વર્તમાન ક્ષણમાં જીવો – અનુ. સોનલ પરીખ

[ કેટલાંક પુસ્તકો ત્વરિત ઔષધનું કામ આપે તેવાં હોય છે. માણસને ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત પૂરી પાડે છે. એવા પુસ્તકોનો સંગ ક્યારેક જીવનની આખી વિચારધારાને બદલી શકે તેવો સક્ષમ હોય છે. આ પ્રકારના પુસ્તક પૈકીનું એક છે ‘ભીતરનું સામર્થ્ય’ જેમાંના બે પ્રકરણ આપણે ગત માસમાં માણ્યા હતા. આજે આ પુસ્તકમાંનું વધુ એક પ્રકરણ આપણે અહીં વાંચીશું પરંતુ આ સાથે વિશેષ માહિતી એ છે કે આ સંપૂર્ણ પુસ્તક આપ પ્રકાશક ‘વિચારવલોણું પરિવાર’ની વેબસાઈટ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો; જે માટે અહીં ક્લિક કરો : Click Here. મૂળ લેખિકા બાર્બરા હેન્સને લખેલા આ પુસ્તકનો અનુવાદ સોનલબેન પરીખે (મુંબઈ) કર્યો છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9221400688. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

જિંદગી જેના વડે બનેલી છે તે છે સમય. છતાં આપણે સૌથી વધારે બેદરકારીપૂર્વક જો કશું વેડફતા હોઈએ તો તે સમય છે. સમય બરબાદ કરવો એટલે જીવન બરબાદ કરવું. આપણામાંના ઘણા રોજ આ રીતે ‘આત્મહત્યા’ કરે છે. વર્તમાન ક્ષણ પ્રત્યેની જાગૃતિથી આપણી આંતરિક શક્તિ જાગે છે. પ્રત્યેક પળે પોતાની અંદર અને બહાર શું ચાલી રહ્યું છે તેના પ્રત્યે એકાગ્ર થવાથી એક જાતના આનંદ અને હળવાશનો અનુભવ થાય છે. આ જ છે વર્તમાન ક્ષણમાં જીવવાની કળા. જો સાચે જ આંતરિક શક્તિ ખીલવવી હોય તો વર્તમાનમાં જીવવાની કળા શીખવી જ પડશે.

આ કળા દરેકને આવડી શકે, છતાં આ એક દુર્લભ કળા છે કારણ કે જે ક્ષણ સામે આવીને ઊભેલી છે તે ક્ષણનું માહાત્મ્ય સમજવું સહેલું નથી. સમય સૌથી વધારે મૂલ્યવાન છે, પણ તેના મૂલ્યની સૌથી વધારે ઉપેક્ષા થાય છે. જે વ્યક્તિ એનું મૂલ્ય સમજીને એને જીવી જાય છે તે જીતી જાય છે, સમૃદ્ધ બની જાય છે, ને જે તેના મૂલ્યને સમજતો નથી તે જિંદગીનું દેવાળું ફૂંકે છે, વર્તમાન ક્ષણને જાગૃતિથી જીવી શકાય છે કે પછી બેદરકારીથી વેડફી શકાય છે.

કોઈ રેસ્ટોરન્ટમાં જઈ ઊભા રહો અને ત્યાં ખાતા લોકોને જુઓ તો તેઓ કેવી ઉતાવળમાં ખાય છે જાણે કોઈ કામ પતાવવાનું છે – માણવાની વૃત્તિ શોધી જડતી નથી. ડૉક્ટરો કહેતા આવ્યા છે કે ધીરે ખાઓ, સ્વાદનો, રંગ-સુગંધનો આનંદ લો, વાતાવરણને, વાતચીતને માણો. બધા એ જાણે પણ છે છતાં ખાતી વખતે એ જ અધીરાઈ, ઉતાવળ, મોટા કોળિયા ભરી ખાઈ લેવું ને ભાગવું. વર્તમાનનો આનંદ લેવા માટે જરૂર હોય છે એકાગ્રતાની, ધ્યાનની, જાગૃતિની. ઘરની બહાર નાનો સરખો ફૂલનો ક્યારો હોય તો તેને આપણે ધ્યાનપૂર્વક જોઈએ છીએ ? નવાં પાન, નવી કળીઓ ફૂટવાના સાક્ષી બનીએ છીએ ? એક ક્ષણ ત્યાં થોભી સૌંદર્યને આંખોમાં ભરી લો. તમારા વ્યસ્ત દિવસમાં આવી ક્ષણો ઊભી કરી લો જેમાં તમે હવાની લહેરને, સુંદર દશ્યને, કોઈ મીઠા સૂરને માટે અટકી શકો. આવી ‘કંઈ ન કરવા’ની ક્ષણને માણવી તે એક કલા છે. તે ક્ષણે યોજનાઓ, તૈયારીઓ, નિયંત્રણો, કામો બધું ભૂલીને ફક્ત ‘હોવા’નું હોય છે. સૂર્યની ઉષ્મા અને હવાની ઠંડકને ત્વચા પર અનુભવવાનું હોય છે; ઘાસની સુગંધ અને પક્ષીનો કલરવ પોતનામાં પ્રવેશવા દેવાનું હોય છે. કોઈ પતંગિયું, કોઈ ફૂલ, કોઈ વરસાદનું ટીપું જે કહેતું હોય છે તેની ભાષા સમજવાનું હોય છે. આ બધા અનુભવો જીવન સભર ભરપૂર કરી મૂકે છે આ ભરપૂરતા મેળવવા માટે જે જાગૃતિની, એકાગ્રતાની જરૂર હોય છે તે આપોઆપ નથી આવતી, તેને કેળવવી પડે છે. પરીક્ષાઓ આપવી, કારકીર્દિ બનાવવી, કમાવું – આ બધામાં જે કેળવણીની જરૂર પડે છે તે કરતાં વધુ કેળવણીની જરૂર વર્તમાનને માણવા માટે પડે છે. પણ આ જ ચીજ એ છે જે જીવનને સત્વશાળી બનાવે છે. આત્માને સમૃદ્ધ બનાવે છે.

