રખડપટ્ટી – અશ્વિન ચંદારાણા

[‘રખડપટ્ટી’ એ બાળ-કિશોર વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની વિશેષતા એ છે કે તેની સમગ્ર કથા છ પ્રકરણોમાં વહેંચાઈ છે. શાળામાં પરીક્ષા પૂરી થાય છે, રજાઓ પડે છે અને ઉત્સાહી વિજ્ઞાનશિક્ષક મોહનલાલ બાળકોને ચાનક લગાડે છે – હરવાની, ફરવાની અને નવું નવું જાણવાની. લેખક શ્રી અશ્વિનભાઈએ અહીં ‘મોહનલાલ’ના પાત્ર દ્વારા વિજ્ઞાનની પ્રગતિની અને તેના લાભાલાભની વાતો કરી છે. સૂર્યશક્તિની વાતો, રામાકાકાની વાડીએ પહોંચેલા બાળકો સાથે પ્રકૃતિની વાતો, નવું વાહન ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ અને પક્ષીઓની ઓળખ જેવા સુંદર પ્રકરણો આ પુસ્તકમાં આલેખાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકને 2008નો શ્રેષ્ઠ વિજ્ઞાન વિષયક બાળસાહિત્યનો ‘નગીન મોદી’ પ્રેરિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અશ્વિનભાઈ (વડોદરા) ખૂબ જાણીતા ગઝલકાર હોવાની સાથે ઉત્તમ બાળસાહિત્ય સર્જક પણ છે જેનું આ પુસ્તક પ્રમાણ છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. આપ અશ્વિનભાઈનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર +91 9998003128 પર સંપર્ક કરી શકો છો. -તંત્રી]

picture-014આજે શાળાનો છેલ્લો દિવસ હતો. પરીક્ષાનો બોજો આજે ઊતરવાનો હતો. શાળાનું મેદાન વિદ્યાર્થીઓની અવરજવરથી ઊભરાતું હતું. બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એકબીજાં સાથે છેલ્લી ઘડીની આપ-લે કરતાં હતાં. કોઈ બીજાંને તેની તૈયારી બાબતે પૃચ્છા કરતાં હતાં, તો કોઈ પોતાને મૂંઝવતો પ્રશ્ન કે દાખલો બીજાંને પૂછી લઈ પોતાની તૈયારી પૂરી કરતાં હતાં. કોઈ કોઈ તો વળી સામે જે મળે તેને શુભેચ્છાઓ પાઠવતાં હતાં. એવામાં મેદાનના છેડે આવેલા નાનકડા દરવાજામાંથી મોહનલાલ પ્રવેશ્યા. હાથમાં છત્રી અને થેલી ઝુલાવતાં શાળાના મેદાનમાં પ્રવેશેલા મોહનલાલને જોઈ મોટાભાગનાં છોકરાંઓ પોતપોતાની પ્રવૃત્તિઓ છોડી તેમના તરફ જોવા લાગ્યાં.

મોહનલાલ ધીરે ધીરે મેદાનમાં થઈ શાળાના મકાન તરફ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં રસ્તામાં મળતાં દરેક વિદ્યાર્થી પાસે ક્ષણ-બેક્ષણ રોકાઈ ‘શું છે… !’ કે પછી ‘કેવી તૈયારી…?’ પૂછતા. આમ જુઓ તો મોહનલાલ આ શાળામાં શિક્ષક તરીકે બહુ જૂના ન હતા. બહુ બહુ તો છેલ્લાં પાંચેક વર્ષથી જ એ આ શાળામાં આવ્યા હતા, પણ એમના મળતાવડા સ્વભાવને કારણે નાનાંથી માંડી મોટાં, વિદ્યાર્થીઓથી માંડીને અન્ય શિક્ષકોમાં પણ એ ખૂબ જ ભળી ગયા હતા.

