- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પ્રતિભાનું શિલ્પકામ – જ્વલંત છાયા

[વ્યવસાયે શ્રી જ્વલંતભાઈ ‘દિવ્યભાસ્કર’ના પત્રકાર છે અને વિવિધ પ્રકારના વિષયો પર તેમના સુંદર લેખો સતત પ્રકાશિત થતા રહે છે. આ અગાઉ આપણે તેમનો ‘ગાંઠિયા અને સૌરાષ્ટ્ર’નો રસપ્રદ લેખ માણ્યો હતો. આજે માણીએ નારી પ્રતિભાઓ વિશેનો તેમનો આ પ્રસ્તુત લેખ. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે જ્વલંતભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824376077 અથવા આ સરનામે cjwalant@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

મંદિરમાં સ્થાપિત થયેલી કોઈ મૂર્તિ કે પછી શહેરના કોઈ જાહેર સ્થળે કોઈ પૂતળું જોઈને આપણે ‘વાહ’ બોલી ઊઠીએ સ્વાભાવિક છે. પરંતુ આવું ‘મૂર્ત’ સ્વરૂપ બનતા પહેલાં એ પથ્થરે કેટલું ટોચાવું પડ્યું હશે તેની કલ્પના પણ ક્યારેક કરવી જોઈએ. ગુજરાતીમાં એક સરસ શેર છે :

સો સો સલામો તને જખમ દેવાવાળા
કે એક વાંસને તે વાગતો કર્યો

વાંસને છેદીને, ભેદીને તેમાં કાણાં પાડવામાં આવે ત્યારે તેને વેદના થતી હશે પણ જ્યારે એમાંથી સૂર નીકળે ત્યારે ખ્યાલ આવે કે આ વેદના આપવા પાછળ વિધિનો શું ઈરાદો હશે. મૂર્તિ બનતા પથ્થરની વાત કરી એમ જ કેટલાક વ્યક્તિત્વ પણ એવા હોય છે જેની પ્રતિભા આપણી સામે આવે ત્યારે પ્રભાવિત કરી દે છે પરંતુ કંઈ એમ જ કોઈ સિદ્ધિ કે પ્રસિદ્ધિ મળ્યાં હોતાં નથી. ‘મહાન’ શબ્દ કોઈ નામની આગળ કે પાછળ લાગે એ પૂર્વે એ વ્યક્તિ જિંદગીની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ ચૂકી હોય છે. જાણીતા કવિયત્રી અમૃતા પ્રિતમનું એ ક્વોટ પણ જાણીતું છે કે ‘જે ગીતો મેં લખ્યા છે, જે સર્જન મેં કર્યું છે એ સિગરેટ પર બાઝેલી થોડી રાખ જેટલું જ છે, મારી વેદના તો મેં અંદર ઉતારી છે…. કંઈક એવી જ રીતે સંખ્યાબંધ લોકોની સફળતા અને સિદ્ધિની પશ્ચાદમાં એક અનન્ય સંઘર્ષ, એક સખત પીડા અને અકથ્ય ઘૂટન વણાયેલા હોય છે. આપણે ત્યાં સમાજના દરેક ક્ષેત્રમાં કેટલીક મહિલાઓએ પુરુષોને સમોવડિયું જ નહીં પરંતુ પુરુષોથી સવાયું, અલગ આગવું એક સ્થાન બનાવ્યું છે. આવી સિદ્ધ અને પ્રસિદ્ધ નારીઓ પૈકી કેટલીક નારીઓના બાળપણ અંગેની વિગતો જાણવામાં ચોક્કસ રસ પડશે.

