યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ

ફક્ત એનું નામ જ ‘આનંદ’ નહોતું, એ સ્વભાવે પણ આનંદી હતો. કોઈ મિમિક્રી કલાકાર તરીકે પ્રોગ્રામ આપી શકે એટલા ટૂચકાઓ અને ગીતો એના આંગળીના વેઢે રમતા. જ્યારથી એ આવ્યો ત્યારથી ઑફિસનું વાતાવરણ સાવ જ બદલાઈ ગયું હતું. સિનિયર-જૂનિયરની ભેદરેખા એણે જાણે ભૂંસી નાખી હતી. બધા લોકો સાથે એટલો ભળી ગયો હતો કે એક દિવસ માટે પણ જો આનંદ રજા પર હોય તો કોઈને કામ કરવાનો મૂડ ન આવે. પ્રોજેક્ટની છેલ્લી તારીખ હોય કે રિપોર્ટ મોકલવાનો છેલ્લો દિવસ – બંદા, કોઈ દિવસ ચિંતામાં ન હોય. કામ પણ એટલું જ ચીવટપૂર્વક અને ખંતથી કરે, એટલે બૉસને એની સામે ક્યારેય કોઈ ફરિયાદ ન હોય. એના મોંમાથી તમને કદી ‘ના’ સાંભળવાની ન મળે. નવું શીખવાની તાલાવેલી તો એટલી કે બીજા ડિપાર્ટમેન્ટમાં માથું મારીને આખી સિસ્ટમ સમજી લાવે. નિર્ણય લેવાની શક્તિ પણ ગજબની. અમે હજી વિચારીને પહેલું પગથિયું ચઢવાની શરૂઆત કરતા હોઈએ, ત્યારે આનંદકુમાર તો શિખર પર બેસીને હવા ખાતા હોય !

અમારામાંના મોટાભાગના મિત્રોની આ પહેલી નોકરી હતી એટલે ગ્રુપ બહુ સરસ બન્યું હતું. કોઈકના લગ્નની તૈયારીઓ ચાલતી હતી તો કોઈકને ઘર વસાવવાની શરૂઆત થઈ રહી હતી. અભ્યાસને અલવિદા કરીને બધા ત્રણેક વર્ષથી આ કંપનીમાં જોડાયા હતા. ધીમે ધીમે જીવનમાં સ્થિરતા આવી રહી હતી. પરંતુ આનંદના આવવાથી અમને બધાને જાણે ફરી કૉલેજકાળ યાદ આવી ગયો ! શહેરથી અમારી કંપની એકાદ કલાકના અંતરે આવેલી હતી. એટલે રોજ જતાં-આવતાં કંપનીની બસમાં અમારી મંડળી બરાબર જામતી. આનંદનો આનંદ એ વખતે સોળેકળાએ ખીલી ઊઠતો. ક્યારેક તો અમને હસાવીને એવા લોથપોથ કરી દેતો કે એમ થતું કે અમે ઑફિસ જવા નીકળ્યા છીએ કે પિકનિકમાં ! ‘આજે તો આનંદનું મોજું ફરી વળ્યું…..’ એમ અમે કહીએ એટલે આનંદ રમૂજમાં કહે : ‘એ મોજું મારું નથી… આજે તો હું ચંપલ પહેરીને આવ્યો છું…!!’

આમ તો આનંદ મારો જુનિયર પણ અમારા બંને વચ્ચે ઉંમરમાં ખાસ તફાવત નહોતો. પહેલીવાર આનંદ મને એના ઈન્ટરવ્યૂના દિવસે મળ્યો હતો. એ દિવસે ઑફિસમાં નવી ભરતી થતી હતી એટલે ખૂબ ચહલપહલ હતી. નવા નિશાળિયાઓ ‘શું પૂછશે ?’ એની ચિંતામાં પોતાનો C.V. લઈને બેઠા હતા. અંદરથી બહાર નીકળનારો બધા સામે એવી નજરે જોતો કે નવા ઉમેદવારોની બાકી રહેલી આશા પર પાણી ફરી વળતું ! ઘણા બધા માટે આ જીવનનો પહેલો અનુભવ હતો એટલે તેમ થવું સ્વાભાવિક હતું. પરંતુ આનંદ તેમાં અપવાદ હતો. ઈન્ટરવ્યૂ આપવાને બદલે એ જાણે બૉસનો ઈન્ટરવ્યૂ લઈને બહાર આવ્યો હોય તેમ એણે મને અટકાવીને પૂછ્યું :
‘એક્સક્યુઝ મી…’
‘યસ….’
‘ડ્રિંકિંગ વૉટર….’
‘ફર્સ્ટ ફ્લોર લેફટ સાઈટ… કમ વિથ મી…’ હું એ તરફ જઈ રહ્યો હતો. મેં એને મારી સાથે આવવા ઈશારો કર્યો.
‘આ લોકોને યાર, ઈન્ટરવ્યૂ લેતા જ નથી આવડતો…’ આનંદે વાત શરૂ કરી.
‘કેમ ?’ મેં પૂછ્યું.
‘હજાર જાતના સવાલો પૂછશે અને ટાઈમપાસ કરશે…. ઈન્ટરવ્યૂમાં માણસની કોમનસેન્સ જોવી જોઈએ, નહિ કે ગોખણપટ્ટી કરીને યાદ રાખેલું જ્ઞાન….’
‘પણ કોમનસેન્સ કેવી રીતે જોવાની….?’
‘સિમ્પલ…!! એક જ પ્રશ્ન પૂછીને…’ એણે કહ્યું.
‘એક જ પ્રશ્ન ?’ મેં ઉત્સુકતાથી પૂછ્યું.
‘જો મારે ઈન્ટરવ્યૂ લેવાનો હોય તો હું ઉમેદવારને એક જ પ્રશ્ન પૂછું કે… તમે બેઠા છો એની પાછળની દિવાલનો રંગ કહો… જો એ પાછળ જોઈને કહે તો નાપાસ અને જો એ સામે જોઈને કહી દે તો પાસ…’ અને આનંદે મુક્ત હાસ્ય વેર્યું.
‘ધેટ્સ ગ્રેટ…. તમારી તર્કશક્તિ સારી છે… તમે ચોક્કસ પસંદગી પામશો એમ લાગે છે..’ એમ કહી હું મારા કામે વળ્યો. ત્રણ-ચાર દિવસમાં સાચે જ આનંદની પસંદગી થઈ ગઈ અને મારી સાથે તેની દોસ્તી જામી ગઈ.