આ કેળવણીનાં થોડાં પગથિયાં આ છે : તમારા નિર્વાહ માટે તમે શું કરો છો તે અને તમને જીવવામાં રસ શા માટે છે આ બે વચ્ચેની ભેદરેખાને સમજી લો. આ બંને માટે પ્રવૃત્તિઓ કરવી પડે છે. પણ તેનાં કારણ અને પરિણામ જુદાં જુદાં હોય છે. એક આપણા જીવનને ચલાવવા માટે રોજગાર આપે છે, બીજી જીવનને લય આપે છે, સૌંદર્ય આપે છે. રોજગાર માટેની પ્રવૃત્તિઓ એકસરખી, નીરસ કે યાંત્રિક હોઈ શકે પણ તે નિર્વાહ માટે જરૂરી હોય છે, તેને ન્યાય આપવો પડે છે. પણ જીવનમાં રસ અને આનંદ ઉમેરાય છે વિધાયકતાથી, પ્રેમથી, સ્વત્વને ખૂલવાનો મોકો આપવાથી. આ જેમાંથી મળે તે પ્રવૃત્તિઓ આપણને નાણાં નથી કમાવી આપતી. આનો અર્થ તમારે તમને જેમાંથી કમાણી ન થવાની હોય તેવી પ્રવૃત્તિઓનું મૂલ્ય અને મહત્વ સમજતા શીખવું પડે. ભાગ્યે જ કોઈ એવું હોય છે જેને કમાણી અને આનંદ બંને એક જ પ્રવૃત્તિમાંથી મળતા હોય. બાકીનાએ પોતાનો આનંદ પોતે શોધવો પડે છે અને પછી મેળવવાની દિશામાં જવું પડે છે, પ્રવૃત્ત થવું પડે છે.

તંત્રજ્ઞાનના વિકાસે આપણો સમય અને શ્રમ બચાવનારાં ઘણાં સાધનો આપ્યાં છે. જિંદગી સરળ બની છે. થોડો વખત એવો મળે છે જેનો પોતાની રીતે ઉપયોગ કરી શકાય – પણ એવો ઉપયોગ થઈ શકે છે ખરો ? આવો સમય મોટેભાગે ખાલી ‘વીતી’ જ જાય છે. જો તમે તમારાં પાયાનાં જીવનસત્વો પ્રત્યે સભાન ન હો તો આ અદ્દભુત સમય આંગળીઓ વચ્ચેથી વહી જતા પાણીની જેમ હાથમાંથી સરકી જાય છે. જ્યારે આવો સમય હાથમાં આવે ત્યારે તેની પાછળ નિરાશ, હતાશા, ગુસ્સો આ બધી દબાવી રાખેલી લાગણીઓ પણ હુમલો કરવા સજ્જ બને છે. આવા તમને મળતા થોડી ફુરસદના સમય માટે યોજનાઓ બનાવો – કઈ માનસિક શક્તિ વિકસાવવી છે ? ક્યા મિત્રને મળવાનું છે ? શું લખવાનું કે સર્જવાનું છે ? આ યોજનાઓનો અમલ તમને તમારી નિરાંતની પળોને જીવી જતાં શીખવશે. સાથે તમારી કામની પળોને પણ એક સંતોષ અને શાંતિથી ભરી દેશે. ઘણી વાર આપણે ફુરસદના સમયને એટલો ઝંખતાં હોઈએ છીએ કે એને માટે યોજનાઓની મોટી યાદી તૈયાર કરી રાખીએ છીએ, પછી તેને પૂરી કરવા પોતે ખેંચાઈએ છીએ અને સમયને ખેંચવા મથીએ છીએ. આ કસરત નિરાંતની શાંત, પ્રસન્ન પળોને ખતમ કરી નાખે છે એટલે યોજનાઓ બનાવવામાં પણ એક વિવેક, એક વિશેષ રુચિની જરૂર હોય છે.

