- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વીઝાપેપર્સ – નટુભાઈ ઠક્કર

સવારનો પહોર છે.
અહીં હજાર કરતાં વધારે માણસો લાઈનમાં ઊભા છે. જેટલા લાઈનમાં ઊભા છે એનાથી બમણા બિચારા પોતપોતાનાં સગાં સાથે આવ્યા છે એ ફૂટપાથ ઉપર છાપાં પાથરીને રૂમાલ કે શેતરંજી પાથરીને ધોખે છે. કરુણતા લાગે છે આ દશ્ય જોઈને. કોઈ સદાવ્રતને દરવાજે ભૂખ્યાં માણસો સદાવ્રતનો દરવાજો ખૂલે ને ભાખરી-શાક મળે એવી આશાથી લાઈન લગાવીને બેઠાં હોય એવાં ઊજળાં લૂગડાંવાળા માણસો અહીં લાઈનમાં ઊભા છે. દરેકના હાથમાં વીઝાકોલ લેટર અને મેડિકલની કોથળીઓ છે. ચિત્ર વરવું લાગે છે. લાઈનમાં ઊભેલાઓનુંય વરવું ચિત્ર છે. સામેના ફૂટપાથ ઉપર છાપાં પાથરીને મોભો મરતબો બધું ભૂલીને બેઠેલાઓ પણ વરવા ચિત્રના ભાગીદારો છે.
મુંબઈનો ભૂલાભાઈ દેસાઈ રોડ. અમેરિકન એમ્બેસીનું આ સ્થળ.
અહીં સમણાં છે, આનંદ છે, આહ છે, નિ:સાસો છે ને મસ્તી પણ છે. લાંબી લાઈનવાળા અમેરિકન કોન્સ્યુલેટ પાસે વીઝા લેવાના ઈન્ટરવ્યૂ માટે અંદર છે. બહાર કોઈનો બાપ, કોઈનો પતિ, કોઈ ભાણી-ભત્રીજીનો દાદો, કાકો કે મામો જે દૂર-દૂરના પ્રદેશોમાંથી આવ્યા છે એ સામેની ફૂટપાથ પર લમણે હાથ દઈને બેઠા છે.
કોઈ વાતોમાં છે.
કોઈ તડકામાં છે.
કોઈ અમેરિકાને ગાળો આપે છે છતાં લાઈનમાં ઊભા રહીને ધક્કા સહન કરે છે. કોઈ અંદરોઅંદર અમેરિકાના મોહ બાબતે તાત્વિક ચર્ચાઓ કરે છે…. તો કોઈક અભણ વૃદ્ધ, ‘બળ્યુ આ અમેરિકા, છેક પાલનપુરથી મુંબઈનો આ મારો સાતમો ફેરો છે… આટલા ધક્કા તો મંદિરે ખાધા હોત તો પરમેશ્વર સામે પગલે ચાલીને દર્શન દેવા આવ્યો હોત.’

અહીં બધા ભેદભાવ ભુલાઈ ગયા છે. રાય પણ લાઈનમાં છે અને રંક પણ લાઈનમાં છે. સાધુઓ પણ લાઈનમાં છે અને ગૃહસ્થો પણ લાઈનમાં છે. બધાની દોટ અમેરિકા તરફ છે. જે અહીં કોટ્યાધિપતિઓ છે કે લખપતિઓ છે એમની વાત એવી છે કે, બધું વેચી-સાટીને પતાવ્યું. આજે આ વીઝા મળી જાય એટલે આવતા અઠવાડિયે અમેરિકામાં. જે કામ મળશે એ કરીશું… નોકરી-ધંધો દોડીશું… શ્વાસ ચડાવીને દોડીશું… પણ છુટાય આ દેશથી. હવે અહીં રહેવામાં માલ નથી. તો 70 વર્ષના કાકા-કાકીની વાત છે, ઘણું બધું કુટુંબ અહીં હતું… એ બધાંય તો જતાં રહ્યાં. હવે છોકરો કહે છે, ‘તમે મરી જશો ત્યારે અગ્નિસંસ્કાર કોણ કરશે ? એના કરતાં એકલાં ત્યાં પડી રહ્યાં છો તે અહીં આવી જાવ… એટલે આ દહ દા’ડાથી મોંધા ભાવના મુંબઈમાં આવીને પડ્યાં છીએ… જાણે દયાદાન કરતાં હોય એમ કેટકેટલા કારહા કર્યાં છે આ લોકોએ – પહેલા કહે, ફિંગરપ્રિન્ટ કરાવો, પછી મેડિકલ કરાવો, એય પાછું એક દા’ડે નહીં. આજે એક્સરે, કાલે લોહી તપાસ કરાવો, મને તો ઠીક આ આવડી મોટી ડોશીને ઉઘાડી કરીને તપાસી મને કહે કાકા આ કાળો ડાધો શેનો છે ? મેં કહ્યું જિંદગીમાં કશી કાળાશ નથી આવી…. આ એક મસો વઢાયેલો… તાણે શાલ છોડ્યો. જબરા છે મારા વા’લા.