આમ તો એ વિજ્ઞાનના શિક્ષક હતા, પણ એમના પહેરવેશ પરથી એ કોઈ કળાશિક્ષક જેવા લાગે. પેન્ટ સાથે ખાદીની કફની, લાંબી સફેદ દાઢી અને સફેદ વાળને કારણે એ કોઈ અલગારી સાધુ જેવા લાગતા. કોઈપણ ઋતુમાં એમના હાથમાં એ જ થેલી અને કાળી છત્રી દેખાય. ઉનાળા કે ચોમાસામાં છત્રીનો ઉપયોગ તો બધાંને સમજાય, પણ શિયાળામાં મોહનલાલ છત્રી શા માટે રાખતા એ કોઈને ન સમજાય ! અને કોઈ પૂછે, તો પણ એ કહેશે, ‘એ તો એમ જ. ખાલી… ટેવ પડી ગઈ છે એટલે….’ વિજ્ઞાનશિક્ષક હોવાને નાતે તેમનું વિજ્ઞાનના વિષયનું જ્ઞાન તો ઊંડું ખરું જ, પણ કળા, ઈતિહાસ, ભૂગોળ કે સમાજશાસ્ત્ર જેવા અન્ય વિષયોમાં પણ એમને ખૂબ જ રસ ! અને તે ઉપરાંત, સામા માણસને તરત જ ગળે ઊતરી જાય એવી સરળ એમની સમજાવવાની રીત ! એટલે બધાં વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શિક્ષકોમાં પણ એ ખૂબ જ પ્રિય થઈ ગયા હતા.
હંમેશની માફક આજે પણ છત્રી ઝુલાવતાં ઝુલાવતાં એ શાળાના મકાન પાસે પહોંચ્યા ત્યારે દરવાજા પાસે ઊભેલા ટોળા પર એમની નજર પડી, અને એ મલકાયા. એ ટોળામાં એમનાં પ્રિય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઊભાં હતાં. આમ તો બધાં પર એમનું સરખું હેત રહેતું, પણ વર્ષની શરૂઆતમાં જ એમની ચપળ આંખો હોશિયાર છોકરાંઓને શોધી કાઢતી. આખું વર્ષ પોતાના પ્રિય વિદ્યાર્થીઓ તરફ પક્ષપાત બતાવતા મોહનલાલ, વર્ષાંતે લેવાતી પરીક્ષાઓમાં એ જ વિદ્યાર્થીઓનાં પેપર બબ્બે વખત ચકાસતા અને તે પણ કડકાઈથી ! અને એમની ભૂલો આખા કલાસ વચ્ચે ખાસ જાહેર કરતા. બાળકો પણ એમના નિખાલસ અને નિષ્પક્ષ સ્વભાવને પૂરું માન આપતાં. રેખા, મીતા, ફાલ્ગુની, રહીમ અને અમર એ એમનાં પ્રિય વિદ્યાર્થીઓ હતાં, જે એ ટોળામાં ઊભાં રહી છેલ્લી ઘડીની તૈયારીઓમાં ગૂંથાયાં હતાં.
‘આજે તો છેલ્લો દિવસ, ખરું ને…!?’ છત્રી જમીન પર ટેકવીને એ ઊભા રહ્યા, અને બધાં એમને ઘેરી વળ્યાં.
‘સર, પેપરમાં શું આવશે, થોડું તો કહો….’
‘અહીં નજીક આવો બધાં, માત્ર તમને જ કહું છું હં કે…..! કોઈને કહેશો નહિ….’
બધાં એમની નજીક આવી ગયાં. કોઈએ તો વળી પેન ખોલી લખવાની તૈયારી પણ કરી લીધી. મોહનલાલ મોં પાસે હાથ મૂકી ખાનગી વાત કહેતા હોય એમ બોલ્યા :
‘ચોપડીનાં બે પૂંઠાં વચ્ચે જે કંઈ આપેલ છે એ બધું જ ખાસ ખાસ છે, એમાંથી જ પૂછ્યું છે….’ કહી ખડખડાટ હસતાં-હસતાં એ શાળાના મકાનમાં દોડી ગયા. એમની પાછળ બધાં વિદ્યાર્થીઓ પણ ખડખડાટ હસતાં-હસતાં શાળાનાં પગથિયાં ચડવા લાગ્યાં. બધાં જાણતાં હતાં જ, કે દરેક પરીક્ષા વખતે આ એમનો ક્રમ હતો. મોહનલાલનો, અને વિદ્યાર્થીઓનો પણ. મોહનલાલની આ મજાક જાણતા હોવા છતાં વિદ્યાર્થીઓ દરેક પરીક્ષા વખતે એમને આ પ્રશ્ન અચૂક પૂછતાં, અને એમના આનંદી સ્વભાવનો આનંદ માણતાં.

