બે બાળવાર્તાઓ – પોપટલાલ મંડલી

[‘અજબ ચોર અજબ રાજા’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એક હતો ધૂની રાજા

picture-016સુંદરગઢ નામની સુંદર નગરી હતી. સુંદરસિંહ એનો રાજા હતો. એની પાસે પ્રજાકલ્યાણનાં કામો હતાં. જેવા કે – કૂવા, તળાવ અને વાવ ગળાવવાં, ધર્મશાળાઓ બંધાવવી. રસ્તાઓ તૈયાર કરાવવા, રસ્તા પર વૃક્ષો રોપાવવાં, ભ્રષ્ટાચાર દૂર કરાવવો. પરંતુ રાજા સુંદરસિંહ આવું એક પણ કામ કરતો ન હતો. એ નકામી અને બિનજરૂરી વાતો વિષે વિચારતો હતો.

એકવાર એણે મંત્રીને આજ્ઞા કરી કે, ‘રાજ્યમાંથી નકામાં પ્રાણીઓ જેવાં કે કૂતરાં, બિલાડાં અને ભૂંડ ને પકડી સરહદ પાર મૂકી આવો. આવાં પ્રાણીઓથી પ્રજા પરેશાન થાય છે ને રાજ્યની આવક પર અસર થાય છે.’ રાજાની આજ્ઞા સાંભળી મંત્રી દંગ રહી ગયો. આવું કાર્ય એના કાર્યક્ષેત્રમાં આવતું ન હતું. રાજાની મૂર્ખતા સાથે પોતાને મૂર્ખ બનવું પડતું હતું. સમય સંજોગો વિચારી એણે આ કામ હાથ પર લીધું. એક મહિનાના અંતે એણે રાજ્યભરમાંથી ત્રણે પ્રાણીઓને તગેડી મૂક્યાં. રાજ્યમાંથી આવાં ઉપયોગી પ્રાણીઓ દૂર થતાં ચોર, ઉંદર અને ગંદકી વધી પડ્યાં અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ.

બે મહિના બાદ રાજા સુંદરસિંહે સેનાપતિને બોલાવ્યો. એને આજ્ઞા કરી કે, ‘રાજ્યમાંથી જે ત્રણ વધુ મૂર્ખ હોય એને એક મહિનામાં દરબારમાં હાજર કરો, પરંતુ ધ્યાન રાખજો કે એ ત્રણે મુર્ખાઈમાં એક એકથી ચડિયાતા હોવા જોઈએ. જો એમ નહિ કરો તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ.’
પ્રધાને ડરતાં ડરતાં રાજાને પૂછ્યું : ‘રાજન, મૂર્ખાઓને ભેગા કરી શું કરશો ?’
રાજા સુંદરસિંહ : ‘એ ત્રણેને મૂર્ખશિરોમણિની પદવી આપીશું. એમને રહેવા મહેલ અને ફરવા બગીચો આપીશું, એમની મૂર્ખામીની વાતો સાંભળી અમે આનંદ મેળવીશું.’ સેનાપતિને રાજાનું આ કામ કરવું પસંદ ન હતું. પણ કરે શું ? સત્તા પાસે શાણપણ નકામું હતું. એણે રાજ્યના મંત્રીઓને અને પદાધિકારીઓને ભેગા કર્યા. એમની પાસે રાજાની ધૂનની વાત કરી : ‘રાજા લોકકલ્યાણનાં કામો કરવામાં ધ્યાન આપતો નથી. રાજ્યના ધનનો અને શક્તિનો દુરુપયોગ કરે છે. આવા રાજાને હું પાઠ ભણાવવા માગું છું. તમે મને સહકાર આપો.’ ત્યાં એકઠા થયેલા મંત્રીઓએ અને અન્ય કર્મચારીઓએ સેનાપતિને સાથ આપવાનું વચન આપ્યું.

