એક લગ્નોત્સુક યુવતીની મુંઝવણ – ફાધર વર્ગીસ પોલ

‘ફાધર, હું ખૂબ કન્ફ્યૂઝ થઈ ગઈ છું. મને કશી ખબર પડતી નથી ! શું કરવું અને શું ન કરવું ! હું ત્રણ વર્ષથી એક યુવકને ઓળખું છું આજે એણે ઓચિંતા લગ્નની દરખાસ્ત મૂકી અને મેં ‘હા’ પાડી. બીજા બધા લોકો મને ‘નાદાન’ કહે છે. ત્યારે એ યુવક મારી કદર કરે છે. પણ એ યુવક પરધર્મનો છે માટે મારું શું થશે એની મને ખૂબ ચિંતા થાય છે.’ એક સ્નાતક યુવતીએ મારી આગળ પોતાની મૂંઝવણ પ્રગટ કરી.

એ દેખાવડી યુવતી છોકરીનેએ હૉસ્ટેલમાં રહીને ભણે છે. એનાં માબાપ દૂર ગામડામાં રહે છે. ઘણા આશા-અરમાનો સાથે તેમણે ઉચ્ચ શિક્ષણ માટે પોતાની વહાલસોયી દીકરીને શહેરની એક સારી કૉલેજમાં દાખલ કરીને હૉસ્ટેલમાં રહીને ભણવાની સગવડ કરી આપી છે. પોતાની દીકરીના પ્રેમપ્રકરણ વિશે એનાં માબાપને કંઈ જ ખબર નથી.

મારી દષ્ટિએ પોતાના જીવનસાથીની પસંદગી કરવાનું કામ એ યુવતીનું પોતાનું છે. પણ એમાં ઉતાવળ કરવી ન જોઈએ. કૉલેજમાં ભણતાં યુવક-યુવતી વચ્ચે મિત્રતાનો સબંધ બંધાય અને સમયના પ્રવાહમાં બંને વચ્ચે લગ્નની દરખાસ્ત થાય એ ખૂબ સ્વાભાવિક બાબત છે.

જીવનસાથીની પસંદગી કોઈ પણ યુવક કે યુવતી માટે ખૂબ અગત્યની બાબત છે. એટલે એ પસંદગીમાં ઘણી બધી બાબતો અંગે ખૂબ તપાસ કરીને અને ખૂબ વિચાર કરીને એમાં નિર્ણય લઈ, યોગ્ય જીવનસાથીની પસંદગી કરવાની હોય છે. આ પસંદગીમાં યુવક-યુવતીઓ માટે શ્રેષ્ઠ સલાહકાર એમનાં માબાપ છે. માબાપ પોતાનાં દીકરા-દીકરીને બીજા કોઈ સબંધી કે મિત્રો કરતાં વધારે સારી રીતે ઓળખે છે. તેઓ પોતાનાં દીકરા-દીકરીની સાંપ્રત પરિસ્થિતિથી બરાબર વાકેફ હોય છે. તેઓ પોતાનાં સંતાનના ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના રાખે છે. એટલે તેઓ સંતાનને એના જીવનસાથીની પસંદગીમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે.

આજે ઘણાં યુવક-યુવતીઓ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે કે નોકરી અર્થે ઘરથી દૂર શહેરમાં કે પરદેશમાં પણ રહે છે. તેથી પોતાનાં માબાપ સાથેનો તેમનો સંપર્ક પ્રમાણમાં અનિયમિત હોય છે. કૌટુંબિક મૂલ્યોનો સાચવતા પારંપારિક સંસ્કૃતિમાં ઊછરેલાં દીકરા-દીકરીઓ કદી પોતાનાં માબાપ સાથેનો ઉમળકાભર્યો સબંધ તોડતાં નથી. ઊલટું, પત્રો, ફોન દ્વારા અને જ્યાં શક્ય હોય ત્યાં તહેવારો અને રજાના દિવસોમાં રૂબરૂ જઈને માબાપ સાથેનો ઘરોબો જીવંત રાખે છે.

