- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાચકોની પદ્યરચનાઓ – સંકલિત

[1] ગઝલ – વિનોદ ઓઝા

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે શ્રી વિનોદભાઈનો (અંજાર, કચ્છ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825497312 પર અથવા આ સરનામે vroza@indiatimes.com સંપર્ક કરી શકો છો.]

ચીતરેલા ફૂલને સૂંઘ્યા કરે છે કોણ છે ?
આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે ?

ક્યાં જવું છે ? કેમ એ દોડ્યા કરે છે ? કોણ છે ?
નામ સરનામું સતત શોધ્યા કરે છે, કોણ છે ?

આમ આખી ભીંત તરફડતી રહી છે આ જુઓ
એ છબી કોની અહીં ચોડ્યા કરે છે, કોણ છે ?

એટલે આખો બગીચો આટલો ધ્રૂજી ઊઠ્યો,
સાવ લીલા વૃક્ષને કાપ્યા કરે છે કોણ છે ?

કઈ રીતે સમજાય એને સ્વપ્ન તકલાદી બધા
કાચના ટૂકડા બધા જોડ્યા કરે છે કોણ છે ?
.

[2] છૂટકો છે – પ્રવિણ શાહ

[રીડગુજરાતીને આ અછાંદસ કાવ્ય મોકલવા માટે શ્રી પ્રવિણભાઈનો (બૅંગલોર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428761846 અથવા આ સરનામે pravin91@ymail.com સંપર્ક કરી શકો છો.]

છૂટકો છે –
જન્મ્યા વિના, જીવ્યા વિના !
ઊગે છે એણે આથમ્યા વિના !
ફળ મળે કે ના મળે,
કર્મ કર્યા વિના !
છૂટકો છે –
વસંતમાં, ડાળે મ્હોર્યા વિના !
પાણીભર્યા વાદળે વરસ્યા વિના !
નદીએ પ્હાડ કોરી,
સાગર તરફ દોડ્યા વિના !
છૂટકો છે –
અર્જુને બાણ છોડ્યા વિના !
કૃષ્ણે મથુરા ગયા વિના !
ક્રાઈસ્ટે ક્રોસ પર ચઢ્યા વિના !
‘મહાત્મા’એ ગોળી ખાધા વિના !
છૂટકો છે –
કૃષ્ણ પામવા, ઝેર પીધા વિના !
રામે શબરીના એંઠા બોર ખાધા વિના !
ઈશ્વરને માનીએ તો,
પથ્થરને પૂજ્યા વિના !
છૂટકો છે –
કવિ થયા એટલે
જેવું તેવુંય લખ્યા વિના !
.

[3] ગઝલ – હેમલ પંડ્યા ‘પાર્થ’

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે શ્રી હેમલભાઈનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે himalpandya@yahoo.com સંપર્ક કરી શકો છો.]

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,
વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;

ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;

પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;

એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;

અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.
.

[4] આપણે : એક નેટવર્કના તાંતણે – રાજેન્દ્ર રસિકલાલ શાહ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી રાજેન્દ્રભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9909922398 પર અથવા આ સરનામે rajendrashahaum@gmail.com સંપર્ક કરી શકો છો.]

નરને નારાયણ એટલે ક્લાયન્ટ ને સર્વર :
જોડાણોની દુનિયા,
જન્મ-મરણ એ સાવ સરળ :
લૉગ-ઑન ને લૉગ-ઑફ થવાની ઘટના !

‘ઊંવા…ઊંવા’ ને ‘રામ બોલો ભાઈ રામ’
એ વિન્ડોઝના ડિફોલ્ટ સાઉન્ડ છે :
સેશન શરૂ ને પૂરું કર્યાના એ પાકા સિગ્નેચર ટ્યુન છે,
‘ઊંવા…ઊંવા’ તો સહુને સહજ,
પણ ‘હે રામ’ તો કોઈ વીરલો જ બોલે !
ને ત્યારે ‘ત્ર્યંબકમ યજામહે…’નો અર્થ કાનમાં ગૂંજે !

લૉગ-ઑન તો થઈ ગ્યા જાણે પણ લોગ-ઑફ થવાનું ના ગમતું,
મલ્ટી-ટાસ્કના આટાપાટમાં, હેન્ગ થવાનું બનતું !
રેમ થોડી ને ટાસ્ક ઝાઝા, રાત થોડી ને વેશ ઝાઝા !
ચળકાટિયા ગ્રાફિક્સની ગેમમાં મનના પ્રોસેસરે મૂકી છે માઝા !
ના છૂટકે એ ‘એન્ડ ટાસ્ક’ કરે ને મેમરી કરપ્ટ થાય,
‘સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો…’ ગીતાનો શ્લોક પછી સમજાય.

હાર્ડ-ડિસ્કમાં કચરા જેવી ફાઈલો સંઘરી રાખે,
રાગ-દ્વેષ ને વેર-ઝેરના ઝિપ ફોલ્ડર બાંધી રાખે !
સંબંધોના સથવારાના મેઈન્ટેનન્સના નામે મીંડું,
મરઘીને મારી નાખી રોવે : ‘સાવ નીકળ્યું એક જ ઈંડું !’

નર-નારાયણ : સર્વર કનેક્શનને ભૂલ્યો, ને ભૂલ્યો પ્રોટોકોલ,
ઈશ્વરની સાક્ષીએ કહું છું : હવે તો અંતરની વિન્ડોઝ ખોલ !