ગાંધીજી : આપણે સૌ થઈ શકીએ – પ્રવીણ ક. લહેરી

[ગાંધીજીના જીવન અને જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

picture-020મહાત્મા, બાપુ, રાષ્ટ્રપિતા, મહામાનવ, યુગપુરુષ, ધર્મસુધારક, કર્મવીર, જેવાં અનેક વિશેષણોથી જેમનું વ્યક્તિત્વ ઢંકાઈ ગયું છે તેવી આ વ્યક્તિનું નામ અને કામ સમગ્ર વિશ્વમાં સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. શબ્દકોશમાં ‘ગાંધી’નો મૂળ અર્થ ‘કરિયાણાના વેપારી’નો છે, પરંતુ આજે ‘ગાંધી’ શબ્દનો અર્થ સનાતન મૂલ્યોની સાધના કરતા માણસના સંદર્ભમાં વધારે પ્રસ્તુત લાગે છે. અંગત કે સાર્વજનિક જીવનનાં કાર્યોને મૂલવવા માટે ‘ગાંધી’ શબ્દ કસોટીનો પથ્થર સાબિત થયો છે.

અન્યાય અને શોષણના પાયા પર ચણાયેલ સામ્રાજ્યવાદની એક બુલંદ ઈમારતના પાયામાં લૂણો લગાડી તેના કાંગરા ખેરવી નાખવાનું દુષ્કર કાર્ય આગવી રીતે પાર પાડનાર આ વ્યક્તિ સાચા અર્થમાં ‘ક્રાંતિવીર’ છે. ગાંધીજીનું જીવનકાર્ય એટલું વ્યાપક છે કે આવનારી અનેક પેઢીઓને તેમાંથી પ્રેરણા મળશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની અંજલિ કે ભવિષ્યની પેઢી આશ્ચર્ય અનુભવશે કે આ પૃથ્વી પર આવો માનવ સદેહે વિચરણ કરતો હતો. આ અહોભાવ સૌ ભારતીયોનું મસ્તક ગૌરવથી ઉન્નત કરે છે, પણ ગાંધીજીને આમ ઉચ્ચાસને બેસાડી તેના માર્ગે આપણે કેમ ચાલી શકીએ ? તેવો પ્રશ્ન કરવો તે પલાયનવાદનો પુરાવો છે.

ગાંધીવિચારધારા સમજવા માટે કેટલીક પૂર્વશરતો છે. સૌથી પ્રથમ તો ગાંધીજીને ચીપકાવેલાં તમામ વિશેષણોથી તેમને મુક્ત કરવ જોઈએ. ગાંધીજીના વ્યક્તિત્વ અને વક્તવ્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેઓની દઢ માન્યતા હતી કે તેમણે જે કાર્યો કર્યાં છે તે તમામ કાર્યો કોઈ પણ સાધારણ વ્યક્તિ (મારો, તમારો, આપણા સૌનો એમાં સમાવેશ કરી લઈએ.) અવશ્ય કરી શકે. ગાંધીજીને સામાન્ય માનવી તરીકે સ્વીકારીએ તો જ તેમણે અપનાવેલ માર્ગે આપણે પ્રસ્થાન કરી શકીએ. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચીએ તો કેટલીક હેરત પમાડે તેવી ઘટનાઓ જોવા મળે છે. ગાંધીજી બાળપણમાં અંધકાર, ભૂત-પ્રેતથી ખૂબ ડરતા હતા. પોતાને બીકણ, ડરપોક જાહેર કરવામાં તેમને સંકોચ નથી થયો. ડર દૂર કેમ કરવો ! આ કાર્યમાં એમનું માર્ગદર્શન ઘરમાં કામ કરતી બહેન રંભા કરે છે. રંભા બાળ મોહનને સમજાવે છે કે ‘રામનામ’નું રટણ કરીએ એટલે ભય ટળે. ઘરકામ કરતી બાઈની સલાહ ગાંધીજી ખરા દિલથી સ્વીકારે છે. તેનું પાલન કરે છે. મૃત્યુપર્યંત ગાંધીજી રામનામને વળગી રહે છે. આમાં ગાંધીજીની અંધશ્રદ્ધા હશે તેવો પ્રશ્ન બુદ્ધિગમ્ય છે. તેના સાચા ઉત્તર માટે ગાંધીજીના ‘રામનામ’ પુસ્તકનાં થોડાં વાક્યો વાંચીએ તે જરૂરી છે :

[1] ઈશ્વરને નામની દરકાર ન હોય.
[2] કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી.
[3] નામસ્મરણ તે પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ.
[4] રામ એ કોઈ અયોધ્યાના રાજકુમારનું નામ એટલો સીમિત અર્થ ન કરતાં જે શક્તિ સચરાચરમાં સર્વવ્યાપક છે તે અર્થ સાચો છે.
[5] ઈશ્વર એકલો પૂર્ણ છે. મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા પરથી ઊતરી પડતો નથી.
[6] રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે.