મારી આગળ પોતાની મૂંઝવણની વાત કરનાર પેલી યુવતી પોતાનાં માબાપ સાથે સારો સંબંધ રાખે છે. તો એ યુવતી પોતાની મૂંઝવણ એનાં માબાપને જણાવશે તો તેઓ તેને કેવી સલાહ આપશે એની અહીં હું કલ્પના કરું છું. હું માની લઉં છું કે તેનાં માબાપ કોઈ રૂઢિચુસ્ત વલણને અપનાવવાને બદલે ખુલ્લા મનથી કેવળ પોતાની દીકરીને પાઠવેલા બા-બાપુજીના પત્રમાં નીચેની બાબતોની વાત હશે.

[1] વહાલસોયી દીકરી, તું હવે બાળક રહી નથી. પુખ્તવયની થઈ ગઈ છે. તું હવે તારા જીવનસાથીનો વિચાર કરે છે તે સારી અને સ્વાભાવિક વાત છે. તારા જીવનસાથીની પસંદગી કરવાનો તારો અબાધિત અધિકાર છે. એટલે તારી પસંદગી અમે મંજૂર રાખીશું. છતાં તારી પસંદગીના સંદર્ભમાં કેટલીક મૂળભૂત બબાતો તરફ તારું ધ્યાન દોરવા અમે ઈચ્છીએ છીએ.

[2] જીવનસાથીની પસંદગી તારી આખી જિંદગીનો સવાલ છે, એટલે જીવનસાથીની પસંદગીને કોઈ નજીવી બાબત ગણી ન લેતી. તારા મિત્ર અને લગ્નને લગતાં બધાં પાસાંને ઝીણવટથી તપાસીને જ યોગ્ય નિર્ણય લેજે.

[3] તું કહે છે કે તું તારા મિત્રને ત્રણેક વર્ષથી ઓળખે છે. તારો મિત્ર કેવો છે ? અણસમજુ લોકો પોતાના જીવનસાથીની પસંદગીમાં કેવળ દેખાવ, નાણાં અને સાધનસંપત્તિ, હોદ્દો જેવી બાહ્ય બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. દેખાવ, નાણાં, હોદ્દો જેવી બાબતો આજે છે અને કાલે નથી એવી નજીવી બાબતો છે. કેવળ બાહ્ય દેખાવ પર જીવનસાથીની પસંદગી કરનાર વ્યક્તિને ભવિષ્યમાં પસ્તાવું પડે છે.

[4] જીવનસાથીની પસંદગી અને લગ્નમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો કાયમી કરાર કે સંસ્કારનો સંબંધ છે. તેથી તારી સમગ્ર જિંદગીને તારી આંખ સામે રાખીને તારા જીવનસાથીની પસંદગી કરજે. આમાં તારા જીવનસાથીના સ્વભાવ અને સંસ્કાર ખૂબ અગત્યની બાબત છે. તારા મિત્રનો સ્વભાવ કેવો છે ? એના સંસ્કાર કેવા છે ? સારા – નરસા પ્રસંગોમાં તારો મિત્ર કેવું વર્તન કરે છે ? જીવનના સંધર્ષોનો સામનો કરવાની એની ક્ષમતા કેટલી ?

[5] લગ્ન ભગવાનના સાન્નિધ્યમાં સ્ત્રી પુરુષ વચ્ચેનો સંસ્કાર છે, છતાં એ લગ્નસબંધમાં બંનેનાં કુટુંબો અને સગાંસબંધીઓ પણ સંકળાયેલાં હોય છે. એટલે તારા જીવનસાથીની પસંદગીમાં તારે બંને કુટુંબનો પણ વિચાર કરવાનો રહે. તારા મિત્રનું કુટુંબ કેવું છે ? એનાં માબાપને તું મળી છે ? તેઓ તારો સ્વીકાર કરશે ? તારા મિત્રનાં સગાંસબંધીઓ તને અપનાવશે ? તારા મિત્રના કુટુંબનાં મૂલ્યો અને સંસ્કાર વિશે તું જાણે છે ? તારા વિચારો અને સંસ્કારો સાથે તારા મિત્રના અને કુટુંબના મૂલ્યો અને સંસ્કારો કેટલા સુસંગત છે ?

