આવું કેમ ? – સં. આદિત્ય વાસુ

picture-021[ ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ. ઈતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓ જ માનવજાતનું સંસ્કાર-ઘડતર અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. જેમ કે તિલક કેમ ? આરતીની શું જરૂર ? સૂર્યનમસ્કાર કેમ ? સૌભાગ્યવતી સ્ત્રીઓ સિંદૂર કેમ પૂરે ? નમસ્કારનો શું અર્થ ? વગેરે… આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક પરંપરા સામે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાઓ છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો આ પુસ્તકમાં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે. (પ્રસ્તાવનામાંથી…) ‘ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવમાં આવી છે.]

[1] ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.

અનાજ મેળવવું, તેને સાફ કરવું, રાંધવું, ખાવું અને પચાવવું – આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. આવા સમયે ક્યારેક બિલકુલ ખાધા વિના માનવી એટલો સમય અને શક્તિ બચાવી તેનો ઉપયોગ પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવવાનો સંકલ્પ કરે તો તેને શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મહિનામાં બે, ચાર કે અમુક દિવસો એવા નક્કી કર્યા હતા કે જે દિવસે વ્યક્તિ કશું ખાધા વગર રહે એટલે કે ઉપવાસ કરે તો તેને શારીરિક અને માનસિક શાંતિ અને શાતા મળે. આ સિદ્ધ થયેલી હકીકત છે. કેટલાંક લોકો આવો ઉપવાસ કરી શકતા નથી હોતા તો તેઓ માટે આપણા પૂર્વજોએ એકટાણાંનો વિકલ્પ સૂચવ્યો છે, જેમાં દિવસ દરમિયાન વ્યક્તિ એક જ વાર ભોજન લે છે. આ ઉપરાંત ઉણોદરી વ્રતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે – તો વળી ભર્યા ભાણાનું પણ વ્રત હોય છે જેમાં વ્યક્તિ થાળીમાં પીરસાઈ જાય પછી બીજી વખત કોઈ પણ ચીજ લેતા નથી હોતા.
ઉપવાસ કે એકટાણા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા પાચનતંત્રને અમુક અમુક દિવસોના અંતરે આરામ જોઈતો હોય છે. આવો આરામ મળતા પાચનતંત્ર સારી રીતે કામ કરવા ફરીથી સજ્જ થઈ જાય છે. આપણને સૌને અનુભવ છે કે દરેક યંત્ર કે તંત્રને થોડા થોડા દિવસે આરામની જરૂર હોય છે. મહિનો થાય એટલે કોઈ પણ યંત્રને સાફસૂફ કરવું પડે છે. તેના પૂર્જાઓમાં ઑઈલ પૂરવું પડે છે. તો કચેરીઓમાં ચાલતા તંત્રને અઠવાડિયે એક રજા આપવામાં આવે છે જેથી તેમાં કામ કરનારાઓ ફરી તાજામાજા થઈ કામ કરવા પુન:સજ્જ થઈ જાય છે. તો શરીરના તંત્રનો શું વાંક ? શું તેને થોડા થોડા સમયના અંતરે આરામ ન આપવો જોઈએ ? જરૂર આપવો જોઈએ.

અગાઉના સમયમાં આપણા પૂર્વજોએ જોયું હતું કે જો કોઈ પણ વાત સમાજના ગળે ઉતારવી હોય તો તેને ધર્મનો લેપ લગાડવાથી તેનો જલદી સ્વીકાર થાય છે. આથી ધાર્મિક વિધિમાં ઉપવાસથી ‘પુણ્ય’ મળે છે તે વાત સાંકળી લેવામાં આવી હતી. પુણ્યની વાત જવા દઈએ તો પણ ઉપવાસના દિવસે પરમેશ્વરની વધુ નજીક રહેવાનો સમય આપણને જરૂર મળે છે. બીજું ઉપવાસથી જાત ઉપર અનુશાસન આવે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાચનતંત્રને આરામ મળે છે. બધા લોકો ઉપવાસ કરી શકતા હોતા નથી તેથી ઉપવાસ કરનારને કેટલું કષ્ટ પડતું હશે તેવો તેમને વિચાર આવે છે અને ઉપવાસ કરનાર પ્રત્યે તેમને અહોભાવ જાગે છે. ક્યારેક અન્યાયનો સામનો કરવા માટે પણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ ઉપવાસો કર્યા જ હતા.
.

