લાચારીનું વર્તુળ – ગિરીશ ભટ્ટ

વિભા જાણતી હતી કે આજે જાનકી બરાબર જમી નહોતી. લુશ લુશ બે કોળિયા પેટમાં પધરાવીને, વિભાને પગે લાગીને ઝટપટ ચાલતી થઈ હતી.

પરીક્ષા સમયે આમ જ થતું. આજે તો છેલ્લું પેપર હતું. બસ, પછી તો લીલાલહેર ! મુક્ત પંખીની જેમ જાનકી વિહરવા લાગશે. આખું ઘર માથે લેશે. પણ સનાતનની ગેરહાજરીમાં. સનાતનને આવું ક્યાં પસંદ હતું ?

ઢગલો કપડાં ભેગાં થયાં હતાં લૉન્ડ્રીમાં દેવાનાં. માણસ કપડાં લેવા આવતો જ નહોતો. વિભાએ વિચારી રાખેલું કે બપોરે તે ઈસ્ત્રી લઈને બેસી જશે. સનાતન જાય પછી તો ખાસ્સો સમય રહેતો તેની પાસે, જેમાં તે જે ઈચ્છે એ કરી શકે. બિલકુલ… તેની ઈચ્છા મુજબ જીવી શકે. અલબત્ત, સનાતનના ફોન ન આવે તો. તેને આદત હતી ફોન પર સૂચનાઓ આપવાની. ઑફિસમાં સહેજ સમય મળે ને તરત જ…. રિંગ કરવાની આદત.

‘કેમ મોડુ થયું ફોન લેવામાં ? પથારીમાં ઘોરતી હતી ? પછી મારી પેલી ફાઈલ શોધી ? હજી ના મળી ? શું કરો છો આખો દિવસ.. ? શોધી રાખ…. સાંજે આવું ત્યાં સુધીમાં.’ અને વિભા ફફડતી ફફડતી એ કામમાં લાગી જતી. અંતે એ ફાઈલ તો ઑફિસમાંથી જ મળી આવતી. ચાળીસી વટાવી ગયેલી વિભાને હવે થાક લાગતો હતો, શરીરનો અને મનનો.. તેને થતું કે શું આ પુરુષ ક્યારેય તેને સમજશે ખરો ! તેણે ડરતાં ડરતાં કહ્યું હતું : ‘સનાતન…. હવે જાનકી ઉંમરલાયક થઈ, સમજણી થઈ, આમ કેવું લાગે કે આપણે બેય… બેડરૂમમાં બારણું વાસીને….’ તેણે કશો ઉત્તર વાળ્યો નહોતો. એનો અર્થ એ કે તે કશી ચર્ચા કરવા ઈચ્છતો નહોતો. બસ, વાતને પડતી મૂકવી. તે ચૂપ થઈ જતી.

વિભા પરણી ત્યારે પૂરી સમજણ હતી તેનામાં. તેની ઈચ્છાય ક્યાં હતી સનાતન માટે. એક લાચારીએ તેને એ દિશામાં ધકેલી હતી. બાકી તેનીયે એક પસંદગી હતી. વિભા અણગમા સાથે સનાતનને પરણી હતી. વડીલ સ્ત્રીઓએ તેને શિખામણ આપી હતી : ‘બેટા પુરુષ તો એવો જ હોય. આપણે સંભાળી લેવાનો.’
વિભા સમસમી ગઈ હતી.
ઉત્તર તેના હોઠો પર જ હતો પણ તે મૂંગી રહી હતી. બસ, આ લાચારી… છેક સુધી લંબાતી હતી. પ્રારંભમાં પારવાર દુ:ખ થતું પણ પછી તેણે અનુકૂલન સાધી લીધું હતું. જાતને સનાતનમાં ઓગાળી નાખી હતી. સનાતન ખુશ ખુશ હતો. એ ખુશીમાં વિભાનું સુખ સમાઈ જતું હતું. સમજણ આવ્યા પછી જાનકીએ આ જ જોયું હતું. મમ્મીની લાચારી વખતોવખત નિહાળી હતી. ‘બેટા, સ્ત્રીના ભાગ્યમાં તો આવું બધું હોય’ વિભા ક્યારેક સ્વગત બોલતી હોય એમ બબડતી. જાનકીને ભાન થયું હતું કે તે પણ એક સ્ત્રી હતી, મમ્મીના જેવી. અને તેણે પણ આમ જ આ પગદંડી પર, આમ જ… પગલાં ભરવાનાં હતાં.

