બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ

[ આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રીમતી કલ્યાણીબહેન વ્યાસનો (દહીંસર, મુંબઈ) ખૂબ ખૂબ આભાર ]

થોડા સમય પહેલા કોઈ અંગ્રેજી ચિત્રકારે દોરેલું ચિત્ર સરસ ચિત્ર જોયું હતું કે એક અતિશય વૃદ્ધ માણસ લાકડીના ટેકે સ્વર્ગના દરવાજા તરફ જઈ રહ્યો છે, અને તે જ સમયે એક હસતા ગલગોટા જેવું નિર્દોષ બાળક બહાર નીકળી રહ્યું છે. બન્ને એકમેકની સામે મૂક હાસ્યથી જોઈ રહ્યા છે. બે ઘડી નજર હટાવવાનું મન ના થાય. ખરેખર જ વિધિની કમાલ છે !

એક બાળક અને એક વૃદ્ધ – એક જીવનમાં પ્રવેશ કરવા માટે પગ માંડે છે, જ્યારે બીજો જીવનમાંથી નીકળવા પગ ઉપાડતો હોય છે. બંન્નેની દિશા ભિન્ન છે, બન્નેના સ્વભાવ, વય, વિચારો, કલ્પનાઓ સઘળું અલગ છે છતાં એક બિંદુ એવું હોય છે જ્યાં આગળ આ બન્ને સામસામે મળે છે, એ બિંદુ પર બન્ને સરખા બની જાય છે. એકરૂપ જાણે, તેમનામાં કશો ભેદ રહેતો નથી. બન્ને જણાં જાણે મૌનમાં જ ઘણી ઘણી વાતો સમજાવી દે છે અને થોડા સમય માટે એકબીજાનો હાથ પકડી, આંગળી પકડી લઈને આનંદના સાગરમાં ગરકાવ થઈ જાય છે. સ્વાર્થી દુનિયા તેમની વચ્ચેથી ઓગળી જાય છે. તમે કલ્પના કરો, અથવા કદાચ તમે ક્યારેક જોયું પણ હશે કે એક અતિશય વૃદ્ધ અને એક નાનું ડગુમગુ ચાલતું બાળક (બન્નેની ચાલ સરખી જ હોય છે !) એકબીજાની આંગળી પકડી રસ્તામાં ચાલતા હોય….એ કેટલું સુખદ દશ્ય હોય છે ! એ દશ્ય વિચારમાં નાખી દે છે કે કોન કોનો સહારો ? બાળક વૃદ્ધનો કે વૃદ્ધ બાળકનો ? છતાં એક ફરક આંખે ઊડીને વળગે છે… એ છે… એક બિનઅનુભવી અને બીજો જમાનાને જાણે લો. છતાં બન્નેને એકબીજા સાથે સારું બને છે. અને આનું કારણ એ છે કે વૃદ્ધ – જે જમાનાને જોઈ ચુક્યો છે તેના ખાટામીઠા, કડવા સ્વાદોને પહેચાની શક્યો છે તે જિંદગીના અંતમાં આ કાવાદાવા, અને અટપટા સંસારથી દૂર રહેવા એક નિર્દોષ હૂંફ શોધતો હોય છે. તે થોડી શાંતિ મેળવવા ફાંફા મારતો હોય છે. તેને આ શાંતિ અને આવી નિર્દોષતા બાળકમાં જોવા મળે છે, કે જે દુનિયાદારીથી અજાણ… એવું પ્રભુનું પ્યારું, પોતાની મસ્તીમાં મસ્ત બની જીવતું હોય છે, કીલકીલાટ કરતું હોય છે. વૃદ્ધને આ તબક્કે તેનો સંગાથ સ્વર્ગ જેવો લાગે છે. તેના ઉકળતા, અશાંતિમય જીવનમાં થોડી સ્થિરતા આવે છે. બાળપણના દિવસોને પાછા બોલાવી બાળક જેવા બની, તેમાં તન્મય થઈ પ્રભુનું નામ લેવાની સ્ફૂરણા તેના હૃદયમાં થતી હોય છે. આ રીતે અંતિમ તબક્કે બાળકનો સંગ કરાવીને પ્રભુ તેને શાંતિ અને મુક્તિનો માર્ગ ચીંધે છે. બાળક માત્ર નિમિત્ત છે પણ વિધિની વિચિત્રતા ને કોણ પારખી શક્યું છે ?

