- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનવીનાં મન – પુષ્કર ગોકાણી

[‘માનવીનાં મન’ પુસ્તકમાંથી સાભાર.]

ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી, અને જે કાંઈ જીવ અને જગત બનાવ્યાં તેમાં જીવંત પ્રાણીઓમાં કેટલીક શક્તિઓ મૂકી, જેને કારણે તે પોતાનો વ્યવહાર ચલાવી શકે. નીચી કોટિના જીવોમાં પોષણ અને વૃદ્ધિની શક્તિ મુખ્ય રહી છે. બેકટેરીયા, એકકોષી જીવો વગેરે સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને પોષણ મળે ત્યાં સુધી જીવે છે. વનસ્પતિ તેનાથી ઊંચી કોટિમાં ગણી શકાય. તેનામાં પણ પોષણથી જ જીવન પાંગરે છે, તે પણ વૃદ્ધિ પામવા માટે પ્રકાશ અને પાણી તરફ અંદર-બહાર ગતિશીલ રહે છે. લાગણીનું તંત્ર વનસ્પતિમાં હજુ બહુ જ નીચી કક્ષાનું છે. ત્યાર પછી પ્રાણીઓમાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ તેનાથી ઊંચી કોટિનાં ગણી શકાય. તેમનામાં લાગણીતંત્ર વિક્સેલું જણાય છે. તે સુખ અને દુ:ખની લાગણી પ્રગટ કરે છે, અને જીવનની ચાર મૂળભૂત પ્રેરણાઓથી જીવનની ગાડી ગબડાવે છે. ઊંઘ, ભૂખ, ભય અને મૈથુન દ્વારા તે પોતાનું જીવન વ્યતિત કરે છે. પાલતું પ્રાણીઓમાં આ પ્રેરણાઓ ઉપરાંત થોડું વિકસિત લાગણીતંત્ર વધારે સ્પષ્ટ કામ કરતું જોવામાં આવે છે. તેને પ્રતિક્રિયા કરનારું નીચી કક્ષાનું મન કહી શકાય. કૂતરાને કોઈ પથ્થર મારે તો તરત એ પથ્થરને બચકુ ભરવા દોડે છે. અહીં મન પ્રતિક્રિયા જ કરે છે; પરંતુ નિર્ણય કરતું નથી કે ‘પથ્થર કોણે માર્યો ?’

પણ મનુષ્યમાં મન ખૂબ જ વિકસિત દશામાં રહેલું છે, તેથી ‘મનવાળો’ એ ‘માનવ’ કહેવાય છે. મનુષ્યમાં રહેલ આ મન માનવીને પૂરી સ્વતંત્રતા આપે છે. આ સ્વતંત્રતાનો તે પોતાના ભલામાં ઉપયોગ કરે કે બૂરામાં તેના ઉપર તેના જીવનનો આધાર રહેલો છે. આ સ્વતંત્રતા જ તેની બેડી બની ગઈ છે. તેથી જ જ્યારે પોતાની પાસે શ્રેય અને પ્રેય આવે છે ત્યારે, શ્રેયને પડતું મૂકીને ઘણીવાર પ્રેય તરફ દોરાઈ જઈને, પોતાનો વિનાશ નોતરે છે. મનમાં ઉત્પન્ન થતી આ પ્રેય (પ્રિય) ઈચ્છાઓ બધી જ અમલમાં મૂકાય તો સમાજ તૂટી પડે અને સ્વછંદી બની જતાં તેમાં કલેશ-ઝઘડા-અશાંતિ વ્યાપી જાય. તેથી કેટલાક સામજિક, ધાર્મિક અને નૈતિક નિયમો બનાવવામાં આવ્યા છે. વહેલા ઊઠી, સ્વચ્છ બની, પ્રાર્થના કરવા માટે ધર્મના જે નિયમો ઘડાયેલા છે તે શ્રેય છે. પણ દેખીતી રીતે તો નિરાંતે મોડા મોડા ઊઠવાનું, નિરાંતે બપોર સુધી નાહવાનું અને પ્રાર્થના ન કરવાનું પ્રિય-પ્રેય લાગે છે. પરિણામે તબિયત બગડે છે. શ્રેયનો નિશ્ચય મન કરી શકે તે માટે મનને સમજવા માટે આપણે અહીં પ્રયત્ન કરીશું. તે માટે એક દષ્ટાંત લઈએ.

