- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શેભર વાચન શિબિર – મૃગેશ શાહ

આજના વ્યસ્તતાભર્યા જીવનમાં માણસને કોઈક સારી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય તો પણ તેની માટે તે સમય કાઢી શકતો નથી. બે છેડા ભેગા કરવામાં જ તેનું જીવન પૂરું થઈ જાય છે. પોતાના ભાગ્યમાં પરિવાર સાથે વીતાવવાની માંડ થોડીક પળો બચે છે ત્યાં વળી અન્ય પ્રવૃત્તિઓ માટે તો અવકાશ જ ક્યાંથી રહે ? સંઘર્ષમય જીવન સાથે વ્યવહારો, જવાબદારીઓ અને નાની-મોટી ચિંતાઓ તો ખરી જ ! પરંતુ તે છતાં, આ બધાની વચ્ચે જેને કંઈક કરવું છે તે પોતાનો માર્ગ તો શોધી જ લે છે ! એટલે કહેવાયું છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જેને સ્નાન કરવાનો આનંદ લેવો છે એને વળી દરિયાની લહેરો શાંત થાય તેની રાહ જોવાનું કેમ પરવડે ? માણસે તો આ રોજબરોજના સંઘર્ષ વચ્ચે જ દીવામાંથી દીવો પેટાવીને પોતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવાનું હોય છે. સમાજના ખૂણે કેટલાય લોકો મૂક બનીને સુંદર પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ આપણને તેમની જાણ હોતી નથી. આજે આપણે એવા જ બે ગ્રુપની વાત કરવાની છે જેમાંના તમામ યુવાનો આપણી જેમ વ્યસ્તતાભરી જિંદગી જીવતા હોવા છતાં પોતાનો થોડોક સમય સમાજની ઉન્નતિ માટે આપે છે. તેઓ પોતાના કામનો કોઈ પ્રચાર નથી કરતા, પરંતુ તેને એક સામાજિક જવાબદારી ગણીને પૂરી નિષ્ઠાથી નિભાવે છે.

આ બંને ગ્રુપમાં પ્રથમ છે ગાંધીનગરનું ‘સર્જન ગ્રુપ.’ પ્રાધ્યાપક ડૉ. પ્રણવ જોશીપુરા, શ્રી તરંગભાઈ હાથી, શ્રી વત્સલભાઈ વોરા જેવા યુવા સરકારી કર્મચારીઓ અને કૉલેજની કેટલીક વિદ્યાર્થીનીઓનું બનેલું આ ગ્રુપ ગાંધીનગરમાં પ્રતિવર્ષ બાળકો માટે વિનામૂલ્યે વાચન શિબિરનું આયોજન કરે છે. તેમની એક દિવસથી લઈને ત્રણ દિવસીય વાંચન શિબિરોનો આજ સુધીમાં અનેક બાળકો લાભ લઈ ચૂક્યા છે. એમનું આયોજન પણ નોખા પ્રકારનું હોય છે. વાંચન-શિબિર એટલે ફક્ત બાળકોને વાંચતા કરવા એટલું નહિ પરંતુ એમને વાંચવું ગમે તેવો માહોલ ઊભો કરી આપવાનું અદ્દભુત કામ આ ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે. તેના તમામ સભ્યો નોકરી-વ્યવસાય કે અભ્યાસમાં રોકાયેલાં હોય છે પરંતુ જ્યારે શિબિરનું આયોજન નક્કી થાય ત્યારે સૌ કોઈ ભેગા મળીને પોતપોતાની જવાબદારી ઉપાડી લે છે. શિબિર માટે કોઈ શાળાનું પ્રાંગણ શોધવું, અખબારમાં પ્રેસનોટ આપવી, વાંચન માટે મોટી સંખ્યામાં બાળસાહિત્યના પુસ્તકો ભેગા કરવાં, વાલીઓને જાણ કરવી જેવા અનેક કામમાં તેઓ લાગી જાય છે. શિબિર દરમિયાન બાળકોને સતત રસ લેતાં કરવા, વાર્તા કહેવડાવવી, વાર્તા લખાવવી, સાહિત્યની રમતો રમાડવી – જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓને ભારે જાહેમત ઉઠાવવી પડે છે પરંતુ સમાજના બાળકો માટે ‘કંઈક કરવું છે’ એવો દ્રઢ સંકલ્પ માર્ગની તમામ મુશ્કેલીઓને દૂર ફેંકીને તેમની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવે છે. આ તમામ પ્રવૃત્તિ પાછળ તેમનો એક માત્ર હેતુ છે બાળકોને સાહિત્યમાં રસ લેતા કરવાનો…. આ ગ્રુપની વિશિષ્ટતા એ છે કે તેમણે કોઈની પાસે એક પણ પાઈ ન સ્વીકારવાની બાબતને પાયાના મૂલ્ય તરીકે સ્વીકારી છે. જે કંઈ ખર્ચ થાય તે સૌએ સાથે મળીને વહેંચી લેવાનો. ન કોઈ સ્પોન્સર્સ, ન કોઈ ફી, ન કોઈ ઍડવર્ટાઈઝિંગ. કેવી નિ:સ્વાર્થ સેવા !