છેલ્લું વિજ્ઞાનનું પેપર બધાં વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં સહેલું લાગ્યું. પેપર ખરેખર તો સહેલું ન હતું પણ મોહનલાલે વર્ષભર ખંતથી ભણાવ્યું હતું તેને કારણે કોઈને અઘરું ન લાગ્યું. બધાં ખુશખુશાલ ચહેરે પરીક્ષાખંડની બહાર આવતાં હતાં. ‘તારે કેટલા આવશે… ?’ એ પ્રશ્ન હોંશથી એકબીજાને પૂછતાં હતાં. મોહનલાલ બધાંની રાહ જોઈ મેદાનમાં લીમડા નીચે ઓટલાને અઢેલીને બેઠા હતા.
સૌથી પહેલા રેખા આવી : ‘સર, તમે કહ્યું એવું જ પેપર નીકળ્યું…..!’
એની પાછળ-પાછળ જ રહીમ, અમર અને ફાલ્ગુની આવ્યાં, ‘હા સર, ચોપડીના બે પૂંઠાંની વચ્ચેથી જ બધું પૂછ્યું હતું તમે…..’
‘હા સર,’ છેલ્લે આવેલી મીતા ટહુકી, ‘તમે તો અમને ખૂબ ચોરી કરાવી….!’ તેની આ વાત સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં. મોહનલાલ પણ.
‘જુઓ છોકરાઓ, અને છોકરીઓ તમે પણ. આખું વરસ તમે દિલ દઈને ભણ્યાં છો. ખૂબ મહેનત કરી છે અને… મેં પણ ભણાવવામાં કોઈ દિલચોરી નથી કરી. તમારા એકેએક પ્રશ્નને, એકેએક મુંઝવણોને દૂર કરી છે. અને તમને જ શા માટે ? મેં તો દરેક વિદ્યાર્થીઓને પૂરા દિલથી ભણાવ્યાં છે. એ ચોરી જ કહેવાય ને ! નહીં….. ?

મોહનલાલ ખૂબ જ ખુશ હતા. વિદ્યાર્થીઓના હિતમાં જાણે એમનું હિત સમાયેલું હતું અને સામે તેમના પ્રિય બાળકો રેખા, મીતા, ફાલ્ગુની, રહીમ અને અમર પણ ખૂબ જ ખુશ હતાં. જો કે એમની ખુશીનું મુખ્ય કારણ તો હતું એમની સામે ઊભેલું લાં….બું વેકેશન ! અને એમનું વેકેશન એટલે માત્ર લાંબી રજાઓ જ માત્ર નહીં, પણ એ રજાઓનો મિત્રો સાથે મળીને મજાનો ઉપયોગ. એમને માટે રજાઓ એટલે… એમ નહીં, કે બસ કંઈ કરવાનું જ નહીં ! કે પછી…. રજાઓ એટલે બસ, માત્ર મજા કરવાની…. એમની રજાઓનો એક-એક દિવસ એટલે તો મજાની, જ્ઞાનની, રમતોની, રખડપટ્ટીની સરવાણી ! અને આ સરવાણી ફૂટી નીકળતી હતી મોહનલાલની આગેવાની હેઠળ વેકેશનમાં આદરવામાં આવતી પ્રવૃત્તિઓની વણઝારમાંથી. આમ તો આ સરવાણીમાં ભીંજાવાનું ખુલ્લું આમંત્રણ શાળાનાં બધાં જ વિદ્યાર્થીઓને મળતું. પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં સવારની પ્રાર્થના દરમ્યાન મોહનલાલ બધાંને એક લાંબુ ભાષણ આપતા. વેકેશનનો સદુપયોગ કરવાના વિષય પર એમનું આ ભાષણ તેમના પોતાના અનેકવિધ શોખ પર આધારિત રહેતું. લગભગ કલાકેક ચાલતા આ ભાષણમાં તેઓ બધાંને કોઈને કોઈ સારી પ્રવૃત્તિમાં જોડાવાનો આગ્રહ કરી પોતાની વેકેશન પ્રવૃત્તિમાં જોડાવા આમંત્રણ આપતા.

પાંચ વર્ષની એમની મહેનતના પરિણામ સ્વરૂપ એમની આ ટોળકી તૈયાર થઈ હતી. રેખા, મીતા, ફાલ્ગુની, રહીમ અને અમર એમની ટોળકીના કાયમી સભ્યો હતાં. બીજા કેટલાંક વિદ્યાર્થીઓ પણ છૂટક-છૂટક ક્યારેક જોડાતાં. એમની પ્રવૃત્તિઓ અનેકવિધ વિષયોને સાંકળી લેતી. મોહનલાલના ઉત્સાહી સ્વભાવ અને ટીમના સભ્યોના આગ્રહને કારણે શાળાના આચાર્યે તેમને વેકેશનમાં પણ શાળાના મેદાન, અને પ્રસંગોપાત મકાનનો પણ ઉપયોગ કરવા દેવાની ખાસ છૂટ આપી હતી.

