મનેખ નાનું મન મોટું – ડૉ. પ્રફુલ્લ શાહ

[ અમરેલી જિલ્લામાં 80 પુસ્તકાલયો ખોલનાર, સોનલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ડૉ. પ્રફુલ્લશાહના એક સુંદર પુસ્તક ‘મનેખ નાનું મન મોટું’ માંથી નીચેના બે લેખો લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ખાસ કરીને તેમણે પોતાના તબીબી જીવન દરમિયાન થયેલા અનુભવોનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. ડૉ. શાહની આવી સુંદર અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓ માટે રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ પ્રવૃત્તિઓ હજી વધારે વિકસે અને સમાજના નાનામાં નાના માણસ સુધી આ સેવાનો પ્રવાહ વિસ્તરે એવી શુભેચ્છાઓ. ]

આવાં માનવી બધે નથી ઓળખાતાં

એક પ્રસંગે અમે સુરેન્દ્રનગરથી સાવરકુંડલા ટૅક્સીમાં આવતાં હતાં. કોટડાપીઠ પહોંચ્યાં ત્યાં ગાડી બગડી. ડ્રાઈવરે કહ્યું કે, ગાડીએ હઠ પકડી છે, હવે એક ડગલું પણ આગળ વધવાની ના પાડે છે. અંતરિયાળ નાના ગામમાં બીજી ટૅક્સી મળે તેમ ન હતું. અંધારું થવાની તૈયારી હતી. અમે ગાડીમાંથી નીચે ઊતરી કોઈ વાહન મળે એની તપાસ કરી. એક ભાઈએ ત્યાંના એક નાના ગૅરેજમાં તપાસ કરવા જણાવ્યું. ત્યાં જઈને અમે અમારી મુશ્કેલીની વાત કરી.

એક ભાઈ તેમની ગાડી રિપેર કરાવી રહ્યા હતા. તેઓ ગાડી રિપૅર થાય એટલે ચલાલા જવાના હતા. અમારી મુશ્કેલી જોઈ તેઓ અમને કુંડલા મૂકવા આવવા સહમત થયા. કુંડલા ચલાલાથી 19 કિલોમિટર જ થાય. હું ડૉકટર છું અને ચલાલાના માર મિત્ર સુલેમાનભાઈની વાત કરી એટલે તે ભાઈને અમારા વિશે ખાતરી થઈ.

ગાડી રિપૅર થઈ ગઈ. તે ભાઈની પુત્રી આ ગામમાં જ રહેતી હતી. તેને તેડવા માટે આવેલા. તેઓ ગાડી લઈને તેમની પુત્રી અને તેમના એક અપંગ પુત્રને લઈને આવ્યા. પુત્રની ઉંમર 26 વર્ષની હતી. તેને ‘CEREBRAL DIPLEGIA’ નામનો રોગ હતો. જેમાં દર્દી મંદબુદ્ધિનો અને અપંગ થઈ જાય છે. તે જાતે કશું ન કરી શકે એટલે સતત કોઈએ તેની પાસે હાજર રહેવું પડે.

મને તેમના પુત્રના દર્દ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. ગાડીએ થોડી ગતિ પકડી એટલે મેં તેમને પ્રશ્ન કર્યો કે તમે દર્દીને સારવાર માટે કોઈ જગ્યાએ લઈ ગયા હતા ?

હું ડૉકટર એટલે ભાઈને વાત કહેવાનું મન થઈ ગયું.
ડૉકટર, અમે આ અપંગ દીકરાને 26 વર્ષથી સાચવીએ છીએ. અનેક ડૉકટરોને બતાવ્યું, અનેક માનતાઓ રાખી, દોરા-ધાગા પણ કરી જોયા, પરંતુ કોઈ સુધારો થતો નથી. અમે જ્યાં જઈએ ત્યાં તેને અમારી સાથે લઈ જઈએ છીએ, જરા પણ એકલો મૂકતા નથી. જન્મ્યો ત્યારથી જ તેની બધી શુશ્રુષા કરવી પડે છે. પેશાબ પણ પથારીમાં કરી જાય. અમે એમ માનીએ છીએ કે પૂર્વ જન્મનાં અમારાં એવા કોઈ કર્મ હશે, જેના કારણે અમારા ઘરે આ બાળકે જન્મ લીધો છે. મેં તેમને સલાહ આપી કે તેને કોઈ મંદબુદ્ધિના બાળકોને રાખતી શાળામાં દાખલ કરી શકાય. તેમનો રોકડો જવાબ હતો કે, અમે તેને અમારા હૈયાથી કદી અળગો કરીશું નહિ.

