ગિરનાર – સંજય ચૌધરી

[ જૂન મહિનાની શરૂઆત થાય એટલે ગિરનારનું સ્મરણ સહેજે થઈ આવે, કારણ કે આજથી બરાબર એક વર્ષ પહેલાં આપણે ‘ગિરનારની ગોદમાં’ રખડવાનો આનંદ માણ્યો હતો. આજે ફરી એકવાર, સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી સંજયભાઈની કલમે ‘ગિરનાર’ પુસ્તકની સંગાથે ગિરનારનું સ્મરણ કરીએ. તાજેતરમાં પૂ. મોરારિબાપુના હસ્તે વિમોચન પામેલું આ પુસ્તક, ગિરનાર અને જૂનાગઢ વિશેની માહિતીના અમૂલ્ય ખજાના સમાન છે. ગિરનારનો ઈતિહાસ, ગિરનારની પરિક્રમા, તળેટીના વિસ્તારો, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, ગિરનાર આરોહણ અને સોપાન માર્ગ, ગિરનારનાં વૃક્ષ-ઔષધોની વિસ્તૃત માહિતી, વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર સહિત જૂનાગઢના પ્રાચીન ઈતિહાસનાં અદ્દભુત પ્રકરણો વાચકને રસતરબોળ કરી દે છે. શ્રી સંજયભાઈ, ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટૅકનોલોજી (DA-IICT), ગાંધીનગર ખાતે પ્રૉફેસર તરીકે કાર્યરત છે. તેમણે અર્થશાસ્ત્રમાં એમ.એ., વાદ્યસંગીતમાં સંગીતવિશારદ, કોમ્પ્યુટરવિજ્ઞાનમાં પી.જી. ડિપ્લોમા, એમ.ફીલ અને પી.એચ.ડીની પદવી મેળવી છે. કોમ્પ્યુટર વિજ્ઞાન વિષય ઉપર તેમના પાંત્રીસથી વધારે સંશોધનલેખો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ તથા જર્નલમાં પ્રકાશિત થયા છે. તેઓ સરકારી અને ખાનગી કંપનીઓમાં સલાહકાર તરીકેની સેવાઓ પણ આપે છે. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rangdwar.prakashan@gmail.com અથવા આ નંબર પર +91 79 26305959 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

picture-019પ્રાચીન સમયમાં પ્રેમ, શૌર્ય, સ્વાર્પણ, ટેક અને ફનાગીરીની અનેક ઉદ્દાત ગાથાઓ સંગ્રહી ઊભેલો આ ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ સમુદ્રની સપાટીએથી 1,116 મીટર છે, તે 24 કિ.મી. લાંબો છે અને 6.5 કિ.મી. પહોળો છે. આ ગિરિમાળા 70 ચોરસ માઈલમાં એટલે કે 181 ચોરસ કિ.મી.માં વિસ્તરેલી છે. ગિરનારમાં હસનાપુર, સૂરજકુંડ, બોરીયો અને માળવેલા નામના ઘાટ (ઘોડી કે ગાળા) છે. હસનાપુર ડૅમનું ઉદ્દઘાટન ઈ.સ. 1955માં કરવામાં આવેલું હતું. જૂનાગઢ શહેરની પૂર્વ દિશાએ 3.6 કિ.મી. દૂર ‘વાદળથી વાતો’ કરતા ઊભેલા આ પ્રાચીન, પુરાણ પ્રસિદ્ધ પર્વતની ગિરિમાળા શહેરથી બહાર નીકળતાં તરત શરૂ થાય છે. બંને બાજુએ પર્વતીય હારમાળા, નદીઓ અને નાનાં ઝરણાં વચ્ચેથી પસાર થતો વાંકોચૂકો રસ્તો અનુપમ કુદરતી સૌંદર્યથી આકર્ષે છે. ગિરનારમાં નવ નાથ અને ચોરાશી સિદ્ધોનું બેસણું છે એમ કહેવાય છે.

