- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રુચિતંત્ર – રતિલાલ ‘અનિલ’

શહેરના કેટલાયે લોકો ‘ખાવાની રુચિ જ થતી નથી’ એવી ફરિયાદ કરે છે. ખોરાક પ્રધાન તરફથી અન્ન ઉત્પાદનના આંકડા એ લોકો વાંચતા નહીં હોય ! નહિતર એમની જમવાની રુચિ ઊઘડ્યા વિના રહે નહીં. જેમ પૈસાની આવક વધારે હોય ત્યારે વધારે ખર્ચ કરવાની રુચિ આપોઆપ જ થાય છે, તેમ અનાજની વધારે આવકો થાય ત્યારે લોકોમાં ખાવાની ભૂખ ઊઘડે જ !

પાચક ચૂર્ણો ખાધા પછી પણ કેટલાયે લોકો પોતાના મનની ઈચ્છા પ્રમાણે જમી શકતા નથી ! ચૂર્ણથી જ જો જમવાની રુચિ ઊઘડતી હોત તો ચૂર્ણ બનાવનારે એક સાથે બે ધંધા શરૂ કર્યા હોત ! એક ભાગમાં ચૂર્ણ બનાવવાનું કારખાનું અને બીજા ભાગમાં ખાણાવાળ (એટલે કે હૉટલ) ! પણ એવું તો જોવામાં આવતું નથી ! લૉજ અને ખાણાવળ ખોલ્યું હોય, ખાસ તો પોતાને અને પોતાના કુટુંબના માણસો અને કારીગરો માટે, એવા સમાચાર હજી સુધી તો મળ્યા નથી !

મિઠાઈવાળો પોતાની જમવાની રુચિ ચાલુ રહે એ માટે ફરસાણ ખરીદે છે, અને ફરસાણવાળો પોતાની જમવાની રૂચિ સદાબહાર રહે એ માટે મિઠાઈ ખરીદે છે. ખાદીભંડારવાળા ખાસ કરીને પોતાના ઘરના માણસોની સારાં કપડાં પહેરવાના રુચિ જળવાઈ રહે એ માટે આધુનિક કપડાંના ફાંકડા શો-રૂમની મુલાકાત લેવાનું અનિવાર્ય માને છે. અને પોતે તો યુનિફોર્મરૂપે ખાદીનાં કપડાં પહેરે છે – એટલે અમારી રુચિ-અરુચિનો કશો સવાલ જ નથી – એમ મન વાળે છે !

ગુજરાતી અને અંગ્રેજીના અધ્યાપકો દરરોજ સવારે ધ્યાનપૂર્વક ગુજરાતી અને અંગ્રેજી છાપાં જુએ છે. સચિત્ર જાહેરખબરો જોવાથી રુચિનું સંમાર્જન થાય છે, એ બળ પ્રાપ્ત થયા પછી જ, ઉઘડેલી રુચિના બળે જ કલાસમાં ગુજરાતી-અંગ્રેજી સાહિત્ય વિશે બોલી શકે છે ! અરે અંગ્રેજીના અધ્યાપક સવારના સાતથી તે સાડા દસ સુધી પત્ની અને ઘરનાં બીજાંઓ સાથે ગુજરાતીમાં વાત કરે છે, ત્યારે કૉલેજમાં જતી વખતે અંગ્રેજી ભાષાની એમની રુચિ ઠીક ઠીક ઊઘડી ચૂકી હોય છે ! એક-બે કલાસ લીધા પછી અંગ્રેજી વિશેની એમની રુચિ મંદ પડી ગયેલી લાગે તો કૉલેજના પટાવાળા સાથે કારણ વિના પણ ગુજરાતીમાં વાત કરે છે, તે પછી કેન્ટીનમાં જાય છે, ત્યાં ખાસ કરીને ગુજરાતી વાનગીનો ઑર્ડર ગુજરાતીમાં જ આપે છે ! તે પછી અંગ્રેજીનો એકાદ કલાસ લેવા જાય છે ત્યારે અંગ્રેજી ભાષા- સાહિત્યની એમની રુચિ ખાસ્સી ઊઘડી ગઈ હોય છે !

