શ્રી અમરનાથ યાત્રા – નીલા કડકિયા

[ થોડા સમય પહેલા આપણે ‘કૈલાશ માનસરોવર યાત્રા’ કરી, યાદ છે ને ?… આજે ફરી એકવાર શ્રીમતી નીલાબહેન કડકિયા આપણા માટે લઈને આવ્યા છે ‘શ્રી અમરનાથ યાત્રા’ ના તેમના અનુભવો અને સુંદર વિગતો. ક્યારેક કોઈક કાવ્ય, તો ક્યારેક કોઈ વાર્તા તો વળી ક્યારેક આવા સુંદર પ્રવાસ વર્ણનોની અદ્દભૂત વિગતો તેઓ રીડગુજરાતીને સતત આપતા રહે છે, તેમના આ વિશેષ યોગદાન માટે રીડગુજરાતી તેમનો અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે. આ યાત્રાઓની વિશે વધુ વિગત જાણવા આપ તેમને આ સરનામે ઈ-મેઈલ કરી શકો છો : kadakia_neela@hotmail.com ]

[ આ વર્ષે અમરનાથધામમાં બર્ફાની ગુફામાં શિવલિંગ રચાયું કે નહિ એ વિવાદમાં ન જતાં આપણે સૌ ઉપનિષદોના વર્ણન પ્રમાણે આપણે આપણી હૃદયગુફામાં જે શાશ્વત શિવતત્વ છે તેની અનુભૂતિ મેળવવા આ પ્રવાસવર્ણનથી અંતરયાત્રા કરવાનો પ્રયાસ કરીએ. – તંત્રી ]

darshan યા તે રૂદ્ર શિવા તનુરઘોરાપાપકાશિની |
તયા નસ્તનુવા શન્તમયા ગિરિશન્તાભિચાકશીહિ || (શ્વેતાશ્વર ઉપનિષદ, 3-5)

‘હે મહાદેવ ! આપનું જે ભયાનકતાથી મુક્ત તથા પુણ્યકર્મોથી પ્રકાશમાન કલ્યાણ કરનારું જે સ્વરૂપ છે – કે જેના દર્શન કરવા માત્રથી પરમ આનંદની પ્રાપ્તિથાય છે – હે ગિરિશન્ત ! અર્થાત પર્વતપર નિવાસ કરનારા અને સમસ્ત લોકોને સુખ પહોંચાડનારા પરમેશ્વર, એ પરમ શાંત મૂર્તિ સ્વરૂપથી જ કૃપા કરીને આપ અમારી તરફ જુઓ. આપની કૃપા દષ્ટિ પડતાં જ અમે નખશિખ પવિત્ર બનીને આપની પ્રાપ્તિને યોગ્ય બની જઈશું’

ઈ.સ. 1997ની એ રાતે હૃદયમાં આવા કેટલાક આર્ત પોકારો પ્રાર્થનાના સ્વરૂપે ઊઠી રહ્યા હતા, અને કેમ ન હોય ! બીજે દિવસે કૈલાસપતિ મહાદેવના એક નવા નિવાસ સ્થાને એટલે કે બર્ફિલા બાબા અમરનાથને મળવા જવાનું હતું. ભોલેબાબાની કરૂણા કહો તો કરૂણા અને કૃપા કહો તો કૃપા, પરંતુ એ 1997ની સાલથી આજ સુધીમાં ચાર વખત અમરનાથ યાત્રાનો લહાવો મળ્યો અને સાથે સાથે સતત કૈલાસ-માનસરોવર યાત્રા તો ચાલુ જ રહી ! હવે તો મિત્રો વરસની શરૂઆત થાયને તરત પૂછવા લાગે છે, ‘આ વર્ષે કયાં ? કૈલાસ કે અમરનાથ ?’ ત્યારે હું હસી પડું છું અને કહું છું, ‘જ્યાં ભોલેબાબા બોલાવે ત્યાં.’(બાજુમાં આપેલી તસ્વીર એક સમયે રચાયેલા 14 ફૂટ ઊંચા શિવલીંગની છે.)