જબરી હતી કાકાની વાત.
આ છોકરો હમજ્યો નહીં ને જતે જન્મારે મારે આવા દા’ડા આવ્યા. ચાલી વીઘા જમીન છે. મેં ફોનમાં કીધું…ભઈ… તને હું રોટલા ખવડાયે પણ તું આવતો રહે… આપણું ઈન્ડિયા હારું છે…. તો રોયાની વહુ કહે…. ના બાપુજી… તમે આવતા રહો… હવે એનાં છોકરાં હાચવવા અમને હોંપશે ને એ જોબો કરશે.

અહીં જાતજાતની વાતો છે. અહીં ઘોંઘાટ છે, મનનો કોલાહલ છે. નીરવ શાંતિ છે અહીં આશા-નિરાશાની. અહીં સમણાં ધૂળ ચાટે છે ને ધૂળ સમણે મહાલે છે… એ બધા વાતાવરણની ભીડમાં એક ચેહેરો ખિન્ન વદને બેચેન ઊભો છે. એ એની દીકરીની દીકરીનો વીઝા લેવા માટે આવ્યો છે. દીકરીને અંદર મોકલી છે. કોઈ રસ્તો નહીં નીકળે પણ પૂછતીતો આવ… હવે શું કરવાનું… ને પેલો પ્રૌઢ ચહેરો કિસ્મતને દોષ દેતો નિસાસા નાખે છે…. સમજાતું નથી એની વેદના શી છે. એને પારવાર પસ્તાવો છે… એક અમથી નાની ગફલતનો. આ ગૂંચવાયેલો કેસ ક્યારે કેવી રીતે ઉકલશે એ તો ઉપરવાળો જાણે.
ચહેરો સાવ નંખાઈ ગયેલો.
દીકરીની દીકરી અંદર.
બહાર એ કોઈને પોતાની વેદના પૂછતો’તો, ‘આવું થયું હોય તો શું થાય ?’ ને જેને-જેને પૂછે એ બધા જાણે આ બાબતના એક્સપર્ટ હોય એમ કાં તો એને આનંદમાં લાવી દેતા’તા. આ સામેની ‘ઈન્કવાયરી બારી’ પર પૂછી જુઓ કોક રસ્તો નીકળશે… તો બીજા કહેતા…. હવે કંઈ ના થાય… ફરી એપ્લાય કરવાનું.
દરેકની મનઘડંત વાતો હતી.