ઘણા લોકો પોતાના ઘરે રહેતા કંટાળી જાય છે. એમની રહેવાની રુચિ મંદ પડી જાય છે…. તેઓ કોઈને કોઈ કામ કાઢી પ્રવાસે ઊપડે છે, અને કોઈ ફાંકડી હોટલ કે બોર્ડિંગમાં એક-બે દિવસ રહી આવે છે… કેટલાકની ઘરમાં રહેવાની રુચિ બે-ત્રણ દિવસમાં જ એટલી ઊઘડી જાય છે કે ચોથા દિવસનું ભાડું ચૂકવી બપોરે પહેલાં પોતાના શહેર કે ગામભણી જતી ટ્રેન કે બસ પકડે છે ! અમને તો એમ લાગે છે કે જેમ જેમ વધારે ને વધારે બોર્ડિંગો અને હૉટલો ખૂલતી જાય છે તેમ તેમ માણસોની પોતાના ઘરમાં રહેવાની રુચિ સ્થિરપણે સઘન થતી જાય છે. વળી, કેટલાક લોકો રવિવારે કુટુંબ સાથે હૉટલમાં જમવા જાય છે ! એમાંના ઘણા તો મધ્યમ વર્ગના હોય છે. એક જ ટંકનું બિલ બે દિવસના ઘરના જમણ જેટલું ચૂકવ્યા પછી એમની ઘરમાં જમવાની રુચિ ઊઘડે છે ! ‘ઘરમાં તે કંઈ રસોઈ બને છે ? ઠીક હવે !’ આવો અભિપ્રાય શનિવારે આપનારો સોમવારે હોંશેહોંશે ઘરના રસોડે સડાકા મારતો જમે છે ! પેલા હૉટલના જમણે અને જમણના બિલે એની ઘરમાં જમવાની રુચિને ઉત્તેજિત કરી હોય છે.

રુચિનો પ્રશ્ન ખૂબ અટપટો છે ! મનોવિજ્ઞાનીઓએ આ વિષયમાં હજી કેમ સંશોધન કર્યું નહીં હોય ? વૈદો ક્યો ખોરાક પાચક અને ક્યો ખોરાક હળવો અને ભારે તે વિશે સંશોધન કરી ચૂક્યા પછી દર્દીઓને જાતજાતની સલાહ આપે છે. એમાં એમનો દવા આપવાનો વ્યવસાય ચાલુ રહે એ વિચાર રહે એ પણ સ્વાભાવિક છે ! એથી તેઓ દર્દીની ખાવાની રુચિ ઉઘાડવા માટે ચૂર્ણો અને દર્દી સદ્ધર હોય તો ભસ્મો પણ આપે છે અને વધારે ને વધારે ઘી અને દૂધ ખાજો એવું માર્ગદર્શન આપે છે. પણ દૂધવાળા જ્યારે દૂધ વેચીને તાંબડા ખાલી અને ગજવાં ભરીને ગામના કે શહેરના બજારમાં કોઈ હૉટલમાં જાય છે. તાંબડાને બાજુએ મૂકી નિરાંતે બેસે છે. ફાફડા કે ભજિયાંનો ઓર્ડર આપે છે ! એને પૂછો તો એ કહેશે કે આમ હૉટલમાં ટેસ્ટ ન કરીએ તો દૂધ વેચવાનો ધંધો છોડી દેવા જેટલી દૂધ પ્રત્યે અરુચિ થઈ જાય ! આમ ઘી દૂધથી ખાવાની રુચિ ઊઘડે છે એમ કહેવું યોગ્ય નથી. હૉટલવાળો પોતે ચાને બદલે દૂધ પીવાનું વધારે પસંદ કરે છે ! એ સમજે છે કે ચા વેચવાની રુચિનો પ્રશ્ન છે, અને દૂધ એ પોતે પીવાની રુચિનો પ્રશ્ન છે ! ખોરાક અને પીણાં એ ભૂખ તરસનો પ્રશ્ન જ નથી ! પીણાં વેચનારો પુષ્કળ જમતો હોય અને વાનગીઓ વેચનારો વધારે પડતાં પીણાં પીતો હોય એવું બને એ વધારે સંભવિત છે !

