- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જાણ્યાં-અજાણ્યાં – ડૉ. પ્રદીપ પંડ્યા

[‘ચિત્રલેખા-વાર્તા વૈભવ : 2005’ વિશેષાંકમાંથી સાભાર. ડૉ. પ્રદીપ સાહેબનો (વડોદરા) આપ આ સરનામે pandya47@hotmail.com અથવા આ નંબર પર +91 9376216246 પર સંપર્ક કરી શકો છો.]

હાડ ગડગડાવી નાખતી ઠંડીમાં પણ દાર્જીલિંગના ટાઈગર હિલના શિખર પર હાજરો વ્યક્તિઓની ભીડ હતી. નીચે ખુલ્લા મેદાનમાં, ટુરિઝમના બિલ્ડિંગના ભોંય મજલે, પ્રથમ મજલે હજારો યુવક-યુવતીઓ, સહેલાણીઓ, રાત્રિના સાડા ત્રણ વાગ્યાથી ઊભાં હતાં. મોટા ભાગનાના હાથમાં ગરમાગરમ કૉફીના મગ હતા અને તેના ગરમ પ્યાલાને સ્પર્શ કરીને ઠંડીને દૂર કરવાના યત્નો કરતાં હતાં. ટુરિઝમના બિલ્ડિંગમાં ત્રીજે માળે કૅબિન છે-બંધ છે, અહીં આરામખુરશીઓ છે અને ચારે તરફ કાચની બારીઓ છે. સુસવાટાભર્યા પવનો અને તેને સાથ આપતી ઠંડી અહીં આવીને પોરો લે છે અને પાછી વળી જાય છે. બીજાઓ એ ઠંડીથી ધ્રૂજી ઊઠે છે, પણ કોઈના ચહેરા પર આ ઠંડીની ચિંતા નથી. તેઓ આવી ઠંડી અને આવી પ્રતીક્ષાની તૈયારી કરીને આવ્યાં હોય છે. ચારે તરફ સ્ત્રી-પુરુષો ગરમ કોટ, મફલર, ગરમ શાલ, કાનટોપી, લેધર જૅકેટ, જીન્સના પૅન્ટથી સમગ્ર ભીડ સજ્જ હતી.

જે સહેલાણી દાર્જીલિંગ જાય તે સવારનો સૂર્યોદય જોવા ટાઈગર હિલ જાય જ. દાર્જીલિંગની તળ સપાટીથી લગભગ બારસો-પંદરસો ફૂટની ઊંચાઈ પર આવેલું આ સ્થળ વિશ્વમાં જાણીતું છે. લોકો કહે છે અને એ હકીકત પણ છે કે સૂર્યનારાયણનું પ્રથમ કિરણ જ્યારે કાંચનજંઘાના ઉન્નત શિખર પર પડે છે ત્યારે એક પ્રકારનો સ્વર્ગીય અનુભવ થાય છે. સૂર્યનું એ પ્રથમ કિરણ હિમાલયનાં ઉન્નત-ભવ્ય શિખરોને પ્રજ્વલિત કરે છે, પણ ત્યાં ઊભેલી દરેક વ્યક્તિ માટે કોઈક નવી આશા, ઈચ્છા લઈને આવે છે. જો કે અત્યારે સાડા ત્રણ વાગે ઘોર અંધકાર હતો, સૂર્યોદય થવાને વાર હતી. બંધ કૅબિનમાં બેઠેલી વ્યક્તિ, જેઓ પચાસ રૂપિયાની ફી ભરીને ઉપર આવી હતી. તેમના હાથમાં ગરમ કૉફીના મગ હતા અને બાજુમાં બિસ્કિટ હતાં. દરેકના ખભા પર કૅમેરા, ડિજિટલ કૅમેરા અને વિડિયો કૅમેરા ઝૂલતા હતા. ઝાંખો પ્રકાશ અંદર અને ઘોર અંધકાર બહાર. દૂર દૂરથી દાર્જીલિંગ શહેરની કોઈ બત્તી ટમટમતી હતી.