ગિરનારમાં ચૈતન્ય પ્રભુ અને વલ્લભાચાર્ય મળ્યા હતા. ગૂર્જિયેફે ગિરનારની યાત્રા કરી હતી. સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદ ગિરનાર ઉપર સાધના કરી ગયા છે. સ્વામી વિવેકાનંદ જેનું જીવનચરિત્ર લખ્યું છે તે પળહારી બાબાએ ગિરનાર ઉપર યોગાભ્યાસ કર્યો છે. આજે પણ શ્રદ્ધાળુઓ અને યાત્રિકો અશ્વત્થામા અને ગોરખનાથને સૂક્ષ્મ દેહે ગિરનાર પર વિચરતા માને છે. શ્રી ગુણવંતભાઈ શાહ લખે છે કે, ‘ગિરનાર જો હિમાલયને પત્ર લખે તો “ચિરંજીવ હિમાલય” એમ સંબોધન કરે અને હિમાલય જો ગિરનારને પત્ર લખે તો “પૂજ્ય દાદાજી” એમ માનભર્યું સંબોધન કરે. સોરઠી દુહાઓમાં તો ‘ન ચઢ્યો ગિરનાર, એનો એળે ગયો અવતાર’ એવું લખવામાં આવેલું છે. ગિરનાર અનેક રીતે મહત્વ ધરાવે છે પરંતુ તેનું અપૂર્વ એવું મહત્વ જાળવવાની જવાબદારી આપણી ઉપર છે. ઈ.સ. 1877ના ‘કલકત્તા રિવ્યૂ’માં એક અંગ્રેજ અધિકારીએ લખ્યું છે કે ‘આ મહાન અને પ્રાચીન પર્વતને બુદ્ધિપૂર્વક જેમનો તેમ રહેવા દીધો છે તે જ યોગ્ય છે અને આપણે ઈચ્છીએ છીએ કે તે તેવો ને તેવો જ રહે. જો તેના ઉપર વિશેષ ઈમારતો ઉભી કરવામાં આવશે કે આધુનિક સભ્યતાનો ત્યાં પ્રવેશ થવા દેવામાં આવશે તો જરૂર આપણને દિલગીર થવાનો પ્રસંગ આવશે.’ સ્વામી વિવેકાનંદ, એની બેસન્ટ, મહર્ષિ અરવિંદ જેવા મહાનુભાવોએ પણ ગિરનારની યાત્રા કરેલી છે.

હિંદુ ધર્મના લગભગ તમામ સંપ્રદાયો જેવા કે શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગણપત્ય, સૂર્ય ઉપાસકો, દત્ત ઉપાસકો, ભૈરવ ઉપાસકો, નાથ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય, ઉદાસીન સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય, કબીર સંપ્રદાય, મહાપંથ, નિજારી ધર્મ વગેરેને ગિરનાર પર્વત સાથે ઘનિષ્ઠ સંબંધ તેમજ ઐતિહાસિક અનુસંધાન છે. સનાતની વૈદિક ધર્મના શાક્ત સંપ્રદાયના અનુયાયીઓનું આ એક વખતનું પાટનગર હતું. ભારતભરનાં દત્ત ઉપાસકો સદીઓથી ગિરનાર ઉપરની છેલ્લી ટૂક પર ‘દત્તાત્રય પાદુકા’ના દર્શન માટે આવતા રહે છે. બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મ પણ ગિરનારના ક્ષેત્રે ખૂબ વિકાસ પામ્યો. જૈન સંપ્રદાયમાં સમેત શિખર, પાવાપુરી, શૈત્રુંજયની જેમ ‘ગિરનારજી’ને અતિ મહત્વનું તીર્થ માનવામાં આવે છે. આજે પણ જૈન સાધુઓ-સાધ્વીઓ ગિરનાર ઉપર કાયમી અથવા ચાર્તુર્માસ દરમ્યાન ભગવાન અરિહંતની અખંડ આરાધના કરતા હોય છે.