ભાઈએ વાત આગળ વધારી. ડૉકટર, મારે બે દીકરા અને આ ત્રીજો – એમ ત્રણ દીકરા છે. મારા બંને પુત્રો પણ તેની એટલી જ સારવાર અને દેખભાળ રાખે છે. મારાં પત્નીએ તો ભેખ લીધો છે. તેઓ તો 24 કલાક તેની તહેનાતમાં જ રહે છે. કદી કોઈ લગ્નપ્રસંગે કે કોઈ ઉત્સવમાં તેઓ ગયાં નથી. તેમને મન તો જે ગણો તે બધું આ પુત્રમાં જ છે. ઈશ્વરની ઈચ્છા હશે ત્યાં સુધી તે અમારી સેવા-ચાકરી લેશે.

મેં પ્રશ્ન કર્યો કે પુત્રો મોટા થયા છે, એટલે તેમનાં લગ્ન થાય પછી તો તેઓ તમારાથી જુદા રહેવાના ને ? તેમનો ઉત્તર સ્પષ્ટ હતો. ડૉકટર, મારા મોટા પુત્રના લગ્ન કરવાના હતા. જે કોઈ લગ્ન સંબંધી વાત કરવા આવે તેને અમે એક જ વાત કરતા હતા કે, આવનાર વ્યક્તિએ આ દીકરાની સેવા-ચાકરી કરવી પડશે. અમારાથી જુદા તો તેમનાથી નહિ રહેવાય. તમારી પુત્રી જો સહેમત હોય તો જ અમે લગ્ન કરીએ.

તેમને જોઈતું હતું તેવું પાત્ર મળી પણ ગયું. આજે પુત્રવધૂ પણ આ અપંગ ભાઈની તેટલી જ સંભાળ રાખે છે.

વાત પૂરી થવા આવી ત્યાં અમે ચલાલા તેમના ઘરે પહોંચી ગયા. એક સાદા અને સ્વચ્છ મકાનમાં તેઓ રહે છે. કુટુંબના દરેક સભ્યને આ ‘CEREBRAL DIPLEGIA’ વાળા ભાઈ માટે આટલો બધો ભાવ જોઈને અમારું મસ્તક નમી પડ્યું.

મેં બહેનને કહ્યું, તમારું ઘર એ તીર્થસ્થાન છે. આજે તમારાં દર્શન કરીને અમે ધન્ય બન્યા. મનોમન કુટુંબના સર્વેને વંદન કરીને અમે કુંડલા જવા રવાના થયા.

અમારી આશાનું કિરણ….

અમે સોનલ ફાઉન્ડેશન દ્વારા એક બાળ પુસ્તકાલય ચલાવીએ છીએ. જે મારા પિતાશ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહના નામથી ચાલે છે. 425 જેટલાં બાળકો પુસ્તકો લેવા આવે છે.

બાળકોમાં સારા વિચારોનો સંચય થાય એ હેતુથી એક દિવસ બાળકોને એકઠાં કરી એક વાત સમજાવી કે જ્યારે જ્યારે આપણા બાળ પુસ્તકાલયના વાચકોમાંથી કોઈ બીમાર પડે તો તેની ખબર કાઢવા જવું જોઈએ. તેના માટે ફૂલ લઈ જઈએ અને ફ્લાવરપૉટ બનાવી આપીએ તો મિત્ર ઘણો ખુશ થાય. તેને સારી સારી વાતો કરીએ તો તેનું દર્દ હળવું થાય. અભ્યાસમાં પાછળ ન રહી જાય એટલે પાઠ વાંચી તેને મદદરૂપ થવાય. આવી બધી વાતો કરી બાળકોને સમજણ આપીએ.

કુદરતનું કરવું અને વાતને બીજે દિવસે અમને સમાચાર મળ્યા કે અમારા પુસ્તકાલયની એક વાચક દીકરીને લોહીનું કૅન્સર થયું છે. ત્યારે જ અમને ખ્યાલ આવ્યો કે, કિરણ એક માસથી પુસ્તકો લેવા કેમ આવતી ન હતી ! કિરણે એક વર્ષમાં 250 જેટલાં પુસ્તકો વાંચેલાં અને તેને ઈનામ મળેલું. પરંતુ ઈનામવિતરણ વખતે તે બીમારીને કારણે હાજર રહી ન હતી.

