એરેંજમેરેજ – યોગેન્દ્ર વ્યાસ

સ્વાતિ પરણીને આવી એટલે એ સ્મિતાની બહેનપણી મટી નહીં પણ સગપણમાં ભાભી થઈ. કહી શકાય કે સ્વાતિ અને સુકેતુએ પ્રેમલગ્ન કર્યાં હતાં પણ સ્મિતા જાણતી હતી કે એ એરેંજમેરેજ હતાં. બધું એરેંજ કરનાર સ્મિતા હતી. સુકેતુએ હમણાં જ એમ.ડી. પૂરૂં કર્યું હતું અને સ્ટર્લીંગમાં ત્રીજી શીફટની નોકરી સ્વીકારી હતી. સ્વાતિ અને સ્મિતાની ઈન્ટર્નશીપ શરૂ થઈ હતી.

સ્વાતિ અને સુકેતુનું કેવી રીતે એરેંજ થયું તે કિસ્સો થોડો રમૂજી છે. ત્રણેક વરસ પહેલાં એક સાંજે સ્વાતિ અને સ્મિતા કૉલેજથી સીધાં સ્મિતાને ઘેર આવ્યાં. ઘરમાં કોઈ હતું નહીં. પપ્પા ઑફિસેથી આવ્યા ન હતા. મમ્મી શોપિંગ માટે ગયાં હતા. સુકેતુ પણ હજુ હૉસ્પિટલમાંથી આવ્યો ન હતો. એ વખતે એ રેસીડેન્ટ હતો. સ્મિતાએ પોતાની ચાવીથી ઘર ખોલ્યું અને બંને બહેનપણીઓ ઘરમાં દાખલ થઈ. થોડીવાર પછી બંનેને લાગ્યું કે બંનેને સખત ભૂખ લાગી છે. ફ્રીજ, કબાટ, ડબ્બા બધું ખોલી જોયું. ક્યાંય કશું ખાવાનું ન હતું. બંની નક્કી કર્યું કે થોડી મીઠા-મરચાંની પૂરીઓ તળી કાઢવી ને ચા સાથે ગરમગરમ પૂરીઓ ખાવી. પૂરીઓ થોડી વધારે બનાવવી અને મમ્મીને સરપ્રાઈઝ આપવી.

સ્મિતાએ ડબ્બામાંથી ત્રણ વાટકા ઘઉંનો લોટ કથરોટમાં કાઢ્યો અને તેમાં થોડું મીઠું-મરચું નાખ્યું. બધું મિશ્રણ તૈયાર કરવા માંડી ત્યાં સ્વાતિએ સૂચન કર્યું, ‘મારી મમ્મી થોડો ચણાનો લોટ પણ ભેળવે છે.’
‘સ્યોર ?’ સ્મિતાએ પૂછ્યું.
‘સ્યોર. ફોન કરીને પૂછી લઉં ?’ સ્વાતિએ ખાતરી કરવા માટેની તરકીબ બતાવી.
‘કંઈ જરૂર નથી. એક વાટકી ચણાનો લોટ પણ ઉમેરીએ’ કહી સ્મિતાએ એક વાટકી ચણાનો લોટ કથરોટમાં ઠાલવ્યો. વળી મિશ્રણ કરવા માંડી.’
‘પણ આ ચણાના લોટના ભાગનું મીઠું-મરચું ?’ સ્વાતિએ સૂચવ્યું.
‘ધૅટ્સ એ પોઈન્ટ’ કહી સ્મિતાએ થોડું મીઠું-મરચું ઉમેર્યું. વળી મિશ્રણ તૈયાર થવા માંડ્યું. સ્મિતાએ એમાં સારી પેઠે તેલ નાખી મિશ્રણને બાંધવાનો પ્રયત્ન કર્યો.
‘મારી મમ્મી એમાં પાણી પણ નાખે છે.’ સ્વાતિએ સૂચન કર્યું.
આ વખતે ‘સ્યૉર ?’ એમ પૂછવાને બદલે સ્મિતાએ થોડી શંકાભરી નજરે સ્વાતિ સામે જોવા માંડી.
‘સાચું. પાણી જ ના નાખીએ તો લોટ બંધાય કેવી રીતે ?’ સ્વાતિએ આટલું બધું તેલ નાખવા છતાં લોટ બંધાતો ન હતો તેનું કારણ આપ્યું.
‘કેટલું નાખવાનું ?’ એક તપેલીમાં પાણી કાઢી સ્મિતાએ પૂછ્યું.
‘પ્રમાણસર’ સ્વાતિએ ઠાવકાઈથી કહ્યું.
સ્મિતાએ કથરોટમાં તપેલી ભરેલું પાણી ઠાલવી દીધું. કથરોટ બેય કાંઠે વહેવાની તૈયારી કરવા માંડી. સ્મિતાના હાથ પર લોટ ચોંટી ગયો અને કથરોટમાં સહેજ જાડી રબડી જેવું મિશ્રણ તૈયાર થવા માંડ્યું. સ્મિતાએ સ્વાતિ સામે જોયું.
સ્વાતિએ કહ્યું, ‘આટલું બધું પાણી ના નખાય. પ્રમાણસર નાખવું જોઈએ.’

