મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-2) – અનુ. શ્રી આર.સી.શાહ

[ થોડા સમય પહેલા (31 મે,2006) આપણે મનની શાંતિના ઉપાયોનો ભાગ-1 માણ્યો. હવે આગળ જોઈએ ભાગ-2… ]

રોજ ધ્યાનમાં બેસો.

રોજ નિયમિત ધ્યાનમાં બેસો. ધ્યાન તમારા મનને શાંત કરશે; તે મનમાં નિશ્ચલતા જન્માવશે. તમે મન દઈને કલાક ધ્યાનમાં બેસશો તો તેનાથી મનમાં ઉત્પન્ન થયેલી શાંતિની વૃતિ બાકીના ત્રેવીસ કલાક સુધી ટકી રહેશે. મનને પહેલાં જેટલું ડામાડોળ થવા દેશે નહીં. ધીમે ધીમે રોજના ધ્યાનનો સમયગાળો વધારતા જાઓ. ધ્યાનની આ ક્રિયા તમારા રોજિંદા કામની આડે આવશે નહીં. કારણકે ધ્યાન તમારી જુદી જુદી શકિતઓમાં વધારો કરે છે. અને થોડા સમયમાં વધારે કામ આટોપવાની શકિત બક્ષે છે.

સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો.

રોજ કોઈ ચોક્કસ કામ કરો. કોઈ સારું કામ કરો. ‘હું આ કરું કે તે કરું’ એવી ધ્વિધામાં સમય બગાડો નહીં. ‘આ કરું કે તે કરું’ એવી વ્યર્થ માનસિક ગડમથલમાં તમે દિવસો, અઠવાડિયાં, મહિનાઓ, અને વર્ષો ખર્ચી નાખશો અને અંતે કશું જ કર્યા વગર આ ગડમથલ પૂરી કરશો. માટે વધારે પડતું આયોજન ના કરો. આયોજન તો ઈશ્વર કર્યા જ કરે છે. માટે તમે આખો સમય કાંઈક ને કાંઈક સારું કામ કરતાં જ રહો. તમારી નક્કર પ્રવૃત્તિમાં તૂટ ન પડવા દો. સતત પ્રવૃત્તિશીલ જ રહો. આરામનું નામ ના લેશો. તમારા જીવનમાં કદી નવરાશની કે નકામી પળો ના હોવી જોઈએ. અરે, થોડી નિષ્કાળજીભરી પળો પણ તમને જીવનમાં નીચે ગબડાવી મૂકશે. સમય એ જ જીવન છે. માટે સમયની કિંમત ધ્યાનમાં રાખી તેનો સૌથી વધારે લાભ થાય તે રીતે ખર્ચો.

મનને નવરું રાખશો નહીં.

તમે તમારા શરીરને આરામ આપતા હો ત્યારે પણ મનને નવરું રાખશો નહિં. તમારા મનને તમે તંદુરસ્ત વાચનમાં કે જપમાં કે માનસિક પ્રાર્થનામાં પરોવાયેલું રાખો, સર્વનાશની શરૂઆત મનમાં જ થાય છે. કર્કશ વાણી તથા દુષ્ટ વિચારો પ્રથમ મનમાં જ ઉદભવે છે. તેથી મનને સ્વચ્છ રાખો. ઉદભવસ્થાન સ્વચ્છ હશે તો જીવનની સરિતા પણ સ્ફટિક જેવા સ્વચ્છ પાણીથી વહેતી રહેશે. કામ કર્યે જવાથી તમારામાં આત્મવિશ્વાસ આવશે. શરૂઆતમાં નિષ્ફળ જવાય તો કાંઈ ચિંતા કરશો નહીં. તમે તમારી ભૂલો સુધારી લેશો તો બીજી વાર જરૂર સફળ થશો જ. હતાશ થઈને ચિંતા કરતાં ખુરશીમાં પડી રહેવાથી કાંઈ શુક્રવાર વળશે નહી. આમ કરવાથી તો તમે પૂરેપૂરા નિરાશાવાદી થશો.

અવરોધોથી અકળાશો નહીં.

