જીવન અધ્યાત્મના પ્રવર્તક : વિમલાતાઈ ઠકાર – શૈલેશ ટેવાણી

[શિબિરો દ્વારા યુવાજાગૃતિનું કાર્ય કરનાર, ભૂદાન યાત્રાના યાત્રી, અધ્યાત્મિક સાધિકા એવા ગાંધી વિચારના પથિક વિમલાતાઈ થોડા મહિનાઓ અગાઉ નિર્વાણ પામ્યાં. તેમના પવિત્ર જીવન, સમાજ કાર્ય અને અધ્યાત્મિક અતિન્દ્રિય અનુભવો વિશે ઘણી બાબતો જાણવા જેવી છે. તેમને અંજલિ રૂપે પ્રસ્તુત છે આ લેખ, ‘નવનીત સમર્પણ’માંથી સાભાર…]

vimalaજેનો શબ્દ ‘લોક’ ને અને ‘લોકમંગલ’ને લક્ષે છે. જે સમાધિ અવસ્થાને પરિણામે આવિર્ભૂત થતી ઊર્જાને સામાજિક અવસ્થાએ સક્રિય જોવા ઈચ્છે છે. જેમના માટે અધ્યાત્મ એકાન્તવાસ નથી, સંસાર સાથે રહીને અકલુષિત સત્યની ઉપાસનાનો માર્ગ છે. જે ભક્તિ કરે છે. યોગ કરે છે. ધ્યાન કરે છે અને પોતાનું સંવેદનતંત્ર આલોકના ઉત્થાન માટે જાગૃત કરી સક્રિય કરે છે તે વ્યક્તિ જ આ યુગની જર્જર અને વ્યગ્ર, પંથચ્યુત અને પાંડુ વિચારધારાને ઝકઝોળીને સખ્ય, સહયોગ, સહજીવનનું ગાન છેડી શકે છે. આવી વિચારધારા છે સુશ્રી વિમલાતાઈ ઠકારની. આવાં છે શ્રી વિમલાતાઈ.

હમણાં જ આ ધુળેટીએ અઠ્ઠયાસી વર્ષની આયુએ એમણે દેહ છોડ્યો. છેલ્લો એક માસ લગભગ અન્નજળ ત્યાગીને શરીરને મૃત્યુની અવસ્થાએ પહોંચવા તૈયાર કર્યું. કેવળ પાંચ વર્ષની આયુ. કોઈ કહે ઈશ્વર કુવામાં છે પડ અને પડતું મૂક્યું. બ્રાહ્મણ સંસ્કારના આ ખોળિયાને જતે દહાડે ક્રિયાકાંડમાંથી રસ ઊઠી ગયો. તેવામાં ગાંધી આવ્યા. ગાંધી પ્રેરિત લડતનાં નગારાં વાગ્યાં. વિનોબાજીનું ‘ભૂદાન આંદોલન’ પૂરવેગમાં પ્રસર્યું, વૈદિક શિક્ષણ સાથે સાથે વેદ, ઉપનિષદ, પુરાણોનો અભ્યાસ, ચિંતન, મનન કરતાં વિમલાજી ‘જ્ઞાનેશ્વરીગીતા’, ‘વિનોબા પ્રવચનો’ ના અભ્યાસમાં રત રહ્યાં. વર્ષો ગામડાઓ ખૂંદયા પછી લાગ્યું કે ‘ભૂદાન’માં ‘દાન’નો મહિમા બંને પક્ષે છે. લેનાર અને દેનારના અહમનો મોક્ષ થતો નથી. વિમલાજીએ એ પ્રવૃત્તિમાંથી પણ જાત સંકોરી. શ્રમ, સ્વરોજગાર, ગ્રામોત્થાન, ગ્રામ સ્વરાજ્ય, લોકરાજ્ય સુરાજ્યના ગાંધી વિચારો તો ગળથૂથીમાં હતા જ, એમણે ગાંધી સંસ્થાઓ, સર્વોદયી સંસ્થાઓમાં જાગૃત્તિનો અને સક્રિયતાનો પ્રાણમંત્ર ફૂંક્યો. જયપ્રકાશજી વિદાય લેતા હતા ત્યારે વચન આપી બેઠાં કે એમની દેશદાઝ, પ્રજાપ્રીતિ જનહિત અને ઉત્થાનની વાત એળે નહીં જાય. ત્રણ દશક પછી એ આ પ્રવૃત્તિઓનાં રાહબર અને સમર્થક રહ્યાં.