સ્મિતાના બંને હાથ પર ચોંટેલો લોટ ત્યાંથી દૂર થવાનું નામ લેતો ન હતો. એણે સૂચવ્યું, ‘બીજી એક કથરોટમાં તું આટલો જ બીજો ઘઉં – ચણાનો લોટ કાઢ. એમાંથી અડધું મિશ્રણ એમાં ઉમેરીએ. પછી પ્રમાણસર પાણી થાય એટલો લોટ બાંધીએ.’ સ્વાતિએ સૂચના પ્રમાણે બીજી જરા મોટી કથરોટ લીધી. વળી પાછો ત્રણ વાટકા ઘઉંનો અને એક વાટકો ચણાનો લોટ કાઢ્યો. મીઠું-મરચું ઉમેર્યું. તેલ હવે વધારે નાખવાની જરૂર નથી. એવી સંમતિ બંને બેનપણીઓ વચ્ચે સધાયેલી તેથી તેલ નાખ્યા વિના મિશ્રણ તૈયાર કર્યું અને ત્યારે સાવધાનીથી પેલી રાબડી એમાં ઉમેરી. સ્વાતિના હાથ પણ લોટથી બંધાઈ ગયા. પણ લોટ બંધાવાનું નામ લેતો ન હતો. બધું છુટું છુટ્ટુંને કોરું કોરું કથરોટમાં રહ્યું. એક કથરોટમાં અડધી રાબડી જેમની તેમ હતી. બીજીમાં બધું કોરું ને છુટ્ટું હતું. હવે આગળ કઈ રીતે વધવું એ બંનેમાંથી કોઈને સમજાતું નહતું.