વિવિધતા હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે બે ભાગમાં વહેંચાઈ જતી. બધાં આખું વરસ શાળામાં ગોંધાયેલા રહેતાં હોવાને કારણે મોહનલાલ એવી પ્રવૃત્તિઓ પર ખાસ ભાર મૂકતા જેમાં તેમને જ્ઞાન મેળવવાની સાથે સાથે પ્રકૃતિના ખોળે ખૂંદવાની પૂરતી તક મળી રહે. ગામના છેવાડે આવેલાં ખેતરો, નદી, તળાવો, ડુંગર, ઝરણાં, વગેરેની મુલાકાતો દરમ્યાન મોહનલાલ સહજતાથી બધાંને પ્રકૃતિની કેટકેટલીય વિશેષતાઓથી પરિચિત કરાવતા. કળા, સાહિત્ય, વિજ્ઞાન અને દેશ-વિદેશની અજાયબીઓનો પરિચય કરતાં-કરાવતાં એ મિત્રો સ્વપ્નોના દેશોની દૂર સુધી સફર કરી આવતાં અને કુદરતની વધુ ને વધુ સમીપ પહોંચી જતાં. કવચિત, તેમની પ્રવૃત્તિઓ શાળાના પ્રાંગણ અને અન્ય સગવડોને કેન્દ્રમાં રાખી પ્રયોજાતી. ઉનાળાના વેકેશનનો ધોમ ધખતો હોય ત્યારે બધાં શાળાના મકાનમાં જ બેસીને વિવિધ વિષયો, પુસ્તકો કે સમાચારો પર ચર્ચા કરતાં. એ વખતે વિજ્ઞાન-પ્રયોગશાળા તેમને ખૂબ જ કામ આવતી. પાઠ્યપુસ્તકની મર્યાદાની બહારના પ્રયોગો એમને વિજ્ઞાનની અગોચર અજાયબીઓની ભુલભુલામણીમાં સફર કરાવતા, ગમ્મત સાથે જ્ઞાનનો દરિયો પ્રયોગશાળાની દીવાલોમાં ફરી વળતો !

‘શું કરીશું હવે, વેકેશનમાં….’ મોહનલાલ છેલ્લું પેપર પૂરું કરીને ઓટલા પાસે એકઠાં થયેલાં બધાંને પૂછતા હતા. આગલી હરોળ એમની ટોળકીનાં પાંચેય જણાંએ પચાવી પાડી હતી. અન્ય વિદ્યાર્થીઓ પણ આ વખતે ખૂબ ઉત્સુક લાગતાં હતાં.
‘રખડપટ્ટી કરીશું….’ બધાંએ એક અવાજે મોહનલાલના પ્રશ્નને ઉત્સાહ અને ઉમંગથી વધાવી લીધો.
‘હા.. રખડપટ્ટી કરીશું. અને બીજું પણ ઘણું બધું. આ વખતે તો તમારા માટે મેં ખાસ નવી પ્રવૃત્તિઓનું આયોજન વિચાર્યું છે. જુઓ, આપણા પોતાના આનંદ માટે તો આપણે દરેક વેકેશનમાં ખૂબ આયોજન કરીએ જ છીએ. હું વિચારું છું કે… આ વખતે આપણાં ઉપરાંત આપણી શાળા, આપણી શેરી, આપણા ગામ કે આપણા સમાજને પણ આપણે કંઈક આપી શકીએ તો… બોલો, તૈયાર છો તમે બધાં…. ?
‘હા…’ ટોળું એક અવાજે ગુંજ્યું.
‘ભલે તો પછી. આજે તો તમે બધાં ઘેર જાઓ અને પરીક્ષાનો થાક ઉતારો. આવતીકાલથી આપણે અહીં જ ભેગાં થઈશું.’ ટોળાને સંબોધીને એમણે કહ્યું, ‘તમારામાંથી જેને રસ હોય એ આવતીકાલે સવારમાં આઠ વાગ્યે અહીં આવી જજો. ત્યારે વધારે વાતો કરીશું, બરાબર…. ?’
‘પણ સર… આપણે કરીશું શું, એ તો થોડું કહો… !’ અધીરી રેખા બોલી પડી.
‘કાલે… બધું જ કાલે…. હું પણ થોડો થાક ઉતારુંને આજે તો….’ કહી મોહનલાલ છત્રી ઝુલાવતાં, થેલી પકડતાં ઓટલા પરથી ઊતર્યા અને મેદાનમાં થઈ બહાર જવા રવાના થયા. ટોળું પણ એમની પાછળ પાછળ ‘હો…હો..’ અવાજો કરતું મેદાનમાંથી બહાર જવા લાગ્યું. મેદાન ધીરે ધીરે ખાલી થઈ ગયું.

