જીવનવલોણું – દિલીપ રાણપુરા

[‘જીવનવલોણું’ પુસ્તક (આવૃત્તિ, 1987)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

[1] અહંકારનું પ્રતીક

કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક એટલો બદલાઈ ગયો કે એ પહેલાંનો અશોક ન રહ્યો. પહેલાં એ રાજ્યોનો સમ્રાટ હતો, હવે એ સદભાવનાઓનો સમ્રાટ બની રહ્યો હતો. પહેલાં એ એક દમામથી રહેતો, હવે એ દમામની જગ્યા વિનમ્રતાએ લઈ લીધી હતી. પહેલાં એ અહંતાથી ઊભરાતો હતો, હવે રજથીય નાનો બની રહ્યો હતો. એના આ પરિવર્તને ઘણાંને આશ્ચર્ય થયેલું ને પ્રજાને તો આનંદ થયેલો.

એક દિવસ એ પોતાના અમાત્ય સાથે બહાર ફરવા નીકળેલો. પગે ચાલીને પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં એક ભિખારી મળ્યો. અશોક તેની પાસે ગયો. ભિખારીને તો કોઈ પરવા નહોતી કે કોણ તેની પાસે આવ્યું છે ને શા માટે ? તે થોડીવાર ઊભો રહી ગયો. અશોક સામે જોયું ને પછી આગળ વધવા જાય છે ત્યાં અશોક નીચે નમ્યો. ભિખારીના ચરણમાં પોતાનું માથું ઝુકાવી દીધું. ભિખારી કશા પણ પ્રતિભાવ બતાવ્યા વગર ચાલતો થયો. પણ અમાત્ય અને આ દશ્ય જોનાર નગરજનો તો સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું, સમ્રાટ અશોક જેના ચરણમાં માથું ઝુકાવે તે મહાન હોવો જોઈએ. પણ નગરજનો તો એ ભિખારીને ઘણા લાંબા સમયથી ઓળખતા હતા. એ મહાન નહોતો, શૂદ્ર હતો. ભીખના ટુકડા ઉપર ગુજારો કરતો ને પાછો અહંકાર સમ્રાટ જેવો રાખતો. બધાને આ વાતની નવાઈ લાગી ને નવાઈ તો એ વાતની પણ લાગતી હતી કે અશોક જેવા સમ્રાટે માથું તેના પગમાં ઝુકાવ્યું, છતાં તે બે બદામનો ભિખારી કશું બોલતો નથી. પોતાની અયોગ્યતા પણ વ્યક્ત કરતો નથી.

એક આશ્ચર્યનું મોજું ફરી વળ્યું નગરમાં….. મહેલમાં આવ્યા પછી તરત જ અમાત્યે કહ્યું : ‘મને આપનું વર્તન ઠીક નથી લાગ્યું…..’
‘કયું ?’
‘ભિખારીના પગમાં આપે માથું નમાવ્યું તે.’
અશોક સાંભળી રહ્યો.
અમાત્ય આગળ બોલ્યો : ‘આપના જેવા સમ્રાટ…..’
‘હું હવે ક્યાં સમ્રાટ રહ્યો છું ?’ અશોક વચ્ચે બોલ્યો.
‘આપની કીર્તિ એટલી બધી છે કે આપ હજુ પણ સમ્રાટ છો. જગતનો કોઈ સમ્રાટ આપની કીર્તિને કદાચ નહિ આંબી શકે.’
અશોક માત્ર મંદમંદ હસ્યો અને ચૂપ રહ્યો.

