એક રાતની વાત – સુધીર દલાલ

બસો-ત્રણસો માઈલની મુસાફરી મારે માટે નવી નહોતી. હું ચાની એક કંપનીનો ટ્રાવેલિંગ સેલ્સમૅન હતો, એટલે મારે નાનાં ગામડાંથી માંડી મોટાં શહેરો સુધીની મુલાકાત લેવી જ પડતી. એમાં અવનવા અનુભવો થતા અને રોજનીશીમાં તેની નોંધ લેવાની મને ટેવ હતી; ગયા શિયાળાની એક રાતની વાત એમાં નોંધેલી છે. એ યાદ આવતાં આજેય હું કંપી ઊઠું છું.

એ દિવસે જાન્યુઆરીની 14મી હતી, એ હું ભૂલી નથી ગયો, કારણકે ઉત્તરાયણને દિવસે અમદાવાદની બહાર જતાં – જવું જ પડે એમ હતું એટલે – મનમાં ખૂબ કચવાટ થયેલો. ટાઢ સારી પેઠે હતી. આખો દિવસ આકાશ ધૂંધળું રહેતું. સવારના છ વાગ્યે નીકળ્યો. ત્યારે તો ગાઢ ધુમ્મસ હતું. દિવસ ચડતાં થોડું વિખરાયું, છતાંય જાણે મચ્છરદાનીમાંથી જોતાં હોઈએ એવું તો આખો દિવસ રહ્યું.

સાંજના પાંચેક વાગ્યે મોટરમાં કાંઈક અવાજ થવા લાગ્યો, એટલે રસ્તાની બાજુમાં મોટર ઊભી રાખી. ખાનામાંથી W.I.A.A. નો નકશો કાઢી જોયો તો હજુ બાવન માઈલ કાપવાના હતા. સાધારણ રીતે એટલું અંતર કાપતાં દોઢેક કલાક જાય, – રસ્તો સારો સીધો સપાટ હોય તો. પણ નકશો તો વીસેક માઈલ પછી પહાડી પ્રદેશ બતાવતો હતો, ને બે હજાર ફૂટનું ચઢાણ પણ હતું. મેં ઓછામાં ઓછા બે કલાકનો આશરો મૂક્યો.

મોટરમાંથી ઊતરી, બૉનેટ ખોલી મેં તેલ-પાણી તપાસી જોયાં. થોડું પાણી ઉમેર્યું, તેલ નાખ્યું. મોટર જરા વધારે તેલ ખાતી હતી. હજુ દિવસનો પ્રકાશ હતો એટલે એન્જિન નીચેથી આવતો અવાજ શાનો છે એ જોવા હું મોટર નીચે પેઠો. દસેક મિનિટ ફાંફાં માર્યાં છતાં કંઈ જડ્યું નહિ એટલે હું બહાર નીકળ્યો. અવાજની મને ચિંતા પેઠી. બે હજાર ફૂટનું ચઢાણ ! કૃષ્ણપક્ષની રાત હતી અને ઝાડી ગીચ થતી જતી હતી. નકશો આગળ જંગલ બતાવતો હતો. મનમાં ફફડાટ પેઠો. અને એક વાર પેઠો એટલે નીકળે ? દરેક જાતના અમંગળ પ્રસંગો મેં કલ્પ્યા : ઢાળ પર બ્રેક ફેઈલ ગઈ, અને મોટર ખાઈમાં પડી; ફૅનબેલ્ટ તૂટી ગયો અને જંગલ તથા પહાડોની વચ્ચે રાત આખી મોટરમાં બંધ કાચે ગાળી – વાઘચિત્તાની તગતગતી આંખો શોધવા ઝાડી તરફ આંખનું મટકુંય માર્યા વગર તાકતાં તાકતાં; લુટારાઓ મળ્યા – જે છે તે આ પાકીટમાં છે, આશરે ત્રણસો રૂપિયા અને આ કાંડાઘડિયાળ સોનાના પટ્ટાવાળી, અને બૅગમાં એક સૂટ….