આ પ્રકારનું બીજું ગ્રુપ છે પાલનપુર પાસે આવેલા વડગામના યુવકોનું ‘વડગામ વેલફેર ટ્રસ્ટ.’ શહેરમાં અભ્યાસ કર્યા બાદ પોતાના ગામમાં સ્થાયી થઈને ગ્રામવિકાસની પ્રવૃત્તિઓ કરવી તે આ ગ્રુપના તમામ યુવા કાર્યકરોનો મુખ્ય ઉદ્દેશ છે. આ ટ્રસ્ટની રચનાની વિગતો રસપ્રદ છે. વડગામમાં રહીને બનાસ ડેરીમાં નોકરી કરતા શ્રી નિતિનભાઈને એક વાર ગુગલ પર સર્ચ કરતાં ગ્રામિણ વિકાસ માટેની ‘નાબુર ફાઉન્ડેશન’ નામની વેબસાઈટ વિશે માહિતી મળી. આ વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નિતિનભાઈએ પોતાના ગામના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટ વિશેની માહિતી તેમાં મૂકી અને ત્યારબાદ આજ સુધીમાં દેશ-વિદેશમાંથી 125થી વધુ વ્યક્તિઓએ તેમાં સભ્ય બનીને ગામવિકાસની માહિતીનું તેમની સાથે આદાન-પ્રદાન કર્યું. માત્ર એટલું જ નહિ, નિતિનભાઈની ગ્રામવિકાસની પ્રવૃત્તિઓથી પ્રેરાઈને નેધરલેન્ડ સ્થિત આ સંસ્થાના પ્રમુખ મિ. પીલે તથા તેમના પત્ની સીયાએ વડગામની મુલાકાત પણ લીધી ! એ રીતે વીપ્રો કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા અને આઈ.આઈ.એમ ગ્રેજ્યુએટ થયેલા મુંબઈના શ્રીમતી પુનમબેને ‘ટ્રસ્ટ’ની રચનાનું તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તમામના સહયોગથી 2008માં આ ટ્રસ્ટની રચના થઈ, જેમાં હાલ નિતિનભાઈ પ્રમુખપદ સંભાળી રહ્યા છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં ગામવિકાસ તો ખરો જ પરંતુ તે સાથે તેઓ બાળકોના વિકાસ માટે પણ સતત કમર કસી રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિત્રસ્પર્ધા, રમતગમત અને વાંચન શિબિર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને નોકરી સાથે વ્યસ્ત હોવા છતાં ગામના યુવાનો સમાજને એક સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અહીં મારે આ ‘સર્જન ગ્રુપ’ કે ‘વડગામ વેલફેર ટ્રસ્ટ’ની વધારે વિગતો આપવાની જરૂર એટલા માટે નથી કારણકે ગતવર્ષે ‘વાચન શિબિરની મુલાકાતે [1]’ અને ‘વડગામની વાટે [2]’ લેખોમાં આપણે તેમની પ્રવૃત્તિઓનો પરિચય મેળવી ચૂક્યા છીએ. આથી હવે મૂળ વાત શરૂ કરું… સમાજમાં શુભ પ્રવૃત્તિ કરનારા આ બંને સંગઠનોએ એકબીજા વિશે ઉપરોક્ત લેખો દ્વારા જાણ્યું અને પરિણામે વડગામથી 25 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠાના અંતરિયાળ એવા ‘શેભર ગામ’ ખાતે પ્રકૃતિની ગોદમાં વાચન શિબિર ગોઠવાય એવા ચક્રો ગતિમાન થયા. ‘સર્જન ગ્રુપ’ માટે ગાંધીનગર બહારની આ પહેલી વાચન શિબિર હતી જ્યારે આ બાજુ વડગામના બાળકો માટે આ સૌથી પહેલી સાહિત્ય-શિબિર હતી. આ બંને ‘વર-કન્યા’ના છેડા ગાંઠવામાં મને ‘ગોર મહારાજ’ની ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો એનો અપાર આનંદ થયો. છેવટે વાચન-શિબિર માટે 25મી એપ્રિલ, 2009ની તારીખ નક્કી થઈ અને અમે સૌ ગાંધીનગરથી શેભરગામ જવા માટે વહેલી સવારે રવાના થયા. મારી સાથે ‘સર્જન ગ્રુપ’માંથી ડૉ. પ્રણવભાઈ જોશીપુરા, શ્રી તરંગભાઈ હાથી, શ્રી વત્સલભાઈ વોરા, કુ. યાત્રીબેન દવે તથા કુ. મિત્તલબેન પંડ્યા જોડાયા હતા.