ચાર-છ મહિના પછી અશોકે મહાઅમાત્યને બોલાવ્યા અને કહ્યું : ‘એક કામ તમને સોંપું છું.’
‘આજ્ઞા કરો.’
‘પણ એ કામ તમારે જાતે જ કરવાનું છે.’
‘શું કામ છે ?’
‘તમે નજીક આવો, હું સમજાવું.’
અમાત્ય નજીક ગયો. અશોકે કહ્યું : ‘મારા પૂર્વજીવનમાં મેં ઘણા શિકાર કરેલા. પ્રાણીઓના અને માણસોના. તમે તો જાણો છો કે મને એ વખતે પ્રાણીઓની ખોપરીઓ એકઠી કરવાનો શોખ હતો. એક અહંકાર હતો કે મેં આવાં આવાં પ્રાણીઓના શિકાર કર્યા છે એ બતાવવાનો.’
‘જી, હું જાણું છું. પણ એ બધું તો છૂટી ગયું છે.’
‘ના, નથી છૂટ્યું, હજુ સચવાયેલું છે. પણ હવે એ છોડવા માગું છું.’
‘કઈ રીતે ?’
‘એ ખોપરીઓ જ્યાં સુધી અહીં છે, આ મહેલમાં છે ત્યાં સુધી એ પૂર્વજીવનનાં પાપ મને પીડ્યા કરશે.’
‘તો એનો નાશ કરી નાંખીએ.’
‘ના, નાશ નથી કરવો, અમાત્યજી, દરેક વસ્તુનો ઉપયોગ હોય છે, ને જેનો ઉપયોગ હોય છે તેની કિંમત પણ હોય છે.’
‘સમજી ગયો.’
‘આપણા નગરમાં એવા કેટલાક માણસો છે, જે ખોપરીઓ વેચાતી લે છે.’
‘હા, છે !’
‘તો આ ખોપરીઓ તેને વેચી આવો.’ કહી અશોકે કેટલીક ખોપરીઓ તેની પાસે લાવીને મૂકી.
અમાત્ય તો જોઈ જ રહ્યો. કેટલી બધી ખોપરીઓ હતી ! ગાય, બકરી, ભેંસ, વાઘ, ઊંટ, ચિત્તા, સિંહ, ઘોડા અને માણસની ખોપરીઓનું એક પોટલું બંધાવીને તે નગરમાં ઊપડ્યો.

માણસ સિવાયની બધી ખોપરી વેચાઈ ગઈ. ખૂબ મહેનત કરવા છતાં માણસની ખોપરી ખરીદવાવાળું કોઈ ન મળ્યું ત્યારે તે સાંજે પાછો ફર્યો ને અશોકને કહ્યું, ‘આ માણસની ખોપરી બચી છે. કોઈ વેચાતી નથી લેતું.’
‘મફતમાં આપી દો.’
અમાત્ય બીજે દિવસે નગરમાં ગયો. બપોરે પાછો ફર્યો ને કહ્યું : ‘મફતમાં પણ કોઈ નથી લેતું.’
‘હું મરી જાઉં ને મારી ખોપરી વેચવા જાઓ તો કંઈ ફેર પડે ખરો ? કોઈ ખરીદે ખરું ?’
અમાત્ય થોડો ડરી ગયો ને પછી બોલ્યો : ‘માફ કરો તો કહું. આપની ખોપરી પણ કોઈ નહિ ખરીદ કરે. મને પહેલીવાર જાણ થઈ કે માણસની ખોપરીની કોઈ કિંમત નથી.’
‘ઠીક છે, તો મેં ભિખારીના પગમાં માથું નમાવ્યું તેની નવાઈ કેમ લાગી ? માણસના માથાની કોઈ કિંમત નથી તેમ માણસના અહંકારની પણ કોઈ કિંમત નથી. માથું તો અહંકારનું પ્રતીક છે. એટલે અહંકારને ચૂરચૂર કરવા મસ્તક ઝુકાવવું જરૂરી છે. આ મસ્તક નમશે તો અહંકાર દૂર થશે.’ અમાત્યને વાત સ્પર્શી ગઈ.

[2] માણસની ભાષા

ભગવાન બુદ્ધ આનંદ સાથે જેતવનમાં બેઠા છે. રાજા પ્રસેનજિત હજુ હમણાં જ ગયા છે. ભગવાન બુદ્ધ ધ્યાનસ્થ છે. આંખો ઢળેલી છે ને ચહેરા પર કરુણા પથરાયેલી છે. આનંદ પ્રકૃતિને જોઈ રહ્યો છે. સામેથી એક માણસ આવે છે. આનંદ એનાં પગલાંને જોઈ રહે છે. માણસ નજીક આવે છે. એના ચહેરા ઉપર અકળામણ છે, રોષ છે. એ આવીને ભગવાન બુદ્ધ પાસે ઊભો રહે છે. આનંદ એની સામે જોઈ રહે છે. એ માણસના ચહેરા પરના ભાવો એટલા ઝડપથી પલટાતા, પથરાતા, ભૂંસાતા હોય છે કે આનંદ કશું સમજી શકતો નથી.
એ માણસે રોષમાં પગ પછાડ્યો.
ભગવાન બુદ્ધે ધીમે ધીમે આંખોનાં પોપચાં ઊંચાં કર્યાં.
પેલા માણસે ફરી જોરથી પગ પછાડ્યો.
ભગવાન બુદ્ધની કરુણા નીતરતી બંને આંખો એના ચહેરા પર મંડાઈ ગઈ. હોઠ પરનું આછું આછું સ્મિત એને આવકારવા લાગ્યું.

