નિષ્ઠા – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

છત્રીસ વર્ષની નોકરી બાદ જાનીસાહેબ બેન્કમાં નિવૃત્ત થયા હતા. છત્રીસ વર્ષ પહેલાં એ બેન્કમાં દાખલ થયા ત્યારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ નહોતું થયું. એ વખતે કોઈ મોટા સાહેબની ઓળખાણ હોય, ઉમેદવારનું પોતાનું ચારિત્ર્ય સારું હોય, મહેનતુ હોય અને કુટુંબની પ્રતિષ્ઠા પર કોઈ ડાઘા ન હોય એવી વ્યક્તિઓ બેન્કમાં લેવાઈ જતી. ડિગ્રી કરતાં પ્રમાણિકતા પર વધુ મદાર રખાતો.

મહેશ જાની ગ્રેજ્યુએટ થયો ત્યારે એણે બેન્કમાં નોકરી માટે અરજી કરી. બેન્કના એક ડાયરેક્ટર એના કુટુંબને ઓળખતા હોવાથી એને નોકરી મેળવવામાં ખાસ તકલીફ ન પડી. ‘ગરીબ પણ ખાનદાન કુટુંબ’, ‘મહેનતકશ માણસો’, ‘બેન્કના ડાયરેક્ટર ખુશાલભાઈ સાહેબના જાણીતા’, ‘સામાજિક કાર્યકર સુમિત્રાબહેનનો સારો અભિપ્રાય’ જેવા શેરો એની અરજી પર પડ્યા. નામ ખાતર એનો ઈન્ટરવ્યૂ લેવાયો અને કલાર્ક તરીકે મામૂલી પગારમાં મહેશ બેન્કમાં નોકરી રહી ગયો તે આજનો દિવસ અને કાલની ઘડી. જોતજોતામાં એણે સાઠ વર્ષ વટાવી દીધાં. છત્રીસ વર્ષની સખત મહેનત, નિષ્ઠા, કામની ચીવટ, વ્યવહારશુદ્ધિ, સાલસ સ્વભાવ જેવાં અનેક વિશેષણો એના વિદાય-પ્રવચનમાં ઉચ્ચારાયાં અને શાખાના કર્મચારીઓએ આપેલી પ્રતીક ભેટ અને ગજરો લઈ એ ઘેર આવ્યા. વિદાય વખતે રિજિયોનલ મેનેજરે શુભેચ્છાવચનો ઉચ્ચાર્યાં હતાં કે જાનીસાહેબનું સ્વાસ્થ્ય સારું રહે અને નિવૃત્ત જીવન ખૂબ જ શાંતિભર્યું નીવડે એવી પ્રભુ-પ્રાર્થના.

જાનીસાહેબ મોડી સાંજે ઘેર આવ્યા પણ અહીં કોણ એની રાહ જોવાવાળું હતું ? અઢી વર્ષ પહેલાં પત્ની મૃત્યુ પામી ત્યારે બંને પરિણીત પુત્રીઓએ વારાફરતી એનું ઘર સંભાળી લીધેલું. થોડા દિવસ વિધવા સાળી એનાં સંતાનો સાથે સવારથી રાત સુધી મદદરૂપ થવા આવતી રહી. પત્નીના અવસાન બાદ ત્રણેક મહિના પછી એ એકલા થઈ ગયા. અલબત્ત, પુત્રીઓ ક્યારેક ક્યારેક સાસરેથી આવી બે-ત્રણ દહાડા રહી પિતાની એકલતા ઉડાડી જતી પણ નિવૃત્તિને આરે આવીને ઊભેલા આ કર્મનિષ્ઠ બ્રહ્મપુત્રને કોઈની મદદની હવે અપેક્ષા નહોતી. કડછી-તવીથા સાથે જન્મજાત પ્રીત અને આરંભમાં બેન્કની નોકરીની બદલીઓએ એને સ્વયં રસોઈ નિષ્ણાત બનાવી દીધેલા. સવાર-સાંજની રસોઈ એ જાતે બનાવી લેતા અને પાડોશીઓને ત્યાંથી અવારનવાર આવતા શાક-વાનગીઓના વાટકા એના ભોજનની પૂરક સામગ્રી બની જતાં.