ઉનાળાની સવારનું એ નયનરમ્ય દ્રશ્ય હતું. અમારી કાર હાઈ-વેના રસ્તાને છોડીને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારો તરફ સડસડાટ દોડી રહી હતી. વડના ઝાડની વડવાઈએ હીંચકતા બાળકો, તળાવ કિનારે કપડાં ધોતી સ્ત્રીઓ અને નાના ટીંબાઓ પર ગાયો ચરાવતા ગોવાળો.. ગ્રામ્ય વાતાવરણનો અદ્દભુત સ્પર્શ કરાવી રહ્યા હતા. ત્રણ કલાકની મુસાફરી બાદ ખડકોના બનેલા બે મોટા પર્વતોને પાર કરીને નવ વાગ્યે અમે ચારેબાજુ પર્વતોથી ઘેરાયેલા શેભર ગામ પાસે પ્રકૃતિની ગોદમાં આવી પહોંચ્યા. શિબિરનું સ્થળ મુખ્ય માર્ગથી એકાદ કિ.મી અંદર ગોગાજી મહારાજના મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યું હતું. નદીના ભાઠાની રેતી જેવી ઝીણી ધૂળના રસ્તે હવે આગળ જીપ વગર જવું શક્ય નહોતું. અમે સૌ જીપમાં ગોઠવાયા અને કેડિયા રસ્તે પર્વતોના ઢોળાવો પસાર કરીને શિબિરના સ્થળે જઈ પહોંચ્યા.

બરાબર સાડા નવ વાગ્યે કાર્યક્રમની શરૂઆત થઈ. પાલનપુરના ‘અભિષેક ગ્રુપ’ના બાળકોએ પ્રાર્થનાથી પ્રારંભ કર્યો. ત્યારબાદ વડગામની બાળાઓ દ્વારા ‘સ્વાગત ગીત’ રજૂ કરવામાં આવ્યું. તેઓની પ્રસ્તુતિમાં વિશેષતા એ રહી કે સંગીતના વાજિંત્રોનું સંચાલન પણ નાનકડા બાળકલાકારોએ જ કર્યું હતું. શ્રી નિતિનભાઈ અને તેમના સાથીઓ દ્વારા તમામ આમંત્રિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ડૉ. પ્રણવભાઈ જોશીપુરાએ કાર્યક્રમનું સંચાલન સંભાળી લેતાં વાંચનશિબિરનો પ્રારંભ કર્યો હતો. તેમણે બાળકોને વાંચન અને સાહિત્યની જરૂરિયાત સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતાં તેમણે તમામ બાળકોને રસપૂર્વક વાંચવાની કળા વિશે વાત કરી હતી.