પેલા માણસની અસ્વસ્થતા ઘણી વધી ગઈ. એના ચહેરાની નસો તંગ થઈ ગઈ. હાથની મૂઠીઓ વળી ગઈ. એ માણસ વ્યાકુળ બની ગયો. એ બુદ્ધની નજીક આવ્યો ને જોરથી એમના મોં પર થૂંક્યો. થૂંકીને એકાદ ક્ષણ ઊભા રહ્યા પછી તરત જ એ જ વ્યાકુળતાથી ચાલ્યો ગયો. ભગવાન બુદ્ધ એને જતો જોઈ રહ્યા, કરુણાથી, પ્રેમથી, સસ્મિત… ને પછી તરત આંખો ઢાળી દીધી.
આનંદથી ન રહેવાયું. તે બોલ્યો : ‘ભગવાન….’
‘બોલ આનંદ.’
‘મને સમજાતું નથી કે આ માણસ તમારા મોં પર થૂંક્યો, છતાં તમે એને કાંઈ જ કેમ ન કહ્યું ?’
ભગવાન બુદ્ધે કેવળ સ્મિત કર્યું.
‘મને તો થોડો રોષ આવેલો.’ આનંદે કહ્યું.
‘શા માટે ?’
‘એ જાણે છે કે તમે ભગવાન બુદ્ધ છો.’
‘એટલે જ એ થૂંક્યો છે, આનંદ !’

આનંદ વિચારમાં પડી ગયો. તેણે પૂછ્યું : ‘ભગવાન, તમે એ કઈ રીતે જાણી શક્યા ?’
‘આનંદ, એ માણસના મનમાં ક્યાંક રોષ છે, કદાચ પ્રેમ પણ હોય. પ્રેમ પણ ક્યારેક ઉકળાટ બની જાય છે. એને કંઈક કહેવું છે, પણ એની પાસે ભાષા નથી. ભાષાથી, શબ્દોથી પોતાને જે કહેવું છે એ સારી રીતે વ્યક્ત કરી શકાશે કે નહિ, એની એને જાણ નથી. ને એટલે એ થૂંક્યો. આ પણ માણસની એક ભાષા છે.’
આનંદ આગળ ન બોલ્યો.

બે દિવસ વીતી ગયા.
ભગવાન બુદ્ધ સાથે આનંદ વિવાદ કરી રહ્યા છે. બીજા ત્રણચાર શિષ્યો બેઠા બેઠા સાંભળે છે. ત્યાં જ પેલો માણસ આવ્યો. આનંદે તેની સામે જોયું. આજે પણ એ માણસના ચહેરા પર અસ્વસ્થતા, અકળામણ હતાં. આનંદને થયું, આજે પણ આ માણસ ભગવાનના મોં પર થૂંકશે કે પછી એથીય આગળ વધશે ? આનંદ તેને જોઈ રહ્યો. એ આગળ આવીને ભગવાન બુદ્ધના ચરણ પાસે બેસી પડ્યો. ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. ભગવાન બુદ્ધ કશું ન બોલ્યા. કેવળ એની સામે કરુણાથી, પ્રેમથી, સસ્મિત વદને જોઈ રહ્યા. જ્યારે એ થૂંક્યો હતો ને ચાલ્યો ગયો હતો ત્યારે જોયું હતું એ જ ભાવથી. થોડીવાર સુધી એ રડતો રહ્યો ને પછી ચાલ્યો ગયો.
‘ભગવાન…..’ આનંદ પૂછતો હતો, ‘આજે પણ તમે એને કેમ કાંઈ ન કહ્યું ?’
‘એને હું શું કહેવાનો હતો ?’
‘તમારે આશ્વાસન આપવું હતું. એ શા માટે રડતો હતો ?’
‘એ પણ માણસની એક ભાષા છે. શબ્દો જ નથી બોલતા. લાગણીઓ પણ ભાષા બની શકે છે, ને એ જ ઉત્તમ ભાષા છે.’
આનંદ આગળ કશું ન પૂછી શક્યો.

