એક પુસ્તકના વિમોચન નિમિત્તે – રતિલાલ બોરીસાગર
[ ‘અમથું અમથું કેમ ન હસિયે !’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
એકવાર એક મિત્રનો ફોન આવ્યો. એમણે લખેલા અને મારા બીજા એક પ્રકાશક મિત્રે પ્રસિદ્ધ કરેલા આરોગ્યવિષયક પુસ્તકનું વિમોચન મારે કરવું અને વિમોચન પછી, શ્રોતાઓની સહનશક્તિ ધ્યાનમાં રાખી, ટૂંકું વક્તવ્ય આપવું એવી લાગણી એમણે વ્યક્ત કરી. કાર્યક્રમ પછી રાખેલા ભોજન-સમારંભમાં જોડાવાનું પણ એમણે ભાવભીનું નિમંત્રણ આપ્યું. એ જ કાર્યક્રમમાં બીજા એક પુસ્તકનું વિમોચન એક વરિષ્ઠ સાહિત્યકાર કરવાના છે અને એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટર સમારંભનું અતિથિવિશેષપદ શોભાવવાના છે, એવી પૂરક માહિતી પણ મિત્રે આપી.
સુજ્ઞ બ્રાહ્મણ ભોજનનું નિમંત્રણ નકારતો નથી, તેમ સુજ્ઞ વક્તા ભાષણનું નિમંત્રણ નકારતો નથી. સંસ્કૃતમાં એક શ્લોક છે કે પરાન્ન (પારકાનું અન્ન) મળતું હોય તો પ્રાણની પણ પરવા કર્યા વગર ખાવું, કારણ કે પ્રાણ તો દરેક જન્મમાં મળે છે; પરાન્ન તો ક્યારેક જ પ્રાપ્ત થાય છે. એ જ રીતે સાંભળવા માટે જ્યારે પારકા કાન સુલભ હોય ત્યારે ઉત્સાહી વક્તાએ શ્રોતાઓની પરવા કર્યા વગર ભાષણ કરવું, કારણ કે ભાષણ કરવાની તક તો ક્યારેક જ મળે છે. અહીં તો ભોજન અને ભાષણ બંને કરવાનાં હતાં ને હું બ્રાહ્મણ પણ ખરો ને વક્તા પણ ખરો એટલે મેં ઉત્સાહપૂર્વક હા પાડી. અલબત્ત, પુસ્તકનું વિમોચન કરવાનું કામ ભાષણ કરવા જેટલું સહેલું નથી. આવા એક પુસ્તક-વિમોચન સમારંભમાં એક મહાનુભાવે પુસ્તક ઉપર વીંટાળેલો કાગળ ઉખાડવા જતાં પુસ્તક પણ ફાડી નાખેલું. આ ઘટનાના સાક્ષી બન્યા પછી પુસ્તકનું વિમોચન કરવાનું કામ પ્રમાણમાં અઘરું છે, એનો મને ખ્યાલ આવ્યો છે. મારા હાથે આવી ગરબડ થવાનો થોડો વિશેષ સંભવ પણ ગણાય. પુસ્તક-વિમોચનમાં પડનારી સંભવિત મુશ્કેલીનો મેં મિત્રને નિર્દેશ પણ કર્યો. પણ મિત્રે કહ્યું : ‘ચિંતા ન કરશો. પુસ્તક પાકા પૂંઠાનું છે. તમે ફાડવા ધારશો તોય ફાડી નહિ શકો.’