આ ત્રણ વર્ષ જોતજોતામાં વીતી ગયા. આનંદની જેમ બહારગામથી આવેલા બીજા મિત્રો પણ હવે સ્થાયી થઈ ગયા હતા. આનંદે હજુ પ્રભુતામાં પગલાં પાડ્યા નહોતાં એટલે એને જવાબદારી ઓછી હતી પરંતુ મારે ઘણી બાબતો એક સાથે સંભાળવાની હતી. મારી નાનકડી દીકરીને ડૉનેશન પર માંડ માંડ સારી સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. માતાપિતાને અહીં બોલાવીને બધાએ સંયુક્ત રહેવા માટે એક નાનકડું ઘર શોધવાની વ્યવસ્થા કરવાની હતી. મારી ગણતરીઓનું ગણિત પાર વિનાનું લાંબુ હતું. જીવનની જરૂરિયાતો વધતી જતી હતી તેમ તેમ અપેક્ષાઓનો ગ્રાફ પણ ઊંચો ચઢતો જતો હતો.

એ દિવસે બપોરે હું કોમ્પ્યુટર પર કેટલાક જરૂરી કાગળોની પ્રિન્ટ લઈ રહ્યો હતો. એટલામાં ફોન રણક્યો.
‘સા’બ આપકો બુલા રહે હૈ…..’ H.R. વિભાગમાંથી એ ફોન હતો. મારે તે વિભાગ જોડે સીધું કામકાજ નહોતું રહેતું એટલે મને થોડું આશ્ચર્ય થયું. ટેબલ પર પ્રિન્ટ કરેલા કાગળોના ઢગલા પર પેપરવેઈટ મૂકીને હું ગયો. સાહેબની કૅબિનમાં ગાળેલી એ સાત મિનિટે મને જાણે ઊંચકીને સાતમા પાતાળમાં ફેંકી દીધો. જી હાં, મંદીનું સુનામી હવે અમારી કંપનીમાં પણ આવી પહોંચ્યું હતું; જેનો આજે હું ભોગ બન્યો હતો. હું સાવ સ્તબ્ધ થઈ ગયો હતો. પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ હતી. ક્ષણમાં નજર સામે જીવનના મસમોટા સપનાંઓ ચકનાચૂર થતાં હું જોઈ રહ્યો. વિચારવાની શક્તિ મારી પાસે બચી નહોતી. રાજીનામા પર મારી સહી લેવામાં આવી હતી. હજુ દશ મિનિટ પહેલાં જેને હું મારું કામ ગણીને કરતો હતો, તે કામ સાથે હવે મારે કોઈ જ સંબંધ નહોતો ! મારી સાથે જ આવું શા માટે ? છેલ્લાં ત્રણ વર્ષમાં છ પ્રોજેક્ટસ સફળતાપૂર્વક પૂરા કરવા રાતદિવસ મહેનત કરવાનું આવું પરિણામ ?
‘કંપનીને તમારા કામની કદર છે, પરંતુ વર્તમાન સંજોગોમાં કંપની લાચાર છે. નવા પ્રોજેક્ટ મળી શકે તેમ નથી અને વહીવટી ખર્ચને ઘટાડવા માટે કર્મચારીઓને છૂટા કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી…’ મેનેજર સાહેબે કહ્યું હતું.

ઑફિસમાં સોપો પડી ગયો હતો. આજે એક જ દિવસમાં વીસ જણને છૂટા કરવામાં આવ્યા હતા. બાકી રહેલાઓ પર પણ તલવાર લટકતી જ હતી. કોઈ સિનિયર-જૂનિયર એમાંથી બાકાત નહોતા. આખું વાતાવરણ ગમગીન અને ઉદાસ બની ગયું હતું. કોઈને શું વાત કરવી એ સમજાતું નહોતું. નોકરી ગુમાવનારનું આયોજન ઊંધું વળી ગયું હતું. જે લોકો બચી ગયા હતા તે લોકો નોકરી ગુમાવનારને દિલાસો આપીને તેમના ઘા પર મીઠું ભભરાવવા નહોતા ઈચ્છતા. કોઈ પાસે કશું કહેવાના શબ્દો બચ્યા નહોતાં. વિદાય લેનારાઓની માત્ર આંખો જ છલકાવવાની બાકી રહી હતી. મારી જેમ કેટલાય કર્મચારીઓએ પોતાના સંતાનોના સારી સ્કૂલમાં એડમિશન લીધા હતા, પરિવારની જવાબદારીઓ નિભાવવાની શરૂઆત કરી હતી… એ બધા પર આજે પ્રશ્નાર્થચિન્હો લાગી ગયા હતા. મને તો શું કરવું એ જ સમજાતું નહોતું ! કામમાં તો મન હવે ક્યાંથી ચોંટે ? ટેબલ પર માથું ઢાળીને હું ઉદાસ ચહેરે બેઠો હતો ત્યાં મેં દૂરથી આનંદને એવી જ પ્રસન્નતાથી આવતો જોયો. આનંદ તો બધાનો માનીતો, એને કોઈ શું કામ પાણીચું પકડાવે ? – આજે પહેલીવાર મને આનંદની અદેખાઈ થઈ આવી.
‘કેમ સેન્સેક્સ ડાઉન છે ?’ નજીક આવીને આનંદે એ જ પરિચિત સ્મિત સાથે પૂછ્યું.
‘કંઈ નહિ યાર… મૂડ નથી. સાંજે વાત કરીશ…’ મેં સામે જોયા વગર જવાબ આપ્યો.
‘કેમ ભઈ ? મગજના કૉમ્પ્યુટરમાં વાયરસ ઘૂસી ગયા છે ?’ આનંદ રોજની જેમ મસ્તીના મૂડમાં હતો.
‘શટ અપ આનંદ…. તને ખબર છે અહીંયા શું થઈ ગયું છે ? અહીં મારા જીવનની મજાક ઊડી રહી છે અને તને મજાક કરવાનું સુઝે છે.’ હું ગુસ્સામાં તાડૂકી ઊઠ્યો.
‘નોકરી જ ગઈ છે ને ?….. આઈ નો…. એવું તો થાય… !’ આનંદ એકદમ સહજતાથી બોલી રહ્યો હતો.
‘વ્હોટ ડુ યુ મીન બાય…. એવું તો થાય ? પોતાની નોકરી બચી ગઈ એટલે બીજાને ઉપદેશ દેવા નીકળ્યો છે ?’ ડિપ્રેશનમાં હું આનંદને ગમે તેમ બોલી રહ્યો હતો. જવાબમાં એણે પોતાની હેન્ડબેગમાંથી ‘Resignation letter’ ની નકલ કાઢી મને બતાવી. હું થોડો ખચકાયો.
‘આનંદ, તું પણ ?’ મેં કહ્યું.
‘યસ દોસ્ત, હું પણ.’
‘ઓહ, પણ તને તો શેની ચિંતા હોય ? તારે ક્યાં જવાબદારી છે… એક મહિનો મોડી નોકરી શોધીશ તો પણ તને કોણ પૂછનાર છે ?’
‘એવું નથી દોસ્ત…. આ દુનિયામાં દરેકને નાની મોટી જવાબદારીઓ તો હોવાની જ. મારે પણ હજુ બહેનના લગ્ન લેવાના છે અને પિતાજીના ઑપરેશનનો ખર્ચ કાઢવાનો છે. પરંતુ એથી કંઈ હિંમત હારીને માથે હાથ મૂકીને થોડું બેસી જવાય ? જે કંઈ થતું હશે તે સારા માટે જ થતું હશે એમ માનવું રહ્યું….’
‘નોકરી છૂટી જાય એ સારા માટે ? વાહ ભાઈ વાહ ! તારા તો સમીકરણો જ જુદા છે.’ હું કટાક્ષમાં બોલી રહ્યો હતો.
‘મને ખબર છે તું બહુ ડિપ્રેશનમાં છે… એટલે તને બીજો કોઈ વિચાર જ નથી આવતો.’
‘આમ પણ હવે વિચારવા જેવું કશું રહ્યું છે જ ક્યાં ? આ મંદીમાં મને તરત કોણ બીજી નોકરી આપવાનું હતું ? કદાચ આપી પણ દે તો આટલો પગાર તો નહિ જ મળે ને ! જીવન માંડ માંડ કંઈક ગોઠવાયું લાગતું હતું, ત્યાં મૂળસોતું ઊઘડી ગયું. યાર, દુનિયામાં કામની કદર જ નથી. જેને હું મારું પોતાનું કામ ગણતો હતો, એ આજે કંપનીનું કામ બની ગયું. જે પ્રોજેક્ટને મેં મારા ગણીને રાતોના ઉજાગરા કરેલા એ આજે એક ક્ષણમાં કંપનીના થઈ ગયા ! મને તો માણસ જાત પરથી વિશ્વાસ જ ઊઠી ગયો. આવી હાલતમાં ડિપ્રેશન ન આવે તો શું આવે ?’
‘વેલ, હું તો કહીશ કે, એની માટે તું પોતે જ જવાબદાર છે……’
‘હું ? હું કેવી રીતે ?’ મને સમજાયું નહિ.
‘જરાક વિચાર કરીશ તો તને સમજાશે…’ કહીને આનંદ મારી બાજુમાં ખુરશી ખેંચીને બેસી ગયો. એના ચહેરા પર ગંભીરતા હતી પણ તેનાથી એની અંદરની પ્રસન્નતા જરાય ઓછી નહોતી થઈ. એ કોઈ મહત્વની વાત કરવા જઈ રહ્યો હોય તેમ મને લાગ્યું. તેની આંખોમાં આંખ પરોવી હું એકાગ્રતાથી તેને સાંભળી રહ્યો.