કૅબિનની એક બારી પાસે નેહા ઊભી હતી અને બહારના કાળાં અંધારિયા સૌંદર્યને માણતી હતી. તે આ અંધકારને શ્વાસોમાં ઉતારતી હતી. તેણે સહેજ બારી ખોલી અને પવનની એક ઠંડી લહર અંદર ઘૂસી આવીને તેને થથરાવી ગઈ. બારી તરત જ બંધ કરી અને ફરીથી અંધકાર નિહાળવા લાગી.
‘આ અંધકાર પણ કેટલો સુંદર લાગે છે, નહીં ?’ પાછળથી એક ઊંડો, નાભિમાંથી આવતો હોય એવો કર્ણપ્રિય અવાજ નેહાને કાને અથડાયો. નેહાને થયું કે પાછળ અમિતાભ છે કે શું ? તે પાછળ ફરી. એક યુવક હતો. જીન્સનું પૅન્ટ, ફુલ લેન્થનું શર્ટ, મરુન રંગનું સ્વેટર અને ગળામાં મફલર હતું. ચહેરા પર સ્મિત હતું.
‘મને અંધકાર ગમે છે.’
‘તમે અહીં અંધકાર જોવા આવ્યા છો ?’
‘ના, અંધકારને માણવા અને એ કેવી રીતે અદશ્ય થાય છે એ જોવા માટે.’
‘કેમ ?’
‘જિંદગીમાં પણ અંધકાર આવી જ રીતે જાય છે ને ? મારું નામ નેહા છે.’
‘મારું નામ રુદ્ર. હું અંધકાર જોવા કે માણવા નથી આવ્યો, પણ બધાંની જેમ પ્રકાશનું એક કિરણ મારા ગજવામાં ભરીને લઈ જવા આવ્યો છું.’

નેહાને આ યુવક થોડો અલગ લાગ્યો. તેને આગળ વાત કરવાની ઈચ્છા થઈ.
‘કેમ બહુ દુ:ખી છો ?’
‘ના. સુખી છું – દુનિયાની નજરે, પણ આ કિરણને હૃદયમાં સંઘરી રાખીશ અને જ્યારે જરૂર પડશે ત્યારે યાદ કરીને વિચારીશ કે એક જ પ્રકાશ કિરણ કેટલો અંધકાર દૂર કરી શકે છે.’ રુદ્ર અટક્યો, ‘તમારે સૂર્યોદય જોવો છે કે કાંચનજંઘાનું સૌંદર્ય ?’
‘એટલે ?’
‘અહીંનો સૂર્યોદય તો સામાન્ય જ હોય છે અને લોકો અહીં કાંચનજંઘા જોવા આવે છે એટલે આપણે સામેની બારી પાસે ઊભાં રહીએ.’
‘ભલે.’
‘તમારે શું જોવું છે ?’ રુદ્રએ પૂછ્યું.
‘એટલે તમે શું બતાવવા માગો છો ?’
‘સૂર્યોદય તો તમે ઘણી વખત, ઘણાં સ્થળોએ જોયો હશે, અદ્દભુત હોય છે, પણ અહીં જ્યારે તેનું પ્રથમ કિરણ આ બરફાચ્છાદિત ઉન્નત કાંચનજંઘાનાં શિખરોની ટોચ પર પડે છે અને તે જ્યારે શરમાઈને ગુલાબી-પીળો-લાલ રંગ ધારણ કરે છે અને તે સ્મિત કરીને કિરણને આવકારે છે ત્યારે તેનું સ્મિત અને સૌંદર્ય અવર્ણનીય હોય છે. તેને માટે કોઈ શબ્દ હજુ કવિએ શોધ્યો નથી. મોનાલિસાનુંય સ્મિત ઝાંખું લાગે.’
નેહાએ સ્મિત કર્યું : ‘તમે કવિ છો ?’
‘ના રે…’ રુદ્રએ હસીને કહ્યું : ‘અહીં આ વાતાવરણ, શુદ્ધ હવા, હિમશિખરો અને પરમ શાંતિ સાથે કોઈ પણ વ્યક્તિ કવિ કે લેખક બની જાય છે. જો તે તેમ ન બને તો તેનામાં લાગણી, સંવેદના અને સૌંદર્ય પામવાની ઊણપ છે.’
‘અને તમારામાં એ નથી.’ આ વખતે નેહાએ ખુલ્લું સ્મિત કર્યું. રુદ્ર એ સોહામણા સ્મિત નીચે છુપાયેલી શ્વેત દંતાવલી અને તેને બંધ કરી દેતા ભરાવદાર હોઠ જોઈ રહ્યો.
‘તમે એકલાં છો ?’
‘અહીં એકલી આવી છું. મારા પતિને વહેલા ઊઠવાની ટેવ નથી અને આવા પથ્થરોમાં રસ નથી.’