એક પાનવાળો પોતે ભાગ્યે જ પાન ખાતો જણાતો ! એને પૂછ્યું કે, ‘અલ્યા, હૉટલમાંથી નીકળનારા તરત તારી પાસે આવી પાન બનાવડાવીને જમે છે… પણ તું તો આખા દિવસમાં એકેય પાન ખાતો જણાતો નથી !’
‘હૉટલના ગ્રાહકો નાસ્તો કરે અને હું પાન ખાઉં ? તમે તો ખરા છો !’
‘તો તમે પણ હૉટલમાં નાસ્તો કરો કે પાન ખાવાની જરૂર પડે !’
‘ના. મારે મારા પાનના ધોરણ વિશેનો જ નહીં, હૉટલના નાસ્તા વિશેનો મારો ઊંચો વિચાર જાળવી રાખવો છે !’ પાનવાળાએ જવાબ આપ્યો. સંભવ છે કે એ પાનવાળો ઘરે જમતો હશે, તે પછી એની પત્ની જ એને પાન બનાવી આપતી હશે !

રુચિની સમસ્યા એ માનસશાસ્ત્રીય સમસ્યા સમજાય છે. નોકરી કરતાં હોઈએ ત્યારે ઘર ખૂબ જ રુચિકર લાગે છે ! ‘ખાસ ઘરે રહેવાનું બનતું જ નથી !’ એવો અફસોસ પણ થતો હોય છે. ઘરના માણસો પણ, જ્યારે ને ત્યારે ઑફિસ ! તમને કોઈ વાર ઘર સાંભરે છે ખરું ? – એવો વેધક પ્રશ્ન પૂછે છે.
‘શું કરું ? મન તો બહુ થાય છે કે ઘર પર ધ્યાન આપું, વધારે ઘરમાં રહુ, પણ ઑફિસના કામમાંથી નવરો પડું ત્યારે ને ?’ પણ, જ્યારે પેન્શન પર ઉતારવામાં આવે છે, અને નોકરીનાં વર્ષોમાં ઘરની કરેલી સદંતર ઉપેક્ષાનો બદલો વાળવાનો સમય આવે છે ત્યારે થોડા દિવસોમાં જ ઘર પ્રત્યેની રુચિ ઘટતી જાય છે ! ઑફિસનો ઈલેક્ટ્રિક પંખો, એક વાર મફત મળતી ચા, પટાવાળાનો સતત ઉપયોગ કરવાની સગવડ – એ બધું સાંભરવા માટે છે ! અહીં તો પાણી માંગીએ તો કોઈ વાર કહેવામાં આવે, ‘ઊઠીને જાતે જ લઈ લ્યો ને. નવરા તો બેઠા છો !’ એવો જવાબ મળે છે ! અને યાદ આવે છે કે નવરા બેઠા હોઈએ અને પાણી માંગ્યું હોય ત્યારે ઑફિસના પટાવાળાએ ક્યારેય આવો જવાબ આપ્યો નહોતો !

ઘીરે ધીરે ઘર અરુચિકર લાગતું જાય છે અને બીજા પેન્શનરને ત્યાં જવાની રુચિ ઊઘડતી જાય છે. પણ પેલા પેન્શનરની યે પોતાના ઘરમાં રહેવાની અરુચિ પાકી થઈ ગઈ હોવાથી બંને જાહેર બાગમાં જાય છે અને ખાસ્સા બે-ત્રણ કલાક બાગમાં ગાળ્યા પછી જ એમને લાગે છે કે હવે ઘરમાં જવા જેટલી રુચિ ઊઘડી છે !