‘કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ ત્યારે બને છે જ્યારે તે પોતાની ક્ષમતા કે સફળતાના માપદંડોને પોતાના નક્કી કરેલા સીમિત ચોકઠામાં બાંધી દે છે. એમાંથી ક્યારેક બહાર નીકળવાનું થાય તો અસહાય અને લાચાર થઈને ગભરાઈ ઊઠે છે. નાનપણથી આપણને એમ શીખવવામાં આવે છે કે તમે ભણો, ગણો, સારા પગારની નોકરી મેળવો અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરો એટલે તમે સફળ !! જાણે-અજાણ્યે આપણા અજાગૃત મનમાં સફળતાની આવી ટૂંકી વ્યાખ્યા ઘર કરી જાય છે. મોટા થયા બાદ આપણે એ ટૂંકા દષ્ટિકોણથી આપણા જીવનને મૂલવવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં જો જરાક સરખી મુશ્કેલી ઊભી થાય કે તરત આપણે ડિપ્રેશનની ખાઈમાં સરી પડીએ છીએ. શિક્ષિત વ્યક્તિ સાહસિક બનવો જોઈએ, એની જગ્યાએ તે ડરપોક બની બેસે છે. તેનું ભણતર તેનું બળ બનવાની જગ્યાએ તેની નબળાઈ બની જાય છે. એમાં માણસ પોતાની અંદરની સર્જનાત્મકતાથી હાથ ધોઈ બેસે છે. શાળામાં અભ્યાસ કરતો બાળક, નિબંધ પણ ગોખીને તૈયાર કરતો હોય તો એની પાસે કઈ સર્જનાત્મકતાની અપેક્ષા રાખી શકાય ? એક ટોળાંની માફક બધું ચાલ્યા કરે છે અને આપણે આપણા કોચલામાંથી બહાર નીકળી શકતા નથી. ‘સોફટ લાઈફ’ એટલે કે આરામદાયક જીવન જીવવાનું આપણને એટલું બધું વળગણ છે કે ક્ષમતા હોવા છતાં વ્યક્તિ સાહસ કરવાનું નામ લેતો નથી…’ આનંદના એક-એક શબ્દો જાણે તેની નાભિમાંથી બોલાતા હતા.