સવા પાંચે મોટર ચાલુ કરી. પાંચેક મિનિટ હાંકી ત્યાં ચપટી વગાડતાં જાદુ થાય એમ એકાએક વાતાવરણની પેલી ધૂસર ઊંચકાઈ ગઈ અને હવા સ્વચ્છ થઈ ગઈ. પવન પડી ગયો અને ઝાડીમાં પાંદડા સ્થિર થઈ ગયાં. – કાન દઈ સાંભળવા માટે પ્રયત્ન કરતાં હોય એમ. હવે સામે થોડાક જ માઈલ દૂર પહાડની કાલી રેખા છતી થઈ. રસ્તો સીધો, પહાડને અથડાવા તાકતો હતો. પણ બીજા પાંચેક માઈલ જતાં તો પહાડની રેખા ખૂબ જ બદલાઈ ગઈ. ધ્યાન દઈને જોયું તો પહાડ પાછળ કાળાં ડિબાંગ વાદળાંના શિખરો ઊમટી રહ્યાં હતાં. ક્ષણભર શિયાળાને બદલે ચોમાસું હોય એમ લાગ્યું. હવે તો દિલમાં ખરેખરી ચણચણાટી પેઠી. અંધારી રાત, જંગલ, પહાડ, ચઢાણ, આ બાજુ મોટરમાં અવાજ અને એ બધા ઉપર તોફાન, વરસાદ, માવઠું ! મારી ગણતરીએ માવઠું મને પહાડમાં જ નડવાનું હતું. બાવન માઈલ કાપવા માટે ઘડીક પહેલાં બે કલાક મૂકતો હતો, તે પણ હવે અશક્ય હતું. મેં એક્સિલરેટર ઉપર જરા પગ દબાવ્યો. કાંટો 70 માઈલ બતાવવા લાગ્યો. પહાડ આવ્યો અને મોટરનો કચવાટ વધ્યો. થોડીવારમાં તો ઘુરકિયાં કરવા લાગી. મેં એને ‘પદમડી વહુ’ કહેવા માંડ્યું. એની અસર થઈ. મનમાં થોડું હસવું આવ્યું. એણે પણ મુનશી વાંચ્યા લાગતા હતા !

છેવટે એ તૂટી પડ્યો. હેલી ! વીજળીઓની ફલૅશગનથી તસવીરો ખેંચાતી હતી. કડાકાઓ – ભયંકર, કાન ફાડી નાખે એવા – પહાડોમાં પડઘા પડતા હતા કે ખરેખર એટલા લાંબા ચાલતા હતા એ કળવું મુશ્કેલ હતું. ભીની વનસ્પતિની તીવ્ર મહેક ફેલાઈ ગઈ હતી. મોટરની હેડલાઈટમાં વાંકોચૂકો આસ્ફાલ્ટ રસ્તો ક્યારેક પહાડને અથડાતો તો ક્યારેક આંધળિયું કરી ખીણમાં ભૂસકો મારતો લાગતો હતો. એને આ વિકરાળ પ્રકૃતિ પર, બગડી ગયેલી ટ્યૂબલાઈટ જેવા વીજળીના ઝબકારા વચ્ચેના અંધકારને વધુ બિહામણો બનાવતા હતા. મોટર માંડ માંડ ગણગણતી, બબડતી ચઢતી હતી. એન્જિન નીચેનો અવાજ પણ હવે તો વધુ આવતો હતો. એવામાં મોટરનો પ્રકાશ એક ઝાડ પર બાંધેલા પાટિયા પર પડ્યો : ‘હિલ વ્યૂ હૉટેલ 100 વાર દૂર’ ઓહ ! સ્વર્ગ સો વાર દૂર ! આ બધાંનો અંત સો વાર દૂર ! ઝાડીમાં મકાન દેખાયું. હેડલાઈટમાં એની દીવાલો સળગી ઊઠી. મોટર પણ હાશ કરીને એની મેળે જ બંધ પડી.’

બધી જ હિલ વ્યૂ હોટલો જેવું એનું મકાન હતું : જૂનું, ઊંચું, ઢળતા છાપરાવાળું. મોટરમાંથી ઊતરી વરસાદમાં પલળતો દોડતો- દોડતો હું વરંડામાં આવ્યો. એક ટેબલ પર ફાનસ બળતું હતું. બારણું બંધ હતું. મેં ટકોરા માર્યાં. થોડી વાર રાહ જોઈ. અંદર સળવળાટ સંભળાતો નહોતો. બહારના તાંડવમાં અંદરનો અવાજ સંભળાવોય મુશ્કેલ હતું. ત્યાં પાછળથી પાણીના ખાબોચિયાંમાં પગલાં પડતાં સંભળાયાં : છબ, છબ, છબ. થોડીવારમાં એક માણસ આવ્યો : ‘બાબુજી !’

