નાની પણ મોટી વાતો – હરીશ નાયક

[‘101 નાની પણ મોટી વાતો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પૂર્ણવિરામ શ્રી

picture-002ભગવાન વિષ્ણુએ એક વખત જાહેરાત કરી : ‘જેને જે જોઈએ તે માગી લો.’
વિષ્ણુને બારણે માણસોની કતાર જામી ગઈ.
બધાં પોતાને જોઈતી વસ્તુઓ માગવા લાગ્યા. કોઈ પૈસા, કોઈ પુત્ર, કોઈ સુખ, કોઈ દવા, કોઈ ઊંઘ, કોઈ આરામ, કોઈ નિરાંત, કોઈ નોકરી, કોઈ પદ, કોઈ પદવી, કોઈ સ્થાન, કોઈ સફળતા ! ભગવાન વિષ્ણુ બધાંને આપતા જ રહ્યા. જેને જે જોઈએ તે મળવા લાગ્યું. ભગવાનની બાજુમાં જ લક્ષ્મીજી બેઠાં હતાં. તેમને ચિંતા થઈ. તેમણે ભગવાનનો હાથ પકડ્યો : ‘આમ બધાંને બધું આપી દેશો તો વૈકુંઠ ખાલી થઈ જશે.’

હસીને ભગવાન કહે : ‘નહિ થાય દેવી, વૈકુંઠ ખાલી નહિ થાય. કેમ કે આ માણસો માંગવા જેવી વસ્તુ તો માગતા જ નથી. અને એ વસ્તુઓ જ્યાં સુધી આપણી પાસે રહેશે ત્યાં સુધી આપણને કોઈ જ તકલીફ નહિ પડે.’
દેવી લક્ષ્મીએ પૂછ્યું : ‘કઈ છે એ વસ્તુઓ ?’
હસીને ભગવાન કહે : ‘શાંતિ અને સંતોષ.’
પછી એ જ રીતે હસીને જણાવ્યું : ‘માનવજાત બધું માંગે છે, પણ બે જ વસ્તુઓ માગતા નથી, અને એ બે વસ્તુ સિવાયની બીજી બધી વસ્તુઓ નકામી છે. શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે. એ સિવાયનાં બધાં સુખ અલ્પવિરામ છે. એકડા વગરનાં મીંડાં જ કહો ને દેવી ! આપણી પાસે વૈકુંઠમાં એ બે વસ્તુ છે અને એટલે જ આપણે એને વૈકુંઠ કહીએ છીએ.’

જીવનનું રહસ્ય સાંભળી લક્ષ્મીજી પણ મરક મરક હસી રહ્યાં.

[2] મારે સ્નાન કરવું છે….

એક ભાઈ દરિયામાં સ્નાન કરવા ગયા. પણ દરિયામાં તરતાં આવડતું ન હતું. ઊછળતાં મોજાંઓનો ડર પણ ખરો. એ તો કિનારે બેઠા એટલે બેઠા. તેને આ રીતે દિવસભર બેઠેલો જોઈ એક સહેલાણીએ પૂછ્યું :
‘તમે અહીં સવારથી બેઠા છો ?’
‘હા. મારે સ્નાન કરવું છે.’
‘અરે, સ્નાન કરવું હોય તો ઝંપલાવો. દરિયો તમને આમંત્રણ આપે છે.’
પેલો ભાઈ કહે : ‘જુઓ, એમ હું નહિ ઝંપલાવું. હું તો દરિયાનાં મોજાં શાંત થશે પછી જ ઝંપલાવીશ. હું એ મોજાં શાંત થાય તેની રાહ જોઈ રહ્યો છું.’
પેલા સહેલાણી બોલી ઊઠ્યા : નાહી રહ્યા ત્યારે તો તમે !’