સેનાપતિ એક મહિનાની રજા લઈ મૂર્ખાઓને શોધવા ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એને થાક લાગ્યો. થાક ખાવા એ એક ઝાડ નીચે ઊભો રહ્યો. થોડીવારે એણે ઝાડ પર જોયું તો એક મૂર્ખ બેસવાની ડાળ કાપતો હતો. ડાળ કપાઈ જવાની તૈયારીમાં હતી. સેનાપતિએ મૂર્ખને ડાળ કાપતો અટકાવી દીધો. યુક્તિ કરી નીચે ઊતાર્યો. સેનાપતિને જોઈએ એવો મૂર્ખ મળી ગયો. સેનાપતિ મૂર્ખાને લઈ રાજદરબારમાં આવ્યો. રસ્તામાં એણે એની મુર્ખાઈની પરાક્રમ કથાઓ જાણી લીધી. રાજા આ વખતે રાજદરબારમાં સિંહાસન પર બેઠો હતો. દરબાર હકડેઠઠ ભરાયો હતો. સેનાપતિને જોતાં રાજાએ પૂછ્યું : ‘સેનાપતિજી, તપાસ પૂરી થઈ ગઈ ? ત્રણે મૂર્ખાઓને આપ શોધી લાવ્યા હોય તો એમની મૂર્ખતાનું વર્ણન કરો. એ સાંભળી અમે મોજ માણીએ.’
સેનાપતિએ પોતાની પાછળ ઊભેલા મૂર્ખને આગળ ધરી કહ્યું : ‘રાજન, આ પહેલાં નંબરનો મૂર્ખ છે. હું એને વગડામાંથી પકડી લાવ્યો છું. એ એક ઊંચા ઝાડ પર બેસી, બેસવાની ડાળી કાપતો હતો. ડાળ કપાવવાની તૈયારીમાં હતી ત્યાં હું પહોંચી ગયો. મેં યુક્તિ કરી માંડ માંડ નીચે ઊતાર્યો.’ આ સાંભળી રાજા અને આખો દરબાર હસી પpicture-018ડ્યો.

સેનાપતિએ આગળ ચલાવ્યું : ‘આ મૂર્ખને સ્ત્રી અને બાળકો છે. એમનું ભરણ-પોષણ કરતો નથી. આથી એનાં બૈરાં-છોકરાં હાડપિંજર જેવાં થઈ ગયાં છે. એક વખત કથામાં એણે સાંભળ્યું કે ‘રૂપિયાને રૂપિયો ખેંચે.’ પછી તો પૂછવું જ શું ? આ મૂર્ખે તરત જ ગામમાં એક શાહુકારના ત્યાં નોકરી મેળવી લીધી. એ જ્યારે નવરો પડતો ત્યારે તિજોરી પાસે બેસી જતો. ખિસ્સામાંથી રૂપિયો કાઢી તિજોરીના કાણા પાસે ધરતો, પરંતુ તિજોરીમાંથી રૂપિયો ખેંચાઈને બહાર આવતો નહિ. એ થાકી જતો ત્યારે એના હાથમાંથી રૂપિયો તિજોરીમાં પડતો. આ ચક્કરમાં એણે સો રૂપિયા ગુમાવ્યા. આવો એ મૂર્ખ છે.’ આ સાંભળી રાજા રાજીનો રેડ થઈ ગયો. આખો દરબાર ક્યાંય સુધી હસતો રહ્યો. રાજાએ ઊભા થઈ પોતાના ગળાનો મૂલ્યવાન હાર મૂર્ખના ગળામાં પહેરાવી દીધો. બધાની ઉત્સુકતા હવે બીજો અને ત્રીજો મૂર્ખ કોણ છે તે જાણવાની હતી. ત્યાં રાજાએ આજ્ઞા કરી કે, ‘હવે બીજા મૂર્ખને પ્રસ્તુત કરો.’
કંઈક ખચકાતો સેનાપતિ બોલ્યો : ‘મહારાજ, આપણા રાજ્યના બીજા અને ત્રીજા મૂર્ખ આ દરબારમાં જ હાજર છે.’
‘આપણા દરબારમાં ?’ રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, ‘કોણ છે તેઓ ?’ રાજાએ પુન: પૂછ્યું.
સેનાપતિ : ‘મહારાજ, હું તેમનું નામ લઈ શકતો નથી. મને દહેશત છે કે તે મને મરાવી નાંખશે.’
‘અરે હું હાજર છું. તું પ્રાણની ચિંતા કરીશ નહિ. જે હોય તે તેને નિર્ભય રીતે કહી દે. ભર દરબારમાં હું તને અભય વચન આપું છું.’ ધૂની રાજાએ કહ્યું.
‘તો મહારાજ બીજોમૂર્ખ તે આપ પોતે છો.’ સેનાપતિએ ગંભીર થઈને કહ્યું.
‘શું બકવાસ કરે છે ? તું ભાનમાં છે કે બેભાન છે ?’ રાજાએ ગુસ્સે થઈને કહ્યું.
‘રાજન, હું પૂરેપૂરો સભાન છું. જે રાજા વિદ્વાનોની તપાસ ના કરાવે ને મૂર્ખાઓની તપાસ કરાવે, વિદ્વાનોને ફૂલોનો હાર ના પહેરાવે ને મૂર્ખને રત્નજડિત હાર પહેરાવે તેને બીજી કઈ ઉપમા અપાય ?’ સેનાપતિએ એ આત્મવિશ્વાસથી કહ્યું.