મારી દષ્ટિએ કૈલાસ-માનસરોવર અને અમરનાથ યાત્રા એમ બંનેમાં સ્વસ્થ તન અને મનની જરૂરિયાત તો છે જ પણ અમરનાથયાત્રા પ્રમાણમાં સરળ એટલા માટે છે કારણકે તેમાં કૈલાસ-માનસરોવર યાત્રા જેટલો મોટો ખર્ચ નથી તેમજ પાસપોર્ટ કે વીઝાની કોઈ ઝંઝટ નથી. કોઈ પણ ઉંમરના વ્યક્તિ આ યાત્રામાં જોડાઈ શકે છે. વળી, માર્ગમાં અનેક ભંડારાઓ હોવાથી ખાવા-પીવાની જરાય તકલીફ નથી પડતી. દરેક યાત્રિકનું સુંદર ભાવભીનું સ્વાગત થાય છે અને ભાવિકોને આગ્રહ કરીને જમાડે છે. અમરનાથની યાત્રા કરનાર ઈચ્છુક વ્યક્તિએ, બે મહિના પહેલા જમ્મુ ઍન્ડ કશ્મીર બૅંન્કમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ સાથે પાસપોર્ટ-સાઈઝ ના બે ફોટોગ્રાફ્સ તેમજ ફેમિલી ડૉકટરનું ફિટનેસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. આ વિધિ કર્યા બાદ યાત્રીકોને દર્શનની તારીખ સાથે પાસ આપવામાં આવે છે. અગાઉ આ યાત્રા (1997 થી 2004 સુધી) ગુરુપૂર્ણિમા એટલે કે અષાઢ સુદ પૂનમથી ચાલુ થઈને રક્ષાબંધન-એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે પૂર્ણ થતી હતી, પરંતુ હવે ભારત સરકારે આ યાત્રાની મુદત વધારીને બે મહિનાની કરી છે – એટલે કે જેઠ સુદ પૂનમથી ચાલુ થઈને રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થાય છે.

અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનાં બે માર્ગ છે. એક માર્ગ જમ્મુથી પહેલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને શ્રી અમરનાથજીની ગુફા સુધી જાય છે અને બીજા માર્ગે શ્રીનગરથી સોનમર્ગ થઈ બાલતાલને રસ્તે શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચી શકાય છે.

જમ્મુથી ઉધમપુર, પટ્ટની ટોપ, રામવન અને નહેરુ ટનલ થઈને પહેલગામ સુધી પહોંચતો આ રસ્તો પર્વતમાળામાંથી પસાર થતો હોવાથી ચોમાસા દરમિયાન અહીં ભેખડો ધસવાનો ભય રહે છે. તેથી આવા સમયે ઘણીવાર યાત્રીઓને રસ્તામાં રોકાઈ જવુ પડતું હોય છે. તો આવા સમય માટે થોડોક નાસ્તો તેમ જ પાણીનો બંદોબસ્ત રાખવો જરૂરી છે. પહેલગામથી ચંદનવાડી સુધી પહોંચવા સરકારી મીની બસની સગવડ હોય છે. ચંદનવાડીથી આ યાત્રાનો શુભારંભ થાય છે.અહીંથી રજિસ્ટર કરેલાં ઘોડાઓ તથા રેજિસ્ટર કરેલા પોર્ટરો મળી રહે છે. રજિસ્ટર કરેલાં જ પોર્ટરો અને ઘોડા પસંદ કરવા જેથી સામાન ચોરાવાનો ભય ન રહે. આ પહાડનાં રસ્તાઓ હોવાથી અહીંના હવામાનનો ભરોસો ન રખાય. ગમે ત્યારે વરસાદ કે હિમવર્ષા થાય તેથી રેઈનકોટ, સ્વેટર, ગરમ કાન ટોપી અને હાથના મોજા પ્રવાસમાં સાથે રાખવા જરૂરી છે.

gufamarg

ચંદનવાડીથી યાત્રાનો આરંભ કરી પીસ્સુ ટોપનું 3 કિ. મી. ચઢાણ ચઢવાનું છે. આ થોડુંક કપરૂં ચઢાણ છે પરંતુ ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’ એ ન્યાયે બહુ વાંધો નથી આવતો. ડોલી કે ઘોડા પર આરામથી જઈ શકાય છે. પીસ્સુટોપ પસાર કરીને ‘શેષનાગ સુધી પહોંચવાનું હોય છે. આ રસ્તો સરળ છે. શેષનાગમાં એક મોટું તળાવ છે. જે હંમેશા લીલુંછમ્મ રહે છે. તેની નજીક જઈ શકાતું નથી. લોકવાયકા મુજબ આ તળાવમાં શેષનાગનો વાસ છે. અમારી પ્રથમ વખતની 1997ની આ યાત્રામાં અમે આ તળાવમાં Impression જોયું હતું જે છેલ્લે ૐમાં ફેરવાઈ ને વિખરાઈ ગયું હતું. અહીં વાતાવરણમાં થોડી ઠંડી હોવાથી થોડીક ગુંગળામણ કદાચ અનુભવાય પરંતુ કપૂર સાથે રાખી થોડી થોડી વારે સુંઘવાથી અકળામણ દૂર થાય છે. અહીં રાત્રી રોકાણ કરવું પડે છે. ટેંટની સગવડ હોય છે પરંતુ એનું બુકિંગ પહેલેથી કરાવ્યું હોય તો વધુ સારી સગવડ મળી રહે છે.

