અપ્પ દીપો ભવ – ચંદ્રહાસ ત્રિવેદી

એક સૂફી કહાનીમાં જંગલની વાટે નીકળેલા બે મિત્રોની વાત આવે છે. સમી સાંજે આ બે મિત્રો એક મોટા નગરમાંથી પોતપોતાને ગામ જવા માટે નીકળે છે. બંનેના ગામનો રસ્તો શરૂઆતમાં કેટલાક અંતર સુધી તો એક જ હતો પણ આગળ જતાં બંનેના ગામના રસ્તા ફંટાઈ જતા હતા. સાંજે નગરમાંથી બંને સાથે નીકળ્યા. થોડીક વારમાં અંધારું થઈ ગયું એટલે એક જણે પોતાની પાસે જે ફાનસ રાખેલું હતું તેની વાટ સળગાવી અને ફાનસનો દીવો પ્રગટાવી લીધો અને પછી ફાનસના અજવાળામાં બંને જણા લહેરથી વાતો કરતા કરતા જંગલની વાટ કાપવા લાગ્યા. કલાક-બે કલાક ચાલ્યા પછી ત્રિભેટા પાસે અલગ થઈ ગયા અને પોતપોતાના ગામની વાટ પકડીને આગળ ચાલવા લાગ્યા.

હવે જેની પાસે ફાનસ હતું તેને તો ચાલવામાં કંઈ ખાસ મુશ્કેલી પડી નહિ. ફાનસના આછા અજવાળામાં પણ તેને પોતાનો માર્ગ સ્પષ્ટ વર્તાતો હતો. અને તે તો પોતાના રસ્તે સડસડાટ આગળ વધતો રહ્યો. પણ જેની પાસે ફાનસ ન હતું તેને માટે ખરી મુશ્કેલી થઈ ગઈ. એક તો અંધારિયાના દિવસો હતા અને એમાંય મધરાત થઈ ગઈ હતી. વગડાની વાટ હતી એટલે માર્ગમાં વચ્ચે વચ્ચે ક્યાંક ઝાંખરાં પથરાયેલાં હતાં અને રસ્તો ખાબડ-ખૂબડ હતો. માર્ગ ઉપર નાના-મોટા પથ્થરો પણ વેરાયેલા હતા. આ બધાથી બચીને ચાલવાનું આ મુસાફર માટે જરા વિકટ બની ગયું તેથી તેની ઝડપ પણ ઘટી ગઈ. કાજળઘેરી રાત્રિએ તારાનાં અજવાળામાં તો કેટલું દેખાય ? ગમે તેટલું ધ્યાન રાખે તો પણ આ મુસાફર ક્યાંક તો અથડાઈ પડતો હતો. તેણે મનમાં નક્કી કર્યું કે ક્યાંક વિસામાની જગા આવે તો રાત ત્યાં રોકાઈ જઈને સવારે જ આગળ વધવું. પણ કમનસીબે આ આખાય રસ્તા ઉપર રાત રોકાઈ જવાય તેવો વિસામો પણ હતો નહિ. તેથી આ મુસાફરને તો અથડાતા-કૂટાતા આગળ વધતા જ રહેવું પડ્યું અને કેટલીય મુશ્કેલીઓ વેઠીને માંડ માંડ તેણે પોતાની યાત્રા પૂરી કરી અને તે પોતાને ગામ પહોંચ્યો. જ્યારે તેનો મિત્ર જેની પાસે પોતાનું ફાનસ હતું તે તો તેના અજવાળામાં કપરા માર્ગ ઉપર પણ ઝડપથી ચાલતો ચાલતો મધરાત થતાં પહેલાં પોતાને ગામ પહોંચી ગયો.

નાનકડી આ સૂફી કહાની સમજવા જેવી છે. આપણા જીવનમાં પણ સંધ્યાકાળ આવવાનો અને પછીથી તો આપણે જેનાથી સદંતર અજાણ્યા છીએ તેવી મૃત્યુ પછીની વાટ પણ આવવાની. મૃત્યુ પછીની આપણી વાટ કેટલી લાંબી છે અને તેનો માર્ગ કેવો છે તેની આપણને ખબર નથી. મૃત્યુ પછીના માર્ગ ઉપર વિસામો મળશે કે નહિ તેનીય આપણને ખબર નથી. આ પરિસ્થિતિમાં અગમચેતીવાળો શાણો માણસ તો જીવનની સંધ્યા આવે તે પહેલાં જ પોતાનું ફાનસ તૈયાર કરી રાખે છે. જેથી મૃત્યુ પછીનો અજાણ્યો અંધકારભર્યો માર્ગ શરૂ થાય તે પહેલાં પોતાનું ફાનસ – જ્ઞાનનો દીવો પ્રગટાવી લે છે જેથી આગળની અજાણી વાટે તે આગળ વધી શકે. આજે દેવ-ગુરૂ અને ધર્મની બધી સામગ્રી આપણી સમક્ષ પડેલી છે તેવે સમયે જો આપણે આપણું ફાનસ તૈયાર નહિ કરી લઈએ- જ્ઞાનનો દીવો પ્રગટાવી નહિ લઈએ તો મૃત્યુ પછીનો અજાણ્યો અંધારો માર્ગ આપણે અથડાતા કૂટાતા જ પસાર કરવો પડશે.