‘આઝાદી મળવા છતાં હજુ આપણી માનસિકતામાંથી ગુલામી ગઈ નથી ! પોતાની ક્ષમતા પ્રમાણે માણસ નોકરી જરૂર કરે પરંતુ તેને સફળતાનો માપદંડ માની લેવાની ભૂલ શા માટે કરવી જોઈએ ? શું આપણે ફક્ત આકર્ષક પગાર મેળવીને સંતુષ્ટ થઈ જવાનું છે ? પદ અને પ્રતિષ્ઠા મળી જાય એટલે આપણી અંદરની શક્તિ, આવડત, વિચારો અને સર્જનાત્મકતાને શું અભરાઈએ મૂકી દેવાની ? મને એ સમજાતું નથી કે લોકો યુવાનીમાં સાહસ કરવાની હિંમત શા માટે ગુમાવી દે છે ? વિચારના એક નાનકડા બીજમાંથી મોટી વિરાટ કંપનીનું વટવૃક્ષ ઊભું કરનાર અનેક ઉદ્યોગ સાહસિકો આ પૃથ્વી પર જન્મ્યા છે. આપણે તો એમના હાથ નીચેની નોકરી મેળવીને સંતોષ માની લઈએ છીએ, પણ એમના જેવું બનવાનું વિચારી શકતા નથી. કોઈ નવા વિચારને આકાર આપવા માટે આપણે દશ કલાક મહેનત કરી શકતા નથી, પરંતુ એ જ વિચાર માટે કોઈ કંપની આપણને પગારદાર નોકર તરીકે રાખીને દશ કલાક મહેનત કરાવી શકે છે ! કેવી વિડંબણા છે આ ! શા માટે આપણે આટલા બધા લાચાર અને પાંગળા બની જઈએ છીએ ? શા માટે આપણે facebook કે google જેવી સર્વિસ ઊભી કરવાનું વિચારી નથી શકતા ? – એનું કારણ એ છે કે આપણે નિષ્ફળતાના ભયને લીધે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એટલી બધી લાંબી ગણતરીઓ કરી નાખીએ છીએ કે સરવાળે આપણામાં રહેલી સાહસ કરવાની ક્ષમતા સાવ શૂન્ય થઈ જાય છે. કોઈ બીજા આપણી બુદ્ધિનો ઉપયોગ કરે તો થાય, બાકી આપણાથી તો નહીં થાય ! આવી આપણી માનસિકતા છે. સાહસ કરીને પોતાના વિચારોને વળગી રહેતાં, ધીરજપૂર્વક કોઠાસૂઝ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ મેળવતા જઈને પછી જે સિદ્ધિ અને ઊંચાઈ માણસ પ્રાપ્ત કરે છે એનો આનંદ લાખોના પગારની નોકરી ક્યારેય આપી શકતી નથી. નોકરી ખરાબ છે એમ કહેવાનો અર્થ નથી, પરંતુ નોકરીને સર્વસ્વ માનીને પોતાની ક્ષમતાઓ પર પૂર્ણવિરામ મૂકી દેવાનું આપણને પોસાય એમ નથી. ભલે અદ્યતન જૉબમાં રોજ નવું શીખવાનું મળતું હોય તો પણ માણસે પોતાની સર્જનાત્મકતાથી પોતાની ઓળખ ઊભી કરવાનું ભૂલવું ન જોઈએ. નોકરી આમ તો નિયમિતતા કેળવવાની પાઠશાળા છે પણ નોકરી જેને માટે સુખી જીવનની કલ્પનાઓ પૂરી કરવાનું સાધન હોય એને તો લટકતી તલવાર રહેવાની જ !’ આનંદના એક નવા રૂપનો મને આજે પરિચય થયો. એની વાતો કંઈક મારા સમજમાં આવી. જો કે મારું મન હજુ દ્વિધામાં હતું એટલે મેં આનંદને પૂછી નાખ્યું :
‘તારી વાતો સાંભળવામાં બધી સારી લાગે, પણ એ તો જેને નોકરી છૂટે અને ડિપ્રેશન આવે એને જ ખબર પડે કે કેવી હાલત થાય છે.’
‘દોસ્ત, સાચું કહું ? નોકરી જવાથી કોઈને ડિપ્રેશન આવે એ વાતથી જ મને તો હસવું આવે છે ! માણસને શું એની પોતાની ક્ષમતા પર પણ વિશ્વાસ નથી રહ્યો ? મને એમ લાગે છે કે માણસને બજારની મંદી કરતાં વિચારોની મંદી વધારે નડે છે. પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા યુવાન ગુમાવી દેશે તો પછી એને યુવાન કોણ કહેશે ? શું ફક્ત શરીરની ઉંમરથી જ યુવાની મપાશે ? મનથી અકાળે વૃદ્ધ બની જવામાં કયું ડહાપણ છે ? સંઘર્ષને ખબર નહિ કેમ, પણ આપણે નિષ્ફળતાનો પર્યાય માની બેઠા છે. કોઈ માણસ કોઈ ક્ષેત્રમાં સંઘર્ષ કરે તો આપણે એમ માની બેસીએ છીએ કે એણે જીવનનું આયોજન નહીં કર્યું હોય ! સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે. કોશેટોમાંથી પતંગિયું બનવા માટે બહાર નીકળતી ઈયળ ભારે સંઘર્ષ કરીને તેનું પડ તોડે છે અને તેથી જ તેને એ સંઘર્ષમાંથી પાંખો ફૂટે છે. સંઘર્ષ હંમેશા દુનિયા કરતાં કંઈક અલગ નવી દિશા આપે છે. એનાથી ભાગીને આરામદાયક જીવન જીવવાની આટલી ઘેલછા શા માટે ? મોટા ભાગના લોકો જીવનને એક ઘરેડમાં પસાર કરી નાખે છે અને આમ કર્યાનું પાછું ગૌરવ અનુભવે છે ! નિયત કરેલા ચોકઠાઓમાં જીવનને જેમ જેમ બંધ કરતા જઈશું, એમ ડિપ્રેશન તો વધવાનું. થોડું સમજી વિચારીને કુનેહ પૂર્વક રસ્તો કરતાં શીખીશું તો સફળતાનો માર્ગ કંઈ એટલો દુર્ગમ નથી, જેટલો આપણે લોકો પાસેથી સાંભળ્યો હોય છે.’