‘અને ત્રીજો મૂર્ખ કોણ ?’ રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘તે હું જ છું, રાજાજી. જે મૂર્ખાઓને શોધવા નીકળ્યો. રાજ્યની રક્ષા કરવાનું કામ પડતું મૂકીને વાહિયાત કામ કરવા નીકળ્યો તે મૂર્ખ છે. એને નોકરી છોડી દેવી જોઈતી હતી. મૂર્ખ સ્વામીની નોકરી કરતાં કરતાં કર્મચારીઓ પણ મૂર્ખ બની જાય છે. હું પણ તમારી આજ્ઞાનું પાલન કરીને મૂર્ખ સાબિત થયો છું.’ આ સાંભળી દરબારીઓએ માથું હલાવીને સમર્થન આપ્યું. સેનાપતિએ નિર્ભયતાથી કરેલી રજૂઆતથી રાજાની આંખો ઊઘડી ગઈ. એણે ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે, ‘હવેથી હું આવાં નકામાં કાર્યોમાં મારી શક્તિની બરબાદી નહિ કરું.’ રાજાને સમયસર મુકામ પર આવેલો જાણી સૌએ હાશ અનુભવી. આખા દરબારે રાજા પર ધન્યવાદની વર્ષા કરી. એથી ધન્યવાદની અધિક વર્ષા દરબારે સેનાપતિ પર કરી.

[2] રાજાની પાસે બેસવાનું ફળ

picture-017શ્રાવસ્તી નગરીમાં વિષ્ણુગુપ્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ ગરીબ પણ બુદ્ધિમાન હતો. સમય અને સંજોગોને માન આપી ભિક્ષાવૃત્તિ કરી પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરતો હતો. વિષ્ણુગુપ્તને એક દીકરી હતી. નામ એનું રાધા હતું. રાધાના લગ્ન માટે તે બચત પણ કરતો હતો. બચત કરેલી રકમ અમૂલખ શેઠની પેઢીમાં જમા કરાવતો હતો. વિષ્ણુગુપ્તે આ રીતે દશ વરસ સુધી બચત કરી, હવે તેની રાધા પુખ્ત વયની બની હતી. સારું ઘર અને સારો વર જોઈ વિષ્ણુગુપ્તે રાધાની સગાઈ કરી નાખી. વસંતપંચમીના રોજ લગ્ન કરવાનું મુહૂર્ત પણ જોવડાવી દીધું.

એક દિવસ વિષ્ણુગુપ્ત અમૂલખ શેઠની પેઢીએ આવી કહેવા લાગ્યો : ‘શેઠજી, મેં દીકરીનાં લગ્ન લીધાં છે. માટે હિસાબ કરીને મારી બચત થયેલી રકમ આપો.’
શેઠની દાનત બગડી હતી. એણે ઉગ્ર સ્વરે કહ્યું : ‘હું તને ઓળખતો નથી. બચત કેવી ને વાત કેવી ? ભાગ અહીંથી…’
વિષ્ણુગુપ્ત કહે : ‘શેઠ, ગરીબ બ્રાહ્મણની મજાક ન કરો. હાડિયાને હસવાનું થાય છે ને ઊંદરડીનો જીવ જાય છે. આપની ખાતાવહીમાં મારું ખાતું પાડેલું છે. એમાં મારી બચત રકમ બોલે છે. કૃપા કરી મારી ખાતાવહી જુઓ, મારી જે રકમ નીકળતી હોય તે આપો. હું ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો નથી.’ શેઠે નોકરો મારફતે બ્રાહ્મણને તગેડી મૂક્યો. શેઠની બેઈમાનીથી વિષ્ણુગુપ્તને ભારે આઘાત લાગ્યો. એનો અરમાનોનો મહેલ કડડડ ભૂસ કરતો તૂટી પડ્યો. એ ભારે હૈયે રાજાના મહેલે આવ્યો.