મોટાભાગના લોકો આત્મવંચનામાં જીવે છે અને મોત પછીની વિકટ વાટ માટે કંઈ તૈયારી રાખતા નથી. જે થોડાક માણસો આ બાબતે સજાગ હોય છે તે જ પોતાનો દીવો તૈયાર કરી રાખે છે. મૃત્યુ પછીની વાટ તો જીવ માત્રે પોતાના દીવાના અજવાળામાં જ પસાર કરવી પડે છે. ત્યાં કોઈનો સાથ મળતો નથી અને કોઈનો દીવો કામ આવતો નથી. ગુરુ ગમે તેટલા જ્ઞાની હોય તો પણ ગુરુનો દીવો ગુરુ પાસે અને આપણો દીવો આપણી સાથે રહેવાનો તે વાત ધ્યાન રાખવા જેવી છે. કોઈના દીવાના ભરોસે ભવાટવીમાંથી – ભવભ્રમણના જંગલમાંથી બહાર નીકળી શકાય નહિ. નાનો-મોટો પણ દીવો તો પોતાનો જ હોવો જોઈએ અને તો જ મૃત્યુ પછી સૌના માર્ગ અલગ અલગ થઈ જાય ત્યારે મુશ્કેલી ન પડે અને આગળની યાત્રા નિરાંતે પોતાના દીવાના પ્રકાશમાં કરી શકાય. ભવાંતરમાં પોતાનો દીવો જ સાથમાં રહેશે માટે નાનો પણ આપણો દીવો તૈયાર કરી લઈએ. પારકાનો દીવો ગમે તેવો ઝગમગતો હશે – ગુરૂ ગમે તેવા જ્ઞાની હશે – તો પણ તે દીવો જીવન પૂરું થઈ ગયા પછી આપણને કામ નહિ આવે, તેનો પ્રકાશ આગળનો માર્ગ નહિ અજવાળી શકે. માટે મહાત્માઓએ કહ્યું છે કે “અપ્પ દીપો ભવ” હે આત્મન્, તું જ તારો દીવો થા. આપણે મૃત્યુની વેળાએ બેચાર મંત્રો બોલીને કે ભગવાનનું સ્મરણ કરીને દીવો પ્રગટાવવા મથીશું તો તે દીવો કેટલો પ્રગટવાનો અને કેવો પ્રગટવાનો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રુચિતંત્ર – રતિલાલ ‘અનિલ’
જિંદગીનું ભાથું – આશુતોષ Next »   

19 પ્રતિભાવો : અપ્પ દીપો ભવ – ચંદ્રહાસ ત્રિવેદી

 1. manvant says:

  ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા !

 2. bhushan padh says:

  bahu saras che a kahani jeevan v se ghanu badhu kahee jaay che

 3. Uday Trivedi says:

  Very true !! we can not afford to think that Guru will do all the effort and we will simply reap the benefit. We have to make an effort and only that can lead us to realisation.

  I remember one nice dialoage from movie MATRIX

  MORPHIOUS: Neo, I can only lead your towards the path. But only you have to go through the path.

  May we all can pass our destined path…

 4. સુરેશ જાની says:

  મૃત્યુ પછીની વાત તો શું કરીએ, આ જિંદગીના અરાણ્યમાં આર્નંદપૂર્વક ચાલવા માટે પણ આવો જ કોઇ દીવો જોઇએ. અને તે દીવો આપણે જાતે જ પેટાવવાનો છે.
  એકલા જ ચાલવાનું છે.પણ આનંદથી ચાલીએ . રસ્તામાં ખાડા છે. પણ હસતા અને કૂદતા ચાલીએ. મારે સમય નથી તે ગાણાં ગાવાનું બંધ કરી સમય કાઢીને આવું વાંચતા રહીએ.રડતા ન રહીએ પણ મનગમતા ગીતો ગુનગુનાતા રહીએ.
  ગમતાંનો ગુલાલ કરીએ.

 5. ashalata says:

  ghanu j saras jindgina chhella station pahonchavanu
  kevu kathin che e vichar karva karta hastahasta jaye
  ej saru che avo path batavva badal abhinaandan
  avuj sahitya pirsta j raheso
  pranam

 6. nayan panchal says:

  જો બાળપણમા ફાનસ તૈયાર કરશું તો યુવાનીમાં કામ લાગશે. યુવાનીમાં તૈયાર કરેલુ ફાનસ પ્રૌઢાવસ્થામાં કામ લાગશે. પ્રૌઢાવસ્થામાં તૈયાર કરેલુ ફાનસ વ્ર્ધ્ધાવસ્થામાં કામ લાગશે. આમ, આખી જિદંગી તૈયાર કરેલુ ફાનસ મૃત્યુ પછી કે કદાચ બીજા જન્મમાં કામ લાગશે.

  સરસ વાર્તા.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.