મમ્મી, તું હસ ! – કલ્પના જિતેન્દ્ર

[ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી લોકપ્રિય કોલમ ‘ઋણાનુબંધ’ ના લેખિકા કલ્પનાબેન જાણીતા સાહિત્યકાર છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર સતત એક વર્ષ સુધી દત્તક લીધેલાં બાળકોને કેન્દ્રમાં રાખીને આ કોલમ દ્વારા સુંદર વાર્તાઓ તેમણે સમાજને પીરસી છે. તેમની આ કોલમ એટલી તો લોકપ્રિય બની છે કે બાળક દત્તક લેનાર માતાપિતા કે સંસ્થાઓ તેમને આ બાબતે આજે પણ સૌથી પહેલો સંપર્ક કરે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા તેમના જ જીવનની સત્ય ઘટના છે. પોતાની દત્તક લીધેલી બાળકી પ્રત્યેનો માતૃપ્રેમ તેમાં સુપેરે પ્રગટ થયો છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427714120]

વડોદરાથી મોટાભાઈનો ફોન હતો. દીકરી સોનલનું વેવિશાળ છે. ચોક્કસ આવવાનું છે. રવિવાર છે એટલે જિતેન્દ્ર અને પૌલમીને પણ અનુકૂળ રહેશે. શક્ય હોત તો શનિવારે જ આવો ! મોટાભાઈને ઘેર પહેલો જ પ્રસંગ ! હરખાતાં હરખાતાં વાત કરતા હતા… મને પણ આનંદ તો થાય જ ! ભત્રીજીનું વેવિશાળ અને ફૈબાના હૈયે ઉમંગ કેમ ન હોય ? હોંશીલા અવાજે મેં પણ એમના ઉત્સાહનો એવો જ પ્રતિભાવ આપ્યો !… મોટાભાઈને જરા સરખો અણસાર પણ ન આવવા દીધો કે મારી તબિયત ખરાબ છે ! વાસ્તવમાં કરોડરજ્જુની તકલીફના કારણે સખત દુખાવો હતો. બેસવા, ઊઠવા, ચાલવાની તકલીફ. ડૉક્ટરે ત્રણ મહિના બેડરેસ્ટ લેવાનો કહેલો. મુસાફરીની પણ મનાઈ !… પણ ભાઈના ઘરે, આખા કુટુંબમાં પ્રથમ પ્રસંગ એટલે મનમાં ઉત્સાહ કે ગાડીમાં સૂતાં સૂતાં પણ જઈશ તો ખરી જ !

પણ મારા ઉત્સાહ પર ખરા જ અર્થમાં ઠંડું પાણી ફરી વળ્યું ! રવિવારે વહેલી સવારે નીકળી રાત્રે પરત ફરવાનું વિચારેલું. ત્યાં અચાનક શનિવારે રાત્રે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો ! ગાંધીનગર-વડોદરા વચ્ચે રસ્તા પર ઠેર ઠેર મોટાં વૃક્ષો ઢળી પડેલાં ! વાતાવરણ પણ અનુકૂળ નહોતું ને સ્વાસ્થ્ય પણ અનુકૂળ નહોતું. એમાં વળી ધ્યાનચૂકથી કાંઈક વજન ઊંચકાઈ જતાં પીઠમાં અસહ્ય દુખાવો ઊપડ્યો ! તીવ્ર ઈચ્છા છતાં હું નીકળી શકું તેમ નહોતી ! જિતેન્દ્રએ તો હાજરી આપવી જ રહી. વરસાદ ધીમો રહેતાં એ નીકળ્યાં, પણ સતત ચિંતિત હતાં.