આઝાદી પછીના ભારતની સૌથી મહાન રાજકીય પ્રતિભા જેને ગણી શકાય એવાં ઈન્દિરા ગાંધીનું પ્રૌઢપણું અને પીઢપણું તો આ દેશે જ નહીં સમગ્ર દુનિયાએ સાશ્ચર્ય જોયું છે પરંતુ હિન્દુસ્તાનના તખ્તોતાજ જેને નસીબ થયા હતા તે ઈન્દિરાનું બાળપણ સામાન્ય બાળકો જેવું નહોતું. મોટા થઈને જેને દુનિયાને કેટલીક રમતો શીખવાડી, એ પ્રિયદર્શીનીને બાળપણમાં કુટુંબના જ કેટલાક સભ્યો તરફથી અવહેલના અને ઉપેક્ષા મળી હતી. ઈન્દિરાને નજીકથી જાણનારા પુપુલ જયકરે લખેલા ખ્યાતનામ પુસ્તક ‘ઈન્દિરાગાંધી અ બાયોગ્રાફી’માં તેઓના બાળપણની કેટલીક વિગતો મળે છે.

પુપુલ જયકર લખે છે, ‘નાના બાળકને જે સલામતીની જરૂર હોય છે તે ઈન્દિરાને ક્યારેય ન મળી. ઊલટું, એ ઉંમરમાં તેણે કેટલાય ઉતાર-ચઢાવ અનુભવ્યા. ઈન્દિરા એક તોફાની રમતિયાળ અને નખરાળી બાળકી હતી. દાદા રૂમમાં એકલા હોય ત્યારે તેમની રૂમમાં જઈ તેની સાથે રમવા લાગતી. કોઈ પણ વિષય પર તેની સાથે ઝનૂનથી દલીલ કરતી. 1923 થી 1930 વચ્ચે જવાહરલાલ, કમલાજી (તેમના પત્ની) અને પુત્રી ઈન્દિરાને સાથે ભોજન લેવાનો મોકો અનેકવાર મળ્યો હતો. દીકરીમાં આત્મવિશ્વાસ જન્મે એ માટે માતા-પિતા ઈન્દિરાને સાંજે જમ્યા બાદ ઘરની સીડીઓ એકલા ચઢવા-ઇતરવાનું કહેતા. તે ઘરના ભરચક વાતાવરણથી દૂર, ઘોંઘાટથી દૂર એકાંત ઝંખતી અને બગીચામાં સરકી જતી. પોતાના ઢીંગલા-ઢીંગલીઓને તે વીર-વીરાંગના, પોલીસ અને જેલના વોર્ડન બનાવતી અને રૂમમાં આઝાદીની લડાઈનું વાતાવરણ ઊભું કરતી. ક્યારેક જોન ઑફ આર્ક તો ક્યારેક ઝાંસીની રાણી બનતી. તે કોઈપણ ઘટનાની મધ્યમાં રહેતી. બધું જ તેની આસપાસ બનતું. પરિવર્તનની ક્ષણ ત્યારે આવી જ્યારે પોતાની ટીકા તેણે સાંભળી. બાળપણની મસ્તીમાં મસ્ત રહેતી ઈન્દિરા વિશે તેના ફઈ વિજિયાલક્ષ્મી પંડિતે કહ્યું : ‘તે કદરૂપી અને મુર્ખ છે….’ બસ, તેનું માનસ હચમચી ગયું. નટખટ બાળકીમાંથી તે શરમાળ શાંત તરુણી બની ગઈ… જો કે અન્યાય સહન કરતી માતા માટે કુટુંબના અન્ય સભ્યો માટે લડવાનું દલીલો કરવાનું ચાલુ રહ્યું. પરંતુ તેનામાં અચાનક જ પીઢતા પણ આવી ગઈ… કદાચ આ ઝંઝાવાતભર્યું બાળપણ જ એ કૃતનિશ્ચયી અને અચળ-અટલ માનસિકતાવાળા રાજનેતાના ઘડતરમાં મહત્વનું બન્યું હશે.

