માધુકરી – સંકલિત

[1] પગલાં પ્રભુનાં – અનુ. વિનોદ એ. ચોકસી

એક રાત્રે એક માણસને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એ એક ટાપુ પર પ્રભુની સાથે ચાલી રહ્યો હતો. ચાલતાં ચાલતાં તેણે જોયું તો નિરભ્ર આકાશમાં એના પોતાના જીવનનાં કેટલાંક દ્રશ્યો પ્રકાશી ઊઠ્યાં છે. દરેક દ્રશ્યમાં એણે જોયું તો રેતીનાં પડેલાં પગલાંની બે જોડ એને દેખાઈ. એક પગલાં હતાં એનાં પોતાનાં અને બીજા પગલાં એની સંગે ચાલનાર પ્રભુનાં. પ્રભુ સંગે ચાલતાં ચાલતાં એ જીવનના અંતિમ દ્રશ્યે પહોંચ્યો ત્યારે એને જરાક પાછા વળીને જોવાનું મન થયું. લાં…બી નજર નાખીને એણે પોતાના સમગ્ર જીવનની યાત્રાનાં દર્શન કર્યા તો એણે જાણ્યું કે એના જીવનપથ પર ઘણી વાર પગલાંની એક જ જોડ જણાતી હતી અને બીજી ગાયબ હતી. એના ધ્યાનમાં એ પણ આવ્યું કે એના જીવનમાં સૌથી દુ:ખી અને કપરા સમયે જ એની સાથોસાથ ચાલતાં પગલાંની એક જોડ અંતરધ્યાન-અદ્રશ્ય થઈ ગઈ હતી.

એ ખૂબ વ્યથિત હૃદયે ચિંતિત થઈ ઊઠ્યો. એણે આર્તસ્વરે પ્રભુને પ્રશ્ન કર્યો.
‘પ્રભુ તમે તો કહ્યું હતું કે એક પળ હું તને અનુસરવાનું નક્કી કરી લઉં પણ જિંદગીભર સારાય માર્ગે તમો મારી સાથે જ હશો ? મારી સંગાથે જ ચાલશો ?’
‘હા વત્સ ! હા ! મારા દીકરા ! મેં એમ જ કર્યું હતું !’
‘પરંતુ મેં તો જોયું પ્રભુજી કે મારા જિંદગીનાં સૌથી કપરા સંજોગોમાં ને કપરા કાળમાં જિંદગીની પેલી પાર પગલાંની એક જ જોડ હતી ? મને સમજણ નથી પડતી પ્રભુ કે જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે જ તમે મને કેમ છોડી દીધો ?’
પ્રભુ સહેજ હાસ્ય અને કરુણામય નેત્રે બોલ્યા : ‘મારા લાખેણા લાલ ! હું તને પ્રાણથી પણ વધુ ચાહું છું – મેં તને ક્યારેય તરછોડ્યો નથી. તારા જિંદગીની સૌથી કપરી વિટંબણાઓ અને કઠિન સંઘર્ષોના સમયમાં હું તારા સાથે જ હતો – ને એ કટોકટીભર્યા કપરા કાળમાં મેં તને મારા ખભે ઉપાડી લીધો હતો. (‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.)

[2] દી’ વાળે ઈ દીકરી – ઈલાક્ષી પરમાનંદ મર્ચંટ

પરાપૂર્વથી ચાલ્યા આવતા રીતરિવાજ મુજબ ઘરનો કુળદીપક તો દીકરો જ હોય. સમાજે પણ સ્વીકારી લીધું કે દીકરો જ ઘરને ઉજાળી શકે છે, પણ હમણાં એક એવો કિસ્સો જાણવા મળ્યો કે માત્ર દીકરા જ નહીં, દીકરી પણ ‘દી’ વાળી શકે છે. એ પણ કુળના નામને ઊજળું કરી શકે છે. એક ભાઈની દીકરીએ લવમૅરેજ કર્યાં હતાં. નાતનો ન હોવા છતાં દીકરીનાં મા-બાપે બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં. છોકરાવાળા પર લક્ષ્મીજીની મહેર હતી. એટલે દીકરી-જમાઈએ લગભગ વર્લ્ડ ટૂર થઈ જાય એટલા દેશોની મુલાકાત લીધેલી. આ સમયગાળા દરમિયાન દીકરીને કોઈ જાતનું દુ:ખ નહોતું. એટલે મા-બાપ પણ રાજી હતાં. અચાનક પાંચ વર્ષે દીકરી-જમાઈ વચ્ચે કંઈક ખટપટ થઈ અને બન્ને વચ્ચે પૂરી ન શકાય એવી તિરાડ પડી ગઈ અને બન્નેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા. છોકરાવાળા સધ્ધર હોવાથી બધાનો મત હતો કે જીવનનિર્વાહ માટે મોટી રકમ માગવી, પણ દીકરી અડગ રહી. એણે કહ્યું કે ‘મારે કંઈ લેવું નથી, કારણ કે એક તો હું કમાઈ શકું છું અને બીજું, આ લોકોએ મને આખી દુનિયાની સહેલ કરાવી છે. ક્યારેય મને કોઈ વાતની તકલીફ આપી નથી.’ એટલે મક્કમ રહીને આ દીકરીએ શ્રીમંત સાસરાવાળા પાસેથી એક પૈસો લીધા વિના છૂટાછેડા આપ્યા. કોણે કહ્યું કે દીકરા જ ‘દી’ વાળે છે ? દીકરી પણ કુળનું નામ ઉજાળી કુળદિપક બની શકે છે. જૂની કહેવત હવે થોડી બદલવી પડશે. (‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.)