talab

[ઉપર આપેલા તળાવમાં ધ્યાનથી જોતાં સર્પાકાર રેખાઓ દેખાય છે જે શેષનાગ સ્થાનની અનુભૂતિ કરાવે છે.]

શેષનાગથી ‘મહાગુનુસ’નો ઘાટ પસાર કરી પંજતરણી નદી પસાર કરી ‘પંચતરણી’માં રાત્રી મુકામ કરવાનો છે. આ નદી કિનારાનો મુકામ ખૂબજ સુંદર છે. ચોમેર ઊંચા ઊંચા પહાડોની વચ્ચે વહેતી આ નદીનાં ઘાટ પરનો આ મુકામ આહ્લાદક છે. બીજા દિવસે અહીંથી શ્રી અમરનાથજીની ગુફા તરફનું પ્રયાણ શરૂ થાય છે. શરૂઆતનો રસ્તો થોડોક કઠિન છે પરંતુ આગળનો રસ્તો સરળ છે. રસ્તામાં ‘બમ ભોલે’ ‘જય ભોલે’ નાં નારા કરતા ભાવિકો મળે છે. આમ સામસામા નારાઓનું આદાનપ્રદાન યાત્રીઓ ગુફા તરફ વધતાં જાય છે. અને ત્યાં તો દૂરથી ભોલેબાબાની ગુફાના દિવ્ય દર્શન થાય છે, જેને જોતાં ભાવમગ્ન બની જવાય છે.

mahagunus

ગુફાની ઉપર પહોંચવા 300 પગથિયાં ચઢવા પડે છે. ભાવિકોની ખૂબજ મોટી કતાર ને કારણે ઉપર સુધી પહોંચતા 3 થી 4 કલાક લાગે છે. વળી, ઘણીવાર તો 6 થી 7 કલાક પણ લાગે છે. ગુફામાં આરસપહાણનાં પથ્થરો પાથરેલાં હોવાથી ત્યાં વધુ સમય ગાળવો મુશ્કેલ છે. આખા વર્ષ દરમિયાન અજાણી જગ્યાથી ટપકતું આ પાણી વિશાળ ‘શિવલીંગ’ રૂપે જમા થાય છે. ઘણી વખત 14 ફૂટ ઊચું લીંગ બને છે. અમે 1998 માં આવા વિશાળ સ્વરૂપે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અહીં હિમથી બનેલાં પાર્વતી મૈયા તેમજ ગણેશજી હાજરાહજૂર છે. અહીંથી વહેતી અમરગંગાનું જળ અને ખરતી ભસ્મ લઈ જવાય છે. ચામડાની કોઈપણ વસ્તુ લઈ જવાતી નથી પરંતુ પૂજાપાનો સામાન લઈ જવાય છે. દીવો,ધૂપ, ચૂંદડી,બીલીપત્ર વગેરે લઈ જવાય છે.

એક દંતકથા મુજબ આ સ્થાને પ્રભુ આશુતોષે મા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યુ હતુ. આ અમરતત્વની કોઈને જાણ ન થાય તેથી પ્રભુ આશુતોષે શેષનાગને ત્યજી દીધો તેમજ ગણેશજીને કોઈ આ સ્થળે પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખવા મહાગુનુસ ઘાટ પર ઊભા રાખ્યા હતા. આ મહાગુનુસ એટલે મહાગણપતિ. આટલું રક્ષણ હોવા છતાં આ જગ્યાએ એક કબુતરનું જોડું હાજર હોવાથી એ જોડું અમર થઈ ગયું કહેવાય છે, જે અહીં અચુક જોવા મળે છે. આ ગુફાની શોધ એક મુસલમાન ભરવાડે કરી હતી. શ્રી અમરનાથજીની આવકનો 1/3 ભાગ હજી પણ તે ભરવાડનાં વંશજોને મળે છે. અહીંનાં મોટાભાગનાં ઘોડાવાળા તેમજ પૉર્ટર મુસલમાન છે. પહેલગામનાં મુસલમાનો પણ સિઝનમાં પોતાની દુકાનો ખોલતાં પહેલાં શ્રી અમરનાથજીનાં દર્શન કરતાં હોય છે.