‘મમ્મીને ફોન કરીને પૂછી લીધું હોત તો સારું હતું.’ લોટને હાથ ઉપરથી દૂર કરવાની મથામન કરતી સ્વાતિએ કહ્યું. ‘લોટ બાંધવો એ આટલું અઘરું કામ છે એની ખબર આજે જ પડી.’ સ્મિતા પણ લોટને હાથ પરથી ઉખેડવા મથતાં બોલી. ત્યાં ફોનની ઘંટડી વાગી. સ્મિતાએ લોટ ચોંટેલા હાથે જ રીસીવર ઉપાડ્યું.
ત્યાં ડોરબેલ વાગ્યો. લોટ ચોંટેલા હાથે જ સ્વાતિએ બારણું ખોલ્યું. બારણામાં સુકેતુ ઉભો હતો. ‘કોનું કામ છે?’ સ્વાતિએ પૂછ્યું. પોતાના ઘરમાં એક અજાણી છોકરી, લોટવાળા હાથે બારણું ખોલી, પોતાને આવો સવાલ પૂછે – સુકેતુ બઘવાઈ ગયો. ‘કોઈનું નહીં.’ એના મોંમાંથી નીકળી ગયું.
‘તો કંઈ વેચવા આવ્યા છો ? અમારે કશું જોઈતું નથી.’ બોલી ધડામ બારણું બંધ કરી સ્વાતિ રસોડા તરફ ચાલવા માંડી.
સુકેતુને શંકા થઈ કે પોતે કોઈ બીજાના ઘરનો ડોરબેલતો નથી માર્યો ને ? પણ બારણાની બાજુમાં લગાડેલા પાટિયા ઉપર તેના પપ્પાનું નામ જ હતું.
થોડીવારે તેણે ફરીથી ડોરબેલ માર્યો. રસોડામાં પહોંચી આ લોટનું શું કરવું એમ વિચારતી સ્વાતિ વળી પાછી બારણું ખોલવા પહોંચી. બારણું ખોલતાં તેણે સુકેતુને ફરીથી બારણમાં ઉભેલો જોયો.
‘કહ્યું ને, અમારે કશું લેવાનું નથી.’ કહી તેણે ફરીથી બારણું બંધ કરી દીધું. તે ફરેથી રસોડામાં પહોંચી. ત્યાં સુધીમાં સ્મિતા પણ રીસીવર મૂકી રસોડામાં પહોંચી. હાથે ચોંટેલા આ લોટનું શું કરવું તેનો વિચાર કરતી સ્વાતિને સ્મિતાએ કહ્યું, ‘સ્મૃતિનો ફોન હતો. આજે સાંજે તેને ત્યાં પાર્ટી છે.’ આપણને બોલાવ્યાં છે.’
ત્યાં વળી પાછો ડોરબેલ રણક્યો. કોઈ એ જરા ચીડાઈને લાંબો સમય ડોરબેલ વગાડ્યો. ‘કોણ છે ?’ સ્મિતાએ પૂછ્યું.
‘કોઈ ચોંટું લાગે છે. હવે તું જઈને ખોલ.’ સ્વાતિએ કહ્યું.
લોટ ચોંટેલા હાથે જ સ્મિતાએ બારણું ખોલ્યું. બારણામાં સ્મિતાને જોઈ સુકેતુ ઓર બધવાઈ ગયો. પહેલી બે વખત સ્મિતા જ હતી તો તેણે પોતાને કેમ ન ઓળખ્યો ? આવા પ્રશ્ન તેના મનમાં આવી ગયા. બઘવાઈ ગયેલા થોડા ગુસ્સાભર્યા સુકેતુને જોઈ સ્મિતા પણ બઘવાઈ ગઈ. થોડીવારે બધું રહસ્ય ખૂલ્યું ને સ્મિતા-સ્વાતિને મદદ કરવા સુકેતુ રસોડામાં આવ્યો.