[3] આદર ને આચાર – સં. મહેશ દવે

એક ભારે બુદ્ધિમાન અને મહેનતુ માણસ હતો. નવી નવી શોધ કરવાનો એને શોખ. ખૂબ મહેનત કરી એણે ઈલેક્ટ્રીસિટીની શોધ કરી. વીજળીમાંથી લાઈટનો પ્રકાશ કેમ રેલાવવો એ પણ એણે શોધી કાઢ્યું. આ શોધનો ઉપયોગ કરી લોકો સુખી થઈ શકે એ માટે પોતાની જાણકારી એ લોકો સુધી પહોંચાડવા માગતો હતો. એ એક આદિવાસી પ્રજા પાસે ગયો. એણે લોકોને વીજળી અને લાઈટ કરવાની કારીગીરી શીખવી. લોકો તો રાજી થઈ ગયા. વીજળી અને લાઈટના ઉપયોગથી એમનું જીવન બદલાઈ ગયું.

તેની શોધનો લાભ બીજી પ્રજાઓને પણ મળે એવો શોધકનો આશય હતો. તેથી તે બીજા આદિવાસી પ્રદેશમાં ગયો. નવા પ્રદેશના લોકોને પણ તેણે લાઈટ કરતા શિખવાડ્યું. લોકો તો ખુશ થઈ ગયા, પણ તે પ્રજાના ધર્મગુરુઓના પેટમાં તેલ રેડાયું. તેમને થયું કે તેમનાં માન-પાન હવે નહીં રહે. નવો આવેલો આ માણસ જ આદરપાત્ર થઈ જશે. આવું વિચારી ધર્માચાર્યોએ પેલા શોધકની હત્યા કરાવી. તેમના પર કોઈને વહેમ ન પડે એ માટે ધર્મગુરુઓએ શોધકની સુંદર મૂર્તિ બનાવડાવી. તે મૂર્તિની તેમણે મંદિરમાં સ્થાપના કરી. મૂર્તિની પૂજા કરવાનો રિવાજ દાખલ કર્યો. ધર્મગુરુઓએ પેલા શોધકની પૂજા અને પ્રાર્થના ફરજિયાત બનાવી. તેમાં કોઈ ચૂક કરે તો તેને સજા કરવામાં આવતી. આમ વર્ષો વીતતાં ગયાં. નવી નવી પેઢીઓ આવતી ગઈ. પેલા શોધકનાં પૂજા-પાઠ અને પ્રાર્થના-ગાનના વિધિ વધતા જ ગયા, પરંતુ આ વિધિ-વિધાનમાં ખોવાઈ ગયેલી પ્રજા વીજળી અને પ્રકાશનું ઉત્પાદન કેમ કરવું એનું જ્ઞાન જ ભૂલી બેઠી. જ્યાં શોધક પહેલાં ગયો હતો તે પ્રજા સુખના પ્રકાશમાં જીવી, જ્યારે પછીની પ્રજા અંધકારના અજ્ઞાનમાં અટવાતી રહી.

મહાન માણસોએ કરેલાં સત્કાર્યોનાં વખાણ અને એમના પૂજનમાત્રથી સુખ પ્રાપ્ત થતું નથી. એમણે શિખવાડેલા માર્ગ પર ચાલવાથી પ્રજા પોતાનું ભલું કરી શકે છે. (‘પાંદડે પાંદડે જ્યોતિ’ પુસ્તકમાંથી સાભાર.)

