ડોકિયું – અનુ. ડૉ. જનક શાહ

[‘ડોકિયું’ પાશ્ચાત્ય સાહિત્યમાંથી અનુવાદિત કરાયેલી ટૂંકી વાર્તાઓનો સુંદર સંગ્રહ છે. સુપ્રસિદ્ધ દોસ્તોયેવ્સ્કી, મોપાસા, ચેખોવ, ઓ.હેનરી, જીમ કાર્બેટ જેવા સાહિત્યકારોની 30 જેટલી લોકપ્રિય વાર્તાઓનો તેમાં સમાવેશ કરાયો છે. અનુવાદક ડૉ. જનકભાઈએ અંગ્રેજીમાં પી.એચ.ડી કર્યું છે તેમજ તેઓ સંગીતવિશારદ (વાયોલીન) છે. તેમની ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો તથા સામાયિકોમાં અનુવાદિત વાર્તાઓ, બાળવાર્તાઓ, સાહસકથાઓ તથા કૃતિઓ પ્રકાશિત થતી રહે છે. આજે તેમના આ પુસ્તકમાંથી માણીએ બે સુંદર વાર્તાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે જનકભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે janakbhai_1949@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]

[1] દષ્ટિ વિહોણા ચક્ષુઓ – રસ્કિન બોન્ડ

pictureહું ગાડીમાં બેસી રોહાના જઈ રહ્યો હતો ત્યારે એક યુવતી મારા ડબ્બામાં પ્રવેશી. તેને મૂકવા આવેલ યુગલ તેનાં માતાપિતા હતાં. તેના સુખચેન માટે વધુ ચિંતાતુર હોય તેમ લાગતું હતું. મૂકવા આવેલ સ્ત્રીએ વિગતવાર સૂચનાઓ આપી જેવી કે તેની ચીજો ક્યાં રાખવી, બારીમાંથી બહાર ક્યારે ન ઝૂકવું અને નવાંગતુક સાથે વાત કરવાનું કેવી રીતે ટાળવું. તેઓએ આવજો કહ્યું. ગાડી સ્ટેશન છોડી રવાના થઈ. તે સમયે હું સંપૂર્ણ અંધ હતો. મારી આંખો પ્રકાશ અને અંધકાર પારખવા પૂરતી સક્ષમ હતી. યુવતી કેવી લાગતી હતી તે કહેવા હું અસમર્થ હતો પણ જેવી રીતે તે એડી પર ચાલતી હતી તે પરથી હું જાણી ગયો હતો કે તેણે સ્લીપર પહેર્યાં હતાં. તેના દેખાવ વિશે જાણતાં મને થોડો સમય લાગે તેમ હતો. કદાચ મને કદાપિ તેના દેખાવ વિશે જાણકારી ન મળે, પણ મને તેનો અવાજ અને સ્લીપરનો અવાજ ગમ્યો હતો.

‘શું તમે દહેરાદૂન જઈ રહ્યા છો ?’ મેં પૂછ્યું. હું કદાચ અંધારા ખૂણામાં જ બેઠેલો હોવો જોઈએ કારણ કે મારા અવાજથી તે ચમકી ગઈ હતી. તેણે આશ્ચર્યચકિત થતાં કહ્યું : ‘અહીંયા કોઈ હતું તે હું જાણતી ન હતી.’ વારુ, ઘણીવાર એવું બને છે કે જેની દષ્ટિ સારી હોય તે પોતાની બરાબર સામે શું છે તે જોવામાં નિષ્ફળ જાય છે. હું ધારું છું તેઓએ ઘણુંબધું માની લેવાનું હોય છે. લોકો કે જે જોઈ ન શકતા હોય (અથવા ઓછું જોઈ શકતા હોય) તેઓને જરૂરી હોય તે માની લેવું પડે છે અને જે કાંઈ તેમની બાકીની ઈન્દ્રિયો પર અસર પડે તેનાથી તે ધારણા કરતા હોય છે.
‘મેં પણ તને જોઈ ન હતી.’ મેં કહ્યું, ‘પણ મેં તારા અંદર આવવાનો અવાજ સાંભળ્યો હતો.’ મને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે હું પ્રજ્ઞાચક્ષુ છું તે વાત તેનાથી છુપાવીશ કે કેમ. મેં વિચાર કર્યો કે હું મારા સ્થાને બેસી રહું તો મને કોઈ તકલીફ પડે તેમ ન હતી.
યુવતીએ કહ્યું : ‘હું સહરાનપુર ઊતરી જવાની છું. મારા કાકી મને ત્યાં મળવાના છે.’
‘તો પછી મારે વધુ પરિચય કેળવવાની જરૂર નથી.’ મેં કહ્યું. કાકીઓ સામાન્ય રીતે ડરામણી હોય છે.
‘તમે ક્યાં જાઓ છો ?’ તેણે પૂછ્યું.
‘દહેદાદૂન અને પછી મસૂરી.’
‘અરે, તમે કેવા નસીબદાર છો મને એમ થાય છે કે હું મસૂરી જતી હોત તો કેવું સારું હતું. મને પર્વતાળ પ્રદેશ ખૂબ ગમે છે. ખાસ કરીને ઑક્ટોબરમાં.’
‘હા, આ સમયગાળો શ્રેષ્ઠ છે.’ સ્મૃતિઓ તાજી કરતાં મેં કહ્યું અને ઉમેર્યું, ‘પર્વતાળ પ્રદેશ જંગલી દહલિસ નામનાં ફૂલોથી આચ્છાદિત હોય છે. સૂર્યનો તડકો આહલાદક લાગે છે અને રાત્રિના સમયે તમે લાકડાના તાપણા સામે બેસી થોડી બ્રાન્ડીની મજા પણ માણી શકો છો. મોટાભાગના પ્રવાસીઓ ચાલ્યા ગયા હોય છે અને રસ્તાઓ સૂમસામ શાંત હોય છે. ઑક્ટોબરનો સમય સર્વશ્રેષ્ઠ છે.’