જાનીસાહેબે ઘેર આવી ઘરનું તાળું ખોલ્યું. હાથપગ ધોઈ સાયંદીપ પ્રગટાવ્યો અને ટ્યુબલાઈટ પંખો કરીને સોફામાં બેઠા. સતત આઠ-નવ કલાકની નોકરી પછીય ઘેર આવતા જાનીસાહેબ કદીય થાક્યા નહોતા પણ આજે એને ખરેખરો થાક લાગ્યો હતો. એ થાક શારીરિકને બદલે વધુ તો માનસિક હતો. વિદાય સમારંભમાં ખૂબ નાસ્તાપાણી થયેલાં એટલે ભૂખ તો નહોતી પણ એની સમક્ષ કાલનું ચિત્ર ખડું થયું. કાલે હવે વહેલા ઊઠી, રસોઈ કરી, પૂજાપાઠમાંથી પરવારી બેન્કમાં જવાનું નહોતું. બસ, એ અને એની એકલતાનો સાથી આ મોટો ફલેટ, એનું રાચરચીલું, ટી.વી., અને છાપાં. ક્યાં સતત આઠ-નવ કલાકની કામગીરી અને ક્યાં દોઢ-બે કલાકનું ઘરકામ ! માણસ એકલો હોય ત્યારે એને એનું જ મગજ કોરી ખાતું હોય છે. ન ધાર્યા હોય એવા વિચારોના હુમલા ખાલી મગજ પર થતા રહે છે.

બીજે દિવસે મહેશભાઈ નિયત સમયે જ ઊઠી ગયા. ઊઠીને ચા-પાણી બનાવ્યાં, છાપાં ઉથલાવ્યાં, બેન્કમાંથી મળેલો નિવૃત્તિ લાભનો હિસાબ કર્યો. જો કે, આ હિસાબ ઘણા મહિનાઓથી કરી જ રાખ્યો હતો અને રોકાણનીય વ્યવસ્થા વિચારી રાખી હતી. એકલા માણસ માટે પેન્શન અને વ્યાજ પણ એને વધુ લાગ્યાં. પછીના બે-ત્રણ દિવસો એને મળેલા નિવૃત્તિ લાભના ચેકોની વ્યવસ્થામાં ગયા પણ પાંચમે દિવસે એ નવરાધૂપ બની ગયા. એમને થયું, ઉંમર થઈ છે, પગ પર જ ઊભા રહેવાનું છે, હવે તબિયતની કાળજી રાખવી જોઈએ. આ ઉંમર ભલે બીજી અંગ કસરતો ન થઈ શકે પણ ચાલવા જેવી પ્રવૃત્તિ તો થઈ શકે ને ! બીજા દિવસથી એમણે વહેલી સવારે ચાલવા જવાનું નક્કી કર્યું. રોજિંદા સમયે એ ઊઠી ગયા. ઊઠીને ચા પીવાની આદત એટલે ચા બનાવી. ચા પીને, હાથમાં લાકડી લઈ નીકળી પડ્યા એના ઘરના પરિસરના પરિભ્રમણે. દરરોજ એક કિલોમીટર-બે કિલોમીટર ચાલતા. દરરોજ ફરવાનો માર્ગ બદલાતો. જેમ જેમ એ ફરતા ગયા એમ એમ થયું કે અરે ! મારા ઘરની આસપાસનો વિસ્તાર કેટલો વધી ગયો છે ! નાનાનાનાં મકાનો તૂટીને ગગનચુંબી ઈમારતોમાં ફેરવાઈ ગયા, શહેરની સીમા આગળ અને આગળ વધવા લાગી અને સાથે સાથે ફૂટપાથ પરનાં લારી-ગલ્લાઓ પણ વધતાં ચાલ્યાં. અરે, માત્ર લારી-ગલ્લાઓ કે શાકભાજીની રેંકડીઓ જ નહિ, અણવિકસિત રસ્તાઓ દબાવીને નવી નવી ઝૂંપડપટ્ટીઓ પણ ઊભી થઈ ગઈ છે. કૂદકે ને ભૂસકે વધતી વસતિને નિવારવા માટે જગા તો જોઈએ ને ! પાણી જેમ આપમેળે પોતાનો માર્ગ શોધી લે છે એમ માણસો પણ જીવવાના, કમાવાના રસ્તા મેળવી લેતા હોય છે.