સનાતને તો જાનકી પર પણ ઈચ્છાઓ લાદવાનું શરૂ કર્યું.
‘ના, આ ફ્રૉક સારું છે, પુસ્તકો આવાં જ વાંચવાના. એ લોકો આપણા લેવલના નથી. તારે પ્રતિમા સાથે સંબંધ નહીં રાખવાનો.’
‘આટર્સ લાઈનમાં ના જવાય. ભાષામાં રસ છે તેથી શું થયું ? હું કહું છું ને કે કૉમર્સ…’
‘બર્થડે સેલિબ્રેટ કરવો છે? એટલે ઘેર ટોળું ભેગું કરવું છે એમ ? નો, નથિંગ ડૂઈંગ. એ બહાને છોકરા-છોકરીઓ….’
‘શું કહ્યું ? એકલી તારી સખીઓ ? પણ મને ખબર છે, પાછળ પાછળ સખીઓના ભાઈઓ….’
‘શું લખ્યું છે ? કવિતા…. ? યૂ મીન પૉએટ્રી ? એમાં સમય શા માટે બગાડે છે ? એના કરતાં….’
જાનકીને થાક લાગ્યો હતો, સાવ કાચી ઉંમરમાં. આમ જિવાય શી રીતે ? શ્વાસ પણ ના લઈ શકાય. મમ્મી… આટલાં વર્ષો જીવી જ ને ? સતી વિભા બનીને ? હા, એમ જ. પોતાની ઈચ્છાઓ દળી નાખે એ રાખને સતી જ કહેવાય !

અને સખીઓના ભાઈ એટલે… ? તે આટલાં વર્ષમાં એક જ વ્યક્તિને ઓળખતી હતી – વિસ્મયને. કૃતિએ પરિચય કરાવ્યો હતો. ‘જાનકી…. આ મારો ભાઈ વિસ્મય. ભારે મજાકિયો છે. કોઈને ના છોડે. અને હસાવેય કેટલું? પેટ દુ:ખી જાય !’
એકવાર તે વિસ્મયને મળી હતી. તેણે તેની સાથે હળવી વાતો કરી હતી. પછી ટકોર પણ કરી હતી: ‘જાનકી… તું વણઊઘડેલું પુષ્પ છે. પણ તને અનુભવી શકાય છે, તારા ભીતરને પારખી પણ શકાય છે.’ જાનકી ખુશખુશાલ થઈ ગઈ હતી એ સાંજે, આવું બધું સાંભળીને.
‘અરે વિસ્મય… તમે તો કવિ જેવું જ બોલો છો. તમને ખબર છે મેં પણ એક કવિતા લખી છે ? કૃતિનેય આ વાત નથી જણાવી.’ રણમાં મેઘઘનુષ ખીલી ઊઠયું હતું જાણે ! જાનકીએ તેની સ્વરચિત કવિતા વિસ્મયને સંભળાવી હતી. એ બંનેએ સરસ સરસ વાતો કરી હતી.

જાનકીને ભાન થયું કે કાંઈ બધા પુરુષો તેના પપ્પા જેવા નથી હોતા. પછી તો બીજી કવિતા પણ રચાઈ, વંચાઈ અને ચર્ચાઈ. આ રમતિયાળ છોકરો એકલો રમતિયાળ નહોતો. તેનામાં ઊંડાણ હતું. વ્યાપ હતો… જીવન પ્રતિ એક દષ્ટિ હતી. પછી તો ‘વાંચવા જાઉં છું… કૃતિને ત્યાં.’ શરૂ થયું. તે ખુશ ખુશ રહેવા લાગી.