તુરત સાંજના અમે તેના ઘરે ગયાં. બારેક વર્ષની કિરણ પથારીમાં દેખાય નહિ તેવી થઈ ગઈ હતી. લોહી તદ્દન ઊડી ગયેલું. પડખું પણ ન ફરી શકે તેટલી અશક્ત હતી. દિવસોથી તેણે ખોરાક પણ લીધો ન હતો. તેના માટે અમે એનાં ઈનામ લઈ ગયાં હતાં. બંને વસ્તુ જોઈને તે જરા હસી.

બીજે દિવસે પુસ્તકાલયનો દિવસ હતો. બાળકો બધાં એકઠાં થયા એટલે કિરણને લોહીનું કૅન્સર થયું છે તે વાત કરી. બધાં બાળકો તેના ઘરે જવા તૈયાર થયાં. દરેક બાળકને કહ્યું કે, ‘બાગમાંથી એક ફૂલ તમારા હાથમાં લઈ લ્યો.’ સૌ બાળકો ફૂલો લઈને તેને ઘરે ગયાં. પથારી ફૂલોથી ભરી દીધી. બે બાળકોએ સુંદર ગીતો ગાયાં. તે દિવસે કિરણનો જન્મદિવસ હતો એટલે બાળકો સાથે અમે પણ ભેટ લઈને ગયાં હતાં. કિરણના મોં પર અમે એક આનંદની લહેરખી જોઈ. આનંદને વ્યક્ત કરવા તે અસમર્થ હતી.

મારું હૃદય બોલી ઊઠ્યું કે, કિરણને માટે આપણાથી બને તે કરી છૂટવું. તુરત અમારા મિત્રોને રાજકોટ, અમદાવાદ, વડોદરા ફોન કરીને જાણવા પ્રયત્ન કર્યો કે, ‘ACUTE LYMPHOID LUKAEMIA’ માં શું કરી શકાય ? મિત્રોએ ઉત્સાહપ્રેરિત વાત કરી કે આ કેસમાં સારા થવાની શક્યતા રહેલી છે. અમારા માટે આટલું બસ હતું. તુરંત તેના માટે અમરેલીથી 600 સી.સી.લોહી મંગાવવામાં આવ્યું. અમારા પરમ મિત્ર અને સેવાભાવી ડૉકટર વડેરાએ લોહી ચડાવી આપ્યું. કિરણમાં સ્ફૂર્તિ આવી ગઈ. પથારીમાં બેસવા લાગી. ખોરાક લેવાનો શરૂ થઈ ગયો. ધીમે ધીમે ચાલતી પણ થઈ.

દિવાળી અને બેસતા વર્ષના વચલા દિવસે એટલે કે ખાલી દિવસે અમે બાળકોનું સ્નેહમિલન અમારે ત્યાં ગોઠવ્યું. બાળકોની વચ્ચે કિરણને બોલાવી. બાળકોએ ગીતો ગાયાં, જૉક્સ કહી અને સૌએ કિરણને ફૂલો આપ્યાં. જે દીકરી પડખું પણ ફરી શકતી નહતી તે દરવાજેથી બગીચામાં ચાલતી આવી. તેથી અમને સૌને આનંદ થયો.

તેને સારા થવાની શક્યતા ડૉકટર મિત્રોએ બતાવી એટલે અમે તેને સોનલ ફાઉન્ડેશન દ્વારા એમ.પી. શાહ કૅન્સર હોસ્પિટલ, અમદાવાદ દાખલ કરી. તેના પિતાશ્રી તો દરજીનું કામ કરે એટલે આર્થિક જવાબદારી અમે લીધી. વધારે નાણાંની જરૂર પડે તો ગામમાં ટહેલ નાખવાનું પણ વિચાર્યું.