વળી જે પ્રવૃત્તિ કમાણી આપતી હોય તેના પ્રત્યે પણ રસ અને કૌશલ કેળવવાનો એક આનંદ છે. તેમાંથી જે એકાગ્રતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તે જિંદગીને એક નિખાર આપે છે. ઉપરાંત દરેક પ્રવૃત્તિ, પછી તે કમાણીને લગતી હોય કે શોખને લગતી, તેને અનુલક્ષીને એક કસોટી હંમેશાં વાપરો – શું આ પ્રવૃત્તિ મને મારા કોચલામાંથી બહાર કાઢે છે ? મને આ ક્ષણમાં જીવંતતા આપે છે ? મારો આત્મવિશ્વાસ વધારે છે ? મારો સક્રિય સહયોગ માગે છે ? જો બધા પ્રશ્નોનો જવાબ ‘હા’ હોય તો તે પ્રવૃત્તિ તમારા માટે ઉત્તમ છે. યાદ કરો એવી કઈ પ્રવૃત્તિ ક્યારે કરી હતી જ્યારે તમે ઘડિયાળ જોવાનું પણ ભૂલી ગયા હતા ? પૂરેપૂરા તે પ્રવૃત્તિમાં ખોવાઈ ગયા હતા ? આ જ પ્રવૃત્તિ તમારા જીવનનો આધાર છે. હું જ્યારે લખું છું કે વાંચું છું ત્યારે બધું જ ભૂલી જાઉં છું. કલાકો ક્યાં વીતી જાય છે ખ્યાલ નથી આવતો. આ બંને પ્રવૃત્તિ મને આનંદ અને શક્તિ આપે છે. જ્યારે મારી અંદરની શક્તિ ખલાસ થઈ જાય, હું પુસ્તક શોધું છું અને મારું ખાલીપણું ભરાઈ જાય છે. મારી એક મિત્ર કોમ્પ્યુટરના કોઈ નવા પ્રોગ્રામ શીખતી વખતે તેમાં ખોવાઈ જાય છે અને શીખી લીધા પછી તાજી થઈ જાય છે. જે કામ આપણને ગમતું હોય તે વારંવાર કરવાનું મન થાય છે. વારંવાર કરવાથી તેની ફાવટ આવતી જાય છે. એ ફાવટ આવતી જાય તેમ તેમ તે કામ પ્રત્યેની રૂચિ ઓર વધતી જાય છે. આ ખૂબસૂરત ચક્ર આત્મવિશ્વાસ અને આત્મમૂલ્યને વધારે છે. આ કામ કયું હોઈ શકે તે અમુક લોકો જાતે શોધી કાઢે છે. અમુકને તેને માટે કોઈ માર્ગદર્શક મળી જાય છે.

