ઘરની શોભા – ગિરીશ ગણાત્રા

‘ભારતીય સંસ્કૃતિમાં ગૃહિણીને ઘરની ઉપમા આપી છે. ગૃહિણીથી ઘર સુશોભિત છે, સંસ્કારમય છે, સુમધુર છે, અર્થસભર છે, વ્યવહાર-પ્રસન્ન છે. ઘણુંઘણું છે. કોઈ પણ કુટુંબનું ચિત્ર નિહાળવું હોય તો એના પ્રતિકસમી ગૃહિણીને જાણી લેવી જોઈએ.’

આ પાઠ શિક્ષિકા માએ પુત્રી કુસુમને ગળથૂથીમાંથી ભણાવેલા જેથી ભવિષ્યમાં એ અન્ય ઘેર જાય ત્યારે એ ઘરની ગૃહશોભા બની રહે.

આદર્શ ગૃહિણીના આ પાઠ ભણતી વેળા કુસુમનો આદર્શ એની મા હતી. માએ કેવા કેવા દુ:ખો વેઠી આ ઘરને ઊંચું લાવ્યું હતું. સંતાનોને ભણાવ્યાં હતાં, કરકસર કરી કુટુંબના વ્યવહારો નભાવ્યા હતા એ એની નજર સમક્ષ હતું. કુસુમ માટે જ્યારે માંગુ આવ્યું ત્યારે શિક્ષિકા માએ ગૃહિણીના પાઠોનું પુનરાવર્તન કરાવતા કહ્યું- બેટા, સુખ-દુ:ખ એ પૈડાના આરા જેવું છે. આજે સુખી તો કાલે દુ:ખી. વર્તમાન ઘર સમૃદ્ધ હોય પણ ક્યારે એ ઘરમાં હાંડલા કુસ્તી કરે એ કહેવાય નહિ. પણ જો કુળવધૂ સમજુ હોય, હોંશિયાર હોય તો ઘર પર એ ઓછામાં ઓછો દુ:ખનો ઓછાયો પડવા દે. પુરુષ તો કમાવા માટે બહાર ફરતો રહ્યો હોય, એનું ચિત્ત એના ધંધા-નોકરીમાં હોય ત્યારે ઘર-સંચાલનમાં એનું ધ્યાન ન પડે. તું જે ઘરમાં જાય છે એ ઘરની જવાબદારી છોકરા પર જ છે. એને બાપ નથી, ઘરમાં કોઈ ભાઈ-ભાંડરડું નથી. એ તો ઠીક છે કે બાપ છોકરા માટે ઠીકઠીક કહેવાય એવું મૂકી ગયો છે. તારી થનાર સાસુને સંસારમાં રસ રહ્યો નથી એટલે એ મંદિરમાં અટવાયા કરે છે, હવે એ ઘરની આબરૂ વધારવી-ઘટાડવી તારા શિરે….

કુસુમ બિપીનને પરણીને આ ઘરમાં આવી.
પહેલા દિવસથી જ એને જાણ થઈ કે એ માત્ર ઘરની ગૃહિણી નથી, પતિની દાસી પણ છે !

એનો પતિ બિપીન, ઉર્ફે બકો, કે પછી બકાભાઈ એવા લાડકોડમાં ઊછરેલા કે તરસ લાગે ત્યારે ગોળા પાસે પણ ન જાય. જૂનવાણી ઘરનો મોટા વચલા રૂમનો હીંચકો એ એનું અચળ સ્થાન. પથારીમાંથી ઊઠીએ એ જેવા હીંચકા પર જાય કે પછી બાકીની તમામ વિધિઓ ત્યાં જ થતી રહે. હીંચકા પર બેસી ચા પીએ, વર્તમાનપત્રો વાંચે, નાસ્તો કરે, શૅરોના કામકાજ કરે, જમે, વામકુક્ષી કરે. એનું ચાલે તો એ હીંચકા પર બેસીને સ્નાન કરે ! એક વખત એ ત્યાં બેઠા એટલે અઠે દ્વારકા. હીંચકા પરથી જ એ હુકમો છોડતા રહે.