[4] અનોખી જાતરા – ધીરુભાઈ મિરાણી

મને 64 વર્ષ થયાં. મારી માતાને નાનપણથી જ ઓછું દેખાતું અને ઉંમર વધવા સાથે નજર લગભગ બંધ થઈ ગઈ. મારા પિતાજી 1977માં અવસાન પામ્યા. પરંતુ તેમના જીવનકાળ દરમ્યાન મારી માને સાથે રાખીને તેમણે બદ્રીકેદાર, રામેશ્વર, જગન્નાથપુરી વગેરે યાત્રાધામોની યાત્રા કરાવી. પિતાજીના દેહવિલય પછી લગભગ પંદર વર્ષે એટલે કે 1992 આસપાસ 75 વર્ષની તેમની જૈફ ઉંમરે મા મને કહે : ‘ગગા, બધી યાત્રા કરી પણ દ્વારકા આટલું નજીક છે પણ ત્યાં ગઈ નથી.’ તેમની ઓચિંતી આવી વાત સાંભળી મને નવાઈ તો લાગી જ, પણ મેં વ્યવસ્થા કરી.

એક જ અઠવાડિયામાં તૈયારી કરીને હું મારાં પત્ની, મારાં માતા તથા બે પુત્રીઓ અને નાનો પુત્ર – બધાં સહકુટુંબ દ્વારકા જવાં ઉપડ્યાં. બીજે દિવસે દ્વારકા પહોંચ્યા. પછીના દિવસે સવારે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા, પણ માતુશ્રીને કંઈ દેખાતું નહીં. છેક કઠેડા સુધી લઈ જઈને ઊભા રાખ્યાં પણ શ્યામ રંગની મૂર્તિ તેમની નજરની ઉણપના કારણે દેખાય નહીં. પૂજારીશ્રી ખૂબ ભલા હતા. તેઓ એક દૂરબીન લાવ્યા પણ તેનાથી પણ કંઈ ફરક ન પડ્યો. પૂજારીને વિનંતી કરી કે તેમને ગર્ભદ્વારમાં આવવા દઈને ચરણ સ્પર્શ કરી શકવા માટે, પરંતુ ત્યાંના કાયદા અનુસાર તે શક્ય ન હતું. મા નિરાશ થઈ ગઈ. તે જોઈને પૂજારીશ્રીએ મા ને પૂછ્યું :
‘માજી નજર ન હતી, ચલાતું નથી તો પછી મુંબઈથી અહીં સુધી શા માટે દુ:ખી થયાં ?’
મારી માએ જવાબ આપ્યો : ‘મને નથી દેખાતું, પણ દ્વારકાવાળો તો મને જુએ છે ને ! મેં અહીં ગોમતી સ્નાન કર્યું અને દ્વારકાવાળાએ મને જોઈ એટલે મારી જાતરા પૂરી !’

પૂજારી માની આ ભાવનાને આશ્ચર્યચકિત બનીને જોઈ રહ્યા અને બે હાથ જોડીને વંદન કર્યા. (સત્ય ઘટના, ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.)

[5] એમાં શરમ શાની ? – સંત પુનિત

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક વાર ઈંગ્લેન્ડની મુલાકાત પર હતા. એ દરમિયાન ત્યાંના ભારતીય જનોએ એમના પ્રવચનનું આયોજન કર્યું. પ્રવચન માટે એક સરસ હૉલ પસંદ કરવામાં આવ્યો. પ્રવચનનો સમય થતાં વિદ્યાસાગર હૉલ પર આવ્યા અને જોયું તો એમની નવાઈનો કોઈ પાર રહ્યો નહિ; કેમ કે, શ્રોતાજનો પોતાની જગા પર બેસવાને બદલે હૉલની એક ભીંત પાસે ઊભા રહ્યા હતા ! વિદ્યાસાગરે મુખ્ય આયોજકને આનું કારણ પૂછ્યું તો એમને જવાબ મળ્યો : ‘હોલની સફાઈ કરનારા હજી આવ્યા નથી. સાફ થાય પછી જ શ્રોતાજનો બેસે ને !’