[2] મંદિરમાં ઘંટનાદ કેમ કરવામાં આવે છે ?

picture-022મનુષ્યની અંદર રહેલી ઊર્મિઓ અને સંગીતને આદિકાળથી ગાઢ સંબંધ રહેલો છે. આદિ માનવને જ્યારે કોઈ અમૂલ્ય ચીજની પ્રાપ્તિ થાય, કોઈ ક્ષેત્રમાં તે વિજય હાંસલ કરે, કે કોઈ સ્પર્ધામાં તે સફળતા મેળવે તો તેનો અનેરો આનંદ તેના મન-હૃદયમાં વ્યાપી જતો હતો. આ આનંદ વ્યક્ત કરવા તે વિવિધ મુદ્રાઓ કરતો હતો. જેમ કે તે નાચી ઊઠતો, હર્ષની ચિચિયારીઓ પાડતો, ચિત્રવિચિત્ર અવાજો કરતો, બે હાથે જોર જોરથી તાળીઓ પાડતો.

સમય જતાં ઉત્ક્રાંતિના છેલ્લા ચરણમાં તેણે જ્યારે ધાતુની શોધ કરી ત્યારે તેની આનંદ વ્યક્ત કરવાની રીતમાં પરિવર્તન આવ્યું હતું. તેણે વાસણો બનાવ્યાં અને થાળીના અવાજને ઝીલતા ઝીલતા તેણે ઘંટડી બનાવી અને પછી મોટો ઘંટ પણ બનાવ્યો. તાંબા અને પિત્તળના મિશ્રધાતુમાંથી બનાવેલા ઘંટનો નાદ તેને ખૂબ ગમી ગયો. આ નાદના પડઘામાં તેને પરમાત્માના વૈશ્વિક નામ ‘ઑમ’ નો પ્રતિસાદ સંભળાયો અને તેણે ઘંટને પરમાત્માના મંદિરમાં સ્થાન આપ્યું. નાની નાની ઘંટડીઓ તેણે પોતાના રોજિંદા વ્યવહારમાં વાપરવા રાખી – પણ મોટો ઘંટ તો તેણે મંદિરમાં જ લટકાવ્યો. મોટા ભાગના મંદિરોમાં પછી તે ગમે તે ધર્મનું હોય, દ્વાર પાસે એક કે વધારે ઘંટ ઊંચે લટકતા હોય છે. આસ્થાવાન ભક્ત મંદિરમાં પ્રવેશ કરી સર્વપ્રથમ આ ઘંટનો ઘંટનાદ કરે છે અને તેના પડઘાતા ધ્વનિમાં લીન થઈને પ્રભુની મૂર્તિ સન્મુખ ઊભો રહી જય છે.

ઘંટનાદ શા માટે તેવો સવાલ જિજ્ઞાસુ મનને સહેજે થાય. તેનું ધાર્મિક કારણ – મંદિરના અસ્તિત્વની જાણ દૂર દૂર સુધી થાય તે છે. ઘંટનાદ સાંભળતા જે આસ્થાવાન મંદિરે જવાનું ભૂલી ગયો હોય છે તેને તેની તુરત યાદ આવી જાય છે. ઘંટનાદ આસ્થાવાનને પ્રભુની યાદ આપે છે અને દૂરથી તેનું મસ્તક મંદિરની દિશામાં નમી જાય છે. જ્યારે ઘંટનાદ કરનાર ભક્તનું મન એ નાદના પડઘામાં લીન થઈ પ્રભુભક્તિમાં તરબોળ થઈ જાય છે. ઘંટનાદના વૈજ્ઞાનિક કારણમાં તેના અવાજના પડઘાને લીધે કાન બીજા અવાજોને ભૂલી જાય છે. ‘મને પ્રભુ મળવાના છે…’ તે વિચાર ઘંટનાદના લીધે હૃદયમાં વ્યાપી જાય છે અને આસ્થાવાન ભક્ત સંપૂર્ણ એકાગ્રપણે પ્રભુભક્તિમાં ડૂબી જાય છે. ઘંટનાદ પ્રભુના મંદિરમાં ધૂપ અને સુગંધની સાથે મળીને એક દિવ્ય વાતાવરણ ઊભું કરે છે તે નિ:શંક વાત છે.