એ દિવસે એ ત્રણે ઘણું મથ્યાં પણ લોટ તો ન બંધાયો પણ સુકેતુ-સ્વાતિ વચ્ચે સંબંધ બંધાઈ ગયો. સ્મિતા માનતી હતી કે એ સંબંધને પ્રેમસંબંધ સુધી અને અંતે લગ્નસંબંધ સુધી પહોંચાડવામાં એની ભૂમિકા મુખ્ય હતી.
સ્વાતિ-સુકેતુનાં લગ્ન તો થઈ ગયાં.
એક દિવસ સાંજે સ્વાતિ-સુકેતુને પાર્ટીમાં જવાનું હતું. સુકેતુ ટી.વીનો કોઈ કાર્યક્રમ રસપૂર્વક જોઈ રહ્યો હતો ને સ્વાતિ આવી. ‘પાંચ વાગ્યા છે. છ વાગે નીકળવું પડશે. હું તૈયાર થવા માંડુ છું.’
‘હા’ ટી.વી. પરથી નજર ખસેડ્યા વિના સુકેતુ બોલ્યો.
‘ક્યો ડ્રેસ પહેરું ?’ સ્વાતિ સુકેતુની બાજુમાં બેસી ગઈ.
‘ગમે તે’ ટી.વી.ના કાર્યક્રમમાં પડતી ખલેલ સુકેતુને ન ગમી.
‘ના એમ નહીં. ચાલો. તમે એક ડ્રેસ પસંદ કરી આપો.’ જરા માઠું લગાડીને સ્વાતી બોલી.
‘અરે, પહેરી લે ને. તને બધા ડ્રેસ સરસ લાગે છે.’ સુકેતુએ કહ્યું.
‘ઉભા થાવ છો કે નહીં ?’ સુકેતુના હાથમાંથી રીમોટ લેવાનો પ્રયત્ન કરતાં કરતાં સ્વાતિએ કહ્યું.
‘બસ. આ આટલું જોઈ લઉં. દસ જ મિનિટ બાકી છે.’ રીમોટ પોતાની પાસે જ રહે એની તજવીજ કરતાં કરતાં સુકેતુ બોલ્યો.
‘સારું હું નહાવા જાઉં છું. તમે મારે માટે એક ડ્રેસ પસંદ કરી રાખજો.’ માથાના વાળ છોડતાં છોડતાં સ્વાતિ બોલી.
‘હો.’ કહી સુકેતુએ ટી.વી. કાર્યક્રમ જોવાનું ચાલુ રાખ્યું, થોડીવારે સ્વાતિએ બાથરૂમમાંથી જ બૂમ પાડી. ‘મારો ડ્રેસ ?’
સુકેતુએ હાંફળા-ફાંફળા ઉભા થઈ વોર્ડરોબમાંથી એક ડ્રેસ કાઢીને આપી દીધો ને પાછો કાર્યક્રમમાં ગૂંથાઈ ગયો. સ્વાતિ ડ્રેસ પહેરીને રૂમમાં આવી. અરીસામાં જોયું, ‘તમે આ ડ્રેસ પસંદ કર્યો ?’ એણે જરા મોટેથી પૂછ્યું.
‘કેમ ? સારો લાગે છે. બેસ્ટ.’ ટી.વી.ના સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના સુકેતુએ અભિપ્રાય આપ્યો.
‘શું કપાળ સારો લાગે છે ?’ સ્વાતિ સુકેતુની નજીક પહોંચીને ચીડાઈને બોલી.
‘ના. ડ્રેસ સારો લાગે છે.’ સુકેતુએ શાંતિથી જવાબ આપ્યોને ટી.વી. જોવાનું ચાલું રાખ્યું.
સ્વાતિએ રીમોટ ઝૂંટવી લઈને ટી.વી બંધ કર્યું. પછી પૂછ્યું, ‘હવે મારી સામે જોઈને કહો કે ડ્રેસ કેવો લાગે છે ?’
‘કહું છું ને, સારો લાગે છે.’ સુકેતુએ સ્વાતિ સામે જોઈ કહ્યું.
‘તમારાથી તો તોબા. આ ડ્રેસ લઈ આવી ત્યારે તમે જ કહ્યું’તું કે મારા સિવાય એકલી બહાર જવાની હોય ત્યારે આ ડ્રેસ પહેરજે. કલર કોમ્બીનેશન ઢંગધડા વિનાનું છે.’ સ્વાતિએ યાદ કરાવ્યું.
‘એવું કહેલું ? પણ તો ય… ઠીક લાગે છે. ચાલે એવો લાગે છે.’ સુકેતુએ ત..ત…પ…પ… કરવા માંડ્યું.
‘તમને રસ જ નથી મારામાં’ સ્વાતિ ખૂબ ખિજાઈ.
‘અરે એવું હોય ? ડ્રેસમાં રસ ના હોય એટલે તારામાં ય રસ નથી એવું કઈ રીતે કહેવાય ? ચાલ, બીજો ડ્રેસ શોધી આપું.’ સુકેતુ ઉભો થયો.
‘મારે પાર્ટીમાં આવવું જ નથી.’ સ્વાતિ ગુસ્સામાં બોલી.
‘આમે મને ય બહુ ઈચ્છા નહોતી.’ કહી તે વળી પાછો ટી.વી સામે ગોઠવાઈ ગયો. તે ગુસ્સામાં રૂમ છોડીને જતી સ્વાતિએ જોયું.