એ શબ્દ આવકારમાં બોલાયો હતો કે પ્રશ્નાર્થમાં એ હું કળી શક્યો નહિ. ‘રાત ઠેરના હય’ મારી ભાંગીતૂટી હિંદીમાં મેં કહ્યું. ‘આઈ યે.’ કહી એ આગળ થયો.
હું ખખડાવતો હતો એ જ બારણું એણે થોડો હડસેલો દઈ ખોલ્યું. ફાનસ ઝાલી એ અંદર પેઠો. ઓરડો મોટો હતો. એક આરામખુરશી બે પગ લાંબા કરીને પડી હતી. વચ્ચે ગોળ ટેબલ હતું. આજુબાજુ ચારપાંચ ખુરશીઓ હતી. ખૂણામાં એક નેતરની પાટ હતી. પાસે ટૅબલલેમ્પ હતો. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે હૉટલમાં વીજળી હતી.
‘તુફાન મેં પાવર કટ ગયા હૈ.’ એ બોલ્યો : જાણે મારા મનમાં ચાલતો વિચાર કળી ગયો !
એ મોટા ઓરડામાંથી અમે બહાર નીકળ્યા. ડાઈનિંગરૂમમાં થઈ પડખેના બારણામાંથી નીકળી બીજા ઓરડામાં પેઠા. એણે ફાનસ એક ટેબલ પર મૂક્યું : ‘ઠીક હય ?’
‘ચલેગા.’ મેં કહ્યું અને મનમાં બબડ્યો : ‘અત્યારે તો જ્યાં ઉતારીશ ત્યાં ચલેગા.’
‘સામાન લે આતા.’
‘એક બૅગ ઔર એક બિસ્તર હય.’
લગભગ સાંભળ્યા વગર જ ચાલતો થયો. થોડીવારમાં પલળેલો બિસ્તરો અને બૅગ લઈ આવ્યો. અને બીજા ટેબલ પર મૂક્યાં. ઓરડામાં એક ખાટલો હતો- લોખંડનો, સ્પ્રિંગવાળો. ઉપર એક પાતળી ગાદી હતી. એના ઉપર સફેદ ઊજળી ચાદર. સામે દીવાલ પર આયનો લટકતો હતો – તડવાળો. એની નીચે ડ્રેસિંગટેબલ હતું તે પર ઍલ્યુમિનિયમનો કાળો પડી ગયેલો જગ હતો અને એક વાદળી રંગનું ઍનેમલનું વોશબેઝીન. વચમાં એક જર્જરિત શેતરંજી પર બે ખુરશીઓ મૂકેલી હતી. એકનો હાથો ભાંગેલો હતો, બીજીનું નેતર ઝોળી જેવું થઈ ગયું હતું. મેં એક ખુરશી ખસેડી. એનો પાયો ફાટેલી શેતરંજીમાં ભરાયો. શેતરંજી ચરરરડ બોલીને વધુ ફાટી. પેલો મારી સામે તાકી રહ્યો. એની આંખમાં ધૃષ્ટતા હતી, બેદરકારી કે કુતૂહલ એ સમજાતું નહોતું.

‘માફ કરના.’ મારાથી કહી જવાયું. જવાબ આપ્યા વગર એ બારી તરફ વળ્યો, બારી ખોલવા. મેં ના પાડી. બારી બંધ હતી તોય હું ધ્રૂજતો હતો. ઠંડી હાડકાંની પાર નીકળી જતી હતી. દાંત તો ક્યારનાય તારસંદેશા મોકલતા હતા.
‘ખાના ખાઓગે ?’
‘ક્યા મિલેગા ?’
મને થયું કે એ હમણાં બોલી જશે : મિન્સ્ટ્રોન સૂપ; વેજિટેબલ કટલેસ વિથ રશિયન સૅલાડ ઍન્ડ બૉઈલ્ડ વેજિટેબલ; પીઝ પુલાવ વીથ પનીર ઍન્ડ મટર કરી; ફ્રૂટસૅલાડ ઍન્ડ હૉટ કોફી. માણસ એટલો કાબેલ તો લાગતો જ હતો. સો વાર દૂર આ ઓચિંતુ સ્વર્ગ મળી ગયું હતું તો કશુંય અશક્ય નહોતું.પણ એણે એવું કંઈ કહ્યું નહિ.
‘બ્રેડ-બટર, આમલેટ, ચાય-કોફી; ઔર બોલો તો ચપાટી-સબ્ઝી બના દૂં.’
મેં કહ્યું : બ્રેડ-બટર, આમલેટ-કૉફી ચાલશે. ગરમ કૉફી-ગરમાગરમ, ઠંડી (અને બીક) ભગાવી મૂકે એવી !
‘આપ આરામ કીજીએ, અભી બુલાતા’ કહી એ ચાલ્યો ગયો.