વિભાને થયું પણ ખરું કે… જાનકી કદાચ…
એક વેળા જાનકી સ્નાન કરીને બહાર નીકળતી જ હતી ને તેને કાને સનાતનના શબ્દો પડ્યા હતા : ‘જસવંતભાઈના તેજસમાં શી ખામી છે ? પૈસામાં આળોટે છે એ લોકો. જાનકી સુખમાં પડશે.’
વિભા સાંભળી રહી હતી. તેણે કશો પ્રતિકાર કર્યો નહોતો. સમર્થન પણ કર્યું નહોતું. બસ, નિરુત્તર ! અંતે તેણે માત્ર એટલું જ કહ્યું હતું : ‘જાનકીને પૂછી જોઉં…’
‘જાનકી શા માટે ઈનકાર કરે ? બે ગાડીઓ છે, બંગલો છે. તે તો મહાલશે સુખમાં.’
જાનકી થંભી ગઈ હતી. અરે, થીજી ગઈ હતી. એ પરિવારને તે જાણતી હતી. કેટલીક વાતો તેને કૃતિએ કહી હતી. સાવ અસંસ્કારી હતા એ લોકો. નૈતિક પતનના કિસ્સાઓ એ પરિવારમાં નોંધાયા હતા. શક્તિશાળી હતા ને એટલે કશું પુરવાર નહોતું થયું. પપ્પાએ તેનું સુખ જોયું હતું પણ આ નહીં જોયું હોય ? વિભાએ પુત્રીને વાત જણાવી નહોતી. તેની હિંમત ચાલતી નહોતી. શું પુત્રીએ પણ, તેની માફક જ અણગમતા પાત્ર સાથે…. જિંદગી જોડી દેવી?

તેને કમકમાં આવી ગયાં હતાં. તે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે આ વાત કોઈ પણ રીતે અટકી જાય. અને એ વિશે સનાતને પછી ક્યારેય કહ્યું નહોતું. વિભા… ફફડતાં ફફડતાં જીવતી હતી. ઈચ્છતી હતી કે એ દિવસ ક્યારેય ના આવે. જાનકીએ આ વાત વિસ્મયને પણ કહી હતી. કૃતિ પણ જાણતી હતી. કૃતિએ સખીને સાંત્વના આપી હતી…. આ વાતાવરણમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય ? તે કોઈ યંત્ર તો નહોતી કે ચાંપ દબાવીને ચાલુ કરી શકાય.

વિભાએ એક દિવસ જાનકીને એ વાત કરી હતી વ્યથા સાથે. ઉમેર્યું હતું : ‘એ હવે ભૂલી ગયા લાગે છે.’ જાનકીને લાગ્યું કે તેની મમ્મી સાવ ભોળી જ હતી. એ પુરુષ ક્શું ભૂલી શકે જ નહીં, એવી એની છાપ હતી. ‘કાં તો મમ્મી મને આશ્વાસન આપતી હશે અથવા ખૂબ જ ભોળી…’ જાનકી વિચારતી હતી. તેને પિતા પર વિશ્વાસ નહોતો. સનાતન ધારે એ કરે જ, એવી એની પ્રકૃતિ હતી. તેને ભૂતકાળની અનેક વાતો યાદ આવી હતી જેમાં તે આ રીતે જ વર્ત્યા હતા.