હું પણ પેઈન કિલર લઈને પાછી સૂઈ ગઈ. ઠંડીના કારણે પૌલોમી મારા પડખામાં જ ઢબુરાઈને સૂઈ ગયેલી. એ ઊઠી ત્યારે જિતેન્દ્ર નહોતા. ઊઠીને કહે :
‘મમ્મી ! ડેડી મામાના ઘરે ગયા ? મને કેમ ન જગાડી ?’
‘તું ઘસઘસાટ ઊંઘતી હતી, તને પપ્પી કરીને ગયા !… તું જાતે દૂધ પી લઈશ કે હું ઊઠું ?’
‘કેમ ? તબિયત વધારે બગડી છે ?’
‘હા, બેટા ! આજે વધારે દુ:ખે છે, ચક્કર આવે છે. ઊભી નહિ થઈ શકું. તારું બધું કામ તારે જાતે જ કરવું પડશે ! કરીશ ને !’
‘હા ! હા ! મમ્મી ! પણ તને બહુ દુ:ખે છે તો ગરેડી ફેરવી દઉં ?’ મને આશ્ચર્ય થયું. મારા કહ્યા વિના દીકરી આજે સામેથી મને ગરેડી ફેરવી દેવાનું કહે છે ! મને સખત દુ:ખાવો ઊપડે ત્યારે હું એક્યુપ્રેશરની લાકડાની ગરેડી પીઠ ઉપર ફેરવું છું, જેનાથી ઘણી રાહત રહે છે. દાંડો લાંબો હોય એટલે ગરદન પર, ખભા પર ને પીઠના ઉપરના ભાગે હું જાતે જ ફેરવી શકું. પણ પીઠમાં વચ્ચે કે નીચેના ભાગમાં દુ:ખાવો હોય તો બીજું કોઈ ફેરવી આપે તો જ ફાવે. ઘણીવાર જિતેન્દ્ર પીઠમાં ગરેડી ફેરવી આપે ને થોડી વારમાં હું ઘસઘસાટ ઊંઘી પણ જાઉં ! પેઈન કિલર કરતાંય ગરેડીથી વધુ રાહત મળે, પણ એના માટે મારે કોઈની મદદ લેવી પડે !

અત્યારે જિતેન્દ્ર નથી તો દીકરી ફેરવવા તૈયાર થઈ છે ! પણ હજુ ગયા અઠવાડિયાનો જ સંવાદ :
સાંજના ચારેક વાગે સખત દુ:ખાવો ને ચક્કર આવવા માંડ્યા, પેટમાં પણ વીંટાય ! બ્રુફેન લેવા છતાંય રાહત ન થઈ. પૌલોમી ઘરમાં હતી. રમવા નીકળવાની તૈયારી કરતી હતી.
મેં કહ્યું : ‘બેટા ! ગરેડી ફેરવી દે ને ! બહુ દુ:ખે છે.’
‘ના ! હું તો નથી ફેરવવાની !’
‘બેટા પ્લીઝ ! બહુ દુ:ખે છે ને ચક્કર આવે છે, થોડી વાર જ !’ એને શું સૂઝયું કે એના ડેડીને ફોન કરી દીધો : ‘જલદી આવો ! મમ્મીની તબિયત ખરાબ છે.’
‘અરે ! તેં એમને શું કામ દોડાવ્યા ? તું જ ફેરવી દે ને ?’
‘મમ્મી બસ ! મેં ઑફિસે ફોન કરી દીધો ને ? તું ડેડીની ગરજ કર (મદદ લે !), મારી નહિ. મારી ગરજ શા માટે કરે છે ?’
‘બેટા ! તું દીકરી છો મારી ! મમ્મીને આટલું નહિ કરી આપે ?’
‘હું તો નાની છું, મારે રમવાનું હોય કે નહિ ? આ મારો રમવાનો સમય છે, ડેડી હમણાં આવતા જ હશે.’ તે દિવસે ધરાર એણે ગરેડી ન ફેરવી તે ન જ ફેરવી ! અરે ! મેં કહ્યું : ‘ઉપરના રૂમમાં જઈને લાવી તો આપ !’ … એ ઉપર લેવા પણ ન ગઈ ! હા, એટલું જરૂર કર્યું કે મારી સામે ને સામે બેસી રહી ! મને એકલી ન છોડી ! અને જેવા જિતેન્દ્ર ઓફિસેથી આવ્યા કે એ દોડતી ઉપર જઈ ગરેડી લઈ આવી ! હું સહેજ ખિજાઈ.
‘મને લાવી આપી હોત તો હું જાતે જાતે થોડી ફેરવત ને ? હવે કેમ લાવી આપી ?’
‘એ તો ડેડીને દુ:ખતા પગે દાદરો ચડવો ન પડે ને એટલે !’ ખેર ! મન મનાવી લીધું. ચાલો કાંઈ નહિ, મારી નહિ તો એના ડેડીની તો ચિંતા કરે છે !