ઈ.સ. 1350માં મહમદ તખલખે રા’ખેંગાર ચોથા સામે જ્યારે આક્રમણ કર્યું ત્યારથી ઈસ્લામ ધર્મનો પ્રચાર આ વિસ્તારમાં થવા લાગ્યો અને ગિરનારની ગિરિકંદરાઓમાં ઈસ્લામ ધર્મના ફકીરો અને ઓલિયા સંતો સાધના કરવા લાગ્યા. જૂનાગઢની ગાદી પર લાંબા સમય સુધી મુસ્લિમ શાસન રહ્યું તેથી ઈસ્લામ ધર્મને રાજ્યઆશ્રિત ધર્મ તરીકે પણ બળ મળ્યું હતું. ઈ.સ. 1920માં ગિરનાર પર્વત પર જતા યાત્રાળુઓ પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો. તા. 31 માર્ચ, 1920ના રોજ નવાબ મહાબતખાન જૂનાગઢની ગાદી પર બેઠા તેની ખુશીમાં યાત્રાળુ ઉપરનો કર નાબૂદ કરવામાં આવ્યો.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભાઈઓ માટે સૌ પ્રથમ આયોજન તા. 22-9-1971ના રોજ રવિવારે, ‘ફૂલછાબ’ દૈનિકની સુવર્ણ જયંતીએ કરવામાં આવ્યું હતું, જેમાં 125 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગિરનારની તળેટીથી અંબાજી મંદિર સુધીનાં 5,500 પગથિયાં ચઢીને ઊતરવાની સ્પર્ધામાં ગોપાલભાઈ સવજીભાઈ કાછડિયા એક કલાક અને બે મિનિટમાં આ અંતર પૂરું કરીને વિજેતા બન્યા હતા. બહેનો માટેની સ્પર્ધાનું આયોજન તા. 15-1-1978ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં તળેટીથી જૈન દેરાસર સુધીનાં પગથિયાં ચઢીને ઊતરવાની સ્પર્ધામાં કુ. ગીતા ત્રિવેદી પ્રથમ આવ્યાં હતાં. યુવાનો સ્વાસ્થ્ય અને સાહસિકતા માટે જાગૃત બને તથા પ્રકૃતિ અંગેની તેમની જાણકારી વધે તે માટે સ્વ. ધર્મેન્દ્ર માસ્તરની યાદમાં દિવાળી પછીના રવિવારે સવારે ગિરનાર પરિક્રમા શરૂ થાય છે : લગભગ સાત કલાકમાં 36 કિ.મી.ની પરિક્રમા પૂરી કરવામાં આવે છે. 2008માં કુલ આઠસો યુવાનો તેમાં જોડાયા હતા.

ગિરનારની ગિરિમાળામાં પર્વતોનો એક સમૂહ છે. તેમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતાં બાબરિયો, ખોડિયાર, લાખામેડી, કાબરો, ગધ્ધાકોટ, લાંબધાર અને ટકટકિયો નામના ડુંગરો છે. આ ઉપરાંત ભેંસલો, જોગણીનો પહાડ, અશ્વત્થામાનો ડુંગર, લક્ષ્મણ ટેકરી, દાતાર વગેરે પર્વતોથી ઉજ્જ્યંત (ગિરનાર) ઘેરાયેલો છે. ગિરનારની પશ્ચિમે દાતારનો પર્વત આવેલો છે. જેની ઊંચાઈ 2795 ફૂટ (847 મીટર) છે. ભેંસલો નામના પર્વતની ઊંચાઈ 2164 ફૂટ (698 મીટર) છે. ગિરનારનાં મુખ્ય પાંચ શિખરોમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય અને કાલિકા છે. આ શિખરોની ઊંચાઈ નીચે મુજબ છે :