[6] તું કહે છે કે તારો મિત્ર પરધર્મનો છે. તું જાણતી હશે કે લગ્નમાં ભિન્ન ભિન્ન ધર્મો વાંધારૂપ નથી, છતાં ભિન્ન ધર્મને કારણે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે એ બનવાજોગ છે. અમે માનીએ છીએ કે તારે મન જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ છે. તો તારો મિત્ર તારી સાથે તારા ધર્મનો પણ સ્વીકાર કરશે ? તારા પરધર્મના જીવનસાથીના ઘરમાં તું તારો ધર્મ પાળી શકીશ ? તને એના ઘરમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મ પાળવાનો મોકો મળશે ? વળી, તું તારા મિત્રના ધર્મની કદર કરી શકીશ ? એના ધર્મ વિશે તને થોડીઘણી માહિતી અને સમજણ છે ?

[7] તારા જીવનસાથી અંગે તારી ચોક્કસ આશા અપેક્ષાઓ હશે. એ જ રીતે તને પસંદ કરનાર વ્યક્તિના મનમાં પણ પોતાના જીવનસાથી અંગે ચોક્કસ ખ્યાલો અને અપેક્ષાઓ હશે. લગ્નનો વિચાર કરતાં પહેલાં મિત્રો તરીકે તમે બંને આવી બાબતોની ચર્ચા-વિચારણા કરી શકો છો. સૌ પ્રથમ તો તું તારા ભાવિ પતિ અંગેની તારી અપેક્ષાઓથી બરાબર વાકેફ બન. તારી સાથે લગ્ન કરવા ઈચ્છનાર યુવક તારી બધી આશા-અપેક્ષાઓ જાણે છે ? તને લાગે છે કે તારી બધી અપેક્ષાઓ એ પૂરી પાડી શકશે ? એ જ રીતે તારા ભાવિ પતિની તારા વિશેની અપેક્ષાઓ જાણીને તું એની બધી અપેક્ષાઓ પૂરી કરી શકીશ કે નહિ, એ પણ બરાબર ચકાસી લે.

સામાન્ય રીતે લગ્નોત્સુક યુવક-યુવતી એકબીજા વિશે અને એકબીજાનાં કુટુંબ તથા સગાસબંધીઓ વિશે ઘણી આશા-અભિલાષાઓ સેવતાં હોય છે. એ બધી અપેક્ષાઓ એકબીજાની ક્ષમતા બહારની હોય તો દેખીતી રીતે ભવિષ્યમાં બંને વચ્ચે અને કોઈકવાર બંનેના કુટુંબો વચ્ચે પણ સંધર્ષ અને ઝગડો થવાની શક્યતાઓ છે. એટલે આવી બાબતોથી પહેલેથી જ ચેતતા રહેવું એ સારું છે.

[8] તું અને તારો મિત્ર હાલ ભણો છો. પરંતુ તમારે તમારા બંનેના નોકરીધંધાનો વિચાર કરવાની પણ જરૂર છે. કેટલાક પતિને પોતાની પત્ની નોકરી કરે એ પસંદ નથી હોતું. એ ઈચ્છે છે કે પોતાની પત્ની પોતાનાં ઘર અને બાળકો સંભાળે. આ બાબત અંગે તારા અને તારા મિત્રનો શો વિચાર છે ? તારા મિત્રની આર્થિક સ્થિતિ કેવી છે ? અમે માનીએ છીએ કે તે આર્થિક રીતે સ્થિર થાય, સક્ષમ બને ત્યાર પછી તારે લગ્નનો વિચાર કરવો જોઈએ. કારણ, લગ્ન કેવળ લાગણીની બાબત નથી પણ જીવનની ગૌરવભરી બાબત છે. લાંબે ગાળે તું કે તારો મિત્ર માબાપના ઓશિયાળા બની સુખી લગ્નજીવન જીવી શક્શો નહિ.

[9] તને એકવીસ વર્ષ થયાં છે અને તારો મિત્ર તારા જેટલી ઉંમરનો હશે તો વયની દ્રષ્ટિએ તમે બંને પુખ્ત વયની વ્યક્તિઓ છો. તેં સાંભળ્યું હશે કે લગ્ન બાળકોની રમતની વાત નથી પરંતુ પરિપક્વતા પામેલાં પુખ્ત સ્ત્રી-પુરુષો માટેનો એક સંસ્કાર છે. પોતાના જીવનમાં પરિપકવતા પામેલી વ્યક્તિઓમાં તુ કેટલાક ગુણો જોઈ શકે છે. પરિપક્વતા ધરાવતી વ્યક્તિ વાસ્તવિકતાનું ભાન રાખે છે, પોતાની લાગણીને ઓળખે છે અને સંયમ રાખે છે અને તે પોતાની જવાબદારીઓ માથે લઈને જીવે છે. આ દ્રષ્ટિએ તને લાગે છે કે તું અને તારો મિત્ર લગ્ન કરવા જેટલી પરિપક્વતા ધરાવો છો ?

