મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર

[ શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. તેનાથી કંઈક અલગ પ્રકારનું આ તેમનું બીજું પુસ્તક જાણે કે સામાન્ય જ્ઞાનનો ખજાનો છે ! ઘણી જાણવા જેવી બાબતોને આવરી લેતું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા બદલ રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. તેઓ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

picture-025[1] બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?
કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે.

[2] એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?
એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી.

[3] માણસને બગાસાં કેમ આવે છે ?
બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસના અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતાં શ્વાસોશ્વાસ આપમેળે ધીમો પડે છે. પુખ્ત વયના માણસને દર મિનિટે છ લીટર હવા જોઈએ. તેમાંની 15% હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોંચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે. શ્વાસોચ્છવાસનો દર ઘટી જતાં મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે. અને ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યાર બાદ આવતું સરેરાશ બગાસું 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજું, ત્રીજું અને ચોથું બગાસું પણ આવે છે. ઉપરાઉપરી બગાસાં ખાવા પડે તે ઊંઘ આવવાનો સંકેત છે. ઊંઘ આવ્યા પછી શરીરનું તંત્ર વધારે ઑક્સિજન માગતું નથી. એટલે સામાન્ય રીતે દિવસના સમયમાં બગાસાં આવતાં નથી. સિવાય કે કોઈ કામ કંટાળાજનક લાગતું હોય.

[4] રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?
રેસિંગની કારનો અવાજ અન્ય કારો કરતાં અનેકગણો વધુ હોય છે. સામાન્ય મિકેનિક એવું કારણ આપશે કે રેસિંગની કારનું 700-800 હૉર્સ પાવરનું એન્જિન સામાન્ય મોટર કરતાં સાત-આઠગણું બળવાન હોવાથી બહુ ઘોંઘાટ કરે. પણ ખરો મુદ્દો સાયલન્સરનો છે. મોટરના એન્જિનમાં પેટ્રોલ કે ડીઝલ જેમ બળે તેમ નકામો ગરમ વાયુ એક્ઝોસ્ટ વાટે બહાર ફેંકાતો રહે છે. જોકે, મોટાભાગની રેસિંગ કારમાં મિથાનોલ વપરાય છે. આ ઝંઝાવાતી વાયુ સખત દબાણ સાથે બહાર નીકળી ઘોંઘાટમય અવાજ પેદા કરે છે. જેને શાંત કરવા દરેક મોટરમાં સાયલેન્સર ફીટ કરવું પડે છે. સાયલેન્સરમાં અનેક ખાના હોય છે. જેમાંથી સખત વાયુના પ્રવાહને પસાર થવું પડે છે. અને સાયલેન્સરમાંના ખાના આ વાયુની ગતિને ધીમી પાડે છે. અને બહાર નીકળતો અવાજ એકદમ ઘટી જાય છે. પણ રેસિંગની કાર માટે સાયલેન્સરનો ગેરફાયદો એ બને કે એન્જિનની કાર્યક્ષમતા થોડીક ઘટે. કેમ કે રીવર્સમાં વાયુનું જે દબાણ થાય તેના ધક્કાનો એન્જિને સામનો કરવો પડે છે. એટલે મોટરની સ્પીડ જરાક ઘટી જાય. પણ રેસમાં ભાગ લેતી કારનો મહત્તમ વેગ સહેજ પણ ઓછો થાય તે ન ચાલે. એટલે રેસિંગની કારના એકઝોસ્ટ જોડે સાયલેન્સર ફીટ કરવામાં આવતું નથી.

[5] આંખ સતત પલકારા કેમ માર્યા કરે છે ?
કુદરતે આંખનાં પોપચાંને અનેક કામ સોંપ્યા છે. પહેલું કામ લેન્સ જેવા ડોળાને ચોખ્ખા રાખવાનું છે. કેમેરામાં સ્પષ્ટ દ્રશ્ય ઝીલવા માટે જેમ કાચના લેન્સને સ્વચ્છ રાખવો પડે છે તેમ આંખનો કુદરતી લેન્સ પણ હંમેશાં ચોખ્ખો રહેવો જોઈએ. આથી પોપચાનો દરેક પલકારો ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું એ કે જો ડોળા ભીનાં ન રહે તો હવાના ઑક્સિજનને શોષી શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર આંખનાં ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતો નથી. એટલે તે પુરવઠો બારોબાર હવા દ્વારા મેળવવો પડે છે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાઈ જતા પોપચાં આંખોને રક્ષણ આપે છે. આવાં કાર્યૉ માટે જ કુદરતે પોપચાંને આપોઆપ પલકારા માર્યા કરે એવાં બનાવ્યા છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે 1 પલકારો કરે છે.