‘તું આટલું બધું જાણે છે, તો તું શું કામ નોકરી કરે છે ? કેમ કોઈ નવું સાહસ કરવાનું નથી વિચારતો ?’ મેં એને અધવચ્ચે અટકાવીને કહ્યું.
‘હું નોકરી જરૂર કરું છું, પણ સાવ ‘નોકર’ નથી બની ગયો. નોકરી મારા જીવનનો એક ભાગ છે પરંતુ એને મેં સર્વસ્વ માનીને મારી સર્જનાત્મકતા પર પૂર્ણવિરામ નથી મૂક્યું. બલ્કે એનાથી હું નિયમિતતાના પાઠ શીખીને મારી ક્ષમતાઓને બમણા વેગથી બહાર લાવવા કોશિશ કરતો રહું છું. એનો એક નમૂનો તને આવતા મહિને બતાવીશ…’
‘એટલે ?’ મેં આશ્ચર્યથી પૂછ્યું.
‘વાત એમ છે કે કૉલેજકાળના પંદર મિત્રોનું અમારું ગ્રુપ છે. અમે સૌ એક બાબતમાં નિશ્ચિત છીએ કે ઊંચા જીવનધોરણથી કદીયે સંતોષ માનવો નહીં. એટલે બધા નોકરી કરતા હોવા છતાં કંઈક ને કંઈક નવું કરવા માટે હંમેશા તત્પર રહે છે. અમે સૌ ત્રણ વર્ષથી ‘support system’ નામના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સૌએ પોતપોતાનું કામ પદ્ધતિસર વહેંચેલું છે. બધાએ રોજ બે કલાક કામ કરવું એમ નક્કી કર્યું છે. હું તેમાં પ્રોગ્રામિંગનો થોડો ભાગ સંભાળું છું, બીજો એક મિત્ર ગ્રાફિક્સ સંભાળે છે. એ રીતે જુદા જુદા લોકો પોતાની આવડત પ્રમાણે આ પ્રોજેક્ટના નાના-મોટા ભાગ સંભાળી લે છે. આ પ્રોજેક્ટ હવે છેલ્લા સ્ટેજમાં છે. કોઈ પણ કંપનીનો તે 15 થી 17% વહીવટી ખર્ચ ઘટાડી શકે તેમ છે તેથી લાખોની કિંમતે વેચાનાર આ સોફટવેર માટે અમને અત્યારથી ગ્રાહકો મળવાના શરૂ થઈ ગયા છે. રોજના એ બે કલાક કામ કરીને પોતાની માટે કંઈક નવું કર્યાનો જે સંતોષ મળે છે, તે અહીં દશ કલાક કામ કરવાથી પણ મેં ક્યારેય નથી અનુભવ્યો. અત્યારે જરૂરત છે પોતાની ‘આઈડેન્ટીટી’ ઊભી કરવાની. થોડું કામ પોતાની રીતે કરવાથી આપણામાં આત્મવિશ્વાસ જન્મે છે અને ‘હા હું કરી શકું છું’ એ નૈતિક તાકાત આપણને ક્યારેય ડિપ્રેશન આવવા દેતી નથી. નોકરી અને ઘર વચ્ચે ઝોલાં ખાનારને પોતાની અંદરની આ તાકાત ઓળખવાનો ક્યારેય અવસર મળતો નથી, અને પરિણામે તે ડિપ્રેશનનો જલ્દીથી શિકાર બની જાય છે.’
‘તેં તો ગજબની વાત કરી, આનંદ !’ હું વિસ્મયથી તેને જોઈ રહ્યો.
‘દોસ્ત, કશુંક નવું કરી ન શકીએ તો પછી આપણા ભણતરનો અર્થ શો છે ?’
‘હમ્મ…. એ વાત તો છે. પણ મને તો આવો વિચાર ક્યારેય આવ્યો નથી !’
‘ક્યાંથી આવે ? આપણને પહેલેથી જ નવું વિચારવાની ટેવ નથી પડી. સાહસ કરનારાઓ તો બહુ મહાન માણસો હોય એમ માનીને આપણે આપણી જાતને તેમનાથી અલગ માની બેસીએ છીએ. પરંતુ જેમની પાસે વિઝન છે, હિંમત છે, કશુંક નવું કરવાની અદમ્ય ઝંખના છે તેઓ નોકરીને બાજુએ મૂકીને પણ નીકળી પડે છે. નારાયણમૂર્તિ જેવા વીરલા પોતાની બધી મૂડી દાવ પર લગાવતા અચકાતાં નથી. ગાઈડમાંથી ગોખીને પાસ થનારનું આ કામ નથી. પરીક્ષાના ટકા અને પગારના આંકડાઓથી સંતુષ્ટ થનાર ભાગ્યે જ સાહસ કરી શકે છે. બહારના પ્રવાહમાં ક્યારેક આપણે આપણી બધી આંતરિક ક્ષમતાઓને દબાવીને ટાઢાટપ્પ થઈને બેસી જઈએ છીએ. જીનીયસ થવા જન્મેલો માણસ કારકૂન બનીને સંતોષથી આખી જિંદગી ખેંચી કાઢે છે !’

‘ડિપ્રેશનનું બીજું પણ એક કારણ છે.’ એણે થોડું અટકીને વાતની દિશા બદલી.
‘શું ?’ મને લાગ્યું કે મારે આનંદ પાસે ઘણું જાણવાનું છે.
‘આપણા મનોભાવને વ્યક્ત ન કરવા તે…’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહીં.’
‘ક્યારેક આપણે આપણી લાગણીઓને દબાવી રાખીએ છીએ. એને વ્યક્ત થવાનો મોકો આપતા નથી. ખુલ્લાં મનથી હસી શકતાં નથી, કોઈની સાથે મુક્ત મનથી વાત કરી શકતાં નથી અથવા દુ:ખના સમયે કોઈના ખભે માથું ટેકવીને બે આંસુ પાડી શકતા નથી. આખી ઑફિસનો ભાર જાણે આપણા માથે હોય તેમ ફરીએ છીએ. શારીરિક આવેગોને દબાવી રાખવાથી જેમ શરીરનું તંત્ર બગડે છે તેમ આ માનસિક આવેગોને જો વ્યક્ત કરવામાં ન આવે તો ક્યારેક તે ડિપ્રેશન સ્વરૂપે બહાર નીકળી આવે છે.’
‘પણ એનો ઉપાય શું ?’
‘માણસે પોતાના સુખ-દુ:ખને વહેંચતા શીખવું, એ જ એનો ઉપાય. લાગણીઓને અંદર દબાવ્યા વગર એને બહાર નીકળવાનો રસ્તો કરી આપવો. એની માટે બ્લોગ કે ડાયરીનો ઉપયોગ કરી શકાય. ગીત, સંગીત, સાહિત્યનો આધાર લઈ શકાય. બધો ભાર બાજુએ મૂકીને ‘પડશે એવા દેવાશે’ એવી હિંમતથી કામ લેતાં શીખવું રહ્યું. હળવાશ એ જીવનની હવાબારી છે. અગાઉના સમયમાં લોકો ઓટલે બેસીને આખા ગામની વાતો કરતાં. એ વાતોમાં એમને પોતાની અનેક મૂંઝવણોનો ઉકેલ મળી જતો. તેઓ હળવાશ અનુભવતા. ભણેલા લોકો એને ‘ટાઈમપાસ’ સમજતાં પરંતુ એક રીતે જોતાં તે કૂકરના સેફ્ટીવાલ્વ જેવું કામ હતું. કોઈના ખભે હાથ મૂકીને માણસ આખી જિંદગી તરી જઈ શકે છે.’

આનંદની વાતો મારા મનને ખૂબ અસર કરી રહી હતી કારણ કે એ એના જીવનના અનુભવમાંથી આવતી હતી. હું આનંદના વ્યક્તિત્વની ધીમે ધીમે નજીક જઈ રહ્યો હોવું તેવું અનુભવી રહ્યો હતો. એની પ્રસન્નતાનું રહસ્ય મને સમજાઈ રહ્યું હતું. એણે સાચે જ જીવનની કલાને આત્મસાત કરી હતી. હું વિચારી રહ્યો હતો કે ક્યારેક આપણે આપણી નજીક રહેતા મિત્રને પણ નજીકથી ઓળખતા નથી હોતાં. આનંદની મારા મનમાં એક નવી છાપ ઉપસી રહી હતી.
‘તને ખબર છે ?’ એણે મારું ધ્યાન ખેંચતા કહ્યું, ‘હકીકતે આપણને નોકરી જાય એનું દુ:ખ નથી હોતું, પરંતુ નોકરીએ આપણને જે સુખસગવડના સાધનો વળગાળ્યાં છે એ જતાં રહેશે તો શું થશે ? એનું આપણને દુ:ખ વધારે હોય છે. એ Gadgets વગર કેમ જીવી શકીશું એવો ભય આપણા મનને ઘેરી વળે છે. જીવનના ભૌતિક સ્તરને જાળવવાની દોડમાં જીવનની કલાને આપણે વીસરી જઈએ છીએ. આપણાં જ ઊભા કરેલાં સુખના સાધનો આપણને આખી જિંદગી દોડાવતાં રહે છે. આ કહેવાતા ‘વિકાસ’ની દોટમાં જો આપણે ધીમા પડી જઈએ તો દુનિયા આપણને તુરંત ‘નિષ્ફળતા’નું લેબલ લગાવી દે છે ! તેથી આપણે એ દોડને જ સર્વસ્વ માની બેસીએ છીએ. જીવનમાં બીજી અનેક શક્યતાઓ રહેલી છે તેવો આપણે વિચાર નથી કરતા. જીવનને ક્યારેય બીજા ખૂણેથી જોવાની આપણામાં હિંમત રહેતી નથી. એ ટૂંકી દષ્ટિમાં ‘નોકરી’ આપણું સર્વસ્વ બની જાય છે અને તેના અભાવમાં માણસ ક્યારેક આપઘાત પણ કરી બેસે છે.’

