- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અધૂરું ચિત્ર – બકુલ દવે

‘પપ્પા ! વીસ રૂપિયા આપો ને…’ હું પપ્પા સામે હિંમત કરીને ઊભી રહી.
‘તારે વળી વીસ રૂપિયાની શી જરૂર છે ?’
‘કલર બૉક્સ લાવવી છે…..’
‘કલર બૉકસ ?!’ પપ્પાનાં ભવાં ખેંચાયા. મેં કશી વિચિત્ર માંગણી કરી હોય એમ એ મારી સામે જોઈ રહ્યા.
‘હા,’ મેં થૂંક ગળે ઉતાર્યું, ‘મારે કલર બૉકસની ખાસ જરૂર છે….’
‘પણ હજી ગયા મહિને તો તને કલર બૉકસ ખરીદવા પૈસા આપ્યા હતા.’
‘ગયા મહિને ખરીદી હતી તે કલર બૉક્સના રંગો વપરાઈ ગયા….’
‘વપરાઈ ગયા ?!’
‘હા, પપ્પા….’
‘તું ચિત્રો દોરે છે કે રંગો ખાય છે ?’

શો જવાબ આપવો પપ્પાને ? મેં આ વૅકેશનમાં કેટલાં બધાં ચિત્રો બનાવ્યાં છે એની એમને ખબર નથી. રોજ બપોરે, પેલી ગૅલેરીમાં હું એકલી બેસીને ચિત્રો બનાવ્યા કરું છું. એ મારો નાનકડો સ્ટુડિયો છે ! પપ્પા-મમ્મીએ હજી મારાં ચિત્રોને ધ્યાનથી જોયાં નથી. આ વૅકેશન દરમ્યાન મેં બનાવેલાં ચિત્રો એમણે બરાબર જોયાં હોત તો એમને ખ્યાલ આવત કે હું કંઈ કલર બૉક્સના રંગો ખાઈ જતી નથી. જો પપ્પા કલર બૉક્સ ખરીદવા પૈસા નહીં આપે તો રાજ્યકક્ષાએ થનાર સ્પર્ધામાં મારાથી ચિત્રો નહીં મોકલી શકાય.
‘પપ્પા, આપો ને પૈસા….’ મેં ફરી એકવાર કાકલૂદી કરી. કદાચ, પૈસા મળી જાય.
પપ્પાએ કંઈક વિચારતા હોય તેમ મારી સામે જોયું. મને આશા જાગી. પણ બરાબર કટોકટીના સમયે મમ્મી આવી પહોંચી.
‘શું છે તારે ? કેમ તારા પપ્પાનો જીવ ખાય છે ?’
‘એને કલર બૉક્સ માટે વીસ રૂપિયા જોઈએ છે……’ પપ્પાએ કહ્યું.
‘એને પૈસા ન આપશો….’ મમ્મી અકારણ ચિડાઈ ગઈ, ‘આખ્ખો દી એ કાગળ પર લપેડા કરતી જ હોય છે. તેર વરહની થઈ પણ કશા કામની નથી. સળી તોડીને બે ભાગ કરતી નથી….’
‘પણ મમ્મી….’
‘ચૂપ મર, મારે કશું સાંભળવું નથી. રસોડાની ચોકડીમાં વાસણ પડ્યાં છે તે સાફ કરી નાંખ ઝટ.’
‘પણ મારું ચિત્ર સ્પર્ધામાં મોકલવાનું છે…..’
‘ચિત્ર જાય ચૂલામાં…..’ મમ્મીએ મારો હાથ ખેંચ્યો, ‘ઝટ ઊભી થાય છે કે નહીં?’

અધૂરું ચિત્ર હવે ક્યારે પૂરું થશે. તેની મને ખૂબ ચિંતા હતી પણ મમ્મીનું કહ્યું ન થાય તો એ બગડે. ધબેડી નાખે. ગઈ કાલે એણે મારા વાળ ખેંચીને મારી હતી. હજી કાન પાછળ દુ:ખે છે.

રસોડાની ચોકડીમાં વાસણના ખડકલા સામે હું બેસી ગઈ. વાસણ ઘસતાં ઘસતાં મને થયું કે હું પાયલની જોડિયા બહેન થઈને જન્મી હોત તો ? મારી બહેનપણી પાયલ અત્યારે પોતાના અલાયદા રૂમમાં બેસીને કૉમ્પિટીશન માટે ચિત્ર બનાવતી હશે. પાયલ પાસે, ચમકતા રંગોવાળી સરસ મજાની કલર બૉક્સ છે. એના મામાએ એના જન્મદિવસે ભેટ મોકલી હતી. મારી કલર બૉક્સમાં રંગ ખલાસ થઈ ગયા ન હોત તો કદાચ આજે સાંજે મારું ચિત્ર પૂરું થઈ ગયું હોત.