શિખર/સ્થળ… … … … ઊંચાઈ (ફૂટ)
માળી પરબ… … … … … 1,880
જૈન મંદિર શિખર… … … .3,200
અંબાજીનું શિખર… … … …3,330
ગોરખનાથનું શિખર… … …3,666 (સૌથી ઊંચું)
ઓઘડ શિખર… … … … …3,295
દત્તાત્રેયનું શિખર… … … …3,295
કાલિકા શિખર… … … … …3,112

[ગિરનારની તળેટી અને તેની આસપાસનાં મહત્વનાં તીર્થધામો]

સ્કંદપુરાણના પ્રભાસખંડમાં 77થી 102 અધ્યાયોમાં ગિરનાર મહાત્મય વર્ણવેલું છે. પ્રભાસખંડ મુજબ ગિરનાર ક્ષેત્રનું નામ વસ્ત્રાપથ છે અને તે પ્રભાસ ક્ષેત્ર અંતર્ગત છે. 79માં અધ્યાયમાં જણાવવામાં આવેલું છે ‘ગિરનાર ક્ષેત્ર દશ ગાઉના પરિઘના પ્રમાણવાળું છે. દક્ષિણે બલીના સ્થાન બીલ્લેશ્વર મહાદેવ સુધી, પશ્ચિમમાં વામનપુરી સુધી, ઉત્તરમાં ભદ્રાવતી નદી સુધી અને પૂર્વમાં આઠ ગાઉ સૂર્યકુંડ સુધીનું છે. તેના મધ્યભાગમાં વશિષ્ટ તીર્થ (ત્રિવેણી)થી માંડીને કાલિકાનું સ્થાન ગિરનારમાં છે ત્યાં સુધી અંતર્ગૃહી કહેવાય છે.’

ભવનાથ મહાદેવ
ભવનાથ મહાદેવનું મંદિર એ શૈવ સંપ્રદાયનું અત્યંત મહત્વનું પ્રાચીન મંદિર છે. સ્કંદપુરાણમાં ભવનાથ મહાદેવની કથા વર્ણવેલી છે. મંદિરમાં આવેલા શિવલિંગનું અવલોકન કરતા જણાય છે કે શિવલિંગ પ્રાચીન છે. તેની પર રુદ્રાક્ષના પારા પર ઊપસેલા દાણા જેવા અનેક નાના નાના દાણાઓ ઊપસેલા છે અને ઝીણવટથી જોવામાં આવે તો ઊપસેલા દાણાઓ ઉપર ‘ૐ’ લખેલું છે તે નરી આંખે જોઈ શકાય છે. સુવર્ણરેખા નદીની મધ્યમાં આવેલા પુરાણપ્રસિદ્ધ મૃગીકુંડના કાંઠે આવેલા આ શિવલિંગનો ઈતિહાસ રાજા ભોજના સમય સુધી જાય છે. થોડા વર્ષો પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થતો હતો ત્યારે તેના પાયા નજીકથી 8-10 ફૂટ ઊંડે સુંદર અને સૂક્ષ્મ કોતરણીવાળા મંદિરના શિલાખંડો મળી આવ્યા હતા જે દર્શાવે છે કે ભૂતકાળમાં આ ભવ્ય જાહોજલાલી ધરાવતું મંદિર હશે. કાળક્રમે કુદરતી હોનારત અથવા આક્રમણનો ભોગ બનીને તે ધ્વસ્ત થયું હશે. જોકે આ અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી.