મોટાભાગના લોકોની જિંદગી એક ઘરેડમાં પસાર થઈ જાય છે. કોઈ આકર્ષણ, કોઈ ઉત્સાહ, કોઈ ઉત્કટતા વગર. એની ખોટ લાગે પણ છે, થાય છે કે કંઈક-કશુંક તો એવું હોત જેના માટે જીવ રેડી દેત ! – પણ એટલું તો કરી જ શકીએ કે એકાદ રસની વસ્તુ પર વારંવારના મહાવરાથી કુશળતા પ્રાપ્ત કરી શકીએ. વારંવાર મહાવરો કરવા માટે સમય, શક્તિ, નિષ્ઠા જોઈએ. સિલાઈ અને સંગીતથી માંડીને હજારો એવી પ્રવૃત્તિઓ છે જેમાં યોજના, સતત મહાવરો અને નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરવાથી પારંગત થઈ શકાય. આ પારંગતતા આત્મવિશ્વાસને વધારે છે. ઘણી બધી પ્રવૃત્તિઓ એવી પણ હોય છે જેના નશામાં બપોર અને સાંજ પસાર થઈ જાય, તેની આદત પડી જાય. આદતનો આવો નશો આપતી પ્રવૃત્તિઓ આપણને સક્રિય કરવાને બદલે નિષ્ક્રિય બનાવી મૂકે છે. જીવનને પોષક તત્વો સાથે જોડાયેલી ન હોવાને કારણે તે ખાલીપણું ભરવાને બદલે ઊલટું તેને વધારે છે. સમયને તે જરૂર ખાય છે, પણ આત્માની ફરતે અસંતોષની ઊધઈ પણ લાગી જાય છે. જે પ્રવૃત્તિ જીવનપોષક હોય, આંતરિક શક્તિને પોષક હોય તે દરેક પ્રવૃત્તિ આપણું સક્રિય યોગદાન અને જોડાણ માગે છે. નિષ્ક્રિય પ્રવૃત્તિઓમાં જે તાત્કાલિક સંતોષ મળે છે તે આમાંથી નથી મળતો. આ પ્રવૃત્તિઓ મોટેભાગે એકાંત અને એકાગ્રતા માગે છે. આ બંને ગુણો આપણને અંતસ્તત્વ સુધી લઈ જાય છે. શાંત, આનંદ આપતી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવાથી નવા નવા સર્જનાત્મક વિચારો જાગે છે. જે આપણામાં સક્રિયતાની અપેક્ષા જગાડે છે. બીજાઓના સર્જનોમાંથી પણ આનંદ મળી શકે છે, પણ આ આનંદ આપણી સક્રિયતાની અપેક્ષા રાખતો નથી. આપણને સક્રિય તો આપણા પોતાના સર્જનો જ બનાવે છે.

સર્જનાત્મકતાની વાત આવે એટલે લખવું, ચિત્ર બનાવવું, શિલ્પ રચવું, અભિનય કરવો કે નૃત્ય કરવું એવી કલ્પના આવે. આ બધા સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ ચોક્કસ સર્જનાત્મક છે, આ સિવાયના જીવનના દરેક ક્ષેત્રે પણ સર્જનાત્મકતા હોય છે. દરેક વ્યક્તિમાં પોતાની એક સર્જનાત્મક હોય છે. બાગકામ કરવું, ફૂલો ગોઠવવાં, રસોઈ કરવી, સિલાઈ કરવી, કાર રિપેર કરવી, ગૂંથવું – આ બધું સક્રિયતા માગે છે, એકાંત માગે છે, એકાગ્રતા અને નિષ્ઠા માગે છે અને આ બધાના પરિણામે આપણા આંતરિક સ્ત્રોતો મજબૂત બને છે.

જિંદગી અદ્દભુત છે, હંમેશાં. પણ હંમેશાં આપણે કોઈને કોઈ નિરાશાથી ઘેરાયેલા હોઈએ છીએ એટલે એની અદ્દભુતતાને માણી શકતા નથી. ક્યાંથી આવે છે આટલી નિરાશા ? એક સૌથી મોટું કારણ એ છે કે આપણે વર્તમાન સમયને ભૂતકાળની પીડાઓ અને ભવિષ્યના ડરની વચ્ચે પીસી નાખીએ છીએ. એક ક્ષણ, એક પછી એક બધી ક્ષણ આખી જિંદગીનો બોજ ઊઠાવતી જાય છે, બેવડ વળી જાય છે. જિંદગીને વહેંચી દેતા શીખો, સવારમાં ઊઠી નાના નાના સંકલ્પો લો – જે વ્યક્તિઓને તમે પ્રભાવિત કરવા માગતા હો કે મદદરૂપ થવા માગતા હો એ બધાનાં નામ સાથે સંકલ્પો લો. આજના દિવસ પૂરતા આવા નાના ધ્યેયો બનાવી લેવાથી શક્તિઓ ફક્ત એક જ દિવસ પૂરતી એકાગ્ર થાય છે. વર્ષો કે જિંદગીભરના વિચારોથી આજનો દિવસ વેડફાઈ જતો નથી. ઊલટો મોકળાશથી જીવી શકાય છે. રાત્રે સૂતી વખતે દિવસનું સરવૈયું કાઢી દરેક અર્થપૂર્ણ અને વિધાયક બનાવને માટે ઈશ્વરનો આભાર માનો. તે વખતે પણ બનેલી ઘટનાઓ અને સંપર્કમાં આવેલી વ્યક્તિઓનો વ્યક્તિગત નામોલ્લેખ કરો. વ્યક્તિગત ઉલ્લેખ કરવાનો ફાયદો એ કે તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે દિવસમાં સમસ્યાઓ અને હતાશાઓ આવ્યાં હોવા છતાં અમુક એવી ઘટનાઓ બની જે સારી હતી. આ ખ્યાલ જ સંતોષ આપે. તેની સાથે દિવસ પૂરો કરો અને બીજી સવારે બીજા એક દિવસની યોજના. થોડા જ દિવસ આ પ્રમાણે કરવાથી તમને નવાઈ લાગે એટલી હદે જીવનની ગુણવત્તા સુધરી જશે.