અને આ જ દીકરી અત્યારે મારું કેટલું ધ્યાન રાખે છે ! મેં વહાલથી બાથમાં લઈ ના પાડી કે અત્યારે બ્રુફેન લીધી છે તેથી જરૂર નથી. રવિવાર એટલે એનો ટી.વી. જોવાનો ને રમવાનો દિવસ ! એને બદલે સવારથી મારી સામે બેસી રહી. એને રમવા જવાનું કહ્યું તો કહે :
‘ના, મમ્મી ! તને કાંઈ જરૂર પડે તો ? ડેડી પણ નથી.’
ડેડીની ગેરહાજરીમાં એણે પોતે જ મારી જવાબદારી ઉપાડી લીધી. અગાઉ મને ગરેડી ફેરવી દેવાની ના પાડેલી, પણ ત્યારે તો મારી સંભાળ લેનાર એના ડેડી હતા એટલે ! એમની ગેરહાજરીમાં આપોઆપ જ જવાબદારીની સભાનતા આવી ગઈ !

સવારથી સાંજ સુધી એણે ઝીણી ઝીણી વાતમાં મારી સંભાળ લીધી, મારી થાળી પીરસી, જમાડી. આજે એ પ્રથમવાર મને જમાડતી હતી. કોળિયો ભરતાં કોઈ અજબની તૃપ્તિ મળતી હતી ! ચાર વાગ્યે મારા કહેવા છતાં રમવા ગઈ નહિ. સવારે લીધેલી ટેબ્લેટની અસર ઓછી થતાં ફરીથી સખત દુ:ખાવો ઊપડ્યો ને ચક્કર આવવા માંડ્યા ! જેની પીડા ચહેરા પર ઊભરાઈ આવી. એણે નોંધ્યું ને તરત કહે :
‘મમ્મી, ગરેડી ફેરવી દઉં ?’
‘હા, બેટા ! બહુ દુ:ખે છે.’
હું પાટ પર ઊંધી સૂઈ ગઈ. એણે થોડી વાર ફેરવી પણ પોતે નાનકડી ને નાનકડા હાથ, એને લંબાવવું પડતું હતું.
મેં કહ્યું : ‘હું બેસું તો તને વધારે ફાવશે ?’
‘હા, પણ તને મુશ્કેલી નહિ પડે ને ? બેસી શકીશ તું ?’
‘અરે ! મારી મીઠડી ! આટલી ઝીણી ઝીણી સૂઝ તારામાં ક્યાંથી આવી ગઈ ?’ મને એકદમ વહાલ ઊભરાઈ આવ્યું ને આંખમાં આંસુ પણ, હું ગદગદિત થઈ ગઈ.

પાટ ઉપર માથું ટેકવી હું નીચે બેસી ગઈ, જેથી મારી પીઠ ઉપર એ સહેલાઈથી ફેરવી શકે, જોકે એને શ્રમ તો પડે જ ! દુ:ખાવો અસહ્ય હતો. સામાન્ય રીતે દસ-પંદર મિનિટમાં રાહત થઈ જાય એને બદલે ત્રીસ-ચાલીસ મિનિટ એના નાનકડા ને નાજુક હાથ વજનદાર ગરેડી ફેરવતા રહ્યા ! ગરેડી ફેરવતી જાય અને વારે વારે પૂછતી જાય : ‘મમ્મી, તને સારું લાગે છે ?’ એનું માન રાખવા હું કહું કે સારું લાગે છે પણ ચહેરાના ભાવ તો ચાડી ખાય જ ! દુ:ખાવાના કારણે પાછળ માથું ફેરવી હું એનો ચહેરો ન જોઈ શકું, પણ એ તો સહેજ આગળ ઝૂકી મારો ચહેરો જોઈ જ લે ! મારી પીડા વાંચી લે ને કહેશે :
‘મમ્મી ! તું હસ ! તું હસતી કેમ નથી મમ્મી ?’
કેટલી સમજણી છે સાત વર્ષની દીકરી ! મારા બોલવામાં એને વિશ્વાસ નથી ! કારણ ચહેરા પરના ભાવ બરાબર ઉકેલી શકે છે ! હું ચહેરો હસતો રાખવાનો પ્રયત્ન કરું, પણ એવો સબાકો નીકળી જાય કે એને ખબર પડી જ જાય ! પછી તો એ સહેજ ત્રાંસી જ બેસી ગઈ. મારો ચહેરો સતત જોઈ શકે એમ ! એક હાથે ગરેડી ફેરવતી ને સહેજ આગળ ઝૂકીને બેઠેલી એવું એનું ચિત્ર આજે પણ હૃદયમાં એવું ને એવું જ જડાયેલું છે !
‘મમ્મી તને સારું લાગે છે ને ? તો તું સૂઈ જા !’
અને ખરેખર ચાલીસેક મિનિટ પછી મારી આંખો ઘેરાવા માંડી ! દુ:ખાવો ધીમે ધીમે તદ્દન ઓછો થઈ ગયો ! સાથે જ મનમાં અપાર શાતા વળતી હતી. દીકરીના નાજુક હાથના સ્પર્શથી કોઈ અવર્ણનીય શાંતિ ને હૂંફ મળતાં હતાં ! ખરેખર હું ઘસઘસાટ ઊંઘી ગઈ.