કેટલાક લોકો સારું કામ કરતા હોય અને તેમાં અવરોધો આવે તો અકળાઈ ઊઠે છે. પણ અકળાઈ જવું જોઈએ નહિ, કારણકે સારા કામના માર્ગમાં અવરોધો તો આવવાના જ. અવરોધો તો સારું કામ કરનારના ખમીરની કસોટી કરવા માટે આવે છે. તેઓ તેની નિષ્ઠા, તેની ધીરજ અને તેની શ્રધ્ધાની કસોટી કરવા આવે છે. સારું કામ કરવાનો તમારો નિર્ણય જેમ જેમ વધારે ને વધારે મજબૂત થતો જશે તેમ તેમ વિરોધી બળો વધારે ને વધારે શકિતશાળી બનતાં જશે. પરંતુ તમે વિચલિત ના થશો. તમે કાર્ય છોડી ના દેશો. તમે તાબે ના થશો. આત્મશ્રધ્ધા અને ઈશ્વરશ્રધ્ધાના બળથી તમે મુસીબતોને પાર કરી શકશો. મુસીબતો અને કસોટીઓનો સામનો કર્યા વગર, તમે કોઈ પણ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરી શકશો નહીં. પરિક્ષાઓ પસાર કરવાની તૈયારી વગર પદવી મેળવવાની અપેક્ષા રાખવી એ તદ્દન અઘટિત છે.

તમે મુશ્કેલીઓથી દૂર ભાગશો તો જીવનમાં કોઈ પણ સારું કામ કરી શકશો નહીં. બહુ બહુ તો તમે આળસમાં પડી રહેશો. પણ આળસમાં પડી રહેવું એ કાંઈ જીવન નથી. સાચું જીવન તો સહેતુક હોવું જોઈએ. જીવનમાં ઉચ્ચ આદર્શો હોવા જોઈએ અને એ આદર્શો સિધ્ધ કરવા ઝઝૂમવાની તમન્ના હોવી જોઈએ.

વિરોધોનો સામનો કરજો.

વિરોધોનો સામનો કર્યા વગર ધ્યેય સિધ્ધિ શક્ય નથી. આવા વિરોધોથી તમારા મનની શાંતિનો ભંગ ના થવો જોઈએ. પણ જીવન-સંગ્રામ વીરતાથી લડી લેવા માટે તમારે તમારી ઈચ્છા-શકિત મજબૂત બનાવવી જોઈએ. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે, ‘જીવનમાં મુસીબતો તો આવવાની જ- મુસીબતો માનવજીવનનું એક અનિવાર્ય અંગ જ છે – એ તો એક અનિવાર્ય દૂષણ જ છે’ આ નિયમ સમજો અને સ્વીકારો.

કદી ચિંતા કરશો નહીં.

કદી દિલગીર ન થાવ. તમારા ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠ ગ્રહણ કરો. આ બોધપાઠ વારંવાર યાદ કરો. આ બોધપાઠમાંથી તમારાં ભવિષ્યનાં કાર્યો માટે માર્ગદર્શન મેળવો. પણ ભૂતકાળના અનુભવો પર આંસુ ના સારશો.; દિલગીરના થશો. ‘જો મેં આમ કર્યું હોત તો આમ થાત…….માત્ર આમ જ વર્ત્યો હોત તો….’ આવા બધા વિચારો અર્થહીન છે- વ્યર્થ છે. સમય અને શકિતનો દુર્વ્યય છે; કારણકે ચિંતા શકિતને હણી નાખે છે; તેનાથી વિશેષ કાંઈ જ કરતી નથી. આમ બનવાનું હતું જ અને બન્યું. બીજી કોઈ રીતે એ બનવાનું જ નહોતું. અને તેથી ના બન્યું. આ દુનિયામાં ઝીણામાં ઝીણી વસ્તુની હિલચાલથી માંડીને મોટામાં મોટી ઉથલપાથલો પણ, ભૂતકાળમાં બનેલી ઘટના, વર્તમાનમાં બનતી ઘટના કે ભવિષ્યમાં બનનાર ઘટના, વગેરેનાં કારણ અને પરિણામ અમુક ચોક્ક્સ રીતે જ, સર્વવ્યાપી સર્વજ્ઞ અને સર્વશકિતમાન એવા ઈશ્વર ઈચ્છાથી નિશ્ચિંત થયેલાં જ હોય છે. જે બનવાનું છે તે બને જ છે. ઈશ્વરની ઈચ્છાનો માર્ગ પલટવાની શકિત કોઈ પણ માનવીમાં નથી. ‘ઈશ્વરેચ્છા સર્વોપરી’ આ સનાતન સત્ય છે. એમાં કોઈ મીનમેખ કરી શકે એમ નથી. બનાવોની-ઘટનાઓની-અનિવાર્યતા પર ચિંતા કરવી, આંસુ સારવા અને મનની શાંતિમાં ખલેલ પહોંચાડવી એ નરી કાયરતાનું જ પ્રદર્શન છે. દરેક ઘટમાં ઈશ્વરની ઈચ્છા કેવી રીતે કામ કરી રહી છે તે નીરખવામાં તેમજ તમારી અને વિશ્વની શાંતિનો ભંગ ન થવા દેવામાં જ ડહાપણ રહેલું છે.