આવું જ અન્ય એક વ્યક્તિત્વ એટલે લતા મંગેશકર; જેમનું રાજ આજેય ભારતીય સિને સંગીત પર ચાલી રહ્યું છે, આગામી વર્ષો સુધી ચાલશે. સૂર સિદ્ધા લતાજીનું બાળપણ સંઘર્ષો, વેદના, વ્યથાઓથી ઘેરાયેલું હતું. સંગીતકાર પિતા દીનાનાથ મંગેશકર તેમના માટે વારસામાં ગાયકી અને સંગીત જ મુકી ગયા હતા. બાકી લતાએ શૂન્યમાંથી નહીં, માઈનસમાંથી સર્જન કર્યું એમ કહીએ તો ચાલે. લતા મંગેશકરના પિતાનું અવસાન થયું ત્યારે તેમના અગ્નિસંસ્કાર કરવા માટેના પૈસા પરિવાર પાસે નહોતા અને લતા કે અન્ય કોઈ ભાડું એટલા સમજદાર પણ નહોતા. એક તરફ પંડિત દીનાનાથનો મૃતદેહ પડ્યો હતો અને બીજીબાજુ લતા તેની માતાને પૂછતા હતા, ‘માઈ, હવે મારે નોકરી કરવી પડશે ?’ ભણવાની ઘણી ઈચ્છા હતી છતાં ઘરના સંજોગોને લીધે લતાજી બાળપણમાં પણ સ્કૂલે જઈ શક્યા નહીં. એક સમય તો એવો આવ્યો કે લતા અને તેનો પરિવાર રૂ. 270 ન ચૂકવે તો તેણે બેઘર બનવું પડે. પૈસા તો હતા નહીં. હા, પિતાજીની નાટક કંપનીનો અભિનયનો અનુભવ હતો અને ફિલ્મ એકમાત્ર ક્ષેત્ર એવું હતું જ્યાંથી જલદી પૈસા મળી શકે. લતાએ નવ સ્ટુડિયોની ‘પહલી મંગલા ગૌર’ ફિલ્મમાં અભિનય કર્યો. રૂ. 300 એડવાન્સ મળ્યા અને મુશ્કેલી ટળી. અભિનયમાં જરા પણ રૂચિ ન હોવા છતાં લતા અને આશા બન્ને બહેનોએ કુટુંબની આર્થિક સ્થિતિને લીધે પડદા પર દેખાવું પડ્યું. હા, એકવાર એવું પણ બન્યું હતું કે ઘરે જાણ કર્યા વગર લતાદીદી સંગીતની એક સ્પર્ધામાં ગાઈ આવ્યા. 100 સ્પર્ધકોમાં પ્રથમ આવ્યા તોય ઘરે વઢ પડી. પિતાએ કહ્યું, ‘અભિનંદન, પણ તું હારી ગઈ હોત તો ?’ પરંતુ રેડિયો પર પ્રથમ વખત લતાનું ગીત તેમણે સાંભળ્યું અને કહ્યું, ‘તું મારું નામ રોશન કરીશ…’ જો કે આવા સંઘર્ષમય બાળપણ છતાં લતાને કોઈ ફરિયાદ નથી. તે કહે છે કે ‘જે સન્માન મને મળ્યું છે તેના માટે હું હકદાર નથી. મને પંડિત દીનાનાથ મંગેશકર જેવા વ્યક્તિને ત્યાં જન્મ મળ્યો એ તો મારા આગલા ભવના સત્કર્મોનું ફળ છે.’