એક સવારે એ આવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગળ આગળ ચાલતા જતા હતા ત્યાં એણે એના નામની બૂમ સાંભળી :
‘એ રામરામ સાહેબ !’
પાછળ વળીને જોયું તો કોઈ રબારી એને હાથ ઊંચો કરીને બોલાવી રહ્યો હતો. મહેશભાઈ અટક્યા. રબારી એની પાસે આવ્યો કે એને એ ઓળખી ગયા.
‘કેમ છો દશરથભાઈ ! અહીં ક્યાંથી ?’
‘ભલો ઓળખ્યો મને. હું અહીં જ રહું છું. બેન્કના ફોરમમાં મેં મારું અહીંનું સરનામું તો લખાવ્યું હતું.’
‘યાદ નથી. હાથ નીચેના ઑફિસરો તપાસ કરતા હોય છે એટલે અમારે બધું જોવાનું ન હોય. કેમ છે તમારી ભેંસો ?’ મહેશભાઈએ આ રબારીને ત્રણ ભેંસો લાવવાની લોન આપી હતી.
‘બધું ઠીકઠીક ચાલે છે. બે વેતર આવી ગયાં. દરેક વેતરે પંદર-વીસ લિટર દૂધ દે છે. અસ્સલ જાફરાબાદી ભેંસો રહી ને !’
‘સારું, સારું. હપ્તા નિયમિત ભરો છો ને ?’
‘એ તો ક્યારનાય ભરાઈ ગયા સાહેબ. વહેલો છુટકારો કરાવી લીધો… તે સાહેબ, બીજી બે ભેંસ લેવા પૈસા મળે ?’
‘કેમ ન મળે ? તમે એ જ શાખામાં જજો જ્યાંથી તમે પહેલી લોન લીધેલી.’
‘સાહેબ,’ દશરથભાઈએ વિનંતી કરી, ‘આવો ને મારે ઝૂંપડે – જો વખત હોય તો.’
‘હવે તો ભાઈ, વખત ને વખત જ છે. હમણાં જ બેન્કમાંથી નિવૃત્ત થયો.’
‘ત્યારે તો ઘણું સારું. ચા-પાણી કરીએ, અમારા ગરમાગરમ રોટલા ને મીઠા દહીંનું શિરામણ કરીશું. તમારાં પગલાં અમારે ત્યાં ક્યાંથી ? ચાલો સાહેબ, મારે ઘેર…’