[10] માણસના જીવનમાં સંબંધ ખૂબ અગત્યની બાબત છે. અરસપરસની અને પોતાના સંપર્કમાં આવતા ઘણાબધા લોકો સાથે સારો સંબંધ રાખ્યા વિના પતિ-પત્ની માટે સુખી લગ્નજીવન શક્ય નથી. તારામાં અને તારા મિત્રમાં અરસપરસ જ નહિ પણ બીજા બધા માણસો સાથે વિશેષ તો ભિન્ન ધર્મના અને વિવિધ કોમના લોકો સાથે સંબંધ બાંધવા અને બાંધેલો સંબંધ નિભાવવાની આવડત અને ક્ષમતા છે ? અહીં ઉપરછલ્લા સંબંધની વાત નહિ પણ અરસપરસના સંબંધથી વ્યક્તિનો વિકાસ થાય, સમજૂતી વધે અને જીવન જીવવા જેવું લાગે એવા ઉદાત્ત સબંધની વાત છે. તને લાગે છે કે તારો મિત્ર આવો સંબંધ બાંધી અને નિભાવી શકશે ?

[11] દરેક વ્યક્તિમાં ખામીઓ અને ખૂબીઓ હોય છે. વિશેષ શક્તિઓ અને મર્યાદાઓ હોય છે. તું તારા મિત્રની ખામીઓ અને ખૂબીઓ ઓળખે છે ? એની શક્તિઓ અને મર્યાદાઓથી તું સારી પેઠે વાકેફ છે? તારી ખૂબીઓ અને શક્તિઓ એ જાણે છે ? તારી ખામીઓ અને મર્યાદાઓનો તારો મિત્ર સ્વીકાર કરે છે ? આવી બધી બાબતો અંગે તમે બંનેએ પૂરતી ચર્ચાવિચારણા કરી છે ખરી ? તમારા બંનેની મિત્રતાના સંબંધમાં તેની કોઈ બાબત તને અસ્વસ્થ કરી મૂકે એવી હોય છે ખરી ?

[12] બાળકો અંગેનો અમારો આ છેલ્લો મુદ્દો લગ્નમાં ખૂબ અગત્યની બાબત છે. બાળકોના જન્મ, ઉછેર, સંખ્યા, અભ્યાસ અને બાળકો માટેનાં સ્વપ્નો અંગે તેં તારા મિત્ર સાથે ચર્ચા-વિચારણા કરી હશે. બાળકો અંગે તારા અને તારા મિત્રના વિચારો કેવા છે ? પ્રથમ પ્રશ્ન તો એ છે કે ભવિષ્યમાં ભગવાન આપે એ પુત્રી કે પુત્રને ઊમળકાથી સ્વીકારી લેવાની તારી અને તારા મિત્રની તૈયારી છે ?

અમે અહીં અટકીએ છીએ, પરંતુ તારા માટે આ તો કેવળ શરૂઆત છે. અહીં અમે તારા હિતમાં અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. લગ્નજીવનમાં આવા અસંખ્ય પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. એટલે લગ્નની બાબતમાં કોઈ ચોક્કસ પગલાં લેતાં પહેલાં આવી બધી બાબતોનો વિચાર કરજો. જાણકાર વડીલોની સલાહ લેજે. અને એ બધું વિચારી લીધા બાદ તારા એ જ મિત્ર સાથે લગ્ન કરવાનો તારો નિર્ધાર અડગ હોય તો અમને જણાવવામાં જરાય સંકોચ ન રાખીશ. અને હા, યુવાનને આપણા ઘેર આવવાનું આમંત્રણ આપવાનું ભૂલતી નહિ.

