દાંતની અવળી ગંગા – નટવર શાહ

[આ લેખ લેખકના “હળવે હાથે” પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ તેમજ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી નટવરભાઈ શાહનો (ચેન્નાઈ) ખૂબ ખૂબ આભાર]

થોડાં વર્ષ પહેલાં એક કાર્ટૂન જોયેલું. દાંતના દવાખાનામાં ત્રણ દર્દીઓ એક બેન્ચ પર થોડા થોડા અંતરે બેઠા હોય છે. ડૉકટર પોતાની કૅબિનમાંથી બહાર આવીને ઊભા છે. તેના હાથમાં પક્કડ હોય છે. ડૉકટર દર્દીઓને પૂછે છે, ‘કોનો વારો છે ?’ પહેલો દર્દી બીજા તરફ અને બીજો દર્દી ત્રીજા તરફ આંગળી ચીંધે છે ! મતલબ કે ડૉકટરના હાથમાં પક્કડ જોયા પછી કોઈ દર્દી અંદર જવા તૈયાર નથી. હવે આપણે વિચાર કરીએ કે દાંત સિવાય બીજા કોઈ પણ દર્દના દર્દીઓ હોય અને ડૉકટર આમ પૂછે તો શું થાય ? ત્રણેય દર્દીઓ ઊભા થઈને એમ જ કહે ને “મારો વારો છે !”

પછી તો મેં જોયું છે કે દાંતની દરેક બાબતમાં, શરીરના બીજા અવયવોની સરખામણીમાં ઊલટી ગંગા જ વહે છે !

બીજાં દર્દોમાં ડૉકટર પોતાની ખુરશીમાં બેઠા હોય છે અને દર્દી મોટે ભાગે બાજુમાં ઊભા હોય છે. પરંતુ દાંતની બાબતમાં, દર્દી સિંહાસન જેવી ખુરશી પર બેસે છે અને ડૉકટર બાજુમાં ઊભા હોય છે !

દર્દની જ વાત કરો ને ! બીજા કોઈ દર્દ વિશે વાત કરીએ તો સામો માણસ આપણા તરફ સહાનુભૂતિ દર્શાવે છે. આમાંય સહાનુભૂતિ તો દર્શાવે છે, પરંતુ તે પહેલાં મનમાં એક વખત હસી લે છે – પ્રગટ રીતે નહીં તો અપ્રગટ રીતે ! તેના મનમાં એવો ભાવ હોય છે કે, ‘કાં લે તો જા ! પોતાને બહુ જુવાન માનતો હતો ને ? આ ઘડપણનું દર્દ ક્યાંથી આવ્યું ?’ બીજા દર્દમાં આપણે પટકાયા હોઈએ છીએ ત્યારે આપણે તદ્દન ભાંગી પડતા નથી ! તાવ આવે કે શરદી થાય ત્યારે વિચારીએ છીએ કે ‘પેલાને સખણો કરવો’તો પણ આ બે દિવસ પથારીમાં રહેવું પડશે-તેટલું મોડું થશે !’ પરંતુ દાંતનું દર્દ ઊપડે છે ત્યારે મનમાં એટલું જ વિચારીએ છી કે, ‘હે ભગવાન ! ફલાણાને શું, કોઈનેય હું ક્યારેય સખણો નહીં કરું ! દયાળુ થઈને મારું આ દર્દ મટાડી દે એટલે બસ !’

મનુષ્ય જન્મે છે ત્યારે કુદરત બધા જ અવયવ તેને છેવટના આપે છે. આંખ, કાન, હૃદય વગેરે બધું એક જ વાર કુદરત આપે છે. કુદરત કહે છે, – ‘આ તારું પહેલું અને છેલ્લું અવયવ છે. હવે ફરીવાર નહીં મળે, માટે સંભાળીને રાખજે.’ દાંત માટે કુદરતે ખાસ વ્યવસ્થા કરવી પડી છે. જન્મ પછી પહેલાં દાંત ટ્રાયલ માટે આપે છે. પછી બધા પાછા લઈ લે છે અને છેવટના બરાબર મજબૂત પાયા સાથે આપે છે. પહેલા દાંત પડે છે ત્યારે તેને પીડા થાય છે. તે જો તેને યાદ રહે તો બીજી વારના દાંત પડવાની પીડા ભોગવવી ન પડે તેનું તે ખાસ ધ્યાન રાખી શકે એવો કુદરતનો હેતુ હશે તેમ મને લાગે છે !