તે શાંત હતી અને મને આશ્ચર્ય થતું હતું કે મારા શબ્દો તેને સ્પર્શી ગયા હતા કે કેમ અથવા તો તે મને રોમેન્ટિક મૂરખ તો નહોતી માનતી ને ? ત્યારપછી હું એક ભૂલ કરી બેઠો. મારા પ્રશનમાં તેને કાંઈ વિચિત્ર ન લાગ્યું. શું તેને ખ્યાલ આવી ગયો કે હું દેખી શકતો નથી ? પરંતુ તેના બીજા પ્રશ્નથી મારી શંકાઓ દૂર થઈ.
‘તમે શા માટે બારી બહાર જોતા નથી ?’ તેણે પૂછ્યું.
હું બર્થ પર સરળતાથી ખસ્યો અને બારીની કિનારને સ્પર્શ્યો. બારી ખુલ્લી હતી, અને હું બારી બહાર કુદરતી દ્રશ્ય જોવાનો ડોળ કરતો બારી સામે બેઠો. મને એન્જિનનો અવાજ અને પૈંડાનો ખખડાટ સંભળાતો હતો. મારા માનસપટ પર ટેલિગ્રાફના થાંભલાઓ ઝડપથી પસાર થતા હતા.

‘આપણે સ્થિર બેઠા હોઈએ ત્યારે વૃક્ષો જાણે કે પસાર થતા હોય તેમ લાગે છે તેની નોંધ કરી ?’ મેં બોલવાનું સાહસ કર્યું.
‘એવું તો હંમેશા બને છે.’ તેણે કહ્યું, ‘શું તમે કોઈ પ્રાણીઓને જુઓ છો ? દહેરાદૂન નજીકનાં જંગલોમાં ભાગ્યે જ કોઈ પ્રાણીઓ રહ્યાં હતાં.’ મેં બારી તરફથી મોઢું ફેરવી લીધું અને યુવતી તરફ જોયું. અને થોડી વાર ચૂપચાપ બેસી રહ્યો.
‘તારો ચહેરો ખૂબસૂરત છે.’ મેં અભિપ્રાય આપતાં કહ્યું. હું કાંઈક નીડર બનતો જતો હતો પણ કાંઈક સલામતીભર્યો અભિપ્રાય હતો. બહુ ઓછી યુવતીઓ ખુશામતનો પ્રતિકાર કરી શકે છે. તે આનંદથી હસી. તેનું હાસ્ય સ્પષ્ટ અને રણકારયુક્ત હતું.
‘મારો ચહેરો ખૂબસુરત છે એમ કહેવું એ સારું છે પણ મારો ચહેરો ખૂબસુરત છે તેવું કહેતા લોકોને સાંભળી હું કંટાળી ગઈ છું.’
‘ઓહ, તમારો ચહેરો ખરેખર સુંદર જ છે.’ મેં વિચાર્યું અને મોટેથી કહ્યું, ‘વારુ, રસિક ચહેરો ધરાવતી વ્યક્તિ ખૂબસુરત પણ હોય છે.’
‘તમે તો સ્ત્રી દાક્ષિણ્યવાળા યુવક નીકળ્યા.’ તેણે કહ્યું, ‘પણ તમે શા માટે આટલા બધા ગંભીર છો ?’