લગભગ એકાદ કલાકે મારી આંખ ખૂલી તો એ ટગર ટગર મને જોતી સામેના સોફા પર બેઠી હતી. બારીના પડદા પાડેલા હતા. હું ઘણી વાર કહું કે અજવાળામાં મને ઊંઘ ન આવે, મારે તો અંધારું જ જોઈએ. એ એણે બરાબર ધ્યાનમાં રાખેલું. પાટ નીચે પાણીનો જગ મૂકેલો. દાદરો ચડવાની તકલીફના કારણે મેં થોડો સમય નીચેના રૂમમાં સૂવાનું રાખેલું. રાત્રે ઉપર બેડરૂમમાં જતાં પહેલાં જિતેન્દ્ર પાણીનો જગ ભરીને મૂકે એ એના ખ્યાલમાં હશે. પડદા બંધ કરવા, પાણી ભરવું જેવી ઝીણી ઝીણી વાત રમતાં રમતાં એણે મગજમાં ક્યારે નોંધી હશે ? મારા ગળે ડૂમો ભરાયો, હું ઘણીવાર વઢતી હોઉં છું : ‘રમવા સિવાય બીજું તને શું સૂઝે છે ? તારું ધ્યાન તો માત્ર રમવામાં જ હોય છે !’ … ને અત્યારે એના રમવાના સમયે એ મારું ધ્યાન રાખવા મારી સામે બેસી રહી છે ! રૂંધાતા સ્વરે મેં કહ્યું :
‘દીકરા, તું રમવા ન ગઈ ! બારણું અટકાવીને નીકળી ગઈ હોત તો ?’
‘ના ! તને એકલી મૂકીને કઈ રીતે જાઉં ? હું અહીં જ બેઠી હતી.’
‘ઓહો ! મારી વહાલી ! પાંચ મિનિટ પણ એક જગ્યાએ સ્થિર નહિ બેસી શકનારી તું કલાકથી એકધારી બેસી રહી છો !’
‘ડેડીનો ફોન હતો, મેં કીધું કે મમ્મી સૂતી છે, તમે ચિંતા ન કરશો, હું એનું ધ્યાન રાખું છું. મમ્મી ! તને ચા બનાવી દઉં ?’

હું કોઈ અકથ્ય ભાવ અનુભવતી હતી. આંખમાં અશ્રુ ઊભરાતાં હતાં તો હૃદયમાં મમતા, વાત્સલ્ય, આનંદ, પરિતોષ ને વર્ણવી ન શકું એવા કેટલાક મિશ્રિત ભાવ ! ઊઠીને મારે તરત ચા જોઈએ છે તે પૌલમી જાણે છે !… ને હજુ ગઈ કાલે જ હું એને વઢી હતી. ‘તું તારા ડેડીની જ દીકરી છો. મને તો જરાય વહાલ નથી કરતી !’ મીઠો છણકો કરી હું રિસાણી હતી ને એ પણ મારી વહાલી મમ્મી ! કહી ગળે વળગી હતી !… તોય એ આટલી સૂઝવાળી છે, એ હું જાણતી નહોતી !
‘નહિ, મારે ચા નહિ જોઈએ. તું રમવા જા !’ ખિલખિલ હસતી, ટપ ટપ દોડતી ટપુકલી ચાલી ગઈ. પરિતોષનો ઊંડો શ્વાસ ભરી, હું તકિયે અઢેલીને બેઠી… મારે હવે કશાયની જરૂર નથી, જ્યારે મારી મીઠડી મારી પાસે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાયર – ડૉ. આઈ. કે. વીજળીવાળા
શંકા – લક્ષ્મીપ્રિયા Next »   

27 પ્રતિભાવો : મમ્મી, તું હસ ! – કલ્પના જિતેન્દ્ર

 1. manish says:

  tamari aa satya ghatana kharekhar dil ne sparsh kari gai
  tamari dikari ni umar 7 varsh ni hova chhata tane 21 varsh ni
  dikari jevu kam karu chhe.

