી અને તેઓ પહોંચી શકે તેમ નથી. એટલે સ્વાભાવિક રીતે જ તેઓ બાળકો પર વધુ ધ્યાન આપી શકે છે અને પૈસા ખર્ચી શકે છે. એટલું જ નહિ પણ એક કે બે જ બાળકો હોવાથી તેઓ બાળકો માટે ખૂબ જ ચિંતિત રહે છે. એમની સલામતીનો સતત વિચાર કરતાં રહે છે. એને કશું થશે તો નહિ ને ? બાળકને સહેજ શરદી થાય કે તાવ આવે તો તેઓ ઊંચાનીચાં થઈ જાય છે. બાળકની વધારે પડતી આળપંપાળ થતી હોય છે એવું ક્યારેક લાગે છે. બાળક માંગે તે બધું હાજર થાય છે. એને માટે મોંઘા વસ્ત્રો – મોંઘાદાટ રમકડાં – વિડિયો ગૅમ્સ બધું હાજર ! નહિ તો બાળક ત્રાગું કરે. રિસાઈ જાય ! કેટલાંયે ઘરોમાં બાળક માટે ખાસ જમવાનું થાય – બાળક આવે ત્યારે માએ હાજર રહેવું જ પડે નહિ તો બાળક ઘર માથે લે ! બાળકો એમને સોંપેલું કામ કરે નહિ, એમનો ઓરડો ચોખ્ખો રાખે નહિ, કપડાં અને પુસ્તકો વ્યવસ્થિત ગોઠવે નહિ ત્યારે મા એ કામ કરી લઈ માને છે કે એ બાળકને લાડ કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે બાળકને આ રીતે ઘરમાં રહેવાથી જવાબદારીનું ભાન થતું નથી. બીજાને મદદરૂપ થવાનું કેટલું મહત્વનું છે એ શીખતું નથી. પહેલાં બાળકો માતાપિતા અને વડીલોથી ગભરાતાં હતાં એ ખોટું હતું. આજે બાળકોથી ગભરાતાં માતાપિતાને હું જોઉં છું ત્યારે ખરેખર એ બન્નેની મને દયા આવે છે.

આનું કારણ એ હોઈ શકે કે આ પેઢીની યુવતીઓનાં મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે તેઓ તેમનાં સંતાનોનાં ‘સાયકોલૉજિકલ કેરટેઈકર’ છે અને એમને તમામ પ્રકારનાં માનસિક દુ:ખોમાંથી બચાવવાં જોઈએ. એમને માટે બધું જ કરી છૂટવું જોઈએ, અને બાળકો સાથે જેટલી વધારે ‘Involve’ – સંલગ્ન થાય એટલી એ સારી માતા ! આને લીધે આજની માતા સંતાનો પરની પોતાની સત્તા લગભગ ગુમાવી બેઠી છે. ગઈ પેઢીની માતાને આ સમસ્યા નડતી ન હતી. તેઓ બાળકોથી વધુ સ્વતંત્ર હતી. બાળકોનું તુષ્ટિકરણ માબાપને સંતોષ આપતું હશે પણ બાળકની ભૂખ વધારે છે. શાળાનું હોમવર્ક ઘણું બધું મા કરી આપે. એનાં પુસ્તકોની બૅગ કે દફતર મા તૈયાર કરે ! શાળામાંથી અપાયેલાં પ્રોજેક્ટ મહદઅંશે મા, મોટાભાઈ કે મોટીબહેન કે પિતા કરી આપે ! બાળક આઠમા ધોરણમાં આવે ત્યારથી માતાપિતાને ચિંતા. પ્રાઈવેટ ટ્યુશન અને ક્લાસિસ તો ખરા જ. ઉપરાંત એના વાંચવામાં ખલેલ ન પડે, એને કશી અગવડ ન પડે, તેની સતત કાળજી રાખવાની. દસમા અને બારમા ધોરણમાં પોતાનો દીકરો કે દીકરી આવે એટલે માબાપ રઘવાયાં થઈ જાય. કેવું પરિણામ આવશે ? કેટલા ટકા માર્ક્સ આવશે ? કઈ કૉલેજમાં પ્રવેશ મળશે ? બાળકના ભાવિની માતાપિતાને ખૂબ ચિંતા રહે છે, કારણ કે, આજે દરેક ક્ષેત્રમાં ગળાકાપ સ્પર્ધા તો છે જ અને સાથે આપણી શિક્ષણપ્રથા પણ એવી છે. પરિણામે માતાપિતા ‘hyper parents’ – અતિક્રિયાશીલ બની જાય છે અને બાળક ‘hard pressed’ – તણાવગ્રસ્ત બની જાય છે. માતાપિતા અને સંતાનો વચ્ચે ભાવસંક્રમણ ખૂબ જ આવશ્યક છે, પરંતુ એનું સ્થાન આજે નગદ નાણું અને મોંઘી ભેટ લઈ રહ્યાં છે. માતાપિતા પોતાનો સમય અને સહવાસની ઊણપને પૈસાથી પૂરી કરવા મથે છે. પૈસા ખર્ચીને સંતોષ માને છે.