એકવાર – ફક્ત એક જ વાર, પપ્પા-મમ્મીએ મારું ચિત્ર જોયું હોત તો એમણે મને રંગપેટી ખરીદવા પૈસા આપ્યા હોત. મારા ચિત્રમાં મેં ક્યાંય કશી ઉતાવળ નથી કરી. ધીમેધીમે ચિત્ર બનાવ્યું છે. વગડાનો મારગ છે. રસ્તાની બેય બાજુએ ઘટાદાર વૃક્ષો છે. સાંકડા ધૂળિયા મારગ પર, લાલ રંગના બળદ જોડેલું ગાડું હાલ્યું જાય છે. ગાડાની પાછળ પાથરેલી પરાળ પર એક સ્ત્રી અને એક નાનું બાળક છે. દૂર દૂર ભૂખરા ડુંગરા છે તે માથે ખુલ્લું છત્તર જેવું ભૂરું આકાશ છે.

તપેલીને મેલા પાણીમાં ધોતાં ધોતાં મારી આંખ સામે ક્યાં ક્યો રંગ પૂરવાનો છે તે તરવરવા લાગ્યું. આકાશમાં આછો વાદળી જેવો આકાશી રંગ પૂરવાનો બાકી છે. લાલ રંગ ખૂટ્યો છે. તેથી બળદને રાતા નહીં બતાવી શકાય. બળદને કાળા અથવા તો સફેદ જ રાખવા પડશે. શિંગડાં અને પૂંછડાના છેડે લગાડવા માટે થોડો કાળો રંગ લૂછી લૂછીને કાઢવો પડશે. લીલો રંગ પણ હજી કેટલાંક વૃક્ષોમાં પૂરવાનો છે. લીલો રંગ પણ કરકસરથી વાપરવો પડશે.

સાંજે હું પાયલ પાસે ગઈ. કદાચ એ મને ઉછીના રંગ આપે તો મારું અધૂરું ચિત્ર પૂરું થઈ શકે. હવે કૉમ્પિટિશનમાં ચિત્ર મોકલવાને માંડ બે દિવસ રહ્યા છે. પછી ચિત્ર મોકલવાની મુદત પૂરી થાય છે.
‘મને ઉછીના રંગ આપીશ, પાયલ ?’
‘મારી પાસે જ હવે બહુ થોડા રંગ બચ્યા છે.’ પાયલે એની કલર બૉક્સ બતાવી, ‘જો ને આખ્ખી બૉક્સ લગભગ ખાલી થવા આવી છે…’
હવે ? મારું ચિત્ર હવે અધૂરું જ રહી જશે. કૉમ્પિટીશનમાં મારાથી ભાગ નહીં લઈ શકાય હવે. મને થયું કે હું હમણાં જ રડી પડીશ.
‘તારું ચિત્ર હવે કેટલુંક બાકી છે ?’ પાયલે પૂછ્યું.
‘મારું ચિત્ર….’ હું માંડમાંડ બોલી, ‘હજી અધૂરું જ છે….’
‘મારું પણ એવું જ છે….’ પાયલ હસી, ‘તેં મને દોરી આપ્યું હતું તે માછીમારનું ચિત્ર, રંગ પૂર્યા વગર હજી એમ જ પડ્યું છે…’

મને યાદ આવ્યું. મેં પાયલને ડ્રોઈંગપેપર પર પેન્સિલથી આછું રેખાંકન કરી આપ્યું હતું. દરિયાકિનારે જાળ લઈ માછલાં પકડવા જતાં કાળી ચમકતી ચામડીવાળા સ્નાયુબદ્ધ માછીમારો…. દરિયાના પાણીનું ઊંડાણ માપતી હોય તેમ ઝૂકી ગયેલી નાળિયેરીઓ…. માટીના કૂબા બનાવવાનું મન થાય એવી બદામી રંગની કરકરી રેતી…. ખૂબ દોડીને થાકી ગયેલા ઘોડાના મોંમાથી નીકળતા હોય એવાં સફેદ ફીણવાળાં ઊછળતાં મોજાં અને મોજાં પર ઊંચકનીચક પર સામસામે બેઠેલા બાળક જેવી ચંચળ હોડીઓ….
મારા હાથ સળવળવા લાગ્યા. મારાં ટેરવાં પીંછી પકડી હોય તે રીતે નજીક ગયાં.
‘પાયલ, તને હું આ માછીમારના ચિત્રમાં રંગ પૂરી આપું ?’
‘હા, પૂરી આપને….’ પાયલની આંખો ચમકી ઊઠી, ‘કૉમ્પિટીશનમાં શોભી ઊઠે એવું હાઈક્લાસ ચિત્ર બનાવજે હોં.’