દશરથ રબારી મહેશભાઈ સાહેબને પોતાને ઘેર દોરી ગયો. ચારે બાજુ ઘોલકી જેવી ઝૂંપડીઓ અને ગંદી ગોબરી જગમાંથી પસાર થતાં થતાં મહેશભાઈ દશરથને ત્યાં જતાં હતાં ત્યારે વચ્ચે એક નાનકડી જગામાં કેટલાંક નાનાં છોરાંઓ એક બકરીને પજવતા હતા અને બકરી અહીંથી તહીં દોડાદોડ કરી રહી હતી. ‘માળા હાળાઓ, મૂકો કેડો એ બચાડીનો. સવાર સવારના કંઈ ન સૂઝ્યું તે આ હમણાં વિંયાયેલી બકરીની પાછળ પડ્યા છો ? ભાગો…. જાઓ છો કે પછી…..’ દશરથની એક જ હાકે છોકરાઓ રફુચક્કર થઈ ગયા. ‘તા’રે વળી શું !’ બબડીને દશરથ મહેશભાઈને પોતાના વાસમાં લઈ ગયો અને એક ખાટલો ઢાળી એના પર શેતરંજી બિછાવતાં બોલ્યો, ‘બેહો સાહેબ.’ બકરી દશરથના વાડામાં આવી અને એના તાજેતરનાં વિયાયેલાં બચ્ચાં પાસે ગઈ. બચ્ચાંએ આંચળ તરફ ડોકું કર્યું. એટલામાં બે-ત્રણ છોકરાઓ ફરી બકરી પાસે આવ્યા અને એને રમાડવા લાગ્યા.
મહેશભાઈએ એક છોકરાને પૂછ્યું :
‘તમારો સ્કૂલનો સમય શું છે ?’
છોકરાઓ મોં વકાસી મહેશભાઈ સામે જોતા રહ્યાં. ફરી પૂછાયું –
‘નિશાળે કેટલા વાગે જાઓ છો ?’
છોકરાઓ એકબીજા સામે જોઈ હસવા લાગ્યા. ખોરડામાંથી એક નાનું ટેબલ લાવી, મહેશભાઈની સામે મૂકતાં દશરથ બોલ્યો :
‘તમેય શું સાહેબ, આવા સવાલ કરો છો ? આ બધી તાણી કાઢેલી વેજાને વળી નિશાળ શું ને ભણવાનું શું ? આમ ને આમ ધમાલમસ્તી કરતા મોટા થઈ જશે ને પછી એનાં મા-બાપ જોડે સિમેન્ટ-રેતીનાં તગારાં ઊંચકતાં થઈ જવાનાં…. ગવલા, જા તો, તારી કાકીએ દૂધના ગ્લાસ ભર્યા હશે તે લેતો આવ…. માંજરા, તું રોટલા-માખણની થાળી લાવ…’

તે દિવસે દશરથની મહેમાનગતિ માણી મહેશભાઈ ઘેર ગયા. એનો એ દિવસ મંથમાં વીત્યો. બીજે દિવસે એ દશરથને મળ્યા અને કહ્યું :
‘ભાઈ દશરથ, તમારી મદદની જરૂર છે !’
‘બોલો ને સાહેબ. તમારા પ્રતાપે સુખી છું. ઘેર દૂધ પહોંચાડવાનું છે ? ઘી, માખણ…. ?’
‘ના રે ના. એકલા માણસને અને હવે આ ઉંમરે આવા બધા સ્વાદના ચટકાની જરૂર પણ નથી. હવે નિવૃત્ત થયો છું. ઘેર બેઠો છું. ઈશ્વરની દયાથી બેન્કે સારું એવું નિવૃત્તિભથ્થું આપ્યું છે એટલે કોઈ વાતની મણા નથી. આ ગઈકાલે તમે આ છોકરાઓની જે વાત કરી એના પરથી મને એવો વિચાર આવ્યો કે આ છોકરાઓને હું ભણાવું તો ? અક્ષરજ્ઞાનનો મહિમા મોટો છે. લખતાં-વાંચતાં આવડશે તો ભવિષ્યમાં દુ:ખી નહિ થવું પડે. તમે મને છોકરાઓ ભેગા કરી આપો. હું એમને મફત ભણાવીશ ને મફત પાટી-પેન આપીશ. જો કે ભણવાની વાત આવે એટલે કંટાળો આવે પણ થોડો ધાક જોઈએ.’
‘એ વાત સાચી.’ દશરથે દાઢી ખંજવાળતાં કહ્યું, ‘હું એક કામ કરું સાહેબ. અહીં એક મુખિયો છે જેનું બધા સાંભળે છે. પોલીસ આવે, મ્યુનિસિપાલિટીવાળા આવે કે પછી વોટ માગવાવાળા આવે તો આ બધાયનો હામી મુખિયો. મારા કરતાં વધારે એની હાક પડે. આજે રાત્રે જ એને વાત કરું.’