ધીમે ધીમે બહારનો અંધકાર ઓછો થતો જતો હતો. હિમશિખરો કાળાશમાંથી ભૂખરા અને પછી શ્વેત રંગ ધારણ કરતાં હતાં. લોકોએ કૅમેરા, ડિજિટલ કૅમેરા અને વિડિયો તૈયાર રાખ્યા હતા. બધા રાહ જોતા હતા અને એકાએક હર્ષની બૂમ આવી. પ્રથમ કિરણે કાંચનજંઘાને સ્પર્શ કર્યો હતો. એક પીળા-લાલ રંગનું ટપકું ઊપસ્યું અને ધીમે ધીમે પ્રસરવા માંડ્યું. તે સાથે કૅમેરાની હજારો ક્લિકોનો અવાજ ભળી ગયો. બીજી પાંચ મિનિટમાં તો તે શિખરે લાલ-પીળાશભર્યો મુગટ ધારણ કરી લીધો હતો અને તે પછી તેની નજીક આવેલાં બીજાં હિમશિખરો ખીલવા માંડ્યાં હતાં. એક અદ્દભુત દ્રશ્યની ઝાંખી થઈ રહી હતી. હૉલ એકદમ શાંત હતો.

બીજા એક કલાક પછી આ સૌંદર્ય માણીને બધાં નીચે ઊતર્યાં. બહાર અને નીચે ગિરદી હતી. હવે દરેકને પોતાનાં ઘેર-હૉટલમાં જલદીથી પહોંચવું હતું. રસ્તો સાંકડો હતો, વાહનો ખૂબ જ ધીમી ગતિથી ચાલતાં હતાં.
‘તમે કેવી રીતે આવ્યાં છો ?’ રુદ્રએ પૂછ્યું.
‘અમે આરસીઆઈના રિસોર્ટમાં ઊતર્યાં છીએ. ત્યાંથી એક જીપમાં આવ્યાં છીએ, પણ અત્યારે તે જીપ દેખાતી નથી.’
‘થોડીક વાર લાગશે. ફરીથી કૉફી લઈએ.’ રુદ્રએ સૂચન કર્યું.
‘ભલે.’
બન્ને નીચે આવ્યાં અને એક નેપાળી મહિલા પાસેથી ગરમ ગરમ કૉફીના બે પ્લાસ્ટિકના કપ લીધા અને હોઠે અડકાડ્યા. બન્ને પાળી પર બેઠાં. એકાએક રુદ્રએ કહ્યું : ‘નેહા, તમારો હાથ આપો.’
‘મારો હાથ જોવો છે ? પણ મારાં તો લગ્ન થઈ ગયાં છે.’
‘લાવો તો ખરાં.’ નેહાએ હાથ રુદ્રના હાથમાં મૂક્યો. રુદ્રએ નેહાની હથેળી ખોલી. એક તરફ અંગૂઠો રાખ્યો અને સામે ચાર આંગળીઓ…’
‘નેહા, હવે ધારો કે આ અંગૂઠો વાઘ છે અને તમારી ચાર આંગળીઓ ઘેટાં છે. વાઘ ભૂખ્યો છે, પણ આ નદી પાર કરી શકે તેમ નથી. અને આ ઘેટાં પણ નદી પાર કરી શકે તેમ નથી અને વાઘને કોઈ પણ હિસાબે ઘેટાં ખાવાં છે તો મને રસ્તો બતાવશો ?’