આજે એક જ વાત છે. એક જ મંત્ર સંભળાયા કરે છે : ‘સફળ થાવ, કોઈ પણ રીતે – કોઈ પણ ભોગે સફળ થાવ.’ આ આધુનિક માતૃત્વ કે પિતૃત્વનું જાણે દૂષણ બની ગયું છે એમ પંજાબ યુનિવર્સિટીના માનસચિકિત્સક અનુરાધા ભંડારી કહે છે. આ સફળતાનું ભૂત જાણે માતાપિતા પર સવાર થઈ ગયું છે. એને લીધે ઘણાં માતાપિતા બાળકના ભવિષ્ય અંગે કાલ્પનિક ચિંતા કર્યા કરે છે. ‘એનું શું થશે ? અને એણે શું કરવું જોઈએ ?’ એમ વિચારી બાળકની આખી જિંદગીનો નકશો તૈયાર કરી નાંખે છે ! અનિલે એના બન્ને પુત્રોની જિંદગી માટે આખો પ્લાન તૈયાર કરી દીધો છે ! એમ જ કહોને કે ‘Parents try to pre-empt the child’s life’ ! પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે સુખી બાળક અંદરથી જ સફળ હોય છે પણ સફળ વ્યક્તિ હંમેશાં સુખી નથી હોતી. આ થઈ બાળકોની વધુ પડતી આળપંપાળની – વધુ પડતી સંભાળ અને સુરક્ષાની વાત.

આની સાથે બીજી પણ એક મહત્વપૂર્ણ વાત વિચારવાની છે. બાળક ઉપર વધુ પડતાં દબાણની – તણાવની. આજે તમે જોશો તો ત્રણ-ચાર વર્ષના બાળક માટે પણ પ્રવૃત્તિઓનું કેલેન્ડર હોય છે ! એક વાગે પુસ્તક વાંચવાનું. બે વાગે કોઈક રમત રમવાનું અને ત્રણ વાગે વાયોલિન કલાસમાં જવાનું. અને તમે માનશો, થોડા સમય પછી બાળકને જરૂર પડે છે સાઈક્રીએટ્રીક સારવારની ! પરીક્ષામાં નાપાસ થતાં કેટલાંયે કિશોર-કિશોરીઓ આત્મહત્યા કરે છે. અસંખ્ય બાળકો આજે માનસિક ડીપ્રેશનનો ભોગ બને છે. મારા એક પરિચિત બાળક પર આ દબાણની અસર એટલી બધી થઈ ગઈ કે એ તોતડાવા લાગ્યો ! મને થાય છે કે ‘સુપર કીડ’ – Super kid – બનાવવા માટે – આપણાં અધૂરાં સ્વપ્નાં એની દ્વારા પૂર્ણ કરાવવાની વૃત્તિને લીધે અને ‘શ્રેષ્ઠ’ માતાપિતા બનવાની આજે ચાલી રહેલી સ્પર્ધામાં જીતવા માટે આપણે આપણા બાળકનું શૈશવ કેવી રીતે ખૂંચવી શકીએ ? બાળપણની નાની નાની શરારતો – મોકળાશ – વિસ્મય અને કુતૂહલ જે બાળકનો અધિકાર છે તેનાથી એને વંચિત કરવું શું ઉચિત છે ? નર્સરી-સ્કૂલ અને પછી કોઈ ને કોઈ કલાસ વચ્ચે શટલ કોકની માફક બાળક આમથી તેમ વીંઝાતું રહે છે. મેં આગળ કહ્યું તે પ્રમાણે ઘણી વખત એની પ્રતિકૂળ અસર એના સ્વાસ્થ્ય પર પડે છે. સતત કામ અને પ્રવૃત્તિઓના ભારનાં દબાણમાં રહેતાં અને ચુસ્ત સમયપત્રકને વળગી રહેતાં માબાપ અને બાળકનું જીવન એવું થઈ જાય છે કે એમાં આ પ્રવૃત્તિઓ ઉભય માટે આનંદમય અને રસપ્રદ અનુભવ બની રહેવાને બદલે નીરસ પ્રવૃત્તિ અને ફરજિયાત કામ બની રહે છે.