મેં પગ લંબાવ્યા. આખું શરીર કળતું હતું. આંખો પર ભાર હતો. મગજમાં હજુય મોટરની ઘરઘરાટી બોલતી હતી. થોડી વાર પછી એ મને ડાઈનિંગરૂમમાં લઈ ગયો, ત્યાં પેટ્રોમૅક્સ બળતું હતું. એના સફેદ પ્રકાશમાં ટેબલ પર પાથરેલું ટેબલક્લૉથ વધારે સફેદ લાગતું હતું. ટેબલ લાંબુ ખાનાવાળું ટેબલ હતું. ટેબલ પર થોડા પ્યાલા-રકાબી ને ડિશ-ચમચાં ઊંધા પાડેલાં હતાં. એક પાણીનો કાચનો જગ હતો. ખાનામાંથી નેપ્કિન કાઢી એણે મને આપ્યું. બ્રેડ-બટર ને આમલેટ-કૉફી ભૂખ્યા વરુની જેમ હું પેટમાં ઓર્યે જતો હતો ત્યારે એ મારી સામે જ અદબ વાળી ઊભો રહ્યો. મારી સામે એ તાકતો હતો. થોડું પેટમાં પડ્યા પછી મેં એની સામે ઊંચે જોયું એટલે એ છોભીલો પડી ગયો.
‘ક્યા મોસમ હય ! બહુત બારિશ આયા.’ ક્ષોભ ઢાંકવા એ બોલ્યો.
‘અભી ભી ગિરના હી હય ના ?’
‘ઈસ જાડે કી મોસમ મેં જબ ભી આતા તબ સારી રાતભર યા દિનભર બરસતા.’

માણસ પાતળો હતો. માથે લીલા રંગનો ફેંટો બાંધ્યો હતો. મોટી આંખો, ભરાવદાર મૂછો, શરીરના પ્રમાણમાં મોટું લાગતું માથું. રંગ કાળો ગૂઢ – સીસમિયો. વાત કરતો ત્યારે આંખો ચમકતી અને વાક્ય પૂરું થતાં ફરી ઊંડી ઊતરી જતી. તદ્દન મિતભાષી હતો. એની જોડે વાત કરવાની મને ઈચ્છા પણ નહોતી.

જમીને હું ઊઠ્યો એટલે એણે કહ્યું : ‘આપ અભી સો જાયેંગે ? આપકો કુછ કામ હો તો મેં યહાં હી રહતા હૂં’ કહી એણે બહાર આંગળી ચીંધી. મેં ધારી લીધું કે એ બાજુ એની ઓરડી હશે.
‘ગુડ નાઈટ સર.’ હું વળ્યો એટલે એ બોલ્યો.
‘ગુડ નાઈટ, ભાઈ.’

હું મારા ઓરડામાં આવ્યો. બારણું બંધ કર્યું. અરધા બારણાનેય માંડ ઢાંકતો પડદો સરખો કર્યો. ખુરશી પર બેસી બૂટ કાઢ્યા. બૅગમાંથી નાઈટસૂટ કાઢ્યો. પહેર્યો. પછી ચોપડી કાઢી. કમનસીબે Best Ghost Stories (શ્રેષ્ઠ પ્રેતકથાઓ) લાવેલો, એટલે ઊંઘ આવે છે માટે નથી વાંચવું કરી, ચોપડી પાછી મૂકી દઈ, ફાનસની વાટ નીચે ઉતારી પથારીમાં પડ્યો.