પતિની આ પ્રકૃતિની પહેલા દિવસથી જ કુસુમને જાણ થઈ. બીજા દિવસે ઘરકામમાંથી પરવારી એ થોડી મોડી સ્નાન કરવા ગઈ. ઘરનો ઝાંપો ખુલ્લો રહી ગયો હશે તે ગાયે ફળિયામાં પ્રવેશ કર્યો. બકાભાઈએ એ જોયું ને એણે હીંચકા પર બેઠાં બેઠાં જ હુકમ કર્યો –
‘એ….. ગાયને જરા હાંકી કાઢજો.’
બાથરૂમમાં નહાતા નહાતા કુસુમે પતિનો હુકમ સાંભળ્યો અને જવાબ આપ્યો –
‘હું નહાવા બેઠી છું’
નાહીને કુસુમ બહાર આવી અને ફળિયાના તાર પર ટુવાલ સૂકવવા ગઈ ત્યારે ગાય નિરાંતે સાસુનો સાડલો ચાવી રહી હતી.
‘હાય, હાય. ગાય બાનો અડધો સાડલો ચાવી ગઈ. તમે ગાયને કેમ તગેડી ન મૂકી ?’
‘એવું બધું મને ન ફાવે. તારે ના’વા જતાં પહેલાં ઝાંપો બંધ કરી દેવો જોઈએ ને !’
આ પ્રસંગ પછી કુસુમે જોયું કે પતિને ઘણાં ઘણાં કામો ફાવતાં નહોતા. છાપાવાળાનું બિલ ચૂકવવું, ઘેર આવેલા ધોબી પાસેથી ગણીને ઈસ્ત્રીવાળા કપડાં લેવાં, આપવા, ઝાંપા પાસે જઈ ટપાલી પાસેથી ટપાલ લેવી, ઈલેક્ટ્રીસીટીનું બિલ ભરવું, બૅન્કમાં ચેક ભરવા જેવા કામો પણ એ ન કરતા. અરે, ટ્રુથબ્રશ પર પેસ્ટ પણ કુસુમે સાફ કરવાના અને બહાર જાય ત્યારે બુટ કે ચપ્પલ હીંચકા પાસે મૂકી દેવાના. એક વખત કુસુમે કહ્યું – તમે બાથરૂમમાં નહાવા જાઓ ત્યારે ટુવાલ લેતાં જતા હો તો ? નહ્યા પછી અંદરથી ઘાંટાઘાંટ ન કરવી પડે. બકાભાઈનો તકિયાકલામ ઉત્તર રહેતો : એવું બધું મને ન ફાવે.

એકના એક સંતાનને મા-બાપે એવો ફટવ્યો હતો કે એ હરામના હાડકાનો થઈ ગયેલો. શૅરોની લે-વેચનું કામ કરતા પિતા સારું કમાતા એટલે એનું ‘પું’ નામના નરકમાંથી તારનાર આ સંતાનને ક્યારેય કસોટી થાય, બુદ્ધિનો ઉપયોગ કરાય એવા કામ કરાવ્યા જ નહિ. કૉલેજના એકાદ-બે વર્ષ પછી બકાભાઈનું વિદ્યાનું વહાન આગળ ગબડ્યું નહિ. આમેય, શાળાજીવનમાં પણ એ ડચકા ખાતાખાતા જ આગળ વધેલા ને ! જો કે પિતાએ એને શૅરબજારમાં આવતો જતો કરી દીધેલો પણ એ માત્ર શારીરિક આવન-જાવન હતી, માનસિક નહિ. પિતાના મૃત્યુ પછીયે એ શૅરબજારમાં જતા પણ બજારની ચાલ પરખતા એ ક્યારેય શિખ્યા નહિ. શૅરબજારમાં એ શું કરતા એની ઘરનાઓને ક્યારેય ખબર પડતી નહિ. ઘેર આવ્યા પછી બકાભાઈ હીંચકારૂપી સિંહાસન પર બિરાજી ઘરમાં રાજ કરતા રહેતા.

કુસુમના ગૃહિણી પાઠની આ પરીક્ષા હતી. એણે સંસારવિરક્ત સાસુને અને કામચોર પતિને સાચવાનો હતો, આવકવિહોણા ઘરને જાળવવાનું હતું.

કુસુમ ગર્ભવતી બની. એને એમ હતું કે પિતા બન્યા પછી પતિને ઘરની જવાબદારી સમજાશે, થોડાં થોડાં કામ કરતા શીખશે, ટેવ બદલાશે. પણ બકાભાઈ જેનું નામ, એ પડેલી ટેવને એમ થોડાં ટાળે ? ટાળવા દે ?

