પરણવું તો હતું પણ…. – સુરેશ દલાલ

રાતના ક્યારેક ઊંઘ ઊડી જાય તો મને ગમે છે. જાત જોડે વાત કરવાનો મોકો મળે છે. દિવસ આખો તો વેરાયેલા વિખરાયેલા વૃત્તિઓ અને પ્રવૃતિઓની ગલીકૂંચીમાંથી બહાર આવી હું મને મળી શકું છું મારા જ પોતાના રાજમાર્ગ પર.

જાત જોડે વાત કરવી એટલે પોતા વિશે અને જાત વિશે બને એટલા સાક્ષીભાવે વિચાર કરવો તે. જે કાંઈ ઘટના કે દુર્ઘટના બની હોય એના વિશે કઈ કઈ પરિસ્થિતિ, પ્રક્રિયા જવાબદાર હતી કે પછી જે પરિણામ આવ્યું તે એક સુખદ કે દુ:ખદ અકસ્માત જ ? પૃથક્કરણ કે પીંજણ કર્યા વિના સંયોજનની કળા જો મનુષ્યને હૃદયગત થઈ જાય તો એ શુભચિંતક કે વિચારક ન રહે. આંખો કરી રાખીને ભાવભીના હૃદયથી જગતને પાળવું જોઈએ.

જરાક કોઈક આપણી વિશે આડુંઅવળું બોલે તો તરત આપણે આપણું ઉપરાણું લઈને ફરતા હોઈએ છીએ. બચાવનામું લઈને જીવવાનો કોઈ અર્થ નથી. આપણે આપણાથી વિખૂટા છીએ અને જગત સાથે એકાકાર નથી. ઉપરછલ્લી રીતે જીવી જવાય છે. આ આપણા જીવનને મળેલો શાપ છે. આપણે આપણા જ અહંકારના પીંજરામાં પુરાયેલા છીએ. જગતની બાદબાકી કરીએ છીએ અને જાતનો સરવાળો કરીએ છીએ. સ્વકેન્દ્ર અને સર્વકેન્દ્રીની સમતુલા એ જીવન.

અહમને કારણે આપણને વાતવાતમાં વાંકુ પડે છે. હસવું અને હસી કાઢવુંની આપણી વૃત્તિ સંકોચાઈ ગઈ છે. આપણે આપણા વિશે વધુ પડતા આળા થઈ ગયા છીએ અને આપણી જ આળપંપાળ કરીએ છીએ. આપણા ગુણના ગુણાકાર આપણી જાતે જ કરીએ છીએ. પ્રશંસાની બાબતમાં સ્વાવલંબી સ્વાવલંબી રહેવું એ સારું લક્ષણ નથી. આપણા અવગુણનો ભાગાકાર કરવાની આપણને આદત પડી છે. શેષ રહે છે એવો ને એવો આપણો અડીખમ અહમ.

કોઈનું સારું જોઈને જે માણસ રાજી ન થાય એ ખલનાયક. કોઈના દુ:ખે દુ:ખી ન થાય પણ અંદરથી એક પ્રકારનું સુખ અનુભવે એ પરપીડક અને ખલનાયક.

કેટલાક લોકો જીવનને એટલી બધી ગંભીરતાથી લે છે કે એનો જીવનરસ આપમેળે સુકાતો જાય છે. કેટલાક ભયથી જ જીવે છે. હંમેશાં કોઈને કોઈ સલામતીની શોધમાં ફરતા હોય છે. કેટલાકને અઢેલવા માટે કોઈને કોઈ સંબંધનું ઓશીકું જ જોઈએ. સાચો પ્રેમ પરાધીન કરતો નથી. ‘પડશે એવા દેવાશે, ચિંતાકોર્યું મન પછી તો એકઝાટકે ટેવાશે’ – એવા અભિગમથી જીવવું જોઈએ. કઈ આપત્તિ આવશે એની ચિંતામાં ને ચિંતામાં આજને આ ક્ષણને શું કામ વેડફી દેવી. પ્રત્યેક ક્ષણ સુવર્ણકણ છે, માત્ર રજકણ નથી. બાહોશ થઈને સતત જીવવા કરતાં જીવવા માટે થોડીક બેહોશીની પણ જરૂર છે.