લતા સ્વરકિન્નરી છે તો સરોજિની નાયડુ ગાંધીજીના મતે ‘ભારતનું બુલબુલ’ હતા. સરોજિની નાયડુને આપણે સ્વતંત્રતા ચળવળનો એક મહત્વનો હિસ્સો અને નારી પ્રતિભા તરીકે ઓળખીએ છીએ. પરંતુ તેમનું વ્યક્તિત્વ બાળપણથી જ બહુઆયામી અને અલગ હતું. ડૉ. અઘોરનાથ ચટ્ટોપાધ્યાયની સૌથી નાની પુત્રી સરોજિની બુદ્ધિમાં પોતાની ઉંમરથી ક્યાંય મોટી હતી. સંસ્કૃતના પ્રકાંડ જાણકારોની વચ્ચે તેનો ઉછેર થયો હતો. 13 વર્ષની ઉંમરે તેણે ‘લેડી ઑફ લેઈક’ નામની 1300 લીટીની પ્રથમ કવિતા લખી અને 16 વર્ષની ઉંમરે 2000 સંવાદોવાળું નાટક સર્જ્યું હતું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી 12 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી અને પર્શીયન ભાષાના નાટક અંગ્રેજીમાં લખ્યું, એની નકલ પિતાએ હૈદરાબાદના નિઝામને મોકલી અને નિઝામે 300 પાઉન્ડની સ્કોલરશીપ દ્વારા સરોજિનીને ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા.

ભારતીય નારી પ્રતિભાઓનું એવું એક મોટું નામ એટલે પ્રસિદ્ધ ગાયિકા ‘એમ. એચ. સુબલક્ષ્મી’. દક્ષિણ ભારતીય સંગીત જ નહીં, ભારતીય શાસ્ત્રીય સંગતના ચહેરા પર જે ચમક છે તે ચમક માટે જેટલા કલાકારોને શ્રેય આપી શકાય એ કલાકારોમાં સુબલક્ષ્મીજી નિ:શંક પણ આવે જ. મદુરાઈમાં મીનાક્ષી મંદિર પાસે એમનું ઘર હતું. પહેલું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું ત્યારે તેઓની ઉંમર નવ વર્ષની હતી. પરંતુ સંગીતની તાલિમ તો ઘરમાં નાનપણથી શરૂ થઈ ગઈ હતી. ઘરનું બાળપણનું નામ હતું ‘કુંજમ્મા’. એમ.એસ. સુબલક્ષ્મી જ્યારે નાના હતા ત્યારે ઘેર રિયાઝ થતાં પોતે ગાય. ભાઈ શક્તિવેલુ મૃદંગ પર સંગત કરે અને બહેન વેદીવેમ્બલ વાયોલીન વગાડે. આ ત્રણેયની માતા અક્કામલ પણ વાયોલીન વાદનમાં નિપુણ એટલે સંતાનોની ઈચ્છા અને પ્રતિભા બન્ને પારખી ગયા હતા. સુબલક્ષ્મીની બેન વેદીવેમ્બલ નાની ઉંમરે મૃત્યુ પામ્યા અને પછી માતાએ સંપૂર્ણ ધ્યાન ‘કુંજમ્મા’ ને ‘એમ.એસ. સુબલક્ષ્મી’ બનાવવામાં કેન્દ્રિત કર્યું.

આ તો એવી પ્રતિભાઓ છે કે જેણે જીવનના પ્રારંભિક તબક્કે સંઘર્ષ વેઠ્યો કે પરિશ્રમ કર્યો તો તેના સુખદ પરિણામો મેળવવાનું તેઓના નસીબમાં રહ્યું. દીર્ઘ આયુષ્ય તેમણે ભોગવ્યું પરંતુ ભારતના કલા જગતમાં એક છોકરી એવી આવી કે જેને જન્મ પછી બાળપણ જોયું જ નહીં !! હા, એ હતી સુંદરી મધુબાલા. હૃદયમાં કાણું હોવાને લીધે મધુબાલાનું મૃત્યુ 36મે વર્ષે થયું હતું. એટલે જિંદગી જ સાવ નાની હતી અને બાળપણ તો ઘણું સંઘર્ષમય. તેના પિતા અતાઉલ્લાખાન તેને પુત્રી કરતા કમાણીનું સાધન વિશેષ માનતા. આઠ વર્ષની ઉંમરે તેણે અભિનય શરૂ કરી દીધો હતો અને 14 વર્ષે તો તે રાજકપુરની હીરોઈન તરીકે પણ પડદા પર દેખાઈ ચૂકી હતી. મધુબાલા બાળકલાકાર રહી હતી એના નામમાં ‘બાલા’ આજ સુધી છે. એના ચહેરા પર એક આકર્ષક સૌંદર્ય હંમેશા વધુ રહ્યું પરંતુ બાળકનું હોય એવું નિર્દોષ સ્મિત ક્યારેય ન ફરકી શક્યું.