દરરોજ અમદાવાદ ફોન કરીને સમાચાર પૂછતા. સારા સમાચાર આવવા લાગ્યા. કિરણ દાદરો ચડી-ઊતરી શક્તી. પેપરો, પુસ્તકો વાંચી શકતી. ડૉકટર સાથે ફૉન પર વાત કરી તો તેમણે પણ તેના સારા થવાની શક્યતાની વાત કરી. કેટલી રકમની જરૂર પડશે અને કેટલું રોકાવું પડશે તે વિશે પૂછયું. તેમણે ચાલીસ હજાર જેટલા રૂપિયા જોઈશે અને બે માસ તેને હૉસ્પિટલમાં રહેવું પડશે તેમ જણાવ્યું. ફોન પર તેમને જણાવ્યું કે, નાણાંની વ્યવસ્થા અમે કરીશું. ડૉકટરનો પૂરો સહકાર મળે તેવી વિનંતી કરી. હૉસ્પિટલમાંથી જેટલું ફ્રી થઈ શકશે તેવા પ્રયત્નો તેઓ કરશે તેની અમને ખાતરી આપી.

અમે તો ગામમાં ટહેલ નાખી અને જણાવ્યું કે આપણા ગામની દીકરી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે, મૃત્યુ સામે જંગ લડી રહી છે. તેને સારા થવા પૈસાની જરૂર છે. પૈસાનો જાણે ધોધ વહેવો શરૂ થઈ ગયો. બે-ત્રણ દિવસમાં બધી જ શાળાઓના વિદ્યાર્થીઓ અને લોકોમાંથી સારો એવો પ્રતિસાદ મળ્યો. અમારા બાળ પુસ્તકાલયના દરેક બાળકે ફાળો આપ્યો. બે દિવસમાં જ છ હજાર જેવી રકમ એકઠી કરી શક્યા.

પરંતુ કુદરતને મંજૂર નહિ હોય, એટલે લોહી ચડાવતાં દીકરીને વસમું લાગ્યું અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.

અમે તો એવી તૈયારી કરેલી કે દીકરી જંગમાં જીતીને ટ્રેનમાંથી ઊતરે ત્યારે સ્ટેશનથી તેના ઘર સુધી બાળકોની હાર બનાવી ફૂલોથી તેનું સ્વાગત કરવામાં આવે. દરેક સ્કુલનાં બાળકો તૈયાર હતાં. ખેર, એ તો ન થઈ શક્યું, પરંતુ એક વાતનો સંતોષ લઈ શક્યા કે તેનાં પ્રિય દોસ્તોમાં કિરણ કરૂણાનું બીજ રોપતી ગઈ. બાળકોનાં હૃદયમાં કરુણાના ભાવ અમે જોઈ શક્યાં અને આવો કોઈ કેસ કુંડલામાં બને અને લોકો પાસે લાંબો હાથ કરીએ તો લોકો અમારા કામને વધાવી લેશે, તેની પણ ખાતરી થઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભકત સુરદાસ
ઝુરાપો – મીનલ દવે Next »   

25 પ્રતિભાવો : મનેખ નાનું મન મોટું – ડૉ. પ્રફુલ્લ શાહ

 1. Kunal Parekh says:

  mane kharkhar garv thai rahyo chhe ke hu aava BHAARAT ma janmyo chhu…

 2. Alka Bhonkiya says:

  Jya sudhi manavat mansai kheldili kutumb bhavna jivit hase tya sudhi BHARAT ne koi haravi nahi sake

  aapna mate bahuj gaurav ni vat chhe ane rahesej….

  ame BHARATIY chhi ae….
  aabhar sah…

 3. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  આવી સરસ ભાવનાથી થતા લોક ક્લ્યાણ ના કામ માટે ખુબ ખુબ અભિનંદન ,,,
  બંને વાર્તા ઓ હ્રદય સ્પર્શી છે.

 4. Jayesh says:

  Stories of such selfless people reaffirm our faith in Parmatma. It also gives us a feeling of guilt and reminds me of a song by Manna De ” Apne liye jiye to kya jiye,tun ji aai dil jamaneke liye”. Hats of to Dr Praffulbhai.

 5. sanjay nanani says:

  kharekhar saras karya kariyu chu baki aaj na jamana ma pota mate sahu koi jive che sachi jindagi to parka mate jivo tej jindagi che baki kagda kutra pan pota mate jivej che. dhanyavad sonal foundation trust ne.

 6. Us currency….

  Currency exchange rate. E-currency exchange. Currency convertor. Currency converter. Currency conversion. Chapter 9 foreign currency transactions solution….

 7. nayan panchal says:

  બંને વાર્તાઓ ખૂબ જ હ્રદયસ્પર્શી.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.