બાળક – કે જે વૃદ્ધની મુક્તિનું દ્વાર બન્યું છે, જે બીજી બાજુ આ સંસાર- સાગરમાં ઝંપલાવવા તૈયાર થઈને ઊભું છે. તેનામાં ઉત્સાહ થનગનતો હોય છે. વડીલોને પગલે ચાલવાનું તેનું કર્તવ્ય બની રહે છે, પણ હજી તે બાળક છે, તેના પગ અસ્થિર છે અને વડીલોને તે જલ્દી દુનિયાદારી શીખે તેની ઉતાવળ હોય છે…ત્યારે અણસમજુ બાળક પોતાની મૂંઝવણ ઉકેલવા વૃદ્ધની દોસ્તી બાંધે છે. વૃદ્ધ સઘળું જાણે છે અને તેને અપનાવવા ઉત્સુક હોય છે. બાળકને વૃદ્ધની કંપની ફાવે છે કારણકે તે તેના અજ્ઞાન, અણસમજુ બાળમાનસને ટેકો આપે છે. તેના જેવો થઈને તેની સાથે રમે છે, કાર્યો કરે છે અને બન્ને આનંદ અનુભવે છે.

જિંદગીનો આ એક એવો તબક્કો હોય છે જ્યારે માનવીના બે અલગ-અલગ સ્વરૂપો એકરૂપ બને છે. જીવનદોરીનું એક પ્રારંભબિંદુ અને બીજું અંતિમબિંદુ.
**************

આવને વરસીએ – કલ્યાણી વ્યાસ

આવને આપણે જરા વરસાદ થઈને રમીએ,
કોઈનું નવ સાંભળીએ ને મુશળધાર વરસીએ.

ઓલ્યા કાળિયા વાદળને, દૂરથીજ હડસેલી દઈ,
પેલી રૂપેરી વાદળી ઉપર રિમઝિમ થઈ વરસીએ.

તને મારા સમ, જો હવે કર્યાં આંખ મિચાંમણા,
સદીઓથી સળગતી આપણી તરસને બુઝવીએ.

તું થઈ જાને નટખટ કહાનો, હું અલબેલી રાધા,
તારી વાંસળીના સૂરોની, ધારે ધારે ઝરીએ.

ધરતીકેરા પાલવડે, મુખ છુપાવી દઈ મલકીએ,
ઊણા ઊણા આયખામાં, આંખોના અમી ભરીએ.

આવને આપણે જરા વરસાદ થઈને રમીએ,
કોઈનું નવ સાંભળીએ ને મુશળાધાર વરસીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખોવાયેલી ઓળખ – ભાવના મહેતા
મંડૂકોનું ઉપનિષદ – વીણેલાં ફૂલ Next »   

14 પ્રતિભાવો : બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ

 1. sheetal amin says:

  very intersting ad something very new.i felt to get wet in the rain. excelent.

 2. nayan panchal says:

  કેટલી સુંદર કલ્પના.

  “…કે એક અતિશય વૃદ્ધ માણસ લાકડીના ટેકે સ્વર્ગના દરવાજા તરફ જઈ રહ્યો છે, અને તે જ સમયે એક હસતા ગલગોટા જેવું નિર્દોષ બાળક બહાર નીકળી રહ્યું છે. બન્ને એકમેકની સામે મૂક હાસ્યથી જોઈ રહ્યા છે.”

  આપણે કેમ જે purity લઈને સાથે આવીએ છીએ તે જાળવી નથી શકતા??

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.