રાજા બિંદુસાર યજ્ઞના કામમાં વ્યસત હતો. એને એક પળની નવરાશ ન હતી. આમ છતાં પ્રજાવત્સલ રાજાએ યજ્ઞનું કામ પડતું મુકી ગરીબ બ્રાહ્મણની કથની પૂરેપૂરી સાંભળી. બ્રાહ્મણને કહ્યું : ‘પૂરાવાના અભાવે હું ન્યાય આપી શકતો નથી. ન્યાયશાસ્ત્રમાં પૂરાવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આમ છતાં તને તારી બચતની રકમ મળે તે માટે મેં એક યુક્તિ વિચારી છે.’ આમ કહી રાજાએ એના કાનમાં યુક્તિ જણાવી. રાજાની યુક્તિ સાંભળી રવિકિરણથી કમળ ખીલે એમ બ્રાહ્મણનું મોં ખીલી ઊઠ્યું. એ ધમધમ પગલાં ભરતો પોતાના આવાસે ગયો. રાજાએ સાંજે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે, ‘આવતી કાલે સવારથી રાજાની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગે ફરશે. તો સૌ નગરજનોને શોભાયાત્રામાં ભાગ લેવાનું આમંત્રણ છે.’ આખી રાત નગરના લોકોએ નગરને ધજાપતાકાથી શણગાર્યું. લોકો ખુશીના મહેરામણમાં હિલોળા લેતા હતા.

એવામાં સવાર પડ્યું. દશવાગે રાજા બિંદુસારની શોભાયાત્રા દક્ષિણ દરવાજે આવેલા ભગવાન સોમેશ્વ્રરના મંદિર પાસેથી નીકળી. લોકો, વેપારીઓ અને શ્રેષ્ઠીઓ માર્ગમાં રાજાનું અભિવાદન કરતા હતા. આ વખતે વિષ્ણુગુપ્ત અમૂલખ શેઠની પેઢીએ ઊભો હતો. થોડી જ વારમાં રાજાની શોભાયાત્રા અમૂલખ શેઠની પેઢી પાસે આવી પહોંચી. અમૂલખશેઠે ફૂલહાર પહેરાવી રાજાનું અભિવાદન કર્યું. આ વખતે રાજાની નજર વિષ્ણુગુપ્ત પર પડી. રાજાએ ઈશારો કરી વિષ્ણુગુપ્તને પોતાની પાસે બોલાવ્યો. રાજાએ ‘ગુરુદેવ’ કહી વાતની શરૂઆત કરી : ‘યજ્ઞના કામકાજ માટે મારે તમારી સલાહ લેવાની છે. માટે આપ થોડીવાર મારી પાસે બેસો.’ વિષ્ણુગુપ્ત થોડીવાર રાજાની પાસે બેસી ઊતરી ગયો. નગરજનો અને અમૂલખશેઠ વિષ્ણુગુપ્તને રાજા તરફથી મળતું માન જોઈ રહ્યા. નગરજનો દંગ થઈ ગયાં. જ્યારે અમુલખ શેઠ ધ્રૂજી ગયો. શેઠ અમૂલખને મનમાં વસી ગયું કે, ‘વિષ્ણુગુપ્ત જો મારા વિરુદ્ધ રાજાને ફરિયાદ કરશે તો રાજાના સૈનિકો મારા તમામ ચોપડાઓ જપ્ત કરી તપાસ કરશે. ખાતાવહીમાં બ્રાહ્મણનું ખાતું જોઈ મારી તમામ મિલકત રાજા જપ્ત કરશે. મને જેલમાં પૂરશે. મારા કુટુંબને દેશનિકાલ કરશે. આ તો રાજા વાજાંને વાંદરા. એમનું કંઈ કહેવાય નહીં.’ આવું વિચારી શેઠે નોકરોને દોડાવી વિષ્ણુગુપ્તને પેઢી પર બોલાવી મંગાવ્યો.