માત્ર બે છોકરાથી મહેશભાઈની શાળા શરૂ થઈ. એ પછી દશરથ અને એના રબારીવાસના બે સાથીદારો તરફથી ‘ભણવા આવનારને નાસ્તો મળશે.’ એવી જાહેરાત થતાં બીજા પાંચ-સાત છોકરાઓ આવતા થયા. એ છોકરાઓની મદદ વડે ઝૂંપડપટ્ટીના એક ખૂણે વાંસના ટેકા ઊભા કરી એના પર તાડપત્રીઓ નખાઈ, જગ્યા ચોખ્ખી થઈ અને છોકરાઓ ત્યાં બેસી ભણતાં થયાં. એક વરસમાં ઝૂંપડપટ્ટીનાં તમામ બાળકો મહેશભાઈની આ નિશાળમાં ભણવા આવવા લાગ્યાં. અલબત્ત, આ નિશાળ શરૂ કરવા મહેશ જાનીને થોડો ઘણો ખર્ચ થયો પણ એણે એ ભોગવી લીધો. અત્યાર સુધી બેન્કમાં નોકરી કરી હોવાથી એને ભણાવવાની પદ્ધતિનો ખ્યાલ નહોતો એટલે એક શાળાના શિક્ષક પાસે એણે તાલીમ લીધી. હવે એની બપોર ભણાવવાની પદ્ધતિ વિશે વિચારમાં અને હોમ-વર્ક કરાવવામાં જતી. સાંજે એ કેળવણીવિષયક પુસ્તકો ખરીદતાં, વાંચતાં. કોઈ પણ જાતની સરકારી માન્યતા વિના ઝૂંપડપટ્ટીની નિશાળ ચાલી. દાડિયે જતાં મા-બાપને પણ હવે થવા લાગ્યું કે છોકરાઓ બે અક્ષર કાઢતાં શીખશે તો એને જ ફાયદો થશે, એટલે શરૂશરૂના વિરોધ પછી પાછળથી સહકાર મળતો ગયો.

મહેશભાઈનો સારો એવો સમય આ શાળા પાછળ જતો. બેન્કના એના જૂના ઘરાકોનો, સાથીદારોનો સંપર્ક કરી એણે દરેક બાળકને ચડ્ડી-ખમીસ અને સ્કર્ટ-બ્લાઉઝ અપાવ્યાં. દરરોજ સાંજે એ ફરવા જતાં હોવાથી એક સાંજે એને એક નિવૃત્ત લશ્કરી અધિકારીનો પરિચય થયો. એને વિનંતી કરતાં એ બાળકોને ડ્રીલ શીખવાડવા સહમત થયા. દરરોજ સવારે એની મદદથી ડ્રીલનો વર્ગ પણ શરૂ થયો. મહેશભાઈની આ પ્રવૃત્તિની જાણ થતાં એક દિવસ મેં એનો સંપર્ક સાધ્યો અને કહ્યું કે મારે તમારી આ શાળા જોવી છે. મહેશભાઈએ હસીને કહ્યું :
‘શાળા જોવા જરૂર આવો પણ મારી એક વિનંતી છે.’
‘શી ?’
‘જે જે મિત્રોને આની જાણ થઈ છે એ બધા આ પ્રવૃત્તિ નિહાળવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ મને એમ થાય છે કે આ બધું જોઈ માત્ર આનંદ વ્યક્ત કરો એટલું જ ? તમે કંઈ યોગદાન આપી શકો તો મને બળ મળશે.’
‘ક્યા પ્રકારનું યોગદાન ?’
‘જુઓ, અત્યારે કુલ 47 બાળકો અભ્યાસ કરે છે. શિક્ષક છું હું એકલો. વિદ્યાર્થીઓ જુદીજુદી કક્ષાના છે, એટલે કે મારે જ બધા વર્ગો જાતે લેવા પડે છે. મેં એક-બે બહેનોને વાત કરી છે. એ મને આવતા અઠવાડિયાથી મદદરૂપ થશે પણ મારી ઈચ્છા છે કે બાળકોને થોડું ઈન્સેટિવ મળે તો સારું. આવી વસાહતોનાં બાળકો અભ્યાસ માટે, પોતાના શ્રેય માટે જલદી તૈયાર નથી થતાં. ઉપરાંત મહેનતી માણસોને સાંજે પેટની આગ ઓલવવાનો પણ પ્રશ્ન હોય છે. તમે જરૂર આ શાળામાં આવો પણ એનાં બાળકોને દર બે મહિને એક વાર નાસ્તો કરાવો તો ? આમેય મૃત સંબંધીઓ પાછળ આપણે શ્રાદ્ધ કરતા જ હોઈએ છીએ. તમે શું માનો છો ?’ મહેશભાઈની આ પ્રવૃત્તિને પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ એટલો બધો હતો કે આ અંગે કોઈ પ્રશ્ન જ ન હતો. જો શાળા ન જોઈ હોત તો મનમાં વસવસો રહી જાત. એ બે કલાકમાં મન એટલું બધું આનંદથી ઊભરાઈ ગયું કે….