ભવનાથના શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં માણસો આવે છે. નોમથી શરૂ થતો મેળો પૂનમ સુધી એટલે કે શિવરાત્રી સુધી ચાલે છે. મેળાની શરૂઆત નોમના દિવસે ભવનાથ મંદિરે ધજા ચઢાવીને થાય છે. દેશ-વિદેશથી સાધુ-સંતો એકઠા થાય છે. શિવરાત્રીએ રાત્રે બાર વાગ્યે ભવનાથ મંદિરની પાછળ આવેલા દશનામી પંથના અખાડાથી નાગા બાવાનું સરઘસ નીકળે છે. સરઘસમાં પહેલી પાલખી પંચદશનામી અખાડાની એટલે કે ભગવાન દત્તાત્રેયની હોય છે. અન્ય અખાડાઓની પાલખીઓ અને જુદા જુદા સ્થળેથી આવેલા સાધુ-સંતો પોતાનાં ધર્મધજા અને ધર્મદંડ લઈ શિષ્યો સાથે સરઘસમાં જોડાય છે. જે માર્ગ ઉપર નાગા બાવાનું સરઘસ ચાલે છે ત્યાં તેમના ભાલા, તલવાર, લાકડી, પટાબાજી અને અન્ય પ્રયોગો જોવા માટે લોકો અગાઉથી જ બેસી જાય છે. છેલ્લે, સરઘસ ભવનાથ મંદિરના બીજા દરવાજાથી દાખલ થઈને મૃગીકુંડ પાસે આવે છે. નિયત કરેલા ક્રમ મુજબ નાગા બાવા, સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. પછી એ સૌ ભવનાથ મહાદેવનાં દર્શન અને આરતી-પૂજા કરે છે. નાથ સંપ્રદાયના આ દિગંબર સાધુઓ હાથમાં મશાલ લઈને નીકળે છે ત્યારે એક અદ્દભુત દશ્ય સર્જાય છે. આમ, છ દિવસ સુધી આ ભવ્ય મેળો ચાલે છે. ભવનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલું ભવનાથ તળાવ ઈ.સ. 1880માં તૈયાર કરવામાં આવેલું હતું.

ઈન્દ્રેશ્વર મહાદેવ
જોગણિયા ડુંગરના પાછળના ભાગમાં ઉત્તરે ઢોળાવ પર આ મંદિર આવેલું છે. મંદિરનું નામકરણ જેના પરથી થયું છે તે ઈન્દ્રકુંડ પણ અહીં છે. અહીંના મહંતોની પરંપરામાં ઘણા સિદ્ધ મહાત્માઓ થયા હોવાનું નોંધવામાં આવેલું છે. આ મંદિર એકાંત જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી તેનું પ્રાકૃતિક સૌંદર્ય મનને શાંત અને પ્રસન્ન કરી દે છે. સ્વામી વિવેકાનંદે આ મંદિરની મુલાકાત લીધી હતી. ઈ.સ. 1906-07માં મુંબઈના ભાટિયા ગૃહસ્થની સહાયથી અહીં શિખરબંધ મંદિર બાંધવામાં આવેલું છે. તે વખતના નવાબ રસૂલખાને સક્કરબાગથી આ મંદિર સુધીનો પાકો રસ્તો બનાવી આપ્યો હતો.