મેં વિચાર્યું કે લાવ તેની સાથે જરા હસીને વાત કરું. પરંતુ હસવાનો વિચાર માત્ર મને વ્યથિત અને એકલો બનાવી મૂકતો.
‘થોડા સમયમાં જ આપણે તારા સ્ટેશન આવી પહોંચશું.’ મેં કહ્યું.
‘હા. એટલું સારું છે કે મુસાફરી ટૂંકી છે. હું બે કે ત્રણ કલાકથી વધુ બેસી શકતી નથી.’ તેણે કહ્યું. તેમ છતાં ગમે એટલો સમય બેસી તેની સાથે વાત કરવા હું તૈયાર હતો. તેના કંઠમાં પર્વતમાંથી વહેતા ઝરણાની ચમક હતી. જેવી તે ટ્રેન છોડી જશે કે અમારી આ ટૂંકી મુલાકાત ભૂલી જશે, પણ તે તો મુસાફરી દરમિયાન અને ત્યાર પછી પણ થોડા સમય માટે મારા સ્મૃતિપટમાં રહેશે.

એન્જિને વ્હીસલ મારી. ગાડીના ડબ્બાના પૈંડાઓએ તેમના અવાજ અને લય બદલ્યા. યુવતી ઊભી થઈ અને પોતાની ચીજો એકઠી કરવા લાગી. હું એ વાતનું આશ્ચર્ય અનુભવતો હતો કે તેણે વાળનો અંબોડો લીધો હતો કે ચોટલો લીધો હતો કે તેના ખભા પર છૂટા વાળ લટકતા હતા કે બોબ્ડ વાળ હતા… ટ્રેન ધીમેથી સ્ટેશનમાં દાખલ થઈ. બહાર રેલવેના કૂલીઓ અને ફેરિયાઓની બૂમોનો અવાજ આવતો હતો અને અમારા ડબ્બા આગળ ઊંચા અવાજે એક સ્ત્રી બોલતી હતી. મને લાગ્યું કે અવાજ યુવતીના કાકીનો હોવો જોઈએ.
‘આવજો…’ યુવતીએ કહ્યું.
તે મારી એકદમ નજીક ઊભી હતી. એટલી બધી નજીક કે તેના વાળમાં નાખેલ પરફ્યુમની સુગંધ મને ટળવળાવતી હતી. હું મારો હાથ ઊંચો કરી તેના વાળને સ્પર્શવા ઈચ્છતો હતો પણ તે ત્યાંથી ખસી ગઈ અને તેના સ્થાને વાળનું પરફ્યુમ મઘમઘતું હતું. તમારાથી ફૂલદાની તૂટી જાય પરંતુ ગુલાબની સુવાસ ત્યાં રહી જ જાય છે.

બારણા પાસે કાંઈક ગોટાળો થયો. ડબ્બામાં દાખલ થતા માણસે માફી માગી. ત્યાર પછી બારણું જોરથી બંધ થયું અને બહારની દુનિયા મારા માટે બંધ થઈ ગઈ. હું મારા બર્થ પર પાછો ફર્યો. ગાર્ડે સીટી વગાડી અને અમારી ગાડી રવાના થઈ. ફરીથી મારે રમત રમવાની હતી અને મારી સાથે એક નવો સહપ્રવાસી હતો. ટ્રેઈને ઝડપ વધારી પૈડાઓએ તેનું તાલમય ગાન શરૂ કર્યું. ડબ્બા કિચૂડ કિચૂડ હાલવા લાગ્યા. મેં બારી શોધી લીધી અને હું તેની આગળ બેસી ગયો અને મારા માટે અંધકારરૂપ દિવસના પ્રકાશને એકીટસે તાકી જોવા લાગ્યો. બારીની બહાર ઘણુંબધું બનતું હતું. બહાર શું બની રહ્યું છે તેની ધારણા કરવાની રમત બહુ આકર્ષક હતી. ડબ્બામાં દાખલ થયેલા માનવીએ મારું દિવાસ્વપ્ન તોડી નાખ્યું.
‘તમે નિરાશ થયા હશો’ તેણે કહ્યું, ‘હું દિલગીરી અનુભવું છું કે હમણાં નીચે ઊતરી તેવો આકર્ષક સહ-પ્રવાસી હું નથી.’
‘તે એક રસિક યુવતી હતી.’ મેં કહ્યું, ‘તમે મને કહી શકશો કે તેના વાળ લાંબા હતા કે ટૂંકા ?’
‘મને યાદ નથી.’ મૂંઝવણ અનુભવતાં તેણે કહ્યું : ‘મારું ધ્યાન તેના વાળને બદલે આંખો પર ગયું હતું. તેને સુંદર આંખો હતી. પણ તેના માટે તે બિનઉપયોગી હતી. તે સંપૂર્ણપણે અંધ હતી. શું તમે તે જોયું ન હતું ?’
.