 2. Sarika says:

  very nice articel. I will wait you new article.

  Thanks kalpnaben

 3. Ravi says:

  very nice article..
  such a simple language and high emotions..
  thnks..

 4. Malhar says:

  આજ કાલ ની મમ્મી ઓ એ ચોક્કસ પણે વાંચવા જેવો લેખ!

 5. Jajkant Jani (USA) says:

  કલ્પનાજી ,
  ખુબજ લાગણીશીલ પ્રસ્ંગ કથા ગમી.

  હુ હ્ંમેશ બઘાને કહેતો હોવછુ.
  પરકા કે પોતાના ઘરે રહી
  મા-બાપની ચિંતા કરે તે દિકરી
  બાપાના કે પોતાના ઘરમા રહી
  મા-બાપની ચિંતા વઘારે તે દિકરો.

 6. Ritesh Shah says:

  very nice 🙂

 7. nayan panchal says:

  એકદમ દિલટચ (આ શબ્દ મારી ભત્રીજીની શોધ છે) વાર્તા.

  એકદમ સરળ ભાષામાં લખાયેલી ઉત્કૃષ્ટ ઘટના. હવેથી ઋણાનુબંધ (કેટલો સરસ શબ્દ) નિયમિત રીતે વાંચવુ પડશે.

  આભાર,
  નયન

 8. Vaishali Maheshwari says:

  Thank for sharing this wonderful incident with us Ms. Kalpana.

  Your have described the relationship and feelings between yourself and your daughter very well. She is too young to be so responsible, but you should be proud that even if she did not show her love and care for you till now, she has compensated for everything by taking care of you in her daddy’s absence.

  I guess there are many children like her. Me, myself. I am also a daughter of my parents, I am grown-up now, but when I was young, I used to do the same thing. If they ask me to do anything, I will act as if I am least bothered, but deep inside my heart, I had immense feelings for both of my parents. Whenever I knew, that they needed be badly, I used to be by their side always.

  Now at the age of 25 at present, I have grown-up and become resposible enough. My parent’s happiness is my top priority at this point.

  Thank you once again Author.

 9. jinal says:

  દિકરીઓની વાત જ કંઈ નિરાળી છે. બોલે નહિ પણ કરી બતાવે. પોતાની ફરજ વિશે હંમેશા સભાન રહે. સમય આવે ત્યારે પોતાનુ જતુ કરી ઘર અને ઘરવાળા નુ મન સાચવી લે.

 10. Veena Dave, USA says:

  મા. કલ્પનાબેન,

  ખુબ સરસ વાત.

 11. Chirag Patel says:

  Excellent story….

  Thank you,
  Chirag Patel

 12. Ruchir prajapati says:

  વાત તો ખુબ જ સરસ પણ એવુ નથી કે
  પરકા કે પોતાના ઘરે રહી
  મા-બાપની ચિંતા કરે તે દિકરી
  બાપાના કે પોતાના ઘરમા રહી
  મા-બાપની ચિંતા વઘારે તે દિકરો.

  આ વાત સદન્તર ખોટી છે. એ તો સમય આવે જ ખબર પડે કે કોણ પોતાનુ ને કોણ પારકુ..

 13. Soham says:

  એક દમ સાચુ કે મા-બાપની ચિંતા કરે તે દિકરી પણ તેજ દીકરી જ્યારે તેના સાસુ-સસરા ની સેવા પણ આમ જ કરે તો સાચુ…. નહીંત એ પણ એક વહુ જ બની જાય્. અને તે વસ્તુ ” મા-બાપની ચિંતા વઘારે તે દિકરો.” ને બઢત આપે છે.. માટે જે બન્ને વચ્ચે સંતુલન સાધે તે ઉત્તમ્…..

  આ વાર્તા ગુજરાત સમાચાર માં વાંચી હતી.. ફરીથી વાંચવાની મજા પડી ગઈ….