જાણનાર ને નહીં જાણનાર બધા જાણે નક્કર માહિતી આપતા હોય એમ આપતા’તા… છતાં પેલાના ચહેરા ઉપર ખિન્નતા ઓછી થતી નહોતી. મનમાં રામનું રટણ ચાલતું. એની સાથે આવેલી એની પ્રૌઢા પત્ની એને સાંત્વન આપતી’તી. મેં માતાજીની બાધા રાખી છે. સહુ સારાંવાનાં થશે. જોજોને ભગવાન કંઈક રસ્તો કાઢશે ને એ ચિડાઈ જતો, તમે જરાયે ધ્યાન ન રાખો ત્યારે ને ? આ ભાણીનું મોં જોયું બિચારીનું ? ને તરત પ્રૌઢા કહેતી, ભાણી કંઈ નાની છે ? આ બધું તો એણે જ ધ્યાન રાખવું જોઈએ ને ? ટૅકસીમાંથી ઊતરતાં તમે પૂછયું કે બૅગ લીધી… મેં કહ્યું હા. ભાણીએ બગલથેલો લઈ લીધો…. ને તમે ટૅકસીવાળાને પૈસા ચૂકવી દીધા… એ ગયો…. હવે આવડા મોટા મુંબઈમાં એ ક્યાંથી મળે ?
નિરાશા હતી અપરંપાર.
આશાનો એકે તંતુ દેખાતો નહોતો.

એક જુદા ખિસ્સામાં એકલો પાસપોર્ટ ભાણીનો હતો… ને ‘વીઝા કૉલ લેટર’ ની એક ઝેરોક્ષ કઢાવેલી એ ચૂંથાઈ ગયેલા કાગળ પાસે રહી ગયેલો. અઠવાડિયું રોકાઈને કરાયેલો મેડિકલ રિપોર્ટ, જોબ લેટર, બૅંક બેલેન્સ લેટર વગેરે જરૂરી તમામ કાગળોની પ્લાસ્ટિકની થેલી બગલથેલામાંથી સરકી પડી હશે એ ટૅક્સીમાં રહી… ને સંબંધીને ત્યાં સઘળો સામાન મૂકી મુસાફરીના થાકેલા સૂઈ ગયા.
સવારથી જ ઊંઘી સવાર ઊગી.
હૈયામાં કારી આંચકો.
ભાણી તો રડે… રડે… તે પાર નહીં.
સહેજ હિંમત બાંધીને નક્કી કર્યું, ‘આપણે એમ્બેસી ઉપર તો જઈએ. બધી વાત કરીએ… ને દીકરીની દીકરીને કોન્સ્યુલેટ ઑફિસમાં પાસપોર્ટ અને વીઝા કૉલની ઝેરોક્ષ સાથે મોકલી… આ પ્રૌઢ દંપતી નસીબને ગાળો દેતું ખિન્નવદને અહીં… તહીં… અહીં…

સાત છોકરા સામટા મરી ગયા હોય એવા ખિન્ન ચહેરાવાળા પેલા પ્રૌઢના ચહેરા પર સપ્તરંગી કિરણોનું તેજ ઓચિંતુ આવી ગયું ને આખો માહોલ બદલાઈ ગયો. આસપાસના બધા બોલવા લાગ્યા… અનેકોનાં ચડતી-પડતી અનેક નસીબો જોયા પણ આવું નસીબ તો કોઈનું ના દીઠું. વાહ ભલા ભગવાન… તુંય જબરા ખેલ ને જબરી કસોટીઓ સાથે જબરા ચમત્કારો કરે છે નહીં તો આવું તે બને… એક ટૅક્સીવાળો… ને તેય મુંબઈનો… આવી રીતે સવારના પહોરમાં કોઈના કાળજાને ટાઢક આપવા આવી રીતે આવે ?