કશુંય બનતું નહોતું, એ વિષયમાં. સનાતને એ વાત ફરી ઉખેડી જ નહોતી. વિભાને છૂપો આનંદ થતો હતો. તે અત્યારે વસ્ત્રો પર ઈસ્ત્રી ફેરવી રહી હતી ત્યારે પણ એ જ વિચારો આવતા હતા.
‘કદાચ… તે આ વાત ઉખેળશે નહીં ને, જાનકીની પરીક્ષા પછી ? આજે છેલ્લું પેપર તો છે. અરે, તેની પરીક્ષા પૂરી પણ થઈ ગઈ હશે. હમણાં જ… મુક્ત પંખી આવી પહોંચશે…. સવારે પૂરું જમી પણ નથી.’ વિષયાંતર થઈ ગયું. તે પ્રસ્વેદે રેબઝેબ હતી. વસ્ત્રો પણ ભીનાં, ચોળાયેલાં… તે ઝટપટ કામ આટોપીને બાથરૂમમાં પહોંચી. ઠંડુ પાણી અને તેનો શીતળ છંટકાવ ગમ્યો. થોડી ક્ષણો માટે… તે બાકીની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ જાણે ! તાજી થઈ ગઈ. ભીનાં વાળ સૂકવતી… રવેશમાં આવી. માર્ગ પર ભીડ હતી, માનવીઓની અને વાહનોની. તે એ ભીડમાં જાનકીને શોધવા લાગી. યાદ આવ્યું કે જાનકી સાઈકલ કે મોપેડ કશું લઈ ગઈ નહોતી. એમ કેમ કર્યું હશે ? એકાદમાં પંચર હોય પણ… બેય…
‘હશે કાંઈ કારણ. કોઈની લિફટ પણ મળી ગઈ હોય.’ વિભાએ મનને સમેટી લીધું.
હવે તો ટોળામાં, તેની દીકરીને શોધવા લાગી. તેને બરાબર યાદ હતું કે તેણે કયો ડ્રેસ, કઈ ઓઢણી… અને શું તે જાનકીને ના ઓળખી શકે ?
નજર નીચે, રસ્તા પર ઝળૂંબાયેલી જ રહી. કેટલીક જાણીતી, અર્ધજાણીતી છોકરીઓ આવી પણ ગઈ. ઘડિયાળમાં જોયું તો સાડા ચાર.
‘અરે પેપર તો ક્યારનુંય પતી ગયું હોય. તો પછી કેમ નહીં આવી હોય જાનકી ? પેપર બરાબર તો…’ વિભાને પુત્રીની ચિંતા થવા વળગી. ક્યારેક થોડો વિલંબ થવાનો હોય તો તરત જ ફોન કરી દે. જાનકીને ખબર જ છે કે મમ્મી ચિંતા કરે જ. મમ્મી એટલે ચિંતા.
નજર ઝળૂંબી રહી રસ્તા પર અને પછી તો ઝીણી થઈને દૂર દૂર પણ ચોંટી રહી. સમય તો સરકી રહ્યો હતો. પડછાયાનો હવે પૂર્વ તરફ ફંટાવા લાગ્યા હતા.

વિભાએ કૃતિને રિંગ કરી. હસી પણ ખરી એમ વિચારીને કે ભૂતનું રહેઠાણ આંબલી. હમણાં તો રોજ વાંચવા માટે પણ ત્યાં જ જતી હતીને ! રિંગ તો કરી પણ… નો રિપ્લાય ! બીજી વાર પણ એમ જ. ક્યાંય ગયા હશે સપરિવાર, કૃતિની પરિક્ષા પછી, ચાલો જિજ્ઞાસાને જોડું, એ પણ એની ખાસ…
‘કોણ…. આન્ટી, મઝામાંને ? શું કરે છે તમારી કુંવરી. સૂતી હશે આરામથી. શું નથી આવી ? પેપર તો ક્યારનુંય…. કોઈ કામ યાદ આવ્યું હશે. આવી જશે આન્ટી…’ બસ વાત ખતમ.
પણ જાનકીનું શું સમજવું ? સ્વાતિ ભાભીને પૂછવા દે. કદાચ ત્યાં બેસી ગઈ હોય. ભલું પૂછવું રસ્તામાં જ ઘર છે. જાનકીને સારું બને છે તેમની સાથે. જાનકીનો સ્વભાવ જ એવો છે, ગમે તેને વહાલી લાગે.
‘હું….સ્વાતીભાભી…. બસ આ ઈસ્ત્રીથી પરવારી. જરા ફ્રેશ થઈ…. થયું કે… જાનકી ત્યાં આવી છે ? આજે છેલ્લું જ પેપર હતું. નથી ને? હા, હા એ તો આવી જશે. ક્યાં નાની હતી ?’
ચાલો, એ પણ પત્યું. નાની નથી એ જ ઉપાધિ છે. સ્વાતિભાભીને ના ખબર પડે.

