ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી

[કટાક્ષિકા]

વજીર સાળાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. હમણાં કોઈ આવશે અને સાળાના મૃત્યુના ખબર લાવશે. જમણી આંખ પણ હમણાં જ ફરકી હતી એટલે તે શુભ સમાચારની અપેક્ષા રાખી રહ્યો હતો. પરંતુ ? કોઈ કાસદ દેખાયો નહિ. પોતાના હાથે જ ઝેર આપીને આવ્યો છતાં સાળો સાલો મર્યો કેમ નહિ તેની ચિંતા વજીરને સતાવતી હતી.
ત્યાં….
ત્યાં ઘોડાના દાબડા સંભળાયા.
જરૂર કાસદ સાળાના મૃત્યુના સમાચાર લઈને આવ્યો લાગે છે.
પરંતુ જોયું તો કાસદ નહિ પણ ખુદ સાળો જ આવ્યો હતો !
‘માણસ મર્યા પછી આટલો જલદી ભૂત થઈ જતો હશે !!’ વજીર વિચારમાં પડી ગયો.
‘વજીરજી ! તમે માથું ઉતારવાની ફાકી આપી તે બહુ અકસીર નીકળી. દૂધમાં હલાવીને પીધી અને તબિયત જામી ગઈ.’ સાળાએ અભિવાદન કરતાં કહ્યું.

વજીર વિચારમાં પડી ગયો કે મેં તો ખરેખરા અર્થમાં તેનું માથું ઉતારી નાખવાની જ દવા આપી હતી પરંતુ આ રાહુ તો જીવતો છે. સાળાના અલમસ્ત શરીર તરફ જોઈ નિશ્વાસ નાખી વજીર મનોમન બોલ્યો : આ કાંઈ હમણાં મરે એમ લાગતું નથી અને સસરાજીની મિલકત મને મળે એમ લાગતું નથી.’ એકના એક સાળાનો ઘાટ ઉતારી સસરાની લાખ્ખોની મિલકત લેવાનો વજીરનો પ્લાન પણ આપણા ‘ફાઈવ ઈયર પ્લાન’ ની જેમ ‘ફેઈલ’ ગયો. ઝેર જે દુકાનેથી ખરીદવામાં આવ્યું હતું તે દુકાનદારને વજીરે તેડાવ્યો.
‘અલ્યા ! તેં મને શું આપ્યું હતું ?’
‘ઝેર…. હજૂર.’
‘શું ??’
‘હજૂર. આપને મેં ઝેર આપ્યું હતું… મતલબ એ આપના હાથમાં ઝેરની પડીકી આપી હતી.’
‘તો પછી મર્યો કેમ નહિ ?’ વજીરે ક્રોધથી પૂછ્યું.
‘કોણ હજૂર ?’
‘ઝેર ખાનારો.’
‘હજૂર, એમાં કશું નવું નથી. આપણા રાજ્યમાં મળતું આ કાતિલમાં કાતિલ ઝેર હતું….’
‘પણ મોત કેમ ન થયું ? આ માણસ મારવાનું ઝેર હતું કે ઉંદર મારવાની દવા ?’
‘હજૂર, ઉંદર મારવાની દવા તો નો’તી જ. એનો નવો સ્ટૉક આવે છે એવો જ દુકાનમાં ઉંદરો ખાઈ જાય છે.’
‘ઉંદરો ખાઈ જાય છે ?’
‘હા હજૂર. જ્યારથી ઉંદર મારવાની દવા વેચવાની શરૂ કરી છે ત્યારથી બાજુમાં અનાજની વખારના ઉંદરો અમારી દુકાનમાં આવી ગયા છે અને આવે છે તેટલો માલ એ લોકો જ ખાઈ જાય છે. અનાજ ખાતા હતા ત્યારે આ ઉંદરો બહુ દૂબળા હતા. આ ઉંદર મારવાની દવા ખાધા પછી તો આ ઉંદરો ઘોડા જેવા થઈ ગયા છે.’