શરીરના બીજા અવયવો તેના વધારે પડતા ઉપયોગથી બગડે છે. દા..ત, આંખનો વધુ પડતો ઉપયોગ કરીએ તો આંખ બગડે, પેટનો વધારે પડતો ઉપયોગ કરીએ – તેમાં વધારે ખોરાક ભરીએ તો પેટ બગડે. દરેક અવયવની ક્ષમતા છે, પરંતુ દાંતની બાબતમાં તેનો ઓછો ઉપયોગ કરીએ તો તે બગડે છે. આપણા દાંત દાતણ, ચણા જેવી કઠણ વસ્તુ ચાવવાની ક્ષમતા ધરાવતા હોય છે, પરંતુ ટૂથપેસ્ટના જમાનામાં દાંતને ઉપરથી જ ચળકતા કરવામાં દાંતની બધી માવજત આવી જાય છે ! દાંતને પોતાની તાકાત બતાવવાનો મોકો જ મળતો નથી. તેથી કઠણ વસ્તુ ચાવવાનું તેનાથી વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. પહેલાંના જમાનાના લોકોના દાંત એટલા મજબૂત હશે કે ફક્ત લોઢાના ચણા ચાવવા તે લોકો માટે મુશ્કેલ હશે ! તેથી કોઈપણ મુશ્કેલ કામ માટે તે કામ “લોઢાના ચણા ચાવવા” જેવું કહેવાતું ! પરંતુ હવેના આપણા દાંત કઠોળના ચણા ચાવવા જેટલા મજબૂત પણ રહ્યા નથી ! તેથી હવે આ રૂઢિપ્રયોગમાંથી ‘લોઢું’ શબ્દ નીકળી જશે તેમ લાગે છે ! હવે તો કોઈ પણ મુશ્કેલ કામ માટે તે “ચણા ચાવવા જેવું છે” એટલું કહીશું તો બસ થઈ પડશે !

આપણે કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરીએ છીએ ત્યારે આંખના ડોળા કાઢીએ, હાથનો મુક્કો ઉગામીએ છીએ, આપણાં દાંત ભીંસીએ છીએ ! આપણા ડોળા તથા આપણો મુક્કો જોઈ, સામી વ્યક્તિ થથરી જાય છે ! આપણા ભીંસાયેલા દાંત તેને દેખાતા નથી. તે તો અંદરોઅંદર સામસામા અથડાય છે તેટલું જ ! ખરી રીતે તો આપણા ભીંસાયેલા દાંત, બીજા અવયવોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે !

એકવાર હું પણ દાંતના દર્દનો શિકાર બન્યો’તો ! ડૉકટરે મને સ્પેશિયલ ખુરશી પર બેસાડ્યો ! આ ખુરશી હેર-કટિંગ સલુનમાં હોય છે તેનાથી થોડી વધારે ભપકાદાર હોય છે એટલું જ ! ખુરશી પર બેસતા મેં માથું નીચું કર્યું ! આવી ખુરશીમાં માથું નીચું રાખવાની ટેવ ખરીને ! ડૉક્ટરે મારું માથું પકડીને પાછળ ઢાળી દીધું. પછી બંને હાથોમાં ચીપિયા પકડી એકબીજા સાથે અથડાવી અવાજ કરવા લાગ્યા તેમ જ મારા દાંત સાથે પછાડી અવાજ કરવા લાગ્યા ! મને ભય લાગ્યો કે ડોક્ટરો પેટ દાબી પેટનો દુ:ખાવો ઊભો કરે છે તેમ આ ક્યાંક દાંત દાબી દાંતનો દુ:ખાવો તો ઊભો નહીં કરે ને ? સદભાગ્યે કાંઈ થયું નહીં.

પછી ડૉકટર એક પ્લૅટ લઈ આવ્યા. મને કહે, ‘તમારા દાંતનો ફોટો પાડવો પડશે. પાડું ને ?’
મેં કહ્યું, ‘પાડો.’
પછી મેં, આપણે ટુથ પેસ્ટ ઘસવા દાંત ખુલ્લા કરીએ છીએ તેમ ખુલ્લા કર્યાં. ડૉકટર કહે, ‘આ શું કરો છો ?’
મેં કહ્યું, ‘તમે કહ્યું ને ફોટો પાડવો છે ! તેથી દાંત ખુલ્લા કરું છું !’
‘તમને કેટલાં વર્ષ થયાં ?’
‘બાવન વર્ષ.’
‘દાંતનો ફોટો કેમ લેવાય તે તમને ખબર ન હોય તે સ્વાભાવિક છે. તમે ઘણા વહેલા આવ્યા છો. મોટે ભાગે મોટી ઉંમરનાને દાંતના રોગ થાય છે. કાંઈ વાંધો નહીં, પરંતુ જુઓ, દાંતનો ફોટો છાતીના ફોટાની જેમ ન લેવાય. બીજા ફોટામાં ફોટાની પ્લૅટ શરીરથી દૂર-શરીરની બહાર હોય છે, પરંતુ આમાં તો ફોટાની પ્લૅટ હું તમારા મોઢામાં મૂકીશ….. પછી તમે મોઢું બંધ કરી દેજો. બીજા ફોટા અને દાંતના ફોટામાં આટલો ફરક છે !’
‘એટલે કે અવળી ગંગા !’ મારાથી ધીમેથી બોલાઈ ગયું !
‘વૉટ ડુ યુ મીન ?’ ડૉકટરે બૂમ પાડી.
‘સૉરી ડૉકટર, હું બીજા વિચારમાં હતો.’ મેં કહ્યું.
‘ડૉકટર પાસે જાઓ ત્યારે બીજા વિચારો કરો તે બરાબર નથી – ખાસ કરીને દાંતના ડૉકટર પાસે તો નહીં જ.’ ડૉકટરે શિખામણ આપી.