એક પ્રખ્યાત વૈદરાજ ના જીવનમાં બનેલી આ ઘટના છે. તેઓ એક સાંજે એક વૃદ્ધ પુરુષને જોવા ગયા. નાડી અને અન્ય લક્ષણો જોતાં લાગ્યું કે તે માંડ અડતાલીસ કલાક કાઢશે. હાંફ પણ ખૂબ ચડતી હતી. તાત્કાલિક રાહત માટે હવા અને માંદગીનો અહેવાલ તેને રાત્રે જ મોકલી આપવાનું કહી ઘેર આવવા નીકળ્યા. એક ધનિકનો યુવાન પુત્ર માંદો હતો. રોજ તેને ત્યાંથી તેની દવા લઈ જતા હતા. તેમને થયું : ‘ઘર રસ્તામાં આવે છે તો તેને પણ જોઈ આવું તો સારું.’ તેઓ તેને જોવા ગયા. તેની નાડી વગેરે જોઈ. તે ધનિક પુત્ર થોડો વહેમી હતો. વૈદરાજને તેણે કેટલાય સવાલ પૂછ્યા. વૈદરાજે ટૂંકમાં તેને જણાવ્યું કે, ‘તમારી માંદગીનો પૂરો અહેવાલ અને દવા હું હમણાં જ મોકલું છું, તેથી તમારે હવે પ્રશ્ન પૂછવાપણું નહિ રહે. હિંમત રાખજો, સૌ સારા વાનાં થઈ જશે.’

રાત્રે તેણે બન્ને સ્થળે, પોતાના માણસ સાથે દવા અને રિપોર્ટ મોકલી આપ્યાં. યુવક માટે દવા સાથે લખ્યું હતું : ‘જીવનનો વહેલોમોડો અંત આવે જ છે. મૃત્યુ નિશ્ચિત વસ્તુ છે, માટે તેનો ભય રાખવો નહિ અને પ્રભુભજન કરવું. હવે તમારા જીવનના ગણતરીના કલાકો જ બાકી છે, તો સત્કાર્ય કરી લેશો. સાથે મોકલેલી દવાથી તાત્કાલિક સત્કાર્ય કરી શકો ને તમારી મિલકતની વ્યવસ્થા કરી શકો તેટલી તાકાત આવી જશે.’

યુવાને આ રિપોર્ટ વાંચ્યો અને તના હાંજા ગગડી ગયા. વહેલી સવારે તેને માટે વૈદરાજને તેડવા માણસ આવ્યો. વૈદરાજે જણાવ્યું : ‘મોટા માણસ છે એટલે બોલાવે તે તેમને પોષાય, પણ ખરેખર હવે મારે ત્યાં આવવું જરૂરી નથી. હું મારાં પૂજાપાઠ, નિત્યકર્મ પતાવી નિરાંતે આવી જઈશ. મારી દવાથી આરામ થઈ જ જશે.’ વૈદરાજે આવવાનું જરૂરી ન માન્યું એટલે યુવાનને મૃત્યુની ખાતરી થઈ ગઈ અને તે એકદમ મૂંઝાઈ કલ્પાંત કરવા લાગ્યો. તેનાં માતાપિતા બીજા શહેરમાં હતા, ત્યાંથી બોલાવવા તાર થયા. વૈદરાજ છેવટે તેને જોવા માટે બે પહોર દિવસ ચડી ગયો ત્યારે પહોંચ્યા. યુવાનની ગંભીર હાલત જોઈ. ગઈ સાંજે તો તેને ઠીક હતું અને આમ કેમ થયું ? વૈદરાજ સામે જોઈ યુવાન ક્ષીણ અવાજે બોલ્યો : ‘ગઈ રાતથી ઊંઘી શક્યો નથી. મૃત્યુ સતાવે છે. મારી બધી મિલકત લઈ લો, પણ બેઠો કરો. મારે મરવું નથી.’ તે રડવા લાગ્યો. રડતાં રડતાં હાંફ ચડી ગઈ.
વૈદરાજ બોલ્યા : ‘કોણે કીધું કે તમે મરી જવાના છો ? તમારી તબિયત તો ખૂબ જ સારી છે. તેથી તો મેં માત્ર તમને સાંત્વના રહે એટલે શક્તિની દવા મોકલી છે. તમને તો દવા ન આપું તો પણ ચાલે તેમ હતું.’
યુવાન દયામણું હસી બોલ્યો : ‘વૈદરાજ, આપ મને ખોટું આશ્વાસન શા માટે આપો છો ? ગઈ રાત્રે તો આપે અહેવાલમાં મારા મૃત્યુની સ્પષ્ટ ચેતવણી આપી હતી.’