નિ:સ્વાર્થ સેવા કરો.

શું તમે તદ્દન સ્વાર્થી છો કે કોઈ વાર તમે બીજાઓનો પણ વિચાર કરો છો ? સ્વાર્થી માણસને કદી શાંતિ હોતી નથી. ઊલટાનું તમે નિ:સ્વાર્થી હો, તમે બીજાની સેવા કોઈ પણ જાતના બદલાની આશા વિના કરતા હો, તો તમને ઘણી જ શાંતિનો અનુભવ થશે.

નિષ્કામ સેવા શુધ્ધ આનંદની જનની છે. બીજાને સુખી કરો. તેમનું સુખ જોઈ તમને આનંદ થશે. આ એક એવો ખુલ્લો માર્ગ છે કે જેનો દરેક જણ અનુભવ કરી શકે છે.
કોઈપણ જાતના બદલા કે કદરની અપેક્ષા વગર બીજાની નાની કે મોટી સેવા મળી આવે તે કરો. પણ સેવા ખાતર ક સેવા કરો. જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે સેવા કરો. પ્રત્યેક અવસરે સેવા કરો.

આશરે વીસ વર્ષ પહેલાંની વાત છે. એક મોટા શહેરમાં મોડી સાંજે, હું ફરવા નીકળ્યો હતો. એક શાંત ખૂણામાં એક છોકરી ઊભી હતી. તેણે મને રોક્યો અને આજીજીપૂર્વક કહ્યું, ‘બાબુજી, મને ડર લાગે છે.’ એક ક્ષણમાં જ હું પરિસ્થિતિ સમજી ગયો. તે એકાંત સ્થળમાં એક ટાંગાવાળો તેની પાછળ પડયો હતો. ભયની મારી તેને દિશાનું કોઈ ભાન રહ્યું નહોતું. અને તેને ઘેર જવાનો રસ્તો તે શોધતી હતી. મેં તેને કહ્યું, ‘બહેન, ગભરાઈશ નહિ; હું તને તારા ઘર સુધી મૂકી જઈશ.’ થોડીવારમાં અમે એના ઘર તરફ જવાનો રસ્તો શોધી કાઢયો. એનું ઘર અમે ઊભાં હતાં ત્યાંથી માત્ર એક ફલૉંગ જ દૂર હતું. હું એને એના ઘર સુધી મૂકી આવ્યો અને પછી મારે રસ્તે આગળ વધ્યો.

આ એક તુચ્છ-નજીવી સેવા હતી. તેની પાછળ મારે એક નવો પૈસો પણ ખર્ચવો પડયો નથી. પરંતુ આ નિષ્કામ સેવામાં જે આનંદ અને સંતોષ મેં અનુભવ્યા તે આજે પણ મારા સ્મરણમાં તાજા જ છે. એવા ઘણા રસ્તા છે કે જે દ્વારા આપણે બીજાને મામૂલી કે સહેજ પણ ખર્ચ વગર મદદ કરી શકીએ. શુધ્ધ હ્રદય હોય એટલે ઘણું.