નેહાએ રુદ્ર સામે જોયું. ચહેરો સરસ હતો, ગંભીરતા હતી. કોઈ છેલબટાઉપણું કે મજાક ન હતી. સારા ઘરનો યુવક લાગતો હતો અને વાત કરવાની લઢણથી, અવાજથી કોઈ પણ યુવતીને વિશ્વાસ મૂકવાનું મન થાય તેવો હતો. નેહાએ પોતાની હથેળી જોઈ, તેણે અંગૂઠો નમાવ્યો.
‘હં… હં… વાઘ નદી ઓળંગી શકે નહીં.’ રુદ્રએ હસીને કહ્યું. નેહા ગૂંચવાઈ અને પાંચેક મિનિટ વિચાર કરતી બેસી રહી. આ સમગ્ર સમય દરમિયાન રુદ્ર તેને જોતો રહ્યો.
‘મને ખબર પડતી નથી, તમે કહો.’ નેહાએ હાર કબૂલી. રુદ્રએ ચહેરો ગંભીર કર્યો, નેહાનો હાથ સહેજ દબાવ્યો અને ધીમેથી કહ્યું :
‘મને પણ ખબર નથી પડતી.’
‘તો પછી ?’
‘આ તો પાંચ મિનિટ સુધી તમારો સુંદર હાથ મારા હાથમાં રાખ્યો. મને આનંદ થયો. થેન્ક્સ, નેહા.’ અને તે સાથે નેહા મુક્ત રીતે ખડખડાટ હસી પડી, તે ખુલ્લા હાસ્યમાં રુદ્ર જોડાયો. બીજી પાંચેક મિનિટ તે હસ્યા કર્યો.
‘તમે હસો છો ત્યારે ખૂબ જ સુંદર લાગો છો. તમે તમારી આંખોથી હસો છો. તમારું સમગ્ર વ્યક્તિત્વ હસે છે. આવું હાસ્ય મેં કદાપિ જોયું નથી.’
‘મારાં વખાણ…..’
‘નેહા, આ સ્મિત-હાસ્યને હંમેશાં સાચવી રાખજો.’
‘મૅડમ, જીપ તૈયાર છે.’ એક અવાજ આવ્યો.
‘બાય, તમારી સાથે વાત કરવાની મજા આવી.’ રુદ્રએ કહ્યું.
‘મને પણ.’

આ વાતને આઠ વર્ષ થઈ ગયાં.
ટાઈગર હિલ, દાર્જીલિંગ, સવારના ચાર વાગ્યાનો સમય, હજારો લોકો, એ જ ધમાલ. દર વર્ષે સહેલાણીઓની સંખ્યામાં વધારો જ થતો હતો. રુદ્ર હાથમાં કૉફીનો કપ લઈને એક બારી તરફ વળ્યો અને તેના સ્વરમાંથી આનંદની એક નાની ચીસ નીકળી ગઈ.
‘અરે, તમે ?’
યુવતીએ પાછળ જોયું. તે હસી પડી.
‘તમે ?’
રુદ્ર હસ્યો.
‘ટાઈગર હિલ અને કાંચનજંઘા બહુ જ ગમે છે ?’ રુદ્રએ પૂછ્યું.
‘હા. તમને પણ ગમે છે ને ?’ નેહાએ સ્મિત કર્યું.
‘હા, પણ હું તો અહીં બીજું શોધવા આવ્યો હતો.’
‘શું ?’
‘વર્ષો પહેલાં જોયેલું, માણેલું તમારું ખડખડાટ હાસ્ય, સ્મિત, તમારા હસતાં નયનો અને તેનો નશો ફરીથી હૃદયમાં ભરવો હતો.’
‘સમજ ન પડી…’ નેહાએ ફરીથી સ્મિત કર્યું. રુદ્રએ સ્મિત, શ્વેત દંતાવલીને જોઈ રહ્યો.