જિંદગી સારા અને ખરાબ બનાવોનું મિશ્રણ છે પણ કમભાગ્યે આપણું ધ્યાન ખરાબ ઘટનાઓ પર વિશેષ રહે છે અને એટલે ઘણી સુંદર પ્રસન્ન ક્ષણો ચૂકાઈ જાય છે. સંપૂર્ણતા, આશા અને આનંદ તરફ વળવા માટે આપણે જિંદગીની સુંદર ક્ષણો પર સભાનપણે, જાગૃતપણે એકાગ્ર થવું પડે છે – જ્યાં સુધી આપણો સ્વભાવ સૌંદર્યાભિમુખ, આનંદાભિમુખ ન બની જાય. બીજી બધી કુશળતાઓની જેમ આ એકાગ્રતા પણ કેળવવી પડે છે. જિંદગી તો અરીસો છે. આપણે સૌંદર્ય અને આનંદ પર એકાગ્ર હોઈશું તો જિંદગી સુંદર અને આનંદપૂર્ણ બનશે અને નિરાશા અને દુ:ખ પર એકાગ્ર હોઈશું તો જિંદગી નિરાશ અને દુ:ખી બનશે. જ્યારે સમસ્યાઓથી ઘેરાયેલા હો ત્યારે તો આ ખાસ કરવા જેવું છે. જિંદગીને નાના નાના ખંડોમાં વહેંચી દો અને આ નાના ખંડોમાં પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવાની, આપવાની કોશિશ કરો. યાદ રાખો કે આપણા હાથમાં આપણી સામે ઊભેલી એક ક્ષણ સિવાય કશું નથી. એને સાર્થક બનાવવા માટે શક્તિઓને એકાગ્ર કરો – વિચારો કે ભૂતકાળ હાથમાં રહ્યો નથી. ભવિષ્ય પર આપણું નિયંત્રણ નથી પણ આ વર્તમાન ક્ષણ કેવી રીતે જીવી લેવી તે તો હાથમાં છે ને – એ ક્ષણને સાર્થક બનાવવા જે કરવું જરૂરી હોય તે બધું કરો – પ્રેમ, પ્રકૃતિ, કવિતા, રમતગમત, ચિત્ર, ફરવું – કંઈ પણ જેમાં તમે તમારું ‘સ્વ’ રેડી શકો. તે શોધો અને તેમાં લીન થઈ જીવી લો. આ ક્ષણ, પોતાની આસપાસ પોતે જ બનાવેલું કોચલું જ્યારે તૂટે છે ત્યારે આંતરશક્તિ ખીલે છે.

‘અનકન્ડિશનલ લવ’માં જહોન પોવેલે કહ્યું છે; ‘રોજ સવારે તમે ઊગતા દિવસને બે રીતે મળી શકો – પ્રેમ અને ઉત્સાહથી, કંટાળા અને થાકથી.’ દિવસમાં તમે બે રીતે પ્રવેશી શકો છો – યંત્રવત અને જીવંત તાજગીથી. સભાનતાપૂર્વક વહેલી સવારે તાજગીપૂર્ણ, શક્તિસંપન્ન અને આનંદિત રહેવાનું પસંદ કરો અને ફક્ત પોતાની જ નહીં, બીજાની જિંદગીમાં પણ મેઘધનુષના રંગો રચી દો. દરેક સકારાત્મક વિચાર અને લાગણીને આચરણમાં મૂકો. જો કોઈ એવું કામ હોય જે બીજાની જિંદગીને સરળ કરી શકતું હોય, તરત કરી લો. જો કોઈ એવા શબ્દો હોય જેનાથી બીજાની જિંદગી અર્થપૂર્ણ બની શકતી હોય, તો તરત એ શબ્દો બોલો. આ તાત્કાલિકતા, પોતાની અંદર ઊઠતી સહજસ્ફૂર્તિ ભલી લાગણીઓને અમલમાં મૂકવાનું બહુ જરૂરી છે. જો એ ક્ષણ ચૂકાઈ ગઈ, જો આ માનવીયતાની ઉપેક્ષા થઈ ગઈ તો પછી એ તક ફરી કદી નહીં મળે.