એમનું કાર્યક્ષેત્ર બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ કે ગુજરાત જ નહોતું. એશિયાના લોકો વચ્ચે ભ્રાતૃભાવ અને પશ્ચિમના લોકોને વિશ્વ-ઐક્ય અને બંધુતાની વાત ઠસાવવી એ એમનું સ્વપ્ન હતું. દાદા ધર્માધિકારી, આચાર્ય રામમૂર્તિજી કંઈ કંઈ લોકહિતાર્થે ઝૂઝતા યોદ્ધાઓ સાથે એમણે વિચાર, પરામર્શ, પ્રવૃત્તિ, પ્રવચનો, શિબિરો આદર્યાં. જે. કૃષ્ણમૂર્તિજીએ એક વખત કહ્યું : ‘ભારત તેના મૂલ્યોના હ્રાસના કગાર પર છે, તમે શા માટે કશું કરતાં નથી ?’ (મૂળ શબ્દ બીજા છે) તે વાત તેમને સાચી લાગી. જ્યુરીકની એક અનુભૂતિમાં કાવ્ય જન્મ્યું અને વિમલાજીનાં પ્રવચનો લોકહિત કાજે શરૂ થયાં. એમણે એમના પિતાને શ્રી કૃષ્ણમૂર્તિજી સાથેની મુલાકાતો, વાર્તાલાપ અને અનુભૂતિની વાતને આવા શબ્દમાં લખી : ‘બધું જ ખરી પડ્યું છે. એક ભયાનક ઝંઝાવાતે એક જ સપાટે બધું સાફ કરી નાખ્યું છે…. બ્રહ્માંડની સમુત્ક્રાંતિ પોતે સંપ્રજ્ઞાત થઈ છે… એક ઉત્કટ ગતિની જ્યોત આખા આધારને પોતાનામાં સમાવી રહી છે. મારી ઈચ્છા છે કે જે અખંડિત નિષ્ઠાનું બળ મને નિર્ભય રીતે ચલાવે છે, તેનું વર્ણન હું કરી શકું. … આ શબ્દો કદાચ ઓળખીતા લાગે. તમે કહેશો કે આ તો કૃષ્ણમૂર્તિ જેવાં વાક્યો અને સંજ્ઞાઓ છે. પરંતુ તમે બરાબર જાણો છો કે ઉધાર લીધેલાં વાક્યો જીવન સંક્રાન્ત કરી શકતાં નથી.’

પોતાનામાં સર્જાયેલી આ ભારે ઊથલપાથલને એમણે સર્વોદયી મિત્રો સાથેના એક પત્રમાં પણ વ્યક્ત કરેલી. સંપૂર્ણ માનવક્રાંતિ હવે તેમનું સ્વપ્ન હતું. વિનોબાજી કથિત-પ્રેરિત ભૂદાન યાત્રા, પદ યાત્રાઓ, જાગરણ સભાઓ કરતાં હવેની અનુભૂતિ જીવન પરિવર્તનની દિશાની હતી. એ વેળા તો જયપ્રકાશજીએ પણ લખેલું કે : ‘વિમલાબહેન ઠાકર એક પ્રતિભાવાન નવયુવતી છે. સુશિક્ષિત અને વિદુષી છે. વિદેશોના પ્રવાસ કર્યા છે. ભગવદભક્ત છે. અત્યંત મીઠાં ભજનો ગાય છે. ઓજસ્વી વક્તા છે. ભૂદાનયજ્ઞને તેઓથી જે બળ મળ્યું છે તે સમગ્ર દેશમાં બે-ચાર વ્યક્તિઓ દ્વારા જ મળ્યું હશે ! બુદ્ધિજીવી તથા યુવક સમાજને વિમલાબહેનનાં ભાષણોથી વિશેષ પ્રેરણા મળી છે.’