[6] ડૉક્ટરો ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે ?
હોસ્પિટલમાં ડૉક્ટર દરદીને તપાસતી વખતે સફેદ કપડાં પહેરે છે. પણ ઓપરેશન વખતે તે યોગ્ય નથી. કેમ કે સફેદ કપડાં પર ક્યારેક પડતો લોહીનો ડાઘ તરત નજરે ચઢે છે. ઓપરેશન પછી આવા લાલભડક ડાઘવાળા કપડાં સાથે ડૉક્ટર બહાર નીકળે ત્યારે દરદીના ચિંતાગ્રસ્ત પરિવારજનોને એ ના ગમે. જો લાલ કપડાં પહેરે તો આખો ડ્રેસ લોહીથી ખરડાયેલો લાગે. કાળા રંગના કપડાં મૃત્યુસૂચક શોકના હોવાથી યોગ્ય નથી. માત્ર ભૂરો-લીલો રંગ જ એવો છે જે લોહીના ડાઘને સહેજ ઘેરા ચોકલેટી જેવા બનાવે છે. તેથી ડૉક્ટરો માટે ઓપરેશન કરતી વખતે લીલા રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા છે.

[7] ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર પ્રતિબંધ કેમ છે ?
વાહન ચલાવતી વખતે મોબાઈલ પર પ્રતિબંધ મુકવા પાછળ વિજ્ઞાન પણ છે. વાહન ચલાવવાના અને મોબાઈલ પર વાત કરવાના એમ બે સંકેતો મગજને પ્રાપ્ત થાય છે. મગજ બંનેને સરખો ન્યાય આપી શકતું નથી. કેમ કે બંને કેસમાં અમલીકરણ પરસ્પર જુદી પ્રતિક્રિયા દ્વારા કરવાનું રહે છે. તકલીફ એ થાય છે કે ક્યા સંકેતને પ્રાધાન્ય આપવું એ વાહનચાલક નક્કી કરી શકતો નથી. પસંદગીનું કામ મગજનું છે અને મગજની પણ અમુક મર્યાદા છે. તેથી અકસ્માત સર્જાવાની શક્યતા જોતાં વૈજ્ઞાનિક રીતે પણ આ કાયદો જરૂરી ગણાય છે. એક પ્રયોગમાં જણાયું કે માત્ર એક જ કાર્ય ડ્રાઈવિંગ પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત રહે તો તેનો ‘રિએકશન ટાઈમ’ 0.186 સેકન્ડ હોય છે. પણ એ સમયે તે વ્યક્તિ મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે શારિરીક પ્રતિક્રિયા દાખવવામાં તે 0.289 સેકન્ડ જેટલો સમય લે છે. આમ લગભગ 55% વધુ સમય લાગે. જેને લીધે અકસ્માત થવાની તક એટલા જ પ્રમાણમાં વધી જાય. ધારો કે 60 કિ.મી.ના વેગથી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ચાલતી હોય તો અકસ્માત રોકવા બ્રેક પેડલ દબાતા સુધીમાં વાહન 1.8 મીટર જેટલું અંતર કાપી નાખે. અને રસ્તો ઓળંગતા રાહદારી અને વાહન વચ્ચે બહુ અંતર ના હોય તો આટલો નજીવો તફાવત પણ ક્યારેક અકસ્માતનું કારણ બની શકે.

[8] ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શનના આરંભે Rx કેમ લખે છે ?
ડૉક્ટરો પોતાના દરદી માટે દવાનું નામ લખતા પહેલાં શુભેચ્છા વ્યક્ત કરવા Rx સંજ્ઞા વાપરે છે. પ્રાચીન સમયમાં રોમના પ્રજાજનો ગુરુને એટલે કે જ્યુપિટરને દેવ તરીકે પૂજતા અને ત્યાર પછી મધ્યયુગમાં તબીબો એવું માનતા થયા કે માણસના સ્વાસ્થ્ય પર જ્યુપિટર ગ્રહ બહુ મોટી અસર કરે છે. આથી રોમનોએ ગુરુ માટે જે સંજ્ઞા પસંદ કરેલી તે ડૉક્ટરો તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખવા માંડ્યા. એ પછી તો ‘ગુરુ તમને જલદી સાજા કરે.’ એવી શુભેચ્છા દર્શાવવા માટે Rx લખવાનો કાયમી ધારો પડી ગયો. જ્યુપિટરની મૂળ સંજ્ઞા સહેજ જુદી છે. જે ચિત્ર દોરવામાં મુશ્કેલી પડે. એટલે Rx લખીને તેઓ પોતાનું કામ સહેલું બનાવે છે.

[9] કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?
ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. અને કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું. (આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે.) ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી.