દાતાર
દાતારના પર્વત ઉપર આવેલું જમીયલશા દાતારનું સ્થાનક એ હિન્દુ અને મુસ્લિમ બંને અનુયાયીઓ માટે એક અગત્યનું આસ્થકેન્દ્ર છે. દાતાર પર્વતની ઊંચાઈ 2,795 ફૂટની છે અને ત્યાં જમીયલશાહ પીરનો ચિલ્લો છે. જૂનાગઢના નવાબ પોતે પણ આ સ્થાન માટે ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા અને તેથી તેમણે પર્વત પર જવા માટે પગથિયાં અને કાચો રસ્તો બનાવી આપ્યો હતો. સંત જમીયલશાહ ઈરાનના તુસ શહેરના વતની હતા. તેમણે સાત વર્ષની ઉંમરે કુરાન કંઠસ્થ કર્યું હતું અને પંદર વર્ષની ઉંમરે હજ યાત્રા કરી હતી. તેમના ગુરુ પીરપીટાના આદેશથી તેઓ સિંધના નગરઠઠ્ઠા ખાતેથી ગિરનાર ક્ષેત્રમાં, રાહ માંડલિકના સમયમાં આશરે ઈ.સ. 1470ની આસપાસ આવ્યા હતા. તેઓ પોતે ઉદાર અને ઓલિયા પુરુષ હતા. તેઓ હિન્દુ અને મુસલમાનને સમાન ગણતા. આજે પણ તેમના ચિલ્લાને હિન્દુ અને મુસલમાનો સમાન ભાવે આદર આપે છે અને તેની માનતા રાખે છે. અહીં મહંત પટેલબાપુએ શરૂ કરેલું અન્નક્ષેત્ર છે. ચિલ્લા પાસે દરરોજ સાંજે નગારાં અને નોબતના નાદમાં મશાલ અને લોબાનનો ધૂણો પ્રગટાવવામાં આવે છે. દાતારની જગ્યામાં કેટલાક ફકીરો, ઓલિયા કે સંતોની અવરજવર ચાલુ છે અને ત્યાં ફકીરો અને મુસાફરોને રહેવા માટેનાં મકાનો છે. દાતાર ઉપર જવાનો સોપાનમાર્ગ બાંધવાનું કામ ઈ.સ. 1891માં શરૂ થઈને 1894માં પૂરું થયું હતું. વઝીર બહાઉદ્દીને પર્વત ઉપર મસ્જિદ બંધાવી હતી. દાતારોનો એક ચિલ્લો જૂનાગઢ શહેર અને દાતાર પર્વતની વચ્ચે આવેલો છે, જેને નીચલા દાતાર કહેવામાં આવે છે.

વિલિંગ્ડન ડૅમ
દાતાર પર્વતની તળેટીમાં ‘વિલિંગ્ડન ડૅમ’ની યોજના ઈ.સ. 1928માં તૈયાર કરવામાં આવેલી અને ઈ.સ. 1929માં નવાબ મહાબતખાનના હાથે તેનો પાયો નાખવામાં આવેલો હતો. મુંબઈના તે વખતના ગવર્નર લૉર્ડ વિલિંગ્ડનના હાથે તે ડૅમનું ઉદ્દઘાટન કરવામાં આવેલું હતું અને એમના માટેનાં માન-આદરને લીધે ડૅમનું નામ પણ તેમના નામથી રાખવામાં આવેલું છે. ડૅમનો કૅચમેન્ટ વિસ્તાર 1.6 ચો.માઈલનો છે, તેની ઊંચાઈ 44 ફૂટની છે અને તે જૂનાગઢને પાણી પૂરું પાડે છે.

ચામુદ્રી :
ગિરનારની તળેટીમાં આવેલા ચામુદ્રી નામના સુંદર સ્થળે તુલસી અને રામતુલસીનાં વન છે.

લાલ ઢોરી :
ગિરનારની તળેટીમાં દૂધેશ્વર મહાદેવ પણ છે. ત્યાં જૂનાગઢ રાજ્યના સમયમાં કલમી આંબાઓ વાવવા માટે વિશિષ્ટ વ્યક્તિઓને આપેલા પ્લોટોમાં આંબાનાં કલમી વૃક્ષો લહેરાય છે. ત્યાંથી થોડે દૂર લાલ ઢોરી નામનું રમણીય સ્થળ છે. તેની નજીકમાં આજે સદ. રતુભાઈ અદાણીએ સ્થાપેલી ‘રૂપાયતન’ નામની આશ્રમશાળા ચાલે છે. અહીં કુદરતી વાતાવરણમાં છાત્રાલયમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