શેઠે બ્રાહ્મણને પેઢીમાં બેસાડી બહુમાન કર્યું. વિનમ્ર થઈને કહ્યું : ‘બ્રહ્મદેવતા, તમારા ગયા પછી મેં ખાતાવહી તપાસી તો તમારું જમા પડેલું ધન મળી આવ્યું. મને એ યાદ ન હતું. આપ મને ક્ષમા કરશો. હું અત્યારે જ હિસાબ કરી તમારી તમામ રકમ વ્યાજસહિત આપી દઉં છું. ઉપરાંત દીકરીનો લગ્નપ્રસંગ હોઈ હું થોડી વધારે રકમ મારા તરફથી આપું છું. આપ એનો સ્વીકાર કરશો.’ વિષ્ણુગુપ્તનું કામ થઈ ગયું. એ વિચારવા લાગ્યો કે રાજા સાથે થોડીવાર બેસવાથી આ પરિણામ આવ્યું તો રાજાના રાજા ઈશ્વર પાસે બેસીને ઉપાસના કરવાથી કોણ જાણે કેટલું મોટું ફળ મળતું હશે ? આ રીતે ઉચ્ચ ચિંતન કરવાથી ભક્તની વિચારણા, ક્રિયા અને નિષ્ઠામાં ફેરફાર થઈ જાય છે. ભક્ત ધીરે ધીરે ઊંચે ઊઠવા લાગે છે.

ચંદન પાસે ઊગનારાં બીજાં ઝાડ પણ સુગંધિત થઈ જાય છે. તીડ, કીડા, પતંગિયાં લીલાઘાસમાં રહેવાને કારણે લીલાં થઈ જાય છે. તેમ ઈશ્વર પાસે સાચી ઉપાસના કરવાથી આપણે ઈશ્વરમય બની જઈએ છીએ.’ આવું વિચારી વિષ્ણુગુપ્ત ઈશ્વર પાસે બેસી ઉપાસના કરવા લાગી ગયો.

[કુલ પાન : 82. કિંમત રૂ. 44. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન, 58/2 બીજે માળે, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22110081-64]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનસાથી – ડૉ. અજય કોઠારી
તારો ચંદ્ર વધુ શીતળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

25 પ્રતિભાવો : બે બાળવાર્તાઓ – પોપટલાલ મંડલી

 1. pragnesh shah says:

  ગુડ

 2. Sarika says:

  very interesting stories. I will sure buy this story book.

 3. kinjal says:

  ખુબ જ સરસ .

  વારતા વાંચવા ની મજા પડી.

 4. nayan panchal says:

  પ્રથમ વાર્તા અકબર-બિરબલ પરથી ‘પ્રેરિત’ લાગી. બીજી વાર્તા ખૂબ સરસ અને બોધપ્રદ.

  આભાર,
  નયન

  રાજા સાથે થોડીવાર બેસવાથી આ પરિણામ આવ્યું તો રાજાના રાજા ઈશ્વર પાસે બેસીને ઉપાસના કરવાથી કોણ જાણે કેટલું મોટું ફળ મળતું હશે ?

 5. Vaishali Maheshwari says:

  Both the short stories were very interesting to read.
  Filled with intelligence.
  No matter how rich you are, you need to be smart and intelligent enough to tackle with different things.

  Thank you Mr. Popatlal.

 6. Ashish Dave says:

  The first story is indeed inspired from Akbar / Birbal. I remember this story as we did our play in our primary school based on this story with 11 fools a while back.

  Ashish Dave
  Sunnyvale, California

 7. sakhi says:

  very nice and intresting story.

 8. Gargi says:

  Very nice stories

 9. CHARMY says:

  Very nice & interesting stories. I like very much.

 10. CHARMY says:

  Very nice & interesting Stories. I like so much.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.