આમ એક તરફ જન સામાન્યની ખેવના, બીજી તરફ અધ્યાત્મને પૃથકના જીવનમાં અવતારવાની તડપ. આસામમાં ‘સુવર્ણશ્રી’ નદી પર બંધ બાંધવો એટલે બાંધવો. તત્કાલીન મુખ્યમંત્રી મલીહાજી જે કામ કરવા ઈચ્છે ને ઈજનેરો ના પાડે તે વિમલાબહેને સાડાત્રણ મહિના ઝૂંપડીમાં રહી ગ્રામજનોની સૂઝથી કરી બતાવ્યું. બંધનું નામ ‘વિમલબંધ’ રાખવામાં આવે તો વળી ‘નન્નો’ જ ભણે. દેશની કટોકટીને ‘પર્વ’ એવું નામ આપે. લોકોને મળવા વળી ‘લોકપર્વ.’ પોરબંદર માટે ‘શાંતિ અનુષ્ઠાન પર્વ’ અને પંજાબ, મધ્યપ્રદેશ, આસામની સમસ્યાઓ હોય તો તે અંગે પણ ઝુકાવી દેવું. યુગોસ્લાવિયાથી ભૂતાન કે નેપાળ વિમલાતાઈને તો માનવકુળની સુખાકારી અને તેના મનની શુદ્ધિ સાથે મતલબ. છેલ્લામાં છેલ્લા વિજ્ઞાનના ગ્રંથો કે રાજકીય સમસ્યા અંગેના ચિંતનગ્રંથો-વિશ્લેષણ ગ્રંથો એમને કશું અસ્પૃશ્ય નહિ. આસામમાં પ્રફુલ્લ મહંતો અને ભૃગુફુકનની યુવા વયે પ્રશિક્ષણ શિબિરો ને તે પછી સત્તાપ્રાપ્તિ બાદ એમને પત્રો દ્વારા માર્ગદર્શન. વિમલાજી ભાઈચારાની, બિરાદરીની, લોકજાગૃતિની, અધ્યાત્મના વિશુદ્ધ આચરણથી પ્રજાહિતના કામ સુધીની વાતો કરતાં રહ્યાં.

એમનું સ્વપ્ન હતું ‘સાઉથ એશિયન ફ્રેટરનિટી’ દક્ષિણ એશિયાઈ બિરાદરી. એ માટે સંસ્થા રચાઈ. સુ.શ્રી વિમલાજી પેટ્રન બન્યાં. આચાર્ય રામમૂર્તિજી અધ્યક્ષ, શ્રી એમ.રાય ઉપાધ્યક્ષ, શ્રી સત્યમૌલ સેક્રેટરી જનરલ, શ્રી એ.આર. શેરવાની ખજાનચી તથા એસ. એન. સુબ્બારાવ, શ્રી યદુનાથ થત્તે, શ્રી રામચંદ્ર રાહી તથા શ્રી વિષ્ણુ પંડ્યા – સભ્યશ્રીઓ અને સહાયક સભ્યો શ્રી ક્રિષ્નકાન્ત, શ્રી બી.એન. પાંડે, શ્રી. આઈ. કે. ગુજરાત, શ્રી અટલબિહારી બાજપાઈ, શ્રી શૈલેશ બંદોપાધ્યાય, લેફટ. જનરલ અરોરા, શ્રી સુરેન્દ્ર મોહન, શ્રી રામજી સિંહ, શ્રી અરવિંદ દેસાઈ, ડૉ. યુનુસખાન (પાકિસ્તાન), ડૉ. ખાલિદ જાવેદ જોન (પાકિસ્તાન), ઝરણા ધારા ચૌધરી (બાંગ્લાદેશ) તથા ડૉ. એ.ટી. આર્યરત્ને (શ્રીલંકા) વગેરે રહ્યા. દક્ષિણ એશિયા બિરાદરીમાં ભારત, ભૂતાન, નેપાલ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, પાકિસ્તાન અને અફગાનિસ્તાન કુલ નવ દેશોને જોડવાનું એ અભિયાન હતું.