વજીરને સત્ય સમજાયું કે એ તો ભેળસેળનો પ્રતાપ હતો. ‘એટલે તમે મને ઝેર આપ્યું તેમાં પણ ભેળસેળ હતી ?’
‘હા, હજૂર. આપના સમયમાં બાળવાનાં લાકડાંમાં પણ એટલી ભેળસેળ છે કે એક મડદાને બળતાં સાત-આઠ દિવસ લાગે છે. તમે જ કહો આવા સમયમાં કલાકની રજા મળવી મુશ્કેલ હોય ત્યાં સ્મશાનમાં જવા માટે કોઈ ને સાત દિવસની રજા કેવી રીતે મળી શકે ? આ કારણે મરનારનાં સાવ નજીકનાં સગાં સિવાય કોઈ સ્મશાને જઈ શકતું નથી. હજૂર, ચોખ્ખું ઝેર મેળવવું ઘણું મુશ્કેલ છે. એમાં મારો કોઈ કસૂર નથી. ચોખ્ખું ઝેર આ રાજ્યમાં કોઈ લાવી આપે તો હું પોતે તે ખાઈ જવા તૈયાર છું.’
‘ના-ના, હમણાં નહીં.’ વજીર તેની સત્યનિષ્ઠા જોઈ ખુશ થયો. પરંતુ વજીરને લાગ્યું કે જો આમ ઝેરનો ઉપયોગ બાતલ થઈ જશે તો રાજ્ય-ખટપટોના ઈતિહાસને આલેખનારા બિચારા ઈતિહાસકારોનું થશે શું ? ભવિષ્યના ઈતિહાસકારો પ્રત્યેની કરુણાથી વજીરની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે દવાની દુકાનવાળાને પૂછ્યું : ‘ભેળસેળ છે એ તો જાણ્યું. પણ મારે કોઈને ઝેર આપીને મારી નાખવો હોય તો શું કરવું હવે ?’
‘એ માટે હું લાચાર છું. એક વાર ખુદ મારે વેપારમાં ખોટ ગઈ ત્યારે મને પણ ખાવા માટે ચોખ્ખું ઝેર ક્યાંયથી મળ્યું ન હતું.’
‘તો પછી માણસને મારવો કેમ ?’ વજીરે વ્યાકુળ થઈને પૂછ્યું.
‘વિટામિનની ગોળીઓ આપી જુઓ. કદાચ કામ થઈ જાય.’
દુકાનદાર જતો રહ્યો. વજીરને પહેલી વાર લાગ્યું કે રાજ્યમાં ભેળસેળ દૂર થવી જોઈએ.

શહેનશાહ જહાંગીર આગળ વજીરે વ્યાપક ભેળસેળની વાત રજૂ કરી.
‘જહાંપનાહ ! મેં મારા સગા સાળાને સગા હાથે ઝેર આપ્યું છતાં તે મર્યો નહિ ! આવી ભેળસેળ ચાલશે તો જનતા જીવશે કેવી રીતે ?’ વજીરે સમગ્ર જનતાની ફરિયાદ આર્દ્ર સ્વરમાં રજૂ કરી. જહાંગીરની આંખ ચમકી.
‘વજીર ! આ ભેળસેળ અમને પસંદ છે.’
‘પણ… જહાંપનાહ…..!!!’
‘હા વજીર, રાજ્યમાં ચોખ્ખું ઝેર નહિ હોય તો કમસે કમ ઝેર આપવાનો પ્રયોગ તો કોઈ નહિ કરે ! અને કરશે તો સફળ નહિ થાય. આ તો રાજ્ય-ખટપટ છે. બધું વિચારવું જોઈએ.’ વજીરને પહેલી વાર લાગ્યું કે આ માણસ વિચારી પણ શકે છે.