‘તારી વાત સાચી છે, આનંદ. મને મારી ભૂલ સમજાય છે. ખરેખર, મેં થોડું સ્વસ્થતાથી વિચાર્યું હોત તો ડિપ્રેશનનો ભોગ ન બનત. પણ હવે હું જીવનને અલગ દષ્ટિથી જોઈ રહ્યો હોઉં તેમ અનુભવી શકું છું.’
‘સરસ. જીવનમાં ક્યારેય કોઈ એક ચીજને સર્વસ્વ માની બેસવાની ભૂલ કરવી ન જોઈએ. જીવન વિવિધરંગી છે. સાહિત્ય, નૃત્ય, કલા, વાંચન, ચિંતન, મનન, પ્રવાસ કે પછી ગમે તેનો સહારો લઈને જીવનમાં જુદા જુદા રંગો ભરી શકાય છે. સંઘર્ષના સમયમાં લોકોની વાતોથી દોરવાયા વગર સ્વસ્થ ચિત્તે બુદ્ધિપૂર્વક માર્ગ કાઢતા આવડવું જોઈએ. ભૌતિક ઉપકરણોનો સમ્યક ઉપયોગ જરૂર કરીએ પરંતુ એની પાછળ આંધળી દોટ મૂકવાનું ટાળવું જોઈએ. હંમેશાં કશુંક નવું વિચારતા રહેવું જોઈએ. એવું કદાપિ ન માનવું જોઈએ કે અદ્દભુત વિચારો મહાન માણસોને જ આવે છે. હકીકતે તો સામાન્ય માણસોને આવતા સામાન્ય વિચારોના અમલ થકી જ તે મહાન બને છે. દરેકમાં એ માટેની એક સરખી ક્ષમતા રહેલી છે. સવાલ તકને ઝડપવાનો નથી, તકને ઊભી કરવાનો છે. શિવ ખેરાનું પેલું વાક્ય તને યાદ છે ? : ‘Winner don’t do different things, they do things differently.’ એટલે જ, નોકરી છૂટે એમાં નાસીપાસ થવાનું કોઈ કારણ નથી. અગાધ અને અસીમ આ દુનિયામાં આપણા સૌ માટે વિપુલ સામગ્રી ભરી પડી છે. બસ, આપણામાં એ સમજવાની દષ્ટિ અને થોડી ધીરજ હોવી જોઈએ. સંઘર્ષથી ડરવાનું છોડીને સાહસપૂર્વક કદમ ભરવા જોઈએ…’
‘યુ આર જીનીયસ, આનંદ’ હું અભિભૂત થઈને બોલી ઊઠ્યો.
‘ઑલ આર જીનીયસ માય ફ્રેન્ડ….’ એ હસ્યો.

એ દિવસે સાંજે ઘરે પરત ફરતાં કંપનીની બસમાં ઘણા મિત્રો ઉદાસ ચહેરે બેઠા હતાં. એમને જોઈને આનંદે ઊભા થઈને સૌની વચ્ચે ‘જો જીતા વહી સિકંદર’નું આ ગીત ગાવાનું શરૂ કર્યું :
जवाँ हो यारो,
ये तुम को हुआ क्या…
अजी हम को तो देखो जरा…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી
જીવનવલોણું – દિલીપ રાણપુરા Next »   

57 પ્રતિભાવો : યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ

 1. aanand ni naatmaa satata vadharo thay evu ichchhie

 2. Kiritkumar D.Shah says:

  Mrugeshbhai,
  Nice article in present situation.

 3. Really nice mrugeshbhai,
  similar things are happening nowadays everywhere…..

  good story as a whole…..

 4. જય પટેલ says:

  આનંદે તો આનંદ ફિલ્મના આનંદની યાદ અપાવી દીધી.

  જીવનમાં નોકરી – વ્યવસાયને લગતા ચઢાવ-ઉતાર તો ઈચ્છા-અનિચ્છાએ આવતા જ હોય છે પણ તેથી જીવનચક્ર કંઈ થોડું અટકી જાય છે ?

  આજે અનાયાસે શ્રી મૃગેશભાઈના વડોદરામાં ઘટેલી ઘટનાના સમાચાર આજના સંદેશ માં પ્રગટ થયા છે.
  દરેક મિત્રોને આ ગમગીન સમાચાર વાંચવા ભલામણ છે.

  વડોદરાના શ્રી અંબાલાલ મિસ્ત્રી પોતાના પુત્રના મૃત્યુનો આઘાત સહન ના કરી શકતા ઉંઘમાં જ મૃત્યુ પામે છે. ઘણી વાર માણસ ગમે તેટલી ડાહી ડાહી વાતો કરે પણ કુદરતનો આતંક કઠોળ કાળજાના માણસને પણ તોડી નાખે છે.

  લીંક.
  http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=83808

  શ્રી અંબાલાલ મિસ્ત્રી સાથે કુદરતે કરેલી કૃરતા વાંચી હૈયું ગમગીન થઈ ગયું.

 5. Very nice story. Really very true for these days when people are loosing their job and finding the way.

 6. Janakbhai says:

  Inspiring story. You have written about the reality and given its solution too.
  Janakbhai

 7. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ વાર્તા મૃગેશભાઈ.
  આવુ પ્રેરણાદાયી લખ્યા કરો.
  આભાર.

 8. Ronak Patel says:

  ખરેખર ખુબ જ સરસ લેખ….આભાર…..

 9. કલ્પેશ says:

  સરસ.

  અહી અમેરિકામા મે એક સૉફ્ટવેર આર્કિટેક્ટ જોડે કામ કર્યુ હતુ અને મારા મત પ્રમાણે એ ખરેખર એ પદને લાયક છે. તે છતા એની પાછલી નોકરીમા એની સાથે બીજા હજારોને એક જ દિવસે છૂટ્ટા કરી દીધા હતા.

  એણે એ વાતને સહજતાથી મને કહી હતી. ત્યારે મને લાગ્યુ કે અમેરિકામા લોકો કામમા શ્રેષ્ઠ હોય તે છતા નોકરી જતી રહે છે. એથી સારા લોકો નાસીપાસ નથી થતા. એ લોકો માનતા થયા છે કે આ બધુ માથા પર ભારની જેમ લઇને કેમ જીવાશે?