હું સ્વીકારું છું કે અભ્યાસેતર પ્રવૃત્તિ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે પરંતુ શિક્ષણના અને આ પ્રવૃત્તિઓના બોજા નીચે બાળક દબાઈ ન જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એ ઉપરાંત બાળકની ઈચ્છા અને અભિરુચિને લક્ષમાં રાખી આ પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે તો એને લાભ થાય. પરંતુ માબાપ પોતાને જે પ્રવૃત્તિમાં રસ હોય કે બાળપણમાં પોતે જે પ્રવૃત્તિઓ કરી હોય તેમાં બાળકને હડસેલે તે બરાબર નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે બાળક અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓનાં દબાણને કારણ ‘burn out’ – ખાખ ન થવું જોઈએ. બાળક માટે સમયપાલન – પ્રવૃત્તિઓનું સમયપત્રક જરૂરી છે. એ શિસ્તનો એક ભાગ છે પણ તેની સાથે ‘unstructured’ – અણગોઠવેલી – પ્રવૃત્તિઓ માટે એની પાસે મોકળાશ હોવી જોઈએ. એની પાસે એનો પોતીકો સમય હોવો જોઈએ. દરેક બાળક એક સ્વતંત્ર વ્યક્તિ છે. દરેકમાં કંઈ ને કંઈ વિશિષ્ટ રહેલું હોય છે. એમ જ કહોને કે એનું પોતાનું આંતરિક બેરોમિટર હોય છે ! દરેક માતાપિતાએ પોતાના બાળકને લક્ષમાં લઈને જ બાળકને ઉછેરવાની કળા સિદ્ધ કરવાની છે.

હવે તો પૂરતી વૈજ્ઞાનિક સાબિતી મળી છે, જે બતાવે છે કે વહેલું ‘Stimulation’ – ઉત્તેજના હંમેશાં વધુ બુદ્ધિમતા આપે એવું છે જ નહિ. બાળકને માતાપિતાએ યોગ્ય પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું જોઈએ. પછી બાળકને પોતાની રીતે આગળ વધવા દઈએ. બાળઉછેર વિજ્ઞાન છે, પણ મહદઅંશે એ એક કળા છે. બાળક માટે માતાપિતા જેવો બીજો એકેય પર્યાય નથી. માબાપનો નિર્વ્યાજ બિનશરતી પ્રેમ અને પ્રોત્સાહન જ એને માટે પથદર્શક બને છે. માતાપિતાનું પોતાનું જ દષ્ટાંત એના જીવનઘડતરનું એક મહત્વનું અંગ છે. ‘The key to good parenting is to know your child, understand his limits and achieve a fine balance.’ આપણા બાળકને ઓળખીએ – જાણીએ, એની શક્તિ સમજી લઈએ અને પછી સમતુલન કરીએ. લાડપાન અને સલામતી સાથે સ્વતંત્રતા અને શિસ્તનું સમતુલન કરતાં રહેવું એ તો માતાપિતા માટે ખરી કસોટી છે. બાળક સફળ બને, એની બુદ્ધિ તીક્ષ્ણ બને – એ યશસ્વી બને એવું તો પ્રત્યેક માતાપિતા ઈચ્છતાં હોય છે. એ તો એક સ્વાભાવિક ઈચ્છા છે, પણ યાદ એટલું જ રાખવાનું છે કે બુદ્ધિની તીક્ષ્ણતા સાથે હૃદયની ભાવનાઓનું પણ સંયોજન થાય. પ્રેમ-કરુણા-માયામમતા-સમર્પણ એ બધું એક સારા માનવી બનવા માટે કેટલું જરૂરી છે ! આપણું બાળક માત્ર સફળ અને સંપત્તિવાન બને, તેની જેટલી કાળજી આપણે લઈએ છીએ એથીયે વિશેષ એ એક સુખી, સરસ, સહૃદયી માણસ બને એની અપેક્ષા રાખીએ તો !

