મુન્ની – દર્શન કિરીટભાઈ ત્રિવેદી

[‘કુમાર’ સામાયિકમાંથી સાભાર.]

મીટિંગ-રૂમમાં એક-દોઢ કલાકથી બેસી રહેલી ‘પાર્ટી’ને સમજાવતાં મેં કહ્યું : ‘આઈ નો મિ. શાહ, અત્યાર સુધીના તમામ ઑર્ડર વખતે તમારી કંપનીએ મારા પાર્ટનર મિ. તુષાર સાથે જ ડીલ કરી છે, પણ આજે એ તમને મળી શકે તેમ નથી.’ તુષાર સાથે ચર્ચા કરીને જ ઑર્ડર આપવાની જિદ્દ લઈને બેઠેલા મિ. શાહ પણ હવે અકળાવા લાગ્યા હતા. કોલ્ડડ્રિંકનો છેલ્લો ઘૂંટડો ગળા નીચે ઉતારી તે બોલ્યા :
‘તમે મિ. તુષારનો કૉન્ટેક કર્યો કે નહીં ?’
પ્રોફેશનલ બિહેવિયરમાં ન પોષાય તેવી ચીજ સાથે મેં કહ્યું : ‘અરે ! કાલે રૂબરૂ જઈને મેં આજની મીટિંગ બાબતે જાણ કરી હતી. આજે તમારા આવ્યાને અડધા કલાક પહેલાથી હું તેનો મોબાઈલ ટ્રાય કરું છું, પણ સ્વિચ ઑફ ! શું કરું આ માણસનું ?’
‘જો મિ. તુષારને અમારા ઑર્ડરમાં ઈન્ટરેસ્ટ ન હોય તો….’
‘ના… ના, એવું કંઈ નથી. અમારી કંપની તમારી સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા તત્પર છે. કંપનીના બરોબરના ભાગીદાર તરીકે હું તમારી સાથે ‘ડીલ’ કરવા ઉત્સુક છું.’

ટી ઍન્ડ ટી પ્રા. લિ માં પ્રાણ પૂરનારો મોટામાં મોટો ઑર્ડર આમ હાથવેંતમાં હોય તે બાજી બગડી જાય તે વાત મને ઠીક ન લાગી. મેં વાત વાળવાના પ્રયત્ન સાથે કહ્યું : ‘મિ. તુષાર તેમના કેટલાક પર્સનલ પ્રોબ્લેમ્સને કારણે થોડા ડિસ્ટર્બ છે. તમે તો જાણો જ છો કે સાતેક મહિના પહેલાં તેને ઍક્સિડન્ટ થયો હતો. તેમાં તેમની પત્ની….’
‘હા, હા. તે બધી વાતથી હું વાકેફ છું.’ મિ. શાહે મને વચ્ચે જ અટકાવી દીધો, ‘એક કામ કરો. પંદરેક દિવસ પછી મિ. તુષાર સાથે મારી મીટિંગ સેટ કરી આપો. તે વખતે જ ઑર્ડર પણ ફાઈનલ કરી દઈશું.’