એ સીધી સાસુ પાસે પહોંચી ગઈ અને એમના ખભે માથું મૂકીને રડી પડી. સ્મિતા પણ ત્યાંજ ઉભી હતી. ‘શું થયું સ્વાતિ ?’ સ્મિતા હજુ સ્વાતિને ‘ભાભી’ કહેવાને બદલે ‘સ્વાતિ’ જ કહેતી.

હીંબકા ભરતાં ભરતાં, સાસુને ખભે જ માથું રાખીને આખી વાત તેણે કરી. ‘સાવ જડભરત છે.’ છેલ્લે તેણે ઉમેર્યું.

‘એના પપ્પા જેવો જ છે.’ સાસુએ એને માથે હાથ ફેરવતાં ફેરવતાં છાની રાખી. સ્મિતાને પાણી લાવવાનું કહ્યું. સ્વાતિએ પાણી પી લીધું પછી સાસુએ ધીમે રહીને કહ્યું. ‘સ્વાતિ બેટા. આજથી ત્રણેક વરસ પહેલાં મેં કહેલા શબ્દો યાદ છે ? તું સુકેતુના પ્રેમમાં પડી છે તેવી મને શંકા પડી ત્યારે ?’ એમણે યાદ દેવડાવ્યું.
‘હા. બરાબર યાદ છે. તમે કહેલું કે “લોટ બાંધતાં ન આવડે તો શીખી લેવાય પણ સંબંધ બાંધતાં ન આવડે એ ન ચાલે. આપણો પ્રેમ સામાને બાંધી રાખે. સુકેતુ સાથે સંબંધ બાંધ એમ હું ઈચ્છું છું ને પછી હું તારી સાથે છું” ’
‘બરાબર. આજે પણ હું તારી સાથે જ છું, બેટા. ને એક બીજી વાત પણ સમજી લે. સંબંધ બાંધ્યા પછી એને નભાવી પણ જાણવો જોઈએ. અને ધારો કે કોઈવાર તૂટી જાય તેને સાંધી લેતા પણ આવડવો જોઈએ. જા, મારી દીકરી બહુ શાણી. તું ય તૈયાર થઈ જા ને પેલા જડભરતને પણ તૈયાર કરીને પાર્ટીમાં લઈ જા. સુકેતુ ધ્યાન જ નહોતો આપતો ત્યારે ગયે વરસે મેં જ તને કહેલું કે – એમ શસ્ત્રો મૂકી દે તે મારી દીકરી નહીં. યાદ છે ?’
‘હા. એટલે તો…’ સ્વાતિ બોલવા ગઈ.
‘બસ તો. તું જીતી છું ને એ જીતને તારે કાયમ રાખવાની છે.’ સ્વાતિનો ખભો થાબડતાં થાબડતાં સાસું બોલ્યાં.

સ્મિતા તો આ આખો સંવાદ આંખો પહોળી કરીને સાંભળતી જ રહી. ‘એરેંજમેરેજ’ એ વિચારતી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાંતની અવળી ગંગા – નટવર શાહ
વીઝાપેપર્સ – નટુભાઈ ઠક્કર Next »   

27 પ્રતિભાવો : એરેંજમેરેજ – યોગેન્દ્ર વ્યાસ

 1. Neela Kadakia says:

  વો ભુલી દાંસતાં લો ફીર યાદ આ ગયી. આવુ નહીં પણ બીજું ઘણું બધું.
  જીંદગીની [પરણ્યાં પછીની] શરુઆત યાદ આવી ગઈ.
  મઝા પડી ગઈ વાગોળવાની.