મિત્રનું નિમંત્રણ મેં સ્વીકારી તો લીધું. પણ આરોગ્યવિષયક પુસ્તકનું વિમોચન મારે હાથે થાય એ પરિસ્થિતિ મને થોડી વિચિત્ર લાગી. જોકે આવું કંઈ પહેલી વાર નહિ બનતું હોય એ હું જાણું છું. અમારા એક મિત્ર છે. એ પણ મોટા લેખક છે. (આ વાક્યમાં ‘પણ’નો ઉપયોગ મારો પણ એમાં સમાવેશ કરવાના પ્રયત્નરૂપે કરવામાં આવ્યો છે તેની સુજ્ઞ વાચકોએ નોંધ લેવી.) એમના અક્ષરો એટલા બધા ખરાબ છે કે થોડો સમય ગયા પછી એ પોતે પણ વાંચી શકતા નથી. એમનાં પત્નીને લખેલા પ્રેમપત્રો (લગ્ન પહેલાં પરસ્પરને લખાતા પત્રો ‘પ્રેમપત્રો’ કહેવાય છે, લગ્ન પછી લખાતાં પત્રો ‘માહિતીપત્રો’ કહેવાય છે.) એમનાં પત્ની વાંચી શક્યાં નહોતાં. લગ્ન પછી એમનાં પત્નીએ એ પત્રો એમને પરત આપી વાંચી આપવા વિનંતી કરી એ વખતે મિત્ર પોતે પણ અક્ષરો ન ઉકેલવાને કારણે એ પત્રો વાંચી શક્યા નહોતા. જોકે આ પત્રો વાંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરવાને બદલે, પ્રેમ કરવાનો સફળ પ્રયત્ન કરવામાં જીવન વ્યતીત કરવાનું વધુ ડહાપણભર્યું છે, એવું પત્નીને સમજાવવામાં એ સફળ થયા હતા અને એ રીતે એમના અક્ષરોને કારણે ઊભી થયેલી કટોકટીનો અંત આવ્યો હતો. પણ આ મિત્રે એકવાર સારા અક્ષરો માટેની સ્પર્ધામાં વિજેતા થયેલાંઓને ઈનામો આપવાના સમારંભનું પ્રમુખપદ શોભાવ્યું હતું, એટલું જ નહિ, ખરાબ અક્ષરો કાઢતા પોતાના હસ્ત વડે વિજેતાઓને ઉલ્લાસભેર ઈનામો પણ આપ્યાં હતાં.
જન્મથી જ આરોગ્ય કરતાં રોગ સાથે મારો સંબંધ વધુ ગાઢ રહ્યો છે. જીવનના પહેલા છ મહિનામાં જ મને ભયંકર શરદી વળગી. એમાં ઉધરસ ભળી. સરકારી અધિકારીઓમાં જેમ જુનિયર કલાસ વન ઑફિસર ને સિનિયર કલાસ વન ઑફિસર હોય છે, એવું ઉધરસમાં પણ હોય છે. મોટી ઉધરસ નાની ઉધરસ કરતાં સિનિયર ગણાય છે. આ સિનિયર ઉધરસે મારી આંખો નાની ઉંમરમાં જ નબળી પાડી દીધી. છ મહિનાનું બાળક ખમી શકે એના કરતાં ઘણા વધારે પાવરની શરદીને કારણે મારાં બૅગબિસ્ત્રા બંધાવાની ઘડી આવી પહોંચી હતી. પણ માતાએ કોઈની સલાહથી, લગલગાટ છ મહિના સુધી બંને વખત બાજરાનો રોટલો, આદુ અને દૂધ ખાધાં. મારે જવાનું હતું એને બદલે શરદી ગઈ. જોકે બાએ ત્રીસ-બત્રીસ વરસની ઉંમરે જિંદગીભરની માંદગી વહોરી લીધી.
આઠ વર્ષની ઉંમરે થયો ટાઈફૉઈડ. એ વખતે ડૉક્ટરો પાસે દર્દીને જિવાડવાનાં (અને મારવાનાં પણ) આજનાં જેવાં સાધનો ઉપલબ્ધ નહોતાં. વળી પાછી બૅગબિસ્ત્રા બંધાવાની તૈયારી થઈ. પણ આયુષબળે ટકી ગયો. (આયુષ્ય ખૂટે ત્યારે જ દર્દી મરતો હોય છે. કોઈક વાર ડૉક્ટરો એ પ્રક્રિયા ઝડપી બનાવતા હોય છે એટલું જ) પછી પગનો ભયંકર દુખાવો થયો. તે વીસ વરસ ચાલ્યો ને શેને કારણે આ દુખાવો થાય છે એનું નિદાન થયા વગર જ મટ્યો. પછી ફરી ટાઈફૉઈડ થયો. એમાંથી બચ્યો તો ખરો પણ પાચનતંત્ર સાવ નબળું પડી ગયું. પાચનતંત્ર સુધારવા એક વડીલે તુલસીનો પ્રયોગ કરવા સૂચવ્યું. તુલસીનો ઉકાળો, તુલસીની ચટણી, તુલસીનું ભોજન ને તુલસીના રસનું પાન – પાચનતંત્રમાં કશો સુધારો થાય તે પહેલાં હરસ થઈ ગયા. પછી મોટા માણસને થાય એવી તકલીફ – હૃદયરોગની તકલીફ આ નાના માણસને થઈ. હૃદય ભારે થયું એટલે ખિસ્સું હળવું થયું…. ખિસ્સું હળવું થયું એટલે હૃદય વધુ ભારે થયું. પછી કમરના દુખાવાનું દબદબાભર્યું આગમન થયું…. પછી કશી નોટિસ આપ્યા વગર એક કાન જતો રહ્યો ને અત્યારે આ લખું છું ત્યારે બ્લડપ્રેશર નામનો તન અને ધનથી સમૃદ્ધ લોકોને થતો રોગ તન અને ધન એકેય રીતે સમૃદ્ધ નહીં એવા આ માણસને થયો છે. દબાણ કરી શકે એટલું લોહી જ મારા શરીરમાં ન હોવા છતાં મને બ્લડપ્રેશર કેમ રહે છે એ મારે માટે જ નહિ, ડૉક્ટરો માટે પણ એક કોયડો છે.