બહાર હજુ વરસાદ એટલો જ જોશમાં પડતો હતો. પવન સુસવાટા મારતો હતો. ફાનસના અજવાળાને ઝાંખુ પાડી દેતી વીજળીઓ ઘડીભર ઓરડાને ભરી દેતી હતી. પાછળ જ ગડગડાટ દોડતો આવતો હતો. એક બારી બરાબર બંધ નહોતી. પવનના ફૂંફાડામાં ખૂલતી, ફંગોળાતી, અથડાતી, પાછી ખૂલી જતી, અને એટલામાં અંદર વાછટ પથરાઈ જતી. ફાનસની જ્યોત કૂદકો મારતી અને પાછી બેસી જતી. બારી બંધ કરવા પ્રયત્ન કર્યો, પણ બંધ થતી નહોતી. દોરી કે સૂતળી માટે ચારે બાજુ નજર ફેરવી, પણ જડી નહિ. આ અવાજમાં કેમ કરી ઊંઘ આવશે એમ વિચારતો હતો ત્યાં પવનનો એક સપાટો આવ્યો. બારી જોરથી અથડાઈ, ખણણણ કરી કાચ તૂટી પડ્યો ને ફાનસ ઓલવાઈ ગયું ! વીજળીના ઝબકારા પછી બિહામણો અંધકાર ફેલાઈ ગયો.

થોડી વાર અંધકારમાં પડ્યો રહ્યો હોઈશ. પેલા માણસને ઉઠાડી ફાનસ સળગાવડાવવું કે નહિ એમ વિચાર કરતો હતો ત્યાં જ બારણે ટકોરા પડ્યા. બેઠો થઈ ટેબલ સાથે અથડાતાં અથડાતાં બારણે પહોંચ્યો. ઉઘાડ્યું. બીજો જ કોઈ માણસ અંદર આવ્યો એમ હું વીજળીના ઝબકારામાં જોઈ શક્યો. અંદર આવી એણે કહ્યું : ‘અંધેરા હો ગયા ?’
‘પવન મેં બારી ખૂલ જાતી હય, ઔર યે ફાનસ બુઝ જાતા હય.’ મેં ફરિયાદ કરી.
‘અભી ઠીક કર દેતા’ કહી એ બહાર ગયો. થોડી વારમાં એ દીવાસળીની પેટી લઈ આવ્યો. ફાનસ સળગાવ્યું. ફાનસના પ્રકાશમાં હું એને જોઈ રહ્યો. એ મારી સામે જોઈ હસી રહ્યો હતો.

આ માણસ યુવાન હતો કે બુઢ્ઢો એ કળવું મુશ્કેલ હતું. એના આગળના દાંત પડી ગયેલા હતા. વાળ લાંબા, ઓળ્યા વગરના હતા અને આંખ પર આવતા હતા. ગાલ બેસી ગયેલા હતા. આંખો જાણે ગુફામાંથી તાકતી હતી. કપડાં મેલાં હતાં. થોડી થોડી વારે એ હસતો હતો.
‘અભી આયે ?’
‘હાં.’
‘યહાં કૈસે આયે?’ કેવો પ્રશ્ન ?
‘પહાડ કી ચઢાઈ પે તુફાન મિલા તો સોચા કી યહાં હી રાત ઠહર જાઉં. કલ ચલા જાઉંગા.’
‘કલ હોગી તો –’ કહી એ ખડખડાટ હસ્યો. હું ચોંકી ઊઠ્યો.
‘ક્યોં ?’ મારા દાંત કકડી ઊઠ્યા. એ પાસે આવ્યો – છેક પાસે.
‘કિસી કી હૂઈ નહિ, ન હોગી. યે ઘર મેં જો આયા વો જિન્દા ગયા નહિ. શાયદ આપ ભી….’ એ ફરી હસ્યો અને તરત જ ‘ગુડ બાય સર’ કહી બારણા તરફ વળ્યો. ગુડનાઈટ નહિ – ગુડ બાય !

‘દેખો, સુનો….’ હું એની પાછળ ગયો, પણ એ બારણું ભચકાવી ચાલ્યો ગયો. હું બારણું ખોલી બહાર નીકળ્યો. બહાર તદ્દન શાંતિ હતી. ન સૂઝે એવું અંધારું હતું. મારા શ્વાસોચ્છવાસ જ હું સાંભળી રહ્યો. પેલાના જવાનાં પગલાં પણ સંભળાતાં નહોતાં. મગજના એક ખૂણામાં મને શંકા ગઈ – એ ક્યાંક આટલામાં જ ભરયો હતો, સંતાયો હતો. મેં ઝડપથી બારણું બંધ કરી દીધું. પણ બારી ખુલ્લી હતી. થોડી વાર પછી ફરી બારણે ટકોરા પડ્યા. આ વખતે મેં ખોલ્યું નહિ. બારી સામે ખુરશીનું મોઢું ફેરવી, પગ પર કામળો ઢાંકી, બારી બહાર હું તાકતો બેઠો. ઓરડાની અંદરના ફાનસના પ્રકાશથી બહારનો અંધકાર વધારે ઘેરો લાગતો હતો. બહાર કોઈ ફરતું હોય તો દેખાય પણ નહિ, એમ ધારી ફાનસ મેં ભીંતમાંનું કબાટ ખોલી અંદર મૂકી, કબાટનું બારણું બંધ કરી દીધું. ફાનસ ઓલવી નાખું તો જ્યારે જરૂર પડે ત્યારે સળગાવું શી રીતે ? બહાર એકધારો સતત વરસાદ પડતો હતો. વીજળીના એક ચમકારામાં મેં મારી કાંડાઘડિયાળમાં જોયું તો 11 વાગ્યા હતા. રાત હજુ હવે શરૂ થતી હતી !