મારે જીવવું છે, પૂરા શોખથી, નર્યા આનંદથી. કાર્યકારણની પીંજણમાં પડવું નથી. કોઈને ખુલાસાઓ આપવા નથી. સિદ્ધાંતની બાબતમાં સમાધાન કરવું નથી. જે મળે છે એનો આનંદ છે અને આટલું મળ્યું એને માટે ઈશ્વરનો ઋણી છું. માણસને જોઈએ શું ? થોડાંક સાધન-સગવડ મળે એટલું ધન – જે કોઈની મહેરબાનીથી નહીં પુરુષાર્થથી પ્રાપ્ત થયું હોય, સમજણભર્યા થોડક જણ આસપાસ હોય એ ગનીમત છે. પ્રેમ અને સમજણ એકમેકના પર્યાય જેવાં હોવા જોઈએ. આટલું હોય એ પૂરતું નથી. જાતની બહાર નીકળવાની પણ જરૂર હોય છે. હવાફેર જેવો આ અનુભવ છે. તમે કોઈની પડખે ક્યારેક ઊભા રહ્યા છો ? કોઈને માટે કશું કરવા જેવો બીજો આનંદ ભાગ્યે જ મળે. કોઈકને માટે આપણું પોતાનું ધન કે ધનથી પણ વધુ મૂલ્યવાન સમય લૂંટાવી દેવાની આંતરિક શક્તિ હોવી જોઈએ. પોતાની જ આસકિતમાં પડેલો માણસ પશુની જેમ પોતા માટે બધું જ કરશે પણ બીજા માટે કશુંય નહીં કરી છૂટે.

આપણને વાતવાતમાં ઓછું આવે છે અને ઓછું પડે છે. લોકોને ઓટલો ન મળતો હોય ત્યારે એવા પણ કેટલાક ધનપીધેલા છે કે એમને બે હજાર સ્ક્વેર ફૂટનો ફલૅટ નાનો પડતો હોય છે. રજનીશ કહે છે એમ જેટલો મોટો ફલૅટ જોઈતો હોય એટલો મોટો અહંકાર આડો ફાટતો હોય, બંગલા જેટલો અહમ હોય છે. અહમનો સ્વભાવ પહોળા થઈને પથરાવાનો છે. સંકોચાય તે અહમ નહીં.

પરદેશમાં તો ઘેર ઘેર ફૅમેલી ડૉક્ટરની પ્રથા ઓલવાતી ગઈ. કોઈ કહેતું હતું કે હમણાં હમણાં આ પ્રથા અમેરિકામાં ફરી પાછી પુનર્જીવિત થઈ રહી છે. આપણે ત્યાં ફૅમેલી ડૉક્ટરની પ્રથા કંઈક અંશે જળવાઈ રહી છે એ સારી વાત છે. જેમ દરેક ન્યાતને એના ગોર હોય છે એમ પ્રત્યેક કુટુંબને એના ફૅમિલી ડૉકટર હોય છે. અમારાં ડૉકટર પ્રવીણાબહેન શાહ છે. એ પોતે દ્રઢપણે માને છે કે પ્રત્યેકને પોતાના ફૅમિલી ડૉકટર હોવા જ જોઈએ. માત્ર રોગીને જ નહીં કે માત્ર રોગને જ નહીં પણ દર્દીના આસપાસ કુટુંબને પણ ઓળખવાનું હોય છે. ફૅમિલી ડૉકટર કુટુંબના કુળદેવ કે કુળદેવી જેવું સ્થાન ધરાવે છે. એમની પાસે સમગ્ર માહિતી હોય છે. પ્રવીણાબહેન શાહ અત્યંત કોઠાસૂઝ ધરાવતાં ડૉકટર છે. દર્દીને અડધી રાહત તો ડૉકટર કઈ રીતે વાત કરે છે એના પરથી મળી રહે. દર્દી સાથે વાત કરવી એ મોટામાં મોટી કળા છે, એવી વાત જેનાથી ડૉકટરની દર્દી પ્રત્યેની નિસબત પ્રગટ થાય.