[2] પ્રાર્થના – પીટર કે. રોઝર

અંતે બધી જ સફાઈ પૂરી થઈ ગઈ. કાંઈ જ સાફ કરવાનું બાકી ન રહ્યું. બધી દીવાલો પણ રંગાઈ ગઈ હતી. આખું ઘર હવે પૂર્ણ રીતે શુદ્ધ થયેલું લાગતું હતું. જેમ તોફાન પછીની શાંતિ અસરકારક હોય છે તેમ ભગવાન ઈશુના જન્મદિવસ પહેલાંનું તોફાન કાંઈક અર્થસૂચક હતું. કુટુંબીજનો ઘરના એકાદ ખંડમાં બાળ ઈશુનું પારણું રાખતા. બાળ ઈશુ જાગી ન જાય તે માટે તેઓ બૂટ-ચંપલ કાઢીને મીની પગે ચાલતા. આવી જ કાંઈક તૈયારી એક સુથારના ઘરમાં પણ થતી હતી. સુથારની ધર્મિષ્ઠ ધર્મપત્નીએ બાળ ઈશુના ખંડનો ખૂણે ખૂણો સ્વચ્છ અને પવિત્ર કર્યો હતો. બહારના પવનની થપાટો વેન્ટીલેટરના કાચ પર પડતી હતી. હિમવર્ષાના કારણે આકાશ અંધકારમય બનવા લાગ્યું હતું. પવનના એક જોરદાર ઝપાટાએ ખંડમાં સળગતી મીણબત્તીને ઓલવી નાખી.

અચાનક રસોડામાં કાંઈક અવાજ થયો. સુથારની ધર્મપત્ની અવાજ ન થાય તેનું ધ્યાન રાખી રસોડાના બારણે ગઈ. મોઢે આંગળી અડકાડી નોકરાણીને ચૂપ રહેવાનો ઈશારો કરીને કહ્યું : ‘ખબર નથી બાળ ઈશુ સૂતા છે ? જાગી જશે ?’ તે આજના સપરમાં દિવસના મિજાજમાં હતી. હાથમાં માળા ફેરવતી ટેબલ પાસેની આરામ ખુરશીમાં બેઠી હતી. તેને બાળ ઈશુ અને ક્રિસમય સિવાય બીજો કોઈ વિચાર જ નહોતો આવતો.

અચાનક ઓરડાના એક ખૂણામાં મોટેથી અવાજ થયો. સુથાર દીવાલને અડીને પડેલી પાટલી પર સૂતો હતો. પડખું ફેરવતાં બાજુમાં પડેલી ખુરશી સાથે તેની કોણી ભટકાતાં ખુરશી જમીન પર ઊંધી પડી ગઈ હતી. આરામખુરશી પરથી ઊભા થઈને પત્ની બોલી :
‘કાંઈ જીવને ઊંઘમાંય જંપ છે ?’
‘મને ? જંપ ?’ આંખો ચોળતો ચોળતો પતિ બોલ્યો, ‘મને એકલો ઊંઘવા દે તોય ઘણું.’
‘ભગવાનનું નામ લેવું તો બાજુ રહ્યું. જરા શાંતિથી ઘોરો !’
‘માણસ ઊંઘતો હોય છે ત્યારે હંમેશા ઓછામાં ઓછો અવાજ કરે છે.’
‘તે તમારી માન્યતા છે. તમે ઘોરો છો ત્યારે તો આખું ઘર નસકોરાંના અવાજથી ગાજતું હોય છે. જો ખુરશી સાથે કોણી ભટકાણી ન હોત તો તમે ઊંઘમાંય દીવાલમાં સારડીથી કાણું પાડતા હોત ! આપણા ઘર પાસેથી પસાર થનારને તો એમ જ લાગે કે અહીં લાકડું વહેરાય છે.’
‘સૉ મિલે તો આજે બંધ રહેવું જોઈએ કેમ ?’
‘આડું આડું ન બોલો. આ રહી સુંદર મજાની પ્રાર્થનાપોથી.’ પત્નીએ અભેરાઈ ઉપરથી એક ચોપડી ઉતારી અને સાડીના છેડાથી સાફ કરી ટેબલ પર મૂકી.
‘તને થઈ શું ગયું છે ?’ પતિએ સ્વસ્થતાથી પૂછ્યું, ‘દેવળનો ઘંટ વાગશે ત્યારે પ્રાર્થના કરીશ. અત્યારે તો આરામ કરવા દે.’
ગુસ્સાથી પગ પછાડી પત્ની બોલી, ‘દલીલ ન કરો.’
‘આખું જગત સુધરશે પણ તું નહિ સુધરે.’ તેના તરફ જોઈને સુથારે કહ્યું.
‘આખા જગતમાં તમે જ એક ખરા નંગ છો. આજના પવિત્ર દિવસે શું શું કરવું જોઈએ તે તમને ખબર છે ? તમારા દિલમાં ક્યાંય દયા છે ? કાલે ક્રિસમસ છે તે પણ તમને ખબર નહિ હોય.’
‘પણ હું ક્યાં કોઈનું બૂરું ઈચ્છું છું ?’ પતિએ કહ્યું.
‘તો ભલુંય શું કરો છો ? બીજું કાંઈ ન કરો તો કાંઈ નહિ. બેઠાં બેઠાં ભગવાનનું નામ લેશો તો કાંઈક ઉદ્ધાર થશે.’
‘મને કોઈ કહે ને હું ભગવાનનું નામ લઉં ? આ વસ્તુ તો આપોઆપ સ્ફૂરે….’
‘આપોઆપ, તેય તમારા જેવાને ? તે માટે તો તમારે ઘણા ભવ રાહ જોવી પડશે. એક પણ રવિવારે તમે મનથી ભગવાનની ભક્તિ કરી છે ?’
‘ઓહ ! માણસ પોતાનું રોજિંદુ કામ આખું અઠવાડિયું સહેજ પણ આળસ વગર કર્યા કરે અને કોઈનું બૂરું ન વાંછે, તેણેય રવિવારે વધારાની ભક્તિ કરવી જોઈએ ? શા માટે ?’
‘લપછપ કર્યા વગર પ્રાર્થના વાંચો, ઈશુ જાગી જશે. હે પ્રભુ ! અમારું શું થશે ?’