પણ એક દિવસ –
એક દિવસ જહાંગીરને પણ ભેળસેળ અંગે કડક હાથે કામ લેવાની જરૂરત લાગી.
વાત આમ હતી.
પોતાના મનગમતા શરાબની બેત્રણ બાટલી પીવા છતાં કોઈ કેફ જહાંગીરને ચડ્યો નહિ ત્યારે તેણે ત્રાડ નાખી; ‘આ શરાબ છે કે શરબત ?’
‘હજૂર, આ શરબત તો નથી જ. આપણા રાજ્યનું આટલું શરબત પીધા પછી કોઈના ગળામાંથી અવાજ નીકળી શક્યો નથી.’ ભેળસેળવાળા શરબતની પ્રશસ્તિ કરતાં હજૂરિયાને ચોખવટ કરી. જહાંગીરને પણ થયું કે એ શરબત તો નો’તું જ. નહિતર એ પીધા પછી પોતે આવી ત્રાડ પાડી શકે એ વાતમાં માલ નહિ. મહેલ સમક્ષ સૂત્રો પોકારવા આવનાર તેમ જ સરઘસો લઈને આવનારનું સ્વાગત કરવાનો જહાંગીરનો ખાસ હુકમ હતો. અને તે સ્વાગતમાં શરબત પીરસાતું. શરબત પીધા પછી સૂત્રો પોકારનારાઓનાં ગળાં એવાં જકડાઈ જતાં કે સૂત્રો પોકારવાં તો ઘેર રહ્યાં પરંતુ સરઘસ-સંચાલકો પાસે પોતાના મહેનતાણાના પૈસા માગવા માટે પણ અવાજ કાઢી શકતા નહિ. આ રીતે જહાંગીર એક કાંકરે અનેક પક્ષીઓ મારતો. સૂત્રો પોકારનારાઓને પણ શરબત પાનાર ઉમદાદિલ રાજવી તરીકે ઈતિહાસકારો આજે પણ તેને સંભારે છે.

જહાંગીરે વધુ એક બૉટલ પીધી. પરંતુ નશો ચડ્યો નહિ. જહાંગીરનો મૂડ જતો રહ્યો. નશા વગરની જિંદગી તેને ગમતી નહિ. યુવાનીમાં નૂરજહાંની આંખોનો નશો તેને ચડતો હતો. અત્યારે નૂરજહાંની આંખે મોતિયો આવ્યો હતો.
‘સાલી ત્યાં પણ ભેળસેળ ! આંખો પણ ચોખ્ખી નહિ !’ જહાંગીર મનોમન તે યાદ આવી જતાં બબડ્યો. જહાંગીરે તાબડતોબ વજીરને બોલાવ્યો.
‘વજીર ! આ ભેળસેળ હવે કડક હાથે દાબી દેવી પડશે.’
‘જી હજૂર.’
‘આ જુઓ, આ ચાર ચાર બૉટલ શરાબ મેં પીધો પણ મને નશો ચડ્યો નથી !! પછી મારે રાજ્ય કેવી રીતે ચલાવવું ?’ જહાંગીર નશામાં હોય ત્યારે જ ફાઈલો ઉપર સહી કરી શકતો. વજીરે પોતાના જમાઈના અધ્યક્ષપદ હેઠળ ભેળસેળ નાબૂદ કેમ કરવી તે અંગે એક સલાહકાર સમિતિ નીમી દીધી. આ સલાહકાર સમિતિએ જહાંગીરને બાદ કરતાં રાજ્યનાં બધાં જોવાલાયક સ્થળોની રાજ્યના ખર્ચે મુસાફરી કરી લીધી.