શિબિરનો પ્રથમ તબક્કો ‘પુસ્તક વાંચન’નો હતો. કુલ 52 બાળકો માટે અહીં 160 જેટલા બાળસાહિત્યના પુસ્તકોની નાનકડી લાઈબ્રેરી તૈયાર કરવામાં આવી હતી. પ્રત્યેક બાળકે એક-એક કરીને તેમાંથી પોતાને મનગમતું પુસ્તક લઈને, નામ નોંધાવીને, આખા પરિસરમાં પોતાને મનગમતી કોઈ પણ જગ્યાએ વાંચવા બેસવાનું હતું. પુસ્તકોની નોંધણીનું કામ યાત્રીબેન અને મિત્તલબેન સંભાળી રહ્યા હતાં. બાળકો ઉત્સાહભેર પોતાને મનગમતું પુસ્તક મેળવવા તલપાપડ થઈ રહ્યા હતાં. કોઈ અકબર-બીરબલ તો કોઈ બત્રીસપુતળીની વાર્તા તો કોઈ વળી છકો-મકો-ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ કે અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તાઓ શોધી રહ્યા હતા. પોતાને ગમતું પુસ્તક હાથ લાગી જતાં બધા પોતાના મિત્રો સાથે પાળી પર, ચોગાનમાં, ઝાડ નીચે, ઓટલા પર કે બાંકડા જેવી પોતાની મનપસંદ જગ્યાએ ગોઠવાઈ ગયા હતાં. બધા બાળકો પુસ્તક ખોલીને વાંચવામાં તલ્લીન થઈ ગયા હતાં. સાર્વજનિક પુસ્તકાલયની જેમ ચોમેર શાંતિ ફેલાઈ ગઈ હતી. આ શાંત વાતાવરણમાં કોયલના મીઠા ટહુકા વાતાવરણને મધુરતાથી ભરી રહ્યા હતા. બાળકોને આટલી એકાગ્રતાથી વાંચતા જોઈને મોટેરાંઓ સાથે અમે સૌ કોઈ બાળપણના દિવસો યાદ કરતાં પુસ્તક લઈને વાંચવા બેસી ગયા હતા ! થોડાક સમય માટે જાણે એમ લાગતું હતું કે આખા પરિસરમાં કોઈ છે જ નહિ.

દોઢ કલાકના વાંચન બાદ બીજો તબક્કો ‘વાર્તા કથન’નો હતો. આ તબક્કામાં બાળકોએ પુસ્તકમાં જે વાર્તા વાંચી હોય તે સ્ટેજ પાસે આવીને મોઢે કહી સંભળાવવાની હતી. બાળકોમાંથી સ્ટેજની બીક દૂર થાય, વાર્તા કહેવાની અને પોતાના વિચારો રજૂ કરવાની ક્ષમતા ખીલે તે માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળકો સંકોચ અનુભવતા હતા. આયોજકોને પણ શંકા હતી કે ગ્રામ્ય વિસ્તારના બાળકો જાહેરમાં બોલવા ઊભા થઈ શકશે કે કેમ ? પરંતુ એક-બે બાળાઓએ વાર્તા કહેવાની શરૂઆત કરતાં સૌ કોઈ એક પછી એક ઉત્સાહભેર નિર્ભીકપણે બોલવા ઊભા થઈ રહ્યા હતાં. કોઈએ વિક્રમ-વેતાળની વાર્તા કહી તો કોઈએ પોતાની આગવી અદાથી ચતુર બિરબલની વાર્તા કહી સંભળાવી. દરેક બાળકની પોતાની આગવી શૈલી, હાવભાવ અને મુદ્રાઓ હતી. તેમાંય ઉત્તર ગુજરાતની મીઠી ભાષા અને લહેકાઓનું તો પૂછવું જ શું ! બાળકોના નિર્દોષ અને માસૂમ ચહેરાઓ સાથેની આ સહજ બોલી બધાને આનંદિત કરી રહી હતી. એક નાનકડા ટપુડાએ રમૂજી ટૂચકો શરૂ કરતાં કહ્યું કે :
‘ઈક ડોહીમા હતા. ઈ ડોહીમો બહુ દારૂ પીએ. પીને…પીને…. ઈ મોંદા પડ્યા. સોકરો ઈની સેવા નો કરે. પણ તોય ડોહીમા બહુ મોંદા થ્યા તે સોકરો દાક્તર પાંહે ગ્યો. દાકતર પોંહે જઈને કહે, દાક્તર સા’બ… ડોહીમા બીમાર સે તી દવા આલો… દાક્તર કહે : આ લ્યો… હલાવીને પાઈ દે’જો…. તે ઈ સોકરો દવા લઈને ઘેર આઈવો…. ડોહીમોને બરોબરના હલાઈવા…. ઈ હાલવામાં ને હાલવામાં તો ગુજરી ગ્યા ને દવા રહી ગઈ એક કોર !!….’ દવાની બાટલી હલાવવાની જગ્યાએ મૂર્ખાએ ડોશીમાને હલાવ્યા – એની સરસ અભિવ્યક્તિ ટપુડાએ જાણે શબ્દો દ્વારા ભજવી બતાવી ! એક પછી એક બાળકો સુંદર વાર્તાઓ કહી રહ્યા હતા. વાર્તાની સાથે એનો બોધ એમને બરાબર યાદ રહી ગયો હતો. શ્રોતાઓ તરીકે સાંભળનારા બાળકો પણ જિજ્ઞાસાથી નવી નવી વાર્તાઓનું રસપાન કરવામાં એકાગ્ર થઈ ગયા હતાં. એમની ચંચળ આંખો કશું નવું શીખવામાં જાણે સ્થિર થઈ ગઈ હતી. બાળકોના વાર્તા-કથન બાદ ડૉ. પ્રણવભાઈએ તેમને સુંદર મજાની બોધપ્રદ બે વાર્તાઓ કહી સંભળાવી હતી. તેમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના બાળકોએ સંતોષકારક જવાબો આપ્યા હતાં.