કંપનીનો એકમાત્ર ભાગીદાર હોવા છતાંય કંપનીના કામકાજમાં સક્રિય ન રહેવા બદલ મને પસ્તાવો થયો. હું મારી જાત સાથે જ લડી રહ્યો. હાથ પર આવેલો ઑર્ડર આમ પંદર દિવસ સુધીની અનિશ્ચિતતામાં અટવાઈ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં તુષારના ઘર તરફ મેં ગાડી મારી મૂકી. રસ્તા પર વાહોનોનો ને મગજમાં વિચારોનો ટ્રાફિક પૂરપાટ ઝડપે દોડી રહ્યો હતો. સાત-સાત મહિના થઈ ગયા છતાં હજુય એ અકસ્માતની અસરમાંથી બહાર નહોતો નીકળી શક્યો. અરે ! ચાર મહિનાની સારવાર પછી તો તેનો પગ પણ સારો થઈ ગયો હતો. એક બાજુ ગ્લોબલાઈઝેશનની અસરમાં ને અસરમાં બિઝનેસનો પથારો વધાર્યો. કામકાજનું ભારણ વધ્યું ને એવામાં જ તુષારને અકસ્માત નડ્યો. અર્ધાંગનાને ગુમાવી તુષાર જાણે અડધો બેચેન થઈ ગયો ! ને સાથે સાથે બિઝનેસ પણ અડધો બેચેન થઈ ગયો ! તુષારની આવડત પર વિશ્વાસ મૂકીને મેં તેને ભાગીદાર બનાવ્યો. મારા પૈસા ને એની આવડતના બે પાટા પર ધંધાની ગાડી વાયુવેગે દોડી રહી હતી ને ત્યાં જ એક પાટો જાણે ડગમગી ગયો ! ધંધાનો મોટા ભાગનો કારબાર સંભાળતો તુષાર પોતાની કાર સંભાળી ન શક્યો ને અકસ્માતે તુષારને અધમૂઓ કરી દીધો. પણ હવે એ વાતને ખાસ્સો સમય વીતી ગયો. કડવી, તો કડવી, પણ આજે તેને સચ્ચાઈ સમજાવવી જ પડશે. હા, તકલીફ તો થશે, પણ પછીની વાત પછી. ગમે તેમ કરીને પણ તેને હવે બિઝનેસમાં ધ્યાન આપતો કરવો પડશે. આમ ને આમ મોટા મોટા ઑર્ડર્સ જતા રહેશે તો ધંધાનું….. મેં મહાપ્રયત્ને મારા વિચારોને, ગુસ્સાને અને ગાડીને બ્રેક મારી.

ડોરબેલ વગાડતાં જ રઘુએ બારણું ઉઘાડ્યું. મેં ચીડ સાથે જ પૂછ્યું :
‘શું કરે છે તુષારસાહેબ ?’
‘એ મુન્નીનાં રૂમમાં છે.’ રઘુએ ટૂંકો જવાબ વાળ્યો. મારી ચીડ વધતી ગઈ, જરા મોટા અવાજે મેં પૂછ્યું :
‘શું કરે છે એ ત્યાં ?’
‘જરા ધીરે બોલ તિલક, મુન્ની હમણાં જ સૂતી છે, જાગી જશે.’ તુષાર મારી સામે આવી ઊભો રહ્યો.
‘શું યાર, મેં તને નહોતું કહ્યું કે કલકત્તાની પાર્ટી સાથે આજે મીટિંગ છે ?’
‘હા, તિલક, પણ મુન્નીને….’
ગુસ્સાથી મારા શબ્દો તપી ઊઠ્યા : ‘શું યાર, જ્યારે જુઓ ત્યારે ગાંડાની જેમ મુન્ની…. મુન્નીનું રટણ કર્યા કરે છે. તને મુન્ની સિવાય પણ કંઈ દેખાય છે કે નહીં ? તડ ને ફડ કરી દેવાના ઈરાદાને આંખોમાં ભરી હું તુષાર સામે જોઈ રહ્યો. મારા શબ્દોથી તુષાર ડઘાઈ ગયો.
‘કેમ તિલક એમ બોલે છે ?’
‘તો શું કરું યાર. જો આમ ને આમ ચાલશે તો ટી ઍન્ટ ટી પ્રા. લિ. નાં પાટિયા બેસી જશે.’
તુષારનો ચહેરો ગંભીર થયો : ‘ના, ના. તું એવું વિચારીશ પણ નહીં. જ્યાં સુધી ટી ઍન્ડ ટીમાં એક ‘ટી’ આ તુષાર ગાંધીનો છે, ત્યાં સુધી કંપનીને ઊની આંચ પણ નહીં આવવા દઉં.’