[3] અપરિગ્રહ

ગુરુની સંમતિ લઈને બે શિષ્યો પરિવ્રજ્યા કરવા નીકળ્યા. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ધીરગંભીર વાણી. અપરિગ્રહી અને સમતાભાવના પુરસ્કર્તા. એમના મુખમાંથી નીકળતી વાણી સાંભળીને શ્રોતાઓ ધન્ય થઈ જતા. એમના ચરણે ફળફળાદિ, દ્રવ્યો મૂકતા પણ બંનેમાંથી કોઈએ હાથ અડાડ્યો નહોતો કે મનમાં પણ કોઈ લાલસાને જાગવા દીધી નહોતી. તેઓનો નિવાસ ગામની ભાગોળે, મંદિરમાં કે કોઈ ધર્મશાળામાં રહેતો. ભિક્ષા માંગી લાવતા. ભિક્ષાનું દાન કરનાર સામે આભારની લાગણીથી જોતા ને અનુગ્રહપૂર્વક ભોજન કરતા. એક દિવસ એક શ્રેષ્ઠીએ એમના ચરણમાં સુવર્ણમુદ્રાઓની થેલી મૂકી. બંને જાણે અગ્નિનો સ્પર્શ થયો હોય એમ ચમકી ગયા ને શ્રેષ્ઠીને એ મુદ્રાની થેલી પાછી લઈ કોઈ સદકાર્યમાં ઉપયોગ કરવાની વિનંતી કરી. ઘણી સમજાવટને અંતે શ્રેષ્ઠીએ થેલી પાછી લીધી, પણ એમાંથી એક સુવર્ણમુદ્રા પડી રહી.

શ્રેષ્ઠી ચાલ્યા ગયા. બંને સાધુઓ ધ્યાનમાં બેસી ગયા. અર્ધી રાત વીત્યે નિદ્રા લેવા મંદિરના ઓટે આડા પડ્યા. સવારે એક સાધુ વહેલો જાગી ગયો. એક સુવર્ણમુદ્રા તેની નજરે પડી ને એકાએક તેના ચિત્તમાં શ્રેષ્ઠી યાદ આવી ગયા. પહેલાં તો થયું, નગરમાં જઈને આ મુદ્રા પાછી આપી આવવી, પણ અહીંથી નીકળવાનો સમય થઈ ગયો હતો ને શ્રેષ્ઠીનું મકાન શોધતાં કોણ જાણે કેટલો સમય લાગે… ને વિચારો આગળ વધતાં તે પીગળવા લાગ્યો. તેને થયું મુદ્રા અહીં પડી જ રહી છે તો લાવ રાખી દઉં. ક્યારેક ખપમાં આવશે.

તેણે મુદ્રા લઈ લીધી ને ઉપવસ્ત્રના છેડે ગાંઠ બાંધી સાચવી રાખી. એક દિવસ તેણે ગુરુભાઈને કહ્યું : ‘મારી પાસે સુવર્ણમુદ્રા છે.’
‘ક્યાંથી આવી ?’
તેણે આખી વાત કહી.
‘જો ભાઈ, આપણે અપરિગ્રહવ્રત સ્વીકાર્યું છે, એ ભૂલી ગયો ?’
‘ના, પણ મને થયું, સાથે હોય તો ક્યારેક ખપમાં આવશે.’
પેલાએ ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહિ.