જિંદગીની અવરજવર, ખાટી-મીઠી, ચિંતા-ઉપાધિ, તકલીફ-મુસીબત વગેરેનાં મોજાંઓ તો આવ્યા જ કરવાનાં, એ દૂર થાય પછી તમે તમારું કર્તવ્ય બજાવવા માગતા હો કે સારા કામ કરવા માગતા હો.. તો તો થઈ રહ્યું આપનું કામ ! જીવનની એ બધી ઉપાધિઓ વચમાં જ જીવવાનું છે. સ્નાન કરવું હોય તો કરો, નહિ તો બેસી રહો અંતકાળ સુધી દરિયાને કિનારે.

[3] ઊધઈએ કોર્યાં બોગદાં

એક ઈજનેર. તેને પહાડની પેલી બાજુ નોકરી કરવા જવું પડે. તેની પાસે એક જૂનીપુરાણી મોટર. એવી ખડખડ પાંચમ કે આવતી હોય તો બે કોશ દૂરથી ખબર પડી જાય. તેમાં પાછી પત્ની જરા કડક. ઈજનેરભાઈ પત્નીથી ડરે. વહેલી સવારે તેઓ નીકળી જાય. મોડી રાતે પાછા આવે. રાતના ઘેર આવવાનો નક્કી સમય. એ સમયથી મોડા આવે તો વાસણ ખખડ્યાં જ સમજો. પણ ઈજનેરભાઈ કરે શું ? વચમાંથી પહાડ કેવી રીતે ખસેડે ? એ પહાડ તો ફરીને જ જવું પડે !

તેમાં એક દિવસ મોટર બગડી. થઈ ગયું મોડું. ગભરાટનો પાર નહિ. તેઓ ડ્રાઈવરને કહે : ‘ભાઈ, કોઈ પણ રીતે ગાડી ચાલુ કર, નહિ તો ઘરની ગાડી પાટા ઉપરથી ઊતરી પડશે.’ ડ્રાઈવરે ગાડી તો ચાલુ કરી પણ ત્રણ કલાકે. એટલું મોડું થયું કે વાત ન પૂછો. ઈજનેર તો ગભરાયા. ડ્રાઈવરને કહે : ‘હવે ગાડી હાંક જલદી…. એકદમ ઝડપથી….’ સાહેબનો ગભરાટ જોઈને ડ્રાઈવર ગભરાઈ ગયો. એ ગભરાટમાં ને ગભરાટમાં તેણે પૂરપાટ ગાડી હાંકી તો ખરી પણ અથડાવી નાંખી. ગાડી અથડાઈ. ઈજનેર ઊછળીને બહાર પડ્યા. ડ્રાઈવરને હતું કે સાહેબ ગુસ્સે થશે, પણ સાહેબ તો રાજી થઈ ગયા હતા. અને સાહેબના રાજી થવાનું કારણ શું હતું જાણો છો ?

સામે જ હતો ઊધઈનો એક રાફડો. માણસ કરતાં કંઈ કેટલો મોટો એ રાફડો હતો. મોટરમાં થોડાક પાઈપ હતા. એ પાઈપ રાફડામાં પેસી ગયા હતા. નીચેનો બધો ભાગ પડી ગયો હતો પણ ઉપરનો ભાગ સલામત હતો. આખી ટેકરીમાંથી બોગદા જ કોરાઈ ગયાં હતાં. સાહેબ ઊછળીને કહે : ‘ડ્રાઈવર ! હવે મોડું નહિ થાય. હવે કદી મોડું નહિ થાય.’ વાત એવી હતી કે આવડા મોટા ઈજનેરના મનમાં એક શંકા રહ્યા કરતી હતી. તેમને એમ કે પર્વતને વચમાંથી કોરીએ તો ઉપરનો ભાગ અધ્ધર રહી શકે ખરો ? ઊધઈના રાફડાએ તેમને જ્ઞાન આપી દીધું કે નીચેનો ભાગ કોરાય તે છતાં ઉપરનો ભાગ સલામત રહી શકે છે.