રાલ્ફ એમર્સન કહે છે, ‘રત્નો કે ઘરેણાં એ સાચી ભેટ નથી, ક્ષમા સાચી ભેટ છે. એવી ભેટ જેમાં તમારો પોતાનો એક હિસ્સો સંકળાય છે.’ સાચી ભેટ પોતાની જાતને, પોતાનો સમય, ધ્યાન અને સ્નેહ આપવામાં છે. વર્તમાનમાં જીવવાની ટેવ પાડવાથી જીવનમાં એક મોકળાશ આવે છે. પોતાની જાતને ભેટ આપવાથી લોકોના જીવનમાં શા ફેરફાર થાય છે તે સમજાય છે. પોતાની જાતને ભેટ આપવી એટલે શક્તિ, બુદ્ધિ, સમય, કદર, પ્રોત્સાહન અને હિંમત આપવા, રસ લેવો, ધ્યાન આપવું અને સમજવું. સ્મિત અને આભારના બે શબ્દ પણ ભેટ જેવા હોઈ શકે. કોઈ પણ હકારાત્મક લાગણી પછી તે ગમે તેટલી નાની, નજીવી લાગે પણ તે કોઈના નીરસ જીવનમાં આનંદના થોડા રંગ ભરી શકે છે અને આનંદના એ રંગ આપણા પોતાના માટે એક સભરતા લઈને આવે છે, જાણે મૂડી, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછી મળે છે. પત્રો અને નાની ચિઠ્ઠીઓ આ દિશામાં ઘણી મદદરૂપ થાય છે. આપણા જીવનને ક્યારેક કોઈક રીતે સ્પર્શી ગયેલી વ્યક્તિને જ્યારે તમે પત્રરૂપે મળો ત્યારે એક સેતુ રચાય છે. પુષ્પોની જેમ શબ્દોનું એક જાદુ હોય છે. જો કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે ભલી અને માયાળુ થાય છે તો તેને તેની એ ભલાઈ અને માયાળુપણાની જાણ કરવી જ જોઈએ. ડૉક્ટરને બિલની સાથે એક નાનકડો આભાર માનતો પત્ર આપી જુઓ. તેની કરુણા અને કાળજીની કદર કરો. તેની જિંદગીનો એક દિવસ સુધરી જશે. કોઈ પુસ્તક ગમી જાય તો તેના રચાયિતાને અભિનંદન આપવાનું ન ચૂકો કે તેના લખાણને કારણે તમારા જીવનમાં એક પરિવર્તન આવ્યું છે.

થોડા વખત પહેલાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની એક કલાર્કે મારી ગમતી એક ભેટ શોધી આપવામાં મને ખૂબ મદદ કરી. સ્ટોરનો બંધ કરવાનો સમય થયો હોવા છતાં તે રોકાઈ, બીજી બધી શાખાઓમાં ફોન કર્યા અને અંતે મને મારી પસંદગીની ચીજ મેળવી આપી. આ પ્રસંગનો આનંદ ઊડી જાય તે પહેલાં, ઘરે જઈને તરત જ મેં તે સ્ટોરના મેનેજરને અભિનંદન આપતો પત્ર લખ્યો કે તેમણે આવી સરસ મહિલાને તેમના સ્ટોરમાં કામ પર રાખી છે જે તેમના ગ્રાહકોની સાંજ અને રાતને સુંદર બનાવી શકે છે. પ્રશંસાના આવા નાના પત્રો એક ઉત્તમ ભેટની ગરજ સારે છે. આવી ક્ષણોને પકડો અને તેમાં જીવી લો, જીવાડી લો. આવી જ બીજી એક ભેટ છે ટેલિફોન પર વાત કરવી તે. જો કોઈ એવા મિત્રનું સ્મરણ આખો દિવસ રહે જેની સાથે તમારો સંપર્ક લાંબા સમયથી તૂટી ગયો હોય તો વખત ગુમાવ્યા વિના તેને એક ફોન કરી દો, કહો કે ફોન કરવાનું કોઈ કારણ નથી. બસ તારું સ્મરણ થયું, મને આનંદ થયો તે જ કહેવું છે. તેનો અને તમારો દિવસ સુધરી જશે. આવી ક્ષણોને પકડવી જરૂરી છે અને તે પણ તાત્કાલિક. મારા એક ભત્રીજાએ બહુ મોડું ભણવાનું શરૂ કર્યું હતું અને ત્રીસ વર્ષ પૂરા કર્યા પછી તે ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએટ થવા માટે તેણે અને તેની પત્નીએ જે સંઘર્ષ કર્યો હતો તેનાથી હું વાકેફ હતી તેથી મેં તેને ડિગ્રી મળી તે દિવસે તેની પત્નીને ફૂલો સાથે એક ચિઠ્ઠી મોકલી, ‘તેની પાંખો નીચેની હવા થવા માટે અભિનંદન…’ પત્ની આનો જવાબ ઔપચારિક આભારદર્શનથી આપી શકત પણ તેણે પત્ર વાંચતી વખતે, આંખમાં આંસુ અને ભરાયેલા કંઠ સાથે મને ફોન કરી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તેના આનંદનો સ્પર્શ મને પણ પુલકિત કરી ગયો. મારી પણ આંખો ભરાઈ આવી. કેટલું સુખ હતું તેમાં ! જો તેણે કે મેં થોડી પણ વાર કરી હોત તો આ ક્ષણ ચૂકાઈ ગઈ હોત.