જીવનમાં જે મનુષ્ય માનસિક શાંતિ ઝંખે છે તેણે દરેક તબક્કે સારા-નરસાનો વિવેક કરતાં શીખવું જોઈએ. શું સાચું છે ? શું ખોટું છે ? શું શક્ય છે ? શું અશક્ય છે ? અમુક ખાસ પરિસ્થિતિમાં ડાહ્યા અને સમજદાર માણસોએ કયો માર્ગ સૂચવ્યો છે ? ધર્મશાસ્ત્રોએ શો રસ્તો બતાવ્યો છે ? તમારું અંત:કરણ શું કહે છે ? આવી જ પરિસ્થિતિમાં મહાન આત્માઓ કેવી રીતે વર્ત્યા છે ? વગેરેનો વિચાર કરવો જોઈએ.

સારા-નરસાનો વિવેક કરતાં શીખો.

સાચો માર્ગ મેળવવા માટે તથા દષ્ટિની સ્પષ્ટતા માટે દરેક સ્તરે આત્મનિરીક્ષણની જરૂર છે. મનના સ્વાભાવિક આવેગને કે ઈન્દ્રિયો અને લાગણીઓની માંગને અનુસરીને વર્તન કરવાથી તો માયાએ પાથરેલી જાળમાં સામેથી ચાલીને ફસાવા જેવું છે. માટે સતત વિવેકબુધ્ધિથી, પ્રેયસ માર્ગ (ભોગ વિલાસનો માર્ગ) અને શ્રેયસ માર્ગ (ક્લ્યાણકારી માર્ગ) વચ્ચે નિર્ણય કરતા રહેવું જોઈએ. જ્યારે જ્યારે મન તમને દુનિયાના લપસણા માર્ગ તરફ કે બીજાનું અનુકરણ કરવા તરફ લલચાવે ત્યારે ત્યારે તમારે વારંવાર તમારી વિવેક-બુધ્ધિનો ઉપયોગ કરવો જ પડશે. બીજાનું અનુકરણ કરવાની ઈચ્છા એટલી બધી પ્રબળ હોય છે કે ડાહ્યો અને સમજદાર માનવી પણ તેને વશ થઈ જાય છે.

દેખાદેખીથી દૂર રહો.

તમારે ‘સ્કૂટર’ ની જરૂરિયાત હોય, પણ તમારા બધા જ મિત્રો ‘સ્કૂટર’ પર આવતા હોય ત્યારે તમને સ્કૂટર ખરીદવાની ઈચ્છા થાય. આવા પ્રસંગે સ્કૂટર ખરીદવા માટેના પૈસા મેળવવાની તમારે ચિંતા કરવી જોઈએ નહીં. સ્કૂટરની જરૂરિયાત તો નથી જ. બીજા પાસે સ્કૂટર છે માટે મારે પણ સ્કૂટર જોઈએ જ. આવી લાલચમાં પડવું નહીં. તમારા પાડોશીઓએ તેમના પુત્રોને કૅલિફોર્નિયા અને કૅમ્બ્રિજ માં ભણવા મોકલ્યા છે માટે મારે પણ મારા પુત્રોને ત્યાં મોકલવા જોઈએ. એવી લાલચમાં પડીને તમારી જાતને સંતાપ પહોંચાડવો જોઈએ નહીં. આમ દેખાદેખીથી માનસિક સંતાપ વધે છે, માટે તેનાથી દૂર રહેવું.

લાલચમાં ન લપટાવ

દરેક પ્રકારની લાલચથી દૂર રહો. લલચાવનારી ભૂમિમાં ડગ ના ભરો. કારણકે ડગ ભર્યા પછી લાલચનો સામનો કરવા ઝઝૂમવું પડશે. લાલચમાં ફસાશો તો તમારી ઈચ્છા પર બિન-જરૂરી બોજો વધી જશે. તમે લાલચનો સામનો કરવામાં સફળ થશો તોયે તમારા મનમાં લાલસા રહી જશે. યાદ રાખો કે ‘લાલસા બેચેની-અશાંતિ પેદા કરે છે.’