અચાનક થોડી ક્ષણ ઓરડો અંધારો બની ગયો. બારી બહાર કોઈએ કાળો પડદો ધરી દીધો હોય તેમ લાગ્યું. ત્યાં જ મોટો અવાજ થયો. બહાર હિમવર્ષાના તોફાની અવાજ સંભળાવા લાગ્યા. સુથાર ઊભો થઈને બારી પાસે ગયો અને બહાર જોવા લાગ્યો. ઘર પાસેનું એક વૃક્ષ તૂટી પડ્યું હતું.
‘હે ભગવાન, કેવો દિવસ ઊગ્યો છે ?’ હાથ પછાડી સુથારની ધર્મપત્ની અફસોસ કરવા લાગી. નવા વર્ષનાં દુ:ખનાં આ એંધાણ છે.
‘દૈત્ય તને નહિ પકડી જાય ત્યાં સુધી આમ જ થવાનું.’ સુથારે તેની ધર્મપત્નીને કહ્યું.
‘આજે મારે કોઈ દલીલ કરી પાપમાં નથી પડવું.’ તેણે શાંતિથી ગર્વિષ્ઠ બની કહ્યું, ‘દિવસ પૂરો થવા દો, પછી તમે જોશો દૈત્ય કોને ઉઠાવી જાય છે.’

પત્ની ઊભી થઈ. પવિત્ર પાણીનું વાસણ લીધું અને કમરાની દરેક વસ્તુ ઉપર છાંટ્યું. ખાસ કરીને તેને તાકી રહેલા પતિ પર. તે ત્યાંથી એક તસુ પણ ખસ્યો નહિ. પાણી છાંટતી વખતે તેણે ક્રોસની નિશાની કરી. ત્યાર પછી તે રસોડામાં ગઈ. ત્યાંથી કાંઈક સુગંધિત પાણી લાવીને બધે છાંટ્યું. ક્રિસમસના રિવાજ મુજબ તે પાણી લઈને ટેબલ, પથારી અને પતિની આજુબાજુ ફરી. સુથારને આ સુગંધ ગમી નહિ. આથી ગાળો દેતો બાકીની બંધ બારીઓ ખોલવા લાગ્યો. રસ્તા પરની બારી તેણે સમયસર ખોલી હતી. રસ્તા પરથી જોરદાર પવનના ઝપાટા આવ્યા. આ ઝપાટામાં રસ્તા પરથી આવતો શોરબકોર તેણે સાંભળ્યો. જોરદાર પવનના વાવાઝોડાએ ગામડામાં ઘણું નુકશાન કર્યું હતું. ડીચ સેન્ઝીનું છાપરું ઊખડી ગયેલું તેને દેખાયું. ચીસો પાડતાં નિરાધાર બાળકો દેખી શકતાં હતાં.
‘તેમણે પ્રાર્થના ન કરી તેનું આ પરિણામ છે.’ સુથારની પત્ની બબડી, ‘આવી દુનિયા છે, ભગવાન ! હવે ક્રિસમસની પ્રાર્થના કર્યા વગર તે ગરીબના બેલી થવા મફતના ઊપડવાના. હે ભગવાન, અમને માફ કરજે.’

ડીચ સેન્ઝી એક વિધવા બાઈ હતી. તેને ત્રણ બાળકો હતાં. સૌથી મોટો દીકરો તાવથી પીડાતો હતો. ગામનાં લોકોને માટે તે અળખામણી હતી. લોકો કહેતા કે બટેટાની ચોરી કરતી પકડાઈ હતી. આમ અણીના સમયે પાડોશમાં આશરો મેળવતાં નવ નેજા પાણી ચડી ગયું. તેના દીકરાને ચેપિયો તાવ આવતો હતો. શાળામાં તેને રાખે તેમ હતું. તેણે સુથારની આ ધર્મપત્નીને પણ વિનંતી કરી, પણ તે તેની ક્રિસમસ બગાડવા ઈચ્છતી ન હતી. દેવળના પાદરીએ આડોશી પાડોશીને ઘણું કહ્યું, ‘જે કોઈ આ બાળકને આશરો આપશે તેને ભગવાન આશરો આપશે.’ છેવટે તેના ઘરનું છાપરું ન સમું થાય ત્યાં સુધી આ બાળકની રહેવાની વ્યવસ્થા પાદરીએ દેવળમાં કરી.