આ તો મુખ્ય-મુખ્ય માંદગીઓની આછેરી ઝલક છે. એક માણસ દાઢી કરાવવા ગયો. વાળંદે સાબુ લગાડ્યો એટલે પેલા માણસે એને પૂછ્યું : ‘આ તમારો અસ્ત્રો કેવો છે ?’
‘બિલકુલ ફ્રન્ટિયર મેલ જેવો…’ વાળંદે જવાબ આપ્યો. દાઢી થઈ ગયા પછી પેલા માણસે સામેના અરીસામાં જોયું તો દાઢી પર ઠેકઠેકાણે વાળ રહી ગયા હતા. એણે વાળંદને કહ્યું : ‘તમે કહેતા હતા ને, કે તમારો અસ્ત્રો ફ્રન્ટિયર મેલ જેવો છે. આ વાળ તો એમ જ રહી ગયા છે.’
આ સાંભળી વાળંદે કહ્યું : ‘તમે જાણતા નથી કે ફ્રન્ટિયર મેલ નાનાં-નાનાં સ્ટેશનો છોડી દે છે ?’ મેં પણ અહીં માંદગીનાં નાનાં-નાનાં સ્ટેશનો છોડી દીધાં છે. વિશ્વવિખ્યાત સાહિત્યકાર થોમસ હાર્ડીએ એમની એક નવલકથામાં કહ્યું છે કે આ જિંદગી દુ:ખથી ભરેલી છે, સુખ એ તો કેવળ પ્રાસંગિક બનાવ હોય છે. જિંદગી અંગે છેવટનો શબ્દ કહેવા જેવડો મોટો સાહિત્યકાર કે તત્વજ્ઞાની હું નથી, પણ મારા પૂરતું કહી શકું કે માંદગી એ જ મારા જીવનની કાયમી બાબત છે. સારું આરોગ્ય એ તો કેવળ પ્રાસંગિક બનાવ હોય છે.
ખરાબ અક્ષરોવાળા મિત્રે સુલેખનની સ્પર્ધાના વિજેતાઓને સન્માનવા યોજાયેલા સમારંભનું પ્રમુખસ્થાન શોભાવ્યું, એમાં કોઈને કશું અનુચિત નહોતું લાગ્યું તો સદાયનો દર્દી એવો હું એક ડૉક્ટરે લખેલા આરોગ્યવિષયક પુસ્તકનું વિમોચન કરું એમાં કશું અનુચિત નથી, એવું મેં જાતે જ માની લીધું ને નિમંત્રણ સ્વીકારી લીધું. મિત્ર કહેતા હતા કે વિમોચન-સમારંભના અતિથિવિશેષપદે એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટર છે ને બીજા પુસ્તકના વિમોચનકાર એક વરિષ્ઠ સાહિત્યકાર છે. એમણે એ બંને મહાનુભાવોનાં નામ પણ આપ્યાં હતાં. આને કારણે યોગ્યતાનો બીજો પ્રશ્ન પણ મારા મનમાં ઉદ્દભવ્યો. આ બે મહાનુભાવોની વચ્ચે હું તાતા-બિરલા વચ્ચે કોઈ કરિયાણાનો વેપારી ફીલ કરે એવું ફીલ કરીશ એવી મને બીક લાગી. પણ વિશેષ ચિંતન કર્યા પછી મને લાગ્યું કે આવું કંઈ ફીલ કરવાની જરૂર નથી. ફલાણા સ્થાન માટે હું યોગ્ય કહેવાઉં કે નહિ કે ફલાણા સન્માન માટે મારી લાયકાત ગણાય કે નહિ એવું આ દેશમાં સુજ્ઞ માણસો વિચારતા નથી. માટે મારે પણ વિચારવું નહિ. આ પ્રકારની મારી ચિંતનશક્તિનો વિકાસ થશે, તો ભવિષ્યમાં રાષ્ટ્રપતિપદની મને ઑફર થશે તોપણ હું ના નહિ પાડું. જોઈએ છીએ આ દેશનાં ભાગ્ય કેવાં છે !