થોડી વાર વીતી ગઈ તોય સફાઈવાળા દેખાયા નહિ. આયોજકો વિચારમાં પડ્યા કે હવે શું કરવું ? તેઓ આવી મૂંઝવણમાં પડ્યા ત્યાં તો હૉલના એક ખૂણામાં પડેલાં ઝાડુઓમાંથી વિદ્યાસાગરે એક ઝાડુ ઉપાડ્યું અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના હૉલ વાળવા માંડ્યો ! એમને આમ હૉલ સાફ કરતાં જોઈ આયોજકોની શરમની કોઈ અવધિ રહી નહિ. તેઓ દોડતાં દોડતાં વિદ્યાસાગર પાસે આવ્યા અને બોલ્યા :
‘અરે આપ આ શું કરો છો ? આપ તો આજના પ્રવચનકાર છો. આપનાથી આવું વાળવા જેવું હલકું કામ કરાય ? વાળવાનું બંધ કરો. હમણાં સફાઈ કરનારાઓ આવશે. આપે આવી તસ્દી લેવાની જરૂર નથી. આપનું કામ પ્રવચન આપવાનું છે, આવું કામ આપને કે અમને કોઈને શોભે નહિ !’
વિદ્યાસાગરે વાળવાનું ચાલુ રાખતાં જ જવાબ આપ્યો : ‘કોઈ કામ હલકું અને કોઈ કામ સારું, એવો ભેદભાવ મનમાં રાખવો એ જ શરમજનક વાત છે ! સ્વચ્છતા રાખવી એ શું એક શોભનીય કામ નથી ? જે અસ્વચ્છ છે તેને સ્વચ્છ બનાવવું એ તો એક ગૌરવપ્રદ બાબત લેખાય ! સફાઈ કરનારાઓ ન આવે એટલે શું આપણે અસ્વચ્છતા ચાલુ રાખવી ? એના કરતાં તો જાતે જ અસ્વચ્છને સ્વચ્છમાં ફેરવી નાખવું એ બહેતર છે !’

પછી તો બધાએ હૉલ વાળવાનું શરૂ કરી દીધું અને થોડીવારમાં તો હૉલ આભલા જેવો સ્વચ્છ બની ગયો. ત્યાર બાદ વિદ્યાસાગરે દિલની સફાઈ કરતું વિદ્વતાભર્યું પ્રવચન કર્યું. (‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.)

[6] ફાધર્સ ડેની ભેટ

ઈવનિંગ વૉકમાંથી પાછાં ફરતી વેળાએ સામે જયંતીલાલ મળ્યા. ઔપચારિક રીતે મેં પૂછ્યું :
‘કાકા, કઈ તરફ અત્યારે ?’
‘ઘઉં દળાવવા.’ નાનો સરખો ઍલ્યુમિનિયમનો ડબ્બો થેલીમાં રાખેલો તે દેખાડતા બોલ્યા.
‘કેમ, હમણાં જમવા માટે દીકરાને ત્યાં નથી જતા ?’
‘ના રે… ! એ તો ફ્લૅટમાં રહેવા જતો રહ્યો છે ને હું અહીં જાતે જ બનાવી લઉં છું.’

સોસાયટીમાં બધાને ખબર હતી કે જયંતીલાલે નાનપણથી ખૂબ દુ:ખ વેઠીને પંકજને મોટો કરેલો. તેની ગંભીર માંદગીમાં રાતભર ઉજાગરા કરેલા અને ખાસ્સા રૂપિયા ખર્ચી નાખેલા. પરણાવ્યા બાદ તેમની પુત્રવધૂ તો વિધુર શ્વસુર અને પતિ પંકજને તજીને બાળકો સાથે પિયરમાં રિસામણે જતી રહેલી. છેવટે સગાંવહાલાં દ્વારા સમાધાન કરીને દીકરો પત્ની સુનંદા તથા બાળકોની સાથે નજીકના જ ફલૅટમાં રહેશે એમ ‘વચકો મારગ’ કાઢી તેડી લાવેલો ! મેં જરા વાત આગળ ચલાવી :
‘પંકજભાઈ તો બે’ક દિવસ પહેલાં મળેલા ત્યારે તો એમ કહેતા હતા કે અમે નજીકના ફલૅટમાં રહીએ છીએ, અને પપ્પા ત્યાં આવીને સવાર-સાંજ જમી જાય છે. તેમને પાછું એકાન્ત જોઈએ ને ? એટલે સોસાયટીમાં જ રહ્યા…..’
‘ના રે ના… હું બે મહિનાથી પરોઠા હાઉસમાં જમતો હતો. હવે તો જાતે જ રસોઈ કરી લઉં છું….’ જરી ઝળઝળિયાં સાથે આગળ વધ્યા. હું પરિસ્થિતિ પામી ગયો. વિચારતો રહ્યો કે દીકરાનું બહાર બૂરું ન દેખાય એટલે થેલીમાં ડબ્બો રાખી દળાવવા જાય છે આ પિતા. પછી ધીમે સ્વરે હું બબડ્યો : ‘આજે ‘ફાધર્સ-ડે’ની ભેટ કોણે કોને આપી ?  (‘કુમાર’ સામાયિકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોકસાહિત્યની વિરાસત – જોરાવરસિંહ જાદવ
મહાભારત : જીવનદર્શન – શાન્તિકુમાર પંડ્યા Next »   

29 પ્રતિભાવો : માધુકરી – સંકલિત

 1. પ્રેરણાત્મક સંકલન.