બસ ! એમણે તો બનાવી દીધી યોજના, બનાવી દીધો પ્લાન અને સમય જતાં તૈયાર થઈ ગયાં બોગદાં.

[4] એક હાથની ખાનદાની

પરચૂરણની તંગીના જમાનામાં આ સાચો પ્રસંગ જરૂર કીમતી પ્રેરણા આપી રહેશે. ઉનાળાની રજાઓ. લોકો થોકેથોક આબુ ઊપડ્યા હતા. આબુ ઉપર જ્યાં મોટર ઊભી રહે છે ત્યાં મજૂરોનો પાર નહિ.
‘બહેન મને સામાન આપો, ભાઈ મને સામાન આપો.’ કરતાં મજૂરો ઘેરાઈ વળે. એક બહેનની પાસે સામાન ઘણો હતો. માત્ર એક હાથવાળો એક મજૂર આગળ આવ્યો :
‘બહેન ! હું લઈ લઉં ?’
બહેન કહે : ‘પણ તારે તો એક જ હાથ છે.’
મજૂર કહે : ‘ભલેને એક હાથ રહ્યો, સામાન નહિ છોડું.’
બહેને એ જ મજૂરને સામાન સોંપ્યો. નવાઈની વાત – મજૂરે સિફતથી સામાન ઉપાડી લીધો.

આખુ કુટુંબ હોટલ સુધી ઊપડ્યું. બહેને મજૂરને 10 રૂપિયા આપી દીધા અને બધાં અંદર ચાલ્યાં ગયાં. તરત મજૂરે બૂમ પાડી : ‘અરે બહેન ! આ બે રૂપિયા તો લેતા જાવ.’ સામાનની મજૂરી આઠ રૂપિયા જ નક્કી થઈ હતી પણ એક હાથવાળા મજૂર પર દયા આવવાથી બહેને બે રૂપિયા પાછા લીધા નહિ. બહેન કહે :
‘અરે, પરચુરણની આટલી તંગી છે ત્યાં તું છૂટા કાઢે છે ? રહેવા દે તારી પાસે.’
‘પરચુરણની ભલેને તંગી રહી’ એક હાથના મજૂરે કહ્યું : ‘સત્યની કંઈ તંગી થોડી જ છે ? લો આ બે રૂપિયા.’ પ્રવાસી બહેન એક હાથવાળા આ ખાનદાન મજૂરને જોઈ જ રહ્યાં.

[5] સુખ આપતી કાંટાની પથારી

બાલઘાટના ગણેશનાથ !
જુદી જ જાતના માનવી હતા. રહે જંગલમાં. ભજન-કીર્તન કરે. ગામોમાં રાતના ભજન પતે કે જંગલની પોતાની ઝૂંપડીમાં જઈ આરામ કરે. જોતજોતામાં ગણેશનાથની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ. એ ત્યાગી અને ભક્ત માનવી મહાત્માના નામે ઓળખાવા લાગ્યા. એકવાર છત્રપતિ શિવાજી પંઢરપુર જતા હતા. ગણેશનાથજીનાં દર્શન કરવાનું મન તેમને પણ થયું. તેઓ ગણેશનાથના દર્શન કરી ખુશ થઈ ગયા. ભજન સાંભળી એટલા રાજી થયા કે પગે પડ્યા, કહેવા લાગ્યા : ‘મહારાજ ! એક વાર મારા નિવાસસ્થાને પધારો !’