વરસતા વરસાદમાં પણ હું વિમોચન-સમારંભમાં ગયો. પુસ્તકનું વિમોચન કર્યું, ને ભાષણ પણ કર્યું.
[કુલ પાન : 160. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 26564279 ]
Print This Article
·
Save this article As PDF
😀
સવાર સવારમાં મજા પડી ગઇ હાસ્યલેખ વાંચી ને.
borisagar saheb no lekh hoy pachhi hasya vina kem rahevay? maja padi gai
આપણી આસપાસમાં પણ હાસ્ય મળે છે પરંતું તેને કેમ ખોળી કાઢવું તે પણ એક આવડત છે. બોરીસાગરજી નો આ હાસ્ય લેખ વાંચી ને ખુબ આનંદ થઇ ગયો. માનસિક તાણમાં રાહત આપે તેવો લેખ.
ખુબ ખુબ આભાર બોરીસાગરજી અને મૃગેશભાઇ.
તરંગ ભાલચન્દ્ર હાથી, ગાંધીનગર.
hahaha 🙂 !1
Ratilala ne aek request chhe ke
readgujarati.com ma aeni moti fan following chhe
je aena article ni rah juae chhe so please
article vadhare lakho.. !!
WERY NISE MJAPADI
રતિલાલ બોરિસાગર એટલે વ્યંગ અને હાસ્યનો સાગર.
ડૂબકી મારો ને ભીઁજાયા વિના ન રહો અને ક્યારેક તરબોળ થઈ જાઓ! એમના ચબરાકીયા માણવા જેવાં છે. જેમકે,
“લગ્ન પહેલાં પરસ્પરને લખાતા પત્રો ‘પ્રેમપત્રો’ કહેવાય છે, લગ્ન પછી લખાતાં પત્રો ‘માહિતીપત્રો’ કહેવાય છે.”
“સાંભળવા માટે જ્યારે પારકા કાન સુલભ હોય ત્યારે ઉત્સાહી વક્તાએ શ્રોતાઓની પરવા કર્યા વગર ભાષણ કરવું, કારણ કે ભાષણ કરવાની તક તો ક્યારેક જ મળે છે.”
હાસ્ય લખવું આસાન નથી. અને એ પણ નિર્દોષ હાસ્ય લખતાં સતત આપવું મુશ્કેલ છે. તારક મહેતા, વિનોદ ભટ્ટ, મહેશ દવે વગેરે હાસ્યલેખકો આપણા હાસ્ય સાહિત્યના ધુરંધરો છે.
“ફલાણા સ્થાન માટે હું યોગ્ય કહેવાઉં કે નહિ કે ફલાણા સન્માન માટે મારી લાયકાત ગણાય કે નહિ એવું આ દેશમાં સુજ્ઞ માણસો વિચારતા નથી. માટે મારે પણ વિચારવું નહિ. આ પ્રકારની મારી ચિંતનશક્તિનો વિકાસ થશે, તો ભવિષ્યમાં રાષ્ટ્રપતિપદની મને ઑફર થશે તોપણ હું ના નહિ પાડું. જોઈએ છીએ આ દેશનાં ભાગ્ય કેવાં છે !”
Very nice Mr. Ratilal Borisagar. Enjoyed reading your article. You have highlighted many realities of life in a funny manner.
Hope you get well soon and become completely healthy as you have never been before 🙂
Thank you Author.
સાલું હાસ્યલેખકોને પણ બ્લડપ્રેશર હોય તે જબરું કહેવાય.
રતિલાલસાહેબના લેખો વાંચવાની તો મજા જ ઓર છે. સુક્ષ્મ, સ્થૂળ હ્યુમરની સાથે સાથે કટાક્ષ અને તાત્વિક વાતો પણ ખરી.
મજા આવી ગઈ.
ખૂબ આભાર,
નયન
Thanks to Borisagar Saheb to write such a humor story.really love to read and really have a fun.
Regards,
Nitin
From Vadgam
ફ્રન્ટિયરમેઇલ ની ટિકિટ તો લીધી પણ લેખ વાચવા માટે લોકલ માંજ જાવુંપડ્યુ…મજો પડી ગ્યો.
હાસ્યલેખક અને હાસ્યકવિ તો રમુંજમા કેટલી યે વાતો કહી જાય છે.
આભાર.
વ્રજ દવે
હસવાની મજા પડી…
ખૂબ સરસ લેખ…
આભાર રતિલાલભાઈ
હાસ્યલેખ વાંચવાની મઝા પડી ગઇ. અભિનંદન