કુસુમને જ્યારે પૂરા મહિના જતા હતા ત્યારે જ બકાભાઈની માએ ગંભીર માંદગીનો ખાટલો સેવ્યો. સાસુને દવાઓ આપવી, એના મળમૂતર સાફ કરવા, કપડાં-ચાદર બદલવાં, સતત એની સૂચનાઓ પર ધ્યાન આપવું, ઘરની રસોઈ કરવી, સાફસુફી કરવી, કપડાં ધોવા, સૂકવવા, જેવા કામોમાં કુસુમને કોઈની, કોઈની એટલે પતિની મદદની ખાસ જરૂર પડતી. ઘરમાં માની માંદગીનો ખાટલો છતાંય હીંચકા પર બેઠા બેઠા જ કુસુમ દ્વારા માની માંદગી જાણી લેતા. બહુ બહુ તો એકાદ-બે મિનિટ માની પાસે જઈ આવે એટલું જ. સાસુ મૃત્યુ પામી ત્યારે પણ ભારે પગવાળી કુસુમે સમો સાચવી લીધો. સાસુના મૃત્યુ વખતે કે પછી પુત્રે કરવી પડતી વિધિઓ માટે એણે મહામહેનતે પતિને તૈયાર કર્યો. બકાભાઈએ ના છૂટકે એ બધું કરવું પડ્યું પણ કુસુમે જ બધો ભાર ખેંચ્યો.

પુત્ર પ્રસવ પછી ચોથે જ દિવસે કુસુમે પુન:ઘરની કામગીરી સંભાળી લીધી. અલબત્ત, એ વખતે એણે માની મદદ લીધી. આ ચાર દિવસ દરમિયાન માએ પણ જમાઈનું ‘હીર’ (?) પારખી લીધું ! કુસુમથી જ્યારે ન રહેવાયું ત્યારે એ મા પાસે રડી પડી : ’મા, આવો તે કેવો વર ? એક સળીના બે કટકા પણ ન કરે એવો ? મારે કઈ રીતે ઘર ચલાવવું ?’
મા હસીને કહેતી-
બેટા, તાર સંસારરથનું એક પૈડું નબળું છે, કામ આપતું નથી. એ વખતે સાજા પૈડા પર રથ નમાવીને ભાર ખેંચવાનો હોય.’

કુસુમે પોતાના સંસારરથને જેમ તેમ કરી ગબડાવ્યે રાખ્યો. હવે તો એ બે સંતાનની માતા બની ચૂકી હતી. શરૂશરૂમાં એને પતિ પર ખૂબ જ ગુસ્સો આવતો પણ જ્યારે એ પથ્થર પર પાણી રેડવાથી વળ્યું નહિ ત્યારે એણે ગુસ્સો છોડી દીધો.
બકાભાઈ નામ પૂરતા શૅરબજારમાં જતા, ધંધો કરતા નહિ. કરતા આવડ્યું નહિ. એના પિતાએ જે સ્ક્રિપ્ટમાં રોકાણ કરેલું એના ડિવિડન્ડ પર ઘરનો ખર્ચો આછો પાતળો નીકળતો. કુસુમે પતિને સલાહ આપી :
‘બબ્બે છોકરાઓના ઉછેર પાછળ ઘણો ખર્ચ થાય છે. તમે આખો દિવસ ઘરમાં બેઠા રહો છો એને બદલે બજારમાં જતા હો તો ? જે કામ મળ્યું તે.’
‘શૅરબજાર હમણાં મંદ છે.’
‘શૅરબજાર નહિ તો બીજું બજાર શોધો.’
‘ક્યું બજાર ?’
‘વીમાની પૉલીસીઓ લો, જમીન-મકાનની દલાલી કરો કે પછી કોઈને ત્યાં નામું લખો.’
‘એવા કામો આપણને ન ફાવે.’
‘તો ઘરનો ખર્ચ કેવી રીતે કાઢવો ?’
‘એ તું જાણે.’

એને માની વાત યાદ આવી ગઈ. ‘જમાઈરાજ કમાતા ન હોય તો તું કમાવા જા. તારા છોકરાં તો હવે બાલમંદિરે જાય છે તો તું ત્યાં જા. તું એક નાવા શરૂ થયેલા બાલમંદિરમાં ભણાવા જઈશ ? તારા ઘરના રૅશનિંગનો ખર્ચ નીકળી જશે. બોલ, તારી તૈયારી હોય તો ગોઠવી આપું.’ માની સલાહ અમની કુસુમે સ્કુલની નોકરી સ્વીકારી લીધી. પતિને એમાં કશો વાંધો નહોતો, સિવાય કે બપોરની ચા કોણ બનાવી આપશે ? પણ કુસુમ બાલમંદિરે જતાં પહેલાં ચાનું થર્મોસ ભરીને જતી.