મનને બીજે વાળવા હું ‘શ્રી કૃષ્ણ શરણં મમ’ નો જાપ કરી ગયો; સિનેમાનાં આવડતાં ગાયનો મનોમન લલકારી ગયો; છેવટે જુદી જુદી જાતની ચા ના ભાવ પણ બોલી ગયો. પણ એક જ વિચાર મારા મનમાં હતો. આજે રાત્રે જ આવશે. 14મી જાન્યુઆરી મારી પાછળ મારી પત્ની, મારાં બે બાળકો, મારી હસતી-ખીલતી વાડી, બહાર ઊભેલી ગાડી, બધું જ મૂકતો જવાનો હતો. પેલો પહેલાં આવેલો જ માણસ હશે ? કે આ પાછળથી આવેલો એ ? કે પછી ત્રીજો કોઈ ? કે સાપ, વિકરાળ વાધ, કે….કે…. ભૂતાવળ.

મેં કબાટમાંથી પાછું ફાનસ કાઢયું. બૅગમાંથી ચાના ભાવનું એક જૂનું કાગળિયું કાઢ્યું ને એની પાછળની કોરી બાજુએ મેં લખવા માંડ્યું……પૂરું નામ લખ્યું, મારું સરનામું લખ્યું, ચાની કંપનીનું નામ લખ્યું, મોટરનો નંબર લખ્યો, પાકીટમાંના પૈસાનો આંકડો નોંધ્યો, નીચે રાતનો બનાવ આલેખ્યો, કઈ રીતે અહીં આવ્યો, કેવો માણસ મળ્યો, બારણે ટકોરા માર્યા એનું વર્ણન કર્યું. એણે ભાખેલું મારું ભવિષ્ય લખ્યું. કદાચકદાચ કામ લાગે : મારી પછી, પોલીસને મારી પત્નીને…. ચિઠ્ઠીવાળી મેં ખિસ્સામાં મૂકી. ફરી બારી બહાર તાકતો બેઠો.

પૈસા માટે હશે ? મારા મનમાં નવો તુક્કો આવ્યો. એ તો સહેલું હતું. મારું સર્વસ્વ આપી દેવા તૈયાર હતો. મારો જાન બચે તો. મેં કાંડાઘડિયાળ ઉતારી ટેબલ પર મૂક્યું, મારી પાર્કર પેન મૂકી, મારું પાકીટ મૂક્યું : એને સહેલું પડે, એક જ સપાટે બધું મળી જાય અને મને જવા દે ! પછી બીજા વિચારે પાકીટ ખોલી દસ રૂપિયાની એક નોટ કાઢી લીધી. ગડી કરી ખિસ્સામાં મૂકી. કદાચ સવાર થાય ને જરૂર પડે તો હવે વીસ માઈલ જ દૂર રહેલા શહેરમાં પહોંચી શકાય. માત્ર દસ જ રૂપિયા મારી પાસે જો રહેવા દે તો ! હું સમજું છું કે આ બધું અશક્ય લાગે એવું છે, ન બને એવું લાગે છે, મારું વર્તન પણ હવે વિચિત્ર લાગે છે; પણ બીકનો માર્યો માણસ શું ના કરે ?