આજે આપણે ઘરકામ કરનાર બાઈની કોઈ વાત ધ્યાનથી સાંભળીએ છીએ ખરા ? વાસ્તવમાં તો હિતેચ્છુ, મિત્રો, વડીલો, શિક્ષકો કે મા-બાપ કોઈની વાત સાંભળતાં કે સમજતાં આપણને નાનપ લાગે છે. જીવનનાં સત્યો ગ્રહણ કરવા સદાય તત્પર રહે તે ગાંધીજી કેમ ન બની શકે ? આ માટે નિષ્ઠા, નિખાલસતા, પરિશ્રમ, સમજદારી અને ચીવટની જરૂર છે. અન્ય એક જાણીતા પ્રસંગમાં પરીક્ષા સમયે નિરીક્ષક પાસે સારું દેખાડવા માટે શિક્ષક જ એક શબ્દની સાચી જોડણીની નકલ કરવાનું કહે છે. ગાંધીજીનું જાગૃત મન આ સલાહ સ્વીકારી શકતું નથી. આવી વિવેકબુદ્ધિને આપણે બાળસહજ ન ગણીએ તે સમજી શકાય છે. ‘ફૂટેલાં પ્રશ્નપત્રો’ અને ‘ભ્રષ્ટ પરીક્ષકો’ને શોધતાં મા-બાપ તો પુખ્તવયનાં હોય છે. જેઓને પોતાનું હિત સાધવા માટે સાધનશુદ્ધિની દરકાર નથી તે સમૂહમાં આપણે સામેલ છીએ. પોતાના સ્વાર્થી કામ માટે ઉપવાસ કે આંદોલન કરી પોતે ગાંધીચીંધ્યા માર્ગે ચાલતા હોવાનો દાવો કરે ત્યારે ગાંધીમાર્ગ ઉપરની બધી બત્તીઓ બુઝાઈ જાય છે અને સ્વાર્થનો ગાઢ અંધકાર પ્રસરે છે. ગાંધીજી તેથી જ કહે છે : ‘જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.’ ઉપભોક્તાવાદની બોલબાલા હોય ત્યાં આવો ઉપદેશ ! ગાંધીજીના જીવનદર્શનથી વિરુદ્ધ દિશામાં જઈ રહેલ વિશ્વમાં હિંસા, અન્યાય અને શોષણ જરૂરિયાત રૂપે સ્થાપિત થઈ રહ્યાં છે. સ્વ માટે જીવવું તે પ્રેય અને પરમાર્થે જીવવું તે શ્રેય એવી આપણી સંસ્કૃતિની માન્યતા છે.

ગાંધીજીનું જીવન પરમ શ્રેયાર્થીનું, સમષ્ટિના સુખ માટે સમર્પિત થયેલું છે. હે રામ, મને ક્યાંથી આવું ભદ્રંભદ્ર ગુજરાતી સૂઝ્યું ! જે ભાષા કોશિયો ન સમજે તો તેનો ઉપયોગ બિનજરૂરી છે. સાદી ભાષામાં ગાંધીજી પરાઈ પીડ જાણી તેને દૂર કરવાને અગ્રતા આપે છે. હિંસા પીડાનું સર્જન કરે છે જ્યારે પ્રેમ તેના ઘાવની પાટાપિંડીનંજ કામ કરે છે. જૈન મત અનુસાર કોઈ પણ જીવને અપાતું દુ:ખ અશાતા ઉત્પન્ન કરે છે. આવી અશાતાનું નિવારણ જરૂરી છે. અન્યથા સુખની સમતુલા જળવાતી નથી. અહિંસાને ગાંધીજી સર્વવ્યાપી પ્રેમની વ્યાખ્યા આપે છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ સત્યાગ્રહ આંદોલન પૂરતો સીમિત નથી પણ સર્વગ્રાહી છે. પશ્ચિમના ભોગ અને વ્યક્તિવાદના આગ્રહ સામે ગાંધીજી ચેતવે છે, તેની સીમા બાંધી આપે છે અને તેનાં જોખમો પણ સ્પષ્ટ કરે છે. ગાંધીજીના વિચારો પર શ્રીમદ રાજચંદ્રનો પ્રભાવ અવશ્ય છે પણ ગાંધીજીની મોક્ષ કે આત્મકલ્યાણની ભાવના ‘વ્યક્તિલક્ષી’ નથી પણ સામાજિક ચેતના અને ઉત્થાન માટે છે. ‘મોક્ષ તો હું ગરીબમાં ગરીબની સેવા વિના અને તેમની સાથે તાદાત્મ્ય વિના અશક્ય સમજું છું.’ ગરીબીને હટાવવા માટે આથી સારી ગુરુચાવી કઈ છે ? આપણે સૌ થોડું પણ નક્કર કાર્ય કરીએ તો સદકાર્યોનો પ્રભાવ ગુણાકાર જેમ ઝડપથી વધે. સૌને કાંઈક સારું કરવું છે, આ ભાવના દઢ થાય અને સંકલ્પમાં પરિણમે તે માટે ‘અભ્યાસ અને વૈરાગ્ય’ જરૂરી છે. ગાંધીજીના વિચારો મુજબ માળા, તિલક, ઈત્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી.

