રત્નકણિકાઓ – ઉમાશંકર જોશી

[1] મારી એક મુગ્ધ માન્યતા છે કે આ વિશાળ વિશ્વમંદિરના એકાદ ખૂણામાં પણ જ્યાં સુધી સત્ય, પ્રેમ કે સૌંદર્ય ઘવાતાં હોય, ત્યાં સુધી વિશ્વમાં અખંડ શાંતિ હોઈ શકે જ નહીં. આપણી પૃથ્વી પર પ્રતિપળે દુભાયેલા પ્રેમના નિશ્વાસના પડધા શાંતિને અહોરાત વીંધી રહે છે, એ સ્પષ્ટ છે. તે અટકાવવા મનુષ્યજાતિએ એક પણ પ્રયત્ન બાકી રાખવો જોઈએ નહીં.

[2] મને પૂછો યો હું વાતોમાંથી જ શીખું છું – એટલે કે માણસમાંથી. ચોપડીઓ વાંચીએ છીએ, તે તો તાળો મેળવવા. બોલાતા શબ્દોમાં જે જાદુ છે, તે તો જુદું જ છે. હવે, વાતમાંથી શીખવા નીકળ્યા હોઈએ તો, આની જોડે વાત થાય ને આની જોડે નહીં – એ કેમ પાલવે ? આપણને શી ખબર કે કોની જીભ ઉપરથી આપણે માટેનો શબ્દ સરકી આવશે ? પરમેશ્વર કોની દ્વારા બોલશે, કોણ કહે ?

આપણી પોતાની જાતને ઓળખવા માટે પણ બીજાની વાતોનો ઓછો ઉપયોગ નથી. શિક્ષકો જાણે છે કે જેવા વિદ્યાર્થીઓ, એવી પોતાની વાણી. સામેનું માણસ જો તેજસ્વી હોય, તો તમારું પણ ઉત્તમ સ્વરૂપ બહાર ઊપસી આવવા પ્રયત્ન કરવાનું જ. ઘણીય વાર આપણને આપણી વાણી સાંભળી તાજુબી થતી નથી ? આ તિજોરીમાં આ ધન કયે ખૂણે આટલા દિવસ પડી રહ્યું હતું, એવું આપણને એ વખતે થતું નથી ? આ હકીકત જ આપણી સાથે વાત કરનારાઓનું મહત્વ કરવા બસ છે. તિજોરીની કૂંચી તમારી પાસે ક્યાં છે ? તમારે તો જે માણસ મળે તેની સાથે વાતો કર્યે જવાની અને ક્યારેક, એમ હજારો ઝૂડા અજમાવ્યા પછી, બનવાજોગ છે કે એકાદ કૂંચી લાગુ પડી જાય.

[3] 1954માં શ્રી ટ્રમન મોટર રસ્તે આવતા હતા ને વચ્ચે કોઈ દુકાનમાં એમનાં પત્ની ખરીદી કરવા ઉતર્યાં, ત્યારે વસ્તુઓ ગાડીમાં મૂકવા આવનાર દુકાનવાળાએ ટ્રમન સામે આંગળી કરીને શ્રીમતી ટ્રમનને કહ્યું : ‘આ માણસને મેં ક્યાંક જોયા નથી ?’ શ્રીમતી ટ્રમને ફોડ પાડી. ટ્રમન (અમેરિકાના) પ્રમુખ હતા (1945-53) ત્યારે તેમની છબીઓ છાપાંમાં પેલાના જોવામાં આવેલી. મોટી પદવીઓ ભોગવનારાઓનો ભાર સામન્ય જનની સ્મૃતિ આવી સહજ રીતે વહન કરે, એનું નામ સમાનતાનું વાતાવરણ.