  સોહમ….

 14. તરંગ હાથી says:

  મારા મતે તો દિકરો ને દિકરી તો મા-બાપ ને બે આંખો છે. દિકરો હોય કે દિકરી બન્નેનો પ્રેમ મા-બાપ પ્રત્યે સમાન હોય છે. અમુક કિસ્સાઓ પરથી દિકરાને એમ ન કહેવાય કે “મા-બાપની ચિંતા વઘારે તે દિકરો”

  કલ્પનાબહેનની આ કથામાં દિકરીની માતા પ્રત્યેની લાગણી પ્રદર્શીત થાય છે. ઋણાનુબંધ એ ગુજરાત સમાચારની લોકપ્રિય કોલમ રહી છે.

  સુંદર કથા. આભાર કલ્પના બહેન,

  તરંગ ભાલચન્દ્ર હાથી, ગાંધીનગર.

 15. Paresh says:

  ખૂબ જ સરસ વાત. narration સરસ છે. દિકરીઓ હંમેશા વહાલનો દરીયો હોય છે. રમત રમતમાં પણ ઘણી બધી ખબર રાખતી હોય છે. આભાર.

 16. kumar says:

  ખરેખર ખુબ સરસ
  ઘણી વાર આવી વાર્તા વાંચીને આખો ભરાઈ આવે છે.
  ખરેખર સાચુ જ કહેવાયુ છે, “દિકરીઓ વહાલનો દરીયો “

 17. ભાવના શુક્લ says:

  સુંદર ભાવનાશીલ કથા..
  દિકરીતો આમ પણ કોમળ અને ઋજુ સ્વાભાવની હોય છે પરંતુ મારો તો દિકરો ૯ વર્ષનો છે પરંતુ આખો વખત લેપટોપ અને માઉસ સાથે કામ પડવાથી મને થયેલ ફ્રોજન શોલ્ડરની પીડાથી સતત જાણકાર એવો એ નાનકડો બહાર રમવા જતા વખતે અચુક બે – ચાર વાર ખભા પર માલીશ કરી કે દબાવી ને જ જાય છે. અને ખભો દબાવતી વખતે મને આરામ થયો કે નહી તે જોવા તેની ટચુકડી ગરદન ઝુકાવીને જ્યારે મારી સામે ટગર ટગર જુએ ત્યારે તો વહાલના સાતેય આસમાન તેની આંખ માથી વરસતા હોય છે. મા ના ગુણ તો ઘણા એ ઘણા ગાયા પરંતુ એક બાળક પોતાની નિર્દોષતાથી માતાને જે વહાલનો ખજાનો આપે છે તેની તુલના ક્યાય નથી.

 18. Palak says:

  દિકરી એટલે વહાલ નો દરિયો…

  ખુબ સરસ.

 19. Dhaval B. Shah says:

  બહુજ સરસ.

 20. riddhi says:

  saras khub maja aaviiiiiiiiiiii

 21. ketan parikh says:

  યેસ વેરિ તચિન્ગ & એમોશન્લ્
  I Learned From You
  I learned about love from you,
  Watching your caring ways.
  I learned about joy from you
  In fun-filled yesterdays.
  From you I learned forgiving
  Of faults both big and small.
  I learned what I know about living
  From you, as you gave life your all.
  The example you set is still with me
  I’d never want any other.
  I’m thankful for all that you taught me,
  And I’m blessed to call you “Mother.”

 22. દિકરિ મેઅન્સ ઘર્કિ લક્ષ્મિ ઇફ શે ઇસ ફથેર્સ હોમે ઓર સસ સસરા અન્દ હુસબન્દ હોમે અફ્તેર અર્રિવેલ હુસબન્દ હોમે હોઉસે વિલ્લ સ્વેીત ખુશ હલ અન્દો મેસ બરકત ઇન હોઉસે દિકરિ એવેર હોમે ઓર સસુરલ થિન્કિન્ગ મોથેર ફથેર અલ્વસ ખુબ નસિબ ગોત લક્ષ્મિ એવેર્ય્બુદ્ય ન્ત ગેત વે પ્રય શે વિલ્લ બે હપ્પ્ય વ્હોલે લિફે અન્દ ગિવે લેસ્સિઓન તો હેર ચિલ્દ્રેન નમસ્તે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.