અહીં લગ્ન અંગેની મૂંઝવણ લઈને મારી પાસે આવનાર યુવતીને એના જીવનનો આ મહત્વનો નિર્ણય લેવાની ઘડીએ એનાં માબાપ કેવાં સલાહ-સૂચન કરશે એ મારી રીતે કલ્પીને મેં સલાહ આપી છે. એ યુવતીના એક વડીલ મિત્ર તરીકે મેં કેવળ એનું હિત ધ્યાનમાં રાખ્યું છે. આજે ઘણાં યુવક-યુવતીઓ પેલી યુવતીના જેવી મૂંઝવણ અનુભવે છે. તેઓ પણ પોતાની મૂંઝવણમાં અહીં રજૂ કરેલા મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરીને પોતપોતાનું તારણ કાઢી શકે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રત્નકણિકાઓ – ઉમાશંકર જોશી
ચાલો હસીએ…. (30 જૉકસ) Next »   

11 પ્રતિભાવો : એક લગ્નોત્સુક યુવતીની મુંઝવણ – ફાધર વર્ગીસ પોલ

 1. Uday Trivedi says:

  A really thought-provoking article. This sort of attitude towards our children in this situation is very important. Behave like his/her friend and guide, not a controller or possesor. Also a guideline/checklist for aspirant young people going for marriage!

 2. સુરેશ જાની says:

  ફરીથી મને જયવતીબેન કાજીનો લેખ યાદ આવી ગયો. આવા મુક્તમનના સંવાદની આ નવા જમાનામાં લગ્ન પહેલાં ઘણી જ જરુર છે.

 3. bhavna joshi says:

  aaje zat mangni pat byah jevu chhe.prem aandhlo, mungo,behro chhe.jaldi lagna kari le chhe. pan prem lagna karya pachhi badhu khabar pade chhe. aye loko koi no vichar karta nathi potano pan nahi.lagna ek samji vichari ne karva joie.sharuat ma badhu saru laage pan vastvikta ,adjustment,jatu karvani bhavna hoti nathi. pati patni banne havei vichare chhe ke thodo samay lidho hot to saru hot.

 4. સુંદર લેખ છે. લગ્નનો નિર્ણય લેતા પહેલા આ બાબતોને ખરેખર ધ્યાનમાં રાખવી જોઇએ. પ્રેમલગ્નનો ખોટો વિરોધ કરતાં મા-બાપ, અને આકર્ષણને પ્રેમ સમજીને ઉતાવળે લગ્ન કરી લેતા યુવક-યુવતી, બધાએ સમજવા જેવું છે.

 5. aneri says:

  I really want to thank father because I am aslo facing this problem which he described..my family members are not with me in my dession but other all factores are favorable in my side which father disscused.

  thanks again father.

 6. manvant says:

  ફાધરની સલાહ કરતાંયે સાચાં મા-બાપ
  આપે તે સલાહ ઉત્તમ ગણવી જોઇએ.છતાં
  મુદ્દાસર કહેલી બાબતો ઉપયોગી તો છે જ !
  અને છેવટનો નિર્ણય તો વ્યક્તિનો જ !

 7. hitesh says:

  khubaj sari baabat samjavi chhe, aaje utavde pagale kai pan aayojan karvu khubaj bhare padi shake chhe, tethij marrege mate samena patrane purepu janvu,samajvu khubaj jaruri chhe……….!

 8. i think it’s very good dat both father wales and father paul have tenacity and inclination to help teens with the problems which sometimes become sort of headache if faced with poor guidance.i really appreciate father for he is committed and equally dedicated to the cause which will help youngsters like us not in deciding what is best for us but even freeing us from fallacy which has been imposed by so called “samaj”,”dharmgurus” etc.revolution will only come if only on dark island we,manage to find lighthouse as we have now in father verghese.marriage is an important aspect of life if lived with proper institution,can succced otherwise loooses its charm over the years and man-woman both have to repent afterwards.aggain thanking you for your generous effort.

 9. dipika says:

  i was in the same dilemma and worried about my life but after reading this article feeling relax. It helped me alot to solve my own problem.

 10. nayan panchal says:

  ઉપયોગી સૂચનો.

  આટલો મોટો નિર્ણય માત્ર લાગણીઓથી ન લેવો જોઈએ, લાંબા ગાળાનો વિચાર કરીને પછી જ લેવો જોઈએ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.