પ્રારંભકાળમાં સંત તુકડોજી, જ્ઞાનદેવજીથી પ્રભાવિત વિમલાતાઈએ ભારતના જ્ઞાનમાર્ગી સંતો અને ભક્તિમાર્ગીના સંતોનો આકંઠ અભ્યાસ કરેલો. જાહેર જીવનમાં જયપ્રકાશજીનાં પુત્રી તરીકે જાણીતાં ને આશીર્વાદ પામેલાં તાઈ ગુજરાતના જાહેરજીવનમાં કામ આરંભે કે પૂ. રવિશંકર મહારાજ પણ આશીર્વચન આપે. ગુજરાતનાં મનુભાઈ પંચોળી ‘દર્શક’, પુરુષોત્તમ માવળંકર, દુલેરાય માટલિયાજી, બાલકૃષ્ણ વૈદ્ય, કલ્યાણ શાહ કે પ્રકાશ શાહ, શ્રી રઘુવીર ચૌધરી કે પત્રકાર વિષ્ણુ પંડ્યા વિમલાજીના વિચારો, પ્રવૃત્તિના સમર્થક, ચાહકને સહપ્રવૃત્ત હૃદયધર્મા રહ્યા. એક તરફ સહજ જીવન, સહજ ધર્મ, વિશ્વૈક્ય અને સાચા અધ્યાત્મની વાત લઈને તેઓ વિશ્વભરના દેશોમાં ઘૂમ્યાં તો બીજી તરફ પંજાબ, આસામ, ઉત્તર પ્રદેશ ને ગુજરાતમાં તેઓ ઘર આંગણાના પ્રશ્નોથી ક્ષુબ્ધ થઈ, તેનું સંપૂર્ણ આકલન કરી માની અને બહેનની હેસિયતથી માર્ગદર્શક બન્યાં. યુવા શિબિરો, ચિંતન શિબિરો, અધ્યાત્મશિબિરોથી આ પૃથ્વી પર ખરા અર્થમાં સુરાજ્ય સ્થાપવાની તેઓ હિમાયત કરતાં રહ્યાં. એક સ્થળે વિમલાજી સૂત્રાત્મક વાત કરે છે :
[1] શરીરશુદ્ધિ અર્થે જલમ
[2] ચિત્તશુદ્ધિ અર્થે સંતવચનમ
[3] બુદ્ધિ પ્રક્ષાલનાર્થે મૌનમ
[4] આત્મભાવ જાગરણાર્થે ધ્યાનમ

એમણે એશિયાના યુવાનો માટે કહ્યું : ‘મૌલિક પડકાર છે જીવનમૂલ્યોના પરિવર્તનનો. આર્થિક મૂલ્ય, રાજનૈતિક મૂલ્ય. તમામ ક્ષેત્રોમાં મૂલ્યોને બદલાવવાનાં છે. આપણા પોતાના નાનાં નાનાં એકમોમાં, નાનાં નાનાં સંગઠનોમાં જ મૂલ્યોને નહીં બદલીએ તો આગળ ઉપર શું થશે ? – એશિયા અને આફ્રિકાના યુવાનો સમક્ષ આ ભારે મોટો પડકાર છે – સમગ્રતાની ક્રાંતિનો, દષ્ટિકોણની ક્રાંતિનો, સમસ્યાઓના વિશ્લેષણ અને શાબ્દિક અભિવ્યક્તિમાં ક્રાંતિનો રસ્તો તેમણે કાઢવાનો છે…. સમગ્ર ક્રાંતિ હવે યુવાવર્ગની જવાબદારી છે… પરિવર્તનની પ્રક્રિયા માટે વ્યવસ્થાઓ બદલવી છે પરંતુ વ્યવસ્થા બદલનાર વ્યક્તિઓના જીવનમાં પણ પરિવર્તન આવવું જોઈએ.’