સુથાર બહાર નીકળી ગયો હતો. તે બૂમો પાડતો હતો. સાથીદારોને બોલાવી તેણે નિસરણી, ઓજારો, ખીલીઓ અને જરૂરી લાકડા મંગાવ્યાં. આખી રાત ડીચ સેન્ઝીના છાપરા પર હથોડીથી ખીલા ઠોકવાનો અવાજ સુથારની ધર્મપત્નીને સંભળાયા કર્યો. આ કોલાહલમાં ચેરીની શાળા કેવી રીતે ખૂલશે ? બાળ ઈશુ કેવી રીતે પોઢી શકશે ? આવી ચિંતાથી સુથારની ધર્મપત્ની અર્ધી થતી હતી. મધ્યરાત્રીની પ્રાર્થના માટે દેવળનો ઘંટ રણક્યો. તે વખતે પુરુષો બૂમો પાડતા હતા અને ડીચ સેન્ઝીના છાપરા પર હથોડીના ઘા ઝીંકાતા હતા. દેવળની પ્રાર્થનાના પવિત્ર અવાજ ખીલા ઠોકવાના અવાજમાં ઓછો સંભળાતો હતો. છેવટે મધરાતની પ્રાર્થના અંતિમ કોટિએ પહોંચી. વાજિંત્રોના અવાજ પરાકાષ્ટાએ પહોંચ્યા ત્યારે છાપરું બાંધવામાં મદદ કરતા માણસો નીચે કૂદ્યા અને દેવળમાં દોડતા પહોંચી ગયા. ત્યારે સુથાર તેના ફક્ત બે સાથીદાર સાથે મોભારા પર એકલો હતો. તોફાને માઝા મૂકી હતી. જે કાંઈ સમું થઈ ગયું હતું તે ઊખડી ગયું હતું.

સુથાર સવાર પહેલાં છાપરું તૈયાર કરવા ઈચ્છતો હતો. તેણે જોયું તો હવે તેની સાથે કોઈ ન હતું. પેટ્રોમેક્સ પકડી રાખતો છોકરો પણ ચાલ્યો ગયો હતો. તે બધાંને ગાળો દેવા લાગ્યો, ‘દંભી ! ધુતારા ! તે બધા ભગવાનના પગો ચૂમશે અને અહીંયાં આ બિચારા મોતને ભેટશે. કોને પડી છે આ બિચારાની ? દેવળમાં બેસી આ બધા પ્રાર્થના ગાશે અને સ્વર્ગમાં બિરાજેલા પ્રભુ ગૌરવ લેશે. પેલા ધાર્મિક ધુતારાઓ ઈશુની મીણની મૂર્તિને ચૂમશે અને ઝુલાવશે ! અહીંયાં આ બિચારાઓ ઠંડીમાં ઠરશે.’

મધરાતની પ્રાર્થના પૂરી થઈ અને લોકો દેવળમાંથી પાછા ફર્યા તે વખતે તે પગ પછાડીને ગાળો દેતો હતો. લોકોમાંથી કોઈક બોલ્યું, ‘ચલો’લ્યા, તેને મદદ નહિ કરીએ તો તે ગાંડો બની જશે. આપણે દોષિત બનશું. એક કલાકમાં છાપરું ઠીક થઈ જશે.’ ત્યાં વળી બીજું કોઈ બોલ્યું, ‘આજે પવિત્ર ક્રિસમસની શુભ સવારે કામ કરીશું તો નાસ્તિક નહિ બની જઈએ ?’ પણ તેની કહેવાની રીત કાંઈક એવી હતી કે કોઈ તેનો ભાવાર્થ ન સમજ્યું. ‘તમે સાંભળ્યું આ ?’ એક જણે પૂછ્યું, ‘હું તો દંભી દુનિયામાં આ સુથારને જ પસંદ કરું છું. તમારે આવવું હોય તો આવો. હું તો ચાલ્યો.’ તેની સાથે બીજા કેટલાક જોડાયા. ફરીથી મશાલો સળગી. હથોડાના અવાજો વધુ મોટેથી આવવા લાગ્યા. સુથારની પત્નીએ કાનમાં આંગળાં ખોસી દીધાં. આ અવાજમાં સૂઈ પણ ન શકાય કે પ્રાર્થના પણ ન થઈ શકે. પોતાના ગમાર પતિ પ્રભુને ભજવાને બદલે આ ભિખારણની મદદે દોડ્યો તે સુથારની ધર્મપત્નીને ન ગમ્યું. તેણે એટલું જ કહ્યું, ‘હે ભગવાન ! તેમને માફ કરજે.’