વિભા સ્થિર થઈ ગઈ પણ મન ભમવા લાગ્યું – લોલકની માફક. ઘડીમાં એક વિચાર, તો બીજી ક્ષણે બીજો વિચાર. કોઈ અપહરણ કરી ગયું હશે ? અથવા…અથવા…. પેપર બરાબર ના ગયું હોય તો ક્યાંય તે પોતે જ… સનાતનનો ડર તો ખરો જ. ક્યાં જાય પહેર્યે કપડે ? તે સવારે મને પગે લાગી હતી ત્યારે તેની આંખો ભીની થઈ હતી. એમ તો ઊઠી ત્યારે લાગલી મને વળગી જ પડી હતી. એ શું સાવ અકારણ જ બન્યું હશે કે પછી…
તે પાસેના સોફા પર ફસડાઈ પડી. કાયામાંથી બધી જ શક્તિ એકસામટી ક્ષીણ થઈ ગઈ ! ગોખમાં દેવીની છબી હતી. તે દરરોજ સવારે ભાવપૂર્વક તેની પૂજા કરતી હતી. તેણે આજીજી કરી એ છબી પાસે.
ત્યાં સ્વાતિભાભીનો ફોન આવ્યો. તે પૃચ્છા કરતા હતા કે જાનકી આવી કે નહીં.
‘ના ભાભી…’ એટલું કહેતાં કહેતાં તે રડી પડી.
‘સનાતનભાઈને જણાવ્યું ? કશું થયું હતું – તેને મન દુ:ખ થાય તેવું ? ચાલ…. હું જ આવું ત્યાં.’
અને વિભાને ઝબકારો થયો.

પેલા જસવંતભાઈના તેજસ સાથે… ની વાત તો તેના મનમાં નહીં હોય ? કદાચ હોય પણ ખરી. અને આ કૃતિનો ફોન પણ લાગતો નથી. કૃતિના ભાઈ વિશે પણ જાનકીએ એકવાર કહ્યું હતું, ‘મમ્મી… વિસ્મય તો બધાંને ગમે તેવો જ છે….!’ વિભાને બધું દીવા જેવું દેખાવા લાગ્યું. એમ જ હશે. તેનું આજનું વર્તન તો એ જ દિશાનો સંકેત કરતું હતું. તે વસંતઋતુની ડાળખી બની ગઈ એ ક્ષણે. કૃતિને ત્યાં ફરી ફોન જોડવા મન સળવળી રહ્યું. પણ ત્યાં જ સ્વાતિભાભી આવી પહોંચ્યા. તે ફરી રડમસ થઈ ગઈ.

સ્વાતિભાભીએ ફોનથી સનાતન સાથે વાત કરી : ‘સનાતનભાઈ… જો જો વાત બા’ર ના જાય.’ ભાભીએ શિખામણ પણ આપી. ‘ભલે વાર થાય. હું વિભા પાસે છું.’ એવો સધિયારો પણ ભાઈને આપ્યો.