  નીલા

 2. amit pisavadiya says:

  લાગણી સભર લેખ વાંચવાની મજા આવી ….

 3. Love BirdS says:

  WOW… superb.. It was really fantastic story. it’s very annoying when someone doesn’t give their attention when we want it very dearly. Mostly all the men demands consideration from women but when it’s their time to consider for someone, it doesn’t work for them. They have an attitude that “they are men”…

 4. manvant says:

  પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે :
  આવો પ્રેમ ને આવાં લગ્નો ચિરંજીવ બનતાં હશે ?

 5. Jayshree says:

  આવો પ્રેમ ને આવાં લગ્નો ચિરંજીવ બનતાં હશે ?

  I dont know the answer to this question. But yes, I would wish so for every marriage, be it love or arranged…!!

 6. kirit madlani says:

  nice story, but i would like to say how many wife knows the colors of husband’s ties? do they ever look at the dresses they are wearing in important meetings?
  i think complementing good looks and good dresses are only limited to males , so it is the men who should be complaining.
  as for the arranged marriages less said is better, it is the prison on which men willingly and smilingly enters and does not appeal at all. if he complains about the jailor, everyone calls him what not.
  70% of indian marriages are unsatisfied couples and they just live their life. i really admire the maturity of western world where there is some democracy in domestic life.

 7. Kaushal says:

  To Kirit,
  Arranging marriage is nothing but arranged dating experience. Nobody forces either a boy or a girl into these marriages in today’s world. And talking about the western world, I do appreciate the democracy but in the western society the idea of marriage is just based on love, so when the love subsides (which usually happens when you have two kids) the marriage goes. That is the reason for 51% divorce rate. I admire our culture where marriage is not just about love, it’s about living together, sharing together, being a family not just with the guy you married but with his entire family…that’s why our divorce rate is low and children get to enjoy the stable home environment.

 8. kirit madlani says:

  kaushal,

  when love subsides is what the story is about. what is the point in living like that.

 9. nilam doshi says:

  યસ લોટ બાંધતા ન આવડે તો ચાલે પણ સંબંધ ,…તો અમૂલ્ય છે.બાંધવો બહુ સહેલો ને નિભાવવો…. ?સરસ વાર્તા.અભિનંદન

 10. Mehali says:

  sundar varta chhe. nana pransng nu saras nirupan karyu chhe. lot nu roopak sambandh mate,, saras.

 11. Shyam B.Bhonsle says:

  I read “arrangemarrage”. It is really helpful to create a good relations between husbund and wife and among family. I suggest to you that this type of story should be published in various newspaper.

 12. Hiral Thaker says:

  Realy nice story….

 13. M.S.Pandya says:

  I like this type of story very much. Every arrangemarried or love married couple are in favour of this kind of story.Because they feel it in real life.

 14. jagruti says:

  Nice Story

 15. Dhaval says:

  WOW,

  SAS HO TO EASI..

 16. Hiral says:

  are bapreeeeeeeee!

  not possible k sasu aava hoy!vanchine anand thayo pan story puri thy tyare khaber padi k story ma j aava sasu hoy!

 17. Seroquel. says:

  Seroquel….

  Astra zeneca seroquel lawsuit….

 18. nayan panchal says:

  લોટ બાંધતાં ન આવડે તો શીખી લેવાય પણ સંબંધ બાંધતાં ન આવડે એ ન ચાલે. આપણો પ્રેમ સામાને બાંધી રાખે.

  સરસ વાર્તા.

  નયન

 19. nilesh patel says:

  are! ise ko to pyar kahete he. chahe who sas ka hi kyu n ho

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.