આ લખતી વખતે મને વિચાર આવે છે લાખો બાળકોનો, જેઓ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે – જેમને ખાવાપીવા અને રહેવાનાં ફાંફાં છે, જેમને માટે શિક્ષણની તક નથી અને જેમને કુમળી વયે મજૂરી કરવી પડે છે. છતાંય આ અભાવગ્રસ્ત બાળકોમાં કેટલાંય ચીંથરેવીંટ્યાં રતન હોય છે, જેઓ અથાગ પરિશ્રમ અને ધ્યેયનિષ્ઠાથી જીવનમાં આગળ આવે છે. એમને માટે શું કહીશું ?

[ કુલ પાન : 144. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાછો વળું…. – જયન્ત પાઠક
લખી રાખો આરસની તકતી પર – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ Next »   

11 પ્રતિભાવો : ક્યાં છે બાળક ? – જયવતી કાજી

 1. sujata says:

  સુખી બાળક અંદરથી જ સફળ હોય છે પણ સફળ વ્યક્તિ હંમેશાં સુખી નથી હોતી………..

  બાળઉછેર વિજ્ઞાન છે, પણ મહદઅંશે એ એક કળા છે. ……….

  મા ણ સ મ શી ન બ ની ગ યો છે.

  કુ દ ર ત ને વિ સ રી ગ યો છે.

  ક રી ને અ વ ન વી શો ધ્…….

  બા ળ મા ન સ ને ભ્ ક્ષી ગ યો છે. ………….

 2. dhiraj thakkar says:

  khub saras lekh

  bal manas ne samajavu ghanu aagharu chhe.

  care leta leta aapne ketli bhool kari besta hoiye che.

 3. Vaishali Maheshwari says:

  Very true article.
  I am myself not a parent yet, but being a child of a parent I know how it feels.

  Parents should definitely take care of their kids, but taking overcare may ruin their childhood and youth. They should be given bit freedom and parents should keep a watch on them to make sure that they do not commit some major mistake in life.

  Parents, if they wish, can really be the best friends forever for their children.

  I am proud of my parents and I wish this article should be read by all parents….

  Thank you Author.

 4. nayan panchal says:

  હું માત્ર એક જ વાક્ય કહીશ.
  “બાળઉછેર એક વૈજ્ઞાનિક કળા છે”.
  One size doesn’t fit all.

  મારા ફેવરિટ લેખિકાનો ખૂબ જ સરસ લેખ.

  આભાર,
  નયન

 5. Rajni Gohil says:

  Wolfgang Amadeus Mozart:

  Neither a lofty degree of intelligence nor imagination nor both together go to the making of genius. Love, love, love, that is the soul of genius.

  Love is the only law of life. આ વાત અવંતિકાબેને સુંદર રીતે સમજાવી છે.

 6. ભાવના શુક્લ says:

  સો વાતની એક વાત… બાળકનો નૈસર્ગીક વિકાસ રુંધવાની એક પણ ચેષ્ટા માતા-પિતા કરી શકે નહી. અતિ ની કોઇ ગતિ નથી.

 7. Chirag Patel says:

  So true… No toys or video games can replace parent’s quality time with their kids… I have two years old daughter – the minute I come from office – she greets me at the door – I pick her up, kiss her – she tells me all about her day (in her own language) and all I do is say Yes…umm humm… and look at her face – she knows I can not understand what she said yet she is just so happy to tell me… We (my wife and I) both have professional job – but after my daughter was born – my wife gave up her career to be with the child – We hardly watch any TV as we (us three) are always busy in the eveing playing – taking a walk in park – dinner and then I read her stories from book – teaching her ABC, ક..ખ..ગ.., colors, numbers, name of the days, months etc… At the age of two she can count 1 – 100 and ૧ થી ૧૦૦ (in Gujarati and English) – She know her ABC and ક…ખ…ગ… – She is far more advaced and smart, confident and very happy then most of her age friends (my friends’s sons and daughers)… And the only reason is – She has her parents… We know everything about her – and she knows what we (her mom and dad) like and don’t like…

  No TV, Video Games, Day Care or “Nanny” can do what you as parents can do you for your kid…

  Thank you,
  Chirag Patel

 8. Ruchir prajapati says:

  ખુબ જ સરસ લેખ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.