ઘંટનો અવાજ ઉચ્ચ તીવ્ર સ્વરમાં ‘ઑમ’ના નાદની નજીક છે અને તેથી તેને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને દેવોના અભિવાદન વખતે ઘંટનાદ કરવામાં આવે છે. આરતીની ક્રિયા પ્રભુનું ઉચ્ચતમ અભિવાદન હોઈ તે દરમિયાન ખૂબ સુંદર રીતે ઘંટનાદ કરવામાં આવે છે. જેનો મધુર અવાજ દૂર સુધી પહોંચતા લોકોના પગ મંદિર તરફ વળે છે. અગાઉ જ્યારે મુસાફરી માટે વાહનોની સગવડ ન હતી ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતાં. આવા સમયે દૂરથી ઘંટનાદ સાંભળીને તેઓ અનુમાન કરી શકતા કે નજીકમાં કોઈ ગામ છે. આમ ઘંટનાદ મુસાફરો માટે સંકેતનું કારણ બનતું હતું.
.

[3] માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?

picture-023સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.

બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.

108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.

માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

[કુલ પાન : 130. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ : 380001. ફોન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે
ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી Next »   

21 પ્રતિભાવો : આવું કેમ ? – સં. આદિત્ય વાસુ

 1. જય પટેલ says:

  આસ્થામાં આસ્થા પ્રગટાવતું સંકલન.

  પુસ્તક વસાવવા યોગ્ય છે.

 2. Ravi says:

  very very nice.. and interesting.. !!

  please sir .. upload some more section
  of the book.. because many people like me are living out of india..
  so we cannot purchase the book..
  thnks

 3. Sarika says:

  some things we always use in our rutine life but we don’t know what is the meaning of that.

  Very important informations provided by Mr. Aditya Vasu.

  Thanks

 4. Hardik says:

  Please put some more section of this book as it’s tough for us to have an access of the book..as we are away from our motherland..

 5. dr sudhakar hathi says:

  OUR SOME PARAMPARA HED NO ENSOR WHY CHOTALI IS NESSORY FOR BRAHAMIN? WHY BINDI FOR SOBHAGYAVANTI LEDY ?THESE TYPE OF QUESTION REQURE EXPLENATION SO THIS TYPE OF BOOK REQUREFOR OUR ENSORE

 6. nayan panchal says:

  આ પુસ્તક ખૂબ જ સરસ છે અને તેમા આવા અન્ય ઘણા બધા વિષયો આવરી લેવાયા છે, જેમ કે દીવો કેમ કરવામાં આવે છે, સૂર્યની પૂજા શા માટે કરવામાં આવે છે, વગેરે વગેરે…

  શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેનો ભેદ સમજવમાંમા મદદરૂપ થાય તેવુ પુસ્તક.

  આભાર,
  નયન

 7. Sarika says:

  I don’t know who is this Mr. Aditya Basu but he did complete copy of one of the book I have.I don’t know how people can do that ? Well, i guess every one is enjoying…..So fine.But I did not like it.Even if it is full of information. I think there is something missing and that is “BHAAV”.

 8. ભાવના શુક્લ says:

  માળા અને મંત્રજાપને લગતી માહીતિ ઘણી જ રસપ્રદ અને વૈગ્યાનીક અભિગમ ધરાવતી છે.

 9. કલ્પેશ says:

  મે એમ પણ સાંભળ્યુ છે કે ઘંટ એક ધ્વનિ છે જે શરુમા તીવ્ર અને પછી શાંત થઇ જાય છે. એ રીતે આપણા મનમા ચાલતી ગડમથલ ઘંટના નાદની જેમ શરુમા તીવ્ર અને નાદને ધ્યાનમા રાખતા શાંત થઇ જાય અને ધ્યાન બહારથી અન્દર આવે એમ માનવુ છે.

  એમ વિચારો કે ઘંટનો શરુનો રણકાર આપણા મનની સ્થિતિ (જે ખળભળી ગયેલુ પાણી) અને જેમ નાદ સ્થિર થાય એમ શાંત (સ્થિર થયેલુ પાણી).

 10. Chirag Patel says:

  Ummm… interesting…. Good to know about these stuff…

  Thank you,
  Chirag Patel

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.