પરિવ્રજ્યા કરતા કરતા સમાચાર મળ્યા, ગુરુ બીમાર છે. બંનેને થયું, આપણે આશ્રમ પાછા ફરવું જોઈએ. ને તેમણે આશ્રમપ્રતિ જવા દડમજલ કરવા માંડી. એક સાંજે તેઓ નદીકિનારે આવી પહોંચ્યા. ભરપૂર પાણી. સામે કાંઠે પહોંચાય તો રાતની રાત ચાલીને પરોઢિયે કે પ્રભાતે ગુરુના સામીપ્યમાં પહોંચી શકાય. પણ નદી પાર કરવી કઈ રીતે ? તરતાં તો બંનેમાંથી કોઈને આવડતું નહોતું. રાતનાં અંધારાં ઊતરી રહ્યાં હતાં. થોડીવારે એક નાવ આવતી જણાઈ. નાવિકે નાવ છોડી. કાંઠે લાવી લંગર બાંધ્યું :
‘ભાઈ, અમારે નદી પાર કરવી છે.’
‘સવારે આવજો.’
‘પણ અમારે બહુ જરૂરી કામ છે.’
‘હું થાકી ગયો છું ને મારે ઘેર જવાનું મોડું થાય છે.’ નાવિકને એમ કે આ સાધુઓ પાસેથી કંઈ મળે નહિ ને ફોગટનો ફેરો ખાવો.
‘તમને ઉતરાઈ આપશું.’ બીજો સાધુ બોલ્યો.
‘શું આપશો ?’
‘એક સુવર્ણમુદ્રા.’
‘તો ચાલો.’

બંને નાવમાં બેસી ગયા. સામે કાંઠે ઊતરી ગયા ને ચાલવા લાગ્યા. સુવર્ણમુદ્રાવાળો સાધુ મલકાતો હતો. તેણે થોડીવારે કહ્યું : ‘જોયુંને, સુવર્ણમુદ્રાનો પરિગ્રહ ન કર્યો હોત તો આપણે નદી ઊતરી શકત નહિ ને ગુરુને મળવામાં એટલો વિલંબ થાત. મારી વાત સાચી છે ને ?’
‘ના, પરિગ્રહ ક્યારેય આપણને લક્ષ્યસ્થાને ન પહોંચાડી શકે.’
‘તો આ શું થયું ?’
‘તેં સુવર્ણમુદ્રાનો ત્યાગ કર્યો એટલે પહોંચી શક્યા. તેં સુવર્ણમુદ્રાને પકડી રાખી હોત તો….’ અને પછી થોડીવારે કહ્યું : ‘મારી વાત સમજાય છે ? જો તેં સુવર્ણમુદ્રાને છોડી ન હોત તો… પરિગ્રહ એટલે પકડી રાખવું… યોગ્ય સમયે છોડી દેવું એ જ અપરિગ્રહ છે.’
‘હા, હું સમજી ગયો.’
બંને સ્વસ્થતાથી શૂન્યનો અનુભવ કરતા ચાલતા રહ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ
મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર Next »   

14 પ્રતિભાવો : જીવનવલોણું – દિલીપ રાણપુરા

 1. dr sudhakar hathi says:

  short story gives big idea

 2. મધુર નવનિત મેળવવા જીવનવલોણું વલોવવા જેવું છે.

 3. kumar says:

  gr8 stories.
  ખરેખર ખુબ સરસ અને બોધકારાક વાર્તાઓ.

 4. Vaishali Maheshwari says:

  Inspiring stories.

  Good to read and understand morals.

  Thank you Mr. Dilip Rampura.

 5. nayan panchal says:

  પરિગ્રહ એટલે પકડી રાખવું… યોગ્ય સમયે છોડી દેવું એ જ અપરિગ્રહ છે.

  શબ્દો જ નથી બોલતા. લાગણીઓ પણ ભાષા બની શકે છે, ને એ જ ઉત્તમ ભાષા છે.
  સારા મિત્રો સાથે માત્ર બેસીને કશુ બોલ્યા વગર પણ શ્રેષ્ઠ સંવાદ થઈ શકે છે.

  એટલે અહંકારને ચૂરચૂર કરવા મસ્તક ઝુકાવવું જરૂરી છે. આ મસ્તક નમશે તો અહંકાર દૂર થશે. મોટા મોટા તોફાનમાં વૃક્ષો ધરાશાયી થઈ જાય છે, જ્યારે છોડવાં નમીને ટકી જાય છે.

  નયન

 6. Vraj Dave says:

  Thank you Mr.Dilipbhay Ranpura.
  આભાર શ્રીદિલીપભાઈ રાણપુરા.

  વ્રજ દવે

 7. Jigna says:

  “માણસના માથાની કોઈ કિંમત નથી તેમ માણસના અહંકારની પણ કોઈ કિંમત નથી. માથું તો અહંકારનું પ્રતીક છે. એટલે અહંકારને ચૂરચૂર કરવા મસ્તક ઝુકાવવું જરૂરી છે. આ મસ્તક નમશે તો અહંકાર દૂર થશે.”

  ખુબ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.