હા, બધાના નસીબ ગુજરાતની ગૌરવવંતી નારી અમૃતા પટેલ જેવા ન હોય કે જે ધારે તે કરી બતાવે ! કેમ સીધા મધુબાલાથી અમૃતા !! એટલે કે આખરે વિજય હકારાત્મક વિચારો અને અભિગમનો થાય છે. હા, અમૃતા પટેલ પણ પોઝીટીવ થીકિંગના પરિણામોનું જ્વલંત ઉદાહરણ છે. અમુલ ડેરીમાં 15 વર્ષની ઉંમરે તે પિતા સાથે ગયા હતા. ત્યારે નક્કી કર્યું કે એક દિવસ અહીં નોકરી કરવી છે. જ્યારે નોકરી કરવા જેવડી ઉંમર થઈ અને અરજી કરી ત્યારે અમુલ ડેરીના તત્કાલિન જનરલ મેનેજર ડૉ. વર્ગીસ કુરિયને કહ્યું કે અમે સ્ત્રીઓને નોકરીમાં રાખતા નથી, પણ અમૃતાએ કહ્યું કે ભલે, નોકરી ન આપતા, પગાર ન આપતા પણ તમારી ટીમ સાથે ફક્ત કામ તો કરવા દો ! અને ‘અમુલ’ માટે ગામેગામ ફરતા પશુચિકિત્સકો સાથે અમૃતા પણ ફરવા લાગ્યા. અમુલનો એક અભિન્ન હિસ્સો બનીને ભૂતપૂર્વ નાણામંત્રી એચ.એમ. પટેલની છ પૈકી સૌથી નાની પુત્રી અમૃતા પટેલે જ્યારે પશુ ડૉક્ટર બનવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે માતા-પિતાએ ના પાડી દીધી હતી. પરંતુ ઘરમાં નાનપણથી ત્રણ કૂતરાઓનો ઉછેર જોનાર અને તેના ચેકઅપ માટે આવતા ડૉક્ટર જે રીતે કૂતરાંની સંભાળ લેતા તે નજરે જોનાર અમૃતાએ બાળપણમાં જ પોતાની કારકિર્દીનું સપનું આંખમાં આંજી લીધું હતું અને પછી પોતાની વિશાળ દષ્ટિથી તેણે એ સાકાર પણ કર્યું.

જો કે આ વાત આટલે અટકતી નથી. હજી સેંકડો નારીઓ એવી છે જેમનું બાળપણ સંઘર્ષયુક્ત-સામે પ્રવાહે તરવા જેવું વીત્યું હતું. પરંતુ ત્યારે નિરાશ થવાને બદલે તેઓએ માર્ગ કાઢ્યો… ખાસ સંદેશ એ દીકરીની મમ્મીઓ માટે કે : ‘આપણે ત્યાં આવી અનેક પ્રતિભાઓ છે જે કોઈની – એમના માતા-પિતાની દીકરીઓ જ છે. એટલે તમારી દીકરી પણ આવતીકાલે કુંજમ્મા કે સરોજિની કે અમૃતા હોઈ શકે…’ અને બીજી વાત એ દીકરીઓ માટે અથવા સંઘર્ષનો સામનો કરનાર માટે કે : ‘ચમકવું હોય તો ઘસાવું તો પડે જ !!’.