વાત કંઈક આવી બની હતી.
રાત્રે એ પ્રૌઢ દંપતી ભાણીને લઈને વીઝા લેવા મુંબઈ આવેલું. સંબંધીનું સરનામું પૂછીને ત્યાં પહોંચ્યા. ટૅક્સી છોડી દીધી. રાત્રે સૂઈ ગયાં. સવારના પહોરમાં વીઝા મેળવવાનાં બધાં પેપર્સ, મેડિકલની કોથળી… એ બધું જે પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલું એ થેલી મળી નહીં. વીઝા મળવાની બાબતમાં લગભગ નાહી જ નાંખવાનું એમ માનીને સવારે એમ્બેસી આગળ આવી દીકરીને લાઈનમાં ગોઠવી પ્રૌઢ દંપતી લમણે હાથ લઈને અહીંતંહી ફૂટપાથ રોડ…. રોડ ફૂટપાથ કરે… ત્યાં હાથમાં પીળી કોથળીને લઈને એને ઊંચી કરે ને બધાને બતાવતો હોય એમ ક્શું બોલ્યા વગર એક ભાઈ આંટા મારે.
પેલા પ્રૌઢની નજર એની ઉપર પડી.
વીજ ઝબકારો થયો.
આ જ ભાઈ પેલો રાતની ટૅક્સી ચલાવતો’ તો એ… ને પેલા પ્રૌઢે એને ઓળખી કાઢ્યો. ટૅક્સીવાળાએ પણ આગલી રાતના મુસાફરને ઓળખી કાઢ્યો. પ્રૌઢને તો હરખ ના માય ને ટૅક્સીવાળાને એક માનવીને જબરદસ્ત ચિંતામાંથી મુક્ત કર્યાનો આનંદ.

પેલા પ્રૌઢે પ્લાસ્ટિકની કોથળી પોતાની પત્નીને આપી અને કહ્યું, ‘પેલા દરવાજે ઊભેલા સિક્યુરિટીવાળાને કહે અંદર આ કોથળી ભાણીને આપે તો આપી આવે ને તને અંદર જવા દે તો તું જા… હું આ ટૅક્સીવાળાભાઈને પગે લાગી લઉં… ને કંઈક બક્ષિસ.’

બક્ષિસ શબ્દ સાંભળતાં ટૅક્સીવાળાને વાત ન ગમી. એણે ટૂંકી વાત કહી, રાત્રે તમે વાતો કરતા હતા કે સવારે વહેલા ઊઠીને અમેરિકન એમ્બેસીની લાઈનમાં ઊભા રહીશું. તમે ઊતરીને મને ભાડાના પૈસા આપીને ક્યા બિલ્ડિંગના ક્યા માળે ગયા એ મને ખબર નહીં…. પણ અહીં અમેરિકન એમ્બેસી આગળ ઘણા મુસાફરોને ઉતારવા આવવાનું થાય છે. હું ગ્રૅજ્યુએટ છું. અહીં વીઝા મેળવવામાં આ બધા પેપર્સનું શું મહત્વ છે એની મને ખબર છે. વિચાર કર્યો કે તમને જો શોધવા હોય તો સવારે અહીં જ મળો. પરોઢિયે છ વાગે ઊઠીને છેક બોરીવલીથી મેં ટૅક્સી મારી મૂકી. સારું થયું કે ભાઈ તમે મળ્યા.

અરે…. સારું થયું મારા બાપ કે આ મુંબઈમાં તારા જેવો ટૅક્સીવાળો અમને મળ્યો. લાખ્ખો રૂપિયા ખર્ચતા જે ટેન્શન ઓછું ન થાય એ ટેન્શન તેં ટાળ્યું…. પૈસા પાછા આપવા આવનારાઓને પ્રમાણિકતાના એવોર્ડ અપાય છે… પણ આ વીઝા પેપરનું મહત્વ સમજી આમ વહેલી સવારે અમને શોધવા દોડનાર તારા જેવો માણસ તો ભગવાન જ કહેવાય ને.. મારા સમ… કંઈક….

અરે જાવ… કાકા…. જાવ… આ કાગળિયાં બીજા કોઈને થોડાં કામ આવવાનાં હતાં. ને તમારે માટે શું એ હું જાણું છું. મને માફ કરો. હું બક્ષિસ માટેનો માણસ નથી….

માણસ છું…. પણ ભાઈ પેટ્રોલ બાળ્યું એનું બોરીવલીથી અહીંનું ભાડું…

ના કાકા…. ના….

– ને આસપાસના અનેક માણસો, એક પ્રૌઢ અને એક ટૅક્સી ડ્રાઈવરનું આ મિલન નિહાળીને…..ને કેટલાક કહેતા : હજુ ઈશ્વર આ ધરતી ઉપર છે ખરો હોં !!