ગણેશનાથજીએ ઘણી આનાકાની કરી, પણ શિવાજીએ વાત ના માની. કહ્યું : ‘એકવાર તો તમારે તમારા ચરણકમળની રજકણથી મારું નિવાસસ્થાન પવિત્ર કરવું જ પડશે.’ ગણેશનાથજી તૈયાર થયા. શિવાજીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની પાસે ઘણાંબધાં ભજન સાંભળ્યાં. રાતના સેવકોને કહ્યું :
‘તમે મને મહારાજ કહો છો પણ સાચા મહારાજ તો ગણેશનાથજી જ છે. એટલે એમનો બંદોબસ્ત ખરેખરો કરજો.’
રાતના ગણેશનાથનો સૂવાનો સમય થયો.
આહ ! જે પલંગ તેમને માટે હતો એ રાજાઓથી પણ ચઢિયાતો હતો, રેશમી તળાઈઓ, સુંવાળાં ઓશીકાં, ઝાલરવાળી ચાદરો, આજુબાજુ મહેકતાં ફૂલ.
શિવાજી કહે : ‘મહારાજ ! આશા રાખું કે આપને જરૂર નિરાંતની ઊંઘ આવશે.’ એમ કહી તેઓ તો ગયા.

સવારે વહેલા જાતે જ ગણેશનાથજીની સેવામાં હાજર થઈ ગયા. પૂછ્યું : ‘ઊંઘ તો આવી હતી ને મહારાજ ?’
‘ખૂબ મજેથી.’ ગણેશનાથજીએ કહ્યું.
પણ અંદર જઈ શિવાજીએ જોયું તો તાજ્જુબી પામી ગયા. પેલી પુષ્પશય્યામાં પુષ્પોને બદલે કાંકરા, પથરા અને કાંટાઓ હતા. બહાર આવીને તેમણે સ્વામીજીને પૂછ્યું : ‘શું આપે આ રીતે શયન કર્યું હતું ?’
હસીને ગણેશનાથજી કહે : ‘હા શિવાજી, હું એ જ રીતે શયન કરું છું.’
‘કારણ… ?’
‘કારણ એટલું જ કે એકવાર સુખની આદત પડી જાય પછી માનવી નાજુક બની જાય છે. દુ:ખની સહનશક્તિ માટે તે નકામો બની જાય છે. માનવીએ સુખ અને દુ:ખ વહેંચીને જીવન જીવવાનું છે. માત્ર સુખનો જ વિચાર કર્યા કરીએ અને સુખ જ ભોગવ્યા કરીએ તો પછી દુ:ખ વખતે ભાંગી પડીએ છીએ. અરે નાનું સરખું દુ:ખ પણ સહન થતું નથી. એટલે જ જ્યારે સુખ મળે ત્યારે દુ:ખની સાથે તેનું મિશ્રણ કરીને જ તેનો લાભ લેવાનો છે !’ તેમણે આગળ કહ્યું : ‘શિવાજી ! સાદાઈ જેવું જીવન બીજું એકે નહિ, જે કાયમ મને બધી જગાએ મળી શકે તેમ છે. એ જ જીવનથી ટેવાવું જોઈએ. જેનો લાભ આપણને મળે અને બીજાઓ જેનાથી વંચિત રહી જાય એ સુખ પણ સ્વાર્થનો જ એક પ્રકાર છે. એ સુખ સુખ નથી, એટલેસ્તો હું જંગલમાં રહેવું પસંદ કરું છું.’
‘તમે સાચે જ મહાત્મા છો.’ શિવાજીએ કહ્યું.
પણ મહાત્મા એ ખ્યાતિ સાંભળવા રોકાયા નહિ. પોતાની ખ્યાતિ સાંભળવા ઊભા રહે તો પછી તે મહાત્મા શાના ?

કહે છે કે ત્યાર પછી મહારાજ શિવાજી પણ કંતાન જેવી સાદી પથારીમાં જ સૂવા લાગ્યા હતા.

[કુલ પાન : 192. કિંમત : રૂ. 200 પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બૉસ, આ ગુજરાત છે ! – રોહિત શાહ
નિર્મિશીકરણ : ગુજરાતી ગઝલકારોનું – નિર્મિશ ઠાકર Next »   

27 પ્રતિભાવો : નાની પણ મોટી વાતો – હરીશ નાયક

 1. Jankit says:

  It is really good site and has many rich articles. Thanks for sharing such a good site

 2. ખુબ સરસ. બાળસાહિત્ય છે છતાં મોટેરાઓને પણ ઘણુ સમજવા લાયક છે…!