તુષારના શબ્દોમાં મને મારો સાચો મિત્ર દેખાઈ આવ્યો. તુષારનાં આત્મવિશ્વાસે મને ઠંડો પાડ્યો. મેં હસીને કહ્યું, ‘ને તુષાર, તારા આ સ્પિરિટને કારણે તો આપણે આટલી પ્રગતિ કરી શક્યાં ! તું તો જાણે જ છે કે હું તારા વગર બિઝનેસ સંભાળી શકું તેમ નથી. મેં તો તારે ભરોસે મારી બધીય મૂડી લગાવી દીધી. હવે તું જ આમ બેદરકાર બને તો કેમ ચાલશે ?’
‘ના, ના તિલક. હું કંઈ બેદરકાર નથી થઈ ગયો. આ તો કાલ રાતથી જ મુન્નીને તાવ આવતો હતો. આખી રાત રડ્યા કર્યું ને હજુ હમણાં જ તેની આંખ મળી.’ હું દયાભાવે તુષાર સામે જોઈ રહ્યો. તડ ને ફડ કરવાનો મારો જુસ્સો ઓગળી ગયો. મારી આંખોમાં સહાનુભૂતિ જોતાં તુષાર આગળ બોલ્યો : ‘ હવે તું જ કહે, મુન્નીને આ હાલતમાં મૂકીને હું કેવી રીતે આવું ?’
‘પણ આયા તો રાખી છે. તેને સોંપીને અડધો કલાક જ ઑફિસે આવી ગયો હોત તો….’
‘આયાને તો કાલે જ કાઢી મૂકી.’ કંઈક અણગમા સાથે તુષારે કહ્યું.
મારી જિજ્ઞાસા ઊછળી પડી : ‘કેમ, શું થયું તે આયાને કાઢી મૂકી ?’
‘અરે ! કેવી આયા તેં શોધી હતી યાર ! તે મુન્નીનું ઓછું ને મારું ધ્યાન વધારે રાખતી હતી. મુન્નીને કાળજીથી નવડાવે પણ નહીં. તે કપડાંય મેલાઘેલાં પહેરાવે. મુન્નીને કોઈ દિવસ બહાર ફરવા પણ ન લઈ જાય ! બસ, જ્યારે જુઓ ત્યારે મુન્નીને ઊંઘાડવાની જ વાત કરે ! હવે તું જ કહે આવી ગમાર આયાને તે કેવી રીતે રાખવી ?’
અકળામણ છુપાવવાનાં પ્રયત્ન સાથે મેં કહ્યું : ‘અરે ! પણ મને ફોન કર્યો હોત તો હું અહીં મુન્નીને સંભાળત અને તે મીટિંગ અટેન્ડ કરી હોત તો આજે જ કલકત્તાનો મોટો ઑર્ડર મળી જાત.’ તુષાર નીચું માથું નાખી બેસી રહ્યો.
‘અને હા, તેં મોબાઈલ ‘સ્વિચ ઑફ’ કરી રાખ્યો છે ! કમ સે કમ એ તો ‘ઑન’ રાખીએ. હું સવારથી ટ્રાય કરતો હતો.’
તુષારે ઊંચું જોયું અને અજબ એવી સ્વસ્થતા સાથે મને સંભળાવ્યું : ‘મુન્નીની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલા માટે મોબાઈલ ‘સ્વિચ ઑફ’ કર્યો હતો.’ અજયબ રીતે મારી સામે જોતાં તેણે આગળ કહ્યું, ‘જો યાર, હું એક બાપ છું. તું તો જાણે છે કે મુન્નીની મમ્મી એક્સિડન્ટમાં… તે પછી તો મારે બાપની અને માની બેવડી જવાબદારી નિભાવવાની થાય છે. અને તું છે કે એક ઑર્ડરને લઈને આટલો બધો ઊંચોનીચો થઈ જાય છે !’

એટલામાં રઘુ ચા-નાસ્તો આપી ગયો. મનમાં ને મનમાં હું ધૂંઆપૂંઆ થતો રહ્યો, ‘આ તુષાર શું સમજતો હશે એના મનમાં ? આમ ને આમ મોટા મોટા ઑર્ડર જતા રહેશે એ તો ઠીક પણ કંપનીની માર્કેટ વૅલ્યુ દિવસે દિવસે ઘટી રહી છે, તેનું શું ? આ પાગલને જાણે ખબર જ નથી પડતી કે કંપની ધીરે ધીરે ડૂબી રહી છે ! માર્કેટમાં કંપની વિશે જાતજાતની અફવાઓ ફેલાઈ રહી છે. આ બધાનું મૂળ છે પેલી મુન્ની ! જ્યારે જુઓ ત્યારે ‘મુન્નીને આમ હતું ને મુન્નીને તેમ હતું.’ ઈનફ ઈઝ ઈનફ. બહુ થયું હવે. આજે તો ચોખ્ખી વાત કરવી જ પડશે. આ મુન્ની નામના પ્રશ્નનો હું ઉકેલ શોધી રહ્યો છું. શું કરું તો આ મુન્ની….
‘અરે તેં નાસ્તાને તો હાથ પણ અડાડ્યો નથી !’ તુષારના શબ્દોએ મારી તંદ્રા તોડી.
‘ના યાર, નાસ્તાની કંઈ ઈચ્છા નથી.’
‘અરે ! એમ તે કંઈ ચાલતું હશે ? તું નાસ્તો પૂરો કર. હું મુન્નીને જોતો આવું.’ કહી તુષાર મુન્નીના રૂમમાં ગયો.