map

શ્રી અમરનાથજીની ગુફા સુધી પહોંચવાનો બીજો રસ્તો શ્રીનગરથી સોનમર્ગ થઈને બાલતાલથી જવાય છે. આ રસ્તો અગાઉ મિલીટરીનો હતો પરંતુ હવે આમ જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ રસ્તાનું ચઢાણ ઘણું સીધું હોવાથી આ રસ્તો થોડો કઠિન છે. લગભગ 45% કાટખૂણિયા રસ્તાઓ છે. વરસાદ દરમિયાન ઉપરથી ઉતરવાનો રસ્તો થોડો ચીકણો થાય છે તેથી ઉતરવામાં ખૂબજ સાવધાની રાખવી પડે છે. આ રસ્તે યાત્રીઓ એક દિવસમાં આ યાત્રા પૂરી કરે છે. અહીંની વહેતી અમરગંગામાં ભાવુકો સ્નાન કરે છે જેનો લાભ લઈને અમે ધન્યતા અનુભવી છે. આ માર્ગથી જનાર દરેક યાત્રીઓ પાસે રેનકોટ, ગરમ કપડાંમાં સ્વેટર, બુઢિયા ટોપી તેમજ હાથનાં ગરમ મોજા વગેરે હોવા જરૂરી છે. આ ઉપરાંત ગૉગલ્સ અને ટ્રેકિંગ શૂઝ પણ હોવા જરૂરી છે. જે યાત્રીને ચાલીને યાત્રા કરવાની ઈચ્છા હોય તો ત્રીજા પગ સમી લાકડી સાથે રાખવી જરૂરી છે. કપૂર પણ સાથે રાખવું કારણકે તે ઊંચાઈ પર ઑક્સિજનનું કામ આપે છે. પૂજાપાનો સામાન પણ લઈ જઈ શકાય છે. આ યાત્રા માટે આપણી સરકારે રક્ષણનો પૂરો બંદોબસ્ત કર્યો છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી શ્રી અમરનાથજીની યાત્રા છ બેઠકવાળા હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન સારું હોય તો જ આ હેલિકોપ્ટરની વ્યવસ્થા ચાલુ હોય છે.

આ અમરનાથધામની આવી સુંદર યાત્રા જીવનમાં કદી ન ભૂલાય એવી અવિસ્મર્ણીય અનુભૂતિ બની રહે છે. આ પ્રકારની યાત્રાઓનો લ્હાવો વારંવાર લેવાનું મન થાય છે અને જીવન ધન્ય બની જાય છે. આજે ઘરમાં હિંચકે બેઠાં બેઠાં હું જ્યારે આંખ બંધ કરું છું ત્યારે મારી સામે એ પહાડો, એ ગુફા, એ બમ-બમ ભોલેનો નાદ, ખળખળ વહેતી અમરગંગા અને ભોલે બાબાનું એ લિંગ સ્વરૂપ અને ઓમકાર નો એ ધ્વનિ મારા અંતરમાં ગુંજ્યા જ કરે છે…. ગુંજ્યા જ કરે છે… ઓમ નમ: શિવાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સેપોડ – બકુલ રાવળ
પ્રશ્નોત્તરીના પ્રવાહ – કિશોર દવે Next »   

17 પ્રતિભાવો : શ્રી અમરનાથ યાત્રા – નીલા કડકિયા

 1. manvant says:

  નીલાબહેને સુંદર માહિતીપૂર્ણ વિગતો આપી યાત્રિકોને સરળતા કરી આપી છે.
  ઘેર બેઠાં ગંગા નાહ્યાનું પુણ્ય મેળવાયું.આભાર !મારી પાસે એક ફોટો આશરે
  સાત ફૂટ ઊંચા શિવલીંગનો છે.નીલાબહેન પંચમહાલનાં હશે ? દરેક ચિત્ર સુંદર
  લાગે છે .શ્રી .મૃગેશભાઈનો આ પ્રયત્ન સફળ થાય એવી અપેક્ષા !
  ૐ નમ: શિવાય !

 2. Tapan Kadakia says:

  Mom,

  Great Experience, Excellent wordings, I am sure this will be helpful to a lot of people.