ગીતાના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે : ‘ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓની મારી પાસે જે કંઈ મૂડી હોય તે આપી જવાની મને હંમેશાં ભારે અભિલાષા રહેલી છે.’ મૂડી મેળવવામાં રસ ન હોય તો તે કાચો ગુજરાતી ગણાય. તેથી ગાંધીજી જ્ઞાન માટે મૂડી શબ્દ તો નહીં વાપરતા હોય ! ગાંધીજી આગળ લખે છે કે, ‘અત્યારે ગંદાસાહિત્યનો ધોધ વહી રહ્યો છે, (ફિલ્મો-ચેનલોના સિવાય પણ આવું જ હશે શું ?) તેવે સમયે હિન્દુ ધર્મમાં જે અદ્વિતિય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતી પ્રજા પામે, ને તેમાંથી પેલા ધોધની સામે થવા શક્તિ મેળવે.’ આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. ભક્તની વ્યાખ્યા કરતાં ગાંધીજી ગીતાનો/ધર્મનો અર્ક આપણને આપે છે : ‘જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કરુણાનો ભંડાર છે, જે અહં તેમ જ મમતાથી મુક્ત છે, જેને સુખદુ:ખ, ટાઢ-તડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષશોકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માન-અપમાન સરખાં છે, જે સ્તુતિથી ફૂલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાંત પ્રિય છે, જેની સ્થિર બુદ્ધિ છે તે ભક્ત છે.’ મહાત્માજી સદગુણરૂપી રત્નોની ખાણ આપણી સમક્ષ ખુલ્લી મૂકે છે.

ગાંધીજનના એક અમૃત મહોત્સવ પ્રસંગે તેને પ્રશ્ન પૂછ્યો કે, ‘ગાંધીજીમાંથી તમને શું પ્રેરણા પ્રાપ્ત થઈ હતી ?’ તેનો જવાબ હતો કે : ‘ગાંધીજી પારસમણિ હતા. તેમના સંપર્ક અને માર્ગદર્શનથી લાખો લોકોનાં જીવનમાં ધરમૂળ પરિવર્તન આવ્યું હતું. ગાંધીજીના ઉપદેશનો સાર એટલો જ છે કે હંમેશાં જાગતા જીવે જીવવું – માંહ્યલો કહે તે સાંભળવું. દરેક માનવીમાં સારા થવાની, સારું કરવાની અમાપ શક્તિ અને શક્યતા રહેલી છે. તે ગાંધીજીની આસ્થાનો પાયો છે. સાચું શું અને ખોટું શું તેની તટસ્થ વિચારણા કરી નિર્ણય કરવો અને આચરણમાં મૂકવો. તેનાં પરિણામો ઈશ્વર પર છોડવાં, તેમાં આસક્તિ ન રાખવી. સત્યના ક્ષીરને પ્રલોભન-સ્વાર્થનાં નીરથી છૂટાં પાડવામાં ગાંધીજી વિવેકસાગરના રાજહંસ છે.

ગાંધીવિચારો મૂળભૂત રીતે જીવન જીવવાની કળાના સિદ્ધાંતો છે. જીવન સામાન્ય ઘટનાઓ અને રોજિંદી પ્રવૃત્તિઓમાં સીમિત રહે તો માનવજન્મ સાર્થક ન થાય. ગાંધીજી માટે તો ‘માણસના જીવનનો પાયો નીતિ છે. આ પાયાથી માણસ ચળ્યો તે ક્ષણે તે ધાર્મિક મટે છે.’ દા…ત, માણસ જૂઠ આચરે, દયાધર્મ છોડે, અસંયમી બને અને છતાં ઈશ્વર પોતાની બાજુએ છે એવો દાવો કરે એ હાસ્યાસ્પદ છે.