  ભારતમા આપણે હજી આવા દિવસો જોયા નથી. તે છતા, હવે કદાચ આવા દિવસો ભારતમા મને આવે તો હુ એ વાતને કદાચ સરળતાથી લઇ શકીશ.

  એક બીજી વાતઃ અમેરિકામા જ્યારે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. ત્યારે એક અમેરિકન બાઇએ મને કહ્યુ કે કદાચ આવી હાલત રહી તો અમારે કામ શોધવા ઇંડિય આવવુ પડશે. તો મે એને કહ્યુ કે જે વસ્તુ અમેરિકન કલ્ચરમા છે એ હજી અમારી પાસે ઓછી છે – સાહસિકતા.

  અમેરિકામા લોકો સલામતીની પાછળ ભાગતા નથી અને આપણે એક નોકરી માટે પણ અસલામતી અનુભવીએ છીએ. આ વસ્તુ જો આપણે આત્મસાત કરી લઇએ, પોતાના વિચારો/દ્રષ્ટિમા વિશ્વાસ રાખીએ અને પગલા ભરીએ તો શુ અશક્ય છે?

 10. કલ્પેશ says:

  એક બીજી વાતઃ લગ્ન માટે પાત્ર શોધતી વખતે લોકો આજે કેટલુ કમાય છે/કેવા ઘરમા રહે છે એ બધુ જાણવામા આવે છે. પણ આ બધુ કાલે ન હોય તો કેવી રીતે જીવવુ એ આપણને કોઇ શિખવાડતુ નથી અને ખરેખર તો આપણે એમ જ વિચારીએ કે “મારા એવા દિવસો ના આવે તો સારુ” 🙂

  હીરાને પ્ત્થર વચ્ચે મૂકો તો પણ હીરો ચમકવાનુ નથી ભૂલતો.

 11. લેખ ખરેખર સમયસર અને માપસર! થૅન્ક્સ સર!

 12. કુણાલ says:

  ખુબ સુંદર વાત ….

  સૌ વાચકોને અભિનંદન કે એમને (એમાં હું પણ આવી ગયો) આ વાતો વાંચવા મળી …

 13. Chintan Parmar says:

  ખરેખર ખુબ જ સરસ લેખ….આભાર…..
  આવુ પ્રેરણાદાયી લખ્યા કરો.

 14. Brinda1 says:

  ખુબ જ સરસ રીતે કહેવાયેલી વાત! સાચે જ આપણને જે સગવડો છે તે ગુમાવવાનુ દુખ વધારે હોય છે, એટલે હાથમા જે છે તે પણ માણી નથી શકતા.

 15. Amol says:

  મૃગેશભાઈ,
  આ સુન્દર લેખ માટે ખૂબ ખૂબ આભાર્…..
  તમારી વાત ખરી છે, આજે બધા નોકરિયાતો પોતાની આવડત પરનો વિશ્વાસ ગુમાવી બેઠા છે અને સતત ભય સાથે જીવે છે…

  આમોલ……

 16. nayan panchal says:

  મૃગેશભાઈ, આજકાલ તમે rich dad, poor dad કે પછી the saint, the surfer and the CEO વાંચો છો?

  આપણી શિક્ષણવ્યવસ્થા જ આપણામાં સાહસિકતા અને હતાશા સામે કઈ રીતે લડવુ તે શીખવતી નથી. લોકો એક વાર પૂરતા પગાર વાળા સલામત comfort zoneમાં ઘૂસી જાય પછી નવુ કંઈ પણ કરતા ડરે છે. માતા-પિતા પણ એમ જ કહે છે કે સારું ભણો, સારી નોકરી શોધી લો અને ઠરીઠામ થઈ જાઓ.

  ફિલ્મ ગુરૂમાં અભિષેકને તેનો શેઠિયો સમય કરતા વહેલા પ્રમોશન આપે છે અને ગુરૂભાઈ તરત જ તે નોકરી છોડી દે છે. “તેણે મારામા કંઈક ખાસ જોયુ તેથી જ મને પ્રમોશન આપ્યુ, તો તે ખાસ લાયકાત હું મારા પોતાના વિકાસ માટે શા માટે ન વાપરું?”

  નયન

 17. Kavita says:

  Very effective in present time. I hope as many people can read & understand what Mrugeshbhai has explained. It will certainly help me.

 18. Sarika says:

  Very good Article Mrugeshbhai. It’s very Inspirable article to faced our bad period and obstacles in our life.

  Thanks Mrugeshbhai

 19. […] યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ સરસ આર્ટીકલ! થેન્ક્સ ટુ […]

 20. ખુબ સુંદર લેખ.

  જે માણસ કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ રહેતાં શીખી જાય છે તે હતાશ થવાને બદલે શાંત રહીને બદલાતી પરિસ્થિતિ સામે નવો મોરચો રચીને આનંદની જેમ આનંદપૂર્વક પોતાનો માર્ગ શોધી લે છે. માણસ જ્યારે બાહ્ય સલામતીની ઘેલછા છોડીને આંતરસત્વને મજબુત કરતાં શીખશે ત્યારે તે દરેક પરિસ્થિતિમાં શાંત રહી શકશે.

  દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની કળા શીખવા માટે વડોદરા – શ્રી રામકૃષ્ણ મીશન અને વિવેકાનંદ મેમોરિયલના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા લખાયેલ પુસ્તક “આધુનિક માનવ શાંતીની શોધમાં” ઘણું જ ઉપયોગી નીવડે તેમ છે. આ પુસ્તક વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

  http://bhajanamrutwani.wordpress.com/amss/

 21. આજના મંદી અને જોબ છુટી જવાના ભયથી થરથરતા યુગમાં આનંદ અપાવે એવી વાર્તા. આપણામાં રહેલ અસલામતીની ભાવના જ આપણને કોરી ખાય છે. એક વાર સલામત જિઁદગી ગોઠવાય જાય પછી કંઈ પણ નાની નાની અસલામતીઓ પણ મોટી લાગે.
  નોકરિયાત વળી પોતાન નોકરીના ગુલામ થઈ જાય એટલે વધુ પરવશ થઈ જાય.
  રસ્તો નીકળે એના કરતો રસ્તો બનાવવો જરૂરી બને છે.

 22. Shilpa says:

  Thank you very much Mrugeshbhai for this Inspirational article.

 23. Amit says:

  વાહ મૃગેશભાઈ વાહ. very inspirational.

  This would really help me as I am also going through the situation which depicted in this article.

  Thanks for wonderful article.

 24. Veena Dave,USA says:

  Mrugeshbhai, very good article. Thanks.

 25. Vaishali Maheshwari says:

  Excellent article in the current job scenario.