  I have only one thing to comment on, I am proud to have parents like you.

  Luv
  Tapan, sheetal, Ish and Richa

 3. nilam.h doshi says:

  અમરનાથ ની યાત્રા નું વર્ણન ઘણી વાર ઘણી જગ્યા એ વાંચ્યું છે.પણ આમ ઓનલાઇન વાંચવાની ખૂબ મજા આવી.ધન્યવાદ.ગમતા નો ગુલાલ કરવાની આ સુંદર ભાવના બદલ નીલાબહેન અભિનંદન ને પાત્ર છે.સરળ શબ્દો અને સાથે સરસ ફોટોગ્રાફ.વધુ ને વધુ આવા પ્રવાસ વર્ણનો આપતા રહેશો.તો જે નથી જૈ શકતા એમને ઘેર બેઠા લાભ મળી શકે.ફરી એક્વાર અભિનંદન.

 4. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  શ્રી અમરનાથ યાત્રા નુ સચિત્ર વર્ણનવાંચી આનંદ થયો. શ્રી નીલાબહેને ખુબ સરસ રીતે તેમનો પ્રવાસ વર્ણવ્યો છે. શ્રી નીલાબહેન નો આ લેખ શ્રી અમરનાથ ના યાત્રિકો માટે ઘણી માહિતિપુરી પાડે છે ,જેમકે ત્યાં જવા માટે નુ રજીટ્રેશન ,પ્રવાસમાં ઉપયોગી ચીજ વસ્તુઓ વગેરે.
  વર્ણનવાંચી ને જાણે અમરનાથ જઇ આવ્યાની અનુભૂતિ થાય છે.
  શ્રી અમરનાથ શિવલીંગ ના દર્શન એ તો જીવનનો એક લહાવો છે.
  વાચકો ને ઘર બેઠાં શ્રી અમરનાથ ના દર્શન કરાવવા બદલ શ્રી નીલાબહેન કડકિયા નો ખુબ ખુબ આભાર.

 5. Neela Kadakia says:

  પ્રથમ તો આપ સહુ વાંચકોનો આભાર કે જેઓ મારા લેખોને બિરદાવે છે.
  બીજો આભાર મારાં બન્ને દિકરાઓ[કવન અને તપન]નો જેઓ વિદેશમાં રહીને પણ અમારા આ કાર્યમાં સહકાર આપે છે તેમજ પ્રોત્સાહન પણ આપે છે. અને સૌથી ઉપર તો મારા જીવનસાથી [સુધીર]નો જ માનીશ. જેમના સાથ વગર તો આટલી યાત્રા તો પૂર્ણ થાય જ નહી. એમનો ફોટા પાડવાનો શોખ સંપૂર્ણપણે રંગ લાવે છે તેમજ મને લખવામાં પણ પૂરો સહકાર આપે છે.
  અને મૃગેશભાઈને કેમ ભૂલાય ? મારા નાના દિકરાની ઉંમર કરતાં પણ નાનો આ દિકરો મને લખવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને સહકાર પણ આપે છે એતો દરેક વાંચક જાણતા હશે. લગભગ દરેક મહિનામાં મારો એક લેખ જરૂરથી મૂકે છે. તેમજ ગુજરાતી FONTમાં લખવા માટે ઠંડા મગજથી શિખવાડ્યું છે. તંત્રી છે ને !
  તેમનો હ્ર્દયપૂર્વક ખૂબ ખૂબ આભાર.

  નીલા

 6. Dharmendrasinh G Rana says:

  amarnath yatra vishe neelaben ni khub sundar maheeti chhe.
  congratulation

 7. Dipika says:

  Very Nice. Sacha ja Ghre betha Ganga Nahya. ghnu ja adbhud varnan chhe.

 8. harish joshi says:

  this is very butifully given the metter, I had try to went there in 200 but due to landsliding road was closed and we have to come back after four days witing at jamuu. with reading and the photoes I feel that I had personaly had been “ammarnath”
  thanks for giving the detail.
  harish joshi.
  25.06.06

 9. harish joshi says:

  this is very butifully given the metter, I had try to went there in 2000 but due to landsliding road was closed and we have to come back after four days witing at jamuu. with reading and the photoes I feel that I had personaly had been “ammarnath”
  thanks for giving the detail.
  harish joshi.
  25.06.06

 10. nayan panchal says:

  બમ બમ ભોલે…

  મને અમરનાથ યાત્રા કરાવવા બદલ આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.