પાંચેક વાગ્યે હું છેવટે ઊંઘી ગયો હોઈશ, કારણ સાડાચાર વાગ્યે તો મેં ઘડિયાળ જોયેલી. આંખ ઊઘડી ત્યારે અજવાળું થઈ ગયેલું. ટેબલ પર પડેલી ઘડિયાળમાં જોયું તો સાત વાગ્યા હતા. બહાર સ્વચ્છ આકાશ નીલ વદને તાકતું હતું. હજુ છાપરેથી પાણીની ધાર પડતી હતી. હવામાં ગજબની કુમાશ હતી. પલળેલી ઠંડીનો ચમકારો ઓર વધ્યો હતો. ભેજની વાસ આવતી હતી. હું ઊઠ્યો, ઘડિયાળ પહેરી લીધું, પાકિટ ખિસ્સામાં મૂક્યું. પેન ખોસી. કબાટ ખોલી ફાનસ કાઢ્યું, ઓલવ્યું. કબાટનું ખાનું મેશથી કાળું કાળું થઈ ગયું હતું. વૉશબેઝીનમાં મોં ધોયું. પાણીની છાલકથી આંખો બળવા માંડી. કપડાં બદલી, બૅગ બંધ કરી, બૂટ પહેર્યાં. બારણું ખોલ્યું. ડાઈનિંગરૂમમાં પ્રવેશતાં જ પેલો લીલા ફેંટાવાળો માણસ મળ્યો : ‘ગુડ મૉર્નિંગ સર.’
‘ગુડ મોર્નિંગ’
‘બ્રેકફાસ્ટ અભી લાયા સર, આપ બૈઠિયે.’

બ્રેકફાસ્ટની જરાય ભૂખ નહોતી. અહીંથી મારે ભાગી છૂટવું હતું. પણ પેલો હું બોલું એ પહેલાં જ છૂ થઈ ગયો. હું ટેબલ પર બેઠો. થોડી વાર પછી એ કોર્ન ફલેક્સ લઈ આવ્યો. દૂધ મૂક્યું. પાછો જતો રહ્યો. બહાર ‘ગુડ મૉર્નિંગ સર’ કહેતો સંભળાયો. તરત જ એક માણસ, સૂટ પહેરેલો, અંદર આવ્યો. ટેબલ પર મારી સામે બેઠો. એ પણ મારા જેવો જ મુસાફર લાગતો હતો. આખી રાત આ બંગલામાં મારા જેવું બીજું પણ કોઈ હતું જોઈ મને નવાઈ લાગી. એના હોવાનાં કોઈ ચિન્હ દેખાયાં નહોતાં. કદાચ મારી પહેલાં આવ્યો હોય – કે કદાચ પછી.

ફેંટાવાળો એના માટે પણ કૉર્ન ફલેક્સ લઈ આવ્યો. અમે મૂંગામૂંગા કૉર્ન ફ્લેક્સ ચાવવા લાગ્યા. એટલામાં બીજા એક માણસનો બહારથી અવાજ સંભળાયો : ‘બાદરજી, સાબ લોગ કો નાસ્તા ખિલાયા ?’
‘જી હજૂર’ ફેંટાવાળાએ કહ્યું.
‘ગુડ મૉર્નિંગ જેન્ટલમૅન’ કહેતો એ નવો અવાજ અંદર આવ્યો. એનાં કપડાં સુઘડ હતાં. એની રીતભાત પરથી તરત જ એ આ હોટલનો મૅનેજર કે માલિક હશે એમ લાગ્યું.
‘આપ લોગ ઠીક તો સોએ ? કુછ તકલીફ ?’
‘નહિ, નહિ; કોઈ ભી તકલીફ ન થી.’ અમે બંન્ને મુસાફરો સાથે જ બોલી ઊઠ્યા. મારી નજર એના પર પડી, એની મારા પર. એની આંખો પણ ઉજાગરાથી રાતી હતી !

મૅનેજરે ભડભડ બળતી ફાયરપ્લેસમાં લાકડાં સરખાં કર્યાં. ઉષ્માનું, હૂંફનું મોજું આવ્યું અને ભેટી પડ્યું.
‘અચ્છા હુઆ, આપ લોગ ઠીક તરહ સો સકે. મેરા લડકા ઐસા હૈ ! – દીવાના હય, યૂ સી. હરેક મુસાફિર કો હેરાન કરતા હય. હરેક કો ગભરાતા હય, બોલતા, યે તુમ્હારી આખરી રાત હય. ઔર મુસાફિર લોગ ભી ડર કે મારે, ઉસકા દીવાના ચહેરા દેખ કે સો નહિ સકતે. કભી કભી કોઈ મુસાફિર સુબહ સુબહ બિલકુલ બેહોશ નજર આતે હય. ઠીક હુઆ આપ લોક કો વો મિલા નહિ.’