અધ્યક્ષ મહોદયે એટલે કે વજીરના જમાઈરાજે પછી રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટ તેના છોકરાની પાસે લેસન કરવા આવતા છોકરા પાસે તેમણે લખાવ્યો હતો. જેનું એક માત્ર સૂચન યાને ભલામણ એવી હતી કે રાજ્યમાં ભેળસેળ દૂર કરવા માટે મહેલમાં એક ઘંટ લટકાવવો જોઈએ જેથી ગમે તે પ્રજાજન ઘંટ વગાડીને શહેનશાહ આગળ ભેળસેળ અંગેની ફરિયાદ રજૂ કરી શકે. પેલા છોકરાએ આવી જાતનો રિપોર્ટ એટલા માટે લખ્યો હતો કે તેને એવી આશા હતી કે ઘંટ વગાડવાનું સૂચન સ્વીકારાય તો તેની નિશાળનો ઘંટ રાજમહેલમાં લાગી જશે અને પછી નિશાળમાં ઘંટ જ નહિ રહે તો વાગશે શું ? ‘ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી’ એ ન્યાયે, નિશાળે જવાના કષ્ટમાંથી તેને મુક્તિ મળશે. સમિતિનાં સૂચનોનો તુરત સ્વીકાર થયો. અને એક વગવાળા કૉન્ટ્રાક્ટરને ઘંટ બાંધવાનો ‘કૉન્ટ્રાક્ટ’ અપાઈ ગયો. ટૂંક સમયમાં એક અત્યંત વિશાળ ઘંટ જહાંગીરના મહેલમાં લાગી ગયો. જહાંગીરે જાહેર કર્યું કે નાનામાં નાનો પ્રજાજન ભેળસેળ અંગે ફરિયાદ રજૂ કરી શકે તે માટે ઘંટ બાંધ્યો છે.

સૂર્યનાં કિરણમાં ન્યાયનો ઘંટ ચમકી રહ્યો હતો. એક પ્રજાજન મહેલાના ઝાંપામાં તે વખતે પ્રવેશી રહ્યો હતો. તે ધીરે ધીરે ઘંટની નજીક આવી રહ્યો હતો. ભેળસેળ અંગેની કોઈ ફરિયાદ તેની પાસે હતી. પહેરગીરો વિસ્મયપૂર્વક જોઈ રહ્યા હતા. ન્યાયનો ઘંટ વાગવાનો આ પ્રથમ પ્રસંગ હતો. ધીમે ધીમે મક્કમ ડગલે પેલો માણસ બરાબર ઘંટની નીચે જઈને ઊભો. તેના ધોળા વાળ સવારની ઠંડી હવામાં ફર ફરી રહ્યા હતા. એ યુવાન એક યુવતીના પ્રેમમાં હતો. પ્રેમિકાના હાથની માગણી કરવા તેના પિતાને મળવાનો તેણે નિરધાર કર્યો. પ્રેમિકાના પિતા ઉપર બને તેટલી ભવ્ય અસર પાડવા ખુશ્બોદાર મશહૂર હૅર ઑઈલની આખી બાટલી તેણે માથામાં ઠાલવી દીધી. અને ખુશ્બોથી તેનું મગજ તર થઈ ગયું. પરંતુ આયનામાં જોતાં દરેક વાળ ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. પરિણામે પ્રેમિકાના પિતાએ તેની માગણી તુચ્છકારતાં કહ્યું, ‘હું તો સમજ્યો કે તમે તમારા પુત્ર માટે મારી પુત્રીની માગણી કરવા આવ્યા હશે ! આ ધોળાં આવ્યાં તોયે શરમાતા નથી !!!’
પ્રેમિકા ગુમાવ્યાનો તેને ભારે આઘાત લાગ્યો હતો.

ભેળસેળવાળા હૅર ઑઈલ અંગે ફરિયાદ કરવા તેણે નિરધાર કર્યો. તે બરાબર ઘંટ નજીક જઈ ઊભો.
હૃદયમાં ગુસ્સો હતો.
મગજમાં ગુસ્સો હતો.
તેણે ન્યાયના ઘંટની સાંકળ જોશમાં, ભારે બળપૂર્વક ખેંચી. અને….? અને એક ભયંકર કડાકા સાથે ન્યાયનો ઘંટ અનેક ટુકડા સાથે ભારે વેગથી જમીન ઉપર તૂટી પડ્યો. બરોબર તે યુવાન ઉપર જ.
ઘંટના ઘડતરમાં જ ભેળસેળ હતી !
વિશાળ ઘંટ નીચે દબાયેલ યુવાનની લાશ પડી હતી. વજીરજી આ દશ્ય જોતા હતા. તેને થયું કે સાળાને ઝેર આપવા કરતાં ઘંટ વગાડવા મોકલ્યા હોત તો પ્રશ્ન જ ‘સૉલ્વ’ થઈ જાત !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવું કેમ ? – સં. આદિત્ય વાસુ
યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ Next »   