વર્ષો પહેલાં બેન્કમાં નોકરીએ રખાતા ખાનદાન, નિષ્ઠાવાન, પ્રામાણિક કર્મચારીઓની જે જાંચ થતી એમાંથી મહેશભાઈ પાર પડ્યા છે. એટલું જ નહિ, નોકરી પછીય એણે એની નિષ્ઠા જાળવી રાખી છે. માત્ર નોકરીમાં જ નહિ, જીવનમાં પણ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક પુસ્તકના વિમોચન નિમિત્તે – રતિલાલ બોરીસાગર
બે પદ્યરચનાઓ – શોભિત દેસાઈ Next »   

36 પ્રતિભાવો : નિષ્ઠા – ગિરીશ ગણાત્રા

 1. dilip desai says:

  very nice.The person is more valuable after retirement.Elephant is more valuable after death(.Nishta),Dedication towards societyThanks.

 2. KARTIK DALAL says:

  Ideological thought…. best way to give back to the society…

  kartik

 3. નિવૃતિનો ઉત્સવ માણતાં આવડી જાય તો નિવૃતિ ભારમય ના લાગે..!!

  આજના ઈ-યુગમાં જ્ઞાનનો ભંડાર આંગળીના ટેરવે હોવાથી સમય પસાર કરવાનું એક વધુ માધ્યમ
  હાથવગું થયું છે.

  નિવૃતિકાળમાં આ ધુળિયાં બાળકોને ભણાવવાનો નવતર પ્રયોગ
  સમાજને પગભર કરવાના એક ભાગરુપે લેખી શકાય.

  પ્રેરણાત્મક વાર્તા.

 4. Nilesh Shah says:

  Good example for retired/vrs /senior citizen to follow , to help himself and nation by doing some self less work.

 5. દિનેશ ચૌહાણ says:

  બહુ જ સરસ લેખ touching story

 6. Dhaval B. Shah says:

  Too good!!

 7. અક્ષરજ્ઞાનથી અદકું દાન અન્ય કોઈ નથી. નિવૃત્તી આપત્તિ બને છે ઘણા નિવૃત્તો માટે એઓને માટે સરસ દિશાસુચન!
  સરસ શૈલી અને સરળ આલેખન.

 8. Ritesh Shah says:

  saras lekh

 9. Vaishali Maheshwari says:

  Very good example of how retired persons can also make the best use of time and keep themselves engaged in some productive activity just like Mahesh Jani.

  “અક્ષરજ્ઞાનનો મહિમા મોટો છે. લખતાં-વાંચતાં આવડશે તો ભવિષ્યમાં દુ:ખી નહિ થવું પડે.”

  Good and inspirational thought that made Jani saaheb do something very helpful to the society.

  Thank you Mr. Girish for this inpirational story!

 10. nayan panchal says:

  જો આ વાત સત્યકથા હોય તો મહેશભાઈને સલામ.

  ઉંમર તો માત્ર એક નંબર છે. અને ફાજલ સમયને પણ કેવી રીતે શ્રેષ્ઠતમ રીતે વાપરી શકાય તે જાણવુ ખૂબ મહત્વનુ છે. મહેશભાઈ જેવા નિવૃતિમાં પણ પ્રવૃતિમય લોકો કરતા સારૂ જીવન જીવી જતા હોય છે.