અભિવ્યક્તિને તરત મોકળી કરો. કોઈના પોષાક, કોઈના વાળ, કોઈની કોઈ ચીજ ગમી હોય તો તેની પ્રશંસા મનોમન કરવા સાથે શબ્દોમાં પણ કરો. સાદગીથી, દિલથી. પોતે સુંદર દેખાય છે તે સાંભળીને કોને આનંદ ન થાય ? હોટેલમાં કોઈ વેઈટર સારી સેવા આપે તો તેનો આભાર માનવાનું ન ચૂકો. તેની યાંત્રિક જિંદગીમાં એક તાજગીની લહર દોડી જશે. એક ક્ષણ માટે વિચારો કે તમારી બે વહાલામાં વહાલી વ્યક્તિ ફક્ત એક રાતની મહેમાન છે – કોણ છે એવું જેનું મૃત્યુ તમને તારતાર કરી મૂકે ? તમારા જીવનમાં કોની ગેરહાજરી કદી ન પુરાય તેવો ખાલીપો ઊભો કરી શકે ? એ વ્યક્તિને તમે કહ્યું કે તમે તેમને કેટલું ચાહો છો ? ન કહ્યું હોય તો આ જ ક્ષણે કહો. કાલ માટે રાહ ન જુઓ. કાલ કદી આવતી નથી, જે છે તે આજ છે, આ ક્ષણ છે.

જ્યારે કોઈ હકારાત્મક વિચારને મગજ તરફથી મોં તરફ રવાના કરીએ છીએ ત્યારે જાદુ થાય છે. સંમતિસૂચક માથું હલાવવું, નાનકડું સ્મિત, ચમકતી આંખો – આ બધાંની અદ્દભુત અસર થાય છે. શ્રોતાઓના સમુદાયમાં કોઈ બે-ચાર આવી જીવંત વ્યક્તિઓની હાજરીથી વક્તાઓને ગજબનું પ્રોત્સાહન મળે છે ! પણ આને માટેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકી જવાય છે. દરેક વખતે શબ્દોની જરૂર પણ નથી હોતી. જ્યારે પણ આપણે કોઈ તરફ સ્મિત વેરીએ છીએ, આપણે પોતાની જાતને તેના તરફ અભિમુખ કરીએ છીએ. તેની સામી વ્યક્તિ પર એક સુંદર અસર થાય છે. મોટેભાગે તે પણ સ્મિતથી પ્રત્યુત્તર આપે છે અને એક મેઘધનુષ બંનેની દુનિયાને એક ક્ષણ માટે રંગી જાય છે !

પોતાના અને બીજાના વિશ્વમાં આવો લય, આવું સૌંદર્ય છલકતું કરવાનો નિશ્ચય વ્યક્તિને એક નવું પરિમાણ આપે છે. આ નિશ્ચય અમલમાં મૂકવા માટે દરેક ક્ષણે જાગૃત રહેવું જરૂરી છે. અહીં અત્યારે આ ક્ષણમાં જીવી લેતાં શીખવું જરૂરી છે. વ્યવસાય અને કારકિર્દી વચ્ચેનો ફરક સમજવો, પોતાની કામકાજની અને નિરાંતની બંને પ્રવૃત્તિઓ ખૂબ રસપૂર્વક કરવી, જિંદગીને નાના નાના ખંડોમાં વહેંચી દરેક ખંડને જીવી જતાં શીખવું અને મેઘધનુષના રંગો વિખેરતા જવા – આ બધું આપણી અંદર એક અનોખું બળ ઊભું કરે છે.

[કુલ પાન : 64. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : વિચારવલોણું પરિવાર, 406, વિમૂર્તિ કોમ્પ્લેક્ષ, ગુરૂકુળ રોડ, મેમનગર, અમદાવાદ-52. ફોન : +91 9426376659.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન અધ્યાત્મના પ્રવર્તક : વિમલાતાઈ ઠકાર – શૈલેશ ટેવાણી
હસતાં હસતાં – સં. તરંગ હાથી Next »   

27 પ્રતિભાવો : વર્તમાન ક્ષણમાં જીવો – અનુ. સોનલ પરીખ

 1. Jignesh Dekhtawala says:

  One of the best article I have even read…
  Thanks all for sharing…

  Jignesh

 2. SM says:

  Thank you very much for this beautiful article and the link. Many thanks to author and administrator for sharing this nice article to us.