શરૂશરૂમાં કુસુમને ઘર અને નોકરી ભારે પડી ગયા પણ બે વર્ષમાં એ ટેવાઈ ગઈ.

કુસુમે પૂરા દસ વર્ષ નોકરી કરી. નોકરી કરતાં કરતાં એણે બાળકો ઉછેર્યા, ભણાવ્યા, કુટુંબના વ્યવહારો નભાવ્યા. કુસુમની એક રોજનીશી ઘડાઈ ગઈ હતી. ઘડિયાળના કાંટે એણે લટકવું પડતું.

સતત સખત મહેનત કરી કુસુમ ક્યારેય માંદી પડેલી નહિ. માંદગીનો વૈભવ એને પોસાય એમ નહોતો, પણ શરીરયંત્ર ક્યારેક બગડે પણ ખરું. એ એક દિવસ બગડ્યું. કુસુમને ટાઈફોઈડ થયો ત્યારે સતત તાવવાળા શરીરે એને રસોઈ કરવી પડતી. ઘરકામ માટે નોકર રાખવાની હજુ એની ત્રેવડ નહોતી. બંન્ને પુત્રોની મદદથી એ ઘરકામ આટોપી લેતી. આજે એ તાવવાળા શરીરે રસોડામાં ગઈ. બંન્ને પુત્રો શાળામાં ગયેલા. લથડતાં શરીરે એણે તપેલીઓ લીધી. દાળ ભાતનું આંધણ મૂકવા ઊંચી અભેરાઈ પરથી દાળ-ચોખાના ડબ્બા ઉતારવા ગઈ ત્યાં એને ચક્કર આવ્યા અને એ પડી ગઈ. તપેલાઓએ જમીન પર પડી અવાજ દ્વારા આલબેલ પોકારી. એ અવાજ હીંચકે બેઠેલા બકાભાઈને કાને પડ્યો અને….

જિંદગીમાં પહેલી વખત બકાભાઈ હીંચકેથી ઊઠી રસોડમાં દોડી આવ્યા અને પત્નીને ટેકો આપી પથારી પાસે લઈ ગયા. પત્નીનું ધગધગતું શરીર બકાભાઈના હૃદયને દઝાડી ગયું. એણે તપેલીમાં માટલાનું ઠંડુ પાણી લીધું. રસોડામાંથી ક્યાંકથી મીઠું શોધી કાઢયું અને પત્નીના કપાળે પોતા મૂકવા લાગ્યા. ડૉકટરે આપેલી દવાની ટીકડીઓ ગળાવી એ પોતા બદલાવતા એની પાસે બેસી રહ્યા. આટલા વર્ષોમાં પતિએ પહેલી વખત કામ કર્યું એથી કુસુમને નવાઈ લાગી.
એકાદ કલાક પછી તાવ ઊતરતા કુસુમ બોલી :
‘બસ કરો હવે. મને સારું લાગે છે. તમે હીંચકા પર બેસો. હું રસોઈ કરું.’
બકાભાઈ બોલ્યા : ‘તું રસોડામાં ખુરશી લઈને બેસ અને મને કહે એ રીતે આંધણ મૂકું.’
‘તમને આવડશે ?’
‘તું શિખવાડશે તો મને આવડશે.’
એ દિવસે, અને પછીના દિવસોમાં, બકાભાએ જે રસોઈ કરી એમાં સ્વાદના ઠેકાણાં નહોતાં પણ બકાભાઈની કર્તવ્યભાવનાનો જે મસાલો થતો એથી રસોઈ ભોજનક્ષમ બની રહી.

એક વખત બન્ને પુત્રોને પિતા-માતાની લગ્નતિથિ ઊજવવાનું નક્કી કર્યું. આ ઉજવણી ઘરની માત્ર ચાર વ્યક્તિઓ પૂરતી જ સીમિત હતી. એ દિવસે કુસુમે શાળામાંથી રજા લઈ લીધી. બકાભાઈ બજારમાંથી શિખંડ-ખમણ લઈ આવ્યા. પુત્રોએ ઘરને શણગાર્યું અને બકાભાઈએ પત્નીને રસોઈમાં હાથ દીધો. જમતાં પહેલાં સૌ મંદિરે દર્શન કરવા ગયાં.