રુચિનો પશ્ન આપણે ખાવાપીવા સાથે જ જોડીએ એ ઠીક નથી. ‘સિગારેટ ફૂંકી ફૂંકીને કંટાળી ગયો છું, તમારી ખાકી બીડી લાવો !’ એમ કહેનારા ધૂમ્રપાન શોખીનો વિશે તો સૌ કોઈ જાણતું હોય છે ! અને દરરોજ બીડી ફૂંકનારા, ‘ચાલો, આજે તો સિગારેટનો ટેસ્ટ કરીએ !’ એવો મિજાજ પણ બતાવતા જ હોય છે ને ?

ખાસ કરીને જેમની પાસે સો-પચાસ રૂપિયાની નોટો ખાસ્સી સંખ્યામાં હોય છે, તેઓ એ નોટો સામે ઉપેક્ષાની નજરે જુએ છે. ‘તું સોની નોટ છે તે હવે સમજ્યા ! તું મારા પર રોફ જમાવવા માગે છે, એમ ?’ એવો એમનો મનોભાવ હોય છે ! આથી જ્યારે તેઓ જીવન જીવવાની રુચિને ઉત્તેજિત કરવા ઘરબહાર નીકળે છે ત્યારે ઓછી કિંમતની નોટો અને પરચુરણ લઈને બહાર પડે છે અને એ ઓછા મૂલ્યની નોટો અને એથીયે ઓછા મૂલ્યનું પરચુરણ ખર્ચીને ઘરે પાછાં ફરે છે ત્યારે જીવન જીવવાની એમની રુચિ ખરેખર ઊઘડી ગઈ હોય છે !

જમવાની રુચિની જ વાત કરીએ ત્યારે એક સરસ ઉપાય સૂઝે છે ! એમ લાગે કે હવે માત્ર હોજરી ભરવા સિવાય મારાથી કશું વિશેષ થતું નથી, ત્યારે સગાંવહાલાંને ત્યાં કે પછી સાસરે મહેમાન થવું ! જુઓ, હોજરી ભરવાનું આપોઆપ બંધ થાય છે અને ‘જીભ’ ખરેખર ‘રસના’ થઈ જાય છે કે નહીં ! ઘરના માણસો કરતાં મહેમાનો વધારે ઉત્સાહથી, પૂરી રુચિથી જમે છે એનો બીજો શો મર્મ હોય ? તેઓ સભાન હોય છે કે ઘરના રસોડે જમતા નથી – બસ, તે સાથે જ એમની જમવાની રુચિ એપીટાઈઝર વિના જ ઊઘડી જાય છે !

જેમને સગાંવહાલાં કે સાસરાની અગવડ ન હોય તેમણે થકવી નાખનારી લાંબા અંતરની રેલ્વે મુસાફરી કરવી ! ભજિયાં ખાધા પછી બિસ્કીટ ખાવાની અને બિસ્કીટ ખાધા પછી કેળાં ખાવાની અને શીંગદાણા ખાધા પછી સફરજન ખાવાની અને તે જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાની રુચિ એકદમ ખૂલી જાય છે કે નહીં ! વૈદના ચૂર્ણ કરતાં રેલ્વેનો લાંબા અંતરનો પ્રવાસ વધારે ભૂખ ઊઘાડે છે અને અદ્દભુત પરિણામ તો એ આવે છે કે લાંબી મુસાફરી કરીને ઘરે પાછો ફરનારો પત્નીને કહે છે, ‘પ્રવાસમાં આચરકૂચર ખાઈ ખાઈને કંટાળી ગયો છું. આજે સરસ રસોઈ કર કે પેટ ભરીને જમું !’

બોલો, કેવું અદ્દભુત છે આ રુચિતંત્ર ! રેલ્વેપ્રવાસે ઘણું બધું સતત ખાવની રુચિ ઉઘાડી અને એ જ ખોરાકે ઘરનું જમણ પેટ ભરીને જમવાની રુચિને પણ ઉત્તેજિત કરી !

રુચિની સમસ્યા સાચે જ માનસશાસ્ત્રીય અભ્યાસની સમસ્યા છે, એવું તમને નથી લાગતું ?