ડૉ. પ્રવીણાબહેને એક બહેનને એમ સમજાવ્યું કે તમે નકારાત્મક વિચારોને હાંકી કાઢો. કોઈ પણ બાબતમાં ઓછું ન આવવું જોઈએ. પરિસ્થિતિને હસી કાઢતાં આવડવું જોઈએ. પાંસઠ વર્ષની એક અપરિણીત સ્ત્રી હતી. એને એના બાર વર્ષના ભત્રીજાએ પૂછયું કે ફોઈ તમે પરણ્યાં કેમ નથી ? પેલી સ્ત્રીએ માત્ર એટલું જ કહ્યું કે પરણવું તો હતું પણ વાડી જ મળી નહીં.

વાતને હસી કાઢવી કે એક જ વાતને ઘૂંટી ઘૂંટીને રડ્યા કરવું – એનો બધો જ આધાર તમારા જીવનના અભિગમ પર છે. અહમનો સ્વભાવ છે કે નાનામાં નાની વાતને ‘પ્રેસ્ટિજ ઈશ્યુ’ બનાવવો. પોતાનો કક્કો ખરો કરવામાં ઘણીવાર જીવનની બારાખડી જ ભૂંસાઈ જતી હોય છે.

જેમ વિચારો આવે છે તેમ લખું છું. અહીં એક પછી એક સીડીનાં પગથિયા ગોઠવ્યાં નથી. અહીં પરોપદેશે પાંડિત્યની વાત નથી. આ તો જાત સાથેની વાત તમને કરી અને આ રીતે જાણે કે મેં જ મને સ્વબોધ આપ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પર્વ-પ્રસંગ
પત્નીને મશીન નથી બનાવવી – ગુલાબદાસ બ્રોકર Next »   

9 પ્રતિભાવો : પરણવું તો હતું પણ…. – સુરેશ દલાલ

 1. Jawaharlal Nanda says:

  SARAS MANOMANTHAN ! UTAM VICHAR! ! DAREK JAN JO AAVI RITE VICHARVANI PRACTICE PADE TO SWARG DHARATI PAR UTTRE !

 2. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  ઘણી જ સુંદર વાત કવિ શ્રી સુરેશ દલાલે કરી છે કે જીવન માં ગમે તેવી વાત ને પચાવતા આવડવી જોઇએ. લેખ માં એક વાક્ય સરસ છે કે ” પોતાનો કક્કો ખરો કરવામાં ઘણીવાર જીવનની બારાખડી જ ભૂંસાઈ જતી હોય છે.” માણસ માં જ્યાં સુધી અહમ હશે ત્યાં સુધી તે તેની આસપાસ ની સુંદરતા નહી નિહાળી શકે.
  આભાર મૃગેશભાઇ .

 3. sumedha says:

  after a long time i read real truth of life

 4. payal dave says:

  shree suresh dalal na darek vakyo ma sachota dekhai aave che,ane paheli j var ma harday ne sprshi jay che.khub j sundar rite aalekhan karyu che,ane darek vakyo ek aarisa nu kam kare che,jema aapne aapnane joi shkiae che ..Aabhar

 5. Jayshree says:

  Veru True..!! Its really nice article..
  નકારાત્મક વિચારોને હાંકી કાઢો. કોઈ પણ બાબતમાં ઓછું ન આવવું જોઈએ. પરિસ્થિતિને હસી કાઢતાં આવડવું જોઈએ.
  Me too strongly believe that negative thinking and approach brings only negativity in life.

 6. aruna says:

  THE TRUTH

 7. Manish B. Shah says:

  Uttam Vicharo ane Uttam lekhan.

 8. Mosquito ringtone….

  Mosquito ringtone. Ringtone converter….

 9. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ છે.

  જીવનને પૂરેપૂરી રીતે જીવવાની ચાવી આપી દીધી છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.