24 પ્રતિભાવો : ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી

 1. aavi milavat tyare pan hati??

  ha, sharuat rajdhani thi j thai hovi joiye …

  karanke aaje pan tya bhelsel khub thay che…

 2. જય પટેલ says:

  જ્યાં માણસની મથરાવટી જ મેલી હોય ત્યાં ભેળસેળ દુર કરવાની વાત હવામાં કિલ્લો બાંધવાની વાત છે.

  ઘણી વાર..અંડર લીગલ લીમીટ..ના રૂપાળા લેબલ હેડળ ઉઘાડી ઠગાઈ થાય છે.
  સરકારી પરવાનગી સાથે થતી ભેળસેળને કોઈ ભેળસેળ કહેતું નથી.

  આજે પરીસ્થિતીએ એવો વળાંક લીધો છે કે જો ભેળસેળ વગરનું શુધ્ધ ખાઈએ તો કદાચ માંદા પડી જઈએ..!!

  અને

  શુધ્ધ ખોરાક ખાઈને રડતાં રડતાં ડોકટર પાસે જવું પડે.

 3. કુણાલ says:

  😀 ..

  મજાનો લેખ .. અને મજાના કટાક્ષો …

 4. કલ્પેશ says:

  ઘણા લોકો ભૂખે મરે છે અને ઘણા લોકો વધુ ખાઇને.
  ગરીબી દૂર કરવા માટે પ્રવચન માટે ધનિકોને આમંત્રણ આપવામા આવે છે.

  અને આપણા જેવા મૂર્ખ કોણ હોઇ શકે – મતદાન પહેલા આપણો મત માંગનાર જૂઠુ બોલે છે અને પછી જે બોલે છે એ પણ પાળતો નથી (એટલે એ સાચો છે).

 5. Sarika says:

  મજાનો લેખ.

 6. nayan panchal says:

  તો પછી માણસને મારવો કેમ ?’ વજીરે વ્યાકુળ થઈને પૂછ્યું.
  ‘વિટામિનની ગોળીઓ આપી જુઓ. કદાચ કામ થઈ જાય.’

  મજા આવી ગઈ, આભાર.
  નયન

 7. સરસ !!! નિરન્જન ત્રિવેદિ ને ઘણા સમય બાદ વન્ચ્યા . આભાર …

 8. ન્યાયનો ઘંટ વગાડવામાં ભારે જોખમ છે.

  મજા પડી.

 9. Vaishali Maheshwari says:

  Interesting to read Mr. Niranjan Trivedi.
  Nice sarcastic incidents highlighting corruption almost everywhere.

  Very good. Keep it up.
  We all would love to read more and more articles from you.

  Thank you once again.

 10. ભાવના શુક્લ says:

  સરસ કટાક્ષ લેખ.

 11. Pravin V. Patel [Norristown PA USA] says:

  હાસ્યની સતત વહેતી ધારા.
  ભેળસેળ વગરની રમૂજ.
  વાહ નિરંજન! અફલાતુન મનોરંજન.
  આભારનો ભાર શા માટે?
  હાસ્યરંજન!

 12. Jigna says:

  ભેળસેળ પર ખુબ સરસ હાસ્ય કટાક્ષ લેખ.
  મિ. નિરંજન મહેતા, ખુબ સરસ. ભેળસેળ પર કટાક્ષલેખ આનાથી સુંદર ના હોઈ શકે.

 13. ખૂબ જ સરસ કટાક્ષ કથા.

 14. pinakin says:

  saras maja no lekh……………

 15. Tejash says:

  Aatli badhi milavat to tyare kadach n j hoy.This is a work of fiction.
  very well written.
  – આપણા રાજ્યનું આટલું શરબત પીધા પછી કોઈના ગળામાંથી અવાજ નીકળી શક્યો નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.