લીમડા નીચે ઓટલા પાસે હવે માત્ર પાંચ જણાં જ રહ્યાં. એ પાંચ એટલે આપણા ‘હમ પાંચ !’
‘આ વખતે સર નવું શું લઈ આવ્યા હશે ?’ રેખાને કંઈ સમજાતું ન હતું.
‘ખબર નહીં ! જે હશે તે કાલે કહેશે જ ને ?’ રહીમ ઊભો થતા બોલ્યો.
‘પણ તો….ય !’ અમરને પણ અધીરાઈ આવી હતી.
‘જુઓ..’ મીતા રહીમના પક્ષે હતી, ‘દર વખતે તો આપણે ખૂબ રખડીએ છીએ, ફરીએ છીએ. આ વખતે એવું કદાચ ન પણ હોય. સર કહે છે એમ કદાચ સમાજ ઉપયોગી કામો પણ હોય… !’
‘પણ તો પછી… રખડવા-ફરવા નહીં મળે ?’ રેખાને ચિંતા થતી હતી.
ફાલ્ગુની તો સાવ નિશ્ચિંત જ હતી : ‘જુઓ,’ એણે ઊભા થતાં કહ્યું, ‘જે હોય તે, પણ સર જે કંઈ વિચારશે એમાં આપણો આનંદ તો નહીં જ ભૂલાય !’
‘હા,’ મીતાએ પણ સૂર પુરાવ્યો, ‘એમના ધ્યાનમાં આપણું વેકેશન હોય જ. એ એવું કંઈક વિચારશે જેમાં આપણને મજા પણ પડે…..’
‘સાચી વાત છે.’ રેખાને હૈયે હવે ધરપત હતી.

છેવટે બીજા દિવસે સવારે ભેગા થવાનું નક્કી કરી બધાંએ ઘર તરફ પ્રયાણ કર્યું.

[કુલ પાન : 64. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : અશ્વિન ચંદારાણા, એ-228 સૌરભપાર્ક, સુભાનપુરા, વડોદરા-390023. ફોન : +91 9998003128.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હતું – હરિશ્ચન્દ્ર જોશી
શેભર વાચન શિબિર – મૃગેશ શાહ Next »   

18 પ્રતિભાવો : રખડપટ્ટી – અશ્વિન ચંદારાણા

 1. Saifee Limadiawala says:

  ખુબ રસપ્રદ… આગળ ની વાત સસ્પેન્સ રહી.. પુસ્તક વાંચવુ જરુરી થઈ પડયુ હવે !

 2. Saifee Limadiawala says:

  ખુબ રસપ્રદ… આગળ ની વાત સસ્પેન્સ રહી.. પુસ્તક વાંચવુ જરુરી થઈ પડયુ હવે ! કેવુ સારુ રહે જો દરેક શાળા માં એક મોહનલાલ હોય્…

 3. Girish says:

  પુસ્તક વાચવા થિ આનંદ થસૅ

 4. nayan panchal says:

  આવો જુલમ શા માટે ?? હવે આગળની વાર્તા જાણવા માટે પુસ્તક શોધવુ પડશે.

  લખવાની શૈલી એકદમ જીવંત અને સરળ, મજા આવી ગઈ.

  મૃગેશભાઈ, એક આડ વાતઃ આવી જ રીતે સફારી જેવા મેગેઝિનમાંથી (જૂના અંકો પણ ચાલશે) પણ કદીક રસપ્રદ લેખો આપતા હો તો …

  નયન

 5. Vaishali Maheshwari says:

  Thank you Mr. Ashwin.

  Nice story.
  Hats off to teachers like Mohanlal.
  I am glad to know that children are enjoying their vacation also and at the same time learning also.

  The end part is left as a suspense, so we will have to get the book to know what was the activity that the teacher has decided for the kids to do in this long vacation.

  Thank you once again.

 6. Veena Dave, USA says:

  સરસ.

 7. Paresh says:

  KHUBAJ SARAS STORY……………..I really apreciate such teachers who always inspire their students to discover the new world…….and also help them to develop their own ability to do new things and develope their hiddne powers.

 8. આભાર! ખૂબ ખૂબ આભાર આપ સૌનો.

  આજના આ ઝડપી યુગમાં બાળકો વિષે આટલું વિચારનાર એક વર્ગ હજુ જાગૃત છે તે જાણી ખૂબ આનંદ થયો.

  અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા

 9. ભાવના શુક્લ says:

  ડીંગ ડોંગ !!!
  અરે… આમ અધુરી વાર્તાતો કેમ ચાલશે!
  મૃગેશભાઈ, બીજા એપીસોડ પણ આપીજ દો.. બાકી રસક્ષતિનો દોષ તમારા માથે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.