દામોદરકુંડ :
જૂનાગઢથી ગિરનાર જવાના માર્ગે સોનરેખ નદીમાં પવિત્ર અને સુખ્યાત દામોદરકુંડ આવેલો છે. જેના કાંઠે દામોદરરાયજીનું મંદિર છે. સોનરેખ નદી ગિરનાર પાસેના હાથીપગા પાસેથી નીકળી, 330 મીટર નીચે ઊતરી, ભવનાથ મંદિરની ઉત્તર દિશાએથી વહીને, દામોદર કુંડ પાસેથી વહે છે. સોનરેખ નદી સક્કરબાગ આગળ થઈને ઉબેણ નદીને મળે છે. જોગણિયા ડુંગરની પશ્ચિમ તળેટીમાંથી નીકળીને પલાશિની નદી દામોદર કુંડથી આગળ સોનરેખ નદીને મળે છે. પલાશિની નદીના ઉદગમ સ્થાન પાસે પલાશ (ખાખરા)ના અનેક વૃક્ષો છે, તેથી તેનું નામ પલાશિની પડ્યું છે. દામોદર કુંડથી આગળ સ્કંદગુપ્તના સૂબા ચક્રપાલિતે ઈ.સ. 457-58માં વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું તેવો પર્વતીય શિલાલેખમાં ઉલ્લેખ છે. તે આ જ મંદિર હશે તેમ ઈતિહાસકારો માને છે. ભક્ત કવિ નરસિંહ મહેતા વહેલી સવારે અહીં સ્નાન અને મંદિરનાં દર્શને આવતા. અહીં વિ.સં. 1473નો એક શિલાલેખ છે, જે મુજબ દામોદર નામના પરોપકારી સજ્જને યાત્રાળુઓ માટે બંધાવેલો મઠ છે. શ્રી મહાપ્રભુની બેઠક પણ અહીં છે. દામોદરકુંડની પાસે મુચકંદની ગુફા અને મુચકંદેશ્વર મહાદેવ છે. આ ગુફામાં સ્વ. નથુરામ શર્માએ નિવાસ કરેલો હતો.

સુદર્શન તળાવ :
ઈ.સ પૂર્વે ત્રીજી-ચોથી સદીમાં ચંદ્રગુપ્ત મૌર્યે આ તળાવ બનાવ્યું હશે, તેવી વિગતો શિલાલેખો પરથી મળે છે. આ શિલાલેખો ઈ.સ. 1880માં વાંચવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે શિલાલેખોની બાજુમાં સુદર્શન તળાવ હતું. વિદ્વાનોએ મેળવેલી વિગતો અને તેમણે કરેલી ચર્ચા પરથી સાબિત થાય છે કે સુદર્શન તળાવ શિલાલેખોની પૂર્વ દિશાથી શરૂ કરીને, જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજાની અંદર ખાપરા-કોડિયાનાં ભોંયરાં અને ઉપરકોટની દીવાલોને અડીને ત્રિવેણી સુધી ફેલાયેલું હશે.

શિલાલેખો :
સમ્રાટ અશોકે ઈ.સ. પૂર્વે 256માં પોતાની રાજ્યાજ્ઞા અહીં શિલાલેખ સ્વરૂપે કોતરાવેલી હતી, જે અશોકના શિલાલેખ તરીકે ઓળખાય છે. ઈ.સ. 150માં સુદર્શન તળાવ ફાટ્યું ત્યારે મહાક્ષત્રપ રુદ્રદામાએ તેની પાળનું સમારકામ કરાવી તેનું વર્ણન કરતો શિલાલેખ અશોકના શિલાલેખની બાજુમાં કોતરાવ્યો. ઈ.સ. 426માં સુદર્શન તળાવ ફરીથી ફાટ્યું ત્યારે તેનું સમારકામ સમ્રાટ સ્કંદગુપ્તના અધિકારી ચક્રપાલિતે કરાવ્યું હતું, તેનું વર્ણન પણ ત્યાં જ શિલાલેખ સ્વરૂપે કોતરાવ્યું છે. આ અંગેની વિસ્તૃત માહિતી આ પુસ્તકના ‘જૂનાગઢનો ઈતિહાસ’ પ્રકરણમાં વિસ્તારથી જણાવવામાં આવેલી છે.