રેડિયો પરથી વહેતા સુમધુર સંગીતના વાતાવરણમાં ચારેયે ભોજન કર્યું અને ભારી ભોજન પછી કુસુમબહેન એના ઓરડામાં આરામ કરવા ગયા ત્યારે બેડરૂમનું બારણું બંધ કરી પત્ની પાસે આવી બકાભાઈએ ધીમેથી પૂછ્યું :
‘કુસુમ, મંદિરમાં જઈ ભગવાન પાસે તેં શું માંગ્યુ ?’
કુસુમે માત્ર સ્મિત ફરકાવ્યું અને જવાબ ન આપ્યો એટલે બકાભાઈએ જ કહ્યું : ‘મને ખબર છે કે ભગવાન પાસે તેં શું માંગ્યું હશે.’
‘તો કહો જોઈએ, શું માંગ્યું હશે ?’
‘એ જ કે આવતે ભવે આવો પતિ ન દેજે.’

‘ખોટું. મેં તો એવું માંગ્યું હતું કે આવતે ભવે પણ આવો જ પતિ દેજે જેથી મારા માહ્યલામાં રહેલું કૌવત બહાર આવે, મારામાં રહેલી શક્તિઓનો હું પૂર્ણપણે ઉપયોગ કરી શકું. તમે આખો દહાડો નવરાધૂપ થઈ બેસી રહેતા તો જ હું આ ઘરનો ભાર ઊંચકી શકી ને !’ પછી એણે પતિને પલંગ પર બેસાડી, એની આંખમાં આંખ પરોવી કહ્યું – ‘મારા એક સવાલનો જવાબ તમે આપશો?’
‘કહે ને.’
‘તે દિવસે હું રસોડામાં પડી ગઈ ત્યારે તમે મને પથારીમાં સુવડાવી પોતાં મૂક્યા, દવા આપી, રસોઈ કરી એ બધું ક્યાંથી સૂઝ્યું ? બા માંદા હતા ત્યારે પણ એની ચાકરી નહિ કરેલી. આ પહેલાં ક્યારેય તમે ઘરકામમાં મદદ નહોતા કરતા.’

‘એ વખતે તું સાજીસમી હતી એટલે મદદ નહોતો કરતો કે કરવાનું મન થતું નહિ પણ ઘરના ચિરાગની જ્યોત જ્યારે અસ્થિર થવા લાગી ત્યારે કોણ જાણે એ વખતે મને થયું કે આજ સુધી ઘરમાં તેં જ અજવાળું પાથર્યું છે. એ ઉજાસ ઝાંખો થવા લાગ્યો ત્યારે મને થયું કે…કે… સાચું પૂછો તો કુસુમ, તારે બદલે જો કોઈ બીજું પાત્ર આ ઘરમાં આવ્યું હોત તો… તો ભગવાન જાણે કે આજે આ ઘરની, મારી શી દશા થઈ હોત ! હું તો ઘરમાં માત્ર લાકડાનો જ રાજા છું, ખરી રાણી તો તું છે. સાચું કહું કુસુમ, મેં ભગવાન પાસે આજે માંગ્યું હતું કે આવતે ભવે પણ તું મને કુસુમ દેજે.’

ઘણા વર્ષો પછી બકાભાઈએ પોતાના દિલની વાત કહી. એ વખતે કુસુમને એની મા યાદ આવી ગઈ.

એ પતિ પાસે બેઠી અને ખોળામાં એનું માથું ઢાળી એના વાળમાં આંગળા ફેરવવા લાગી. આજ સુધી ઘરસંસાર ચલાવવા બકાભાઈનો જે સાથ ન મળ્યો તે એણે માફ કરી દીધો.

નિર્દોષ અને નિર્વ્યાજ પ્રેમ પાસે તમામ પાપ માફ થઈ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંવેદિતા – દિનેશ ગજ્જર
ચાલીના પાડોશીઓ – અંજની મહેતા Next »   

22 પ્રતિભાવો : ઘરની શોભા – ગિરીશ ગણાત્રા

 1. Gira says:

  ખરેખર વાર્તા સરસ છે. આખરે કુસુમ ને તેનુ ફળ તો મળ્યુ જ્.
  guajrati lakhvano praytna (first time)

  આભાર લેખક નો.