  સાર

  ૧/ ‘શાંતિ અને સંતોષ.’ – સંતો ષ હોય તો શાંતિ આપોઆપ મળી જાય.

  ૨/ “જિંદગીની અવરજવર, ખાટી-મીઠી, ચિંતા-ઉપાધિ, તકલીફ-મુસીબત વગેરેનાં મોજાંઓ તો આવ્યા જ કરવાનાં, એ દૂર થાય પછી તમે તમારું કર્તવ્ય બજાવવા માગતા હો કે સારા કામ કરવા માગતા હો.. તો તો થઈ રહ્યું આપનું કામ !” – જિંદગી માં કોઈ પણ સમયે વિષમ પરિસ્થિતિ માં પોતાનુ કાર્ય કરતા રહેવુ.

  ૪/ સાચા માણસો કોઈ પણ સંજોગોમાં સત્યને છોડતા નથી.

  ૫/ જીવનમાં સુખ જેટલું જ દુઃખ જરુરી છે, સુખમાં છકી ન જવુ ને દુઃખમાં દુઃખી ન થવુ.

 3. એક હાથવાળા મજુરનું બ્રહ્મજ્ઞાન..સત્યની કંઈ તંગી થોડી જ છે ?

  સંસ્કાર પર કોઈ વર્ગનો ઈજારો હોઈ શકે નહિં. સંસ્કાર સાર્વત્રિક છે.

  પ્રેરણાત્મક પ્રસ્તુતિ.
  આભાર.

 4. Vaibhav says:

  Khub sundar…Maja aavi gai. These type of illustrative articles really works because we all like short, simple and clear messages. Keep it up.

 5. dr sudhakar hathi says:

  bhagvan sachu kahe chhe koi shanti ne santosh magta nathi

 6. Vaishali Maheshwari says:

  Thank you Author for this wonderful short stories.

  All stories are very short, but have a deep understanding and moral in them.
  I agree with Hiral Vyas “Vasantiful”‘s comments.

  Thank you once again.

 7. nayan panchal says:

  શાંતિ અને સંતોષ વાળી વાત તો બરાબર છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે આપણને માંગતા પણ નથી આવડતુ.

  તેજીને ટકોરો બસ.
  સંતોષી નર સદા સુખી.

  આભાર, નાની પણ કામની વાતો.

  નયન

 8. ઈન્દ્રેશ વદન says:

  ગમ્મત સાથે જ્ઞાન આપતી મઝાની વાતો.
  મૃગેશભાઈ ખૂબ ખંતથી સરસ વાર્તાઓ શોધી લાવે છે.
  ઘણો આભાર!!

 9. Girish says:

  પરચુરણની ભલેને તંગી રહી’ એક હાથના મજૂરે કહ્યું : ‘સત્યની કંઈ તંગી થોડી જ છે ? લો આ બે રૂપિયા.’ પ્રવાસી બહેન એક હાથવાળા આ ખાનદાન મજૂરને જોઈ જ રહ્યાં.
  અતિ સુંદર

 10. Gaurav says:

  Really good stories!

  These kind of stories and their morale build the society.

 11. પૂર્વી says:

  ખૂબ જ સુન્દર.

 12. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 13. deven patel says:

  ગમ્મત સાથે જ્ઞાન આપતી મઝાની વાતો
  અતિ સુંદર
  બાળસાહિત્ય છે છતાં મોટેરાઓને પણ ઘણુ સમજવા લાયક છે…!

 14. Janki says:

  LOVED THE STORIES. SHORT BUT SWEET WITH LOTS TO LEARN.

 15. kumar says:

  ખરેખર ખુબ સરસ નાની પણ મોટી વાતો.

 16. Minal says:

  Very nice Article, Small stories but big lessons of life….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.