[કુલ પાન : 258 કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફેદ કપડામાં ડાઘ – મૃગેશ શાહ
વાચકોની પદ્યરચનાઓ – સંકલિત Next »   

10 પ્રતિભાવો : ગાંધીજી : આપણે સૌ થઈ શકીએ – પ્રવીણ ક. લહેરી

 1. કલ્પેશ says:

  લોકોને ભગવાન અને મહાત્મા બનાવીને આપણે બધા એમ માનતા થઇ ગયા છીએ કે – એ તો બીજા, આપણે એવા ન થઇ શકીએ.

  તેથી જ આપણે એમની વાહ-વાહ કરીએ છીએ પણ એમના સારા ગુણ આત્મસાત કરવા પ્રયત્ન નથી કરતા.

  આપણે બધા તો સામાન્ય માણસ, આપણે એવા થવા માટે કેટલા જન્મ લેવા પડશે અને સારા પૂર્વ-કર્મો હોવા જોઇએ!! (કટાક્ષ)

 2. ગાંધીજીના સત્યના પ્રયોગોથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે.

  આપણા લોકશાહી દેશની બુનિયાદ ગાંધીજીના અલોકતાંત્રિક અને સરમુખત્યારી નિર્ણય પર થઈ હતી તે પણ કડવું સત્ય છે.

  આઝાદીની સૂર્યોદય વેળાએ કોંગેસ વર્કીગ કમિટીમાં જ્યારે મતદાન થયું ત્યારે શ્રી સરદાર પટેલને સમગ્ર દેશમાંથી ૧૫ મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી પંડિત નહેરૂને માત્ર ૩ મત મળેલા. દેશનું સુકાન કોણ સંભાળશે તેનો નિર્ણય થઈ ચુક્યો હતો પણ છેવટે ગાંધીજીએ પોતાનો સરમુખત્યારી નિર્ણય જાહેર કરી શ્રી સરદાર પટેલને હટી જવા દબાણ કર્યુ અને આપણા લોકતાંત્રિક દેશની બુનિયાદ એક અલોકતાંત્રિક નિર્ણયથી થઈ તે કડવી સચ્ચાઈ છે.

  લોકતાંત્રિક વ્યવસ્થાનું સિચન પામેલી આજની પેઢી ગાંધીજીને વાસ્તવિકતાના ત્રાજવે મુલવવા ઈચ્છે છે.

 3. nayan panchal says:

  ગાંધીજીના જીવનમાં સઘળું નહીં તો પણ ઘણુ બધુ પ્રેરક તો છે જ.

  જો કે છેલ્લે છેલ્લે ગાંધીજીએ ભારત પાકિસ્તાનના ભાગલા અટકાવવા માટે જે જે રસ્તાઓ અજમાવ્યા તેનાથી ભારતને લાભ કરતા નુકસાન ઘણુ વધારે થયુ. એક વ્યક્તિ તરીકે તેઓ નિર્વિવાદ પણે ઘણી ઉંચાઈ પર હતા.

  નયન

 4. કલ્પેશ says:

  જયભાઇ/નયનભાઇ,

  તમારી વાત સાચી હોઇ શકે. મને આ બાબતનુ જ્ઞાન નથી.

  પણ આપણે એ જોઇએ કે આજે આપણે શુ કરી શકીએ, એક વ્યક્તિ, પરિવાર, સમાજ તરીકે.

  No doubt, he might have made mistakes.
  Just like in our day to day life/family, we make some good decisions and some bad decisions. I think, once the decision is taken & things have move forward – we can’t go back (in reality).

  And the blame goes to person who choose to do something.

  We won’t get anything praising Gandhiji or criticize his decisions. As always, we can learn from his life and try to get his good things and leave out bad things.

  Anyways, who is perfect? I think, we want people of such higher stature to be perfect (should not make mistake) but that is not possible. To err is human.

  We make mistakes at our family/community level. Gandhi was a national figure. So, any action by him was affecting the entire nation- either good or bad.

  In a nutshell, I think – we should move away from praising/criticizing Gandhi.
  If we don’t do that, we become nation of ideal day-dreaming but not doing anything to achieve it.

 5. Jayesh says:

  લોકશહિનેી એક કડવી બાજુ એ છે કે યોગ્ય વ્ય્ક્તી નહી પણ લોકપ્રીય વ્ય્ક્તી ચુટાઈ આવે છે. લોકો ખરીદાય છે. સન્સદ કે જે કાયદા બનાવે છે તેમા ચુટણાર ભણેલો હોવો જરુરી નથી. લોકશાહેી સફળ થવા માટે લોકજાગ્રુતી જરુરી છે કે હુ ભુખે મરીશ પણ મારૉ મત નહી વેચુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.