[‘ગિરનાર પર્વત, તળેટી અને જૂનાગઢ’ પ્રકરણમાંથી…]

[કુલ પાન : 272. કિંમત રૂ. 190. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન, જી-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, અમદાવાદ – 380 009. ફોન નં : +91 79 27913344. ઈ-મેઈલ : rangdwar.prakashan@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમૃતનું આચમન – સંકલિત
જીવન અધ્યાત્મના પ્રવર્તક : વિમલાતાઈ ઠકાર – શૈલેશ ટેવાણી Next »   

18 પ્રતિભાવો : ગિરનાર – સંજય ચૌધરી

 1. Pankaj Vithlani says:

  ગાગર મા સાગર જેવો લેખ વાચી આનદ થયો.

 2. ગુર્જર ગિરીરાજ ગિરનાર વિષે માહિતીપ્રદ પુસ્તક.

  પુસ્તક વસાવવા યોગ્ય.
  આભાર.

 3. nayan panchal says:

  સરસ માહિતીપ્રદ લેખ.

  ભવનાથની તળેટીમાં આવતા નાગાબાવાઓ શિવરાત્રિ પછી ક્યા જતા રહે છે તે કોઈને ખબર નથી પડતી. ગુજરાતના અન્ય શહેરો વિશે પણ આવા લેખો મળે તો મજા પડી જાય.

  આભાર,
  નયન

 4. sakhi says:

  ખુબ જ સરસ લેખ.

 5. Ramesh Thakkar says:

  ગિરનાર…….ઓળખ માહિતી અને ધામિકતાસભર લેખ થી આનંદ..રમેશ ઠકકર

 6. jinal says:

  ઘરે બેઠા બેઠા ગિરનાર ની યાત્રા. માહિતીસભર લેખ્

 7. Vraj Dave says:

  શ્રીશાહસહેબ,
  નમસ્કાર-જય જિનેન્દ્ર.
  આજના લેખ માં more> માં ક્લિક કરુછું તો ફુલપેઇજ ઓપન થતું નથી.
  અનુક્રમણીકા માથી ક્લિક કરી ને અત્યારે વાંચન કરું છુ.આપે મને યાદ કરીને મને મેઇલથી જવાબ આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર. ફરી ને મારુ અંગ્રેજી સાવ કાચુ છે.થોડુ વાંચી સકુછુ પણ જવાબ આપીસક્તો નથી જેથી હું દરેકને ગુજરાતીમા પ્રતિભાવ આપવાની વિનંતી કરુંછુ.
  દરેક માં વસેલ આત્માને હું પ્રણામ કરું છું સ્વિકાર કરે.

  ભલે ત્યારે નમસ્કાર આવજો
  વ્રજ દવે

 8. Vraj Dave says:

  ગરવા ગિરનાર ની વાત કરતા કરતા ધ્યાન લાગી જાયછે.હિન્દુસ્તાનમા ગમેત્યા તપસ્યા કરી હોય પણ છેલે ગિરનારનીગોદમા સાધના કરવી પડેછે, અને ત્યારેજ સિધ્ધી પ્રાપ્ત થાયછે.માટે જ હિમાલય ગિરનાર ને “પુજ્ય દાદાજી” નુ સંબોધન કરે છે.ગરવા ગિરનાર માટે લખવા મા શબ્દો ટુકા પડે.
  જય ગિરનારી…..જય દતાત્રેય…….
  આભાર…આવજો.
  વ્રજ દવે

 9. ખૂબ સરસ સંકલન

  આ પુસ્તક લેવું જ રહ્યું, કારણ ગિરનાર વિશે વાંચવાની લાલસા રોકી રોકાતી નથી….

  આપણા વિસ્તારો વિશે આવા “રેડી રેકનર” પેકેજીસ વધુ મળતા રહેવા જોઈએ…

 10. પૂર્વી says:

  જય ગિરનાર. હજી ગિરનાર જોયો નથી. જલ્દી જાવુ પડશે.

 11. Nitin says:

  Thank you very much Sanjaybhai to write on GIRNAR.Really helpful to know history and importance of the Girnar.Will like to read full book.

  Regards,

  Nitin

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.