ક્રિસમસની સવારે સૂર્ય ઊગતાં ઠંડો પવન છાપરા પર ધસી આવ્યો. સાથે ઘણાં હિમવાદળો નર્તન કરવા લાગ્યાં. પણ ડીચ સેન્ઝીના ઘરનું છાપરું તૈયાર થઈ ગયું હતું. તેના નાનકડા આંગણામાં અગ્નિ પ્રજવળતો હતો. ડીચ સેન્ઝી પોતાના તાવવાળા બાળકને લઈ આવી હતી. સુથાર આવીને નસકોરાં સાથે તાલ દેતો હતો ત્યારે તેની પત્ની દરવાજામાં ઊભી રહી તેને નિરાશાથી તાકી રહી હતી. તે બેચેન હતી. દેવળની પ્રાર્થનામાં તેનું ચિત્ત ચોંટ્યું ન હતું. આવો પતિ મેળવવા બદલ તે પોતાના નસીબને દોષ દેતી હતી. આ ઘોંઘાટમય ક્રિસમસની પૂર્વરાત્રી તે ક્યારેય ભૂલી નહિ શકે. પતિએ દીધેલી ગાળો વિષે લોકો શું વિચારતા હશે તેની ભ્રમણામાં તે ભાન ભૂલી ગઈ હતી. દેવળના પાદરી તેની પાસે આવ્યા, તેનું પણ તેને ભાન ન રહ્યું. પાદરી આ નિરાશ સ્ત્રી સામે જોઈ રહ્યા હતા.
‘સાચું કહું તો આજે રાત્રે મેં કાંઈક અદ્દભુત પ્રાર્થના સાંભળી.’ પાદરીએ સુથારનાં વખાણ કરવાના આશયથી સુથાર પત્નીને કહ્યું.
‘પ્રાર્થના ?’ સુથાર પત્નીએ શોક વ્યક્ત કરતાં કહ્યું.
‘બાઈ !’ પાદરીએ કહ્યું, ‘કેટલાક માણસોની પ્રાર્થના કરવાની રીત જુદી હોય છે. યહુદીઓ પ્રાર્થના કરતી વખતે પ્રાર્થનાની માળાને હાથ અને માથાની આજુબાજુ ફેરવતા હોય છે. બીજા વળી પુસ્તકનાં પાનાં ફેરવી પ્રાર્થના કરતા હોય છે. તો કેટલાક આંગળીઓથી મણકાને ફેરવતા હોય છે જ્યારે તારો આ સુથાર પતિ ખીલીઓને હથોડીથી ઠપકારી પ્રાર્થના કરે છે.’

આ સ્ત્રીને કાંઈ ગતાગમ ન પડી. તેણે ઉદાસીનતાથી હાથ પછાડ્યા ને કહ્યું :
‘તોય તમે તેને પાપી ગણતા નથી ? તેણે પવિત્ર પ્રાર્થનાના સમયે કેવી ગાળો દીધી હતી ! જો ભગવાન દયાળુ ન હોત તો તે આજે બચી જ ન શકત.’
‘તેના શબ્દો કદાચ ગાળો હશે, પરંતુ તે ગાળો દેવામાં તેનો આશય સારો હતો. તે બૂમો પાડતો હશે ત્યારે અને ગાળો દેતો હશે ત્યારે તેના મનમાં તો પેલી વિધવાના ઘરનું છાપરું સમું કરવાની ઝંખના સિવાય બીજું કાંઈ જ નહિ હોય. અમે ગઈ કાલે રાતે પ્રાર્થના કરી, પણ મારી માન્યતા મુજબ ભગવાનને તો પેલા હથોડી અને રંધાની પ્રાર્થના ગમી હશે.’
‘અને અત્યારે ?’ સ્ત્રીએ કહ્યું, ‘જ્યારે બીજા મુખ્ય પ્રાર્થનાની તૈયારી કરે છે ત્યારે ઊંઘણશીની જેમ ઘોરે છે !’
‘તેને સૂવા દેજે બાઈ ! તેનું કામ એ જ તેની પ્રાર્થના હતી. જ્યારે પ્રાર્થના તેના માટે આરામ છે.’ એટલું કહીને દેવળના પાદરી તેની પાસેથી ચાલ્યા ગયા.
સુથારની પત્નીને કાંઈ જ ગળે ઊતર્યું ન હતું. તે તો બબડતી જતી હતી : ‘કેવો કળિયુગ આવ્યો છે. જો ગાળો પ્રાર્થના હોય તો પ્રાર્થના કોને કહીશું ? હે ભગવાન, શું જમાનો આવ્યો છે….!’

