- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવવા માંડો – બહાદુરશાહ પંડિત

આ યુગનું સૌથી વધારે લોકપ્રિય સુત્ર આ હોવું જોઈએ : ‘જિંદગી પસાર કરવાના બદલે જીવવા માંડો.’

આપણા જમાનાનાં સ્ત્રીપુરુષો સામે જેટલી વિવિધ અને નવી તકો ઉદભવી છે એટલી ભૂતકાળના કોઈ સુવર્ણયુગમાં પણ ઉપસ્થિત થઈ નહોતી. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને આજે આપણા પાસે પ્રવાસ આકર્ષક, સરળ અને સલામત બનાવી દીધો છે. આંતરિક અને બાહ્ય રમતો, ખેલકૂદની પ્રવૃત્તિઓ, સાહિત્યિક સમારંભો અને સામાયિકો, વિવિધ પ્રકારના શોખ ઈત્યાદિને કોઈ સીમા રહી નથી. લોકશાહી, શાસનપદ્ધતિમાં સામાન્યમાં સામાન્ય માણસ પણ આ બધામાંથી પોતાને મનપસંદ પ્રવૃત્તિનો લાભ લઈ જીવનને ઉત્સાહી, રંગીન અને રસપૂર્ણ બનાવી શકે છે પણ આશ્ચર્ય અને ખેદની વાત છે કે આપણામાંથી ઘણા બધા ‘માત્ર તીરે ઊભા તમાશો’ જોયા કરે છે અને આ અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રવાહમાં પડવાનું ‘મહાસુખ’ માણી શકતા નથી.

થોડા સમય પહેલાં છાપામાં એક સમાચાર હતા કે ઈંગલેન્ડના એક યુગલે દુનિયાનો પ્રવાસ ખેડવામાં પોતાની નિવૃત અવસ્થાનાં ત્રણ વર્ષ આનંદથી પસાર કર્યાં. જિંદગી આપણા હાથમાંથી ચાલી ગઈ છે એમ માની નિવૃત્ત અવસ્થાનાં વર્ષો કંટાળી કંટાળીને પસાર કરતા લોકો માટે આ દ્રષ્ટાંત કેટલું પ્રેરણાદાયી થઈ પડે એમ છે !

આ ઉદાહરણ જિંદગીના કોઈપણ તબક્કે એટલું જ પ્રેરક થઈ શકે. તમે આંખ ખોલીને તમારી આસપાસના જગતને જોશો તો તમને જણાશે કે કેટલાક માણસો મુખ્ય વ્યવસાય સાથે બીજી રસપ્રદ પ્રવૃત્તિઓ ચાલુ રાખી પોતાના રોજિંદા જીવનમાં રસિકતા અને રંગીનતા આણે છે, જ્યારે કેટલાક માત્ર પોતાના ભાગ્યને દોષ આપતા આપતા જિંદગીનો બોજો વહન કર્યા કરે છે. માણસના જીવનમાં પ્રારબ્ધ અને સંજોગો અગત્યનો ભાગ ભજવે છે એ કબૂલ છે, છતાં એની સાથે બીજું એક મહત્વનું તત્વ પણ કામ કરે છે. એ છે માનવીનું જીવન તરફનું વલણ, એની જિંદગીને જોવાની દષ્ટિ. આ વલણ જો ભયયુકત અને આળસપૂર્ણ હોય તો એનો પ્રત્યાઘાત પણ એવો જ પડે, જ્યારે એથી ઊલટું, જો આ વલણ ઉત્સાહપૂર્ણ, સાહસિક અને હિંમતભર્યું હોય તો એ જીવનમાં રંગ, રસિકતા અને રોમાંચકતા આણે છે. એકવાર આપણને એ સમજાય કે જીવનને ઘાટ આપવાની જવાબદારી આપણા શિરે છે, તો પછી સંજોગો ગમે એટલા પ્રતિકૂળ હોય તો પણ આપણે આપણા જીવનની પ્રત્યેક પળને જોમ ને ઉત્સાહથી તરબોળ કરી શકીએ છીએ.

આપણા આંગણે આવેલી તકોને આપણે પાછી ઠેલીએ છીએ એનું કારણ એ છે કે આપણામાં નવીનને નાણી જોવાની નીડરતા નથી, અજ્ઞાતને અજમાવી જોવાની હામ નથી. અંધકારમાં જતાં ડરતા બાળકની જેમ આપણે અજાણ્યાથી આઘા રહેવા ઈચ્છીએ છીએ, પ્રણાલિકાઓને આપણે જળોની જેમ જકડી રાખીએ છીએ, કારણકે એ પરિચિત અને પ્રમાણેલી હોય છે. આપણા પક્ષે એ ઓછી જહેમત માગી લે છે. યોગ્ય તકને ઝડપી લેતાં કદી ગભરાશો નહિ. ભૂસકો મારો અને નવો માર્ગ શોધી કાઢો. એથી તમારા જીવનમાં સાહસિકતા અને આરંભકાર્યનો ઉત્સાહ પ્રગટશે, એ ઉત્સાહ તમારા હૃદયને કેટલું પુલકિત બનાવી શકે છે ! ચીલામાંથી બહાર નીકળવું સહેલું નથી પણ તમે પેલો દૂહો સાંભળ્યો હશે : ‘ચીલે ચીલે સબ કોઈ ચલે….’