બંને સોફા પાસે ફરસ પર બેઠાં. હવે તો પૂરેપૂરું અંધારું વ્યાપી ગયું હતું. પાસેના રસ્તા પરની અવરજવર પણ પાંખી થઈ ગઈ હતી. સ્વાતિભાભી સાંત્વનાના શબ્દો ઉચ્ચારતા હતા.
વાતાવરણમાં ઉદાસી હતી.
અચાનક જ સ્વાતિએ પૂછ્યું: ‘વિભા…. આપણી જાનકીને કોઈ સાથે ઓળખાણ, મનમેળ એવું કશું તો નહોતું ને ? આજકાલ આવું બહું બને છે. મૂઆ મવાલીઓ…. ભોળપણમાં રમતી છોકરીઓને ફસાવી જાય છે.’
વિભા ચોંકી હતી. તેણે માથું ધુણાવ્યું હતું. તે વિસ્મય વિશે કશું કહેવા ઈચ્છતી નહોતી. અને તે પણ ક્યાં ચોક્કસ હતી. આ તો કેવળ ધારણા હતી. જો કે ધારણા સાવ આધાર વિનાની પણ નહોતી. તે દિવસભરનો કાળક્રમ ગોઠવવા લાગી. સવારે જાનકી તેને વળગી પડી હતી. આવું તો તે ક્યારેય કરતી નહોતી. એ પછી તેણે તેની સોનાની બંગડીઓ વિભાને આપી હતી.
‘મા રાખ આને, નિરાંતે પહેરીશ, પરિક્ષા પછી.’ વળી તેની આંખો ભીની હતી જ્યારે તે પરિક્ષા દેવા ગઈ. આ બધાં શાના સંકેત હોય ?’
વિભા તેની ધારણામાં ચોક્કસ થતી જતી હતી. ‘ચાલો… તે તો સુખી થશે !’ તે વિચારતી હતી, મનોમન આનંદ પામતી હતી. કૉલબેલ વાગી. આટલી લાંબી બેલ સનાતન જ. આ તેની મનોસ્થિતિનો પડઘો હતો. તે ગુસ્સો ઠાલવવાનો જ હતો.
સ્વાતિભાભીએ ઝટઝટ બારણું ખોલ્યુ. સામે સનાતન હતો અને તેની સાથે જાનકી હતી. જાનકી રડતી હતી.
‘જાનકી…? આવી ગઈ ?’ સ્વાતિભાભીએ હર્ષોચ્ચાર કર્યો. વિભાએ પણ જાનકી અને સનાતનને જોયાં.
વિભા સ્તબધ થઈ ગઈ. તો શું… તેની ધારણા… નિરાધાર…. એક આંચકો લાગ્યો.

બીજી ક્ષણે પુત્રીને વળગી પડી. સવારે જાનકી વળગી હતી એમ જ. વિભા રડતી હતી.
‘કર્યું ને ભોપાળું. ગામમાં ઢંઢેરો જે પિટાવવો હતો ને કે મારી ઉંમર લાયક છોકરીએ કોઈની સાથે ભાગી ગઈ છે. ક્યારેય અક્કલ ચલાવવાની જ નહીં ?… અરે જસવંતભાઈ સુધી વાત પહોંચે તો શું થાય, ખબર છે તમને ?’ સનાતને રોષ ઠાલવવામાં કશી મણા ન રાખી. જશવંતભાઈના ઉલ્લેખે વિભા ચોંકી હતી. તેણે પુત્રી સામે જોયું હતું. જાનકીની આંખોમાં લાચારી વંચાતી હતી. ‘હવે ગુસ્સો ન કરો, સનાતનભાઈ. માને તો થાય અને વિભાએ કોઈનેય કહ્યું નથી, બસ મારા સિવાય.’ સ્વાતિએ વાતને ઠંડી પાડી હતી.

‘અરે, ક્યાંય નહોતી ગઈ… તેની ફ્રેન્ડ જિજ્ઞાસાને ત્યાં હતી. કોઈ પ્રસંગ હતો તેને ત્યાં, એમાં રજનું ગજ કરવાનું ?’ સનાતને જરા હળવાશથી કહ્યું હતું. અવાજ ધીમો થયો હતો અને વિભાને ફરી ચોંકવાનો વારો આવ્યો.