  “સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે. થોડું સમજી વિચારીને કુનેહ પૂર્વક રસ્તો કરતાં શીખીશું તો સફળતાનો માર્ગ કંઈ એટલો દુર્ગમ નથી, જેટલો આપણે લોકો પાસેથી સાંભળ્યો હોય છે. સવાલ તકને ઝડપવાનો નથી, તકને ઊભી કરવાનો છે. શિવ ખેરાનું પેલું વાક્ય તને યાદ છે ? : ‘Winners don’t do different things, they do things differently.’ એટલે જ, નોકરી છૂટે એમાં નાસીપાસ થવાનું કોઈ કારણ નથી. અગાધ અને અસીમ આ દુનિયામાં આપણા સૌ માટે વિપુલ સામગ્રી ભરી પડી છે. બસ, આપણામાં એ સમજવાની દષ્ટિ અને થોડી ધીરજ હોવી જોઈએ. સંઘર્ષથી ડરવાનું છોડીને સાહસપૂર્વક કદમ ભરવા જોઈએ…ઑલ આર જીનીયસ માય ફ્રેન્ડ….”

  Lot to learn from this story.
  Thank you Mrugeshbhai for such an inspiring and motivating article.

 26. Daksha Ganatra says:

  How wonderful!!!!!

  As I woke up this morning, I was feeling a little depressed but after reading this article, I am back to myself.

  I totally agree with particularly this sentence “આ કહેવાતા ‘વિકાસ’ની દોટમાં જો આપણે ધીમા પડી જઈએ તો દુનિયા આપણને તુરંત ‘નિષ્ફળતા’નું લેબલ લગાવી દે છે ! ” Sometimes we think of how others look at us and then we start thinking the same way too.

 27. સરસ પ્રાસંગિક લેખ.

 28. Excellent Article….
  Salute to you Mrugeshbhai…..
  Keep on writing such kind of articles….

 29. dipak says:

  mrugesh saheb!!!! be shabdo tamara mate!!!!

  હેટ્સ ઓફ્ફ ટુ યુ જીનીયસ……….

  booster in recession!!!

 30. nayan panchal says:

  મૃગેશભાઈ,

  print this pageની લિંક at least રહેવા દેજો. આવા સરસ આર્ટિકલ બીજાને વંચાવવા હોય તો printout લેવી પડશે.

  નયન

 31. ila patel says:

  dear mrugeshbhi……hello!

  very much inspired by reading todays stkory because since long i thought to exand my designing work which i handle from my residence only ,but somthing break my things. now i know what is that? i,at age of 58yrs now firm about my project.thanks again

 32. Krishman says:

  Excellent inspiration article. Keep it up.

  “Each of us is in truth an unlimited idea of freedom. Everything that limits us we have to put aside.”

 33. vimal shah says:

  સરસ વાત. સુન્દર છણાવટ.

 34. Pratibha says:

  હતાશા અને આનંદની એ સમયને જોવાની આગવી રીત મનને આનંદ આપી ગઈ.

 35. Jigna says:

  “નાનપણથી આપણને એમ શીખવવામાં આવે છે કે તમે ભણો, ગણો, સારા પગારની નોકરી મેળવો અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરો એટલે તમે સફળ !! જાણે-અજાણ્યે આપણા અજાગૃત મનમાં સફળતાની આવી ટૂંકી વ્યાખ્યા ઘર કરી જાય છે. મોટા થયા બાદ આપણે એ ટૂંકા દષ્ટિકોણથી આપણા જીવનને મૂલવવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં જો જરાક સરખી મુશ્કેલી ઊભી થાય કે તરત આપણે ડિપ્રેશનની ખાઈમાં સરી પડીએ છીએ. શિક્ષિત વ્યક્તિ સાહસિક બનવો જોઈએ, એની જગ્યાએ તે ડરપોક બની બેસે છે”

  મૃગેશભાઈ, ખુબ સરસ પ્રેરણાદાયી લેખ.

 36. Balkrishna Shah,Vile Parle says:

  સરસ લેખ જે રીડ ગુજરાતી વેબ સાઈટમાં કેદ થઈ ગયો.

 37. sangita says:

  No other words.Simply fantastic and need of the hour.Congratulations.

 38. Sandhya Bhatt says:

  સમયસરનો લેખ.નિરાશાભર્યા માહોલમા પ્રસન્ન રહેવાની રીત બતાવી તે માટે સૌ તમારા આભારી રહેશે.

 39. મૃગેશભાઈ,

  સરસ લેખ.

  આપણી તકલીફ એ હોય છે કે આનંદ હંમેશા આનંદ (ફિલ્મમાં ) કે આ પ્રકારના લેખમાં જ મળે કે હોય એવું માની લેતા હોય છીએ.

  તમે કહો છો ને,” શા માટે આપણે facebook કે google જેવી સર્વિસ ઊભી કરવાનું વિચારી નથી શકતા ?” 10-12 દિવસ પહેલા એક્ઝેટ આ જ (વાક્ય પ્રમાણે નો) બળાપો એક લબરમૂછીયા યુવાન નામે કુણાલ ધામીએ કાઢ્યો હતો.
  બીજુ કે લેખ માહેનો આનંદ જ આવું કામ કરી શકે એમ ધારીને આપણે બેસી જઈએ છીએ જ્યારે આવું વિચારી જ નહી પરંતુ અમલ કરનાર પણ ઘણા હશે અને હું એક આવા જ યુવાન ને ઓળખુ છું એ છે “કાર્તિક મિસ્ત્રી” ( http://kartikm.wordpress.com/ ) આ માણસ અને એની ટીમે લીનક્સ પર ઘણું કામ કર્યું છે અને કરે છે.

 40. pinakin says:

  khub j preranadayak lekh …

 41. Darshan says:

  grate i like it very much teach every one so many thing.

  થોદાક આ ઘનુ ક્ઈ જાય

 42. Vraj Dave says:

  લેખ અદભુત છે. સારુ. અભિનંદન.

 43. Vinod Patel (USA) says:

  This is a great counseling article. Many thanks to Mrugeshbhai.

 44. Mital Parmar says:

  જીવનમા ઉતારવા જેવો લેખ ….આભાર

 45. sneha shah says:

  its vrey good….. n ery touchy..n very effective.. thanks mrugeshbhai

 46. alka says:

  મ્રુગેશ ભાઈ
  બહુ જ સરસ વાત કરી

 47. Chirag Thakkar says:

  ખૂબ પ્રેરણાદાયક અને સુંદર.
  લખતા રહો મૃગેશભાઈ.

 48. Sobhag says:

  A very interesting article…what is depression? How do people get depressed? why can’t people challenge depression? How can people challenge depression? All these questions are very well answered in this article of Shri Mrugeshbhai Shah.

  My hats off to him for this informative article.

 49. Saumil says:

  Very inspiring article. Nicely presented as well. Thanks Mrugreshbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.