કાળાડિબાંગ વાદળોની વચ્ચે વીજળી ચમકી જાય તેમ મનમાં એક વિચાર અજવાળું ફેલાવી રહ્યો : આ મુન્નીના કારણે જ તુષાર ટકી રહ્યો છે ! મુન્નીની આળપંપાળમાં જ એ પત્નીના મૃત્યુની વેદના ભુલાવી શક્યો છે. પણ છતાંય આ મુન્ની નામના મૃગજળને મારા મિત્રને રણમાં દિશાહીન ભટકતો કરી દીધો છે. જો ક્યાંય ગોઠવાઈ જાય તો તેનાં બીજાં લગ્ન કરાવી દઉં. પણ તેમાંય આ મુન્ની તો યક્ષપ્રશ્ન બનીને ઊભી જ રહેવાની. વિચારોમાં હું એવો ખોવાયો કે અજાણતા જ મારા હાથ મોંમા નાસ્તો પધરાવવા લાગ્યા ને હું પણ અજાણતા જ મુન્નીના અસ્તિત્વને તીક્ષ્ણ વિચારો વચ્ચે પીસવા લાગ્યો ! એક આ મુન્નીનો પ્રશ્ન ન હોય તો મારો મિત્ર બિલકુલ યોગ્ય છે બિઝનેસ માટે, દુનિયા માટે. આ અકસ્માત પહેલાં જ તો એણે વિદેશની ટૂરમાં પણ કેટલી બધી સફળતા મેળવી હતી ! એનો જુસ્સો ને એની ધગશ એવાં છે કે આખી દુનિયામાં ‘ટી ઍન્ડ ટી’નો એક્કો જમાવી દે ! પણ એ એક્કો તો અત્યારે માત્ર ને માત્ર શૂન્ય થઈને રહી ગયો છે. જો મારો મિત્ર આ મુન્નીના ઘેરાવામાંથી બહાર આવે તો પછી કંઈ પ્રશ્ન જ નથી. પણ આ મુન્નીનું કરવું શું ? વાસ્તવિકતાની આગ મને દઝાડી રહી.’
‘એટલે… અલેલે… રડવાનું નહિ… જો તો કોણ આવ્યું છે ? જો તો તિલક અંકલ આવ્યા છે…’ મુન્નીને થાબડતો થાબડતો તુષાર સોફામાં બેઠો. હું હતપ્રભ થઈ મુન્નીને જોઈ રહ્યો !
‘જો મુન્ની બેટા, આ તિલક અંકલ નથી. આ તો છે મિ. તિલક, મોટા બિઝનેસ મૅન !’ તુષારે મને ટોણો માર્યો. હું મારી અકળામણને બનાવટી હાસ્યથી છુપાવવા મથી રહ્યો.
‘તિલક, મુન્નીએ તારી કિટ્ટા કરી લાગે છે. જો તારી સામે જોતી પણ નથી ! કેમ તને ખબર છે ?’
‘ના, મને શી ખબર હોય ?’
‘એ તો પહેલાં જ્યારે તું આવતો ત્યારે તેના માટે ચોકલેટ લાવતો અને હવે તો તને બિઝનેસ સિવાય કંઈ યાદ જ નથી રહેતું એટલે….’
મેં મારો બચાવ કર્યો, ‘ના, ના.. એવું કંઈ નથી પણ હવે ચૉકલેટ….’ મને આગળ શબ્દો ન સૂઝ્યા. પણ તુષારને કંઈક સૂઝયું :
‘અરે એક બીજું પણ કારણ છે. તું ચૉકલેટ ન લાવ્યો તો કંઈ નહીં. પણ હવે તારે મુન્નીનું એક કામ તો કરવું જ પડશે. કરીશને ?’ મને કંઈ ખબર ન પડતા મેં કહ્યું : ‘એવું તે શું કામ છે ?’