 2. સુરેશ જાની says:

  પહેલી નજરે જુવાન સ્ત્રીઓને આ વાત નહીં ગમે. પણ મેં ઘણા આવા દાખલા જોયા છે જેમાં મોડા મોડા પણ સૂર્યવંશીઓ વહેલા જાગતા થઇ જાય છે ! એક જોક કહું-
  ભારતીય નારી અનેક જન્મો માટે આ જ પતિ મળે તેવું કેમ માંગે છે?
  જવાબ- એકને સુધારતાં તો અડધી જિંદગી ગઇ. બીજા જન્મમાં એકડે એકથી શા માટે શરુ કરવું? !!
  પ્ણ મેં જોયું છે કે સમય જતાં હવે સહનશીલતા ઓછી થતી જાય છે. ખાસ કરીને ભણેલી સ્ત્રીઓમાં. આથી આવા દાખલા બહુ ઓછા જોવા મળે છે.
  ખસસ કરીને પુરુષોએ આમાંથી ઘણો બોધપાઠ લેવાની જરૂર છે, કે બકાભાઇ થવામાંથી બચવું જોઇયે

 3. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  સરસ વાર્તા છે … કુસુમ , ખરેખર ઘર ની શોભા બની . પરંતુ આજના સમયમાં આવી સહનશીલતા અને લાગણી સભર પાત્રો જુજ જ જોવા મળે… કર્મ ભલુ તો સૌ ભલુ ,,,

 4. manvant says:

  અનુભવને અંતે આવેલું ડહાપણ સુખદ પરિણામ લાવ્યું ! કસોટી તો સોનાની જ
  થાય ને ? વાર્તાનાં બન્ને પાત્રોએ જરૂરી પ્રભાવ પાડ્યો જ છે.
  અભિનંદન!……….

 5. Mrs.Tejal Pau says:

  Good story but Goras in Janmabhoomi Pravasi was better.
  Most imp., Mrigeshbhai,i came to know abt this website from Chitralekha,Good job and m sure will have a great going too….

 6. asha says:

  Mrugeshbhai, u r doing a fantastic job. I came to know abt this website from Chitralekha.I will keep in touch periodically.Thanks.

 7. mamta somaiya says:

  Bakabhai ek patra nahi pan mansikta che,ane varta tatva pramane ke adarsho pramane enu sukhad parivartan thay che te aavkarya che.pan haji sudhi real life ma aavu parivartan joya nu kyanya yad nathi.hashe aasha amar che e ukti jivant karvano saro prayas che.

  ek khoobaj saras kaam karyu che aa website sharu karine. khub khub abhinandan.Chitralekha dwara aa website ni jankari mali.

  Dinkar Joshi e karelo greek mahakavyo no bhavanuvaad Mumbai Samachar ma hafte hafte pragat thayo hato ane navbharat prakashan dwara pustak swarupe bahar padyo che.shirshak yaad nathi jo aapni website par jova malse to abhari rahish.

 8. navin bhatt says:

  Mrugeshbhai,
  U R DOING A GREAT JOB FOR GUJARATI BHASA.
  STORY IS GOOD, BUT LT.SH.GANATRABHAI WAS FANTASTIC WITH`GORAS` IN JANMABHOOMI PRAVASI.
  WITH BEST WISHES.

  navin bhatt

 9. keyur shah says:

  hi mrugesh,
  very good story once again… keep it up… you should keep on writting such inspirational story…. though it is nagatively developed but it has something to learn in life…

 10. Hi Mrugeshbhai,brevo again,”Ghar ni shobha”by Shri Girish Ganatra…like very much…now I am giving my most time in “Read gujarati…”marvelous.”may I have lok varta…?
  madhukant.gandhi.

 11. saifuddin vadivala says:

  good story

 12. saifuddin vadivala says:

  good story welcom girishbhai you are nose our gujrat

 13. nayan panchal says:

  સારી વાર્તા છે.
  કુસુમની સહનશીલતા અને અપાર મહેનતનુ ફળ આખરે મળ્યુ ખરુ.

  નયન

 14. Mini thin ephedrine….

  Ephedrine hcl michigan. Bronch-eze ephedrine. Vaspro ephedrine. Ephedrine hcl. Ephedrine faq. Addiction to ephedrine….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.