 3. Pinki says:

  Heart touching article. Superb.

  Thank you very very very…………. very much for beautiful article.

 4. ચિંતનાત્મ્ક લેખ વાંચી વર્ષો પહેલાં સંદેશ અખબારમાં ચાલતી શ્રી ભુપત વડોદરિયાની કોલમ યાદ આવી ગઈ.

 5. આપણે વર્તમાન સમયને ભૂતકાળની પીડાઓ અને ભવિષ્યના ડરની વચ્ચે પીસી નાખીએ છીએ. એક ક્ષણ, એક પછી એક બધી ક્ષણ આખી જિંદગીનો બોજ ઊઠાવતી જાય છે, બેવડ વળી જાય છે. જિંદગીને વહેંચી દેતા શીખો, સવારમાં ઊઠી નાના નાના સંકલ્પો લો ….

  કેટલી સરસ વાત…. પણ જીવનમાં ઉતારવી એટલી જ અઘરી છે…

  ખૂબ સરસ

 6. Ravi says:

  ahhh.. amazing..
  really supperb article..

 7. Savinay says:

  Really Great…

  Thanks For sharing …

 8. Natver Mehta says:

  સરસ વાતો.

  કેટલીક વાતો વાંચવી સરળ અને સરસ લાગે પણ વાસ્તવિક જીવનમાં ઉતારવી અઘરી હોય છે. પણ પ્રયાસ કરવો જોઈએ.

  આપનો આભાર મૃગેશભાઈ કે આપે આ પુસ્તકની લિઁક આપી આખે આખું પુસ્તક ક્લિકભરમાં મેળવી આપ્યું!

  ખરેખર આપ સાહિત્યના સંત બની રહ્યા છો.

 9. vikas belani says:

  જીવનની દરેક પરિસ્થિતી અને દરેક ક્ષણ માણવાની મારી રીત થી તો આપ પરિચિત છો જ. મને આ પુસ્તકનો મર્મ બહુ ગમ્યો અને એને અહિં રજુ કરવા માટે આપનો આભાર.

 10. JAYKANT JANI (USA) says:

  જીવન જીવવાની કળા માટે સારુ હોમ વર્ક કહેવાય.
  ઘરેડ્મા રહી ઘરડા થવા કરતા યુનિવર્સલ ફ્લો મા વહેતા રહેવુ.
  BE SLOW AND GO SLOW
  વર્ડ્ઝવથ ની પોઇટ્રી
  WHAT IS THIS LIFE IF FULL OF CARE
  WE HAVE NO TIME TO STAND AND STARE

 11. પૂર્વી says:

  એક જ શબ્દ “અદ્ભુત”………..

 12. Harshad.Saraiya says:

  Thankyou very much for nice and usefull article. |Many thaks to outher and translator Sonal Parikh . thankyou.

 13. nayan panchal says:

  ખૂબ જ સરસ પુસ્તક.

  સમયની મહત્તા, ક્ષણોનો લુફ્ત ઉઠાવવાની કળા, કૃતજ્ઞતા, જીવનની ગુણવત્તા કેવી રીતે વધારવી વગેરે સમજાવતો સુંદર લેખ.

  હું ખાસ અભિનંદન તો સોનલબેનને આપીશ કે જેમને ખૂબ જ સરસ રીતે અનુવાદ કર્યો છે. વિચારવલોણુનો પણ ખાસ આભાર, જેમણે આટલુ સરસ પુસ્તક મફતમાં ઓનલાઈન મૂકયુ. મૃગેશભાઈને આંગળી ચીંધ્યાનુ પુણ્ય તો મળશે જ.

  નયન

 14. ઈન્દ્રેશ વદન says:

  વાંચી ને ‘સમય’ નો વ્યય કર્યો.

 15. ખુબ સરસ.

  શબ્દો જાદુ સર્જી શકે છે!!

 16. PAMAKA says:

  we have get energy from each pages. very excellent book.
  thank`s dear sonalben . I have read this book in one seating. thank`s againt sonalben & Vichar valonu parivar.

 17. ભાવના શુક્લ says:

  જ્યારે કોઈ હકારાત્મક વિચારને મગજ તરફથી મોં તરફ રવાના કરીએ છીએ ત્યારે જાદુ થાય છે. સંમતિસૂચક માથું હલાવવું, નાનકડું સ્મિત, ચમકતી આંખો – આ બધાંની અદ્દભુત અસર થાય છે.
  ……………….

  આ માત્ર શબ્દો નથી.. અનુભવાયેલો અદભુત અભિગમ છે.

 18. yash says:

  ખુબ સરસ અભિનન્દન વધારે ને વધારે લોકો જિવન મા ઉતારે તેવિ આશા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.