રાતે તે પરવારીને જાનકી પાસે આવી, તેના ખંડમાં બારણા વાસીને જ આવી હતી. જાનકી પલંગમાં લોથની જેમ પડી હતી. વિભાએ તેને પંપાળી. સારું લાગ્યું જાનકીને.
‘બેટા, શું વિસ્મય ના આવ્યો ?’ વિભાએ સાવ નિકટ જઈ પ્રશ્ન કર્યો.
જાનકી ચમકી. શું મમ્મી જાણતી હતી ? બીજી ક્ષણે તે વિભાને વળગી પડી.

એકવીસ વર્ષ પહેલાં, વિભાનો ભગીરથ પણ આમ જ આવ્યો નહોતો ! વિભાએ કશું ના કહ્યું. બસ, વળગી જ રહી રડતી પુત્રીને. લાચારીનું વર્તુળ અહીં પૂરું થતું હતું….. ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરમ પૂજ્ય પિતાશ્રી – ડૉ. પ્રફુલ્લ શાહ
સેપોડ – બકુલ રાવળ Next »   

20 પ્રતિભાવો : લાચારીનું વર્તુળ – ગિરીશ ભટ્ટ

 1. manvant says:

  “પોતાની ઇચ્છાઓને દળી નાખે ,એ રાખને સતી જ કહેવાય !”નારી જીવનની આ એક કરુણ કહાની છે !વિચારણીય છે .શું સારું ? લાચારી કે જોહુકમી ?ધન્યવાદ આ
  વાર્તા લખનાર અને રજૂ કરનારને !

 2. Mital says:

  aava kissao have bahu ochchhaa bane chhe samaaj ma..aaje to chhokri ek ne padto muki ne bija ne tarat j pakdi le chhe.
  have e jamaano nathi rahyo ke jyaare chhokra-chhokri ek bija ne vachan api de ane jeevan bhar munga modhe prem karya kare…aaje dekhaado, chamak-damak,paisa,maan-malaajo j badhu thai gayu chhe..
  Prem ni vaat aaj na jamana ma hasi ne kaadhi naakhe chhe.

 3. Uday Trivedi says:

  A wonderful story ! Correctly describes a woman’s perspective of married life and life in general. Exceptionaly emotional story. Hats off to writer !

 4. piyush says:

  it is really good article.
  enjoyed it !
  bye

 5. pallavi says:

  Girishbhai,
  ‘LACHARI NU VARTUL’ Varta saras chhe. pan—-
  navi pedhi ni Janaki pase navi KEDI kandaravani asha
  na rakhi shakie apane?
  Regards
  Pallavi[Writer]

 6. Ashok Chavda says:

  હવેતો સ્ત્રીઓને લાચાર ચિતરવી રહેવા દો, મારા ભાય. ક્યા જમાનાની વાર્તા છે આ?

 7. Chandralata says:

  મારા મતે, આને એક વાર્તા લઇએ તો સારુ. આજે પણ્ આપના સમાજ મા આવા કિસ્સા બને છે.એ વાત પણ છુપી નથી.જમાનો નવો હોય કે જુનો લાગણી ઓ બદલાતી નથી.

 8. nayan panchal says:

  અતિ ઉત્તમ વાર્તા.

  સામાન્ય રીતે મને નિરાશાવાદી વાર્તાઓ નથી ગમતી, પરંતુ અહીં લેખકે ખૂબ જ કુશળતાથી આ dark વાર્તાને આલેખી છે. અને અંત તો અદભૂત.

  જાણે “requiem of a dream” જેવી કોઈ અદભૂત કૃતિ, જે પતી ગયા પછી પણ તમારી સાથે રહે છે.

  ખરેખર, જમાનો જૂનો હોય કે નવો, લાગણીઓ નથી બદલાતી.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.