  આભાર, ગિરિશભાઈ.

  નયન

 11. Nitin says:

  Congratulations Mrugeshbhai to provide such a good story.A positive approch is good for life.We really learn some moral things from this story.

  Regards,

  Nitin
  From Vadgam

 12. ઈન્દ્રેશ વદન says:

  અદભૂત !!

 13. jinal says:

  મહેશ ભાઈ ની નિષ્ઠા ને લીધે મેળવેલુ અક્ષરજ્ઞાન બાળકો ને ભવિષ્ય મા ઉપયોગી નિવડશે અને સમાજ મા એક નવો જ દાખલો બેસશે.

 14. Veena Dave, USA says:

  સરસ.

 15. jigna says:

  ખરેખર, આવાસારાવાંચન થી સારા વિચારો ને વધુ પ્રોત્સાહન મળે છે. અને એક દિવ્ય તાકાત આવે છે.
  અને કઈ નહી તો એટ્લી પ્રાર્થના જરુર કરી શકાય કે, હે પ્રભુ, મારા વડે બીજાની કોઈ પણ મદદ થાય એવી શક્તિ, મોકો, વિચાર અને કૃપા આપો.

  ધન્ય છે.

 16. Pravin V. Patel [Norristown PA USA] says:

  મહેશભાઈ જેવા સ્વનામધન્ય માનવતાવાદીઓ ઘણા ઓછા હોય છે.
  જેઓ છે તેઓ સમાજમાં પોતાની ફોરમ ફેલાવતા રહે છે.
  ધન્યવાદ છે આવા નરરત્નોને.
  ગિરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.

 17. Rajni Gohil says:

  મન હોય તો માળવે જવાય. ક્લબોમાં, ગપાટા મારવામાં કે બીજી રીતે સમય વેડફી દેતા લોકોએ આ વાર્તા પરથી બોધપાઠ લેવા જેવો છે. સમાજનું ઋણ ચૂકવવા માટે આવા ઘણા રસ્તા મળી રહે. જરૂર છે મહેશભઇ જેવા નિષ્ઠાવાન લોકોની. જુના જમાનામાં વાનપ્રસ્થાશ્રમની પ્રથામાં સમાજનું ઋણ ચૂકવવાનું જ કાર્ય થતું હતું. સુંદર બોધદાયક વાર્તા બદલ આભાર.

 18. kumar says:

  ખરેખર ખુબ સરસ પ્રવ્રુતી ….
  સમય નો ખરેખર સદુપયોગ.

 19. Vraj Dave says:

  સરસ અરે ખુબજ સરસ. માનવી જ્યારથી જિન્દગી ની નવી દિશા તરફ પગલા પાડે છે ત્યારથી તેની નવી ઉંમર સરુ થાય છે. હા સત્ય હોય તો અને બોધકથાજો હોય તો પણ સલામ.

  હમણા રીડગુજરાતી નો સાહિત્ય વિભાગ રોજીંદો જે આવે છે તે ખુલતો નથી.

  વ્રજ દવે
  હાલાર

 20. Vraj Dave says:

  શ્રી શાહસાહેબ,
  હમણા રીડગુજરાતી મા રોજિંદો જે સાહિત્યનો વિભાગ ખુલતો નથી. સાઈટ અપગ્રેડ કરો છો કે શું?

  આભાર

 21. Rajendra Shukla says:

  If educated and well settled people would start helping people with special needs, no wonder country can not achieve new heights.

  સાથી હાથ બઢાના.

 22. suresh says:

  બહુ સરસ લેખ ચે બધાને બોધ લેવા જેવુ – સુરેશ

 23. Mital Parmar says:

  સરસ…

 24. વાહ ….ખૂબ સરસ ઉદાહરણ

  નિષ્ઠા જાળવવી અને એ માટે પરોપકારનું આવું માધ્યમ શોધી જીવનને પ્રવૃત્તિમય રાખવું એ ખરેખર વખાણવાલાયક વાત છે…

 25. sakhi says:

  very nice

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.