 2. Mrugesh Soni says:

  પ્રભુ સહેજ હાસ્ય અને કરુણામય નેત્રે બોલ્યા : ‘મારા લાખેણા લાલ ! હું તને પ્રાણથી પણ વધુ ચાહું છું – મેં તને ક્યારેય તરછોડ્યો નથી. તારા જિંદગીની સૌથી કપરી વિટંબણાઓ અને કઠિન સંઘર્ષોના સમયમાં હું તારા સાથે જ હતો – ને એ કટોકટીભર્યા કપરા કાળમાં મેં તને મારા ખભે ઉપાડી લીધો હતો.

 3. Ravi , japan says:

  very nice
  and interesting collection !!

 4. krupa says:

  seriously a very nice story collections!!!!!!!!!!! and very insprational!!!!!!!thank u mrugesh bhai!!!!!!!!

 5. Vraj Dave says:

  “પગલા પ્રભુના” અનુભવવાની મજા પડી.સરસ ખુબજ સરસ.પ્રભુતો આપણી અંદરજ બિરાજે છે.આત્મા સો પરમાત્માઆપણી પાસે દ્રષ્ટી જોઇએ.
  સહુ સુખી રહો.
  વ્રજ દવે

 6. Vraj Dave says:

  દી વાળે ઇ દીકરી -જળ જળ કમલ ના નીપજે હો બહુંચરી ઘર ઘર સીતે નો હોઇ.
  સારું લો ત્યારે.
  વ્રજ દવે

 7. Vraj Dave says:

  “મને નથી દેખાતું પણ, દ્વ્રારકાવાળો તો જુએ છેને” અડગ વિશ્વાસ વાહ માડી વાહ. પણ “મન ચંગા તો કાથરોટમાં ગંગા”
  સહુ ને સલામ
  વ્રજ દવે

 8. Vaishali Maheshwari says:

  All short and sweet stories. Good and thoughtful collection.

  (1) Prabhuna Pagla – No matter where we go, what we do, God – the Supreme Lord is always with us. He carries us on our shoulders when we need him badly.
  Very nice.

  (2) Di’ waade e dikri – Yes, we talk about equal rights in this century. And girls are now capable, smart and responsible enough to be independent and take feasible decisions. This girl was divorcing her husband, but still she valued what her husband and his in-laws family had given him. Nice one again.

  (3) Aadar ne aachar – Just knowing about good deeds will not help in any way. We have to implement and follow the good deeds in our life. Very simple story, but strong moral. Just treating the inventor of electricity as God did not help people. They should have respected the inventor in true sense and tried to learn what and how did he achieve success in inventing electricity. Becuase of the King’s jealousy and fear of inferiority complex everyone from the next generation was deprived of electricity.

  (4) Anokhi jaatra – His mother was blind from eyes, but she knew God is there to see her. God always keeps watch on us. If we have true faith, then we can make the Almighty happy.

  (5) Ema sharam shaani? – Ishwarchandra Vidhyasagar started sweeping and cleaning the floor by himself and set an example for others. There is no low or high collared job. We should not feel ashamed of doing any work which is for the betterment of others.

  (6) Father’s Day ni bhet – Father has given a gift to the child on Father’s Day. Pity on the father. He faced so many hardships and took care of his son Pankaj, but his son lies to the society and is hurting his father. Pankaj will repent in future when his children do the same thing with him after few years.

  Thank you Author for all the wonderful short stories.

 9. Girish says:

  very nice

 10. Pravin V. Patel [Norristown PA USA] says:

  દરેક પ્રસંગ ઉચ્ચ કોટિનો છે.
  આપણી આંખ ઉઘાડનાર છે.
  શત શત વંદન.

 11. nayan panchal says:

  ડોશીમાં જેવી શ્રધ્ધા સૌની પાસે હોય એવી જ પ્રાર્થના.
  પ્રભુ તો હર હંમેશ આપણી આસપાસ હોય જ છે, કાશ તેમને અનુભવવા જેટલી સમજ આપણામાં હોય.
  અન્ય વાતો પણ સરસ.

  નયન

 12. Veena Dave, USA says:

  સરસ વાતો.

 13. Dhaval B. Shah says:

  Nice ones!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.