[10] એરકન્ડિશનરનો કુલિંગ પાવર ટનમાં કેમ છે ?
એરકન્ડિશનર એ ઉષ્મા (ગરમી)ને નાબૂદ કરતું યંત્ર છે. બંધ ઓરડામાં રહેલી હવાની ગરમીને શોષી લેવાનું તે કામ કરે છે. અને આ ગરમી બ્રિટીશ થર્મલ યુનિટ (બી.ટી.યુ.)માં મપાય છે. ધારો કે ઓરડામાં 1 ઘનફૂટ રાંધણ ગેસ બાળ્યો હોય તો એ દહન 1000 બી.ટી.યુ. બહાર કાઢે છે. આ ગરમી બરફના એક નાના ટુકડાને બહુ જલદી ઓગાળી નાખે. જો બરફનો ટુકડો 1 ટનનો હોય તો 24 કલાકમાં તેને ઓગાળી નાખવા માટે અંદાજે 288000 બી.ટી.યુ. જેટલી ગરમી જરૂરી છે. એટલે કે 1 કલાકના 12000 બી.ટી.યુ. થાય. એટલે એરકન્ડિશનરનું જે મોડેલ દર કલાકે ઓરડામાંની 12000 બી.ટી.યુ. ગરમીને ખેંચી બહાર ફેંકી શકે તે 1 ટનની ક્ષમતાનું ગણાય છે. જો 2 ટનનું એરકન્ડિશનર હોય તો એ દર કલાકે 24000 બી.ટી.યુ. ગરમી બહાર કાઢે છે.

[કુલ પાન : 96. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : પાટીલ બુક સ્ટોલ, અમીરસ હોટલની બાજુમાં, કોપરલી રોડ, જી.આઈ.ડી.સી., વાપી. ફોન : +91 9979937536.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનવલોણું – દિલીપ રાણપુરા
Important Note Next »   

25 પ્રતિભાવો : મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર

 1. Niraj says:

  Nice!
  There are softwares available to change the existing keyboard into ABCD. Though I haven’t tried it yet.
  🙂
  Very informative…

 2. સરસ માહિતી આપતો લેખ.

 3. kumar says:

  બહુ સરસ માહિતિ આપી.

 4. nayan panchal says:

  સરસ સવાલ જવાબ.

  રસ ધરાવતા વાચકો, હર્ષલ પબ્લિકેશન (સફારી)નુ ફેક્ટ ફાઈન્ડર પુસ્તક પણ વાંચી શકે.

  આભાર,
  નયન

 5. Vaishali Maheshwari says:

  Very informative questions and answers.
  It was good to gain knowledge about multiple things.

  Thank you Mr. Rakesh Thakkar.

 6. Apeksha hathi says:

  ખરેખર મઝા આવી.

  આ લેખ દ્વારા ઘણી સારી માહિતી મળી.

  રાકેશ ભાઇનો ખુબ ખુબ આભાર….!!!!!!!!!!!!

 7. sudhir patel says:

  ખૂહ જ સુંદર માહિતી સભર પુસ્તક!
  શ્રી રાકેશભાઈને અભિનંદન!
  સુધીર પટેલ.

 8. કલ્પેશ says:

  આ વાક્ય વાંચીને હસવુ આવી ગયુ – “એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો”.

  વધુ હસવા માટે – કયા સાબુથી સ્નાન કરાવવુ?

  રાકેશભાઇ – આ કોઇ અંગ્રેજી પુસ્તકનુ ભાષાંતર છે?

 9. dhiraj thakkar says:

  ખુબ સરસ લેખ

  આભાર રાકેશભાઈ

 10. રસપ્રદ!

  આભાર 🙂

 11. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ? આ વિશે ખબર હતી નહીં. આ ઉપરથી એક જોકસ.

  સંતાસિંહ ને મલ્ટીનેશ્નલ કમ્પની માં જોબ મળી. જોબ જોઇન કર્યાને પહેલે દિવસે રાત્રી ના ૮ વાગ્યા સુધી કામ કર્યું તેમનું ડેડીકેશન જોઇ બોસ ખુશ થયા ને પુછ્યું. સંતાસિંહ મને ખુબ આનન્દ થયો કે આપ હજી પણ ઓફીસમાં કામ કરો છો. પણ મને જણાવશો કે આપ અત્યાર સુધી શુ કામ કરતા હતા?
  સંતાસિંહ : આ કીબોર્ડ માં અક્ષરો આડા અવળા હતા તે સરખા કર્યા.

  તરંગ ભાલચન્દ્ર હાથી.

 12. વત્‍સલ વોરા says:

  ભાઇ,

  દુનિયામાં જમોડી અને ડાબોડી એમ ભાગ કેવી રીતે પડયા છે?

  કૃપયા જવાબ આપશો તો આનંદ થશે.

 13. vasant hakani says:

  sir,
  Your answers were really very informative and interesting. I wish you to touch more sensitive and wider and larger subjects like science, global, ocean, air etc.
  Anyway thanks and regards.
  vasant hakani

 14. Sharad Kapadia says:

  પ્રિય શ્રી,
  ઘણા સમય બાદ સાઈટ ઉપર આવ્યો અને ફરીથી તાજગીનો અનુભવ થયો. કવિતા મારો પ્રિય વિભાગ છે. માધવ રામાનુજની ગોકુળમા આવો તથા ઉમાશકર જોશીની આટલ જરી ભુલશો નહિ બન્ને કવિતાઓની ચોટની અનુભુતિ વિશિશ્ટ્ છે. હાર્દિક અભિનન્દન.

  શરદ કાપડિયા

 15. ખુબજ સરસ લેખ છે. ઘણ્ઉ બધુ જાણવા મલ્યુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.