જરૂરિયાતો ઘટાડો

તમારી જરૂરિયાતો વધારીને ભિખારી જેવી લાગણી ના અનુભવો. બલકે તમારી જરૂરિયાતો ઘટાડીને રાજા જેવી લાગણી અનુભવો. ઘરે તમારી પાસે પૂરતા કપડાં હોવા છતાં પણ તમારે શા માટે કાપડની દુકાનમાં પ્રવેશી ભાતભાતનાં કાપડ નીરખી જીવ બાળવો જોઈએ ? આમ કરવાથી કાં તો તમે બિન-જરૂરી વસ્તુઓ ખરીદશો અથવા નિસાસો નાખશો કે ‘અરેરે આ મારી પાસે નથી. આહ ! હું આ ખરીદી શકું તો !’

માનસિક શાંતિ અને ભૌતિક ચીજોનો લોભ એકબીજાનાં કટ્ટર વિરોધી છે. બંને કદી સાથે રહી શકે નહીં. માટે તમારે તમારી પસંદગી કરી લેવી પડશે.

તમારી બહારની પ્રવૃતિઓ સાથે સુસંગત રહે એ રીતે તમારે તમારી જરૂરિયાતો બને તેટલી ઘટાડી નાખવી જોઈએ. જેટલી જરૂરિયાતો અને મિલકતો ઓછી તેટલી શાંતિ વધારે. માલ-મિલકત દુ:ખ આપે છે. આ મુદ્દો એટલો સ્પષ્ટ છે કે વધારે સમજૂતીની જરૂર દેખાતી નથી. મોટરના માલિક બનવા કરતાં ટૅક્ષી ભાડે લેવી સારી. પોતાનું ઘર વસાવવા કરતાં ભાડાના મકાનમાં રહેવું સારું. એવી આ વાત છે.

કરવા યોગ્ય કામ જ કરો.

આપણામાંના ઘણા દુ:ખી થાય છે તે સાચા જ્ઞાન કે શાણપણ અભાવને લીધે નહિ. પણ રોજિંદા જીવનમાં તેનો અમલ ન કરવાને લીધે જ. તમારે માનસિક શાંતિ જોઈતી હોય તો ન કરવા જેવી વસ્તુઓ કરવાનું તરત બંધ કરી દો. અને કરવા યોગ્ય વસ્તુઓ કરવાનું તરત શરૂ કરી દો. મનની શાંતિ માટે આ ખૂબ જરૂરી છે.

આથી તમે સાચા માર્ગ પર ચાલવા લાગશો, અને સાચો માર્ગ મળ્યો કે પછી પરમાત્માની કૃપાનો પ્રવાહ તમારા જીવનમાં વહેવા માંડશે. અને તમારા જીવનને વધારે અને વધારે ઉદાત્ત બનાવશે. તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે અને તમારી આસપાસ બધે જ શાંતિનું વાતાવરણ સર્જાશે.

ખંતપૂર્વક સદગુણો કેળવો.

શ્રધ્ધા રાખવી પડશે. પ્રેમ વહાવવો પડશે. નિસ્વાર્થપણે વર્તવું પડશે. દાનધર્મ આચરવો પડશે. નિષ્કામ બનવું પડશે. ભકિત કેળવવી પડશે. આ સદગુણો એક રાતમાં પ્રગટ થતા નથી. તે કેળવવા માટે રાત-દિવસ ખંતપૂર્વક મંડયા રહેવું પડશે. ત્યાર પછી જ આ સદગુણોનું આચરણ તમારા જીવનમાં સ્વાભાવિક, રોજિંદી ટેવવાળું અને જીવનનો આચાર બની રહેશે. અસ્તુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તળનું મલક હશે કેવું, હેં માલમા ? – રમેશ પારેખ
લાગણીનાં બંધન – જયંતિ દલાલ Next »   

5 પ્રતિભાવો : મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-2) – અનુ. શ્રી આર.સી.શાહ

  1. Mital says:

    This was really inspiring and relatively sensible talk from someone, who seems to have understood the harsh reality of the cruel world, in which there are human beings who hide themselves under fancy faces!!

  2. Triple black cock penetration….

    Triple black cock penetration….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.