બપોરે ભોજન માટે એક કલાક વિરામ રાખવામાં આવ્યો હતો. હવે શિબિર જાણે કે પિકનિકમાં ફેરવાઈ ગઈ હતી ! જો કે પોતાના ગામથી 25 કિ.મી દૂર આવેલા બાળકો માટે તો આ પિકનિકનું જ સ્થળ હતું ! આમંત્રિતો અને બાળકો માટે ભોજનની ખાસ વ્યવસ્થા વડગામ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. બધાએ એક જ પંગતમાં સાથે ગોઠવાઈને સમૂહ ભોજનનો આનંદ માણ્યો ત્યારે મોટેરાંઓને પણ પોતાના સ્કૂલના દિવસોની યાદ તાજી થઈ ગઈ. જમીને આયોજકો આગળના તબક્કાઓની તૈયારીમાં ગૂંથાયા હતા જ્યારે બાળકોએ ઝાડની ડાળીએ લટકીને હિંચકા ખાવાનો આનંદ માણ્યો હતો. કેટલાક વળી નાનકડા ટીંબાઓ પર ચઢી આવ્યા તો કોઈકે પકડદાવ રમવાનું શરૂ કર્યું. બધાને આજે જ્ઞાન સાથે ગમ્મત માણવાની મજા પડી ગઈ હતી.

ભોજનના વિરામ બાદ શિબિરનો ત્રીજો તબક્કો શરૂ થયો. આ તબક્કો ગીત-સંગીત અને નાટક વિશેનો હતો. પાલનપુરના ‘અભિષેક ગ્રુપ’ના બાળકોએ ‘ઈતની શક્તિ હમે દેના દાતા…..’થી માંડીને એકથી એક સુંદર ગીતો સંગીત સાથે પ્રસ્તુત કર્યા હતા. ત્યારબાદ તેઓએ શ્રી પ્રાગજી ડોસાનું પ્રસિદ્ધ નાટક ‘સૌથી મોટો મંત્ર’ ભજવ્યું હતું અને એ પછી તુરંત વડગામના બાળકોએ વ્યસનથી થતા નુકશાન વિષય પર સુંદર બાળનાટક રજૂ કર્યું હતું. તમામ નાટકોમાં બાળકોની અભિવ્યક્તિ એટલી સુંદર હતી કે તેઓ પાત્રો અને સંવાદોને સારી પેઠે ન્યાય આપી શક્યા હતાં. સમાજમાં ફેલાતા દંભ, ભષ્ટાચાર અને વિકૃતિઓ સામે આ નાટકો જાગૃત બનવાનો સંદેશ આપી રહ્યા હતા. ત્રીજા તબક્કાની સમાપન વેળાએ બાળકોએ ગીત અને કવ્વાલી પ્રસ્તુત કર્યા હતાં. છેલ્લે, ડૉ. પ્રણવભાઈએ બાળકોને ફરી કેટલીક વાર્તા કહી સંભળાવી હતી.