[4] વ્યાસ ભગવાનના એક શ્લોકનું મને વારંવાર સ્મરણ થાય છે : ‘હાથ ઊંચા કરી કરીને હું તમને વીનવું છું, હે દેશબાંધવો, કે તમારે જો કામનાપ્રાપ્તિ માટે અર્થ-ઉપાર્જન કરવું હોય તો પણ એ ધર્મરહિત જ કરી શકાય તેમ છે. તો એ ધર્મ તમે કેમ નથી સેવતા ? ન્યુયોર્કના બારામાં સ્વતંત્રતાનું પૂતળું છે. મારું ચાલે તો હું મુંબઈના બારામાં ઊર્ધ્વબાહુ વ્યાસની પ્રતિમા મુકાવું અને તેની નીચે ઉપરનો શ્લોક કોતરાવું.

[5] શિવ પંડ્યાને હાથે એક મુખ્ય કામ થઈ આવ્યું, તે ગુજરાતી સાહિત્યકારોનાં વ્યંગચિત્રોનું. દલપત-નર્મદથી માંડીને નિરંજન સુધીનાં પચાસેક ચિત્રો છે. મેધાણીની આકૃતિમાં સર્જકતાનો વિરલ ઉન્મેશ છે. આખું વ્યક્તિત્વ, કહો કે સૌરાષ્ટ્રની ધરતી, જાણે નાચી રહે છે : એક હાથમાં ઊંચે એકતારો છે – એટલી બધી લયબદ્ધ ગતિશીલતા છે કે આ માણસને ધરતી પર માત્ર પચાસ વરસ નહીં પણ યુગના યુગ મળ્યા ન હોય ! આ વ્યંગચિત્રમાલા શિવ પંડ્યાનું જીવનકાર્ય થવા સર્જાઈ છે.

[6] પ્રાર્થનાની રચના કાવ્યકોટિએ પહોંચી હોય એવું કોઈકોઈ વાર બને છે, ત્યારે આનંદનો પાર રહેતો નથી સરકારી વાચનમાળાની સાતમી ચોપડીમાં પહેલી જ કવિતા ન્હાનાલાલની હતી. તેની આ કડીની એક મોટી વિશેષતા એ છે કે તેમાં કવિશ્રીની એક નોંધપાત્ર શક્તિ પ્રગટ થાય છે. પ્રાચીન સંસ્કૃત ભાવના-ઉદ્દગારોનો મર્મ ભાવવાહી રીતે ગુજરાતીમાં લઈ આવવાની ન્હાનાલાલની શક્તિ અજોડ છે. આ કડીમાં ‘ઉપનિષદ’ની પ્રસિદ્ધ પ્રાર્થના – ‘અસતો મા સદ્ ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્માઅમૃતં ગમય’ – સહજ રીતે ઊતરી આવે છે, મૂળના ઉદ્દગારોની ઊંડી તીવ્રતા સાથે. વાચનમાળામાં જોડકણાં જેવું પદ્ય નહીં, પણ સાચી કવિતા આપવી જોઈએ, જેથી ઉત્તમ સંસ્કાર બાળકને મળે. પ્રાર્થના હોય તો તે પણ, ઉત્તમ પ્રકૃતિકાવ્ય હોય એ રીતે, ઉત્તમ પ્રાર્થનાકાવ્ય હોવું જોઈએ. બાળપણમાં મળેલી પ્રાર્થનાઓના સંસ્કાર જીવનભરનું ભાથું બની રહે છે એટલે તો ખાસ.

[7] દુષ્ટબળોની રમણા ચાલી રહી છે. લાંચરુશવત, કાળાં બજાર, જાહેરનાણાંની ગોલમાલ – એ તો હવે કોઠે પડી ગયાં છે. પણ આ દુષ્ટબળોના રાસ કરતાંયે વધુ અસ્વસ્થ કરનાર વસ્તુ તો, જાણે બધુ બરાબર ચાલતું હોય એમ દેશમાં જે સમારંભો ઊજવાઈ રહ્યા છે એ છે. જરી નજર કરતાં, અગત્યના માણસો ભારે અગત્યના એક સમારંભમાં હાજરી આપી બીજામાં જઈ રહેલા જોવા મળશે. બધી રીતની બરકત હોય એમ પ્રજા પણ સ્ટેડિયમમાં સિનેમા નટ-નટીઓ પાસે ક્રિકેટ ખેલાવી આનંદમાં ધુમાડાના બાચકા ભરતી જોવા મળે છે.