વૈદરાજ તાજ્જુબ થયા. તેમણે એ અહેવાલ જોવા માગ્યો. પછી ખૂબ હસ્યા. તેમણે કહ્યું, ‘ગઈ રાત્રે એક વૃદ્ધને જોવા ગયો હતો. તે પાકું પાન હોઈ, તેમજ તેમની ગંભીર હાલત હોઈ, તેમને મેં ઉત્તેજક દવા મોકલી હતી અને પ્રભુનામમાં તેનો અંતકાળ જાય એટલે ચેતવણી લખી મોકલી હતી. ભૂલથી મારો માણસ તે રિપોર્ટ અને દવા, એને બદલે તમોને આપી ગયો છે; બાકી તમોને તો ખરેખર કાંઈ જ નથી. આવી ભૂલ ન થાય તેવી વધુ દરકાર મારે રાખવી જોઈતી હતી.’
‘શું કહો છો ?’ કહેતોક એ યુવાન બેઠો થઈ ગયો. જેને થોડીવાર પહેલાં પડખું ફરવામાં પણ કષ્ટ પડતું હતું અને પત્નીની મદદથી તે પડખું પણ માંડ માંડ ફરી શકતો, તેવી હાલતવાળો તે યુવાન કોઈની પણ મદદ વિના એકદમ બેઠો થઈ ગયો.
વૈદરાજ બોલ્યા : ‘સાવ સાચું કહું છું. જુઓ, એ વાત સાંભળતા જ તમે કેવા બેઠા થઈ ગયા ! તમારા શરીરમાં કંઈ ખામી નથી. એક નાના ભ્રમમાં તમે તમારું શરીર કેવું ભાંગી નાખ્યું હતું ! તે તમારા મનનું જ કારણ હતું. મનથી તમે મૃત્યુને નજીક જોયું એટલે તમારા શરીરમાંથી કૌવત ચાલી ગયું. નિદ્રા ન આવી, અને આવી હાલત રહી હોત તો ખરેખર કદાચ થોડા સમયમાં તમારી સ્થિતિ ખૂબ જ વણસી જાત. ભલા માણસ, હવે આ ઘટના ઉપરથી બોધપાઠ લઈને મનને મજબૂત બનાવો, વહેમ છોડો ને મૃત્યુને સદા નજર સામે રાખી પ્રભુપરાયણ રહો.’

આ સાંભળીને યુવાન ખૂબ જ આનંદમાં આવી ગયો. તે વૈદ્યને પગે લાગ્યો : ‘વૈદરાજ, મને જોવા આવવા અને દવા આપવા માટે તમોને હવે ઘરમાં કદી બોલાવવા નહિ પડે. અહા, મારે હાથે જ મેં મારી સ્થિતિ બગાડી હતી. પણ વૈદ્યરાજ, પેલા વૃદ્ધજનને મારી સ્થિતિનો અહેવાલ મળ્યો છે, તેનું શું થયું હશે ? ચાલો, હું તમારી સાથે તેમને જોવા આવું.’ હવે તે ચાલીને બહાર નીકળવા પણ શક્તિમાન થઈ ગયો હતો ! બન્ને જણ પેલા વૃદ્ધજનને મળવા ગયા. તેની પથારી પહેલે માળે હતી. પણ વૈદ્યરાજ ઘરે પહોંચ્યા તો તેણે જોયું કે તે વૃદ્ધ પુરુષ નીચે રસોડામાં આવીને રોટલોને દૂધ જમતા હતા. એકદમ તે ઊભા થયા અને બોલી ઊઠ્યા, ‘વૈદ્યરાજ, ભલુ થજો તમારું. તમારી દવા પણ ખૂબ જ સારી અને તમારો અહેવાલ વાંચ્યો ત્યારે જ મને ખબર પડી કે હું નાહક સેવાચાકરી લઈ રહ્યો છું. મારામાં જરાય રોગ નથી અને ફક્ત નબળાઈ જ છે. એ વાત જો રૂબરૂ કહી હોત તો હરકત નહોતી. બે માસ હું મૂર્ખામીમાં ખાટલે પડી રહ્યો અને અનેક વૈદ્ય-ડૉકટરોને બતાવી નાહક ખુવાર થયો. અનુભવી તે અનુભવી. જો તમોને જ પહેલાં મળ્યો હોત તો આવી તકલીફમાં ન મુકાત. બેસો, બેસો, જલપાન કરો.’
પેલો યુવાન કશુંક કહેવા જતો હતો, તેને રોકીને વૈદ્યરાજ બોલ્યા, ‘જુઓ, આ વૃદ્ધ છે એમ કોઈ કહે ? યુવાનને પણ શરમાવે તેવા છે ને ?’ પછી વૃદ્ધજનને સંબોધી કહ્યું : ‘અમોને ઉતાવળ છે. તમે નિરાંતે જમો અને સાંજે ફરી દવા મંગાવી લેજો.’

ત્યાર પછી તે વૃદ્ધ માણસ લગભગ ત્રણેક માસ જીવ્યા. એક પ્રખ્યાત વૈદ્યના જીવનમાં બનેલી આ સાચી હકીકત છે. આ બનાવ ઉપરથી ખાતરી થાય છે કે આ શરીરની સ્થિતિ મન પર આધારિત છે. જેમ એક સ્ટીલના ગ્લાસમાં બરફ રાખીએ તો ગ્લાસની બહાર પાણીની વરાળ જામી જાય છે, તેવી રીતે મનુષ્યના મનની આસપાસ તેનું શરીર બંધાયું છે.