શિબિરનો અંતિમ તબક્કો પ્રશ્નોત્તરીનો હતો જેમાં મારે બાળકોને સમગ્ર શિબિરમાં કહેવાયેલી વાર્તાઓમાંથી કેટલાક પ્રશ્નો પૂછવાના હતા. જે બાળક સાચો ઉત્તર આપે તેને ‘સર્જન ગ્રુપ’ તરફથી એક ભેટપુસ્તક આપવામાં આવ્યું હતું. આશરે 25 જેટલા ભેટપુસ્તકોથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘શ્રેષ્ઠ વાર્તા કથન’ અને નાટ્ય-અભિનય માટે પણ ભેટપુસ્તક આપવામાં આવ્યા હતાં. બાળકો ખુશખુશાલ ચહેરે શિબિર માણ્યાનો આનંદ અનુભવી રહ્યા હતાં. છેલ્લે, ‘વડગામ વેલફેર ટ્રસ્ટ’ના શ્રી નિતિનભાઈએ ‘સર્જન ગ્રુપ’ના તમામ સદસ્યોનો આભાર માન્યો હતો. આભારવિધિ બાદ સાંજે પાંચ વાગ્યે કાર્યક્રમ સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી. ગ્રામપંચાયતના સભ્યો, ટ્રસ્ટના કાર્યકરો, અગ્રણીઓ અને તમામ બાળકોને મળીને અમે સૌ વિદાય લઈ રહ્યા હતા ત્યારે બધાના ચહેરા પર કંઈક આપ્યા-કંઈક મેળવ્યાનો સંતોષ અને સ્નેહ છલકાઈ રહ્યો હતો.

શરૂઆતમાં આપણે વાત કરી કે આજના વ્યસ્તતાભર્યા જીવનમાં કોઈને કોઈની માટે સમય હોતો નથી. પરંતુ ‘સર્જન ગ્રુપ’ અને ‘વડગામ વેલફેર ટ્રસ્ટે’ એ સાબિત કરી બતાવ્યું છે કે જેને કંઈક કરવું છે તેને બહાનાંઓની આવશ્યકતા રહેતી નથી. આપણામાંથી ઘણા લોકો કોઈને કોઈ ગામ સાથે જોડાયેલા હોઈશું. રોજ નહિ, પરંતુ મહિને કે વર્ષે એકાદ વાર સામાજીક ફરજ સમજીને આપણે આ સમાજનું ઋણ ચૂકવી શકીએ તો કેવું સારું ! શિક્ષિત વ્યક્તિઓ સપ્તાહમાં એક દિવસ પોતાની સોસાયટીના બાળકોને સાહિત્યની વાર્તાઓ કહેવા માટે કાઢશે તો ગુજરાતી ભાષા બચાવવા માટે રેલીઓ કાઢવી નહીં પડે. સવાલ છે ‘વાતોના વડા’ કરવાનું બાજુએ મૂકીને કંઈક નક્કર પગલાં ભરવાનો…જે આ બંને ગ્રુપના તમામ યુવાનોએ કરીને દેખાડ્યું છે. ખરા અર્થમાં જેણે ભાષાની સેવા કરવી હશે તેમણે આ રીતે સમાજના છેવાડાના માણસો સુધી જવું પડશે. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારને મૂળમાંથી બેઠા કરવા પડશે. ભાષા તેના શબ્દોથી મહાન તો હશે જ, પરંતુ પોતાના આરામનો ભોગ આપીને નિ:સ્વાર્થભાવે આવી પ્રવૃત્તિ કરનારા યુવાનોથી ગુજરાતી ભાષાની છાતી ગજગજ ફૂલે છે એમ કહેવામાં કોઈ લેશમાત્ર શંકા નથી. આપણે આમાંથી પ્રેરણા લઈશું ને ?

[ આપ શ્રી નિતિનભાઈનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : ફોન : +91 9879595732.  સરનામું : નિતિન એલ.પટેલ, મુકામ : લક્ષ્મણપુરા (વડગામ), પોસ્ટ તાલુકો : વડગામ-385410 જિલ્લો. બનાસકાંઠા.]

[ ‘સર્જન ગ્રુપ’ નો સંપર્ક : ડૉ. પ્રણવ જોશીપુરા : +91 9825013753. શ્રી વત્સલ વોરા : +91 9909921097. શ્રી તરંગ હાથી : +91 9427605204. ઈ-મેઈલ : tarang.hathi@nic.in ]

[ શેભર શિબિરના તમામ ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે : (કુલ ફોટો : 104)]