મુન્નીને સોફામાં પોતાની લગોલગ ગોઠવીને તુષારે કહ્યું : ‘તને યાદ છે ? આપણે પેલા હસ્તકલા પ્રદર્શનમાં ગયા હતા ને તેં ત્યાંથી મુન્ની માટે પેલી સરસ મજાની ઢીંગલી લીધી હતી.’
‘હા યાર. મને બરાબર યાદ છે.’ એ ઢીંગલી મારી આંખો સામે તરવરી રહી, ‘મેં કેટલી હોંશથી એ મુન્ની માટે લીધી હતી.’
‘હા તિલક, એ ઢીંગલી અર્પણાએ ક્યાંક મૂકી દીધી હશે ને હવે તો અપર્ણા… તે પેલી ઢીંગલી ક્યાંય મળતી નથી. આખુંય ઘર ફેંદી વળ્યો. હવે એ ઢીંગલી મુન્નીને એટલી બધી વહાલી હતી કે પોતાની જોડે ને જોડે રાખતી. પણ હવે એ ઢીંગલી વગર મુન્ની હિજરાયા કરે છે ઝૂર્યા કરે છે !’ મારી લાવેલી ઢીંગલી મુન્નીને એટલી બધી વહાલી હતી તે જાણી મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં ! ઝળઝળિયાંની આરપાર મુન્ની જાણે હાથ લંબાવી મને બોલાવી રહી ! ઊભાં થઈ મેં સોફામાં પડેલી મુન્નીને તેડી લીધી, ને સમજણની લપડાકે મને જગાડ્યો. હું ધ્રૂજી ઊઠ્યો. મારા હાથમાં રહેલ હસ્તકલાની ઉત્કૃષ્ટ રૂપી ઢીંગલીને સોફામાં ગોઠવીને હું સડસડાટ બહાર નીકળી ગયો. તડ ને ફડ કરી મુન્નીની સચ્ચાઈ જણાવવાનો મારો ઈરાદો તુષારની આંખોમાં આશ્ચર્ય થઈ અંજાઈ ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનમંથન – પ્રો. ડૉ. બી. એમ. રાજપુત
બૉસ, આ ગુજરાત છે ! – રોહિત શાહ Next »   

20 પ્રતિભાવો : મુન્ની – દર્શન કિરીટભાઈ ત્રિવેદી

 1. Ruchir prajapati says:

  સરસ વાત.. ક્યારેય વાત આખેી જાણ્યા વિના કોઇને દોશ આપવો જોઈએ નહિ…

 2. ખુબ સરસ વારતા. પૈસા કરતા લાગણી, સંબંધો અને કાળજી હંમેંશા આગળ નીકળી જાય છે.

 3. P Shah says:

  સરસ વાર્તા ! પૈસા કરતાં લાગણીનું પલ્લું હંમેશા ભારે હોય છે.
  અભિનંદન !

 4. Sarika says:

  khubaj saras story. Darek vyakti hamesa potanoj swarth joto hoi che. te kadi bijani lagani ane vedana samji sakato nathi.

 5. nayan panchal says:

  સારી વાર્તા. છેલ્લે છેલ્લે પણ તિલકે સાચી ગણતરી કરી ખરી.

  નયન

 6. Girish says:

  પૈસા ના સરવાળા થાય લાગણી ના ગુણાકાર થાય્

 7. Vraj Dave says:

  લાગણી તો બરોબર જ છે પણ સાથે સાથે જવાબદારીઓ પણ સંભાળવી પડે.ક્યારેક આપણા કારણે બીજા બરબાદ નો થાય તે પણ ખુબજ જરુરી છે.
  વ્રજ દવે
  કાઠીયાવાડ

 8. maya says:

  ખુબજ્ હ્રદય્ સ્પર્શિ…

 9. Vaishali Maheshwari says:

  Feelings, sentiments and emotions should be given more importance and priority than any material needs like money and luxury. Munni’s Dad Tushar was with her when she needed him and this is how it should be.

  Thank you Author for this nice story.

 10. krishna says:

  ખુબ જ સાચ છે..કોઈ પણ વ્યક્તિ ને જાંણ્યાં વગર જ કંઇક કહેવું અયોગ્ય જ છે..

 11. Mital Parmar says:

  સરસ્….

 12. Veena Dave, USA says:

  good story

 13. Vipul says:

  Nice one.

 14. deven patel says:

  FANTASTIC STORY

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.