[8] કાળની ચાળણી તો એવી છે કે એમાં હાથીના હાથી ચાલ્યા જાય. આજે જેની ઉપર ગ્રંથ લખાતા હોય તે કાલે એકાદ પ્રકરણને પાત્ર બને, પરમ દિવસે પાદટીપમાં પણ હડસેલાય. કવિતાના ‘ગ્રંથો’માંથી ચારચાર-પાંચપાંચ પણ સનાતન રસની ચીજો નીકળે તો ન્યાલ થઈ જઈએ. આમ વિચારું છું ત્યારે એવી રસભર ગણતર ચીજો પણ જેમની ટકી રહી છે તે રઘુનાથદાસ, રાજે, મીઠો આદિ કવિઓને માટે સાચી માનની લાગણી થાય છે. પણ આવી વાતો સાંભળવાની નવી સર્જનશક્તિથી ઊભરાતા કળાકારને ફુરસદ હોય કે ? હું તો બોદલેરનું એક સુવચન સંભારી આપીને અળગો રહું : ‘કવિતામાં પ્રથમ કક્ષા કરતાં નીચેનું કશું ન ચાલે.’ કલામાત્ર માટે આ સાચું છે.

[9] કેટકેટલા કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો સુંદર શક્તિવાળા ઉદીયમાન કવિઓને વાર્તાકારોને હાથે સહેજ ઉતાવળમાં અને કાળના પ્રવાહમાં જાણે તણાઈ જાય છે, મૂળિયાં નાખી સાહિત્યવાડીમાં એક અવનવા ઉમેરારૂપ જવલ્લે જ થાય છે. ત્રણ-ચાર સંગ્રહોને આ રીતે તણાઈ જવા દેવા, એ સારું ? – કે એ બધામાંથી ચૂંટીને એક સબળ અર્પણ બની રહે એવું કંઈક આપવું, એ સારું ? કાનમાં કહું ? – મારા હાથમાં મારો ભૂતકાળ ભૂંસવાનું શક્ય હોય, તો પદ્યનાં થોથાં ગાળી નાખીને એવું જ કાંઈક કરું. પણ બાણ છૂટી ગયું – હવે શું ? એ કામ હવે કાળ ભગવાને કરવાનું.

[10] મનસુખલાલ ઝવેરી અનુવાદો ઉત્તમ કરી શકતા. એનું કારણ કે એમણે નાનપણથી બે મહાન ભાષાઓ, સંસ્કૃત અને અંગ્રેજી, એ સારી રીતે ખેડેલી. એમના જેટલી ચોક્કસાઈ અને રસાર્દ્રતા થોડા જ અનુવાદકોમાં દેખાશે. શેક્સપિયરના એમના અનુવાદો છે તે, અત્યાર સુધીના શેક્સપિયરના બધા અનુવાદોમાં ઉત્તમ છે એમ કહેતાં મને સંકોચ નથી. કેટલા માર્મિક અનુવાદ તેમના હાથે થતા ! ‘ઓથેલો’ ને ‘કિંગ લિયર’ ના અનુવાદ વિશે એ મને કહેતા કે, આ બે નાટકોના અનુવાદ કરવામાં મારા જીવનની ઉત્તમ ક્ષણો મેં ગાળી છે – એટલો બધો મને આ કામમાં આનંદ આનંદ થયો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનુકંપા – મકરન્દ દવે
એક લગ્નોત્સુક યુવતીની મુંઝવણ – ફાધર વર્ગીસ પોલ Next »   

8 પ્રતિભાવો : રત્નકણિકાઓ – ઉમાશંકર જોશી

 1. manvant patel says:

  વાહ!ભોમિયા વિના ભમનારા કવિ !તમે સુન્દર સુવર્ણકણિકાઓ આપી !
  વળી અમારા રાજહંસ જેવા મૃગેશભાઇ ને તો ચારો ચરવાની સરસ ટેવ પડેલી છે
  એટલે સોનામાં વળી સુગન્ધ !મનવંતના બન્ને ને નમસ્કાર !

 2. nayan panchal says:

  સરસ કણિકાઓ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.