અમે કૉર્ન ફલૅક્સ પૂરા કરી ટોસ્ટ ખાવા લાગ્યા. ગરમ કૉફી પીધી. પગ લંબાવ્યા. બહાર ખુશબોદાર સવાર ફેલાઈ ગઈ હતી. ખિસ્સામાં હાથ નાખી પેલા ચાના ભાવવાળી વાળેલી ચિઠ્ઠીની મેં ખિસ્સામાં ને ખિસ્સામાં જ નાનકડી લખોટી બનાવી અને પેલો સામેનો મુસાફર ગયો કે તરત જ રમતાં રમતાં ફાયરપ્લેટનાં સળગતાં લાકડાંઓમાં નાખી. મનમાં હાશ થઈ.
થોડી વાર પછી મૅનેજરને મેં પૂછયું : ‘How much do I owe you ?’ ક્યા કિરાયા દેને કા હય ?
‘ઓહ, સિર્ફ દસ રૂપિયા’

મેં ખિસ્સામાં પાકીટ માટે હાથ નાખ્યો. પછી યાદ આવ્યું કે સવારે કામ લાગે એ માટે મેં ખિસ્સામાં છૂટી દર રૂપિયાની નોટ મૂકી છે. ગડીવાળી નોટ મેં બહાર કાઢી પેલા સામે ધરી.

મને ખૂબ હાશ થઈ. હૃદયમાં શાંતિ પથરાઈ ગઈ હતી. મારું મન કોઈ સાતમા સ્વર્ગમાં ભમતું હતું – બેધ્યાનપણે.

‘માફ કીજિયે સા’બ, આપ મુઝે કોઈ ચિઠ્ઠી દે રહેં હય’ મૅનેજરે મને કહ્યું.
મારી નજર મારા લંબાયેલા હાથ પર પડી. હાથમાં ચાના ભાવનું કાગળિયું હતું – ગડી વાળેલું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પહેલો વરસાદ – સંકલન
સંવેદિતા – દિનેશ ગજ્જર Next »   

21 પ્રતિભાવો : એક રાતની વાત – સુધીર દલાલ

 1. JAWAHARLAL NANDA says:

  SIR,

  SARAS,KHUBAJ SARAS VARTA, SHABD-CHITRA KHUB KARJI PURVAK VIKSAVEL CHHE!

  PHARI EK VAR ABHINANDAN!!

 2. smtrivedi says:

  Excellent Stroy. Fear is within you and not outside!!

  You are the one who can get rid of your fears.

 3. Rajnikant Vyas says:

  A very good story.

  This is an excellent site. I have been reading English literature on Internet regularly. But Gujarati literature site is a great pleasure to read. I congratulate and thank you personally for this commendable work. I came to know about this site from Navnit Samarpan magazine.

 4. nirav shah says:

  Sir,A very excellent story.All the best to u.Thank u

 5. sandeep doshi says:

  sir,
  main to darrrrrr gaya.
  excellent story.
  thank u readgujarati.

 6. ashok chavda says:

  khodyo dungar ane niklyo under.

 7. Girish Mistry says:

  Khoob pramanik pane lakheli katha…..
  Excellent……..

 8. Devendra Shah says:

  Excellent story !

 9. bhavna says:

  managerna chhokrani aadatne lidhe musafarni zindgi bhayma aavi jaay.potana chhokrane controlma rakhvani jarur chhe.koi musafar darrne karne mrutiu paame to manager javabdari leshe.

 10. Excellent sotry, can’t say whether fictitious or real but is very nice. All characteristics of a story/novel has been covered by the writer. might be real !!!

 11. Dipika says:

  very good story. we can know what is fear?? and what is death fear?

 12. aruna says:

  simply wonderful.

 13. dinesh says:

  superb……..

 14. Mona Dave says:

  Excellent…!

 15. kishan says:

  khub j sars story. vachine anand thayo. aa site vishe me chitrlekha megazine ma vanchu hatu. khub j sari site che. site banavnar ne dhanyvad…… gujarati mate sars site che ane bhasa na prachar mate pan. thanx from all gujarati. well thoda janita novel pan muko. kishan s hadiyal

 16. malay oza says:

  How excellent! I am not connected with literature but i feel the FEAR!!!!!!
  I never heared such story.

 17. anil parmar motap says:

  થ્ક

 18. nayan panchal says:

  Excellent story, a real thriller.

  Waiting for such more stories.

  nayan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.