હું રંગની મેળવણી કરવામાં પરોવાઈ ગઈ. પાયલ મને બ્રશ ધોવામાં, રંગ કાઢી આપવામાં સહાય કરવા લાગી. મારી પીંછી માછીમારનાં શરીરો પર, નાળિયેરીનાં પાન પર, દરિયાનાં મોજાં પર મુક્ત રીતે સરકવા લાગી. પાયલ પાસે પૂરતા રંગ હતા. ખૂટવાનો કોઈ પ્રશ્ન નહોતો તેથી કરકસર કરવાની નહોતી. ને પીંછી પણ કેવી સરસ હતી ? કદાચ પાયલના મામાએ કલર બૉક્સની સાથે આ સુંવાળી પીંછી પણ વિદેશથી જ મોકલાવી હોવી જોઈએ. કશી ચિંતા વગર, પોતાના અલાયદા ખંડમાં કોઈની રોકટોક ન હોય ત્યારે ચિત્ર બનાવવાની પણ કેવી મજા પડતી હોય છે !

ચિત્ર પૂરું કરવામાં જોતજોતામાં ત્રણ કલાક પસાર થઈ ગયા. મેં ચિત્ર પૂરું થયા પછી ઘડિયાળમાં જોયું ત્યારે ખ્યાલ આવ્યો.
પાયલે ખુશ થઈને તાળી પાડી : ‘હાય ! કેવું સરસ બન્યું છે.’
મેં ચિત્રને દૂરથી – નજીકથી, જુદાજુદા ખૂણેથી જોયું. મેં ઈચ્છ્યું હતું એવું જ લગભગ એ બન્યું હતું. થોડો વધુ સમય મળ્યો હોત તો આ ચિત્રને હજી આનાથી પણ વધુ સારું બનાવી શકાયું હોત. પાયલના પપ્પા આ ચિત્ર જોશે ત્યારે કહેશે : ‘સિમ્પ્લી વન્ડરફુલ !’

અચાનક જ મમ્મીની બૂમ મારા કાને અથડાઈ: ‘આ છોકરી ક્યાં મરી ગઈ ? ઘડીક ઘરમાં ટાંટિયો ટકતો નથી…..’

હું ભાગી. વાંચવાનો સમય થયો છે. પપ્પા વૅકેશનમાં પણ અમને ભાઈબહેનને લેસન કરાવે છે. મારે ચિત્રકાર બનવું છે. મારે પુષ્કળ ચિત્રો દોરવાં છે. પણ પપ્પા મને કહે છે મારે ડૉકટર બનવાનું છે. દવાઓની ગંધ, પીડાથી કણસતા માણસો અને મૃત્યુ એ બધું મારાથી ન જોવાય. સહ્યું જ ન જાય. પણ….
હું ઘરમાં પ્રવેશી ત્યારે પપ્પા છાપું વાંચતા હતા. હું ચૂપચાપ ચોપડી લઈ બેસી ગઈ. મારી સામે મેં બનાવેલું અધૂરું ચિત્ર પડ્યું હતું.

થોડા દિવસો પસાર થઈ ગયા.
ચિત્રસ્પર્ધાનું પરિણામ જાહેર થયું. પાયલે મોકલી આપેલું ‘માછીમારો’ ચિત્ર બીજા નંબરે આવ્યું. પાયલને મેં બારીમાંથી જોઈ. એ દોડતી શ્વાસભેર મારા ઘેર આવી હતી. મમ્મી પરસાળમાં જ હતી.
‘માસી…’
‘શું છે પાયલ ?’
‘મારું ચિત્ર કૉમ્પિટીશનમાં બીજા નંબરે આવ્યું….’
મમ્મી થોડી વાર સુધી કંઈ બોલી શકી નહીં. સહેજ અટકીને એણે કહ્યું : ‘વાહ ! કૉન્ગ્રેચ્યુલેશન્સ !’
પાયલનાં મમ્મી પણ, જાડું શરીર લઈ હાંફતાં હાંફતાં પાયલની પાછળ પાછળ ચાલી આવ્યાં : ‘જુઓ દીનાબહેન પાયલનું ચિત્ર બીજા નંબરે આવ્યું. મને તો બળ્યું એ ચિત્ર કાઢતી હતી ત્યારે આશા જ નહોતી…’
પાયલ અને એનાં મમ્મી થોડી વારમાં ચાલ્યાં ગયાં.
હું મારું અધૂરું ચિત્ર ફરીથી જોતી હતી. કદાચ આ ચિત્રને આજે પહેલું કે બીજું ઈનામ મળ્યું હોત.
મમ્મી મારી પાસે આવી, ‘જો આ છોકરીને, ભણવામાં તો એ હોંશિયાર છે ને સારી ચિત્રકાર પણ છે. એનું ચિત્ર બીજા નંબરે આવ્યું ને તેં આખુંય વૅકેશન કાગળ પર લપેડા જ કર્યા…..’
‘પણ મમ્મી….’
હું કશું બોલું તે પહેલાં પપ્પાએ મમ્મીને સાદ પાડ્યો. મને સાંભળવા જ ન ઈચ્છતી હોય તેમ એ ચાલી ગઈ.

હું પારદર્શક આંખે મારા અધૂરા ચિત્રને અમસ્તું જ જોઈ રહી.