[કુલ પાન : 220. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ડો. જનક શાહ. 101, વાસુપૂજ્ય-2, પ્રિતમનગર અખાડાની પાસે, સાધના હાઈસ્કૂલની સામે, એલિસબ્રિજ, અમદાવાદ. ઈ-મેઈલ : janakbhai_1949@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહાભારત : જીવનદર્શન – શાન્તિકુમાર પંડ્યા
જ્ઞાનમંથન – પ્રો. ડૉ. બી. એમ. રાજપુત Next »   

33 પ્રતિભાવો : ડોકિયું – અનુ. ડૉ. જનક શાહ

 1. Jignesh D, Mumbai says:

  Excellent message hidden in the story…
  Thanks for sharing…

 2. Janakbhai says:

  Thanks to Mrugeshbhai for encouraging a creative writer through readgujarati.com
  Janakbhai

 3. Darshan Shah says:

  A great piece of work. A great successful effort to share the stories of Well-known and Legendary writers by translating it into our native language!!!

  Kudos to Dr. Janak Shah!!!

  Keep sharing these stories….:)

  Regards,
  Darshan

 4. Rajesh says:

  મુશ્કેલી માં મુકાયેલ માણસ ની મદદ કરવી તેનાથી વધુ મોટી ભક્તિ કઈ હોઇ શકે ?

 5. trupti says:

  જન ભકતિ એ જ પ્રભુ ભકતિ. દુખિયા ને જે મદદ કરે તેને ભગવાન મદદ કરે. આપણા સમાજ મા એવા ઘણા લોકો છે જે બગ ભગત જેમ વરતતા હોય છે અને ગરિબો નુ સોષણ કરતા હોય છે. લેખકે સરસ બોધ કથા પ્રદસિત કરી છે.

 6. અંતરમાં ડોકીયું કરાવી ગઈ આ વાર્તાઓ.

 7. Minal says:

  Nice Story..
  Good message conveyance..

 8. Vaishali Maheshwari says:

  Stories that had hidden moral.

  Drashti vihona chakshuo – Both the guy and the girl passengers were blind, but still they did not depict their blindness, but tried to find happiness in what they had.

  Prarthna – Very true that God will be happy when we help the needy. I see many people donating lots and lots of money to temples and big halls, but what good does it do? Infact, if we truly want to spend some part of our income for something good, we should lend money to poor and needy who are deprived of the three basic necessities of life: Food, Shelter and Clothes. Building temples and praying in temples in not necessary or so important. We all know that God is omnipotent. God is everywhere. We just need pure heart and faith to remember him and he will listen to our prayers.

  Help the needy and God will always be there for you.

  Thank you Anu.Dr.Janak Shah….

 9. Mital Parmar says:

  Good story

 10. Sanat Parikh says:

  Congratulations, Janakbhai.
  Keep up the good work for the larger community.
  Thank you for sharing wonderful work.
  Sanat Parikh

 11. Vijay Shah says:

  સરસ વાર્તાઓ

  જનકભાઈ તમારી વેબ સાઈટ ની રાહ જોવાય છે

 12. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ વાર્તાઓ….

 13. nayan panchal says:

  અજ્ઞાનતામાં ઘણી વાર આનંદ હોય છે. ઓ. હેન્રી સ્ટાઈલની વાર્તા.

  જનસેવા એ જ પ્રભુસેવા. આ વાર્તા ક્રિયાકાંડમાં વ્યસ્ત આપણા દંભી સમાજને પણ લાગુ પડે છે ને !?

  આભાર,
  નયન

 14. ila patel says:

  સરસ વાચન માટૅ ાઆભાર ઈલા પટેલ

 15. Bhairavi Parikh says:

  ખુબ ખુબ અભિનન્દન્!! ખુબજ સરસ વાર્તાઓ ના અનુવાદન થિ પાશ્ચાત્ય સાહિત્ય ને અમારા સુધિ પહોચાદવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ સુન્દર બોધ આપતિ વાર્તાઓ અમારા ખુબજ વ્યસ્ત બનિ ગયેલ જિવન ને જિવ્વનો અર્થ ને સાચિ રિત બતાવે ચે. તમારિ આ અમુલ્ય ક્રુતિ અમારિ સાથે share કર્વા બદલ તમારો ખુબ ખુબ આભાર્ We will anxiously wait for more of these beautiful stories. And yes i agree with Mr. Vijay Shah. We are indeed waiting for your website.. Congratulations Again!!!!

 16. Anand Parikh says:

  Excellent stories. It gives us a lot to learn and understand from these short stories. It has a very deep meaning behind it. Yes, everyone has their own ways to pray to God, but the ones who help the needy when it’s rightfully needed. That’s the biggest Prarthana to me. And yes Dr. Shah you are doing an excellent job translating these short stories and giving us the true message of life. We will pass these on to our next generation and make them understand and realize the true meaning also. Great Job and lots of Kudos to you!!

 17. Veena Dave, USA says:

  વાહ્ ખુબ સરસ.

 18. kumar says:

  સાચુ જ કહેવાયુ છે, work is worship.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.