‘તમે બદલાયાં નથી, તમારું વ્યક્તિત્વ, હાસ્ય હજી એવું જ છે. તમને મેં આઠ વર્ષ પહેલાં અહીં જોયાં હતાં. કાંચનજંઘાનાં સુવર્ણમઢેલાં શિખરો વચ્ચેથી આવતું ઝરણા જેવું ખડખડ હાસ્ય સાંભળ્યું હતું. માણ્યું હતું. તે નશો મારા અણુ અણુમાં પ્રસરી ગયો હતો. મારે તે સ્મિત, તમને ફરીથી જોવાં હતાં અને એટલે દર વર્ષે અહીં આવતો હતો તમને શોધવા. એક ઈચ્છા-આશા સાથે કે તમે ક્યારેક તો અહીં આવશો. તો આ કાંચનજંઘા સાથે તમને પણ ફરીથી મળવાની તક મળી જાય.’ નેહા આ રુદ્રને જોઈ રહી.
‘આમ જ સ્મિત આપતાં રહો, સુંદર લાગો છો. હૃદયને ફરીથી છલકાવી દેવું છે. ચાલો, કૉફી લઈએ.’ ફરીથી સૂર્યોદય થયો, પ્રથમ કિરણથી કાંચનજંઘાનું શિખર અને રુદ્રનું હૃદય ઝળહળી ઊઠ્યું.
‘રુદ્ર’ નેહાએ કૉફીનો એક ઘૂંટ લીધા પછી કહ્યું, ‘સાચું પૂછો તો મારે પણ તમને મળવું હતું. બહુ મન થતું હતું. મારે બે સંતાન છે. અત્યારે તેઓ બધાં હૉટલમાં આરામ કરે છે અને હું જાણીજોઈને એકલી જ આવી છું. કદાચ તમે મળી જાવ.’
‘તમારે મને મળવું હતું ?’ રુદ્રનો ધીરો ગંભીર, નાભિમાંથી અવાજ આવ્યો.
‘હા, તમે જે રીતે મારાં વખાણ કર્યાં હતાં, મારા સ્મિત, હાસ્યને વખાણ્યું હતું કે માણ્યું હતું તેવો અનુભવ મને હજુ સુધી થયો નથી અને મને ફરીથી એ અનુભવ લેવાનું મન થયું અને હું આવી.’
‘પણ હું મળીશ તેની…’
‘હું મળીશ તેવી તમને પણ ક્યાં ખાતરી હતી ?’ નયનોએ સ્મિતથી ઉત્તર આપ્યો.
‘હું તો દર વર્ષે આવું છું તમને શોધવા. આપણે મળ્યાં અને બીજા વર્ષથી જ.’
‘અને આજે ન મળી હોત તો ?’
‘કોઈ અફસોસ ન થાત. આવતે વર્ષે ફરીથી, ફરીથી.’ બન્ને ચૂપ થઈ ગયાં. નેહા રુદ્રને જોતી રહી. કેવી હતી આ વ્યક્તિ, આ યુવક-પુરુષ ! શું તે તેના પ્રેમમાં હતો ? શક્યતા ન હતી કે હતી ? એકાએક તેને થયું કે રુદ્ર તેનું સરનામું ન પૂછે તો સારું. તે તેના પતિ અને બાળકોથી પૂર્ણ રીતે સુખી હતી. ખુશ હતી. કોઈ ફરિયાદ ન હતી. તે કોઈને પણ છોડવા કે ખોવા માગતી ન હતી.

‘તમે વિચાર કરો છોને કે શું હું તમારા પ્રેમમાં છું ? અને તમારું સરનામું માગીશ…’
નેહા ચૂપ રહી. રુદ્ર સામે જોયા કર્યું.
‘નેહા, ચિંતા ન કરશો, હું તમારા સ્મિત, તમારાં હસતાં નયનોના પ્રેમમાં છું, તમારામાં નહીં. મારાં લગ્ન થયાં છે, એક પુત્ર છે, ખુશી છું, હું ક્યારેય તમારું સરનામું નહીં માગું અને મારું નહી આપું.’ રુદ્રએ નેહાનો હાથ પકડ્યો. નેહાએ રાહતનો શ્વાસ લીધો.
‘મને સંતોષ થયો. મેં તમને જેવા ધાર્યા હતા તેવા જ તમે નીકળ્યા તેનો આનંદ થયો. આપણે સરનામાની આપ-લે નહીં કરીએ.’
‘આપણું સરનામું ટાઈગર હિલ, દાર્જીલિંગ છે.’ રુદ્રએ વાક્ય પૂરું કર્યું.
‘હા, અને હું વચન આપું છું કે દર બે વર્ષે હું અહીં આવીશ.’ નેહાનો સ્વર ગંભીર હતો. આત્મીયતા ઊભરાતી હતી.
‘અને હું પણ..’ રુદ્રએ નેહાનો હાથ હોઠ સુધી લઈ ગયો અને હળવું ચુંબન કર્યું.
‘આપણે જાણ્યાં-અજાણ્યાં રહીશું.’ નેહાએ સ્મિત સાથે કહ્યું.
‘હા, જાણ્યાં-અજાણ્યાં.’
બંને કૉફી પીને છૂટાં પડ્યાં.