ફોટો પાડી, પ્લૅટ લઈ ડૉકટર બીજી એક કેબીનમાં ગયા. મારે તો પેલી ભવ્ય ખુરશી પર બેસી જ રહેવાનું હતું. મને એક વાતનો છૂપો આનંદ હતો કે ચાલો, આજે દાંતનો ફોટો પડાવ્યો છે તો મારે કેટલા દાંત છે એ ચોક્કસ સંખ્યા ફોટા પરથી જાણી શકાશે ! આ અગાઉ મેં ઘણી વખત અરીસામાં જોઈને મારે કુલ કેટલા દાંત છે તે ગણવા પ્રયત્ન કરેલો, પરંતુ દરેક વખતે ટોટલ જુદો આવેલો ! સારું છે કે કોઈ સરકારી ફૉર્મમાં આપણા દાંતની સંખ્યા આપણે લખવી પડતી નથી; નહીંતર જુઠ્ઠી જાહેરાત માટે કેટલીય વખત દંડ ભોગવવો પડત !

થોડીવારમાં ડૉકટર પ્લૅટ લઈને મારી પાસે આવ્યા. મને કહે, આ તમારો ‘દાંતનો ફોટો !’
મેં કહ્યું, ‘એ મારા દાંતનો ફોટો નથી !’
‘શું વાત કરો છો ? શા ઉપરથી તમે આમ કહો છો ?’
‘મારા તો બધાય દાંત સાબૂત છે અને આમાં એકેય દાંત તો દેખાતો નથી.’
‘તેં દાંતના ફોટામાં દાંત ન દેખાય !’ ડૉકટરે કહ્યું.
‘દાંતના ફૉટામાં દાંત ન દેખાય ?’
‘ના, ફક્ત પૉકેટ્સ દેખાય છે – જુઓ આ બધા પૉકેટ્સ છે – બધા ખાલી છે. ખાલી પોલાણ થયું છે તેથી તમને દાંત દુ:ખે છે.
મારા પૉકેટ્સ હંમેશા ખાલી જ હોય છે તેમ હું મનમાં બોલ્યો. પછી મેં ડૉકટરને કહ્યું, ‘હવે શું કરીશું ?’
‘હમણાં તો દવા આપું છું. જરૂર પડશે તો આ પૉકેટ્સ-પોલાણ ભરવું પડશે.’ ડૉકટરે કહ્યું.
પછી તો મેં દવા જ લીધેલી. પેલા પૉકેટ્સ હજી અકબંધ છે. પોતાનું અસ્તિત્વ બતાવવા ફરી ક્યારે હુમલો કરશે તે કહેવાય નહીં !

હાલની વિધાનસભા કે પાર્લામેન્ટની બેઠકોની ગોઠવણી અર્ધ ગોળાકાર રૂપે હોય છે. દાંતના ચોકઠાની ગોઠવણીથી જ આ આઈડિયા કોઈને મળ્યો હશે તેમ લાગે છે. જીભ, દાંતના ચોકઠાની મધ્યમાં હોય છે. બરાબર ચૅર-પરસનના સ્થાને ! જીભની નારીજાતિ હોવાથી નરજાતિના દાંત પ્રત્યે તેને આકર્ષણ છે. દાંત પડી જાય છે ત્યારે તે ખાલી જગ્યામાં જીભ અચૂક આંટો મારી આવે છે ! કદાચ દાંત પાછો આવ્યો હશે એવી આશાએ તેની શોધમાં તો નહીં નીકળતી હોય ?

છેલ્લે – શરીરના બીજા ભાગો માટે દવાઓ મોંઘીદાટ હોય છે; પરંતુ દાંત માટે ? જો નિયમિત ઉપયોગ કરાય તો દાંત માટે સરળ અને સસ્તી દવા છે; એક મીઠું અને બીજુ શિવામ્બુ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મસ્તીની મહેફિલ – સંકલિત
એરેંજમેરેજ – યોગેન્દ્ર વ્યાસ Next »   

14 પ્રતિભાવો : દાંતની અવળી ગંગા – નટવર શાહ

  1. Jayshree says:

    Its Good Comedy…
    I recalled my visit to dentist (Dr. Rakesh Naik – Vapi), and the fun I was having when he was telling jokes while treating my teeth.

  2. nayan panchal says:

    દંત-કથા સરસ હતી. મજા આવી.

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.