તમે છેલ્લાં એક દસકાથી એક જ વ્યવસાયમાં પડી રહ્યા છો, એનું કારણ શું ? તમને એ વ્યવસાયમાં આનંદ મળે છે એટલે ? ના, તમને એ વ્યવસાય અનુકૂળ આવી ગયો છે એટલે નવો વ્યવસાય લેવા જતા તમને દહેશત છે કે એ અનુકૂળ આવશે કે નહિ. વાસ્તવમાં જો તમારી સામે નવા વ્યવસાયની તક ઊભી થઈ હોય તો એ તરત જ સ્વીકારી લો કારણકે એ નવો વ્યવસાય તમારામાં રહેલી અનેક સુષુપ્ત શક્તિઓને પડકારીને જાગૃત કરશે. એ નવી તક, તમે જેનાથી આજ સુધી અજ્ઞાત હતા એવી તમારી તાકાત અને શક્તિનો તમને આનંદજનક પરિચય કરાવશે.

મારી પડોશમાં રહેતા એક પ્રાથમિક શાળાના શિક્ષકે દસ વર્ષની નોકરી બાદ વીમા-એજન્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે શિક્ષક મિત્રો એના સાહસ પર હસતા હતા. આજે એ મિત્રો એની એ જગા પર છે જ્યારે પેલો શિક્ષક ફિલ્ડ ઑફિસર તરીકે આખા જિલ્લામાં પ્રખ્યાત થયો છે.

અલબત્ત, દરેક માણસે પોતાના ચાલુ વ્યવસાયને ત્યજી દેવો આવશ્યક નથી પરંતુ જીવનમાં આવતી અનેકવિધતા અને નીરસતા ટાળવા માટે પૂરક વ્યવસાય કે શોખમાં પ્રવૃત્ત થવાની જરૂર રહે છે. નવો શોખ કેળવવાથી આત્મભાન જાગૃત થાય છે. આપની શક્તિ અંગે આપણે સજાગ થઈએ છીએ. એના પરિણામે ઉદભવતો નવો રસ મનને ઉત્સાહી અને ઉદ્યમી બનાવે છે. એથી જીવનનાં નવાં રહસ્યો શોધી શકાય છે. આપણા મનની છૂપી શક્તિઓ સપાટી પર આવે છે. અને જાણે આપણી નસોમાં નવું લોહી વહેવા લાગે છે. પૂરક વ્યવસાય કે શોખ તમારી પાસે પૂરતી એકાગ્રતા અને શક્તિની અપેક્ષા રાખે છે પણ નવાઈની વાત છે કે એથી તમારું મન થાકી કે હારી જતું નથી. એથી ઊલટું, એ તમને કંઈક કર્તવ્ય બજાવ્યાનો આત્મસંતોષ આપે છે. અને તમારા સમાજમાં તમારી પ્રતિષ્ઠા ઊભી કરે છે. મારા બાપુજીના એક મિત્ર હતા એ નિવૃત્ત થયા પછી એમની પાસે પૂરતી સંપત્તિ અને સારું કમાતા બે પુત્રો હોવાથી બીજે કશો વ્યવસાય કરવા માંગતા નહોતા છતાં સમય સારી રીતે પસાર થાય એ માટે એમણે એમના લત્તાની એક મ્યુનિસિપલ હૉસ્પિટલમાં જવાનું શરૂ કર્યું. એ માત્ર દર્દીઓને મળતા, એમનાં દર્દોનો ઈતિહાસ સાંભળતા અને તદ્દન ગરીબ દર્દીને ફળફળાદિની ભેટ પણ ધરતા. આ પ્રવૃત્તિ પાછળ એમનો કોઈ મોટી સેવાનો આશય નહોતો. માત્ર સમય પસાર કરવાના સાધન તરીકે તેઓ આ પ્રવૃત્તિ કરતા પણ એ દોઢ બે કલાકની પ્રવૃત્તિથી એમનો આખો દિવસ આનંદમાં પસાર થતો.

દરેક માણસ પોતાને માટે પૂરક વ્યવસાય કે શોખની પસંદગી જાતે જ કરવી પડે છે. કારણકે દરેક વ્યક્તિનું માનસ જુદા જુદા ખ્યાલો ધરાવતું હોય છે. એથી શું પસંદ કરવું એ વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે. પણ ગમે તે કંઈ પસંદ કરવું એ મહત્વનું છે. ચાહે તો ઉનાળાની રજાઓમાં પ્રવાસે જાઓ, ચાહે તો દરેક રવિવાર વિવિધ રીતે પસાર કરવાની યોજના કરો, ચાહે તો અઠવાડિયામાં બેત્રણ દિવસ કોઈ અવેતન રંગભૂમિના નાટકના અદાકાર બનવાની પ્રેક્ટિસ કરો.

આજની અદ્દભૂત દુનિયા, ઉત્સાહ, આરંભ, હિંમત અને કલ્પનાની અપેક્ષા રાખે છે, જીવનને મસ્તીભરી રીતે જીવવાનો એ પડકાર ફેંકે છે. એ પડકારને ઝીલવાની સાહસિકતા અને શૌર્ય તમારામાં છે. આ તકને ઝડપી લો. બે હાથે ઝડપી લો. તમને એમાં સફળતા મળવાની જ છે. કારણકે એ મનપસંદ પ્રવૃત્તિ પાછળ તમે તમારી શક્તિઓ ખર્ચવાના છો.