વિમલાજીના જીવનના કેટલાક સત્યના પ્રયોગો જાણીતા છે. નાવડાનો શુદ્ધિપ્રયોગ, ગુજરાત લોકશાહી મંચ, ‘ગુજરાત બિરાદરી’ સ્થાપવાની પ્રેરણા, પંજાબ સમસ્યા, આસામમાં ઘુસપેઠિયાઓ વિશે ચિંતન, ગુજરાતના કોમી હુતાશન વખતે સંપ્રજ્ઞ લોકોને એકઠા કરી ક્રિયાન્વિત કરવા વગેરે. એમણે સૌરાષ્ટ્રમાં માધવપુર ખાતે સ્વામી બ્રહ્મવેદાંતજીની વાડી-આશ્રમમાં, ઘેલાસોમનાથ પાસે ગોપાલ ધામમાં અને એવાં અનેક સ્થળોએ તો માઉન્ટ આબુ અને ડેલહાઉસી (હિમાચલ)માં અસંખ્ય શિબિરો ચલાવ્યા. ક્યારેક નાતાલના પર્વે પ્રભુ ઈસુની વાત કલાકો મનનીય વ્યાખ્યાનરૂપે ચાલતી તો ક્યારેક સંતોના હવાલા સાથે ખરા અધ્યાત્મની ખોજ થતી. ‘જ્ઞાનેશ્વરી ગીતા’ પર વિમલબહેનનો એકાધિકાર હતો જાણે. જ્ઞાનેશ્વરી પરનાં એમનાં વ્યાખ્યાનો પારાયણોની જેમ ચાલતાં.

આવા ખરા અર્થનાં અધ્યાત્મપ્રહરી, લોકપ્રહરી, પથદર્શક, જીવનના આમૂલાગ્ર પરિવર્તનની દિશામાં વ્યક્તિને સચેત કરનાર અને પૂર્વના સંસ્કારોને સાંગોપાંગ સંમાર્જિત કરી, જીવનને ઉજળું બનાવવાની પ્રેરણા આપનાર, વિજ્ઞાન અને અધ્યાત્મના મોટા સમન્વયી ચિંતક વિમલાતાઈ ઠકાર નથી રહ્યાં. એમના જીવનની ઉજ્જવળ ઊર્જાએ સિંચેલા સંસ્કાર વિશ્વના ખૂણે ખૂણે વ્યક્તિરૂપે પડ્યા છે. વિમલાતાઈ ઠકાર વિશે ‘જીવન સાધકની વિમલયાત્રા’ એ વિષ્ણુ પંડ્યાનો ગ્રંથ આધારભૂત લેખાય છે. એ જ રીતે આ લેખમાં વિગતોની પૂર્તિ કરનાર બીજો અભ્યસનીય ગ્રંથ છે : ‘વિમલ-જીવનયાત્રા’ (લે. ડૉ. પ્રફુલ્લ દવે) જિજ્ઞાસુઓએ આ ગ્રંથો વાંચવા રહ્યા.

આપણી પ્રજા આવા વિમલ જીવનયાત્રીને વિદાય નથી આપતી. ડગલેને પગલે અનુસરે છે. એ જ સાચી ભાવાંજલિ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગિરનાર – સંજય ચૌધરી
વર્તમાન ક્ષણમાં જીવો – અનુ. સોનલ પરીખ Next »   

8 પ્રતિભાવો : જીવન અધ્યાત્મના પ્રવર્તક : વિમલાતાઈ ઠકાર – શૈલેશ ટેવાણી

  1. આવા લોકપ્રહરી, પથદર્શક પુણ્યાત્માઓના પ્રતાપે અને તેમના માર્ગદર્શનથી કેટલાય પ્રેરણા પામતા હશે….

    આજે તાઈ જેવા લોકોની ખૂબ જરૂર વર્તાય છે…..

  2. ગાંધી વિચારથી પ્રભાવિત વિમલાતાઈ ઠકારનું જીવન શિક્ષીકા ના હોવા છતાં તેના જેવું રહ્યું.

    જ્ઞાન વહેંચવાથી વધે તે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું.
    ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરવાથી સમાજને બેઠો કરવામાં વધારે સારી રીતે યોગદાન આપી શકાય છે.
    આજે શહેરોમાં નાણાંનું રોકાણ વધી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો પણ વિકાસની પ્રક્રિયામાં પાછળ રહી ના જાય તે રીતનું આયોજન કરવું પડશે નહિ તો પછી દરિદ્રનારાયણ દરિદ્ર જ રહેશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.